|

‘ઈઝ અ’ન્ટ શી વન્ડરફુલ..?’ (વાર્તા) ~ જયશ્રી વિનુ મરચંટ

મુંબઈથી અનંતના કઝીનનો જેવો ફોન આવ્યો કે અનંતની મમ્મીનો સ્વર્ગવાસ થયો છે કે તરત જ સીમાએ અનંત અને એની  મુંબઈ જવાની ટિકિટ બુક કરાવી લીધી. પાંચ અને સાત વરસનાં બેઉ ભૂલકાંઓને સીમાની મોટી બહેનને ત્યાં મૂકીને અનંત અને સીમા ભારત આવવા તરત જ નીકળી ગયાં. અનંતની પોતાની સોફ્ટવેર સ્ટાર્ટ-અપ કંપની હતી અને એમાં એ ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. આ સમયે પણ મુંબઈ જવા સીમાએ અનંત પાસે પરાણે સમય કઢાવ્યો હતો, અને એ પણ એવું કહીને કે અનંત નહીં આવે અને એ એકલી જશે તો સગા-સંબંધીઓ અનંત વિષે જાતજાતની વાતો કરશે, જે પોતે સહન નહિ કરી શકે! આ બાજુ, અનંતના પપ્પાજી તો સાવ હતપ્રભ થઈને બેઠાં હતાં. અનંતના કાકા, મામા, એમનાં સંતાનો સહુએ જ અનંતની મમ્મીના દેહને અનંત આવે ત્યાં સુધી સાચવવાની વ્યવસ્થા કરી હતી.

અનંતના પપ્પા યુનિવર્સિટીમાં લિટરેચર અને ફિલોસોફી જેવા વિષયો ભણાવતા હતા. પાંત્રીસ વર્ષોની પ્રોફેસરની નોકરી પછી હજી તો હમણાં, થોડાંક મહિના પહેલાં જ રિટાયર્ડ થયા હતા. એકના એક દીકરા અનંતે જ્યારે મુંબઈ આઈ.આઈ.ટી માંથી એન્જિનિયરીંગ પાસ કરી ત્યારે એની મમ્મી પોતાના પ્રોફેસર પતિને ચીડવવા કહેતી, “સારું થયું કે તું તારા પપ્પાજીની જેમ પ્રોફેસર ન થયો.” એન્જિનિયર થયા પછી અનંતે એની સ્કૂલની દોસ્ત સીમા સાથે લગ્ન કરીને અમેરિકા જવાનું નક્કી કર્યું તો મમ્મી-પપ્પા બેઉએ એ પ્રસ્તાવ વિના વિરોધ સ્વીકારી લીધો હતો. સીમા દસમું પાસ કરીને એના માતા-પિતાને ગ્રીન કાર્ડ મળી જતાં, અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી પણ અનંત સાથે એણે ઈ-મેઈલ અને ફોન દ્વારા કોન્ટેક્ટ રાખ્યો હતો. અનંત સીમા સાથે લગ્ન કરીને અમેરિકા ગયો ત્યારે અનંતના પપ્પા સહુને કહેતા કે; “હવે બસ, છ-સાત વર્ષોમાં રિટાયર્ડ થાઉં એટલે જિંદગીના અમૃતને હું અને મારી પત્ની ઉંમરના હિંચકે બેસીને એય..ને, મસ્ત મજા કરીશું. એને કાયમ મીઠી ફરિયાદ રહી છે કે હું મારા કામમાં અને એની ભાષામાં કહું તો ‘થોથાં’ માં જ ડૂબેલો રહું છું. નિવૃત્તિ પછી મારો બધો જ સમય એનો.” ત્યારે પણ એની મમ્મી કહેતી; “જોઈશું પ્રોફેસર, કેવો અને કેટલો સમય મને આપો છો!” આ બધું જ યાદ કરતાં અનંતના પપ્પા સાવ સૂનમૂન થઈને બેઠા હતા. એમને મગજમાં હજુ ગડ નહોતી બેસતી કે એમની પત્ની બે દિવસની આટલી ટૂંકી માંદગી ભોગવીને એમને છોડીને જતી રહે, એવું બને જ કઈ રીતે? પણ આ બન્યું હતું, એ પણ હકીકત હતી.

*****
અનંત અને સીમા સવારના મુંબઈ પહોંચ્યા અને સીધાં ઘરે ગયાં. ઘરે પહોંચતાં જ પપ્પાને પગે લાગવા નીચે વળ્યાં કે અનંતના પપ્પાજીનો હ્રદયનો બંધ છૂટી ગયો. એ અનંતને વળગીને ધ્રૂસકે, ધ્રૂસકે રડી પડ્યા. અનંત સાત-આઠ વરસોથી અમેરિકા હતો અને લગ્ન પછી પહેલીવાર આમ આવ્યો હતો. અનંતને આટલા બધા લોકોની વચ્ચે, પોતાના પપ્પાજીનું આમ એને વળગીને રડવું ‘ ઑડ ’ લાગ્યું, થોડીક શરમ પણ એને આવતી હતી. સીમા બાજુમાં જ હતી. એણે અનંતનો જમણો હાથ ઊંચો કરીને પપ્પાજીના ખભે મૂક્યો. અનંતે અહોભાવથી બાજુમાં વળીને સીમા સામે જોયું. સીમાની આંખો પણ ભીની હતી. અનંત બોલ્યો, “ઈટ ઈઝ ઓકે, પપ્પાજી.” સીમાએ આગળ વાતનો દોર હાથમાં લેતાં કહ્યું, “અમે આવી ગયાં છીએ ને, પપ્પાજી? જુઓ, અનંત બધું જ સંભાળી લેશે. તમે ચિંતા ન કરો. આફ્ટર ઓલ, વી આર ફેમિલી.” આ શબ્દોથી આજુબાજુના સહુના મોઢા પર થોડું આશ્વર્ય પણ હતું કે ફેમિલી છો એવું કહેવું પડ્યું!  પણ, આ સાંભળીને કોણ જાણે કેમ પણ એના પપ્પાજી એકદમ જ શાંત થઈ ગયા હતા.

*****
અનંત મમ્મીજીના અંતિમ સંસ્કાર કરવા ટાણે પણ સીમા જેમ કહેતી એમ અનંત કરતો રહ્યો. પપ્પાજી તો સાવ જ જિંદગી હારી બેઠાં હોય એવા થઈ ગયા હતા. પહેલાં એક-બે દિવસ તો ઘરમાં સગાંવહાલાંનો મેળો જ રહ્યો. બારમા-તેરમાની વિધિ સુધી ઘરમાં હજુયે મિત્રો અને સંબંધીઓની અવરજવર ચાલુ તો રહેવાની જ હતી.     પણ ત્રીજા દિવસથી સીમાએ ઘરનું સુકાન સંભાળી લીધું. સીમાએ અનંતને તે સવારે જ કહી દીધું હતું કે પપ્પાજીને હવે આપણી સાથે જ અમેરિકા લઈ જવાના છે તો અનંતે એની ટેવ મુજબ કહી દીધું; “ડિયર, તું જે કહે તે ૧૦૦% સાચું જ હોય અને એ જ તો કરવાનું હોય ને! એઝ ઑલવેઝ. તારું પ્લાનીંગ ૧૦૦% પરફેક્ટ!”
ત્યારે સીમા બોલી, “પણ, હની, આ ઘર વેચવા પાછા આવવાનું તો બનશે નહીં. એમ કરીએ કે ઘર વેચીને પપ્પાજીને આપણી સાથે જ લઈ જઈએ. મેં હિસાબ કરી લીધો છે કે આજના ભાવ પ્રમાણે આપણને જે પૈસા મળશે એને હું અમેરિકામાં સ્ટોકમાં ઈન્વેસ્ટ કરીને પાંચ વરસમાં તો ડબલ કરી આપીશ. બિસાઈડ્સ, પપ્પાજીને તો ગ્રીન કાર્ડ બે વર્ષો ત્યાં રહેશે કે મળી જશે. તો ત્યાં સુધી એમના પોતાના ઘર વેચીને મળેલા પૈસા એમના પર્સનલ એક્સપેન્સ માટે એમને જ કામ લાગશે. એમને આ રીતે આપણા પર ડિપેન્ડન્સી પણ નહીં લાગે. તો બધું જ ફાઈનલ.”

અનંતે  ડોકું એના લેપટોપમાંથી કાઢ્યા વિના એનું તકિયાકલામ વાક્ય કહી દીધું, “ડાર્લિંગ, યુ આર વન્ડરફુલ!”

અનંતના મમ્મી-પપ્પાએ તાજેતરમાં જ અમેરિકા પાસપોર્ટ કરાવ્યો હતો. સીમાએ પપ્પાજીના વિઝા કરાવવાથી માંડીને ઘર ખાલી કરીને વેચવાનું, બધું જ કામ બે અઠવાડિયામાં પૂરું કરવાનું પ્લાનિંગ કરી નાખ્યું. એટલું જ નહીં, એ માટે એક લિસ્ટ પણ બનાવી લીધું. અનંતના મમ્મી-પપ્પાનું ઘર મુંબઈના પરા, કાંદિવલીમાં હતું અને અમેરિકા જવાની તૈયારી માટે સાઉથ મુંબઈ જવાનું લગભગ રોજ થવાનું હતું. સીમાએ  તે દિવસે, રાતના સૂવા પહેલાં અનંતને અને એના પપ્પાને સાથે બેસાડીને કહ્યું, “પપ્પાજી, આપણે એવું કરીએ કે આપણે સાઉથ બોમ્બેમાં એક “એર બી એન્ડ બી” લઈ લઈએ. જેથી આ ઘર ખાલી કરવાનું કામ પણ પતાવી શકાશે અને પપ્પાજી, તમારે આટલા ટ્રાફિકમાં સાઉથ મુંબઈના દોડા પણ નહીં કરવા પડે.

અનંતના પપ્પાના મોઢા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાતી હતી. તે બોલ્યા; “તમે શેની વાત કરો છો બેટા? હું સમજ્યો નહીં!”

“અનંતે તમને કહ્યું નથી?” અને સીમા અનંત તરફ ફરીને કહે, “મેં તને આજે સવારે જ તો બધું કહ્યું હતું. તેં પપ્પાજી સાથે વાત નથી કરી?”

“તેં મને પપ્પાજીને કહેવાનું ક્યાં કહ્યું હતું ડિયર? પણ ચાલ, હમણાં જ તારી સામે કહી દઉં છું. પપ્પાજી, સીમાએ બધું જ પ્લાનિંગ કરી નાખ્યું છે અને તમે અમેરિકા અમારી સાથે જ આવો છો!” પછી સીમા તરફ અહોભાવથી જોઈને અનંત કહે; “”ઈઝ અ’ન્ટ શી વન્ડરફુલ?”

પપ્પાજીએ સીમા સામે પ્રશ્નાર્થ નજરે જોયું. સીમા થોડીક શરમાઈને મલકી કે મલકીને શરમાઈ એમને એ બરબર સમજાયું નહીં પણ સીમાએ વાતનો દોર પોતાના હાથમાં લેતાં કહ્યું, “પપ્પાજી, તમારે અમારી સાથે જ અમેરિકા આવવાનું છે. હું અને અનંત, તમને આ હાલતમાં એકલાં મૂકીને અમેરિકા પાછા કેવી રીતે જઈએ? આમેય, તમે અને મમ્મીજી બેઉ, આ વર્ષે વિઝિટ માટે તો આવવાનો વિચાર કરતાં જ હતાં.”

અનંતના પપ્પા ચૂપચાપ સાંભળી રહ્યા હતા.

સીમા આગળ કહે; “બિસાઈડ્સ, અહીં રહેશો તો લોકોની એકસરખી આવ-જા ચાલુ જ રહેશે તો તમને મમ્મીજી વધુ યાદ આવશે એટલું જ નહીં, અમેરિકા જવાનું કામ લાંબુ અને લાંબું ખેંચાશે. એના કરતાં આપણે ત્યાં સાઉથ મુંબઈમાં, પેડર રોડ કે બ્રીચ કેન્ડી પર એર બી એન બી લઈ લઈએ પાંચ દિવસ માટે. મેં શું શું કામ કરવાનું છે અને એને માટે કેટલો સમય લાગશે એનું લિસ્ટ બનાવીને જ રાખ્યું છે. આ જુઓ!” અને સીમાએ એના લેટેસ્ટ આઈ ફોન પર ૪૨ ટાસ્ક્સવાળું લાંબુ લિસ્ટ પપ્પાજીને બતાવ્યું.

પપ્પાએ કંઈ પણ બોલ્યા વિના શૂન્ય નજરે એ લિસ્ટને જોયા કર્યું.

અનંતના મોઢા પર એક અહોભાવ ફરી આવ્યો અને આ વખતે એ બોલ્યો, “ડાર્લિંગ, તું કેટલું બધું ફેમિલી વિષે વિચારે છે અને તારી એ જ અદભૂત એફિશિયન્સીથી – (કાર્યકુશળતાથી) – ફેમિલીની સંભાળ લે છે?” પછી પપ્પાજી તરફ ફરીને એ બોલ્યો, “પપ્પાજી, સીમા તમારી સગવડ સાચવવા માટે કેટલું બધું વિચારે છે? ઈઝ અ’ન્ટ શી વન્ડરફુલ?”

હવે, આ વખતે એના પપ્પા બોલ્યા, “સીમા બેટા, એ બધું તો ઠીક છે પણ આ બધું નક્કી આમ કરી નાખ્યું એ પહેલાં મારી સાથે વાત તો કરવી હતી! અને આટલે જલદી બધું વેચી કરીને અમેરિકા આવી જવું, મને ઠીક નથી લાગતું. અનંતની મમ્મીની વરસી વાળવાની છે. એની યાદો અહીં આ ઘરમાં છે. અનંતને એના જન્મ પછી હોસ્પિટલમાંથી આ ઘરમાં જ લઈ આવ્યાં હતાં. હું તૈયાર નથી કે આ ઘર વેચીને કાયમ માટે અમેરિકા આવી જાઉં. મને તો આવી ઉતાવળ કરવાની જરૂર નથી લાગતી.”

અનંતના મોઢા પર અણગમો આવ્યો, એ સીમાએ જોઈ લીધો અને અનંત કંઈ બોલે એ પહેલાં જ સીમા તરત બોલી, “હોલ્ડ ઓન અનંત. યસ, પપ્પાજી, યુ આર રાઈટ. હું સમજી શકું છું. આપણે હમણાં એમ કરીએ કે હાલ આ ઘર સેલ કરવાનું મોકૂફ રાખીએ. બિલીવ મી પપ્પાજી, અમને તમારા પૈસા નથી જોઈતા પણ તમે હવે જે કરવાનું છે તે જલદી પતાવો તો આગળની જિંદગી વિષે વિચારી શકો ને? તમારી હજી ઉંમર જ શું છે? માંડ ૬૦-૬૫ ની? પણ, કોઈ વાંધો નથી, એ બધી વાતો હમણાં નથી કરવી. ઠીક છે, તમે કહો છો તો ઘર નહીં વેચીએ. પણ, હમણાં તો અમારી સાથે અમેરિકા આવો જ. તમે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને પણ પર્સનલી મળી શકશો. અને બિસાઈડ્સ, તમને આ હાલતમાં મૂકીને એકલાં અમે જઈએ તો આપણાં સગાં-સંબંધીઓ અનંત વિષે જ કેવું કેવું બોલશે! એ વિચાર જ મારાથી સહન નથી થતો!”

પણ, પપ્પાજી કંઈ બોલે એ પહેલાં અનંત ખુશ થઈને બોલી ઊઠ્યો, “સીમા ઈઝ રાઈટ. બસ, ધેટ ઈઝ ફાઈનલ, પપ્પા. ડિસીઝન ઈઝ ડન.  તમે અમારી સાથે આવો છો. ઘર વેચવાનું પછી જોયું જશે.” પછી સીમા તરફ વ્હાલ અને માનથી જોઈને કહ્યું, “ડાર્લિંગ, યુ આર સો વન્ડરફુલ! લવ યુ અ લોટ. પણ પછી આપણે “એર બી એન્ડ બી” તો બુક કરવું છે કે નહીં?”

અનંતને જવાબ આપવાનું ટાળીને, સીમા તરફ જોઈને જ પપ્પા બોલ્યા, “નહીં સીમા. પહેલી વાત, મને કોઈ હેલ્થ પ્રોબ્લેમ નથી કે હું ઘેરથી નીકળીને પ્રોપર મુંબઈ સુધી ટ્રાવેલ ન કરી શકું! અને આમેય વર્ષો સુધી હું કાંદિવલીથી ચર્ચગેટ યુનિવરીટી તો જતો જ હતો ને? રિટાયર્ડ તો હમણાં છ મહિના પહેલાં થયો. પૈસા તમારા કે મારા, કોઈનાયે હોય પણ “એર બી એન્ડ બી” પાછળ નાહક કેમ ખર્ચવા છે?

સીમાએ વાતને વાળતાં કહ્યું, “ઓકે. એમ રાખીએ. પણ, તમારા મિત્રો અને કુટુંબીઓ રોજ જ આવશે મળવા. તોયે આપણે તો આપણું કામ પતાવવા ઘરમાંથી સમયસર નીકળી જવું પડશે પપ્પાજી.”

પપ્પા સહેજ ફિક્કું હસીને બોલ્યા, “ભલે. નો પ્રોબ્લેમ.”

સીમા થોડી નાખુશ લાગતી હતી. અનંત એની પાસે ગયો, એના ખભે હાથ મૂકીને કહ્યું, “હની, તું તો ઓકે છે ને?” અને સ્હેજ નારાજગીથી એના પપ્પાની સામું જોયું પપ્પાએ આ જોયું ન જોયું કર્યું અને સૂવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. મનોમન તો એમણે અનંતની મમ્મીને યાદ કરી લીધી.

*****
પોતાના રૂમમાં જઈને થોડીવાર તો પ્રોફેસર પલંગ પર બેસી રહ્યા. જૂનાં પ્રસંગો એમને યાદ આવતા ગયા.  અનંત અને સીમા લગ્ન કરીને અમેરિકા ગયા પછી, સીમા જ અનંતના મમ્મી-પપ્પા સાથે કોન્ટેક્ટમાં રહેતી. અનંત તો નહીંવત જ ફોન પર બોલતો. હાલમાં જ, મહિના પહેલાં જ અનંતનો જન્મદિન હતો અને એને વીશ કરવા એના પપ્પાએ અનંતના સેલ પર વિડીયો ફોન કર્યો હતો. જેવો અનંતે ફોન ઉપાડ્યો કે પપ્પા-મમ્મી બેઉ ઉત્સાહથી ગાઈને બોલ્યાં, “હેપ્પી બર્થડે ટુ યુ!” ત્યારે અનંત કહે, “થેંક્યુ પપ્પા-મમ્મી. પણ સીમા નથી અહીં. એ છોકરાંઓને સ્કૂલે મૂકવા ગઈ છે. સીમા આવે એટલે ફોન કરીએ છીએ.”  એના પપ્પાએ તો એક શબ્દમાં જવાબ આપ્યો; “ભલે.” પણ, મમ્મી બોલી, “અનંત બેટા, તારા જન્મદિવસ નિમિત્તે અમે બેઉ આશીર્વાદ આપીએ એના માટે જ પ્રોફેસરે ફોન કર્યો હતો. સીમાનું કંઈ કામ નથી. હવે અમે સૂવા જઈએ છીએ. કાલે સીમા અને છોકરાંઓને વિડીઓ કોલ કરીશું.”
અનંતના પપ્પા પણ બોલ્યા, “તુ ઠીક તો છે ને બેટા? કામ કેવું ચાલે છે? તું લગ્ન કરીને ગયો છે, ત્યારથી પાછો વિઝિટ માટે પણ આવ્યો નથી. સાત-આઠ વરસ થઈ ગયા. ક્યારે આવવાનો છે, એ કહે, બેટા. તારી મમ્મી અને હું તને કેટલાં બધાં સમયથી મળ્યાં નથી.”

અનંત બોલ્યો, “સીમા હોય તો મને કોઈ તકલીફ ક્યાં પડવાની છે? આપણે વિડીયો કોલ પર તો વાત થાય છે જ ને? એનાં કરતાં આ વર્ષે તમે લોકો જ અહીં આવો એવું સીમા કહેતી હતી. અમે ત્યાં આવીને શું કરીએ, પપ્પા? જરાક સીમાનું તો વિચારો પપ્પા. સીમાનું તો ત્યાં કોઈ જ નથી. હું તો આવું પણ સીમા ત્યાં આવીને શું કરે? સીમા કહેતી હતી કે પપ્પા રિટાયર્ડ થયા છે તો તમે બેઉ અહીં આવો. ચાલો, ફરી જલદી વાત કરીશું.”

ફોન મૂક્યા પછી, એનાં મમ્મી કહે, “મને ન ગમ્યું કે આપણે અનંતને આટલા વહાલથી એના જન્મદિનનો ફોન કર્યો હતો અને એને તો સીમા નહોતી તો આપણી સાથે જાણે વાત કરવામાં કોઈ રસ જ નહોતો!. શું તમને પણ એવું લાગ્યું? અહીં આવવાનું કહ્યું તો આપણને કહે છે કે સીમાનું અહીં કોઈ નથી તો એ આવીને શું કરે…! શું થઈ ગયું છે આપણા દીકરાને?”

“તું વધારે પડતું વિચારે છે. એ પોતાની સ્ટર્ટઅપના કામમાં બિઝી હશે. મારી જેમ કંઈ પ્રોફેસરી તો નથી કરવાની. પોતાની કંપની ચાલુ કરવી કંઈ રમત વાત છે? વધુ વિચારના વમળોમાં ગોથાં ખા નહીં અને સૂઈ જા.” અને બેઉ પતિ-પત્ની સૂવા ગયાં.

ત્યાં તો અડધા કલાકમાં જ ફોનની રિંગ વાગી, અનંતનો વિડીયો કોલ હતો, મમ્મીને થયું કે કંઈક તો બન્યું હશે, એટલે એમણે અનંતના પપ્પાને પણ જગાડ્યાં અને થોડા ગભરાટ સાથે ફોન ઊંચક્યો. “દીકરા, બધું બરાબર ને? કેમ એકદમ ફોન કર્યો?”

અનંતના મોઢા પર એક અણગમો દેખાયો; “શું મમ્મી, તેં ફોન કર્યો હતો ત્યારે મેં તને કહ્યું હતું ને કે સીમા નથી તો એ આવશે એટલે ફોન કરું છું? ભૂલી ગઈ?”

મમ્મી વાળ સરખાં કરતાં, અવાજમાં સહેજ ચીડ હોય એમ બોલી, “હા, બેટા, અમને પણ સીમા સાથે વાતો કરવી ગમે છે. પણ મેંયે તને કહ્યું હતું ને કે અમે સૂવા જઈએ છીએ તો કાલે સવારે સીમા અને છોકરાઓ સાથે વાત કરીશું? શું તુ ભૂલી ગયો? ઓચિંતો પાછો ફોન આવ્યો ને અમે એકદમ જ ઊંઘમાં હતાં તો થોડોક ગભરાટ થઈ ગયો.”

અનંતે આ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને કહે, “આપણે વાત તો થઈ હતી ને કે સીમા આવે ત્યારે પછી વિશ કરજો. હવે વિશ તો કરો! એ પણ કહેવું પડે!”

અનંતની મમ્મીને ગુસ્સો તો આવ્યો હતો પણ એ ગળીને પાછી વિશ કરવા જાય એ પહેલાં જ સીમા બોલી, “મમ્મીજી અને પપ્પાજી, તમારા આશીર્વાદ તો કાયમ અમારી સાથે જ છે. સોરી, મને ખબર નહોતી કે તમે ઓલરેડી અનંતને વિશ કરી લીધી છે.”

અનંત સીમાની બાજુમાં જ હતો. સીમા એની તરફ ફરીને બોલી, “પગે તો લાગ મમ્મીજીને અને પપ્પાજીને.”

અનંતે સીમાના ગાલ પર એક ટપલી મારી અને પછી મમ્મી, પપ્પા તરફ ફરીને કહે, “પગે લાગું છું તમને બેઉને.”

અનંતના પપ્પા-મમ્મી બેઉ એ સમયે “આશીર્વાદ છે” એમ કહીને ફોન મૂકવા જતાં જ હતાં, ત્યાં જ અનંત કહે, “મમ્મી-પપ્પા, તમે ઊંઘમાં છો પણ તમારા વતી સીમાને હું ‘થેંક્યુ’ કહી દઉં છું કે મારી બર્થ ડેના દિવસે, એણે તમને ખાસ યાદ કરીને ફોન કર્યો.”

આ સાંભળીને સીમા શરમાઈ ગઈ હોય એમ અનંતને કહે, “શું તું પણ? આફ્ટર ઓલ વી આર ફેમિલી! નો નીડ ફોર ધ ફોર્માલિટી, મમ્મીજી અને પપ્પાજી. ઈટ ઈઝ ઓકે. બાય નાઉ.”

અને “બાય” કહીને ફોન મૂકી દીધો. સીમાના છેલ્લા વાક્યોથી આ વખતે અનંતના પપ્પા સહેજ ભોઠા પડી ગયા હતા અને થોડા મૂંઝાયેલા પણ લાગતા હતા. એમણે અનંતની મમ્મીને કહ્યું, “આપણે તો અનંતને વિશ કરવા ફોન કર્યો હતો અને વાત પણ થઈ ગઈ હતી. પછી સીમાને થેંક્યુ કરવાની વાત કેવી રીતે આવી? શું અમેરિકન રિવાજ પ્રમાણે આપણે કંઈ ખોટું કર્યું?”

અનંતની મમ્મી પણ થોડી અપસેટ જ હતી. “પ્રોફેસર, મને નથી લાગતું કે અમેરિકન કે ઈન્ડિયન કોઈ પણ રિવાજ પ્રમાણે આપણે કોઈ ભૂલ કરી હોય! આપણા દીકરાને આ શું થઈ ગયું છે? હા, સીમા અને એ સાથે બહુ ખુશ છે, એની ખુશી છે પણ એની એકલા સાથે તો કોઈ વાત જ નથી કરી શકાતી.”

પપ્પા જાણે પોતાને જ સમજાવતા હોય એમ બોલ્યા, “જો, એ આપણને ત્યાં બોલાવે છે. ડોટર ઈન લો પણ આટલી વાતો કરે છે અને આપણા સંપર્કમાં રહે છે. બધું જ સારું છે. વખત સાથે દીકરો બદલાયો છે, તો ઠીક છે. આપણે તો નથી બદલાયાં ને? આપણે મન મોટું રાખવાનું. અપેક્ષા જ નહીં રાખવાની કે નિરાશા થાય. બધું જ સારું છે. સૂઈ જા હવે.”

તે સમયે તો વાત પતી ગઈ હતી પણ આજે એ બધું ફરી યાદ આવતાં તેઓ અડધી રાત વીતી ગઈ હોવા છતાં સૂઈ નહોતા શક્યા. રાતના બે વાગ્યા હતા. તેઓ ઊભા થયા અને એમના બેડરૂમની ગેલેરીમાં ગયા. અમાવાસ્યાની રાત હતી. ચંદ્રમા નહોતો પણ કાળું રેશમી પોત જરી ભરેલા આભલાથી શોભે એમ રાત ટમટમતાં તારલાંના ચાંદી ઝરતાં પ્રકાશથી ઝગમગી રહી હતી. ચંદ્રની ગેરહાજરીમાં આજે તો આખું આકાશ તારલાંઓથી છલકાઈ રહ્યું હતું.  પ્રોફેસરે આકાશમાં જોયું અને તારાઓને એક-બે મિનિટ સુધી અનિમેષ તાકતાં જ રહ્યા. એમને એમની સદગત પત્ની સાથે ગયા અઠવાડિયે જ આ જ ગેલેરીમાં ગાળેલી, આવી જ તારા મઢેલી રાત યાદ આવી ગઈ. તારા જોઈને એમની પત્ની, અનંતની મમ્મીએ પ્રોફેસરને કહ્યું હતું; “જુઓ, સાંભળો તો, તારાઓ તમને સંભળાય છે?”

એમણે પત્નીને આ જ ગેલેરીમાં વ્હાલથી પોતાની નજદીક ખેંચીને કહ્યું; “આ કેવો બેહુદો સવાલ છે? તારાઓ તે સંભળાતાં હશે? એ દેખાય, આભને સજાવે અને કલ્પનાના ગગનને સહેલાવે. સંભળાય ક્યાંથી?”

“સાચું કહું છું. મને જ્યારે પણ કંઈ મૂંઝવણ હોય તો હું રાત્રે અહીં આવું છું અને એક પછી એક બધાં તારાઓને વારાફરતી જોયા કરું છું. અને દર વખતે, અચાનક એક તારો એવો મને મળી જાય છે કે જે મારી સાથે સિતારા-નક્ષત્રોની બોલી છોડીને,  મારી ભાષામાં મારી સાથે વાતો કરતો હોય! મારી સાથે બોલતો તારો મળતાં જ હું મારી સમસ્યા કે મૂંઝવણ આંખ મીંચીને બોલી જાઉં છું. પછી આંખ ખોલીને એ તારા સામે જોઉં છું તો તમે નહીં માનો પણ મને મારી મૂંઝવણનો જવાબ એ તારો આપી જ દેતો હોય છે!”

“જા જા હવે! તને વહેમ થતો હશે! એવું તે કંઈ હોતું હશે?”

“સાચું કહું છું. હું તો બચપણથી જ મારા દોસ્ત્-તારો (દોસ્તારો) એવા આ સિતારાઓ સાથે વાતો કરતી આવી છું. તમને સાચું કહું છું કે માણસો કરતાંયે તારાઓ દોસ્તી વધુ નિભાવે છે અને વધુ પ્રામાણિકતાથી જવાબ આપતાં હોય છે. ક્યારેક અજમાવી જોજો!”

“આજ સુધી તો તેં ક્યારેય આવી વાત કહી નથી. પણ એ વાત સાચી કે મેં તને ઘણીવાર આ તારાઓને નિહાળતી જોઈ છે. તો હવે મને કહે, એવી કઈ સમસ્યાઓના તને ઉકેલ મળ્યાં છે, જરા હું પણ સાંભળું!”

પ્રોફેસરની પત્ની જરાક શરમાઈ અને કહે; “મેં તમને જોયા હતાં પહેલીવાર, ત્યારે મને સમજાતું નહોતું કે તમે જો મને “હા” પાડો તો મારે એ સ્વીકારી લેવું કે નહીં? આ તારાઓ મને માત્ર જવાબ જ નહીં પણ માનસિક બળ આપે છે.”

પ્રોફેસરે હળવું ચુંબન કરીને કહ્યું; “હવે મને સમજાયું કે તારાઓ પાસેથી જવાબ “ના” માં મળ્યો છતાંયે તેં મને “હા” પાડી અને મારી સાથે ટકવાનું બળ આ તારા દોસ્ત્-તારો (દોસ્તારો) એવા તારાઓએ આપ્યું! ખરું ને?”

“તમે જો આમ મારી મશ્કરી જ કરવાના હો તો મારે આગળ વાત જ નથી કરવી!” અને પત્નીસાહેબા સહેજ છણકો કરીને રૂમમાં જતાં રહ્યાં.

અચાનક આ વાત યાદ આવતાં, પ્રોફેસરના ગળે ડૂમો બાઝ્યો. એમણે ખોંખારો ખાઈને ગળું ખંખેર્યું, ચશ્મા ઉતાર્યાં, સાફ કરીને પાછાં પહેરીને પછી ઊંચે આભમાં એક પછી એક તારાઓ સામે જોવા માંડ્યું.  “એક, બે, ત્રણ, …..દસ અને આ અગિયારમો તારો…!” એમણે એ અગિયારમા તારા સામે અનિમેષ જોયાં કર્યું. નક્કી એમને ભાસ થઈ રહ્યો છે… આ તારો એમને ખરેખર પૂછી રહ્યો હતો કે એમની સમસ્યા શું છે? એમને માનવામાં નહોતું આવતું! એમણે આંખો મીંચી, પત્નીએ કહ્યું હતું એમ મનોમન કશું બોલ્યાં અને એકાદ મિનિટ પછી આંખો પાછી ખોલી. એમણે ફરી ઊંચું જોયું અને મનોમન બોલી જવાયું; “થેંકયુ માય સ્ટાર ફ્રેન્ડ!” પછી કોઈ નિર્ણય એમણે લઈ લીધો હોય અને હાશકારો થયો હોય તેમ એક મોટો શ્વાસ લીધો અને સૂવા માટે લંબાવ્યું.

બીજે દિવસે સવારના પ્રોફેસરની આંખો થોડી મોડી ખુલી. ઘડિયાળમાં જોયું તો નવ વાગી ગયા હતા. તેઓ ઊભા થઈને, નિત્યક્રમ પતાવીને, બ્રેકફાસ્ટ માટે બહાર આવ્યા.  સીમા ઘરકામ કરનારા હેલ્પર, રામાને કિચનમાં કંઈક કહી રહી હતી.

અનંત ડાયનિંગ ટેબલ પર જ હતો અને પપ્પા તરફ મોઢું ઊંચું કરીને જોયું અને ફરી એના લેપટોપ પર પોતાનું કામ કરતો રહ્યો.

પપ્પાને બહાર ડાઈનિંગ ટેબલ પર આવેલા જોઈને, સીમા એમના બ્રેકફાસ્ટની ટ્રે લઈને બહાર આવી. “ગુડ મૉર્નિંગ પપ્પાજી.”

હવે અનંતે પણ સીમા સામે જોયું અને બોલ્યો, “ગુડ મૉર્નિંગ પપ્પા.”

પ્રોફેસર હસીને બોલ્યા, “ગુડ મૉર્નિંગ બેટા.”

સીમા કહે, “જુઓ પપ્પાજી, આજથી તમારું ડાયેટ નક્કી કરી લીધું છે. સવારના સુગર વગરની ચા, એક કેળું અને બે હોલ વ્હીટના માખણ વિનાના ટોસ્ટ. એ પતે, પછી આપણે મુંબઈ જવા નીકળશું અને લંચ ને ડિનરનો પ્લાન પણ મેં નક્કી કરી લીધો છે.”

પ્રોફેસર ફરી મલક્યા અને બોલ્યા, “સીમા બેટા, બેસો અહીં. મારે તમને અને અનંતને કંઈક કહેવું છે.”

અનંત પપ્પા સામે જોઈને બોલ્યો, “આઈ નો, સીમા જેટલું ફેમિલી માટે કોણ વિચારે? ઈઝ અ’ન્ટ શી વન્ડરફુલ? થેંક્યુ સીમા ડાર્લિંગ.”

સીમા શરમાતી હોય એમ સહેજ નખરા સાથે કહે, “શું તુ પણ અનંત? પપ્પાજીને કહેવા દે ને જે કહેવું છે તે!” પછી પ્રોફેસર તરફ ફરીને કહે, “બોલો પપ્પાજી.” અને ખુરશી ખેંચીને સીમા બેઠી.

પ્રોફેસર શાંતિથી બોલ્યા, “મેં કાલે રાતે ખૂબ વિચાર કરીને નક્કી કર્યું છે કે હું અમેરિકા નથી આવવાનો. નાહક તમે વિઝા અને બીજી બધી તૈયારીઓ કરવામાં દોડાદોડ કરો એનો તો અર્થ નથી. મારી રિક્વેસ્ટ છે કે તમારી મમ્મીજીનું બારમું-તેરમુંની વિધિ પતી જાય ત્યાં સુધી  તમે રહો. જો તમારાથી નહીં રહી શકાય તો એ પણ હું સમજી શકીશ. હવે તમે મને જણાવો કે તમારે શું કરવું છે. લોકો શું કહેશે એની ફિકર જરા પણ ન કરતાં. તમારી સગવડ જોજો. મારા તરફથી કોઈ પ્રેશર નથી કે કોઈ જજમેન્ટ કોલ નથી. મને કોઈ વાતનું ખરાબ પણ નહીં લાગે. અને હા, સીમા બેટા, તમને એ ફિકર છે કે લોકો અનંતની વાતો કરશે કે એના બાપને અહીં એકલા મૂકીને જતો રહ્યો! તો હું ફરી કહું છું, લોકો શું બોલશે એની તો ચિંતા જરા પણ ના કરતા. હું બેઠો છું ને? હું બધું જ સંભાળી લઈશ. અનંત પર જરા પણ એની આંચ નહીં આવે”

આ સાંભળીને અનંતનો ચહેરો એકદમ લાલ થઈ ગયો. એણે લેપટોપ બાજુ મૂક્યું અને બોલ્યો; “વોટ ડુ યુ મીન? આ તો સીમાનું આઉટરાઈટ  હ્યૂમિલિયેશન – (અપમાન) છે! આઈ વીલ નોટ ટોલરેટ ઇટ. સીમાએ ગઈ કાલે બધું જ નક્કી કર્યું હતું, ત્યારે તમારે આ કહેવું જોઈતું હતું, હવે પછી…”

સીમા વચ્ચે કંઈ બોલે એ પહેલાં પ્રોફેસર હાથ ઊંચો કરીને અનંતને રોકતાં કહે, “આઈ નો, આઈ નો. હવે મારી વાત ધ્યાનથી તમે બેઉ સાંભળો. સીમાનું અપમાન તું ટોલરેટ નહીં કરે અને તારા વ્યવહાર વિષે અહીંના સગાં સંબંધીઓ વાતો કરશે એ સીમા સહન નહીં કરે. મને ખુશી અને ગર્વ છે કે અમારો દીકરો એની પત્નીને આટલું માન આપે છે. એટલું જ નહીં, એની પત્ની પણ જાહેરમાં અમારા દીકરાના સન્માનની પરવા કરે છે.” પછી પ્રોફેસર સીમા તરફ ફરીને કહે, “સીમા, તમારી બેઉ વચ્ચે આટલી સમજણ અને સ્નેહ છે, એનો તારી મમ્મીજી અને મને બેહદ આનંદ હતો અને છે. પણ, તારા મમ્મીજી હજુ મારી અંદર જ શ્વસે છે, અને આ ઘરમાં મારી સાથે જ હરે ફરે છે, એવું મને લાગ્યા કરે છે. એને અહીં આમ એકલી છોડીને હાલ તો અમેરિકા નહીં જ આવું. સીમા બેટા, હવે તમે કહો, જે પણ કહેવું હોય તે. તમારી મમ્મીજીના બારમા-તેરમા સુધી તમે બેઉ રહી શકશો કે નહીં? ટેઈક યોર ટાઈમ, જવાબની જરા પણ ઉતાવળ નથી. અગેઈન, હા કે ના, જે પણ જવાબ હોય, નો જજમેન્ટ.”

સીમા વિચારમાં બેઠી રહી એક-બે મિનિટ અને એટલામાં અનંત ઊભો થઈ સીમા પાસે આવી એનાં ખભે હાથ રાખીને બોલ્યો, “ડાર્લિંગ, તારી જે મરજી હશે તે જ કરીશું. પપ્પાજીને જે કરવું હોય તે જ કરશે. હી ઈઝ વેરી સ્ટબર્ન અને આઈ એમ સોરી ફોર ધેટ! તો યુ ડુ નોટ ફિલ પ્રેશર્ડ. જ્સ્ટ રિમેમ્બર, આઈ લવ યુ. યુ આર વન્ડરફુલ! આર યુ ઓકે ડિયર? ”

સીમા હજુ વિચાર કરતી હતી, ત્યાં તો પ્રોફેસર રામાને બૂમ પાડીને બોલ્યા, “રામા, મારો રોજનો બ્રેકફાસ્ટ લઈ આવ. સીમા બેટાએ બહુ મહેનત કરીને આ બ્રેકફાસ્ટ કાળજીથી બનાવ્યો છે પણ મને એ નહીં ફાવે. સીમા બેટા, સોરી. પણ આ ઉંમરે એક સાથે આટલા ફેરફારો મારી રોજિંદી જિંદગીમાં કરી શકું એવી સ્થિતિમાં હમણાં તો હું નથી.” પપ્પાજીના કોઈ પણ કડવાશ વિનાના એ નિખાલસ અવાજે બોલ્યા.

પહેલીવાર સાસરિયામાં પોતાની મરજીનો આદર નહોતો કરાયો એનો જબરજસ્ત શોક સીમાને લાગ્યો હતો. આવા જવાબની તો એણે કલ્પના પણ નહોતી કરી! સ્તબ્ધ સીમાના ખભા પર, સ્હેજ ગુસ્સાથી પપ્પા સામે જોતાં જોતાં અનંત હાથ ફેરવ્યા કરતો હતો. ડાયનિંગ ટેબલની બહારની બારીમાંથી સવારના સૂર્યનાં કિરણોમાં નહાઈ રહેલું  નિરભ્ર આકાશ વધુ સ્વચ્છ દેખાતું હતું. પ્રોફેસરે બારીમાંથી આકાશમાં જોયું અને આંખો મીંચી દીધી. અને મનોમન બોલી ઊઠ્યા, “થેંકયુ, મારા – મારો દોસ્‍ત્- તારો!”

*****
અસ્તુ!

(“ગુજરાત ટાઈમ્સ”ના સૌજન્યથી)

 

આપનો પ્રતિભાવ આપો..

14 Comments

  1. કેટલાય ઘરોમાં બનતી આવી ઘટનાને રજૂ કરવા માટે અભિનંદન.
    પ્રોફેસર દંપતીના પ્રેમની ગહેરાઈ અને વિદેશી રંગે રંગાયેલા પુત્ર પુત્રવધૂના પ્રેમની વાત ખૂબ સરસ રીતે વણી લીધો છે.
    એક પુરુષ જ્યારે વિધુર બને છે ત્યારે તેની વ્યથા તે વ્યક્ત કરી શકતો નથી.

  2. વિધુરની વ્યથાનું વર્ણન હ્રદયને સ્પર્શી જાય છે. સાથેસાથે પાશ્ચાત્ય દંપતિના બાહ્ય પ્રેમ ને અમુક અંશે છીછરાપણાની સરખામણીમાં ભારતીય દંપતિ વચ્ચેના ઊંડા અને સંપૂર્ણ સમજદારીથી બાંધેલા પ્રેમસંબંધનો તફાવત લેખિકાએ ખૂબ નાજુકાઈથી સમજાવ્યો છે. ‘બહુ મજેજી વાર્તા માટે જયશ્રીભેણ આંકે જજાજજા અભિનંદન!’

    1. આભાર, ભદ્રાબહેન. કચ્છી ભાષામાં આપેલા અભિનંદન.. વાહ, વાહ!

  3. જયશ્રીબહેન, અભિનંદન. ખૂબ જ સહજ રીતે સામાજિક સમસ્યાનું આલેખન કર્યું.

  4. સ્વાર્થી દીકરા અને વહુનો મક્કમતાથી સામના કરતા પ્રોફેસરની વાર્તા ગમી.

  5. ખૂબ જ સહજ સામાજિક કટાક્ષ સાથેની વાર્તા…સાચે જ વડીલો અનુભવતા હોય તેવી મૂંઝવણ અને આત્મગૌરવ સાચવતો અંત. ખૂબ સરસ🙏