| | | |

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે… ~ ગઝલ શિબિરાર્થીઓ રચિત ~ શેર / મુક્તક /ગઝલ / ગીતનું સંકલન ~ કુલ કવિ: ૨૦

૧.

આ દુષિત બનતી હવામાં જીવવું કેમ?
તન ને મન નિરોગી મારે પામવું કેમ?
ઊગતી પેઢીને માટે ના વિચારી,
વારસામાં આપવા કંઈ રાખવું કેમ?
~ રશ્મિ જાગીરદાર 

૨. …એ પછી બોલી શક્યા

પાનખરમાં એટલે વૃક્ષો ગમ્યા,
બાળકોને હીંચવા ઝૂલા મળ્યા.

કોઈ તો પગ પર કુહાડી મારતાં,
કોઈએ તો વૃક્ષને પગભર કર્યા.

ખમ્મ ખાલી આયખે ઊભાં રહ્યાં,
છમ્મ લીલા ઓરતા ત્યારે જડયા.

તું ભલે બોલ્યા વગર આવે હવા,
પાંદડાઓ એ પછી બોલી શક્યા.

આપશે નહિ વૃક્ષ જેવો છાંયડો,
વાદળાં છો આપણાં માથે ચઢ્યા.

આપણે તો જોઈ ખાલી પાનખર,
દર્દ વૃક્ષોને સહન કરવા પડ્યા.

કોઈ ‘ડે’ ઉજવ્યા નથી વૃક્ષો તમે,
લો,જુલાઈ ‘ફ્રાઇડે’ તમને ધર્યા.
~ રક્ષા શાહ

૩. ઝાડ છે તો….

ઝાડ છે તો શ્વાસ મારાં, ઝાડ રગમાં જાગતું રે,
ઝાડ દેતું પ્રાણ સૌને,તોય કંઈ ના માંગતું રે.

ચાંદ-તારા સૂર્ય પૂરે, શાખ એની ચેતનાની,
પોતે ખમતું ટાઢ-તડકો,છાંય શીતળ આપતું રે.

ફળ રસીલા ખૂબ દેતું,ઔષધોમાં કામ આવી,
અંત સમયે મોક્ષ દેવા, જાત એની બાળતું રે.

આંબલી ને પીપળી રમતા, ચડી નીચે ઉતરતા,
ડાળ પકડી ઝૂલતા, વ્હાલું ય કેવું લાગતું રે.

રામેં હેંઠાં બોર ખાધાં, ભક્ત શબરી કાજ વનમાં,
કૃષ્ણ મુખે વાંસળીમાં, સૂર થઈને વાગતું રે.

વીતતા જોયાં જમાના, તે ઘણાં ઊભા રહીને,
મારગે આપી વિસામો, હૈયું નિર્મળ રાખતું રે.
~ રમેશ મારૂ “ખફા”

૪. કુંપળ સિમેન્ટના કહેરમાં?

કેસુડો પૂછે ગયું કયાં વન મારું આ શહેરમાં?
બસ ફકત જીવી શકે છે માનવી અહીં લહેરમાં.

પ્લોટમાં પલટાય ખેતર કેડીઓ રસ્તા બને
કેવી રીતે ખીલશે કુંપળ સિમેન્ટના કહેરમાં?

વેલને વિટળાવવાને વૃક્ષ કયાં મળતાં અહીં?
ફૂલ લેતું શ્વાસ પણ દૂષિત હવાનાં ઝહેરમાં

ક્યાંક સુકાઈ ગઈને ક્યાંક ખોવાઈ નદી
વહેણ પાણીનું મળે વહેતું શહેરની નહેરમાં.
~ મિતા ગોર મેવાડા

૫. હા, હું સુક્કું ઝાડ છું

હું હવે થાકી ગયો, પરવાનગી આપો મને…
હા, હું સુક્કું ઝાડ છું, પણ પ્રેમથી કાપો મને.

રોજ હું ડૂબી જતો તોસાગરે સંસારના,
તોય આ દુનિયા નવાજી દે કહી ત્રાપો મને!

કોલસો હું છું થવાનો કે પછી કંચન બનું?
પ્રશ્ન મારો છે નહિ આ,આપ છો તાપો મને.

આ સભા પાસે વિકલ્પો માત્ર બે બાકી બચ્યાં
નોંધ કે તાજાખબરમાં શોખથી છાપો મને.

હું જ બારી, બારણું, ટેબલ અને ખુરશી બનું,
લાકડી,ઉંબર બનું… નહીં આપતા ઝાંપો મને.
~ ભૂમિ પંડ્યા (રાજુલા)

૬. ગીત: વગડાને આવ્યાં છે આંસુ

વગડાને આવ્યા છે આંસુ,
મારું ક્યાં ખોવાયું ચોમાસુ?

ધોમ ધોમ ધબકે છે લીલી નસોમાં
ઓલી પાનખર અંધારી રાતે,
ડગલે ને પગલે મુ’ને રેતી દઝાડે
તોયે વાયરો માને છે ક્યાં કોઈ વાતે?
જીવતરની સાવ આ સુકકી વેળામાં
મારે હૈયે વાગે છે કેવી ફાંસુ?
મારું ક્યાં ખોવાયું ચોમાસુ?

લીલો અજવાશ મારો, લીલેરી પ્યાસ
પછી રહી જાશે ખાલી શમણાંમાં,
ટ્હુકા પંખીના ‘ને ઝુમખા ઝાકળનાં
પછી કેટલું તે જીવશે ભ્રમણામાં?
ઝંખનાઓ કૂંપળની ચાંચે ભરીને
મારે મરવાનું આમ સાવ પ્યાસુ!
મારું ક્યાં ખોવાયું ચોમાસું?

વાદળીયું રોજ રોજ ડૂસકાં ભરીને
પછી ફાટ-ફાટ વ્હેતી’તી આભે ,
દરિયો ભુખાળવો તે નદિયું પી ગ્યો છે
બધી હું થીગડું તે ક્યાંથી મારું ગાભે?
સુર્ય આવીને પાછો તિખારો ચાંપે
પછી કેમ કરી બારણાને વાસુ,
મારું ક્યાં ખોવાયું ચોમાસુ.

~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’

૭. ગીત: અમને બાળશો રે નહિ કોઈ

લીલેરા પાંદડાએ કીધો કલશોર
અમને બાળશો રે નહિ કોઈ,
પીળા પડીએ અને ખરી જઈએ
તોય અસ્તિત્વ અમારું હોય.

ઝાડ અને ડાળખી સાથે સબંધ
અમને હરિયાળા દિ’ યાદ રહેશે,
પંખીની હલકી ચાંચોનો અમને
મીઠેરો સ્પર્શ યાદ રહેશે,
કલરવથી ગુંજતી અમારી એ દુનિયાને
સળગાવશો રે નહિ કોઈ.
લીલેરા પાંદડાએ કીધો કલશોર
અમને બાળશો રે નહિ કોઈ.

પીળા બનીને મરવા કરતા
અમને ખાતર બની રહેવું ગમશે,
અમારા દેહના દાનથી જમીનમાં
નવી નવી કૂંપળો  જનમશે,
અમે મરીયે પછી અમારા
મુલને ભૂલશો રે નહિ કોઈ.
લીલેરા પાંદડાએ કીધો કલશોર
અમને બાળશો રે નહિ કોઈ.
~ કેતન ભટ્ટ

૮. કોને ખબર!

શું થયું! શું થાય છે! ને શું થશે! કોને ખબર!
કોણ જાણે ઋતુ કઈ આજે હશે! કોને ખબર!
ફક્ત વૈશ્વિક ઉષ્ણતા લાગે જ છે કારણ બધું,
આ જ અસમંજસ હવે ક્યારે જશે! કોને ખબર!
~ અતુલ દવે, વડોદરા

૯. ઘટા રાખજો

પ્રકૃતિ ખીલવાની જગા રાખજો;
ઝાડ ને ફૂલ માટે તમા રાખજો!

સાફ રસ્તા અને આંગણું રાખજો;
જીવવા કાજ ચોખ્ખી હવા રાખજો!

ખેતરો વેચશો, લાભ માટે તમે;
ખુદને જોવા ઘરે આયના રાખજો!

આપણું આયખું કામ આવે સતત,
છાંયડો આપવાને ઘટા રાખજો!

પ્રેમ વાવો અને માનવી વૃક્ષ બને;
તો પછી છાંયડામાં સભા રાખજો!

~ કમલેશ શુક્લ

૧૦. તે કેટલો સુંદર હશે!

અવનિ પુષ્પોથી ભરી તે કેટલો સુંદર હશે!
વ્યોમની એ તો પરી તે કેટલો સુંદર હશે!

વૃક્ષની છાયા નમી વંદન કરે ઈશ્વર તને
પ્રીત પર્ણોથી ઝરી તે કેટલો સુંદર હશે!

ઓસ થી ફૂલો મહેંકે ભાન ભમરા ભૂલતા
કૂમળી કળીઓ ડરી તે કેટલો સુંદર હશે!

આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી
ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે!

લાલ પીળાં રંગબેરંગી જો પંખી શોભતા
ગાન લેતા મન હરી તે કેટલો સુંદર હશે!

વૃક્ષ ઊભું છે જટાયુ સમ ઘવાઈ એકલું
કૈં તપસ્યાઓ કરી તે કેટલો સુંદર હશે!

ઘૂઘવાતો ઉદધિ જો ગાય ગાથા શ્રેષ્ઠની
ઓ નદી જા જળ ભરી તે કેટલો સુંદર હશે!

ઝળહળે આકાશ આખું સૂર્ય લાલી માં થકી
સિંદૂરી સંધ્યા સરી તે કેટલો સુંદર હશે!

શબ્દ પુષ્પોનાં કવન ‘સપના’ જશે છોડી અહીં
જિંદગી જેને ધરી તે કેટલો સુંદર હશે!!
~ સપના વિજાપુરા

૧૧. છૂટા શેર 

1. ચકચકિત ટેબલની ઊપર બેસીને લખ્યું’તું મેં,
‘વૃક્ષ છે તો જિંદગી છે.’ એ જ શાશ્વત સત્ય છે.

2. કોઈ સંતુલન હવે કુદરતથી જળવાતું નથી,
આધુનિકતા કેટલી બરબાદીઓને વ્હોરશે?

3. સ્મરણના બાંકડે જો કોઈ આવીને જરા બેઠું,
તરત એક વૃક્ષ ઊગ્યું લીલુંછમ વેરાન આંગણમાં.

4. મહેલ કોંક્રિટોના ઈર્ષાથી બધાં સળગી ગયાં,
સહેજ તડ પામીને ફૂટી નીકળી કૂંપળ કોઈ.

5. કેટલો કરપીણ એનો અંત આવ્યો, ઓ પ્રભુ!
વૃક્ષ કોઈ ઊગ્યું’તું રસ્તાની મધ્યે ભૂલથી..

6. પથ્થરોને ખેરવી એ ચેતવ્યાં કરતો રહે,
પહાડને આ માણસોનું આગમન ગમતું નથી.

7. ભલે થોડું ધરો એ સો ગણું આપી દે વળતરમાં,
ગજબ છે ઋણ ધરતીનું, કદી ફેડી શકાશે નહિ.
– મેધાવિની રાવલ ‘હેલી’

૧૨. પાંગર્યું છે

હર ક્ષણે આ શ્વાસમાં, જે પ્રાણ પૂરે વણ કહ્યે
વૃક્ષથી જીવતર બન્યું છે શક્ય, ને નિત પાંગર્યું છે
આ ધરા, વહેતી હવા ને જળ પ્રદુષિત થઈ ગયા
તેથી જીવતરમાં હવે, આ કારમું વિષ પાંગર્યું છે
~ કિરીટ શાહ

૧૩. વૃક્ષો

હજુ અકબંધ ઉભા છે અમારી શાનનાં વૃક્ષો,
લીલાંછમ સૂર ફેલાવે જગતમાં ગાનનાં વૃક્ષો.

નથી કેવળ એ ડાળી, મૂળ, થડ કે પાનનાં વૃક્ષો,
બીજાને કાજ જીવે સંતની પહેચાનનાં વૃક્ષો.

હતી તલવાર જેવી આબરૂ ત્યાં પાનખર પહેલાં,
પછી દેખાય છે ખાલી પડેલાં મ્યાનનાં વૃક્ષો.

ઋષિમૂનિઓ, ફકીરો, ઓલિયા, સાધુ-મહાત્માઓ,
યુગો સુધી ન ખૂટે સ્ત્રોત એવાં જ્ઞાનનાં વૃક્ષો.

૧૪. શેર 

જડતો નથી એક્કેય માળો શહેરમાં
વૃક્ષો હવે તું કાપવાનું બંધ કર
~ ભારતી ગડા – મુંબઈ

૧૫. શેર 

હાશ! જોવાશે પવન સાથે નવી દુનિયા હવે,
ઝાડથી છૂટું પડીને પાંદડું હરખાય છે.
~ કાવ્યાલ્પ અલ્પા વસા

૧૬. બે શેર 

કાને પડયા જે ટહુકા પછીની જ વાત છે,
વૃક્ષોને ધડ સમેત હું કાપી શકયો નહીં.
*
ધરતી ,હવા ને પાણી બધુંયે સડી ગયું,
ને માણસો હવે છે નવા ગ્રહની શોધમાં.
~ ડૉ. સેજલ દેસાઈ

૧૭. મુક્તક 

દુર્દશાને ડામવાનો માર્ગ વસમો નીકળે.
લોભ આળસને ઘણાં બીજાંય કર્મો નીકળે.
સૌ પ્રલયના કારણોનો રેલો આવ્યો શાસને
આ ગરમ લાવા તળે તૂટેલ ભરમો નીકળે.
~ પૃથા મહેતા સોની

૧૮. શેર 

એકાદ ડાળી ઝાડ ઉપરથી છૂટી પડી,
પણ ઝાડની તો જિંદગી જાણે ખૂટી પડી.
દીપક ઝાલા “અદ્વૈત” – નૈરોબી

૧૯. લાજ રાખી આપણે?

આમ તો ઉપમા ધરાને ‘મા’ની આપી આપણે
શું ખરેખર માવતરની લાજ રાખી આપણે?
ઉન્નતિને મંજિલે પહોંચાડવા દોડી સતત
એ નદીઓને મલિન, માંદી બનાવી આપણે.
~ તૃપ્તિ ભાટકર

૨૦. ગીત: કૂવો

કૂવાનાં તળ કરો સાચાં
પ્રભુજી એને પાણી અપાવોને પાછાં

કૂવાને પાણી સંગ ભવભવની પ્રીત
એને પાણી વિના તે કેમ સોરવે
વનનાં તે વન અહીં રહેંસીને લોકો
સૃષ્ટિનાં સંતુલન ખોરવે
વર્ષાને આકર્ષી લઈ આવે કોણ
અહીં ઝાડ બચ્યાં ઓછાં ને આછાં

રેંટ અને કોશ અને મીંદડી ગરગડીને
કૂવો લાગે છે ઓરમાયો
નીકનોયે ખાલીપો, શેઢા લગ પહોંચીને
ખેતરથી ખોરડે ભરાયો
માણસ તો બોલીયે નાખેઃ
આ ધરતીની તરસ્યુંને કોણ દિયે વાચા?

~ હિતેન આનંદપરા

(નોંધ: જો આ સંકલન આપને ગમ્યું હોય તો આપના ગ્રુપમાં / ફેસબુક પર post-share કરવા વિનંતી.)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ખૂબ સુંદર સંકલન…
    મારી રચનાને અહીં સ્થાન આપવા બદલ હૃદયથી આભાર હિતેનભાઈ…’આપણું આંગણું’….

    રમેશ મારૂ – ‘ખફા’