બોન્સાઈ ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:2 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા
બોન્સાઈ-ભાગ 2
ડ્રાઇવરે બી.એમ.ડબલ્યૂ કારનો દરવાજો ખોલ્યો ત્યારે ઉમાને સંકોચ થયો અને એક સુખદ ઝણઝણાટી.. સ્વાતિ તો કારને જોતી ઊભી જ રહી ગઈ.
પ્રથમેશભાઈએ પહેલાં કારમાં બેસતાં ધીમેથી કહ્યું, ચાલો હવે. સ્વાતિ ભાનમાં આવી. મા દીકરી બેસી ગયાં ત્યાં સુધી ડ્રાઇવર ઊભો રહ્યો, બારણું પણ એણે જ બંધ કર્યું. કુશાંદે સીટ પર બેસતાં શીતળતા વીંટળાઈ વળી. બપોરનો ધારદાર તડકો, રસ્તાના અવાજો, શહેરીજીવનનો ઉકળાટ બધું જ બહાર રહી ગયું અને નાગણની જેમ કાર સરકતી રહી. વૈભવી કારમાં બેસીને જોતાં રોજનું પરિચિત શહેર પણ જુદું જ લાગતું હતું.
સ્વાતિએ જરા ઝૂકીને ધીમેથી કહ્યું, `ઉમા, સાડીને ઈસ્ત્રી તો બરાબર કરી છેને? કાનની બુટ્ટી બદલી નહીં! આવા ઘરે સોનાની પહેરીને ન જવાય. તારા માટે થઈ મેં હીરાની બુટ્ટી ન પહેરી.’
`બસ સ્વાતિ, ડ્રાઇવર સાંભળે તો કેવું લાગે!’
હાઇરાઇઝ બિલ્ડિંગના વિશાળ કંપાઉન્ડમાં કાર દાખલ થઈ. સ્વાતિએ બગીચા તરફ ઇશારો કર્યો. સુંદર ડિઝાઇનર ગાર્ડન. ચોતરફ હરિયાળી હતી. કાર પોર્ચમાં ઊભી રહી.
ઉમા દરવાજો ખોલવા જાય છે ત્યાં ડ્રાઇવર શ્વાસભેર આવ્યો અને દરવાજો ખોલ્યો, સ્વાતિ નીચે ઊતરતાં જ જાણે બગીચાની લીલીછમ છોળથી ભીંજાતી હોય એમ ચોતરફ જોતી ત્યાં જ ઊભી રહી ગઈ. એનો હાથ પકડી આરસનાં પગથિયાં ચડતાં ઉમાની હથેલી પરસેવાથી ભીની થઈ ગઈ.
યુનિફૉર્મમાં સજ્જ સિક્યોરિટી સ્ટાફના એક વૉચમેને લિફ્ટનું બટન દબાવ્યું. અંદર પ્રવેશતાં જ કોઈ જુદી જ દુનિયામાં ઊંચકીને લઈ જતી હોય એમ લિફ્ટ એટલી ઝડપથી સરકી આવી, એકત્રીસમે માળે લિફ્ટમૅને દરવાજો ખોલ્યો.
કૉરિડોરમાં સુંદર ચિત્રો, ગણેશજીની આરસમૂર્તિ બિરાજમાન. સ્વાતિએ પતિનો હાથ પકડી લીધો. ધીમેથી બોલી, `મને તો ભાગી જવાનું મન થાય, આપણને મોટે ઉપાડે બોલાવ્યા છે પણ…’
એણે પોતાની સાડી, ચંપલ પર નજર ફેરવી લીધી. ઉમાનું ગળું સુકાઈ રહ્યું હતું. લિફ્ટમૅન ડોરબેલ વગાડી, જરા ઝૂકીને ગયો. તરત દરવાજો ખૂલ્યો. અરુણાબહેને જ ખોલ્યો હતો. કદાચ એમની જ પ્રતીક્ષા હતી. કાર્યક્રમમાં એણે દૂરથી જોયેલા, અત્યારે સામે ઊભા હતા. સૌમ્ય અને શાંત.
આવો કહેતા એમણે સ્વાતિ પ્રથમેશને નમસ્તે કરતાં ઉમાનો હાથ પકડ્યો.
`વૅલકમ ઉમા.’
એ વૅલકમ માત્ર ઘરમાં નહીં, પણ એમના જીવનમાં પણ હોય એમ ઉમાના હૃદયનો ધબકાર કહેતું હતું. જાણે કોઈ સ્વપ્નપ્રદેશમાં હોય એમ એ અરુણાબહેનની સાથે ચાલવા લાગી. પૅસેજની બન્ને તરફની દીવાલો પર વિવિધ મુદ્રામાં ગણેશજીનાં ઑઇલપેઇન્ટિગ્સ હતાં. વિશાળ ડ્રોઇંગરૂમમાં આવતાં અરુણાબહેને સહુને બેસવાનો આગ્રહ કર્યો. સ્વાતિ સોફામાં ગરક થઈ જવાની હોય એમ પતિનો હાથ પકડી ઉભડક જીવે બેઠી.
ઉમાએ ફાઇવસ્ટાર હોટલ બે-એક વખત જોઈ હતી. શૈલીના કાકાની વેડિંગ એનીવર્સરીની પાર્ટીમાં એ પરાણે લઈ ગઈ હતી. એ છક્ક થઈ ગઈ હતી. ટી.વી. સિરિયલ્સ અને ફિલ્મોમાં વૈભવી ઘરોના સેટ જોયા હતા, હાઇરાઇઝ બિલ્ડિંગો અને પ્રાઇમપ્રોપર્ટીના દૂરથી દર્શન કરતાં શહેરની બદલાતી સ્કાયલાઇન જોઈ હતી, પણ એવા એક સુંદર ઘરમાં એ ખાસ મહેમાન હતી, કદાચ ગૃહસ્વામિની બનીને પ્રવેશવાની હતી, એ વિચારમાત્રથી એનું હૃદય ગભરુ પક્ષીની જેમ ફફડી ઊઠતું હતું.
બેસજો, હું આ આવી એમ કહેતા હોય, સહજ સ્મિત કરી અરુણાબહેન અંદર ગયા. થોડીવારે ચા, નાસ્તોની ટ્રે લઈ બે નોકરો આવ્યા. નોકરોએ નાની ટિપોઈ સોફા સામે મૂકી, ટ્રે મૂકી અને ગયા. અરુણાબહેને આગ્રહ કરી નાસ્તો આવ્યો, `મારું નામ અરુણા. અવંતિ મારા દેર. ઉમા તને તો કાર્યક્રમમાં જોઈ હતી અને તમે… સ્વાતિબહેન અને પ્રથમેશભાઈ બરાબર?’
`જી.’
સ્વાતિએ માંડ જવાબ વાળ્યો.
`ઉમા, તું સરસ ગરબા લે છે. ગળું પણ મીઠું છે. તું સંગીત શીખે છે, ભાતખંડે ગુરુ પાસે ખરું ને?’
તો આ લોકોએ મારા વિષે, અમારા વિષે ઘણું જાણી લીધું. એમના મનમાં આ સંબંધ નક્કી હશે! પણ એ તો અવંતિને ઓળખતી સુધાં નથી. આજે મળશે? અરુણાબહેને શી ગોઠવણ કરી હશે?
`જી અરુણાબહેન ગરબા મને બહુ ગમે, બીજી સંસ્થામાં પણ ક્યારેક મને કોરિયોગ્રાફી માટે બોલાવે.’
સ્વાતિ થોડી સ્વસ્થ થઈ, `જી, સંગીત શીખે છે, વિશારદનાં બે વર્ષ બાકી છે.’
હજી શંભુપ્રસાદજી કે અવંતિ દેખાયા નહોતાં. પ્રથમેશભાઈને અરુણાબહેન સામે સંકોચ થતો હતો. જોકે શંભુપ્રસાદજી આવે તો એની સાથે શી વાત કરવી એનીયે ગભરામણ હતી. બન્ને કુટુંબ વચ્ચે કશો જ સમાન તંતુ નહોતો.
એમણે ખચકાતાં કહ્યું, `સાહેબ જો બીઝી હોય તો… પછી.. કોઈ વાર..’
`ના, ના. એક અરજન્ટ કામ હતું, કહ્યું હતું, હું આવી જઈશ પણ.. હું…’
એમના હાથમાં મોબાઇલ હતો. ઉમાને થયું, પતિને ફોન કરી પૂછી ન શકે! ત્યાં ઉપરાઉપર ડોરબેલ વાગતી રહી, અધિકારપૂર્વક. અધીરતાથી. એક નોકર લગભગ દોડતો ગયો.
સ્વાતિએ ઝટ ચાનો કપ મૂકી દીધો, પતિ સામે જોયું. ઉમા સભાન થઈ ગઈ. બારણું ખૂલવાનો અવાજ આવ્યો. ઝડપથી ચાલતાં વજનદાર પગલાંનો અવાજ. શંભુપ્રસાદ ડ્રોઇંગરૂમમાં દાખલ થયા. હવામાં અચાનક વીજળીનો સંચાર થયો હોય એમ ઉમા કંપી ગઈ.
અરુણાબહેન ઊભા થઈ ગયાં. પ્રથમેશભાઈ, સ્વાતિએ પણ ઊભા થઈ નમસ્તે કર્યા. ઉમા ઊભી થવા જતી હતી કે શંભુપ્રસાદે હાથથી ઇશારો કરી બેસવાનું કહ્યું, ઉમાએ જોયું એક બીજી વ્યક્તિ પણ હૉલમાં આવી હતી.
કાર્યક્રમમાં શંભુપ્રસાદજીથી થોડે દૂર ઊભેલી એક ધૂંધળી આકૃતિ. તો આ જ અવંતિ! એ સીધો અંદર તરફ જવા વળ્યો કે અરુણાબહેને કહ્યું, `અવંતિભાઈ, અહીં આવો, જુઓ મહેમાન છે. બેસો અમારી સાથે.’
એ અવઢવમાં હોય એમ ત્યાં ઊભો હતો કે શંભુપ્રસાદે કહ્યું, `અહીં આવ અવંતિ.’
`જી. ભાઈ.’
એ નજીક આવ્યો. નમસ્તે કરીને બેસે છે ત્યાં જ શંભુપ્રસાદે કહ્યું, `અવંતિ, મીટ ઉમા. આપણે વાત થઈ હતી ને! અરુણાએ આજે બધાને મળવાનું ગોઠવ્યું છે. ઉમાને સાથે લઈ તમે ક્લબમાં જાઓ, લૉન્ગડ્રાઇવ પર જાઓ જેમ ઉમાની ઇચ્છા હોય એમ.’
પછી વિચાર આવ્યો હોય એમ ઊઠતાં બોલ્યા, `તમને વાંધો નથીને પ્રથમેશભાઈ?’
`જી ના. વાંધો શો હોય! બન્ને એકમેકને મળે, ઓળખે, આખરે બન્નેએ સાથે રહેવાનું છે. એકમેકને પસંદ કરે…’
`એક મિનિટ, આમાં નાપસંદ જેવું શું છે? અમારા ત્રણેય તરફથી તો આ સંબંધને મહોર મારી જ છે. મારા કુટુંબ વિષે અવંતિ વિષે કંઈ જાણવું હોય, અમારું જીવન તો ઉઘાડી કિતાબ જેવું છે, મારે તો બાળકો નથી, જે છે એ અવંતિનું છે. હું તો કહું છું અરુણા, કાલે પંડિતને બોલાવી આવતાં મહિનાનું મુહૂર્ત પણ કઢાવી લો તો સારું, પછી ઇલેક્શન આવે છે. હું બીઝી છું.’
સ્વાતિ પ્રથમેશ ડઘાઈને એકમેકને જોઈ રહ્યાં. પૃથ્વી એની ધરી પર જોરથી ઘૂમી રહી હોય એમ ઉમાને ઘડીભર ઘર ડામાડોળ થતું હોય. પડી જવાની હોય એમ સોફાનું હૅન્ડલ પકડી લીધું. આવતે મહિને લગ્ન!
જતાં જતાં શંભુપ્રસાદજી ઊભા રહ્યા, `અરે હા, તમે બિલકુલ ચિંતા ન કરતા. લગ્નની તૈયારી, ખર્ચ બધું થઈ જશે. ઉમાએ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે એક્ઝામ આપી બી.એ. પણ પૂરું કરવાનું છે. તો રજા લઉં?’
અને એ અંદર ચાલ્યા ગયા. એમણે રચેલું આભામંડળ વિખેરાઈ ગયું હોય એમ સ્વાતિ ભાનમાં આવી, `અરુણાબહેન… આવતાં મહિને લગ્ન…?’
`બધું ગોઠવાઈ જશે. ઉમાને કશું આપવાની ચિંતા નહીં કરતા. અવંતિભાઈ તમે તો પુરુષ થઈ શરમાઓ છો! ઉમાને લઈ જાઓ, તમારો રૂમ બતાઓ પછી ક્લબમાં જાઓ.’
`જી, ભાભી. ચાલો ઉમા.’
ઉમાએ પ્રથમેશભાઈ સામે જોયું, અરૂણાબહેને કહ્યું, `જા ઉમા. સ્વાતિબેન, અવંતિ રાત્રે ઉમાને ઘરે મૂકી જશે.’
`અમને પણ રજા આપો અરુણાબેન.’
`હા, પછી હું ફોન કરીશ, આપણે મળીશું.’
`જી.’
એ લોકો બહાર નીકળે એ પહેલાં અવંતિ, ઉમા નીકળી ગયાં હતાં. લિફ્ટમાં નીચે સરકતાં ઉમાને થયું સ્વપ્નની દુનિયામાંથી નીકળી એ ફરી વાસ્તવિક ધરતી પર પગ મૂકી રહી છે. લિફ્ટનું બારણું ખૂલ્યું. બન્ને બહાર નીકળ્યાં અને પોર્ચમાં ઊભા રહ્યા.
ગ્રે રંગની એક સરસ કાર આવીને ઊભી રહી. ન એને કાર મોડેલ કે એનાં નામો વિષે કશી જાણ હતી. ડ્રાઇવરે બારણું ખોલ્યું, અવંતિ વ્હીલ પાછળ ગોઠવાયો, ડ્રાઇવરે બીજી તરફનું બારણું ખોલ્યું, ઉમા સંકોચાતી અવંતિની બાજુમાં બેઠી અને કાર કંપાઉન્ડ બહાર નીકળી ગઈ.
(ક્રમશ:)
એક જ શબ્દ. અદભુત. માવજત એવી છે કે જાણે સંજય દ્રષ્ટી એ બધુ દેખાય રહ્યુ હોય
નાયિકા થોડી સ્વસ્થ થાય તે પહેલાં જ બીજો બનાવ બને અને ખળભળાટ થાય એ રીતે વાર્તા આગળ વધે છે.