શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય બારમો ~ “સૃષ્ટિનો વિસ્તાર” ~ જયશ્રી વિનુ મરચંટ
(ઘણા સમયથી આપ સહુ સુજ્ઞ વાચકોની ઈમેલમાં આવતી હતી કે શ્રીમદ ભગવતને અધૂરૂં કેમ છોડી દીધું છે? શું આગળના અધ્યાયોની કથા લખવામાં આવશે કે નહિ? આજે આ બધી અટકળોના જવાબ આપતાં, આ શ્રેણીનો ફરી આરંભ કરતાં હું ખૂબ રોમાંચિત છું. એક લાંબા સમય – લગભગ બે વરસ પછી, આ કથા ફરીથી શ્રી હરિની અસીમ કૃપા થકી લખવા માટે પ્રેરિત થઈ છું. પ્રભુ શ્રી નારાયણને સૌ પ્રથમ દંડવત્ પ્રણામ કરીને અને આપ સહુ વાચકોને વંદન કરીને આ કથાનો પુનઃ પ્રારંભ કરું છું. આગલા બધાં જ અધ્યાયો “Search” અથવા “શોધો” માં જઈને વાંચી શકાશે. આભાર.)
ઘણાં સમય પછી આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે તો એ માટે આગલા બે અધ્યાયોમાં શું કહેવાયું હતું એનો ટૂંકો સાર મૂકી રહી છું જેથી આગલી કથા સાથે પુનઃ અનુસંધાન સાધી શકાય.
સ્કંધ ત્રીજો – બારમો અધ્યાય – “સૃષ્ટિનો વિસ્તાર”
ૐ નમો ભગવતે વાસુદેવાય
(ત્રીજા સ્કંધના અધ્યાય દસમો – “દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન” અંતર્ગત આપે વાંચ્યું કે, સૂતજી ઉપસ્થિત રહેલા સહુ શૌનકાદિ મુનિઓને જણાવે છે કે મૈત્રેયજીએ દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન વિદુરજીને કહ્યું. પછી મૈત્રેયજી વિદુરજીને આગળ હવે વંશ, મન્વન્તર વગેરેનું વર્ણન કરશે એવું પણ જણાવ્યું. સૂતજી આગળ કહે છે કે હે શૌનકાદિ મુનિઓ, આ રીતે સર્જન કરનારા સત્યસંકલ્પ એવા શ્રી હરિ જ બ્રહ્મારૂપે પ્રત્યેક કલ્પના પ્રારંભમાં રજોગુણથી વ્યાપ્ત થઈને પોતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે. ભગવાનની આ લીલાનો પાર સંપૂર્ણપણે પામવો આથી જ અઘરો છે.
ત્રીજા સ્કંધના અધ્યાય અગિયારમાં મૈત્રેયજી મન્વંતર વગેરે કાળ–વિભાજનનું વર્ણન વિગતવાર કરે છે. તેઓ આ બ્રહ્માંડની ને સૃષ્ટિની ઉત્પત્તિ દરેક યુગમાં કેવી રીતે થઈ અને અણુ, પરમાણુથી માંડીને દિવસ, રાત, પક્ષ, મહિનાઓ, વર્ષો, યુગો વગેરેનું ગણિત સમજાવે છે.)
હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય બારમો, “સૃષ્ટિનો વિસ્તાર” –
સૂતજી કહે છે – હે શૌનકાદિ મુનિઓ, વિદુરજી પછી મૈત્રેયજીને પૂછે છે કે, “આ સૃષ્ટિ ઉત્પન્ન તો થઈ, અને આપે કાળ વિભાજન પણ સમજાવ્યું. હવે મારી પ્રાર્થના છે કે આપ અમને આ સૃષ્ટિનો વિસ્તાર કેવી રીતે થયો એ વિષે પણ વિગતવાર જ્ઞાન આપો.”
(શ્રીમદ્ ભાગવતના સ્કંધ ત્રીજાના બારમા અધ્યાયમાં કુલ ૫૬ શ્લોકો રચાયા છે. અધ્યાયનો પ્રારંભ જ “મૈત્રેય ઉવાચ”થી નીચે પ્રમાણે થાય છે.)
મૈત્રેયજી વિદુરજીને કહે છે –
હે વિદુરજી, આપે જ્ઞાનપિપાસા જ નહીં, પણ વિશિષ્ટ જ્ઞાનની તૃષાથી સુંદર પ્રશ્ન પૂછ્યો છે. બ્રહ્માજીએ કઈ રીતે સૃષ્ટિ રચીને, એનો વિસ્તાર કર્યો એનો વૃતાંત જણાવું છું. જ્ઞાનને સમજવા અને પચાવવા અજ્ઞાન શું છે, એની સમજણ હોવી આવશ્યક છે. આથી જ, એમણે પણ સૌથી પહેલાં અજ્ઞાનની પાંચ વૃત્તિઓ – તમ (અવિદ્યા), મોહ (અનુરાગ), મહામોહ (રાગ), તામિસ્ત્ર (દ્વેષ), અંધતામિસ્ત્ર (અંધતમ આસક્તિ – (અંધતામિસ્ત્ર એક નરક છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે)) ની રચના કરી. આ પાપમયી સૃષ્ટિને જોઈને અત્યંત વ્યથિત થઈને બ્રહ્માએ એ વૃત્તિઓ પર વિજય અપાવનારા જ્ઞાન અને પરમ જ્ઞાનમયી સૃષ્ટિની રચના કરવાનું નક્કી કર્યું. બ્રહ્માજીએ શ્રીહરિનું પવિત્ર મનથી ધ્યાન ધર્યું. આ વખતે બ્રહ્માજીએ સનક, સંદન, સનાતન અને સનત્કુમાર – આ ચાર નિવૃત્તિપરાયણ ઊર્ધ્વરેતા મુનિઓ ઉત્પન્ન કર્યા અને એમને આદેશ આપ્યો કે તેઓ હવે પવિત્ર અને જ્ઞાનમય વિશ્વની રચના કરે પરંતુ, આ ચાર માનસપુત્રો તો જન્મથી જ મોક્ષમાર્ગનું અનુસરણ કરનારા અને નારયણનું ધ્યાન ધરનારા હતા. એમણે વિનયથી પિતાનો આદેશ માનવાની ઈચ્છા ન દર્શાવી. બ્રહ્માજીને એમના પર અત્યંત ક્રોધ આવ્યો, જેને રોકવા એમણે ખૂબ કોશિશ કરી છતાં પણ તે ક્રોધ તત્કાળ શ્યામ અને લાલ રંગના બાળકરૂપે પ્રગટ થઈ ગયો અને દેવતાઓના એક પૂર્વજ તે, ભવ નામના રુદ્ર ભગવાન રડી, રડીને કહેવા લાગ્યા – ‘હે જગત્પિતા, મારા તાત, મને મારું નામ, રહેવાનું ઠામ અને જીવનનું કાર્ય બતાવો.”
બ્રહ્માજી હવે શાંત થયાં અને પછી એમના આ પુત્રને સ્નેહભરી મધુર વાણીમાં કહ્યું કે હે પુત્ર, તમને પ્રજા રુદ્ર કહીને બોલાવશે. મેં હ્રદય, ઈંદ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા, અને તપ – એટલાં સ્થાનો રચ્યા છે. તમે અલગ અલગ નામે તમારા કાર્યો પ્રમાણે મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ઋતધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ, અને ધૃતવ્રત હશે. એટલું જ નહીં, ધી, વૃત્તિ, ઉશના, ઉમા, નિયુત્, સર્પિ, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા અને દીક્ષા – આગિયાર રુદ્રાણીઓ તમારી પત્નીઓનો સ્વીકાર કરીને તેમના વડે ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરો. તમે જ પ્રજાપતિ છો. આમ, પિતાની આજ્ઞા લઈને રુદ્ર ભગવાન પછી દેશકાળને અનુસરીને પોતાના જેવી જ રુદ્રોની પ્રજા ઉત્પન્ન કરવા માંડ્યા. આ રુદ્રો અસંખ્ય સમુહો બનાવીને સંસારનું ભક્ષણ કરવા લાગ્યાં. ત્યારે બ્રહ્માજીએ એમના પુત્ર રુદ્રને બોલાવીને કહ્યું કે “હે, પુત્ર, તમારી પ્રજા તો પોતાની ભયંકર દ્રષ્ટિથી મેં ઉત્પન્ન કરેલા સંસારને અને દરેક દિશાઓમાંથી બાળી રહી છે. માટે આવી સૃષ્ટિ ન રચો. તમે હવે સર્વને સુખ આપવા માટે આત્મચિંતન અને તપના માર્ગે પ્રયાણ કરો પછી એ તપના અને પુણ્યના પ્રભાવે સંસારની રચના કરવી. કારણ, ઈંદ્રિયાતીત, સર્વાન્તર્યામી, પરમ પ્રકાશપુંજના સ્વામી, શ્રીહરિને પ્રાપ્ત કરતાં તમારા જ્ઞાન ચક્ષુઓ ખુલી જશે. આમ રુદ્ર દેવ, પિતાની આજ્ઞા માથે ચઢાવીને, એમની પરિક્રમા કરીને, પોતાની લીલા સંકેલી લીધી અને તપ કરવા વનમાં પ્રયાણ કર્યું.
સૃષ્ટિ રચવાની શ્રી ભગવાનના આદેશનું પાલન તો બ્રહ્માજીને કરવાનું જ હતું. પ્રભુની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ પછી સર્જન માટે સંકલ્પ કરીને, મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્ર્તુ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ, અને નારદ, એમ વધુ દસ પુત્રોને પોતાન જુદાજુદા અંગોમાંથી ઉત્પન્ન કર્યા. આમ દસ પુત્રોને પેદા કરીને એમના થકી સર્જાતી પ્રજાને ધર્મ અને અધર્મની સમજણ આપવા, પોતાના અંગમાંથી ધર્મ અને અધર્મ બેઉને પેદા કર્યા. એવું કહેવાય છે કે ડાબા સ્તનમાંથી ધર્મ અને પીઠમાંથી અધર્મ, બેઉને સર્જ્યા. ધર્મની પત્ની મૂર્તિને ત્યાં સ્વયં નારાયણે જન્મ લીધો. અધર્મ થકી સંસારને ભયભીત કરનારું મૃત્યુ જન્મ્યું. તદુપરાંત કામ હ્રદયમાંથી, ભ્રમરોમાંથી ક્રોધ, નીચલા હોઠમાંથી લોભ, મુખમાંથી વાણીની દેવી સરસ્વતી, લિંગમાંથી સમુદ્ર, અને ઉત્સર્ગ અવયવમાંથી પાપના આશ્રયસ્થાન એવા રાક્ષસોના અધિપતિ નિૠતિ ઉત્પન્ન થયા. બ્રહ્માજીની છાયામાંથી, સતી દેવહૂતીના પતિ કર્દમ ૠષિ સર્જાયા. આમ સમસ્ત જગત જગત્કર્તા બ્રહ્માજીના શરીર અને મનમાંથી ઉત્પન્ન થયું.
શૌનકાદિ ૠષિઓ સૂતજીને પૂછે છે – “હે સૂતજી, અમને હવે સમજાઈ રહ્યું છે કે વિશ્વના સર્જન અને વિસર્જનમાં કેટલો બધો વિવેક જાળવવો પડે છે! વિદુરજીએ આગળ પ્રશ્નો કર્યા કે મૈત્રેયજીના મુખેથી આ વૃતાંત સાંભળીને વિદુરજીના મનનું સમાધાન થયું? અમને આ જાણવાની આતુરતા છે. કૃપા કરીને અમને કહો.
સૂતજી ઉત્તર આપતા કહે છે – વિદુરજી પછી પૂછે છે કે જગત બનાવીને બ્રહ્માજીએ આગળ શું કર્યું? કામ, ક્રોધ, મોહ વગેરે વૃત્તિઓ સાથે ધર્મ, જ્ઞાનની દેવી સરસ્વતી વગેરેને સર્જ્યા પણ એ બધાં જ પોતાનું કાર્ય કરી શકવા સક્ષમ છે કે નહીં એની જાણ એમણે શી રીતે કરી?
મૈત્રેયજી વિદુરજીના સવાલના જવાબમાં કહે છે – હે વિદુરજી, અમે એવું સાંભળ્યું છે કે સરસ્વતી ખૂબ જ સુડોળ, સુંદર અને મનોહર અને વાસનારહિત હતી. એને જોઈને બ્રહ્માજીના મનમાં વિકાર થયો ત્યારે એમના પુત્રો મરીચિ વગેરી એમને કહ્યું, કે પોતાના કામના આ વેગને રોકો. તમારા અગાઉ અનેક બ્રહ્મા આમ જ જગતનું સર્જન કરતા રહ્યાં છે અને પ્રલય થતાં ફરી આ બધાંનો નાશ થાય છે. આ જ ક્રમ છે. હે જગતપિતા, જગદગુરુ, તમને આ શોભતું નથી. આ સાંભળીને બ્રહ્માજી ખૂબ લજ્જિત થયા અને તેમણે પોતાનું સ્થૂળ શરીર ત્યારે જ ત્યાગી દીધું. ત્યારે ચારેય કોરથી દિશાઓએ એ શરીર ગ્રહણ કરી લીધું એ જ શ્યામ ધુમ્મસ થયું, જેને અંધકાર પણ કહે છે.
પોતાનું શરીર ત્યાગતા પહેલાં, બ્રહ્માજી જ્યારે સહુ સુસંગત અને વ્યવસ્થિતરૂપે બધા ભુવનોની રચના કેવી રીતે કરવી એ વિચારી રહ્યા હતા ત્યારે, એ જ સમયે એમના ચારે દિશાના ચાર મુખોમાંથી (પૂર્વ, દક્ષિણ, પશ્વિમ તથા ઉત્તર, એ દિશાઓના અનુક્રમે) ઋક, યજઃ, સામ અને અથર્વ, એમ ચાર વેદ પ્રગટ કર્યા. તદુપરાંત, ઉપવેદ, ન્યાયશાસ્ત્ર, હોતા, ઉદગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા – આ ચાર ઋત્વિજોનાં કર્મો, યજ્ઞોનો વિસ્તાર, ધર્મના ચાર ચરણો, ચાર્ય આશ્રમો અને એમાંની વૃત્તિઓ – આ બધાં પણ બ્રહ્માજીના મુખોમાંથી જન્મ્યાં.
એના પછી, શસ્ત્ર (હોતાનું કર્મ), ઈજ્યા (અધ્વર્યુનું કર્મ), સ્તુતિસોમ (ઉદગાતાનું કર્મ) અને પ્રાયશ્વિત (બ્રહ્માનું કર્મ) – આ ચારેયની પણ રચના કરી. તે ઉપરાંત આયુર્વેદ (ચિકિત્સાશાસ્ત્ર), ધનુર્વેદ (શસ્ત્રવિદ્યા), ગાંધર્વવેદ (સંગીત ને નાટ્યશાસ્ત્ર) અને સ્થાપત્યવેદ (શિલ્પશાસ્ત્ર) – આ ચાર ઉપવેદો પણ અનુક્રમે પૂર્વ વગેરેના ઉપર કહેલા ક્રમમાં જ પ્રગટ કર્યા. અને, ત્યાર પછી, સર્વદર્શી ભગવાન બ્રહ્માએ પોતાનાં ચારે મુખોમાંથી ઈતિહાસ-પુરાણરૂપી પાંચમો વેદ પણ રચ્યો. આ જ ક્રમમાં વિદ્યા, દાન, તપ અને સત્ય – ધર્મના આ ચાર ચરણો અને તેમની વૃત્તિઓ સહિત ચાર આશ્રમ પણ સર્જાયા.
શૌનકાદિ ઋષિઓ કુતૂહલતાથી પૂછે છે – પછી દરેક આશ્રમના ધર્મો અને એ સિદ્ધ કરવા માટેની વિદ્યાઓનું વર્ગીકરણ કેવી રીતે થયું?
સૂતજી કહે છે – આવો જ સવાલ આદરથી વિદુરજીએ પૂછ્યો હતો તો એના ઉત્તરરૂપે નીચે પ્રમાણે મૈત્રેયજી કહે છે.
મૈત્રેયજી કહે છે – તમારો સંશય દૂર કરવા એનું વર્ગીકરણ કરીને સમજાવું છું.
૧. સાવિત્ર (ઉપનયન સંસ્કાર પછી ગાયત્રીનું અધ્યયન કરવા માટેનું વ્રત), પ્રાજાપ્ત્ય (એક વરસનું બ્રહ્મચર્યવ્રત),
બ્રાહ્મ (વેદ અધ્યયનની સમાપ્તિ સુધી પળાતું બ્રહ્મચર્યવ્રત), અને બૃહત્ (સંન્યાસીઓ દ્વારા આયુષ્યપર્યંત
પળાતું બ્રહ્મચર્યવ્રત) – આ ચાર વૃત્તિઓ બ્રહ્મચારીની છે.
૨. વાર્તા(કૃષિ, વાણિજ્ય, સમાજ અને કુટુંબ વગેરેને લાગતી વૃત્તિઓ), સંચય (યાગયજ્ઞ પછી બચત વૃત્તિ),
શાલીન (અયાચિત વૃત્તિઓ) અને શિલોંછ (ફસલ લણ્યા પછી વેરાયેલા અનાજને પણ ન વેડફવાની વૃત્તિ)
– આ ચાર વૃત્તિઓ ગૃહસ્થની છે.
૩. વૈખાનસ (વણખેડી જમીનમાંથી નિર્વાહ કરવો), વાલખિલ્ય (સંઘરી રાખેલું વધારાનું અનાજ દાનમાં દેવું),
ઔદુમ્બર (સવારના ઊઠતી વખતે જે દિશામાં મુખ હોય ત્યાંથી જ ફળ લાવીને નિર્વાહ કરનારા), અને ફેનપ
(આપોઆપ ખરેલાં ફળો પર ગુજારો કરનારા), – આ ચાર વૃત્તિઓ વાનપ્રસ્થોની છે.
૪. કુટીચક (વનમાં ઝૂંપડી બનાવીને આશ્રમ ધર્મોનું પાલન કરીને રહેનારા), બહૂદક (કર્મ પ્રત્યે ગૌણદ્રષ્ટિ રાખીને
જ્ઞાનને જ મુખ્ય માનનારા), હંસ (જ્ઞાનના અભ્યાસી) અને નિષ્ક્રિય (જીવનમુક્ત જ્ઞાની) – આ
ચાર પ્રકાર સંન્યાસીઓના છે.
૫. આજ ક્રમે આન્વીક્ષિકી (મોક્ષ પ્રાપ્ત કરનારી આત્મવિદ્યા), ત્રયી (સ્વર્ગ વગેરે આપનારી કર્મવિદ્યા), વાર્તા (કૃષિ,
વાણિજ્ય, સમાજ અને કુટુંબ વગેરે માટેની વિદ્યા), અને દંડનીતિ (રાજનીતિ અને ન્યાયશાસ્ત્રની વિદ્યા) વિદ્યાઓ
અને ચાર વ્યાહ્યતીઓ – (ભૂઃ, ભૂવ, સ્વઃ અને મહઃ) પણ બ્રહ્માજીના ચાર મુખોમાંથી ઉત્પન્ન થઈ અને એમના
હ્રદય-આકાશમાંથી ૐકાર પ્રગટ થયો.
૬. બ્રહ્માજીના રુંવાટામાંથી ઉષ્ણિક્, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિઓમાંથી
જગતી, મજ્જામાંથી પંક્તિ અને પ્રાણમાંથી બૃહતી છંદ ઉત્પન્ન થયા.
૭. બ્રહ્માજીના જીવ સ્પર્શવર્ણો (‘ક’ વર્ગ વગેરે પાંચ વર્ગો) અને શરીર સ્વરવર્ણો (‘અ’ કાર વગેરે) કહેવાયા.
૮. બ્રહ્માજીની ઈંદ્રિયોને ઉષ્માક્ષરો (શ, ષ, સ, હ) અને બળને અંતઃસ્થાક્ષરો (ય, ર, લ, વ) કહે છે.
૯. તેમની ક્રિડાથી નિષાદ, ઋષભ, ગાંધાર, ષડ્જ, મધ્યમ, ધૈવત અને પંચમ – આ સાત સ્વરો નીપજ્યા.
આમ, બ્રહ્માજી શબ્દબ્રહ્મસ્વરૂપ છે. તેઓ વાણીરૂપે વ્યક્ત અને ૐકાર્રૂપે અવ્યક્ત છે.
હે વિદુરજી, જેમનાથી ધુમ્મસ બન્યું હતું તે કામનાસક્ત પહેલું શરીર ત્યજી દિધા પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કરીને વિશ્વના વિસ્તરણનો વિચાર કર્યો કારણ મરીચિ વગેરે ઋષિઓ પણ સૃષ્ટિનો કંઈ વધુ વિસ્તાર કરી નહોતાં શક્યાં. બ્રહ્માજીને લાગ્યું કે પ્રજાની વૃદ્ધિ યોગ્ય રીતે થતી નથી અને આ વિઘ્ન દૈવી શક્તિઓ નાંખી રહી છે. આમ તેઓ વિચાર કરતા હતા કે એમના શરીરના બે ભાગ થઈ ગયા. ‘ક’ બ્રહ્માજીનું નામ છે અને એમના શરીરમાંથી વિભાજિત થવાને કારણે શરીરને ‘કાય’ કહે છે. તે બંને વિભાગોમાંથી સ્ત્રી-પુરુષનું એક યુગલ પ્રગટ થયું. તેમાં જે પુરુષ હતા તે સાર્વભૌમ સમ્રાટ સ્વાયંભુવ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શતરૂપા થયાં. અને ત્યારથી મિથુનધર્મથી પ્રજાની વૃદ્ધિ થવા લાગી. મહારાજ સ્વાયંભુવ મનુ અને મહારણી શતરૂપાને પાંચ સંતાનો થયાં. પ્રિયવ્રત, ઉત્તાનપાદ બે પુત્રો અને આકૃતિ, દેવહુતિ, પ્રસૂતિ ત્રણ પુત્રીઓ હતી. આકૃતિનું લગન રુચિ પ્રજાપતિ સાથે, વચેટ પુત્રી દેવહૂતિનું કર્દમજી સાથે અને પ્રસૂતિનું દક્ષ પ્રજાપતિ સાથે લગ્ન થયાં. આ સહુનાં સંતાનોથી સંસાર ભરાઈ ગયો.
શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, બારમો અધ્યાય –“સૃષ્ટિનો વિસ્તાર” સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
Jayshreeben, extremely pleased to read continuation of Shree mad Bhagavad Katha.