બોન્સાઈ ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:6 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

બોન્સાઈ-ભાગ 6

પત્ની પર એ વરસી પડે કે એમનું કોઈ પણ રીતે અપમાન થાય એ પહેલાં એણે કહી દેવું જોઈએ કે ક્લાસમાં જવાની ઇચ્છા એની જ હતી, તો તો અરુણાબહેન ખોટા પડે. અવંતિ ઝડપથી ખાઈ રહ્યો હતો.

ઉમાને થયું કે સાવ નાની અમથી વાતમાં જાણે આ જીવનમરણનો જંગ!

શંભુપ્રસાદ ટેબલ પરથી ઊભા થયા. રોજ જેવો શાંત દૃઢ ચહેરો. ત્રણેય પર સર્વગ્રાહી નજર કરી.

હવે કહી દઉં? – અવઢવમાં ઉમા ઊભી થવા ગઈ અને થીજી ગઈ, `આમ તો ઉમા સંગીત શીખે તે ઠીક છે પણ હવે એવો સમય જ ઉમાને મળવાનો જ નથી. ઉમા, કાલથી તારે ઑફિસે આવવાનું છે, અમારી સાથે જ. આપણાં બે ત્રણ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે, ઇલેક્શન માથા પર છે. પૉલિટિક્સ અને પાર્ટીવર્ક માટે ઉમાએ તૈયાર થઈ જવાનું છે. અવંતિ, કાલથી ઉમા કૃષ્ણ પંડિત સાથે કૅબિન શેર કરશે. એને મેં બ્રીફ કરી દીધો છે. હા, અરુણા કાલે શુભ દિવસ છે.’

ઉમા આંખો ફાડી સાંભળતી રહી. આઘાતથી મૂઢ. મોટાભાઈના શબ્દો પથ્થર પર શિલાલેખની જેમ કોતરેલા હોય છે, ભૂંસી શકાતા નથી એ જાણતી હતી.

`મેં જનક પંડિત પાસે શુભ દિવસની કુંડળી કરાવી હતી.’

મોબાઇલનો રિંગટોન ગુંજી ઊઠ્યો, ફોન કાને ધરતા શંભુપ્રસાદ એમની રૂમમાં ચાલ્યા ગયા. એનો અર્થ એ કે આ એમનો નિર્ણય અંતિમ હતો, એમાં કોઈ ચર્ચાને હવે અવકાશ ન હતો.

આંખમાં ધસી આવતાં આંસુ રોકતી એ ઊઠી અને ઝડપથી રૂમમાં ચાલી ગઈ. ઘડીભર તો શું કરવું, બોલવું એને સૂઝ્યું નહીં, પૉલિટિક્સ અને પાર્ટીવર્ક! ના, ના. અને હજાર વાર ના. હમણાં જ આ વાતનો ફેંસલો લાવવો જોઈએ. મોટાભાઈ સાથે શું કામ? અવંતિ સાથે જ વાત કરું! ના. મોટાભાઈ સાથે પણ. લગ્નની વાત એમણે જ તો કરી હતી ને?

પણ અવંતિ રૂમમાં ન આવ્યો. નોકરને પૂછતાં ખબર પડી, સાહેબ અને નાનાભાઈ ઑફિસે ગયા છે. એ રૂમમાં ઊંધમૂધ પડી રહી. બપોરે અરુણાબહેન પરાણે જમવા લઈ આવ્યા. એમને કશું કહેવાનો અર્થ શો હતો! એમણે સામે બેસીને હેતથી થોડું જમાડી. થૅન્ક્સ કહેતી એ રૂમમાં આવી. બારણું બંધ કર્યું, વાંચવામાં, યુટ્યુબ પર એની પસંદગીનાં ગીતો સાંભળવામાં પણ એનું મન ન લાગ્યું. અજાણ ભાવિના ભયથી એ કંપી ઊઠી હતી.

હજુ હવામાં તપારો હતો અને ઉમા નીચે ઊતરી પડી. ખુલ્લી હવામાં ધીમે ધીમે મન શાંત થવા લાગ્યું. બાળકોનો કિલકિલાટ હવાને તરંગિત કરતો હતો. કોઈ ઝડપથી ચાલી રહ્યું હતું, એક વયસ્ક મહિલા અને સાથે એક કિશોર યોગાસનો કરી રહ્યા હતા. એ પણ ચાલવા લાગી. જાણે બાહ્ય જગત સાથે અનુસંધાન થતું હોય એમ એને સારું લાગ્યું.

બગીચામાં લેસર લાઇટો તીવ્રતાથી પ્રકાશ વેરી રહી ત્યારે એ હાંફતી હાંફતી થંભી. મમ્મી અજવાળું હથેળીમાં ઝીલતી હોય એમ સંધ્યાટાણે હથેળી જોઈ જય અંબે બોલતી પગે લાગતી. એણે બન્ને હથેળીઓ સીધી કરી આકાશ સામે ધરીને મા જગદંબાને વંદન કર્યા.

ખાસ્સો સમય થયો, કોઈને કોઈ કાર પોર્ચમાં આવીને ઊભી રહેતી હતી. બન્ને ભાઈઓ મોડા આવવાના હશે! ખબર નથી. અવંતિ સવારે મળ્યા વિના જ ઑફિસે ચાલી ગયો હતો, હંમેશની જેમ એના મૅસેજ કે ફોન ન હતા. એને મોટાભાઈ સાથેનું દૃશ્ય યાદ આવી ગયું.

એ ઉપર આવી. શંભુપ્રસાદની રૂમમાંથી ફોન પરની વાતચીતના અવાજો સંભળાતા હતા. એ ઝડપથી રૂમમાં આવી. અવંતિ ટી.વી. પર ન્યૂઝ જોઈ રહ્યો હતો.

`હલ્લો અવંતિ, સવારે મને મળ્યા વિના જ ગયા!’

`થોડું મોડું થઈ ગયું હતું એટલે.’

એ કશું બોલ્યા વિના તૈયાર થઈ. ઘરમાં જ રહીને સ્વજનો સાથે બેસતાં જમતાં આમ મહેમાનની જેમ તૈયાર થઈને જવું કંટાળાજનક લાગતું. બરાબર સમયસર નોકર બોલાવવામાં આવ્યો, ભાભી ડીનર માટે બોલાવે છે. અવંતિએ ટી.વી. સ્વીચ-ઑફ કર્યું. બન્ને સાથે બહાર નીકળ્યાં. મોટાભાઈ ટેબલ પર જગ્યા લેતા અરુણાબહેને ખાવાનું પીરસ્યું, દરેકને એમણે પ્રસાદ આપ્યો. કોઈએ પૂછ્યું નહીં એમણે જ કહ્યું,

`મેં મંદિરે મીઠાઈ ધરાવવા મોકલી હતી ત્યાંથી પ્રસાદ આવ્યો છે.’

સહુએ વંદન કરી પ્રસાદ લીધો પણ કયું મંદિર, શેનો પ્રસાદ પૂછ્યું નહીં. ઉમાને પૂછવાનું, વાતો કરવાનું મન હતું પણ આમ પણ આ સમયે જરૂર સિવાયની ખાસ વાત નથી થતી અને કદાચ ગઈ સવારે જ મોટાભાઈએ જે શબ્દો કહ્યા હતા, પંખા સાથે હજી હવામાં ફંગોળાતા હતા. થોડી ચૂપકીદી, સાધારણ વાતચીત અને જમવાની એક ક્રિયા પૂરી થઈ ગઈ.

શંભુપ્રસાદ એમની રૂમમાં ચાલ્યા ગયા, અરુણાબહેન એમની દવાની ટ્રે લઈને એમની પાછળ ગયા. નોકરોએ રસોડું સમેટવા માંડ્યું, અવંતિ પાછળ એ રૂમમાં આવી કપડાં બદલ્યાં. અવંતિએ ઑફિસબૅગમાંથી ફાઇલ કાઢી, ઉમાએ ફાઇલ લઈ લીધી,

`મારી સાથે કશી જ વાત નહીં કરો? પ્લીઝ મિટિંગ હતી એવું બહાનું કરી બપોરે ફોન ન કર્યો એવું પણ કહેતા નહીં.’

જે ક્ષણને એ ધકેલતો હતો એ સામે આવીને ઊભી હતી. અવંતિએ આર્દ્રતાથી કહ્યું, `કાલથી મારી સાથે ઑફિસે આવશોને? એ રીતે પણ આપણે સારી રીતે સાથે રહી શકીશું. આવશોને?’

`ના અવંતિ. હા, તમારી સાથે સમય ગાળવો મને બહુ ગમે પણ દુઃખ એ છે કે તમારી સાથે સમય ગાળવા નહીં મોટાભાઈ મને એમના કામમાં મદદ કરવા ઑફિસ આવવાનું કહી રહ્યા છે, સૉરી હુકમ કર્યો છે પણ મને પૉલિટિક્સમાં કામ કરવાની બિલકુલ ઇચ્છા નથી.’

`તમારે તો માત્ર મદદ કરવાની. તમે હોંશિયાર છો, ઇલેક્શન પોર્ટફોલિયો સંભાળી શકો એમ છો એટલે તો મોટાભાઈએ તમને કામ સોંપ્યું છે! તમારામાં કેટલો વિશ્વાસ છે એમને એ રાજી થવાની વાત નથી ઉમા?’

`ના અવંતિ. દરેક વાતને દૂરબીનની જેમ બે તરફ કાચ હોય છે બરાબર?’

`એટલે?’

`જે વાત તમે નજીકથી જોતા હો એને ઉલટાવીને જોવાથી દૂરબીનની જેમ એનું બીજું રૂપ દેખાય છે. હજી ન સમજ્યા? મોટાભાઈ મને હોશિયાર સમજી જે કામ સોંપવા માગે છે એને હું મારી જિંદગી અબાધિત એમને લખી આપ્યાનો દસ્તાવેજ સમજું છું. થૅન્ક્સ બટ નો થૅન્ક્સ. હું મારી જિંદગી ગીરવે મૂકવા તૈયાર નથી. હું કાલથી ઑફિસ નહીં આવું.’

અવંતિ સ્તબ્ધ થઈ ગયો. આવું પણ બની શકે!

`પણ મોટાભાઈએ કહ્યું છે! ઉમા પ્લીઝ, વાતને સમજો તમે.’

`હું સમજું છું, પણ વાતને બીજે છેડેથી જોઉં છું, એમના ખાનગી કામ સંભાળવા, પ્રતિભા ઉપસાવવા એમને પગારદાર નહીં પણ ઘરની જ વ્યક્તિ જોઈએ છીએ. યુવાન, સુંદર અને સ્માર્ટ ઘરની જ પુત્રવધૂ હોય તો એમની છબી એક ઉદાર વત્સલ મોટાભાઈ તરીકે ઊજળી થઈ જાય અવંતિ.’

અવંતિ ઉશ્કેરાઈ ગયો.

`એટલે તમે કહેવા માગો છો કે ભાઈ સ્વાર્થી છે? તમારો ઉપયોગ કરવા માગે છે? છી..! તમે આવું વિચારી પણ કેમ શકો?’

ઉમા જાણતી હતી, અવંતિને કેટલો આઘાત લાગશે! એ વિચારતી રહી હતી, શા માટે એક સાધારણ મધ્યમવર્ગની યુવતી સાથે ઝડપથી લગ્ન શંભુપ્રસાદે ગોઠવ્યા હતા! પપ્પા-મમ્મી પર અખૂટ વિશ્વાસ અને કદી ન જોયેલી ઝાકઝમાળ દુનિયામાં પ્રવેશ કરવાનો એનો પોતાને પણ રોમાંચ થઈ આવ્યો હતોને?

પણ જીગઝોપઝલની જેમ એક પછી એક ટુકડા શોધતા જઈ એ જોડતી રહી હતી અને હવે છેલ્લો ટુકડો હાથ લાગ્યો અને આખું ચિત્ર સુરેખ ઊપસી આવ્યું હતું. આખી વાત સમગ્રતયા જોઈ શકતી હતી.

`હા અવંતિ, તમે શાંતિથી વિચારો. મને જે સત્ય થોડા મહિનાઓમાં સમજાયું, તે તમે હજી સમજી શક્યા નથી? કારણ કે એમણે તમને અને ભાભીને પહેલેથી જ એમના ઓશીંગણ હેઠળ રાખ્યા હતા.’

`એટલે શું કહેવા માગો છો તમે?’

`શાંત થાઓ અવંતિ, અંગ્રેજીમાં કહું તો સમજશો? મોટાભાઈ કહે તે કરવા ભાઈ તમારા બ્રેઇન કન્ડિશન્ડ કરતા હતા એટલે તમે એમનો પડ્યો બોલ ઉઠાવો છો.’

અવંતિના ચહેરા પર રોષની લાલાશ ઊપસી આવી. ઉમાએ સરી જતી હિંમત પકડી રાખી. જીવનમાં અચાનક જ કોઈ વાર નિર્ણાયક ઘડી આવતી હોય છે. એ મક્કમ મને એ જ ક્ષણની ભૂમિ પર ઊભી રહી. જો એ તસુભર પણ ખસી કે આ ક્ષણ, આ ઘડી અદૃશ્ય થઈ જવાની હતી.

`ઉમા.. ઉમા.. મેં તમારી પાસેથી આ આશા નહોતી રાખી. મોટાભાઈ સ્વાર્થી! એમણે મને મોટો કર્યો, ભણાવ્યો-‘

`-અને આજે એમણે એકલવ્યનો અંગૂઠો માગી લીધો અવંતિ. તમારું આખું અસ્તિત્વ એમના કબજામાં છે. તમે વિચારો, તમે કોણ છો? શું છો? તમારી ઓળખ શી? પડછાયાને નામ નથી હોતું અવંતિ.’

એનાં કંપતા હાથની અદબ વાળી અવંતિ પીઠ ફેરવી ગયો. ઉમા એ તરફ જઈ સામે ઊભી રહી,

`ક્યાં સુધી રિયાલિટીથી મોં ફેરવશો? તમારા સ્ટેટસની પત્ની તમારા માટે મોટાભાઈએ પસંદ કરી હોત તો કદાચ એ પોતે જ મહાત્ત્વાકાંક્ષી બની મોટાભાઈને પાછળ ધકેલત કે પછી મોટાભાઈ સાથે ખભા મિલાવી કામ કરત અને તમારે એના પણ પડછાયામાં જીવવું પડત, બરાબર?’

એણે અવંતિની ઢળેલી નજર સામે જોઈને કહ્યું, `પણ હું તમારી સાથે રહીશ, ન આગળ ન પાછળ, કારણ કે હું તમને ચાહું છું અવંતિ, અને હું જાણું છું તમે પણ મને ચાહો છો. તમારો પ્રેમ સહજ અને મૌન છે, ડાળ પર ચૂપચાપ ખીલતાં ફૂલ જેવો, પણ એની સુગંધથી તરબતર કરે એવો.’

અવંતિ હજી નજર ઢાળીને ઊભો હતો. શો જવાબ હતો એની પાસે? જે વાત વર્ષોથી મનમાં ઊંડે ભંડારી રાખી હતી એ કેવી રીતે મહેસૂસ કરી શકે? એ પલંગ પર બેસી પડ્યો, ઉમા સ્વિચ-ઑફ કરી પથારીમાં પડી. મોડી રાત સુધી એને ઊંઘ ન આવી. એ જાણતી હતી અવંતિ પણ જાગતો હતો. હવે કશું કહેવું ન હતું.

શા માટે એણે લગ્નની હા પાડી હતી? કદાચ એ પણ ઝાકઝમાળથી અંજાઈ હતી! કે પછી મમ્મી-પપ્પા પર અખૂટ વિશ્વાસ હતો! હા, આજે પણ છે, એમને ભલું જ દેખાયું હતું મારું. શૈલીને લગ્નનું કહ્યું ત્યારે એ ખડખડાટ હસી પડી હતી, આર યુ મેડ?

જે થયું તે. અંતિમ સત્ય એ હતું કે એ અવંતિને ચાહતી હતી.

અવંતિએ જોરથી આંખો મીંચી રાખી હતી, પણ એથી કંઈ નીંદર આવવાની સંભાવના ન હતી.

એ નતમસ્તકે મોટાભાઈને પગલે પગલે પાછળ ચાલ્યો હતો. એમના બોલ ફૂલની જેમ હથેળીમાં ઝીલ્યા હતા. મોટાભાઈએ માની જેમ પડખામાં સુવાડી ઘણીવાર થાબડ્યો હતો. પછી ધીમે ધીમે એમની ભડભડતી મહત્ત્વાકાંક્ષામાં એણે સ્વયંને ઈંધણની જેમ હોમ્યો હતો. બળતરાની વેદના ચૂપચાપ વેઠી હતી. ઉમા સાથેનાં લગ્ન પણ એમની પસંદગીના પણ ઉમા પણ હવે એની પસંદ બની હતી.

કદાચ આમ જ એનું જીવન ચાલતું રહ્યું હોત, જો ઉમા એના જીવનમાં ન આવી હોત.

એ ધીમેથી ઉમા તરફ ફર્યો અને એને જોઈ રહ્યો. જીવનમાં પહેલીવાર મોટાભાઈ વિરુદ્ધ કોઈ બોલ્યું હતું અને એ કશું બોલી શક્યો ન હતો.

કદાચ ઉમાનું કહેવું એને સ્વીકાર્ય હતું!

ઉમાને આશ્લેષમાં લઈ ભીંસી નાંખવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. એણે કહ્યું હતું, હું તમને ચાહું છું.

પહેલાં વરસાદનાં ઝીણાં ફોરાં વરસતાં હોય એમ એ મધુર કંપ અનુભવતો ભીંજાતો રહ્યો. એણે દૂર સૂતેલી ઉમાને સહજ સ્પર્શ કર્યો. એ નજીક સરકી આવી. એક કલરવતા મેદાનની પાળે કરેલા મોગરાના ગજરાઓની ઢગલીની સુગંધ બન્નેને વીંટળાઈ વળી.

ઉમા વહેલી સવારે ઊઠી, નહાઈને તૈયાર થઈ ગઈ. એણે રસોડામાં ડોકિયું કર્યું, અરુણાબહેન રસોડાની બાલ્કનીમાં તુલસીપૂજા કરતાં હતાં. બન્નેની આંખ મળી. હવામાં તોફાનના ભણકારા એમણે પણ સાંભળ્યા હશે ને! એમની સામે સહજ સ્મિત કરી એ નીકળી ગઈ. મહારાજ નોકરો બ્રેકફાસ્ટની તૈયારી કરી રહ્યા હતા. એ રૂમમાં આવી. અવંતિના વાળમાં હાથ ફેરવ્યો, એ જાગી ગયો. એ જ હાથ પકડી એ ઊભો થયો અને ગુડ મૉર્નિંગ કહેતો બાથરૂમમાં ગયો. એ મોબાઇલમાં સમાચાર જોતી હતી. અવંતિ ઘડિયાળ જોતો જલદી તૈયાર થયો.

ઉમાએ પરફ્યુમ સ્પ્રે કર્યું, એની ટાઇ સરખી કરતી સામે ઊભી રહી. એની છાતીના ધબકારા શાંત કરતી હોય એમ છાતી પર હાથ ફેરવ્યો. મૌનની પણ કેવી શતમુખે વાચા હોય છે! બારણે ટકોરો પડ્યો. બ્રૅકફાસ્ટ અને ઑફિસ જવાનો સમય. એણે અવંતિનો હાથ પકડ્યો, `ચાલો!’

દોરાતો હોય એમ અવંતિ ઉમા સાથે ચાલતાં, રૂમ બહાર નીકળતાં જ હાથ છોડી દીધો અને ડાયનિંગ ટેબલ પર બેસે છે ત્યાં જ શંભુપ્રસાદ આવ્યા. સહુ પર સર્વગ્રાહી નજર નાખી. અરુણાબહેને એમને આલુપરોઠા પીરસ્યાં. નોકરો દોડાદોડ ગરમ પરોઠા આપતા રહ્યા.

નાસ્તાની વિધિ પૂરી થઈ, શંભુપ્રસાદ ટેબલ પરથી ઊભા થયા ત્યારે ઉમાએ શાંતિથી કહ્યું, `મોટાભાઈ, સૉરી કાલે તમે મને કહ્યા પ્રમાણે હું ઑફિસે નહીં આવી શકું, મને એ કામોમાં કોઈ રુચિ નથી. પણ થૅન્ક્સ મારે માટે વિચારવા માટે. મારે માસ્ટર્સ કરવું છે.’

પીઠ ફેરવીને જતાં એ ઘડીભર તો અટકી ગયા. અવંતિ નીચું જોઈ ગયો. અરુણાબહેન રસોડામાં ચાલી ગયાં. એમણે પાછા ફરી ઉમા સામે જોયું. એ વીંધી નાંખતી નજર મક્કમતાથી ઝીલતી ઉમા ઊભી રહી. એ સમજી શકી. આ ઘરમાં આવો માહોલ કદી રચાયો ન હતો.

તો શું થયું? સમય બહુરૂપીની જેમ ઘણા વેશ બદલી શકે છે.

જાસાચિઠ્ઠી ફરી વળી હોય એમ સોપો પડી ગયો. અચાનક મોટાભાઈ ચાલી ગયા. અવંતિ ઊભો થઈ ગયો અને એમની પાછળ ગયો. ઊંડો શ્વાસ ભરતી ઉમા બેસી પડી. અરુણાબહેન રસોડાની બહાર આવ્યા, શું બોલવું, કરવું સૂઝ્યું ન હોય એમ ટેબલ પર પ્લેટ આઘીપાછી કરવા લાગ્યા, `રહેવા દો ભાભી. તમે પહેલાં શાંતિથી બેસો અને ગરમ નાસ્તો કરો. મહારાજ ભાભી માટે ગરમ પરોઠા આપજો.’

`પણ ઉમા.. મેં.. હું..’

`તમે ક્યાં કશું સરખું ખાધું છે ભાભી? તમારી પ્લેટ એમ જ પડી છે.’

`ઉમા, તેં તો એમને એકદમ ના પાડી દીધી. એમને નહીં ગમે.’

`રિલૅક્સ ભાભી, મેં તો મારા મનની વાત કહી છે, આ કોઈ ઝઘડો થોડો છે! સહુની પસંદગી અલગ અલગ ન હોઈ શકે! ચાલો, પહેલાં નાસ્તો કરો. કશું થવાનું નથી.’

પણ એ જાણતી હતી, કશુંક થશે જ. અને મોટું થશે. એ મોડેથી અરુણાબહેનની રૂમમાં ગઈ.

`ચાલો ભાભી, આપણે બહાર જઈએ.’

`બહાર?’

`ફિલ્મ જોઈશું. આર્ટ ફિલ્મનો ફેસ્ટિવલ ચાલે છે. કહે છે આજની ફિલ્મને ઘણા ઍવોર્ડ્સ મળ્યા છે. મેં હમણાં જ રીવ્યુ વાંચ્યો, ખૂબ સરસ ફિલ્મ છે, `ઓ! પ્લીઝ લિસન!’ મલયાલમ ફિલ્મ છે પણ…

`ના ના. આજે.. મારે કામ છે.’

અરુણાબહેન ઠાકોરજી માટેનાં નાનાં કપડાં એક પેટીમાં લેમૂક કરતાં હતાં. ઉમાએ હાથ પકડી લીધો, `સ્ટોપ ઇટ ભાભી. મારી સામે જુઓ. આ બેડરૂમમાં આમ પુરાઈને જીવતાં તમને ગૂંગળામણ નથી થતી?’

એ હબક ખાઈ ગયા, `ઉમા!’

`હું આવી છું ત્યારથી જોઉં છું, તમારી કોઈ નિજી જિંદગી નથી. સૉરી પણ મોટાભાઈ સિવાય તમને કંઈ સૂઝતું નથી. ચાલો, ભલે એમ હો પણ એ તો તમારું ધ્યાન નથી રાખતા. કેટલી નાની સરખી વાત છે પણ જુઓ આ તમારા હાથમાં અહીં દાઝી ગયાની કેવી મોટી નિશાની છે? એ હાથે રોજ તમે એમને પીરસો છો. સાચું કહેજો, તમારા હાથમાં ઠાકોરજીનાં વસ્ત્રો છે. જ્યારે દાઝી ગયા હતા ત્યારે એ ઉપરતળે થઈ ગયેલા? તમને દવા લગાડી હતી? રોજ ઑફિસેથી ફોન કરી ખબર પૂછતા હતા?’

અરુણાબહેનના હાથમાંથી પેટી પડી ગઈ, પલંગ પર વસ્ત્રો વેરાયાં. અરુણાબહેન સાથે ઉમા વસ્ત્રોની ઘડી કરી ગોઠવવા લાગી.

`મારા પ્રશ્નનો તમે જવાબ ન આપ્યો ભાભી.’

`શું જાણવું છે તારે ઉમા? મારી પાસે કશું કહેવા જેવું નથી.’

ઉમાએ એમનો હાથ હાથમાં લીધો, `છે. કહેવા જેવું છે. કહો, બોલો. ધર્મના આવા બાહ્યાચારમાંથી, ઉપરછલ્લા વાંચનમાંથી તમે જીવવાનો સંતોષ મળ્યાનું મન મનાવો છો, તમારું મન ડંખ્યું હશેને ભાભી જ્યારે તમને પત્ની હોવાનું, આ ઘરના સૂત્રધાર હોવાનું, ગૌરવ નથી મળ્યું!’

`આ કેવી વાત કરે છે ઉમા?’

`પણ ખોટી તો નથી ને? તમને અને અવંતિને પણ વિચાર, વાણી કે આચારનું સ્વાતંત્ર્ય છે? ક્યારેય હતું? સાચું તો એ છે કે મોટાભાઈએ તમારા બધાનો ઉપયોગ કર્યો છે. કદાચ તમે પણ એ સત્ય જાણો છો, અવંતિ પણ.’

એક ક્ષણ એ રોકાઈ, પછી ધીમેથી બોલી, `અને હવે મારો ઉપયોગ કરવા માગે છે. એ વાત તમે અને અવંતિ બન્ને જાણો છો ખરું?’

એણે છાતી પર ઢળી ગયેલો અરુણાબહેનનો ચહેરો ઊંચો કર્યો. એમની આંખો છલકાઈ ગઈ હતી.

`શા માટે બેઠી ભોંય ખોદે છે ઉમા?’

`કારણ કે એક જિંદગીનું આમ વ્યર્થ વહી જવું, જોતાં રહેવું એ તમારે માટે એમ જ મારે માટે પણ પીડાદાયક છે. અમારા પ્રોફેસર વિશાખા દેશપાંડે અમને ઘણીવાર જુદી જુદી જગ્યાએ લઈ જતા, એકવાર એક નેચર રિસૉર્ટમાં લઈ ગયા. ત્યાં સરસ બોન્સાઈ ગાર્ડન હતું. એમણે કહેલું, આના છોડ નાના હોય ત્યારે જ એને કાપકૂપ કરતાં જાય એટલે એક કૂંડામાં સાવ નાનું વૃક્ષ હતું અને એને નાનાં નાનાં ફળ પણ હતાં.’

અરુણાબહેન વિસ્મયથી ઉમાને સાંભળી રહ્યા.

`સંપૂર્ણ વૃક્ષ પણ સાવ નાનું, ટચૂકડું. દેખાવે સુંદર પણ કુદરતી પૂર્ણ વિકાસ નહીં પામેલું. બોન્સાઈ એક વિશિષ્ટ કળા છે. ભાભી એ કળા મોટાભાઈને આવડે છે. તમે, અવંતિ, બીજા કોઈ ઑફિસમાં હશે, સહુ બોન્સાઈ છો, જે કદી પૂર્ણ વિકસિત નથી થયા!’

ઉમા જાણે શ્વાસ ખાવા થંભી, એ બહાને એ પોતાને પણ તરાસતી રહી.

`વિશાખા મેમે અમને એક છોડ બતાવીને કહ્યું હતું અને આ છોડ જુઓ, પોતાની મેળે વિકસતો સૂર્યોન્મુખ ઊગતો મને વધારે ગમે છે, તમે સહુ પણ તમારી મેળે ઊગજો, મહોરજો. કદાચ હું પણ એ વાત ભૂલી ગઈ હતી. ભાભી, તમારા જીવનનો અર્થ શો? શું તમે આમ જ જીવન વિતાવી દેશો?’

અરુણાબહેને નિઃશ્વાસના સૂરે કહ્યું, `તારા સિવાય મારી આવી ચિંતા કોઈએ ક્યાં કરી છે ઉમા? શાળા પૂરી કરી કૉલેજમાં પગ મૂકું મૂકું ત્યાં માબાપે લગભગ પકડીને જ પરણાવી દીધી. મને મારા ક્લાસનો એક છોકરો ગમતો હતો એ મારી ભયાનક ભૂલ હોય એમ અનાથ, ગામમાંથી શહેરમાં જતાં પ્રસાદજીને પરણાવી દીધી.’

કદાચ આટલું બોલતાં શ્રમ પડ્યો હોય એમ એ અટકી ગયા. ઉમાએ કશું ન પૂછ્યું. એ સ્ત્રી મનના ભીડી રાખેલા બારણાને ધીમે ધીમે ખોલીને અંદર ઝાંખી રહી હતી. ઊંડા અવાવરું કૂવા જેવું મન-તળિયા વિનાનાં પાણી કેટલે ઊંડે ઊંડે ઊતરતા હશે!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. સ્ત્રીનો વિરોધ જીવનમાં કેવા કેવા વમળો સર્જી શકે એનું ખૂબ સરસ આલેખન