પ્રકરણ:19 ~ સેનેટોરિયમોમાં રઝળપાટ ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
નલિનીને બા કાકા આગળ દેશમાં મૂકીને મારે તો મુંબઈ પાછું જવાનું હતું. જવાની આગલી રાતે મને ઊંઘ જ ન આવી. હું મારા ભવિષ્યના વિચારે ચડ્યો. મોટે ઉપાડે મેં લગ્ન તો કર્યું, પણ હવે શું? ભવિષ્ય એકદમ નિરાશાજનક દેખાયું. થયું કે હું શું કરી બેઠો?
મુંબઈ જઈને મૂળજી જેઠા મારકેટની ન કરવા જેવી નોકરી કરવાની છે, એ જ પેઢીમાં ભૈયાઓ અને ઘાટીઓ સાથે સૂવાનું છે, નાતની વીશીમાં ખાવાનું છે, બા કાકાને મદદ કરવાની વાત તો બાજુમાં રહી, હું એમને માથે નલિનીનો ભાર મૂકીને જાઉં છું.
ટ્રેનની લાંબી મુસાફરી કરતાં મારા વિચારોની ટ્રેનની મુસાફરી વધુ લાંબી નીકળી! હું ક્યાં સુધી નલિનીને દેશમાં રાખી શકીશ? આગલી રાતે એનો ધ્રુવ મંત્ર એક જ હતો: “મને ક્યારે મુંબઈ બોલાવીશ?” પણ એ માટે તો મારે ઓરડી લેવી પડે, ઓરડી માટે પાઘડીના પૈસા જોઈએ એ ક્યાંથી કાઢવા? ઓછા પગારની નોકરીમાંમાંથી મારું જ જો માંડમાંડ ચાલતું હતું, તો હું કેવી રીતે પાઘડીના પૈસા ઊભા કરીશ?
હવે મને સમજાયું કે મેં છોકરમતમાં વિચાર કર્યા વગર લગ્ન કર્યા એ કેવડી મોટી ભૂલ હતી. એ ભૂલ મારે દાયકાઓ સુધી ભોગવવી પડશે, કે એમાં મારું આખું જીવન રોળાઈ જશે તે વાત તો મને મોડી સમજાણી.
હાલ તરત તો મારે યેનકેનપ્રકારેણ નલિનીને મુંબઈ લાવવાની હતી. સારા પગારની નોકરી ગોતવી પડશે, અથવા કોઈ ધંધાની લાઈન શોધવી પડશે. પણ એ કેમ કરવું?
મુંબઈ આવીને હું પેઢીની રૂટીનમાં ધીમે ધીમે પાછો ગોઠવાઈ ગયો. પણ હવે હું નફિકરો ન હતો. મિત્રો અને પેઢીના લોકો જોઈ શકતા હતા કે મારે માથે મોટો ભાર હોય એમ સચિંત ફરતો હતો. લગ્ન કરીને જાણે કે મેં ગુનો કર્યો હોય એમ મને સતત થયા કરતું હતું. મિત્રોને મળવાનું તેમ જ મામામામી ને ઘરે જવાનું પણ ઓછું કરી નાખ્યું.
નલિનીને દેશમાં ગયે લગભગ એક વરસ થઈ ગયું. દેશમાંથી તેના કાગળો નિયમિત આવતા જ હતા. એમાં એક જ વાત હોય, દેશમાં ગમતું નથી, ક્યારે મુંબઈ બોલાવે છે?
હું તેને હજી રાહ જોવાનું લખતો હતો. કહેતો કે ઓરડી લેવાની પાઘડીના પૈસા નથી. હમણાં તો આ નોકરીમાં કોઈ બચત થતી નથી. નવી નોકરીની શોધમાં જ છું, કંઈક ધંધો કરવા માટે પણ પ્રયત્ન કરું છું. પણ એ હોશિયાર હતી. એણે ત્યાં દેશમાં બેઠાબેઠા પાઘડી વગર ઓરડી લેવાનો રસ્તો બતાવ્યો! એણે લખ્યું કે મુંબઈમાં ઘણા લોકો સેનેટોરીઅમમાં ટેમ્પરરી રહે છે તેમ રહીએ, પછી જોઈ લઈશું. એના એક સગા આ રીતે સેનેટોરિયમમાં રહેતા હતા.
મુંબઈની ગીચ ગલીઓ અને અંધારા વિસ્તારોમાં રહેતા લોકોને ઘણા રોગો થતા. ડોકટરો ભલામણ કરતા કે હવાફેર કરવા ક્યાંક બીજે જાવ, જ્યાં પુષ્કળ હવાઉજાસ હોય એવી જગ્યાએ ચાર છ મહિના રહેવા જાઓ.
આવા દર્દીઓ માટે નાતના દાનેશરીઓએ ચોપાટીના દરિયા કાંઠે અને દૂરના પરાંઓમાં સેનેટોરિયમો બંધાવેલાં. દર્દીઓને થોડાક મહિના રહેવા મળે.
શરત એ કે તમારી પાસે ડોક્ટરનું સર્ટીફીકેટ હોવું જોઈએ અને મુંબઈમાં રહેવાનું ઘર હોવું જોઈએ, જેથી ઓરડી વગરના અમારા જેવા સાજાનરવા માણસો સેનેટોરિયમની વ્યવસ્થાનો ગેરલાભ ન લે. જો કે લોકો ગમે તેમ કરીને ગેરલાભ લેતા જ હતા.
નલિનીનું કહેવું હતું કે આપણે શા માટે આવી સેનેટોરિયમમાં જગ્યા ન શોધીએ? કોઈ સગાની લાગવગથી ડોક્ટરનું સર્ટીફીકેટ તો મળી જ રહે. એના મોટા બહેન તારાબહેન જેને મુંબઈમાં ઓરડી હતી તેને નામે સેનેટોરિયમની અરજી કરવી. જો તુક્કો લાગે તો ઓછામાં ઓછું ત્રણ મહિના તો સાથે મુંબઈમાં રહેવા મળશે, પછીની વાત પછી!
ત્રણ મહિના પછી જો બીજી કોઈ વ્યવસ્થા ન થઈ તો એ પાછી દેશમાં જશે! એનો એ તુક્કો લાગ્યો અને અમને વિલે પાર્લેમાં ત્રણ મહિના માટે નાતના એક સેનેટોરિયમમાં બે રૂમની જગ્યા મળી. અને નલિનીનું મુંબઈમાં આવવાનું નક્કી થયું.
આગળ જણાવ્યું તેમ એ જમાનામાં સાવરકુંડલાથી મુંબઈ જવા માટે વચમાં વિરમગામ સ્ટેશને ગાડી બદલવાની. ત્યાં મીટરગેજની ટ્રેન પૂરી થાય અને બ્રોડગેજની ટ્રેન શરૂ થાય.
નક્કી એવું થયું કે નલિની સાવરકુંડલાથી વિરમગામ આવે અને હું મુંબઈથી ત્યાં અડધે રસ્તે લેવા જાઉં. આ સેનેટોરીઅમની વ્યવસ્થા માત્ર ત્રણ મહિનાની જ છે, પછી નલિનીને ક્યાં રાખવી, ત્યારે અમારું શું થશે, એ બધી ચિંતા મૂકી હું વિરમગામ જવા તૈયાર થયો.
નલિનીને એક વરસ પછી મળવાનું હતું. એની સાથે હનીમૂનમાં ભલે ને એક અઠવાડિયા માટે પણ જે જાતીય આનંદ ભોગવ્યો હતો, જે મજા કરી હતી તે મનમાં હું હંમેશ વાગોળતો. થયું કે વળી પાછી એ મજા કરવાની મળશે.
હું તો હરખપદુડો થઈને નક્કી કરેલ દિવસે વિરમગામ સ્ટેશને પહોંચી ગયો. મુસાફરોના ટોળાં વચ્ચે નલિનીને ગોતવા માંડ્યો. આખરે એને જોઈ, પણ મારો બધો જ ઉત્સાહ ઓસરી ગયો.
જોયું તો એની સાથે મારો એક ભાઈ અને કાકા પણ ઊભા હતાં. મને ધ્રાસકો પડ્યો, શું આ ભાઈ પણ મુંબઈ આવવાનો છે? મેં કલ્પના એવી કરેલ કે કાકા નલિની મને ભળાવીને પાછા સાવરકુંડલા જશે અને હું નલિનીને લઈને મુંબઈ આવીશ. મારો એની સાથે રહીને મજા કરવાનો જે વિચાર હતો તે ભાઈને જોઈને પડી ભાંગ્યો.
“કાકાની કઠણાઈ” નામના પ્રકરણમાં આગળ જણાવ્યું છે તે મુજબ મારે આ ભાઈને મુંબઈ લાવવો પડ્યો.
મુંબઈમાં હું મારું જ માંડમાંડ પૂરું કરતો હતો તેમાં હવે નલિનીની સાથે ભાઈ પણ આવીને માથે પડ્યો. એણે હાઇસ્કૂલ પણ પૂરી નહોતી કરી. એને નોકરીએ કોણ રાખવાનું છે?
ગુમાસ્તા થવાની પણ લાયકાત એનામાં નહોતી. ઘાટીની નોકરી મળે તોય એ ભાગ્યશાળી. વધુમાં એ મુંબઈમાં પણ સાવ નવોસવો. શરૂઆતના થોડા મહિના તો એ સાવ ઘરે બેઠો.
હું તો સવારના ઊઠીને નોકરીએ જાઉં, પણ નલિનીએ ભાઈની સંભાળ લેવાની. એને માટે સવાર બપોર સાંજ એમ ત્રણ ટંક રસોઈ કરવાની. ઘરમાં ગોંધાઈ રહેવાનું એને ન ગમે એટલે એને થોડું ઘણું મુંબઈ બતાડવાનું. એનો સ્વભાવ તીતાલી. ઘડીઘડીમાં ગુસ્સે થઈ જાય. ઝીણીઝીણી વાતમાં એનો કક્કો ખરો કરે.
કાકા એનાથી કેમ થાકી ગયા હશે તે હું સમજી શક્યો. થોડા જ વખતમાં નલિની પણ એનાથી થાકી ગઈ. દરરોજ રાતે અમારા બે વચ્ચે ભાઈપુરાણ થાય, અને મારી નલિની સાથે સૂવાની મજા બગડે. એ મને કહે તમે આ પાપને ઘરમાંથી બહાર કાઢો. પણ હું એને ક્યાં કાઢું? એને કોણ રાખે?
આખરે એક મિત્રની લાગવગથી ભાઈને એક રેડીમેડ ગારમેન્ટના સ્ટોરમાં ઘાટી તરીકે નોકરી અપાવી. સ્ટોરનો માલિક કહે, હું એને પગાર નહીં આપું, મેં કહ્યું કાંઈ વાંધો નહીં. થયું કે ઓછામાં ઓછું દિવસ આખો તો ઘરની બહાર રહેશે. નલિનીનો દિવસ પૂરતો તો છુટકારો થશે. પણ એને આવી પગાર વગરની નોકરી નહોતી કરવી. એને ઘાટી તો નહોતું જ થવું. એને તો ગલ્લે બેસવું હતું!
મેં કહ્યું જે છે તે આ છે. તું કંઈ ભણ્યો નથી, તારામાં કોઈ આવડત નથી. એ પણ કહ્યું કે મેં પણ આવી જ રીતે પહેલી નોકરી ઘાટી તરીકે અને પગાર વગર જ કરેલી. આ સિવાય તને બીજું કાંઈ મળશે નહીં. લેવી હોય તો લે નહીં તો દેશમાં પાછો જા! મને કમને એણે નોકરી લીધી. અને નલિનીને થોડીક રાહત થઈ. પણ અમારો રહેવાનો મૂળ પ્રશ્ન તો હજી ઊભો જ હતો.
સેનેટોરિયમમાં અમે અમારો ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો. ભલે ને કામચલાઉ પણ પહેલી જ વાર અમારું ઘર મંડાયું. મુંબઈના અસંખ્ય ગૃહસ્થ નોકરિયાતોની જેમ હું પણ સવારનો ચાનાસ્તો કરીને ટ્રેન પકડીને હું મુંબઈ જતો થયો. હવે વીશીમાં લંચ લેવાને બદલે ઘરેથી ટીફીન આવે તે ખાતો. સાંજે પેઢીનું કામ પતાવી બધાંની જેમ હું પણ ટ્રેન પકડીને ઘરે આવતો થયો. આમ હું મુંબઈના સ્થાયી વસવાટ કે રહેઠાણ વગર મુંબઈવાસી થયો.
સેનેટોરિયમના પાડોશીઓમાં નાદુરસ્ત તબિયતને કારણે હવાફેર માટે આવ્યા હોય એવા લોકો તો બહુ ઓછા. મોટા ભાગના લોકો મારા જેવા શરીરે નરવા પણ પૈસેટકે બિમાર હતાં.
અમારી કફોડી દશા એવી હતી કે નોકરી કરવી મુંબઈમાં પણ રહેવાના ફાંફા. આવા સમદુઃખિયા અમે એકબીજા સાથે નોટ્સ સરખાવતા.
ત્રણ મહિના પત્યે ક્યાં રહેવા જશું? પાડોશીને ઓળખો અને કાંઈક સંબંધ બાંધો ત્યાં તો એ બીજે ઠેકાણે જવાની તૈયારી કરતા હોય. ઘણા લોકો તો રાતે ને રાતે જ ગાયબ થઈ જાય! આપણને ખબર પણ ન પડે!
આમ લોકો આવતા જતા. કોઈ ભાગ્યશાળી માણસ પાઘડીના પૈસા ઊભા કરે. કાયમી નિવાસસ્થાનની ઓરડી કે ફ્લેટ લે. અમે બાકીના ફૂટેલા નસીબવાળા આભા થઈ છૂપીછૂપી એમની ઈર્ષ્યા કરતાં. મનોમન વિચાર પણ કરતા કે ક્યારેક તો આપણા નસીબનું પાંદડું ફરશે અને આપણે પણ ઓરડી કે ફ્લેટ લેશું.
પણ મારું નસીબનું પાંદડું ફરે એ પહેલાં અમારા ત્રણ મહિના પૂરા થવાની તૈયારીમાં હતા. મારી ચિંતા દિવસે-દિવસે વધવા માંડી. હવે હું શું કરીશ? હું તો પાછો પેઢીમાં સૂવા જઈ શકું, અને વીશીમાં ખાઈ શકું. પણ નલિનીને થોડું કહેવાય કે તું પણ પેઢીમાં સૂવા ચાલ? અને ભાઈનું શું કરવું?
જેવા ત્રણ મહિના પૂરા થયા કે હું સેનેટોરિયમના ટ્રસ્ટીઓના પગે પડ્યો. મારી પરિસ્થિતિ સમજાવી અને વિનંતી કરી કે અમને બીજા ત્રણ મહિના મહેરબાની કરીને રહેવા દો. એ લોકોને દયા આવી. અમને બીજા ત્રણ મહિનાનું એક્ષ્ટેન્શન આપ્યું.
હું તો રાજી રાજી. ઓછામાં ઓછામાં આવતા ત્રણ મહિના આપણે સહીસલામત છીએ. જો કે મને ખબર હતી કે બીજા ત્રણ મહિના તો અબઘડી પૂરા થશે, અને વળી પાછો એનો એ જ પ્રશ્ન ઊભો થવાનો છે.
જ્યાં સુધી હું ઓરડી લઈશ નહીં ત્યાં સુધી આ પ્રશ્ન ઉકલવાનો નથી જ. ખબર હતી કે આ નોકરીમાં પણ મારું કશું વળવાનું નથી.
લોકો કહે, ધંધો કર, દલાલી કર, પણ હું શેનો ધંધો કરું કે શેની દલાલી કરું? બી. કોમ.ની ડીગ્રીએ મને જમાઉધારના હવાલા નાખવા સિવાય શું શીખવાડ્યું હતું? કોઈ મોટી બેંકમાં મને નોકરી મળે તો મારો ઉદ્ધાર થઈ જાય. આવી બેંક ઓરડી કે ફ્લેટ લેવા માટે એના કર્મચારીઓને લોન આપતી હોય છે. બી.કોમ. થયો છું, તો બેંક ક્લાર્ક જરૂર થઇ શકું, પણ એવી નોકરી મેળવવા માટે લાગવગ જોઈએ એ ક્યાંથી કાઢવી?
સારી નોકરી માટેની શોધ તો ચાલુ જ હતી, પણ સાથે સાથે બીજા સેનેટોરિયમની શોધ પણ હવે શરૂ થઈ.
ખબર પડી કે મુંબઈના ચોપાટી વિસ્તારમાં બાજુબાજુમાં બે સેનેટોરિયમો હતાં. બન્નેમાં અરજી કરી. લાગવગ લગાડી, ટ્રસ્ટીઓ અને સેનેટોરિયમ સંભાળતા મહેતાજીઓને મળીને કંઈક કાલાવાલા કર્યાં. નસીબ જોર કરતું હશે કે કેમ પણ બન્ને જગ્યાએ મારો નંબર લાગ્યો! ત્રણ મહિના એક જગ્યાએ અને પછીના ત્રણ મહિના બાજુમાં. આમ અમને ચોપાટી વિસ્તારમાં છ મહિના રહેવાનું મળ્યું!
અને તે પણ ભારતીય વિદ્યાભવનની આજુબાજુ. કનૈયાલાલ મુનશીએ સ્થાપેલી એ ભવ્ય સંસ્થા હતી. ત્યાં ઘણા સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થતા. જે મફત હોય તેમાં હું જરૂર જતો.
મુનશી પોતે પ્રસિદ્ધ નવલકથાકાર, જાણીતા ધારાશાસ્ત્રી અને એક વખતના ઉત્તર પ્રદેશના ગવર્નર. એમની નવલકથાઓ મેં વાંચી હતી. ખાસ તો ‘સ્વપ્નદ્રષ્ટા,’ તેના નાયકની જેમ મારે પણ દેશસેવા કરવી હતી.
હું મુનશીની આત્મકથાઓ વાંચીને એમના જેવા થવાની મહત્ત્વાકાંક્ષા સેવતો. પણ આ દર ત્રણ-ત્રણ મહિને સેનેટોરિયમોમાં કરવા પડતા રઝળપાટ પછી એ સપનાં શેખચલ્લીની નિરર્થક ઘેલછાઓ જેવાં જ મને લાગ્યાં.
દર ત્રણ મહિને હવે ક્યાં જવાનું છે તેની ઠેઠ સુધી ખબર ન હોય. જયારે નક્કી થાય ત્યારે બધા લબાચા ઉપાડવાના, લારીમાં ભરીને નવે ઠેકાણે ડેરા તંબૂ તાણવાના. દેશના ભાગલા પછી નિરાશ્રિતો જે રીતે ગામે ગામે રખડતા એવી અમારી દશા થઈ.
મને યાદ છે કે સાવરકુંડલામાં કેટલાંક હબસી કુટુંબો આવી રીતે ગામને છેવાડે ઝૂંપડી બાંધીને રહેતા તે હું જો’તો. એ જિપ્સી લોકો એકાએક જ રાતના પોતાનો માલસામાન ઉપાડીને ક્યારે ગાયબ થઈ જાય તેની ખબર જ ન પડે. અમારી પરિસ્થિતિ આ જિપ્સીઓ જેવી જ થઈ ગઈ હતી.
દરેક જગ્યાએ જ્યાં અમને રહેવાનું મળે ત્યાં અમારી આઇડેન્ટીટી બદલાય. નવા નામે રહેવાનું. મુંબઈમાં રહેતા અમારા જુદાં જુદાં સગાંઓનાં નામે અમે અરજી કરતા. અમારે બરાબર યાદ રાખવું પડે કે અત્યારે જ્યાં રહીએ છીએ તે કયા નામે રહીએ છીએ અને કયા નામે આપણે અહીં ઓળખાઈએ છીએ.
એક સેનેટોરિયમમાં છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહીને મારી ઠેકડી ઉડાડતા, કારણ કે ત્યાં અમે નલિનીના બહેન તારાબહેનના નામે સેનેટોરિયમ લીધું હતું.
નલિની તારામતિ થયેલી. પાડોશના છોકરાઓએ હરિશ્ચન્દ્ર-તારામતિવાળી દંતકથાને આધારે મને હરિશ્ચન્દ્ર બનાવી દીધો! જ્યારે હું ઘર બહાર નીકળું ત્યારે હરિશ્ચન્દ્ર કહીને મારો હુરિયો બોલાવતા. બહુ મોડેથી ખબર પડી કે શા માટે છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહેતા.
(ક્રમશ:)