એક ટીપું ઝાકળનું ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:3 (ત્રણમાંથી) ~ લે: વર્ષા અડાલજા

ભાગ:3 (અંતિમ)

ટ્રેનમાં આખે રસ્તે એ બારીબહાર જોતી રહી હતી.

`શિંગ લો ને.. પચ્ચીસ રૂપિયા… ફરેશ માલ…’

એના ખભાને બે ત્રણ વાર સ્પર્શ થયો, ચિડાઈને રીનાએ જોયું. શ્યામવર્ણી દૂબળી પાતળી છોકરી. મેલું ફ્રોક, જીંથરા જેવા માથે બાંધેલા વાળ, પગમાં બે પટ્ટીનાં મોટાં પડતાં સ્લીપર. રીનાને સૂગ ચડી, એ ખસી ગઈ.

`નથી જોઈતી.’

`બહુત અચ્છા હૈ, લઈ લો ને?’

એણે શિંગના બે પડીકાં સામે ધર્યા.

ચીડથી રીના મોટેથી બોલી, `ના પાડી, સમજાતું નથી?’

છોકરી છોભિલી પડી ગઈ. અનસૂયાએ બન્ને પૅકેટ લઈ લીધા, વીરેન્દ્રએ પચાસની નોટ આપી, એ ખુશ થઈ ગઈ. ડબ્બાને સામે છેડે કોઈ સામે 50ની નોટ ઊંચી કરી એ હસતી હસતી દોડી ગઈ. રીનાએ મોં બગાડ્યું.

`શું મમ્મી તું પણ! આવા રખડતા છોકરાઓ પાસેથી ખરીદી કરવાની! કોણ જાણે કેવી ક્વૉલિટી હશે! બાય ધ વે તને તો શિંગની એલર્જી છે. શું કામ લીધી?’

`જોયું નહીં રીના એના બે પડીકાં વેચાયાં, એ કેટલી રાજી થઈ ગઈ!’

રીનાએ મોં ફેરવી લીધું અને મોબાઇલ ગેમમાં મન પરોવ્યું, પણ એ છોકરી આંખોમાંથી ખસતી નહોતી. મેલાંઘેલાં કપડાં, ગૂંચાળા વાળ, ઘઉંવર્ણી ત્વચા… એ રીવા તો નહોતી! એક અણઘડ, ગરીબ અનાથ છોકરી. એનામાં શું રીતભાત કે સંસ્કાર હોય? એ એની બહેન! રૂંવાટીનાં છીદ્રોમાંથી ભય પેઠો. દાદાજી અને પપ્પા-મમ્મી આવી છોકરી પર ઓળઘોળ. એ મારે ઘરે આવે, શેર કરે…

એ પોતે શા માટે અહીં આવવા કબૂલ થઈ? ઓ.કે. ભલેને રાજી થતા, મારે શું? હું તો હોસ્ટેલમાં ચાલી જઈશ. પણ પપ્પામમ્મી વિના ગમશે?

સારું થયું સ્ટેશન આવી ગયું હતું. વીરેન્દ્રએ બૅગ લઈ લીધી. એ લોકો ઊતર્યા. આશ્રમ જવા રીક્ષા કરી. નાનું ગામ અને ગામથી થોડે દૂર રીક્ષા ઊભી રહી. આશ્રમને દરવાજે મધર ઊભાં હતાં. આ લોકોને જોતાં જ એમણે બન્ને હાથ લાંબા કર્યા. એમના ચહેરાની કરચલીઓમાં સ્મિતની રેખાઓ હતી. રીનાને એમણે બાથમાં લીધી. વહાલથી કહ્યું, `કમ રીના કમ, મોસ્ટ વેલકમ. તારો ફોટો જોયો હતો પણ તું છેક આજે આવી, આવો અનુબેન, વીરેન્દ્રભાઈ ઑફિસમાં આવો.’

બન્નેએ જરા ઝૂકીને મધરને નમસ્તે કર્યા, રીના એમનાથી છૂટી પડી અને એણે દૂરથી બે હાથ જોડ્યા. આઠ દસની ઉંમરનાં સાત-આઠ બાળકો દોડતાં આવ્યાં.

`આન્ટી, અમે તમને મિસ કરતાં હતાં, રીનાદીદી નમસ્તે.’

બે નન બહાર આવી, અનસૂયાએ ચોકલેટનાં બે મોટાં પૅકેટ એમને આપતાં છોકરાઓ ખુશ થતાં એની પાછળ દોડી ગયા. મધર અનસૂયા વીરેન્દ્રને સાથે લઈ ઑફિસમાં ગયા.

`રીનાદીદી ચાલોને! મારું નામ જિજ્ઞેશ, આ બકુલ.’

રીનાને તરત શું બોલવું તે સૂઝ પડી નહીં.

`ચાલો તમને ગેસ્ટહાઉસમાં લઈ જાઉં.’

બન્નેએ એનો હાથ પકડી લીધો અને લગભગ દોડતાં ચાલ્યા, સાથે રીના ઉતાવળે ચાલતી રહી, ચોતરફ જોતી રહી, વિશાળ પથ્થરનું મકાન. જૂનું હતું અને અંદરના ઓરડાઓ, પરસાળ વગેરે જગ્યાઓએ સમારકામની જરૂર દેખાતી હતી, પણ સ્વચ્છતા અને લીલોતરી, વૃક્ષો આંખને ઠારતાં હતાં. વચ્ચે નાનું સરખું મેદાન હતું, એમાં બાળકો ફૂટબૉલ અને નેટ વિના જ બેડમિંગ્ટન રમી રહ્યાં હતાં.

આ છોકરાઓ એને ગેસ્ટહાઉસ લઈ જઈ રહ્યા હતા પણ પેલી છોકરી ક્યાં? મારી બહેન! માય ફૂટ. એને વળી ન્યુ ફેશન ટ્રેન્ડ્સથી શી લેવાદેવા! એ મારી સાથે ઘરમાં રહેશે કે પછી એ હોસ્ટેલમાં જશે તો એની ફ્રૅન્ડ્ઝ શું કહેશે!

અચાનક આવેલા એ વિચારથી એ ગભરાઈને અટકી ગઈ.

એ શું જવાબ આપશે? આખી ફૅમિલી હિસ્ટ્રી કહેવા બેસશે! ના, ના. નક્કી, ટ્રોલગેન્ગ તૂટી પડશે એની પર અને અનાથાશ્રમમાં રહેતી છોકરીનો તો ડોળો જ હોય ને એના ઘર પર અને પપ્પામમ્મી પર! એની પાસેથી આ લાલચી છોકરી નક્કી એનું સર્વસ્વ છીનવી લેશે.

ના. નથી જવું એની પાસે એવું કહે એ પહેલાં તો બકુલ ઊભો રહી ગયો, `રીવાદીદી, જો તો કોણ આવ્યું છે?’

એક છોકરી નીચે ઉભડક બેસી ક્યારાની આસપાસ ઈંટ ગોઠવી, પાળી બનાવી રહી હતી. એ ચમકીને ઊભી થઈ ગઈ. રીનાએ એને જોઈ, સૂરજનાં છેલ્લાં કિરણોના આછા ઉજાસમાં એક સાધારણ દેખાતી છોકરી એની સામે ઊભી હતી. શ્યામવર્ણી ત્વચા, દૂબળી અને એનાથી થોડી નાની દેખાતી, ભૂરાં સ્કર્ટબ્લાઉઝ… એ જોતી રહી ગઈ. માટીવાળા હાથ આગળ કરી એ હસીને બોલી, `તમને ભેટવું હતું. રીનાદીદી પણ જુઓ મારા હાથ.’

એ હસી અને એના શ્યામ ચહેરાની આંખોમાં તારા ઝગમગી ઊઠ્યા. બકુલે પાણીની ઝારીથી ક્યારામાં એના હાથ ધોવડાવ્યા. રીવાએ ખભે રાખેલા કપડાંથી હાથ લૂછ્યા.

`સૉરી મને એમ કે તમે આવો એ પહેલાં આટલું કામ કરી લઉં. ચાલો અંદર.’

એ આગળ થઈ. લાંબી પરસાળમાં હારબંધ ઓરડાઓ હતા, એમાંના એક ઓરડામાં એ દાખલ થઈ.

`આવો દીદી, આ મારો, ચંદ્રિકાનો રૂમ.’

રીના અવાક બની જોઈ રહી, દીવાલો પરથી રંગ ઊખડી ગયો હતો અને બારીના એક તૂટેલા કાચની જગ્યાએ પૂંઠું ભેરવ્યું હતું. બે પલંગ પર પીળા ફૂલની ભાતની પાદર હતી, ખૂણામાં ટેબલ બે ખુરશી. એ દીવાલ પર સરસ પેઇન્ટિંગ હતું, કદાચ આશ્રમનું મકાન હતું. આંગણામાં ફૂલછોડ, પાછળ આછી રેખાઓથી દેખાતી પર્વતમાળા. નીચે ઝીણા અક્ષરે નામ રીવા.

રીવાએ આટલું સરસ પેઇન્ટિંગ દોર્યું હતું! રૂમ એકદમ સ્વચ્છ અને સુગંધિત પણ.

`જુઓ રીનાદીદી, આ બારી પાસે જ રાતરાણી વાવી છે એટલે રાત્રે મને મીઠી નીંદર આવે અને મારા સપનાંમાં તમે.’

રીવા રીનાને આશ્લેષમાં લઈ પછી થોડે દૂર ઊભી રહી જોતી રહી, `ફોટામાં છો, એવા જ, ના એનાથી સુંદર.’

`ફોટામાં?’

રીવાએ આંગળી ચીંધી, એ જોતી રહી ગઈ. એનું ધ્યાન કેમ ન ગયું! એના પલંગ પાછળની દીવાલ પર રીનાના ફોટાઓનું એણે હૃદયાકારમાં કોલાજ બનાવ્યું હતું. રીનાની બાળપણથી માંડી અત્યાર સુધીની તસવીરો કલાત્મક રીતે ગોઠવી એની ફરતે સરસ ફૂલવેલ દોરી હતી.

`મારી બહુ ઇચ્છા હતી રીનાદીદી, તમને પણ મળું, તમારી સાથે ખૂબ બધી વાતો કરું અને ઈશ્વરે મારી ઇચ્છા પૂરી કરી દીધી, બરાબર મારા જન્મદિવસે.’

`તારો જન્મદિવસ?’

`હં.. કાલે જ છે ને! એટલે તો મમ્મીપપ્પા…’

એ અટકી ગઈ.

`સૉરી રીનાદીદી, તમારા મમ્મીપપ્પાને હું ઘણીવાર મમ્મીપપ્પા કહી દઉં છું. અહીં થોડું સફોકેશન થાય છે ને! બહાર હીંચકે બેસીએ! તમને ગમશે.’

રીવાએ હાથ પકડ્યો, એ ચૂપચાપ દોરાતી ચાલી. રીનાને પોતાનો રૂમ યાદ આવ્યો. ચોતરફ ફંગોળાયેલી ચીજોથી કેટલો અવ્યવસ્થિત! મમ્મી કપડાં ઘડી કરે, કબાટમાં ગોઠવે, શૂઝમાં ખોસેલા મોજા ધોવા નાંખે, ધૂળ ઝાટકે, એ આળસમાં પલંગમાં સૂતાં સૂતાં, ખાતાં ખાતાં ટી.વી. જુએ, મોબાઇલ ગેમ રમે, રણજીતને બૂમો પાડે…

`ગમશે અહીં બેસવું દીદી?’

ઉપર પતરાંનું છાપરું અને મંડપ જેવું બનાવ્યું હતું. એની ચોતરફ ફૂલોનાં કૂંડાં અને ઉપર ચડાવેલી વેલ. હળવે પગલે અંધકાર ઊતરી રહ્યો હતો અને થોડી ઝાંખી બત્તીઓ આસપાસના અંધકારને ઉજમાળો કરતી હતી. હજી સુધી રીના કશું બોલી ન હતી. રીનાને એની સાથે ખૂબ લડવું હતું, સંભળાવવું હતું પણ ક્યાંથી કેમ શરૂઆત કરી, આ સીધીસાદી છોકરીને ધમકાવવી તે સૂઝતું ન હતું પણ કશુંક તો કહેવું જ જોઈએ, પણ શું?

રીવાએ હળવી ઠેસ મારી હીંચકો ઝૂલવા લાગ્યો.

`જ્યારે અહીં બેસું ને રીનાદીદી તો મને બા અચૂક યાદ આવે.’

`બા?’

`હં.. મારી મમ્મી તો બહુ બીમાર રહેતી હતીને! તમને તો બધી ખબર હોય. એને પીડા થતી હોય, ઘેનમાં હોય ત્યારે બા મને અહીં લઈને બેસતાં, છોકરીઓ વીંટળાઈ વળતી તો છોકરાઓનાં સેક્શનમાંથી એ લોકોય દોડી આવે. બા જાતભાતની વાતો કરે, ગરબા તો એવા સરસ ગાય! અમેય જોડે ગાતાં ગાતાં શીખી ગયાં. બા અને મમ્મી બધાયને બહુ વહાલ કરે હોં! અમે બાને બહુ મિસ કરીએ. તમેય કરતાં હશો. તમને તો બહુ બધા ગરબા આવડી ગયા હશેને!’

રીના એને તાકી રહી. એ દાદીને મિસ કરતી હતી! એણે છેલ્લે દાદીને ક્યારે તીવ્રતાથી ઝંખેલા! બાની પાસે બેસી નિરાંતે ક્યારે ગરબા સાંભળેલા? શીખેલા? ના રે..

`અ… ના… મને ગાતાં નથી આવડતું.’

`લો, એમાં ક્યાં ટ્રેઇનિંગ લેવાની છે?

સાથે ગાઈએ એટલે આવડી જાય. આપણે ક્યાં લતા મંગેશકર છીએ?’

એ ખડખડાટ હસી પડી.

`અમારા આ ગામમાં એક મહિલામંડળ છે. અમને આ વર્ષે નવરાત્રિમાં મધરે ગરબા રમવાની છૂટ આપી છે, તમે આવશો? મજા આવશે. અમને ચણિયાચોલી પણ મંડળ આપશે.’

રીનાને એના ચહેરાનો નિર્દોષ આનંદ સ્પર્શી ગયો. એણે જરા જોરથી ઠેસ મારી અને હીંચકો વધુ ઝૂલવા લાગ્યો. એણે આકાશના તારા તરફ આંગળી ચીંધી, `આકાશ કેવું ઝગમગે છે નહીં? મારી બાને ક્યારેક સારું લાગે ત્યારે હું અને મૅરીમેમ બાને અહીં લઈ આવવા બા કહેતી. આ અસંખ્ય તારા ઇન્દ્રની સહસ્ર આંખો છે, એ બધું જુએ છે, આપણા સારાં-ખરાબ કામની એમને ખબર હોય હોં દીદી!’

એ હીંચકા પરથી ઊભી થઈ ગઈ, કેડે હાથ મૂકી ઉપર જોતી રહી, `આમાં મારી બાનો પણ ક્યાંક તારો હશે ને! ખબર છે દીદી, કેન્સરે બાને ઘંટીમાં અનાજ દળાય એમ ધીમે ધીમે દળી. એને ખૂબ પીડા થતી. ત્યારે મમ્મી કહેતાં, રીવા રડવાનું નહીં, તારા બાની પીડામાંથી મુક્તિ થઈ ગઈ, અને તારામંડળ સાથે એ આનંદમાં છે. બસ, ત્યારથી હું કદી રડી નથી.’

એણે ઊભાં ઊભાં રીનાને ઝુલાવી. આ તરફથી પેલી તરફ, ત્યાંથી આ તરફ એનું મન ઝૂલતું રહ્યું. નાનાં આનંદો અને મા ગુમાવ્યાની ખોટ પડી તોય કેટલી ખુશ છે. રીવાને એનો ચીજવસ્તુઓથી ભરચક્ક બેડરૂમ યાદ આવ્યો.

અચાનક એ ગંભીર થઈ ગઈ, આછા ઉજાસમાં આંખની ભીનાશ રીના જોઈ શકી. રીવાએ ઉદાસ સ્વરે કહ્યું, `મારી સાથે તો મારી મા હતી, પણ અહીં તો ત્યજાયેલાં, ઝાડીઝાંખરામાં ફેંકી દેવાયેલા કેટલાય બાળકોને પૉલિસ કે સોશિયલ વર્કર્સ અહીં લઈ આવે છે ત્યારે હું ઉદાસ થઈ જાઉં છું. આવડી મોટી દુનિયામાં પોતાનું કોઈ નથી એ વિચાર મોટા થતાં જ એમને કેવો કોરી ખાતો હશે! પોતાનું કોઈ જ ન હોવું એ મોટામાં મોટું દુઃખ છે દીદી. મેં તો નાનાં બાળકોના વૉર્ડમાં જ ડ્યુટી લીધી છે.’

પછી હસી પડી.

`મૅરીમેમ તો કહે છે મને તો આ ઉંમરે જ કેટલાં બધાં બાળકો છે! હું તો બહુ નસીબદાર. દાદાજી, પપ્પામમ્મી અને તમે મારા છો, અને જે દિવસે તમે મારા સપનાંમાં આવોને તે સવારે મને ગરબો લેવાનું મન થઈ જાય હોં!’

કશુંક તો બોલવું, રીનાને થયું, `તું સરસ પેઇન્ટિંગ કરે છે રીવા.’

એ ચૂપચાપ હીંચકાને ઠેસ મારતી રહી. રીનાએ હાથ પર હાથ મૂક્યો.

`કેમ ચૂપ થઈ ગઈ?’

`મને પહેલેથી જ પેઇન્ટિંગ ગમતું પણ આશ્રમને રંગ, પીંછી એવું બધું ક્યાંથી પરવડે? પણ દાદીએ મને અપાવ્યું પછી મમ્મીએ. કિંમતી વસ્તુની ગિફ્ટની અહીં મંજૂરી નથી પણ મધરે ખાસ પપ્પાને રજા આપી, મને મોબાઇલ અપાવ્યો, હું એમાં જોઈને પેઇન્ટિંગ શીખું છું, નયના ડાન્સ શીખે છે.’

રીના તરત બોલી પડી, `રીવા, તું મુંબઈ આવ, જે.જે. સ્કૂલ ઑફ આર્ટમાં ભણજે. આપણું ઘર તો છે!’

એને નવાઈ લાગી એ રીવાને બોલાવી રહી છે! એનો રૂમ, એની જિંદગી પણ શેર કરવા! એને શું થઈ ગયું છે!

રીવાએ ઉષ્માથી રીનાનો હાથ દબાવ્યો, `ના, દીદી.’

`પણ કેમ? તને પેઇન્ટિંગ ગમે છે, તું એમાં કેરિયર કરી શકીશ, ઘર છે, અમે છીએ.’

`જાણું છું દીદી. હું… પણ…’

`બોલ રીવા.’

`તમને ખરાબ તો નહીં લાગે ને! તમે આજ સુધી મળવા ન આવ્યા, હું તમને મળવા ઝંખતી રહી એટલે હું સમજી શકી કે તમને મારા વિષે કદાચ કહ્યું નહીં હોય અને કહ્યું હોય તો…’

એ નીચું જોઈ ગઈ. અચાનક ઊઠી ગઈ, `છોડોને આ બધી વાતો, ચાલો, તમે થાકી ગયા હશો, ડાઇનિંગ હૉલમાં જમવા જઈએ. પછી તમારા રૂમમાં મૂકી જાઉં. લો મારે પપ્પામમ્મીને મળવાનું હજી બાકી રહ્યું.’

રીના હીંચકે ઝુલાતી રહી, `તો?’

`તો… તમને કદાચ ન ગમે.. તમારું બધું જ કોઈ શેર કરે.. માબાપ છિનવાઈ જવાનું દુઃખ મારાથી વિશેષ કોણ જાણે? પણ હું આશ્રમ છોડીને ક્યાંય નહીં જાઉં, એનું કારણ તો બીજું જ છે.’

રીના હીંચકા પરથી ઊભી થઈ ગઈ. મમ્મીએ શું કહ્યું હતું! આપણે બે સ્ત્રીઓ છીએ એમ વિચાર કર.

હા, આ ઝગમગતા આકાશ નીચે બે સ્ત્રીઓ ઊભી હતી, પૃથ્વીનાં એક જ અક્ષાંશ રેખાંશ પર પણ સામસામેનાં અંતિમ બિંદુ પર. જે સતત અભાવોની વચ્ચે ઊછરી હતી તેનું મન કેટલું સભર હતું! અને તેની પોતાની પાસે બધું જ હતું, છતાં એના હાથ ખાલી હતા.

`આ આશ્રમે મને ઘણું આપ્યું, ફૂટપાથની ઝૂંપડપટ્ટીમાંથી અમને લાવી આશ્રય આપ્યો, મારી માને ગૌરવશાળી મૃત્યુ આપ્યું, તમારા સહુનો સ્નેહ પામીને હું હવે આશ્રમને છોડીને ચાલી જાઉં એ તે કેમ બને?’

રીનાની આંખો છલકાઈ ગઈ, રીવાએ આકાશ સામે આંગળી ચીંધી, `જુઓ દીદી, ઇન્દ્ર એની સહસ્ર આંખો વડે આપણને જોઈ રહ્યો છે.’

બન્ને બહેનોએ આકાશ તરફ મીટ માંડી.

(સંપૂર્ણ)

(નોંધ : આવતા શનિવારથી વર્ષા અડાલજાની નવી દીર્ઘ નવલિકા બોન્સાઈ શરુ થશે.)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments