આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૩૮ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૩૮

પ્રિય દેવી,

કુશળ હશે, છે ને?

આજે કો-ઈન્સિડન્ટની વાત કરું તે પહેલા હમણા જે ગીત સાંભળું છું તેની વાત કરું.

ફરીદા નાખૂમનું ‘આજ જાને કી ઝીદ ના કરો…’

એ સાંભળ્યા પછી મન તરબતર થઈ જાય. અંતરને તળિયેથી ગાવાની કળા દ્વારા અંદરથી ઊઠતી વેદનાને જે રીતે ઠાલવી છે… કોઈ શબ્દો નથી મારી પાસે!… જાન જાતી હૈ જબ ઉઠ કે જાતે હો તુમ…એ જ ગીત અરિજીત સીંગે પણ ગાયું છે. ખૂબ સરસ રીતે ગાયું હોવા છતાં વેદના શ્રોતાનાં દિલમાં પહોંચતી નથી.

મારે આજે આ પત્ર લખવો જ હતો એટલે થયું કોઈ મૂડ પહેલા બનાવું પછી લખું, અને આ ગીત સાંભળ્યું. ચાલ હવે કો-ઈન્સીડન્ટની વાત કરું.

ટેલીપથીનો તાર કેવો અદ્ભૂત છે?!! તારો પત્ર આવ્યો તે જ દિવસે સવારથી મનમાં એક વાત ઘૂમરાતી હતી અને તે એ કે મારી નવલકથા ‘કેડી ઝંખે ચરણ’નું એક એક પ્રકરણ મારા બ્લોગ ઉપર મૂકતી જાઉં તો દરેક ચેપ્ટર પછી ચર્ચા કરવાનો અવકાશ રહે. કારણ આખી નવલકથાની પાર્શ્વભૂમિ યુ.કે.ની છે અને પરદેશમાં રહેતા લોકો એની સાથે ‘રીલેટ’ કરી શકે અને ભારતમાં રહેતા લોકોને અહીંની જીવન પદ્ધતિ, ‘સોશ્યલ સિસ્ટમ’ વિગેરેની જાણકારી મળે. અને…ત્યાં તો એનો ઉલ્લેખ તારા પત્રમાં !! વાહ. ‘ટેલીપથી’ થાય છે’ની વાતને ટેકો મળ્યો.

ગુલઝારજીની જેમ ગણ્યાગાંઠ્યા એવા કવિઓ, લેખકો, ગાયકો અને અભિનેતાઓ છે; જે તેં કહ્યું તેમ મનને ઝંકૃત કરી જાય, મનને એટલું તો સભર કરી જાય કે સાંભળ્યા પછી, કે વાંચ્યા પછી અથવા જોયા પછી બીજું કંઈ જ બોલવા, જોવા કે સાંભળવાનું મન ન થાય. મનમાં એના પડઘા પડ્યા કરે.

એવું જ મને કાલે રાત્રે એક ફિલ્મ જોઈને થયું. મારા એક મિત્ર છે. પોતે વૉરા છે, ફાતિમા એમનું નામ. આંખે લગભગ ૮૦ ટકા દેખાતું નથી છતાં વેદો, ઉપનિષદોથી લઈને અંગ્રેજીનું ઉમદા સાહિત્ય તો વાંચ્યું જ છે પરંતુ સાથે સાથે શ્રેષ્ઠ સાંભળવાનો પણ શોખ છે.

અમે વચ્ચેના ગાળામાં જે આર્ટ ફિલ્મો આવી ગઈ તેની વાત કરતાં હતાં અને તેમણે મને ‘સ્પર્શ’ ફિલ્મ વિષે પૂછ્યું. એ જોયાને વર્ષો થઈ ગયાં હતાં એટલે કાલે રાત્રે એ ફિલ્મ ‘યુટ્યુબ’ ઉપર જોઈ.

દેવી… વાર્તામાં અંધ વ્યક્તિની વેદના અને એક સ્ત્રીનો પ્રેમ તો ખૂબ જ સ-રસ બતાવ્યો જ છે પરંતુ નાસિરુદ્દીન શાહ અને ઓમપુરીનો અંધ તરીકેનો અભિનય-સ્પીચલેસ કરી નાંખે છે.

અંધશાળામાં જ ફિલ્મ ઉતારી અને સાચે જ અંધ બાળકો પાસે જે કામ લીધું છે અને તેમાં પણ સોને પે સુહાગા-શબાના આઝમી. વાહ વાહ શબ્દ પણ નાનો લાગે!

Sparsh (1980) - The Hindu

ઉદાસ કરી નાંખે એવી ફિલ્મ છે પરંતુ worth watching it!  જોકે બધી જ આર્ટ ફિલ્મો-ચક્ર, આક્રોશ, ગીધ, સારાંશ, મંડી, ભૂમિકા…. કેટલાંના નામો ગણાવું?

દુઃખની વાત એ છે કે એ જમાનો હતો જ્યારે વાસ્તવિકતાને પડદા પર જોઈને લોકો છળી મરતાં હતાં એટલે પછી આવ્યો ફેન્ટસી વર્ડનો જમાનો. જો કે આર્ટ ફિલ્મનો દર્શક વર્ગ ખૂબ સીમિત હતો અને એટલે જ એવી ફિલ્મો ધીમે ધીમે બનતી અટકી ગઈ. બાકી નાસિરુદ્દીન, ઓમપુરી, કુલભૂષણ ખરબંદા, સ્મિતા પાટિલ, શબાના આઝમીની ટોળી ઉમદા અભિનય આપી ગઈ.

The Great Indian Parallel cinema

તેં કહ્યું તેમ મોટાભાગની ફિલ્મોના ભારેલા અગ્નિ જેવાં સંદેશાઓ સમાજ ઉપાડતો નથી. કારણ એ silent- બોલ્યા વગર અપાઈ છે. બધીર અને અંધ હોવાનો ચાળો કરતાં સમાજને સમજવું જ નથી કારણ ઢાળ ઉતરવો સહેલો છે. દેવી, ઢાળ ચઢવાની મહેનત કોણ કરે?

અનુકરણ, આછકલાઈ અને ઘોઘાંટના ત્રિવેણી સંગમમાં સ્નાન કરતો સમાજ રોકાય તો સારું. પણ કઈ રીતે અને ક્યારે ખબર નથી.

આગળ મેં જણાવ્યું હતું તેમ કેટલાય એવા લોકો છે જેઓએ અપરંપાર મહેનત કરી છે, આજે ય કરે છે અને દરેક જમાને એવા લોકો ઊભા થતા જ રહેશે જે જહેમત કરતા રહેશે. સૂતા લોકોમાં જાગૃતિ લાવવી સહેલી છે પરંતુ જાગતાં (આંખો જેમની ખુલ્લી માત્ર છે) તેમને જગાડવા મુશ્કેલ છે-પરંતુ અશક્ય તો નથી જ.

ચાલ હવે ફિલ્મોની ‘રામાયણ’ પૂરી કરું!

આવતે અઠવાડિયે અમારે ત્યાં લેસ્ટરમાં યુ.એસ.થી પ્રીતિબહેન સેનગુપ્તા આવે છે એમના થોડા કાર્યક્રમો ગોઠવ્યા છે એટલે એમની સાથે થોડી બિઝી થઈ જઈશ.

પ્રીતિ સેનગુપ્તા સાથે એક સાંજ | Gujarati Literary Academy (UK) – ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ કે)

વિશ્વભરમાં એકલા ઘૂમવા માટે જિજ્ઞાસા, હિંમત અને આત્મવિશ્વાસ જોઈએ. બાકી એકલા એકલા રેસ્ટોરંટમાં કૉફી પિવાનોય જેને સંકોચ થતો હોય તેમને માટે સાચે જ પ્રીતિબહેન પ્રેરણારૂપ બની રહેશે.

તેં જે વાત પુનરાવર્તિત કરી છે તેની ચર્ચા જરુરી છે જ. ભાષા વિષે ફાધર વાલેસે કે જે પરદેશી છે તેમણે પણ કહ્યું છે કે ભાષાની સાથે સંસ્કૃતિ પણ અલોપ થશે.

માત્ર ગુજરાતીમાં જ બોલવું કે અંગ્રેજીમિશ્રિત ગુજરાતી બોલવું કે અંગ્રેજીને પ્રાધાન્ય આપવું એ બધું સમય, સ્થળ અને વાતાવરણને ધ્યાનમાં લઈને થવું જોઈએ.

ગુજરાતમાં જ ગુજરાતી સાથે ગુજરાતીમાં જ બોલાવું જોઈએ પરંતુ તેમાં અંગ્રેજી શબ્દો આવે તેનો વાંધો ન હોવો જોઈએ, તે જ રીતે ભારત બહાર જે દેશમાં રહેતા હોઈએ ત્યાં કોની સાથે વાત કરીએ છીએ તેની ઉપર આધાર છે.

દુબઈમાં રહેતા માણસે સ્થાનિક ભાષા શીખવી જ જોઈએ એ જ રીતે અમેરિકા, ઈંગ્લેંડ અને બધે જ લાગુ પડે છે. મૂળ વાત એ છે દેવી, કે વિવેકબુદ્ધિ વગર જીવતા સમાજે પોતે આ વિષે વિચારવાની જરૂર છે.

હું મારી દીકરીઓને હંમેશાં કહેતી કે ક્યાં, કયા પ્રકારનો પોષાક પહેરવો તેનો વિવેક શીખવો પડે. એ વિવેક આવ્યા પછી ક્યારેય એમને ટોકવા પડે નહીં.

પત્ર રસ ખોઈ બેસે તે પહેલાં હવે વિરમું, વિરમુંને?

નીનાની સ્નેહયાદ

આપનો પ્રતિભાવ આપો..