પ્રકરણ:25 ~ પ્લેનની પહેલી મુસાફરી ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
1965ના ઑક્ટોબરની દસમી તારીખે મોડી રાતે હું જયારે એર ઇન્ડિયાના પ્લેનમાં બેઠો એ મારી જિંદગીની પહેલી જ પ્લેનની મુસાફરી હતી.
સાવરકુંડલા જેવા નાનકડા ગામમાંથી વાયા વિરમગામ થઈ મુંબઈ પહોંચેલા અમારા જેવા માટે એરપ્લેનનું એક્સાઈમેન્ટ જબરું હતું! દેશમાંથી નવા નવા આવેલા અમે મુંબઈના એરપોર્ટ પર પ્લેન જોવા જતાં. પ્લેનને ચડતુંઊતરતું જોવું એ પણ અમારે માટે મોટો લ્હાવો હતો.
એરપોર્ટના લાઉડસ્પીકર ઉપર થતા એનાઉન્સમેન્ટમાં જયારે ન્યૂ યોર્ક, લંડન, બર્લિન, મિલાન, સિડની વગેરે નામો બોલાતાં ત્યારે હું રોમાંચ અનુભવતો. કલ્પના કરતો કેવાં હશે એ શહેરો? મૂવી થીએટરમાં જયારે ન્યૂસ રિલીઝમાં પરદેશ જતા આવતા મહાનુભાવોને પ્લેનમાં હું ચડતાઊતરતા જોતો ત્યારે થતું કે હું ક્યારે આવી રીતે પ્લેનની મુસાફરી કરીશ?
ઑક્ટોબરના એ દિવસે જયારે પ્લેનના પગથિયાં ચડતો હતો ત્યારે માની જ નહોતો શકતો કે હું ખરેખર જ પ્લેનમાં બેસીને ન્યૂ યોર્ક જઈ રહ્યો હતો.
પ્લેનમાં દાખલ થતાં જ મેં જોયું કે બધું કેટલું સ્વચ્છ અને વ્યવસ્થિત હતું. અહીં એરપોર્ટનો ઘોંઘાટ, ધમાલ, ધક્કામુક્કી નહોતાં. મારી સીટ ઉપર બેઠો કે તરત એક ટૂંકા વાળવાળી, છટાથી સુંદર સાડી પહેરેલી રૂપાળી એર હોસ્ટેસ આવીને વિનયથી મને પૂછી ગઈ, બધું બરાબર છે ને? તમારે ચા-કૉફી જોઈએ છે?
મુંબઈમાં ક્યારેય કોઈએ મારી સાથે આવી મીઠાશથી વાત કરી હોય એવું યાદ નહોતું. એ જમાનો એરલાઈન સર્વિસનો હતો, અને તેમાંય એર ઇન્ડિયાની સર્વિસ તો બહુ વખણાતી હતી. હું તો બાઘાની જેમ એને જોઈ જ રહ્યો. એને એમ કે હું ઈંગ્લીશ નહીં સમજતો હોઉં. એણે મને ફરી પૂછ્યું, પણ હવે હિન્દીમાં, હું કંઈ પાછો પડું એવો થોડો હતો? મેં કહ્યું “નો, થેંક્યુ!”
મારા લેબાસ પણ એવા જ હતા. જિંદગીમાં પહેલી જ વાર સૂટ પહેરેલો. મારા શેઠે મને આપ્યો હતો. કહે: અમેરિકામાં બહુ ઠંડી પડે છે. તમારે આ ગરમ સૂટની જરૂર પડશે. બરાબર ફીટ નહોતો થતો તોય મેં તો ચડાવ્યો!
બાકી હોય તેમ એમણે જે એક થર્મલ પેન્ટ આપ્યું એ પણ લગાવ્યું. એરપોર્ટની એ ગરમી, ગર્દી, હારતોરા, અને હું પરસેવે રેબઝેબ. ટાઈ બાંધતાં પણ હજી હમણા જ શીખ્યો હતો. મેં જિંદગી પહેલી જ વાર મોજા અને દોરીવાળા શુઝ પહેર્યા હતા. એ બહુ કઠતા હતા. ચપ્પ્લથી ટેવાયેલા મારા પગને આ ઠઠારો નહીં ગમ્યો હોય.
જે લોકો છાશવારે પ્લેનની મુસાફરી કરતા હશે તે તો બધા ફટાફટ ગોઠવાઈ ગયા. એમને તો ખબર હોય ને કે સાથે લીધેલો સામાન ક્યાં મૂકવો, હાથમાં શું રાખવું. એ બધાને જોઈને મેં પણ મારો સામાન ઉપર ગોઠવ્યો. મોટા ભાગના મુસાફરો તો છાપાં કે ચોપડીમાં ખોવાઈ ગયા. હું એ બધાંને જોતો જ રહ્યો. થયું કે આ લોકો જે મુંબઈમાં મારો ભાવ પણ ન પૂછે, તેમની સાથે આજે હું પ્લેનમાં બેઠો છું!
એરપોર્ટ પર મને હારતોરા પહેરાવાતા હતા ત્યારે મારા મિત્ર પંચમિયા આવીને મને કહી ગયા કે મારા જ પ્લેનમાં એસ. કે. પાટીલ હતા. એ પણ અમેરિકા જતા હતા. હું તો માની જ ન શક્યો. હું અને સદોબા પાટીલ એક જ પ્લેનમાં? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? પાટીલ તો મુંબઈના એ સમયના બેતાજ બાદશાહ ગણાતા. મુંબઈ નગરીનો એકહથ્થુ કન્ટ્રોલ તો કરે, પણ સાથે સાથે દિલ્હીની સેન્ટ્રલ ગવર્ન્મેન્ટમાં મિનિસ્ટર પણ હતાં.

મુંબઈમાં એમને ઘણી વાર જોવા, સાંભળવાનું થયેલું, પણ એ બધું તો જાહેરસભા, સમારંભોમાં. મને થયું કે આ એમને મળવાની અનેરી તક છે તે ન ગુમાવવી જોઈએ. પણ એ તો ફર્સ્ટ ક્લાસમાં હોય, એને મળવું કેમ?
મેં તરત એમને ચિઠ્ઠી લખી. કહ્યું કે મળવું છે. લાગ્યું તો તીર, નહીં તો તુક્કો! બહુ બહુ તો એ ના પાડશે. એ રીતે જ 1962માં મુંબઈની ચૂંટણી વખતે હું કૃષ્ણ મેનન અને આચાર્ય કૃપલાણીને મળી આવેલો.
આવા મોટા માણસોને મળવાનો મને કોઈ દિવસ સંકોચ નથી થયો. હું એમની સાથે શું વાતો કરીશ એવો પણ પ્રશ્ન મને થયો નથી. અમેરિકા આવીને પણ અહીંના અગત્યના નેતાઓ, વિચારકોને આ રીતે જ મળતો.
એટલાન્ટા પહોંચતાં જ ત્યાંનાં મુખ્ય છાપા, એટલાન્ટા જર્નલ એન્ડ કોન્સ્ટિટ્યુશનના તંત્રી અને અમેરિકાની સિવિલ રાઈટ્સ મુવમેન્ટના એક અગત્યના પ્રણેતા રાલ્ફ મક્ગીલને પણ કાગળ લખીને મળી આવ્યો હતો.

અમેરિકાના તે વખતના જગપ્રસિદ્ધ કોલમનીસ્ટ વોલ્ટર લીપમેનને પણ મળવા માટે કાગળ લખ્યો હતો! જો કે પાછળથી ખબર પડી કે એને મળવા માટે મોટા મોટા એમ્બેસેડરો, રાષ્ટ્રપ્રમુખો, વડાપ્રધાનોને પણ મુશ્કેલી પડે છે!
અમેરિકાથી દેશમાં ફરવા જતો ત્યારે મળવા જેવા માણસોને અગાઉથી થોડા પત્રો લખતો હતો. આ રીતે જ ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈને પણ મળી આવ્યો હતો.
મેં એર હોસ્ટેસ દ્વારા ચિઠ્ઠી મોકલાવી. એ પાછી આવી ને કહે અત્યારે તો પાટીલ સાહેબ સૂતા છે, સવારે એમને ચિઠ્ઠી આપશે. હું પણ આખા દિવસની ધમાલથી થાક્યો હતો. સૂઈ ગયો.
સવારના પ્લેન ઝ્યુરિક પહોંચ્યું. પગ છૂટો કરવા ઊતર્યો. નાનું પણ શું સુંદર એરપોર્ટ! ક્યાં મુંબઈના એરપોર્ટના ધમાલ, ગંદકી, અંધાધુંધી અંધાધૂંધી અને ક્યાં અહીંની વ્યવસ્થા, શાંતિ, સ્વચ્છતા!
ત્યાં સવાર પડેલી. લાંબી કાચની દીવાલોમાંથી પથરાતો સવારના સૂર્યનો હૂંફાળો તડકો મને ગમ્યો. એરપોર્ટના રિસેપ્શન એરિયાની એક બેંચ પર બેઠો, અને મને પહેલી જ વાર થયું કે મેં મુંબઈને, દેશને, એ બધી ધમાલને ખરેખર છોડ્યાં છે. હું મારા સદ્ભાગ્યને માની જ નહોતો શકતો કે જે અમેરિકા વિષે મેં છાપાંમાં કે મેગેઝિનોમાં વાંચ્યું હતું ત્યાં જ હું જઈ રહ્યો હતો.
મારી અમેરિકાની સફર વિષે હું આવા અહોભાવથી લખું છું અથવા એ વિષે વાતો કરું છું તે હવે અમેરિકા છાશવારે જતા આવતા દેશીઓને વિચિત્ર લાગે એ હું સમજી શકું છું.
એ જમાનામાં આજના જેટલું લોકો ટ્રાવેલ નહોતા કરતા. હવે તો દેશમાં ગામડે ગામડે ટેલિવિઝન પહોંચ્યાં હોવાથી લોકોને અમેરિકાના ન્યુસ ચોવીસે કલાક મળે છે.
આજે સીએનએન જેવા શો અમેરિકામાં શું થઇ રહ્યું છે તેની માહિતી તત્કાલ ઘરે ઘરે પહોંચાડે છે. આજે જે રીતે દેશના લોકો અમેરિકામાં શું ચાલી રહ્યું છે, અમેરિકનો કેવી રીતે જીવે છે, એ બાબતમાં વાકેફ છે, એવી અમને અમારા જમાનામાં કોઈ ખબર નહોતી. હું જયારે દેશમાંથી નીકળ્યો ત્યારે હજી મુંબઈમાં ટેલિવિઝન આવ્યું નહોતું.
માત્ર હોલિવુડની મૂવીઓમાં અથવા તો ન્યુસરીલમાં જે અમેરિકા જોવા મળતું તેનાથી અમે આભા બનતા. અમેરિકા ફરીને કે ભણીને કોઈ પાછું આવ્યું હોય તેને મળવાનું બન્યું હોય તેય મારે મન મોટી વાત હતી.
એવા વિરલ પ્રસંગે હું તેમને અમેરિકા વિષેના અનેક પ્રશ્નો પૂછીને પજવી મારતો. એક ભાઈ કંટાળીને મને કહે: તમને અમેરિકાનું આટલું બધું ઘેલું છે તો તમે ત્યાં કેમ જતા નથી? બાપને દલ્લે અમેરિકા આંટો મારી આવેલા એ નબીરાને હું શું કહું? એ વાત મને ઝ્યુરિકના એરપોર્ટ પર યાદ આવી ગઈ!
હું એરપોર્ટ ઉપર આમ મારી સુખની પળો વાગોળતો બેઠો હતો ત્યાં મને સંભળાયું કે મારે પ્લેનમાં પાછું ચડવાનું છે. પ્લેનમાં બેઠો કે તરત બ્રેકફાસ્ટ આવ્યો. એક નાની ટ્રેમાં આટલી બધી વસ્તુઓ આવી વ્યવસ્થિત રીતે ગોઠવાઈને આવે એ જોઈને હું છક્ક થઇ ગયો.
જિંદગીમાં પહેલી જ વાર મેં સીરીયલ જોયા. ખબર નહીં કે એ કેમ ખવાય. બાજુના પેસેન્જરને જોઈ મેં પણ એમાં દૂધ નાખ્યું. આમ પહેલી વાર મેં સીરીયલ ખાધા અને મારું અમેરિકનાઈઝેશન શરૂ થયું.
બ્રેકફાસ્ટ પૂરો થયો કે તરત પાટીલ સાહેબે મને મળવા બોલાવ્યો. હું બાજુની સીટમાં બેઠો. હું કોણ છું, શા માટે અમેરિકા જાઉં છું, એવા એમના ઔપચારિક પ્રશ્નો પછી મેં એમને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.
વર્ષોનું મારું નિયમિત ટાઈમ્સનું વાંચન કામમાં આવ્યું. એમની અને કૃષ્ણ મેનનની વચ્ચેની વૈચારિક હુંસાતુંસી જગજાહેર હતી.
હજી હું મેનનનું નામ લઉં ત્યાં જ તેમણે ડાબેરી વિચારધારાને અનુસરતા દેશના રાજકારણીઓ – જેમાં મેનન મુખ્ય ગણાતા – દેશનું કેવું સત્યાનાશ કરી રહ્યા છે, તે માટે લાંબું ભાષણ કર્યું અને પછી તે અચાનક જ મૂંગા થઈ ગયા.
તેમણે આંખો બંધ કરી દીધી. મને ખબર ન પડી કે મારે હવે શું કરવું. એર હોસ્ટેસ જે દૂર ઊભી ઊભી અમારો તમાશો જોઈ રહી હતી, તેણે મને ઊઠવાનો ઈશારો કર્યો અને મારી પાટીલ સાહેબ સાથેની મુલાકાત પૂરી થઈ.
હું તો હવામાં ઊડતો ઊડતો મારી સીટ ઉપર પાછો આવ્યો. થયું કે ક્યારે હું એટલાન્ટા પહોંચું અને મિત્ર પંચમિયાને કાગળ લખું કે હું પાટીલને મળ્યો!
જો એર હોસ્ટેસે પાટીલ સાહેબ સાથે મારો ઇન્ટરવ્યૂ પૂરો ન કરાવ્યો હોત તો મારે એમને મારા મુંબઈના કડવા અનુભવની વાત કરવી હતી. આખરે એ તો મુંબઈના વડા નાગરિક હતા. કહેવાતું કે એમને પૂછ્યા વગર મુંબઈમાં ચકલુંય ન ફરકે.
હું 1957માં મુંબઈમાં આવ્યો અને 1965માં છોડતો હતો. જ્યારે આવ્યો ત્યારે કેટકેટલા સપનાં લઈને આવ્યો હતો! હું તો દેશસેવા કરવા થનગનતો હતો. મારે તો મોટાં કામ કરવા હતાં. નામના કરવી હતી. આજે મુંબઈથી જ્યારે નીકળતો હતો ત્યારે એ બધું શેખચલ્લીનાં સપનાઓની જેમ કેમ રોળાઈ ગયું?
મારે પાટીલને પૂછવું હતું કે મુંબઈમાં મારા જેવા જુવાનિયાઓ જેને કામ કરવું છે તેમને જેવી તેવી પણ નોકરી મેળવતાં આટલી બધી મુશ્કેલી કેમ પડે છે? દેશમાં આટલી બેકારી કેમ છે? રહેવાની નાનકડી ઓરડી પણ કેમ મળતી નથી? એને માટે એ શું કરે છે? દેશમાં તંગી સિવાય છે શું? અને તંગીનું નિવારણ કરવા માટે સરકાર એક પછી એક બાબતમાં કન્ટ્રોલ મૂકવા સિવાય બીજું કરે છે શું? અને જે લોકોને કંઈક પણ કરવું છે તેની ઉપર સરકારનો અંકુશ શા માટે છે?
એકનો એક દીકરો પરણતો હોય અને તમારે જમણવાર કરવો હોય તો ન થાય! ફિલ્મોમાં શું બતાવી શકાય અને શું ન બતાવી શકાય એ પણ સરકાર નક્કી કરે. હીરો હિરોઈનને ફિલ્મમાં ચુંબન ન કરી શકે! એવું કંઈ જોવું હોય તો હોલિવુડની મૂવી જોવા જવું પડે. વળી એવી મૂવી અમુક જ થિયેટર જ દેખાડી શકે.
નાનો મોટો ધંધો કરવો હોય કે ફેક્ટરી શરૂ કરવી હોય તો એને માટે સરકારી પરમિટ લેવી જોઈએ. રાજાજીએ સાવ સાચું જ કહ્યું હતું આ તો ‘લાયસન્સ પરમિટ રાજ’ છે.
જિંદગીની નાની મોટી બધી જ વાતમાં આ સડેલી સરકાર, ખાસ તો એની રેઢિયાળ અને બેજવાબદાર બ્યુરોક્રસી, આડી આવે છે એ બાબતમાં એ શું કરે છે. એવું પણ બને કે મારી આવા ઉકળાટ સામે પાટીલ સાહેબે મને કહ્યું હોત કે નહેરુ એનું કહ્યું માને તો ને? પણ નહીં કે મને પૂછવાનો કે એને જવાબ આપવાનો મોકો મળ્યો.
(ક્રમશ:)