સૅન્ટ ગોરનો રસિક ઈતિહાસ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:-5 ~ ઉત્કર્ષ મઝુમદાર

સૅન્ટ ગોર હવે બસ પહોંચવામાં જ હતા ને એના ઈતિહાસની વાત મેં આગળ ચલાવી. ગોર હવે નજીકમાં જ ગામની ઉપર આવેલી ટેકરી પર મિડલ રાહીન જેને માટે પ્રખ્યાત છે એવા કેસલ્સમાંના એક કેસલ રાહિનફેલના ખંડેરો વિદ્યમાન છે.

સન ૧૭૯૪માં કશી લડત વિના ફ્રેન્ચ રેવૉલ્યુશનરી લશ્કરી દળને હસ્તક તે આવી ગયો. ૧૭૯૬-૯૭માં એનો સારો એવો ભાગ ઉડાવી દેવામાં આવ્યો. ફ્રેન્ચ હકુમત અહીં ૧૮૧૩ સુધી રહી.

પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ફરી એકવાર એ ફ્રેન્ચ કબ્જા હેઠળ આવ્યું ને બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકન લશ્કરે આના પર કબ્જો જમાવ્યો ને એનું શાસન ફ્રેન્ચ લશ્કરને હવાલે કર્યું. ૧૯૪૬ પછી નવા સ્થપાયેલા રાજ્ય રાહિનલેન્ડ – પલાટીનેટનો ભાગ બન્યું.”

કુતુહલ થતા નિશ્ચિંતે સવાલ કર્યો “અહીંની વસ્તી કેટલી?”

“૩૧-૧૨-૨૦૧૮ની વસ્તી ગણતરી મુજબ બે હજાર સાતસો ને એક.” જવાબમાં મેં કહ્યું.

આશ્ચર્યચકિત થઈને કહે “બસ આટલી જ? તો તો એને શહેર કેવી રીતે કહેવાય?”

હીનાએ અનુમોદન આપતા કહ્યું, “નહીં જ વળી. અરે એને કસબો પણ ન કહેવાય, ન મોટું ગામ કહેવાય. નાનું ગામડું કહેવાય.”

“અલબત્ત તમારી વાત સાચી છે. આપણા માટે તો આ સાવ નાનું ગામડું જ છે પણ આપણા મગજમાં ગામડાની જે છાપ છે તેનામાં અને આનામાં આસમાન જમીનનો ફરક છે. તમે જયારે જોશો ત્યારે ખ્યાલ આવશે કે આ તો કોઈ શહેરનું પરુ છે. અહીં હોટેલ્સ, રેસ્ટોરાં, દુકાનો, પેટ્રોલ પંપ એવી ઘણી બધી સગવડો છે. અહીં ગામની વચમાં પોતાનું રેલવે સ્ટેશન પણ છે જ્યાંથી ફ્રેન્કફર્ટ, મેન્સ, અને કોલોન જવા માટે ટ્રેન મળે છે. અહીં કોઈ કર્મચારી નથી.”

“તો પછી ટિકિટ્સ કેવી રીતે ખરીદવાની?” આ વખતે આશ્ચર્યચકિત થવાનો વારો હીનાનો હતો.

હું કોઈ બોલું એ પહેલા સીજેએ કહ્યું, “જેમ નાસ્તાના પેકેટ્સ ને ઠંડા પીણાંના વેન્ડીંગ મશીન્સ હોય છે તેવી જ રીતે ટિકિટ્સ આપવા માટેના પણ મશીન્સ હશે. બરોબર કલાકાર?”

“સાવ સાચું. સૅન્ટ ગોર, રોડ, રેલ ને જળ પરિવહન એમ બધી જ રીતે વેલ કનેક્ટેડ છે. એની સામેના કાંઠા પર આવેલું સૅન્ટ ગોરહાઉસન જેની વસ્તી માત્ર 1585 (2002) ની છે એ પણ રેલ, રોડ ને જલ પરિવહન સેવાથી જોડાયેલું છે.

સૅન્ટ ગોર પાસે રાહિનફેલ નામના કેસલના ખંડેરો છે તો એના ભગિની શહેર પાસે ‘કેટ’ અને ‘માઉસ’ નામે ઓળખાતા સાબૂત કેસલ્સ છે. થોડેક આગળ ‘લોરેલાઈ’ નામનો પ્રખ્યાત ખડક પણ છે જેને જોવા કેટલાય પ્રવાસીઓ ત્યાં જાય છે.”

undefined
The Lorelei rock

“આભાર કલાકાર. આવી સરસ માહિતી આપવા બદલ. તમારી નાટકીય ભાષામાં કહે છે તેમ તહે દિલથી શુક્રિયા. આપણે લગભગ પહોંચી ગયા છીએ. આગળથી આપણે જમણે વળીશું ને થોડીક વારમાં સૅન્ટ ગોર પહોંચી જઈશું.” સીજે એ કહ્યું.

“ઉત્કર્ષ, એક પંથ ને દો કાજ જેવું થયુ. આસપાસનો નઝારો પણ જોવાયો ને તારી જાણકારી આપતી વાતો પણ સાંભળી.” હીનાએ સીજેને ટેકો આપતા કહ્યું.

હું સહેજ મારા વખાણ સાંભળી પોરસાયો પણ ખબર ન હતી કે હવે સીજે મને કેવો ફસાવવાનો છે.

“તો કલાકાર આપણે એક કામ કરીયે. આપણે જે જે ગામ શહેર સ્થળની મુલાકાત લઈએ એના વિષે તારે અમને રસપ્રદ રીતે એની માહિતી આપવાની. શેઠાણીઓ તમે મારી વાત જોડે સહમત થાવ છો? હીનાએ તરત હા પાડી ને નિશ્ચિન્ત ક્ષણિક વિચાર કરીને કહે “હાં, બટ બી બ્રીફ”. આમ ત્રણ વિરુદ્ધ એક એમ ઠરાવ પસાર થઇ ગયો.

અમે ધોરીમાર્ગ મૂકી જમણી બાજુ અંદર વળ્યાં. આ રસ્તો ઢોળાવવાળો હતો. સૅન્ટ ગોર ખીણ આગળ વસેલું છે. વાંકોચુકો રસ્તો બહુ જ સરસ હતો. જોઇને દિલ બાગ-બાગ થઇ ગયું. મને એમ કે વળતી વખતે પણ આ રસ્તે આવીશું પણ એવું થવાનું ના હતું. આખરે અમે સૅન્ટ ગોર પહોંચ્યા પાછો એક જમણી તરફનો વળાંક લીધો ને આ રસ્તો નદીની સમાંતર જતો હતો.

વાહ કેવું મનોરમ દ્રશ્ય. નદીની છેક પાસેથી સમાંતર રસ્તો ચાલી જાય છે ને સામે કાંઠે હરિયાળી આચ્છાદિત ડુંગરો. અમે બધા કુદરતી સૌંદર્ય જોવામાં એટલા રમમાણ રહ્યા કે અમારી હોટેલ કયારે નીકળી ગઈ તેનું ધ્યાન જ ન રહ્યું ને રસ્તાને છેવાડે પહોચી ગયા.

પાછા ફરીને અમે નદી કિનારા તરફ દેખાયેલા કાર પાર્કમાં કાર પાર્ક કરી. બંને શેઠાણીઓ ત્યાં જ રહી. હું ને સીજે  હોટેલ ખોળવા નીકળ્યા જે નદી કિનારે જ હતી. ઝાઝી તકલીફ લેવી ન પડી એ ડાયગ્નલી ઓપોઝિટ હતી. બે માળી હોટેલનું નામ બડું ફેન્સી હતું. ‘હોટેલ એન ડેર ફરી’ જેનો અર્થ થતો હતો હોટેલ ઓન ધ ફેરી.

અમે બંને રસ્તો ઓળંગીને સામેની તરફ ગયા. અમે જોયું તો દરવાજો બંધ હતો. અંદર લાઇટ્સ પણ નહોતી ડોરબેલ જેવું પણ નહોતી. થોડીક ક્ષણો તો મૂંઝાઈને ઊભા રહ્યા પછી સીજે કહે, “ચાલ આ બાજુમાં આવેલી ગલીમાં થઈને હોટલની પાછલી બાજુ જઈએ. રખે ને મુખ્ય દરવાજો ત્યાં હોય.” ત્યાં ગયા.

સીજેનું અનુમાન સાચું નીકળ્યું પણ આ દરવાજોય બંધ હતો ને અંદર લાઇટ્સ ન હતી. હવે શું કરવું? હું મૂંઝાઈ ગયો પણ સીજે પીઢ પ્રવાસી, તે ગભરાયો નહિ. એણે સીધો હોટેલની એલીસિયા નામની માલકીનને ફોન કર્યો.

એણે ધરપત આપતા કહ્યું, “તમારી રાહ જોતી હતી પણ તમે આવ્યા નહિ એટલે બીજું કોઈ કામ ન હોવાથી ઘરે આવતી રહી. પણ તમે ચિંતા ના કરશો. દરવાજાની ચાવી હોટેલની બહાર રખાયેલા બોક્સમાં છે જે રૂમની ચાવી તરીકે પણ કામ લાગશે. બીજા રૂમની ચાવી પહેલા રુમના પલંગ પર રાખી છે.”

હું તો ચકિત થઇ ગયો. આ તે કેવું? પછી સમજાયું અહીં ચોવીસે કલાક ખુલ્લું રહેતું રિસેપશન નથી. નાની હોટેલ. વધારે સ્ટાફ રાખવો પોષાતો નહિ હોય એટલે આવી વ્યવસ્થા કરી હશે. હોટેલમાં રેસ્ટોરન્ટ ન હતી એટલે પછી ઝાઝું કામ ન રહેતું હોય. રાતના કોઈ ગેસ્ટ મોડેથી આવે તો એના રૂમની ચાવીથી મુખ્ય દરવાજો ખોલી અંદર દાખલ થઇ જાય.

વાંચનારને થશે કે ચાવી બહારના બોક્સમાં મૂકી હોય તો કોઈ આવીને તફડાવી પણ શકે. ના, એવું ન થાય કારણકે એ બોક્સ નંબરવાળો હતો તમે એમાં ચોક્કસ નંબર દબાવો તો જ બોક્સ ખુલે. પેલા બહેને સીજેને નંબર આપ્યો એ નંબર દબાવતા જ બોક્સ ખુલી ગયું.

સીજે આખી પદ્ધતિ સમજાવતા કહે, “ઉત્કર્ષ આખા જર્મનીમાં ઑટોમૅશન સિસ્ટમ આવી ગઈ છે. હોટલની કે એરબીએનબીની ચાવી પણ આવી રીતે બોક્સમાં નાખેલી મળે. તમારા આગમનના પહેલા તમને એ નંબર જણાવી દેવામાં આવે. મોટાભાગની હોટેલ્સમાં બેલ બોયની પ્રથા નીકળી ગઈ છે. તમારે તમારો સમાન જાતે ઊંચકીને લઇ જવો પડે. તેથી જ મેં કહ્યું હતું કે બહુ સામાન નહિ રાખતા.”

અંધારું થઇ ગયું હતું એટલે નંબર પ્રેસ કરવા માટે મોબાઈલની ટોર્ચ હાથવગી થઇ ને એના અજવાળે નંબર નાખી ચાવી કાઢી.

જરા વિચાર કરો કે હોટેલનો બંધ મુખ્ય દરવાજો તમે જાતે ઉઘાડો છો. કેવી વિચિત્ર અનુભૂતિ. અમારે અમારી મોબાઇલ ટોર્ચ ચાલુ રાખવી પડી કારણ કે અંદર પણ ગાઢ અંધકાર હતો. હવે અમારો રુમ ક્યાં છે તે ખોલવો કેવી રીતે?

સદ્નસીબે એણે સીજેને કહેલું કે તમારો રૂમ પહેલા માળે છે. જેવા અમે દાદરો ચઢવા લાગ્યા કે એકાએક બત્તી થઇ ને પલભર માટે તો હેબતાઈ ગયા કે કોણે લાઇટ્સ ચાલુ કરી.

સીજેએ મારી તરફ જોયું. જાણે કહેતો હોય, “કલાકાર મગજમાં બત્તી થઇ કે નહિ?” હું બોલી ઊઠયો ‘ઓટોમેશન’.

સેન્સર લગાડેલી લાઇટ્સ હોય એટલે કોઈના હલનચલનથી આપોઆપ ચાલુ થઇ જાય. રૂમ શોધતા મુશ્કેલી ન પડી, ખુલ્લો જ હતો ને ત્યાં બીજા રૂમની ચાવી પડેલી. હું તો આ આખાય અનુભવથી આશ્ચર્યચકિત થઇ ગયેલો.

રુમ બંધ કરી અમે નીચે ઉતર્યા ને પાર્કિંગ લોટ પર ગયા. કાર લઈને હોટેલની બાજુએ આવ્યા. બધો સામાન ધીરે ધીરે પાછલી બાજુ લઇ આવ્યા ને ઉપર પહેલા મળે ચઢાવ્યો.

સારું થયું રૂમ્સ પહેલા માળે હતા. બીજે માળે હોત તો કેવી આપદા પડત! રૂમ ખોલીને સીઘો પલંગ પર પડ્યો. નિશ્ચિંત જઈને બારીઓ ખોલે છે ને મસ્ત ઠંડો પવન આવે છે. એસીની કોઈ જરૂર જ નથી.

બારી ખોલતાં જ નિશ્ચિન્તના મુખેથી શબ્દો નીકળ્યા, “ઓહ! વોટ અ લવલી વ્યુ.”

હું પણ સટ્ટાક દઈને ઊભો થઈને બારી પાસે ગયો. જોયું તો સામે રાહીન નદી શાંત રીતે વહેતી હતી ને સામે પર્વતમાળા. અદભુત દ્રશ્ય. પળવારમાં અમારો થાક ગાયબ થઇ ગયો. થોડોક આરામ કરીને અમે બહાર નીકળ્યા.

નિશ્ચિન્ત

હોટેલમાં રેસ્ટોરન્ટ ન હતી એટલે અમારે જમવા બહાર જ જવું પડે તેમ હતું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..