માતૃવંદના શ્રેણી ~ અસ્તિત્વનું અનુસંધાન: આખરે એવું શું ખાસ છે મામાં? ~ લીના પ્રતીશ
હું મા બનવાની છું.
મા બનવું એ જીવનભરની શ્રેષ્ઠ અવસ્થામાંની એક અવસ્થા છે, એકમાત્ર નહિ. પોતાના દેહમાંથી એક નવા દેહનું સર્જન કરી શકવાનું સૌભાગ્ય સ્ત્રીઓને મળ્યું છે એ પ્રકૃતિની એક ગોઠવણ છે.
સમગ્ર સૃષ્ટિની સર્જનહાર અને પાલનહાર દિવ્યશક્તિ ફક્ત સ્ત્રી સભ્યોની નથી. પોતાના અસ્તિત્વની પરવા કર્યા વગર એક નવા જ સર્જન સાથે પૂરી લાગણીથી જોડાઈ જનાર દરેક સર્જક એક મા છે.
કોઈ ચિત્રકાર, કોઈ કલાકાર કે કોઈ રસોઈયા પણ લાગણીની રીતે મા છે. એ રીતે જોઈએ તો મા એક પાત્રમાત્ર છે, નિમિત્તમાત્ર છે. અને ઘણી વખત કોઈ કારણ વગર, કોઈ પ્રયત્ન વગર, કોઈ કલ્પના વગર, કોઈ ઇચ્છા વગર ફક્ત દૈહિક ક્રિયાના પરિણામરૂપે બાળક ધારણ થાય છે જે સ્ત્રીના માધ્યમથી અવતરે છે. માટે મા બની જવું અને મા બનવું એ લાગણીની રીતે એક નથી.
સમજણાં થયા ત્યારથી મા ઈશ્વરસમાન છે એ સાંભળતા વાંચતા આવીએ છીએ. મા જેવું કોઈ ન થાય, બીજા કોઈપણ સંબંધમાં સ્વાર્થ ભળી શકે પણ એક માતાના પોતાના બાળક સાથેના સંબંધની બીજા કોઈ સાથે સરખામણી ન થાય. અચ્છા? સાચે?
એક કે બે સંતાનોની મમ્મીઝ આઈસ્ક્રીમ ખાઓ અને બરફનો ગોલો પણ ખાઓ, તપેલાં મગજને થોડી શાંતિ થશે. યાદીમાં લખેલા ગુણ પરથી કોઈને સજ્જન અને દુર્જન તરીકે તારવીએ એ ખોટું છે. બેઝિક ક્વોલિટી હોવી એ જન તરીકેના ગુણ છે, સજ્જન તરીકેના નહિ. માટે જન કે દુર્જન હોય, સજ્જન હોવું એ પરિકલ્પના છે. બિલકુલ એ જ રીતે બાયોલોજીકલી કોઈ બાળકની માતા બનવાથી શ્રેષ્ઠ બની જવાતું હોય તો બાળકનું ઉત્પાદન (સર્જન નહિ) સ્ત્રીઓ માટે મોખરાની પ્રવૃત્તિ હોત.
અમને તો એક જ બાળક જોઈએ, મોટું બહુ એકલું પડી જતું હતું એટલે અમે બીજાનો વિચાર કર્યો. ધ્યાન ગયું હોય તો ખ્યાલ આવશે કે વાત ‘મારીની’ નહિ ‘અમારીની’ છે.
બાળકનું અવતરણ એક એવો પ્રસંગ છે જે મા થકી પૂરો થાય છે પરંતુ એના સર્જન માટે ઇન્જેક્શન સ્વરૂપે કે સદેહે એક પિતા પણ જરૂરી છે.
મા બનવાની શરૂઆત થયાની સાથે પિતા બનવાની શરૂઆત પણ થાય છે જ. એકનું શારીરિક તો એકનું આર્થિક જીવન બદલાય છે. પણ ભાવનાત્મક જીવન તો બન્નેનું બદલાય છે. પણ તો પછી જનનીની જોડ સખી નહિ મળે રે લોલ એવું જ કેમ ગવાય છે. આખરે એવું શું ખાસ છે મામાં?
પોતાને બાળકો બહુ ગમવા, વંશ આગળ વધારવા, પતિ સાથેના પ્રેમને આકાર આપવા; શું કારણ હોઈ શકે મા બનવા માટેનું? અથવા તો બાળક ન હોય ત્યારે શું કારણ હોય દુઃખી થવાનું?
મારે બાળક નથી કે મને બાળક નથી થતું બેમાંથી વધારે તકલીફ શેમાં છે એ કોઈને નથી ખબર. એક બાળકને જન્મ આપીને સંસારની જંજાળમાં એને દાખલ કરીને પોતે સારું કરે છે કે નહિ એ એને નથી ખબર. દુનિયાદારી, વ્યવહાર, સંબંધો સાચવવા પોતે આખું જીવન જે ભોગ આપ્યો, એવું જ જીવન પોતાના બાળકને ભેટ ધરીને એ સારું કામ કરે છે કે નહિ એ નથી ખબર. અને તોયે માતૃત્વ ધારણ કરવાને સ્ત્રીજીવનનું સંપૂર્ણત્વ કેમ કહી શકાય?
મા બનવા માટે તૈયાર થવું એ ખુશીની સાથે જોખમનું પણ કામ છે. ફિગર બગડી જાય, અંગત જીવન બદલાઈ જાય, કંઈક ઊંચનીચ થાય તો જીવ જાય, મોટા થયા પછી બાળક પોતાની દુનિયામાં ખોવાઈ જાય તો પાછલી ઉંમરનો ખાલીપો; આ દરેક પડકાર હોવા છતાં પણ બાળકને જન્મ આપવાના પ્રવાસમાં આગળ વધવું એટલે મા બન્યાનું પહેલું ચરણ.
માતાના પોતાના બાળક સાથેના સંબંધ સિવાયના દરેક સંબંધો સ્વાર્થી નથી પણ આ સંબંધમાં એક વિશેષ જોડાણ છે ખાસ કરીને માતા તરફથી. પોતે એક નવા પરિવારમાં ગોઠવાઈ જવા સાથે કાયમ માટે એ પરિવારની સાથે તીવ્રતાથી જોડાઈ રહેવા તેને એક વ્યક્તિરૂપી અનુસંધાન આપવા તૈયાર થઈ જાય છે.
પિતાના પક્ષે આવતી આર્થિક, સામાજિક જવાબદારીમાં કોઈ મદદ કરી શકે છે પરંતુ બાળકના ગર્ભમાં આવ્યાથી પ્રસવ સુધી તેના અસ્તિત્વને સારી રીતે ટકાવી રાખવાની જવાબદારી માની જ રહે છે.
કુદરતી કારણથી જન્મ બાદ પણ મા, બાળક સાથે અન્ય લોકોની સરખામણીએ વધારે સમય રહે છે. કદાચ અનાયાસે રહેલું બાળક હોય તો પણ ગર્ભાવસ્થા દરમિયાન થતા સંવેદનાત્મક પરિવર્તનથી ભાગ્યે જ કોઈ માતા અલિપ્ત રહે છે. અને તેની સંપૂર્ણ દુનિયા એ બંડલ ઓફ જોયની થઈ જાય છે.
કેટલીક વખત સ્વાર્થથી, પણ મોટાભાગે કોઈ અપેક્ષા વગર લાગણીના પ્રભાવમાં એ જીવના જોખમે પોતાના થકી આગળ વધેલા સૃષ્ટિસર્જનની કાળજી લે છે.
પોતાની ઇચ્છા, શોખ, ક્ષમતા વિશે લેશમાત્ર વિચાર્યા વગર એ સંતાન માટે કોઈપણ સાહસમાં ઝંપલાવી દે છે. જો કે તદ્દન નિઃસ્વાર્થપણાથી શરૂ થયેલી આ યાત્રા આગળ વધતા તેને થોડા જક્કીપણા, સ્વાર્થી અને માલિકીભાવમાં પણ બદલાવે છે.
કામ-ધંધામાંથી રિટાયર થયા બાદ પેન્શનની આશા રહેતી હોય એમ પોતે આપેલી નિઃસ્વાર્થ, પ્રેમાળ લાગણીના વળતરની અપેક્ષા રાખવાનું શરૂ થઈ જાય છે. કદાચ એટલે જ માતૃત્વ એક સંપૂર્ણતાની લાગણી છે જ્યાં સકારાત્મકતા અને નકારાત્મકતા બન્ને ભારોભાર છે. અને એટલે જ શારીરિક રીતે મા બની શકેલી દરેક સ્ત્રી મા નથી બની જતી અને શારીરિક રીતે મા ન બની શકેલી વ્યક્તિ પણ માતૃત્વ ધારણ કરે છે.
પોતાની તરફથી ફક્ત અને ફક્ત લાગણી સાથે સમગ્ર વિશ્વને એક નવું સપનું, નવી આશા આપવા તત્પર છું.
કહ્યું ને, હું મા બનવાની છું!
લહેરખી:
આજકાલ શું નવું કરે છે
મા બનું છું.
~ લીના પ્રતીશ
leenaprateesh@gmail.com