બોન્સાઈ ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:4 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

બોન્સાઈ-ભાગ 4

હાઇરાઈઝ બિલ્ડિંગની લિફ્ટ ઉપર સરકી રહી હતી ત્યારે એને ફરી ગભરામણ થતી હતી. એકત્રીસમે માળે લિફ્ટ અટકી ત્યારે હાશ થઈ, પણ મનમાં હજી ફફડાટ હતો, અરુણાબેન શી વાતો કરશે, ક્યાં લઈ જશે, શું શેનું શૉપિંગ કરીશું?

દરવાજો ખૂલ્યો, એ ડ્રોઇંગરૂમમાં આવી ત્યારે અરુણાબહેન એની જ રાહ જોતાં હતાં.

`આવ ઉમા. પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી તમારો બેડરૂમ જોઈ લે એટલે તારે કંઈ ફેરફાર કરાવવો હોય તો ઇન્ટેરિયર ડેકોરેટરને બોલાવું. જોકે તારા માટે વૉર્ડરોબનો ઑર્ડર અવંતિએ આપી દીધો છે.’

એ રૂમની વચ્ચે ઊભી રહી સુશોભિત સુસજ્જ શયનખંડ કિંમતી કલાત્મક ચીજવસ્તુઓ, આધુનિક ફર્નિચરથી સજાવેલો. એ તે વળી આમાં શું ફેરફાર કરે? એને સમજ શી પડે? એણે અહીં રહેવાનું હતું એના ભાવિ પતિ સાથે.. આ મોટું ટી.વી. કટગ્લાસનું ઝૂમ્મર.. ગાલીચો.. ત્યાંથી નજર ફરતી પલંગ પર અટકી ગઈ. અહીં આ વૈભવી પલંગ પર એ અવંતિ સાથે…. સેક્સના વિચારમાત્રથી એ ગભરાઈ ગઈ. તરત બોલી પડી, `ના. ના. સરસ છે બધું. મારે શું કહેવાનું હોય!’

એ રૂમની બહાર નીકળી ગઈ. અરુણાબહેને એને ખભે હાથ મૂક્યો. બન્નેની નજર મળી. બધું ઠીક થઈ જશે કહેતાં હોય એમ એની પીઠે હાથ પસવાર્યો અને બન્ને બહાર નીકળી ગયા.

ઝવેરી બજારના એક વિશાળ શો-રૂમમાં દાખલ થતાં જ એના માલિક અરુણાબહેનનું સ્વાગત કરતાં સામે આવ્યા. આજની ઍપોઇન્ટમેન્ટનો એમને ફોન થઈ ગયો હતો. લિફ્ટમાં પહેલે માળ આવ્યા. અહીં માત્ર હીરાની જ્વેલરી ખાસ ક્લાયન્ટ્સ માટે હતી. તરત હીરાના દાગીનાઓ કાઉન્ટર પરના લાલ મખમલ પર પાથરવામાં આવ્યા, એ અંજાઈ ગઈ.

`લગ્ન અને રિસેપ્શનનો સેટ તને જે ગમે તે પસંદ કરી લે ઉમા.’

એ સ્તબ્ધ થઈ જોતી રહી. શું એને ખરેખર પસંદગીનો અવકાશ હતો? સેલ્સમેને એને એક ખૂબ સુંદર કારીગરીનો ટીકો આપ્યો.

`આ લેટેસ્ટ કલેક્શન છે, તમને ગમશે.’

ઉમાનો હાથ ધ્રૂજી ગયો, એણે ટીકો લઈ સેંથીમાં મૂકી સામેના અરીસામાં જોયું. એ ખરેખર સૌંદર્યમયી નવવધૂ લાગી રહી હતી. એના મનમાં શરણાઈ મધુર ગુંજન કરી ઊઠી.

એણે ધીમેથી પોતાને ફરી પૂછ્યું, શું જીવનને પલટાતાં આટલી જ વાર લાગે છે?

સેલ્સગર્લ યુવતીએ હીરાનું ચોકર એના ગળામાં પહેરાવ્યું. એનું રૂપ વીજળીની જેમ ઝબૂકી ઊઠ્યું. બાજુમાં અરુણાબહેન ઊભા હતા. હલકા ભૂરા રંગની સાદી સિલ્કની સાડી, ન મૅક-અપ ન ઝગમગતાં ઘરેણાં. એક સીધીસાદી ગૃહિણી, સંપત્તિના, પ્રખ્યાતિના કોઈ વાઘા પહેર્યા વિનાની.

બન્ને જોડાજોડ આઈનામાં પ્રતિબિંબિત હતા. ઉમા ક્ષણભર સ્થિર નજરે જોઈ રહી. શૃંગારના આ ઝગમગતા માહોલ વચ્ચે એક સ્ત્રી ઊભી હતી, એની પાસે બધું હતું, છતાં એ બધાંથી અલિપ્ત હોય એમ. એની પાસે કશું ન હતું છતાં રાજકુંવરીની જેમ એને બધું મળી રહ્યું હતું. અવંતિએ શું કહ્યું હતું, તમે જેવા સીધાસાદા છો, એવા જ મને ગમો છો.

ઉમાએ હીરાનું વજનદાર ચોકર ઉતાર્યું, `મને આનાથી થોડું નાનું બતાવો.’

`લઈ લે ઉમા. બહુ સરસ છે, તને શોભે એવું છે, આ ચોકર બાજુ પર રાખજો. ધ્યાન રાખજો એવું બીજું બનવું ન જોઈએ.’

ઉમા જોતી ઊભી રહી ગઈ. અરુણાબહેને મોટા દાગીનાઓ ખરીદ્યા, બીજાં નાનાં ઘરેણાંઓ પણ ખરીદ્યાં. બીજાને ભેટ આપવા પણ જોઈશેને ઉમા! તને મંગળસૂત્રનો શોખ હોય તો આ સરસ છે.

`ના. મને મંગળસૂત્ર, સેંથામાં સિંદૂર એવું બધું ગમતું નથી, મારી મમ્મી પણ પહેરતી નથી. તમે પણ નથી પહેર્યું.’

`મારું પણ એવું જ, બે દિવસમાં ડિલીવરી કરી દેજો.’

જી કહેતાં એમણે ચા કોલ્ડ-ડ્રિંકનો આગ્રહ કર્યો પણ બન્ને બહાર નીકળ્યા કે ઉમાના મોબાઇલ પર અવંતિનો મેસેજ, `તમને ક્યાંથી પીકઅપ કરું?’

અરુણાબહેને ફોન લઈ લીધો અને ટાઇપ કર્યું, અમે ઑફિસે જ પહોંચીએ છીએ.

કારમાં ઑફિસ જતાં જતાં ઉમાએ સંકોચથી કહી જ દીધું, `અરુણાબહેન મને આટલા ભારે દાગીના પહેરવા નહીં ગમે.’

`પણ ઉમા, બિઝનેસની દુનિયા જુદી જ છે.’

`એટલે?’

`મહિલાઓએ દાગીના પહેર્યા હોય એ પરથી એના પતિનું, એની કંપનીનું સ્ટેટસ મપાય. એટલે પાર્ટીમાં, લગ્નમાં પહેરવા જ પડે.’

ઉમા આભી બની એમને જોઈ રહી. જાણે એની સીમિત દુનિયાની સરહદ પર ઊભી રહી એ કોઈ અજાયબ દુનિયામાં ઝાંકી રહી હતી. એને ઑફિસ પાસે ઉતારી અરુણાબહેન ગયાં. અવંતિ પાર્કિંગ લોટમાં એની રાહ જોતો હતો. કાર કમ્પાઉન્ડ બહાર નીકળી અને ગિરદીમાં ભળી ગઈ.

`ક્યાં જશું ઉમા? તમારી કોઈ પસંદગીની જગ્યા…’

`ના. તમે નક્કી કરો.’

`દૂર જવાનો તો સમય નથી પણ એક સરસ રેસ્ટોરાં છે ઊંચાઈ પર. શહેરની વ્યૂઇંગ ગૅલરી જેવી, નાની છે પણ ખુલ્લામાં છે એટલે આકાશ અને શહેર બન્ને દેખાશે!’

`અરે વાહ સરસ! મને લાગે છે કે શહેર મેં જોયું નથી આજ સુધી.’

થોડી વારે રેસ્ટોરાં પહોંચી ગયા. કાર પાર્ક કરી, નાની સીડીથી ઉપર ચડ્યા. ખુલ્લા ચોક જેવી રેસ્ટોરા, થોડે દૂર દૂર ટેબલ ગોઠવાયેલા હતા. દીવાલો અને છત વિનાની આ જગ્યા ઉમાને ગમી. અહીંથી દૂર સુધી વિસ્તરેલું શહેર દેખાતું હતું, ઝગમગતું, ધબકતું અને ક્યાંક ક્યાંક ઝાંખી બત્તીઓનો ઉજાસ હતો.

શું વાત કરવી એની મૂંઝવણમાં ઉમા હતી ત્યાં અવંતિએ જ પૂછ્યું, `જ્વેલરીનું શૉપિંગ થઈ ગયું?’

`સાચું કહું તો મેં ભારે કિંમતી જ્વેલરી ખરીદી તો શું, જોઈ પણ નથી અને બહુ બધું પહેરવું મને ન ગમે. એટલે મને શું સમજણ પડે?’

`ભાભીને બધી ખબર છે.’

`હા, એમણે જ ખરીદી કરી છે.’

કૉફી સૅન્ડવિચનો ઑર્ડર આપી અવંતિએ એક નાનું બૉક્સ ઉમા સામે મૂક્યું,

`આ તમારા માટે.’

ઉમાએ બૉક્સ ખોલ્યું, બે નાના હીરા સરસ ડિઝાઇનમાં જડેલી એક વીંટી હતી

`બહુ મોટી ડિઝાઇનર વીંટી નથી, મને હતું તમને કદાચ નાજુક વીંટી વધુ ગમશે.’

`બ્યુટિફૂલ. થૅન્ક્સ.’

`આજે સવારે જ નક્કી થયું કે આપણા બહુ બધી વિધિસર ઍન્ગેજમેન્ટ અને પાર્ટી મોટાભાઈ નથી રાખવાના. હવે તો આપણા લગ્નને મહિનો પણ નથી.’

`પણ આજે બપોરે અરુણાબહેને તો મને કહ્યું નથી.’

`ના. મોટાભાઈ જ તમારા પપ્પાને મેસેજ આપશે. એમને ટ્રાવેલિંગ છે એટલે સમય નથી.’

એણે શું બોલવું જોઈએ એ ઉમાને સૂઝ્યું નહીં. આજ સુધી જીવનમાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાનો પ્રસંગ જ નહોતો આવ્યો.

`મેં ખાસ તમારા માટે વીંટી ખરીદી, તમે આપણા ઍન્ગેજમેન્ટ વિના પણ મારી પર વિશ્વાસ મૂક્યો, આપણે મળીએ છીએ. એ મારે મન મોટી વાત છે ઉમા. તમે વીંટી પહેરશો તો મને ગમશે, ન ગમે તો પણ મને નિખાલસતાથી કહી શકો છો.’

ઉમાએ વીંટી પહેરી અને અવંતિ સામે ધરી સ્મિત કર્યું. થોડા સમયમાં જ આ અજાણ્યા માણસને એ જાણે ઓળખતી થઈ ગઈ હતી, કદાચ એ પણ શું એને સમજી શકતો હતો! એની પારદર્શક આંખોમાં એ ઝાંખીને જોઈ શકતી હતી. છતાં એનામાં કશુંક એવું શું હતું, જે ગોપિત હતું!

જઈશું – ઊઠતાં ઊઠતાં અવંતિએ કહ્યું, પછી કશુંક કહેતાં એ અટકી ગયો હોય એમ ઉમાને લાગ્યું. બન્ને દૂર સુધી જોતાં ઘડીક ઊભા રહ્યા. અવંતિએ એની તરફ ફરીને કહ્યું, `તમે તમારા પેરેન્ટ્સને તો નહીં કહોને આપણાં ઍન્ગેજમેન્ટની વાત? એટલે એમ કે વડીલો જ વાત કરી લે તે સારુંને?’

ઉમાએ ડોકું ધૂણાવ્યું અને સીડી ઊતરવા લાગી. ઘડી પહેલાં એને  લાગ્યું કે એ આ માણસને ઓળખતી હતી, શું ખરેખર ઓળખતી હતી? જે નિર્ણય લેવાઈ ગયો છે એ વિષે વાત ન થઈ શકે? ઠીક છે, વડીલો વાત કરી લેશે.

એણે હવે નિયતિએ દોરેલા પથ પર ચાલવાનું હતું, બસ એટલું નક્કી હતું.

* * *

ઝડપથી ચકડોળ ઘૂમે અને જીવ ગભરાવા લાગે એમ દિવસો ઝડપથી વીતતા હતા. સ્વપ્નલોકમાં વિહરવાના એ દિવસો. કોઈ દિવસ અવંતિ સાથે બહાર જતી, કોઈ વખત બે ચાર દિવસ એમ જ વહી જતા.

શૈલી મશ્કરી કરતી, `તું તો સહુથી વધુ ફ્રી-સ્પિરિટેડ હતી ઔર યે ક્યા હુઆ? લગ્ન?’

જવાબ તો એને પણ ક્યાં ખબર હતો?

આંખ મીચકારી એ પૂછતી.

`કેવો રોમાન્સ કરે છે, એ તો બોલ.’

એનો જવાબ પણ એની પાસે નહોતો.

લગ્નની ધામધૂમના, પાર્ટીનાં, અનેક ફંક્શનોના દિવસો આવ્યા અને વીતી ગયા. અખબારોમાં ગ્લેમરસ વેડિંગ તરીકે તસવીરો પણ છપાઈ ગઈ. સ્વાતિએ કહી દીધું, પૂર્વભવનાં સંચિતપુણ્યને લીધે તું રજવાડું પામી. મારી બાધા પૂરી થઈ.

સ્વપ્નલોકમાં વિહરવાનો કાળ પણ આખરે પૂરો થયો અને એ ધરતી પર આવી.

રોજનું જીવન શરૂ થયું.

એને સમજાયું કે આખું ઘર અને ઘરના સભ્યોની જિંદગી શંભુપ્રસાદ નામની ધરી પર ફરતી હતી.

વહેલી સવારે અરુણાબહેન ઊઠી જતાં અને આખા દિવસનો ઘટનાક્રમ પતિની અનુકૂળતા જરૂરિયાત અને રૂચિ પ્રમાણે જ ગોઠવાતો. એમાં મીનમેખ ન થતી.

અરુણાબહેનનું પ્રભાત રસોડામાં ઊગતું.

`જુઓ મહારાજ આજે બ્રેકફાસ્ટમાં સાહેબને કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ જોઈએ છે. આજે ઑફિસે લંચ મોકલવાનું નથી. તમને ડીનરનું મૅનુ હમણાં આપીશ.’

ઉમા સાંભળતી રહેતી. એમાં ક્યાંય એમનો પોતાનો, અવંતિનો કે એનો ઉલ્લેખ સરખો ન હતો. શંભુપ્રસાદ ઊઠીને ડાઇનિંગ ટેબલ પર બેસતા કે રસોડામાં હલચલ મચી જતી. રઘુ તરત દોડીને અખબારો મૂકી જતો. અવંતિ જરા નમીને ગુડ મૉર્નિંગ કહેતા જમણી બાજુની ખુરશીમાં બેસી જતો. એ પણ એમને ગુડ મૉર્નિંગ કહેતી એમની ડાબી બાજુની ખુરશીમાં બેસતી. બન્ને તરફ સ્મિત કરી એ અખબારોની હૅડલાઇન વાંચતા. એ સમયે ઘરમાં અજબ શાંતિ રહેતી. શંભુપ્રસાદના રૂમમાંથી હનુમાન ચાલીસાનું ભીમસેન જોષીનું ગાન સંભળાતું રહેતું. રસોડામાં થતો ખડખડાટ કે મરી-મસાલાની ગંધ એમને બિલકુલ નાપસંદ, એટલે અરુણાબહેન રસોડાનું બારણું ખોલબંધ કરતાં હાંફળાફાંફળા આવનજાવન કરતાં. મોબાઇલ પર સતત ફોનની રિંગટોન અને લૅન્ડલાઇન પર અરુણાબહેન અવંતિ શંભુપ્રસાદજી માટેના સંદેશાઓ એક પેડ લખી લેતા.

શંભુપ્રસાદનો શબ્દ શબ્દબ્રહ્મ હતો. બ્રેકફાસ્ટ ટેબલ પરથી ઊઠી એ હીંચકે બેસતા. બાલ્કનીમાંથી બહાર જોઈ રહેતા. અવંતિ એમનો પડછાયો. એ ટેલિફોન સંદેશા નંબર વગેરે લખેલું પેડ મોટાભાઈની બાજુમાં મૂકી દેતો.

આવા જુદાં જુદાં કામોમાં પોતાની શી ભૂમિકા છે એ વિષે ઉમા મૂંઝાયેલી રહેતી. ડાઇનિંગ ટેબલ પરથી એ પોતાના રૂમમાં ચાલી જતી. અવંતિ જલદી તૈયાર થવામાં હોય. એણે બે ચાર વાર કહ્યું હતું.

`તમે ઑફિસે જતી વખતે મને કૉલેજે મૂકી જતાં હો તો?’

પહેલી વાર કહ્યું ત્યારે એ ચમકી ગયેલો,

`હું તમને મૂકવા આવું? પણ હું ભાઈ સાથે હોઉં એમની ગાડીમાં. હું કેવી રીતે આવી શકું?’

`આપણે બીજી કારમાં જઈએ. મને ઉતારતાં જઈને તમે ઑફિસે પહોંચી જજોને?’

`પણ કેમ?’

ઉમાને અચંબો થતો. આટલી સાદી વાત પણ પતિને નથી સમજાતી!

`અવંતિ, આપણે થોડો સમય સાથે ગાળી શકીએ ને? સાંજે તમે વહેલાંમોડાં આવો, થાકી ગયા હો, કોઈ વાર તો પાર્ટીમાં, મિટિંગમાં રાત પણ પડી જાય છે. તો સવારનો એટલો સમય આપણો જ.’

`ના ના ઉમા, મારે મોટાભાઈ સાથે જવું પડે.’

`એવું થોડું છે અવંતિ! આપણે નિરાંતે સાથે રહ્યાનું તમને યાદ છે? લગ્ન પછી સો કોલ્ડ હનીમૂન, નજીકના રિઝોર્ટમાં જઈ ચાર દિવસમાં પાછા આવી ગયા હતા અને તમારે ઑફિસે જ પહોંચવાની વાત છેને! પછી તો તમે એમની સાથે જ છો!’

અવંતિ એને જોઈ રહેલો પછી એને કપાળે ચૂંબન કરી પડખું ફરી ગયેલો. એણે હળવેથી અવંતિને પોતાની તરફ ફેરવી હોઠ પર ચૂંબન કરેલું,

`તમે જ કહો અવંતિ, લગ્ન પહેલાની થોડી સાંજ આપણે સાથે વિતાવેલી! એ સંધ્યાના રંગોએ તમારા હૈયાને રંગમાં ઝબોળ્યું નથી?’

`ઉમા તમે કેવું સરસ બોલો છો, મને તો આવું આવડે જ નહીં. હવે સૂઈ જાઓ, તમારે સવારે કૉલેજ છે અને આવતે મહિને છેને પરીક્ષા?’

એણે હસીને કહ્યું હતું, `પતિદેવ, પરીક્ષા તો હું અત્યારે જ આપી રહી છું.’

ભોળા પતિ પર વહાલ ઉભરાયું. એના વાળમાં એ હાથ ફેરવતી રહી. અવંતિની આંખો ઘેરાતી હતી.

`મારીયે પરીક્ષા છે ઉમા, ઇલેક્શન નજીક છે, મોટાભાઈ બહુ બીઝી છે મારે બહુ… કામ છે, ગુડ નાઇટ.’

જાણે હવે આખી વાત પર પડદો પડી ગયો હતો. મનમાં કસક ઊઠતી, શું પતિનું સાંનિધ્ય ઇચ્છવું ખોટું હતું!

બપોર પછી કૉલેજથી આવી જતી ત્યારે ઘર સૂમસામ લાગતું. અરુણાબહેનને એણે ભાગ્યે બહાર જતાં જોયાં છે. કોઈ વાર સવારે એ ચા-નાસ્તાની દોડાદોડી કરતાં હોય ત્યારે શંભુપ્રસાદ કહી દેતા, અરુણા આઠ વાગે કાર તને લેવા આવશે. પછી આઠ વાગે કાર સાથે નંદા પણ આવતી. સરસ રીતે એમને સાડી પહેરાવી આપતી, થોડો મૅક-અપ, હૅરસ્ટાઇલ અને બન્ને જતાં.

શંભુપ્રસાદ સવારે ડાઇનિંગ ટેબલ પર જે બોલી દેતા, એનો તરત સ્વીકાર થતો, જી. જાણે ફરમાન. એના માટે એક જ વાર ફરમાન છૂટ્યું હતું. નંદાએ એને પણ તૈયાર કરી હતી. એક પાર્ટીમાં ગયા હતા. વાતો કરવાની ન હતી, અવંતિની સાથે જ રહેવાનું હતું ત્યારે અરુણાબહેને ખરીદેલા હીરાના દાગીનાનું રહસ્ય સમજાયું હતું.

પણ બપોરે એ ઘરે આવતી ત્યારે એને મૂંઝવણ થતી. એણે શું કરવું જોઈએ એ સમજાતું નહીં. અરુણાબહેન એકલા બહાર ખાસ જતા નહીં, ન ઘરે ખાસ કોઈ આવતું, બપોરે રસોડું બંધ કરી નોકરો ચાલી જતા કે સૂઈ જતા. આમ તો એની પર કોઈ રોકટોક નહોતી, છતાં જાણે અદૃશ્ય તાંતણે બંધાઈ હોય એવી ફિલિંગ થતી. કદાચ એ પણ બીજા લોકોની જેમ વિચારવા લાગી હતી, આમ એ કંઈ કરે તો મોટાભાઈને ગમશે કે નહીં? આમ કરાય? આમ બોલાય?

ઘર પર, જીવન પર શંભુપ્રસાદ ગોરંભોની જેમ ફેલાયેલા રહેતા. હવે પરીક્ષા નજીક હતી, કૉલેજની લાઇબ્રેરીમાં વાંચીને ઘરે આવતી.

એક દિવસ સવારે અખબાર વાંચતાં એમણે કહ્યું, `ઉમા, તમને ડ્રાઇવિંગ આવડે?’

`જી.. ના..’

`તો શીખી લો, અવંતિ ડ્રાઇવિંગ સ્કૂલમાં એનું રજિસ્ટ્રેશન કરાવી દે.’

`જી. ભાઈ.’

એ ગભરાઈ ગઈ,

`જી… મને ડ્રાઇવિંગનો ફોબિયા છે, આમ પણ અમારે ઘરે કાર નહોતી એટલે..’

`તમે લાઇબ્રેરીમાં વાંચીને ઑટો કે ટૅક્સીમાં ઘરે આવો છો. એ ઠીક નથી. અવંતિ ઉમાનું ધ્યાન રાખ.’

અખબાર ઘડી કરી એ રૂમમાં ચાલ્યા ગયા. ઉમા સ્તબ્ધ ઊભી રહી. જાણે એ કઠેડામાં ઊભી હતી, આખરી ફરમાન છૂટ્યું હતું અને હવે દલીલને અવકાશ ન હતો. એ કૉલેજમાં વાંચે છે, ઑટો ટૅક્સીમાં ઘરે આવે છે આ બધી એમને શી રીતે ખબર પડતી હતી?

રાત્રે અવંતિ બૅગ પૅક કરી રહ્યો હતો, `ઉમા, સવારની ફ્લાઇટમાં અમારે દિલ્હી જવાનું છે.’

`પૅકિંગ પછી કરજો, પહેલાં મારી વાત સાંભળો.’

`અરે પણ ઉમા…’

`ના. આજે અને અત્યારે જ. શું મોટાભાઈ મારી પર ચોકી કરે છે?’

અવંતિ હાથ છોડાવી ઊભો થઈ ગયો, `ઉમા?’

`તમને પૂછે છે હું ક્યારે ગઈ? ક્યારે આવી? શેમાં ટ્રાવેલ કર્યું?’

અવંતિએ શર્ટની ઘડી કરી બૅગમાં મૂક્યા.

`તમે જવાબ ન આપ્યો.’

જરા જીદથી ઉમાએ કહ્યું. અવંતિનો સ્વર ધીમો પડી ગયો. થોડો ઘવાયેલો પણ.

`ઉમા, મોટાભાઈ પર આવી શંકા? એમણે મને પૂછેલું પણ તમારી સગવડ અને સિક્યોરિટી માટે.’

એ નવાઈ પામી ગઈ. સિક્યોરિટી? એ તો હંમેશાં પતંગિયાની જેમ ઊડતી રહી છે.

`તમે સમજો ઉમા. ઘણા લોકોની આપણી પર, ખાસ તો મહિલાઓ પર નજર હોય. એમાંય આપણું હાઇપ્રોફાઇલ ફૅમિલી, એટલે જ તમે ઑટોમાં જાઓ તો જરા ચિંતા રહે.’

`પણ ડ્રાઇવિંગ તો નહીં જ શીખું. એ સો ટકા નક્કી. મને ફોબિયા છે. ગિરદી વખતે તો એટલો ડર લાગે. ના. અને પ્લીઝ મને નહીં સમજાવતાં. વાત નીકળે તો મોટાભાઈને કહેજો, ભાઈ જરૂર સમજશે.’

બૅગ ગોઠવતાં અવંતિનો હાથ અધ્ધર રહી ગયો. ઉમા સમજી શકી અવંતિને, એણે કદાચ જિંદગીમાં આદેશનું પાલન જ કર્યું છે, ભાઈના બોલને ઉથાપ્યો નથી. એણે અવંતિને ખભે હાથ મૂક્યો, એના સ્વરમાં ભીનાશ હતી,

`ના અવંતિ. મોટાભાઈનું અપમાન કરવાનો મારો ઇરાદો ન જ હોય ને? એમને મારી ચિંતા છે એય સમજી શકું છું. પણ પોતાની કાર હોવી, એને ચલાવવી, એના વિષે જાણકારી એક સાધારણ મધ્યમ વર્ગની યુવતીને ક્યાંથી હોય? એટલે એનો પણ ગભરાટ મને.’

અવંતિ એને ઘડીભર તાકી રહ્યો.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. એક વસ્તુ ની જેમ આવી ગયેલી ઉમા ધીમે ધીમે પોતાનું વ્યક્તિત્વ અલગ કરી રહી છે, એ સંઘર્ષ દિલ સ્પર્શી