મમતાની મૂરત ‘મા’ ~ નિબંધ ~ મીનાક્ષી વખારિયા
નમસ્કૃત્ય વદામિ ત્વામ, યદિ પુણ્યમ મયા કૃતમ |
અન્યાસ્યામપિ જાત્યાં મે ત્વમેવ જનની ભવ ||
નમસ્કાર કરીને તને કહું છું :
હે માતા!
જો મેં પુણ્યકર્મો કર્યા હોય,
તો બીજા જન્મમાં પણ
તું જ મારી માતા થજે.
~ અજ્ઞાત
ખરેખર જેમણે પણ આ કહ્યું તેમણે કેટલું સાચું કહ્યું…! આ જગતમાં જન્મીને ‘મા’નો ખોળો ખુંદવા મળે તેનાથી મોટું કોઈ જ ઐશ્વર્ય નથી. સ્વર્ગમાં ‘મા’ની ગોદ મળશે કે નહીં ખબર નથી પણ ‘મા’ની ગોદમાં જ સ્વર્ગ સમાયેલું છે તે વાત નક્કી.
એ જગજાહેર વાત છે કેઆવા અનન્ય, અલૌકિક ઐશ્વર્યની અનુભૂતિ કરવા ઈશ્વર જેવા ઈશ્વરને પણ ધરતી પર અવતાર લેવો પડે છે કારણ ‘મા’ની બરાબરીમાં તો સ્વર્ગલોકનું સુખ પણ વામણું ઉતરે.
ઈશ્વરે વાત્સલ્યને માણ્યું, નાણ્યું પછી એનેય થયું હશે કે આવા સુંદર અદ્ભુત અનુભુતિપ્રદ વાત્સલ્યને મારે એક ખાસ નક્કર સ્વરૂપ આપવું જોઈએ. માનવમાત્રએ સુખની અનુભૂતિ કરી શકે એટલે જ એમણે ‘મા’નું સર્જન કર્યું અને પ્રેમને, મમતાને, વાત્સલ્યને એક સર્વોત્કૃષ્ટ ઊંચાઈ મળે એવી અજરામર ઓળખ આપી.
ખરેખર તો માતા એ ઈશ્વરનું બીજું રૂપ છે. સ્ત્રીના અનેક રૂપો હોય છે. જીવન દરમ્યાન ઉંમરના દરેક તબક્કે, સંબંધે અન્ય રૂપોના વહેવારમાં બદલતાં હોય છે પણ ‘મા’નું સ્વરૂપ, માની સંવેદના હંમેશ માટે એનાં એ જ રહે છે.
સ્ત્રી જ્યારે એક બાળકને જન્મ આપે છે ત્યારે એક ‘મા’નો જન્મ થાય છે. તેનામાં જન્મજાત છુપાયેલી અધધશક્તિનો સંચાર થાય છે અને ભાવિમાં આવનારા પડકારો માટે તૈયાર થતી જાય છે.
‘જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે… એ ઉક્તિને સાચી ઠરાવતા અનેક દાખલાઓ આપણાં ઈતિહાસની તવારીખમાં નોંધાયેલા જ છે. તે યાદ કરાવવાની જરૂર ખરી? નવનવ મહિના પોતાના ગર્ભમાના પિંડને પોષનારી સ્ત્રી ઘડીકવાર માટે બે કિલો વજન ઉપાડવું પડે તો થાકીને ઠૂસ થઈ જતી હોય છે, જ્યારે નવ નવ મહિનાની અવધિ સુધી ગર્ભમાનાં ભારને ફૂલની જેમ હોંશેહોંશે સહી લેતીતે પોતે સુખની ચરમસીમાએ હોવાનો આનંદ અનુભવતી હોય છે.
પ્રસવની આકરી પીડા સહીને નવજાતને જ્યારે છાતીએ વળગાડે છે ત્યારે પોતાનાં લોહીનાં કણકણને અમ્રુત બનાવી શિશુની નસનસમાં વહાવી દે છે. પોતાના પીંડ પર જાન ન્યોચ્છાવર કરી પોતાને ધન્ય ધન્ય સમજતી હોય છે.
આ જગતમાં માતા બનવાનું સૌભાગ્ય માત્ર સ્ત્રી જાતિને જ પ્રાપ્ત થયું છે પછી તે માનવજાતિ હોય કે પછી પશુ-પક્ષીની કે નાના મોટાં કોઈપણ જીવ હોય…! પોતાનાં દેહમાંથી અન્ય દેહનું, સર્જન કરી, પોતાનું ઓજ તેજ નવજાત પર ઓવારી જતી દરેક ‘મા’ને મારાં કોટિ કોટિ વંદન.
શિશુ માટે માતાનો પ્રથમ સ્પર્શ એટલે વહેલી સવારનાં ઝાકળબિંદુ સમ કોમળતાનો પ્રથમ સ્પર્શ…! એ આહલાદક, નિસ્વાર્થ સ્પર્શ મા અને બાળક વચ્ચેનું એક મુલાયમ પણ મજબૂત અનુસંધાન બને છે.
‘મા’ બને એટલે સ્ત્રીની જવાબદારીમાં આપોઆપ વધારો થઈ જતો હોય છે. માતૃત્વનાં સુખથી તરબતર તે સઘળી જવાબદારી સાવ સહજતાથી નિભાવે છે. ભલે પછી રાતોના ઉજાગરા કરવા પડે કે પોતે ભીનામાં સૂઈને બાળકને કોરામાં સુવાડવું પડે. આવા ગુણો ‘મા’ બનતાની સાથે જ એનામાં સહજ રીતે એકાકાર થઈ જતાં હોય છે.
બાળકનાં ખીલખીલ હાસ્ય પર પૂરી દુનિયા લૂંટાવી શકતી હોય તો તે મા જ…! ‘મા’ એટલે જાણે બારેમાસ હરીભરી મમતાની મોસમ. જેની આગળ કુદરતની સઘળી મોસમ પાણી ભરતી થઇ જાય એવી તો હૂંફાળી હોયછે આ ‘મા’ની ગોદ…! તપ્ત જિંદગીમાં લીલાછમ, ઘટાદાર વૃક્ષની જેમ શીતળ છાંયો આપતી‘મા’તો નસીબદારને જ મળે.
જિંદગીનો પહેલો શ્વાસ દેનારી ‘મા’નું ઋણ તો ક્યારેય, કોઈ કાળે ફેડી ન શકાય. મમતામયી ‘મા’ અમાપ વાત્સલ્યથીસંસ્કારદાયી,પ્રેરણામૂર્તિ બની પોતાના જણ્યામાં જીવન સિંચે છે. તેની આંખોમાંથી વરસતો પ્રેમનો ધોધ અને સ્નેહસંચિત ક્રોધ સંતાનને સંસ્કારી બનાવી, જીવનમાં આવતી દરેક ચડઉતરનો સામનો કરી જીવનને જીવવા લાયક બનાવે છે.
બાળક ગોરું હોય કે કાળુ, અપંગ હોય કે ખામીગ્રસ્તપણ વિશ્વની કોઈ પણ ‘મા’ માટે પોતાનું સંતાન અદકેરું જ હોય. એટલે જ કહેવત બની હશે, ‘સીદી ભાઈને સીદકા વહાલા!’
‘મા’ જ એક એવી વ્યક્તિ છે જે મુશ્કેલ પરિસ્થિતમાં પણ અડગ રહી પોતાનાથી શક્ય તેટલું ઉત્તમ પોતાનાં સંતાનને આપવા આકાશપાતાળ એક કરે છે. એ જ સંતાન જ્યારે ગરજ પૂરી થાય ને માને ઠુકરાવે ત્યારે પણ માતા કમાવતર નથી જ બની શકતી. તેનાં મોંએથી ભૂલમાંયે અપશબ્દ નહીં નીકળે. જ્યારે કોઈ તકલીફમાં આવીએ પડીએ ત્યારે અનાયાસે જ આપણાં મોએથી પહેલો શબ્દ ‘ઓ મા’ જ નીકળતો હોય છે કારણ? આપણને ખાતરી છે કે મા ‘પડતાને પડ’ તો નહિ જ કહે.
ઉંમરનો કોઈ પણ તબક્કો હોય તોયે સંતાનને ‘મા’ પાસે તો નાનું બાળક બની જવાનું મન થાય જ. માની ગોદમાં દુનિયાભરની શાંતિ જ મળવાની. તેની નિશ્રામાં જે હુંફ મળે તે બીજે ક્યાંય ન મળે.
વાત વાત્સલ્યની કરીએ ત્યારે આપણે પિતાના પ્રેમને પણ અવગણવો ન જોઈએ. વાત્સલ્યમૂર્તિ પિતા, સમય આવ્યે પોતે ફાટેલાં કપડાંમાંય ચલાવી લેશે પણ પોતાનાં બાળકને તો હંમેશા શક્ય એટલું ઉત્તમ જ આપવાની કોશિશ કરશે.
જગતનાં દરેક સંતાન માટે તો માતાપિતાની પ્રેમભરી, હુંફાળી છત્રછાયા હવામાંના ઓક્સિજનની જેટલી જ અનિવાર્ય છે. જે નસીબદારને પર્વતોથી ઊંચો પિતાનો પ્રેમ અને સમંદરથી ઊંડો માતાનો પ્રેમ મળે ‘ભાઈ ઉસકા તો ક્યાકહેના? વો તો સોને પે સુહાગા…!’ કોઈએ સાચું જ કહ્યું છે કે ‘માતાપિતાનાં ચરણોમાં જ જગતનાં સર્વે તીર્થોનો સમાવેશ છે. ભગવાનને ભજવાથી ‘મા’ ન મળે પણ ‘મા’ને ભજવાથી ભગવાન ચોક્કસ મળે.’
“જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી.” એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથીયે અધિક મહાન છે. મનુષ્યનાં જીવન ઘડતરમાં આ બે માતાઓનું અમૂલ્ય અને સૌથી વિશેષ યોગદાન રહ્યું છે એટલે જ ‘મા’નાં દૂધનું કર્જ અને માભોમની માટી પ્રત્યેની ફરજ કયારેય વિસરવી ન જોઈએ. તો આવો દોસ્તો, ઈશ્વરીય વરદાન સમી જગતની સઘળી માતાઓનો આદર કરીએ અને તેમનાં ચરણોમાં શીશ નમાવીએ. ફરજપરસ્ત થઈ માભોમનું ગૌરવ વધારીએ.
મને આજે પણ અનુભૂતિ થાય છે કે મારી આસપાસ, મારામાં મારી ‘મા’ અદ્રશ્યપણે જીવી રહી છે. નિરાશાની કપરી અંધારી પળોમાં આકાશમા ટમટમતો તારો બની માર્ગ દેખાડતી રહી છે. મને આ દુનિયામાં લાવવા માટે અને આવો અમૂલ્ય માનવ જન્મ આપવા માટે હું મારી ‘મા’ની ભવોભવની ઋણી છું. તેમને મારા શત શત વંદન.
ઉસકો નહીં દેખા હમને કભી
પર ઇસકી જરૂરત ક્યા હોગી?
ઐ ‘મા’ તેરી સૂરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી?
~ મીનાક્ષી વખારિયા
વાહ,મીનાક્ષીબહેન…
સરસ બેન