મારી નજરે બાપુજી ~ રશ્મિ જાગીરદાર (અમેરિકા)

ચાંપાનેર સ્ટેશનથી અમારું ગામ કંબોલા થોડું દુર પણ ચાલતા જવું હોય તો જઈ શકાય. એ સમયે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આજની જેમ કાર, રિક્ષા કે બસ ક્યાં હતાં? ગામમાં જ જવું હોય તો પગપાળા અને આજુબાજુના ગામે જવું હોય તો બળદગાડું અથવા ઘોડેસવારી. બળદગાડાને ત્યાંની ભાષામાં ડમણીયું કહેતા.

સયાજીરાવ ગાયકવાડના રાજ્યના એક  ગામધણી એવા શિવરામ ઈનામદારનું ઈનામી ગામ એ જ કંબોલા. ગામ તો મળેલું પણ ખાલી! એટલે ગામ વસાવવા દાદાએ વતન ખંભાતમાંથી પોતાના દૂરના ને નજીકના પિતરાઈ તેમજ કુટુંબની દીકરીઓ અને ભાણેજોને કંબોલા રહેવા બોલાવી લીધેલા. દરેકને વીસ વીસ વિધા જમીન આપીને રાખેલા. પહેલેથી ત્યાં મૂળ રહેવાસી રહેતા હતા, જે ભાલિયા કહેવાતા. આ બધાથી ગામ વસાવેલું.

આ ઈનામી ગામના વારસદાર શિવરામ ઈનામદારના ઘેર એક બાળકે જન્મ લીધો એટલે કહી શકાય કે, તે બાળક સિલ્વર સ્પુન સાથે જન્મ્યું. આનંદમય અને જાહોજલાલી ભર્યા વાતાવરણમાં ખૂબ લાડકોડથી તેનો ઊછેર થયો.

માતા સૂરજબાની મમતાને ખોળે ઝૂલતાં ઝૂલતાં, બાળપણ ખૂબ સુખમય અને સરસ રહેલું. આમ પણ બાળપણ તો ખુદ એક ખુશી અને સુખના ખજાના રૂપ હોય છે ને? એ બાળકની રાશિ તો સિંહ આવી હતી પણ નામ ‘ઠાકોર’ રાખ્યું હતું.

કિશોરવયથી જ તેને ઘોડેસવારીનો ભારે શોખ હતો. સફેદ ઘોડો તેને પ્રિય હતો, તેના પર સવાર થઈને નિકળે ત્યારે જાણે રોલો પડી જતો! એમનો એવો ફોટો મેં જોયેલો. હા એ પ્રતિભાશાળી ઘોડેસવાર એ જ મારા બાપુજી.

ઈનામદારે પોતાના ઈનામી ગામને વ્યવસ્થિત બનાવવાનું બીડું ઝડપેલું. ગામમાં લોકો શ્રદ્ધાથી સંસ્કારી જીવન જીવી શકે તે માટે સ્વામિનારાયણનું મદિર બંધાવીને મંદિરનો  ભાવિ ખર્ચ નિભાવી શકાય તે માટે સાથે કુલ વીસ વિઘા જમીન પણ મંદિરને આપી હતી. ગામમાં પાણીની તકલીફ દૂર કરવા કૂવો બંધાવેલો. ગામમાં પ્રાથમિક શાળા પણ બંધાવી હતી. આજે પણ મંદિર અને શાળા છે.

વધુ અભ્યાસ માટે બાપુજીને વડોદરાની શાળામાં મુકેલા. ભણવાનું શરૂ થયું ત્યારથી બાપુજીની બુદ્ધિ ચમકવા લાગેલી. યાદશક્તિ એવી તીવ્ર હતી કે, વાંચેલું અક્ષરસઃ યાદ રહી જતું. કહોને ફોટોગ્રાફીક મેમરી!

એ ઘરમાં રોજ ગીતા વંચાતી, પછી તો બાપુજીને એમાં એટલો રસ પડેલો કે, ધીમે ધીમે આખી ગીતા કંઠસ્થ કરેલી.

અભ્યાસ પુરો થાય તે પહેલાં જ એક એવી ઘટના ઘટી, જેના લીધે બાપુજી અને ઈનામદાર ફેમિલીએ ઘણું સહન કરવું પડ્યું. પથીચંદદાદાનું અણધાર્યું મૃત્યુ થયું. બાપુજી ત્યારે માત્ર સત્તર વર્ષના. આ તો મોટી આફત હતી જ પણ પોતાના કહેવાય એવા કેટલાક વિરોધીઓએ ગાયકવાડ સરકારમાં લેખિત અરજી મોકલી કે, ‘કંબોલાના ગામધણીનો  દેહાંત થયો છે અને તેમને કોઈ વારસ નથી તો ગામ ખાલસા કરવું.’

બાપુજી કંઈ સમજે તે પહેલાં તો ગામ ખાલસા થયું ને સાલિયાણું પણ ગયું! આટલી નાની ઉમરે આટલી મોટી આફત પડી પણ બાપુજી હાર્યા નહીં.

તે સમયે વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુરના રાજા પાસે પોતાની વિગત રજુ કરી અને ત્રણ ગામોની જવાબદારી સ્વીકારી. એ ત્રણ ગામો ધોધડકુવા, વાજવડ અને બાળચુંડી.

આ વિસ્તારમાં ધોડિયા આદિવાસીઓની વસ્તી હતી. નજીકમાં કોલક નદી હતી તેનું પાણી દૂરથી લાવવું પડતું. ઘરવખરીની વસ્તુઓ ખરીદવા અઠવાડિયે ભરાતા હાટવાડે જવું પડતું. વચ્ચેના દિવસે કોઈ વસ્તુની જરૂર પડે તો ચાલીને બીજે ગામ જવું પડતું.

ત્રણમાંથી એકેય ગામમાં શાળા નહોતી એટલે ત્યાંનાં બાળકોને ભણવા નહોતું મળતું. બલ્કે ‘ભણવું જોઈએ’ એ વાતની જાણે ખબર જ નહોતી!

આ બધી પરિસ્થિતિ સમજીને અને ગામ લોકો માટે કંઈક કરવું જોઈએ એવું વિચારીને એના અમલ સ્વરૂપે, બાપુજીએ ત્રણેય ગામોમાં કૂવા ખોદાવ્યા, ત્રણેય ગામોમાં પ્રાથમિક શાળાઓ બંધાવી અને એક એક કરિયાણાની દુકાન બનાવી.  દુકાન જે-તે ગામના માણસને ચલાવવા સોંપી દીધી.

અહીં વરસાદ વધુ પડતો એટલે બાપુજી અમુક વિસ્તારોમાં જમીનની માવજત કરીને ડાંગરની ખેતી કરતા. બાકીની જમીનમાં ઘાસની ખેતી કરતા. જોકે, અમુક ખેતરોમાં દરેક પ્રકારના કઠોળની ખેતી પણ થતી. કેરીની તેમજ ચીકુની વાડીઓ પણ ખરી. આ ઉપરાંત જામફળ, તડબૂચ, ખજૂર, કાજુકેરી, બોર, જેવા બધાં જ ફળો પણ થતાં. અમને વૃક્ષ પરથી તોડેલાં તાજાં ફળો ખવડાવી રાજી થતા બાપુજી મને યાદ છે!

ત્રણેય ગામના લોકો સુરતી ભાષામાં બાપુજીને હેઠ (શેઠ) કહેતા ને ખૂબ માન આપતા. અમારા ત્રણેય ગામમાં ફેલાયેલા ખેતરોમાં વાવણી, રોપણી, લણણી અને સુકવણીનું કામ તેમ જ પ્રેસમાં ઘાસની ઘાંસડી બાંધવાનું કામ એ જ, સૌ આદિવાસીઓ માટે રોજીરોટી હતી. કેરી, ચીકુ જેવાં ફળોની સીઝનમાં પણ કામ રહેતું.

અડધી રાતે જરૂર પડ્યે બારણું ખખડાવી શકે તેવું શેઠનું ઘર હતું. ઘરે કામ કરવા પણ આદિવાસીઓ જ આવતા. બધા નોકરોને અમે ભાઈ કહેતા અને તેમની પત્નીઓને ભાભી! બાપુજી જ અમને આવા પ્રેમાળ સંબંધો રાખતાં અને સાચવતાં શીખવાડતા.

બાપુજી અહીં પણ ઘોડો રાખતા. અને ખેતરોમાં કામ ચાલતું હોય ત્યારે એક ખેતરેથી બીજા ખેતરે જવા ઘોડેસવારી કરતા. ઘણીવાર અમને પણ સાથે બેસાડતા. મારા મોટાભાઈ અને બહેન તો જાતે ઘોડેસવારી કરી શકતાં.

અમે હજુ શાળાએ જવાનું ચાલુ કરીએ ને વાંચતાં શીખીએ એટલે બાપુજી ગુજરાતી લિપિમાં ગીતાનો શ્લોક લખીને અમને આપે અને કહે કે, ત્રણ દિવસમાં મોઢે કરીને આવજો. ત્રણ દિવસ થાય એટલે ઉઘરાણી પણ  કરે!

અમને બાળકોને પણ શ્લોક શીખીએ છીએ તે વાતનું ખૂબ ગૌરવ હતું એટલે બાપુજીને ગોખેલો શ્લોક સંભળાવવા અમે તત્પર રહેતાં. અમારી શાળામાં પણ મિત્રો આગળ ગીતાના શ્લોકો સંભળાવી ગૌરવ અનુભવતા. એ માટે શાળામાં અમને માન પણ મળતું.

બાપુજીને સ્ત્રી કેળવણીના હિમાયતી કહી શકાય કારણકે, જ્યારે સાતમા ધોરણ સુધીનું શિક્ષણ પણ દીકરીઓને માંડ અપાતું ત્યારે અમને ત્રણેય બહેનોને ડબલ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ લેવા સતત પ્રોત્સાહિત કરતા.

અમારાં મૂળ વતનનું ગામ ખંભાત. તેમાં જ્ઞાતિમાં સૌ પ્રથમ અને દ્વિતીય ગ્રેજ્યુએટ થવાનું માન મને અને મારી નાની બેનને મળેલું. એના માટે ખંભાત અત્રાપી મંડળના નેજા હેઠળ તે વખતના શિક્ષણમંત્રી શ્રી મગનભાઈ બારોટે અમારું સન્માન કરેલું. ઉપરાંત તે સમયે મંત્રીશ્રીએ બાપુજીના આ પગલાને માટે તેમને પણ બિરદાવ્યા હતા. તે ખૂબ યોગ્ય અને જરૂરી હતું. કારણ કે, એ પ્રસંગને લીધે અનેક માબાપને,

‘દીકરીઓને પણ ઉચ્ચ શિક્ષણ મળવું જોઈએ’ તે સંદેશ પહોંચી ગયો હતો. માત્ર પોતાની દીકરીઓને જ નહીં અમારી સાથે ભણતી સખીઓને પણ બાપુજી આગળ ભણવા સમજાવતા એટલું જ નહીં, તેઓને ભણવા માટે જરૂરી આર્થિક સહાય પણ કરતા.

બાપુજી દિવસના સમયે આડા પડ્યા હોય તેવું કોઈ દિવસ નહોતું જોયું. મુંબઈ ઘાસનો તેમ જ કેરીનો વેપાર અને ખેતીવાડી ઉપરાંત માલિકીના કંબોલા ગામ ખાલસા કરાવેલું, તેના માટે દોડવાનું.

આ બધામાં વ્યસ્ત રહેવા છતાં અમને બાળકોને સારામાં સારાં કપડાં, પુસ્તકો, ચંપલો, પર્સ જેવી અનેક વસ્તુઓ ઉંચી ગુણવત્તાવાળી પ્રાપ્ત થાય માટે સતત જાગૃત રહેતા. ‘ટીચીંગ બાય એક્ટ’ ના સિધ્ધાંતથી અમને બાળકોને સંસ્કારોનું સિંચન કરતા.

‘આપણાંથી આ થાય અને આ ના થાય’ તેની સમજ ખૂબ ભારપૂર્વક આપતા. પોતે પણ કપડાં બાબત ખૂબ શોખીન હતા. તેઓ કહેતા, ‘એક નૂર આદમી હઝાર નૂર કપડે.’ એટલે અમને પણ એ રીતે રહેવાનો આગ્રહ રાખતા.

મારા ભાઈના લગ્નમાં તેઓ માત્ર આડત્રીસ વર્ષના હતા તે વખતે તેઓ સફાઈદાર ડ્રેસમાં હતા. એટલે મારા મામાએ કહેલું, “ઠાકોરલાલ આજે દીકરો પરણાવો છો પણ તમે ખુદવરરાજા જેવા લાગો છો.”

એક મોટા જમીનદાર, મહેનતુ ખેડુત, અને વિચક્ષણ વેપારી તરીકે ખૂબ સફળ, એવા પ્રતિભાશાળી મારા બાપુજી અમારે માટે તો બસ ‘વ્હાલા બાપુજી.’ અને હા બાપુજી એક મહાન વાચક અને ભાવક હતા. તેમની એક સમૃદ્ધ લાઈબ્રેરી હતી જેમાં ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી પુસ્તકોનો ખજાનો હતો. સાને ગુરૂજી, સ્વામી આનંદ, ર. વ. દેસાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા અનેક મહાન લેખકોની ઓળખ તેમણે જ કરાવેલી.

અમે બધાં બાળકો વાંચતાં થયાં એટલે અમારી ઉંમરને લાયક પુસ્તક અમને વાંચવા આપતા. એ વંચાઈ જાય એટલે લાઈબ્રેરીમાં નહીં મુકવાનું, બાપુજીને આપવાનું. તે થોડા પ્રશ્નો કરે અને છેલ્લે પુછે, “આ વાંચીને શું શીખ્યા? શું બોધ લીધો?”

લો બોલો હવે, તમે પુસ્તક ઉપરછલ્લું વાંચો તો ચાલે? વાંચવાની કળા અમને આ રીતે શીખવાડતા.

દરેક ભાષાનું વ્યાકરણ એટલી સરસ રીતે સમજાવતા કે યાદ રહી જાય. તેઓ પોતે પિંગળશાસ્ત્ર શીખેલા. આઝાદી મળી એના ઉમંગમાં તેઓએ બા સાથે મળીને કાવ્યો રચેલા. મારી બા એના મીઠા કંઠે તે ગાતી. આજના સંદર્ભમાં કહું તો પોતે સ્વરાંકન કરીને સ્વર પણ આપતી ને શબ્દો પણ બાબાપુજીના!

અમને ગમતી કલામાં રસ લઈને તેનું શિક્ષણ અપાવતા અને કહેતા, ”આ કલા છે એને શોખ માટે રાખવાની, વેચવાની નહીં.”

બાપુજીને કોઈ દિવસ રડતા નહીં જોયેલા. મારા લગ્નમાં બધી વિધિ પતી પછી બધા ભેટ આપવા આવતા હતા. તે લાઈનમાં બાપુજી પણ આવ્યા અને મને પેકેટ પકડાવ્યું. મને ઇંતેજારી હતી. આટલા બધા કરિયાવર ઉપરાંત આમાં શું હશે! સરપ્રાઇઝ હતું! બાપુજીએ પોતાના હસ્તાક્ષરમાં લખીને મઢાવેલો સંદેશ હતો. તેમાં બીજી સલાહો ઉપરાંત જે ખાસ શિખામણ હતી તે જુઓ.

‘અમે તને ભણાવી છે. તારી હવે એ જવાબદારી છે કે, તું એવું કોઈ વર્તન ન કરે કે, એવું પગલું ન ભરે જેના લીધે સમાજ દીકરીઓને વધુ ભણાવતાં ડરે. બલ્કે એવું વર્તન કરજે જેથી એવો સંદેશ જાય કે, છોકરીઓને ભણાવવાથી તે વધુ સમજુ અને સંસ્કારી બને છે.’ આજે પણ ફ્રેમમાં મઢેલો એ સંદેશ મેં સાચવ્યો છે.

મારી જિંદગીમાં સુખેથી આગળ વધવા એમણે આપેલી એ સરપ્રાઇઝ ગિફ્ટ જ પુરતી છે તેની ખાત્રી હોય તેમ, તે દિવસે પણ એ ન રડ્યા! પણ આંખોમાં આંસુ વગર રડી શકાય તેનો અહેસાસ જરૂર થયો.

આવા મારા બાપુજીને છોડીને જતાં મને તો ખૂબ રડવુ આવેલું! હું ખૂબ રડેલી, આખો માંડવો રડી પડેલો!

બાપુજી

બાપુજી વિષે લખવાના વિચાર માત્રથી રડવું આવી જાય છે. જેમ માબાપના ઉપકારનો બદલો વાળવાની આપણી ક્ષમતા હરગીઝ નથી હોતી. તેમ તેઓને પુરા સમજીને તેમના વિશે લખવું પણ ક્યાં સહેલું છે? આજે ફરીથી એક બાળક બનીને મેં જે અનુભવ્યું તે આ રહ્યું.

પિતા વિશે પણ લખી શકું,
એ મુજને ક્યાંથી ફાવે!
દિલમાં એવો અહોભાવ જે
ઊંચું સ્થાન અપાવે. 

નાનકડા હાથોથી જ્યારે
ઝાલી આંગળી એની
ચાલું ત્યારે પડી જવાની
બીક રહે પછી શેની?
હવે નથી કંઈ વાંધો
એવી હાશ મનમાં લાવે. 

ખોટો ગુસ્સો કાઢે એના
મનમાં પડી શીતળતા
જરૂર પડે તો કડક બને
પણ ધીમે એ પિગળતા
હરદમ રહેતું દિલમાં એના
વ્હાલ, કદીક વહાવે

પાસ રહે કે દૂર પિતા તો
સદાય સાથે રહેતા
આવું બેસતા, આવું ફરતા,
કેવું કેવું કહેતા!
નથી હવે આ જગમાં જ્યારે
હરપળ માર્ગ બતાવે 

~ રશ્મિ જાગીરદાર (અમેરિકા) 

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. ભાવપૂર્ણ સ્મૃતિચિત્ર