“મારે તમને મળવું છે” ~ પુસ્તક પરિચયઃ રિપલકુમાર પરીખ ~ લેખિકા ~ શ્રીમતી યામિની વ્યાસ
*બે યુવા હૈયાની પ્રેમગાથા ગાતું નાટક:* *મારે તમને મળવું છે* – પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ.*
“ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને, મારે તમને મળવું છે.
સાંજ ઢળ્યાની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપનાં સાત લઈને, મારે તમને મળવું છે.”
– *રિષભ મહેતા.*
પરિતા અને સ્વર, નાનપણથી સાથે ભણતાં, રમતાં મોટાં થાય છે. બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી છે. સાથે રહેવાનું વચન આપેલ, સ્વરને કોઈક કારણોસર પરિતાથી દૂર જવું પડે છે. સ્વરનો કોઈ સંપર્ક નથી થઈ શકતો, ત્યારે પરિતાનાં હ્રદયમાંથી ઉઠતો અવાજ એટલે, ‘ મારે તમને મળવું છે.’ સમયનું ચક્ર ફરે છે, પરિતાને સ્વરની મુલાકાત થાય છે. બંનેનો પ્રેમ અને લાગણી તો અકબંધ છે. પરંતુ કુદરત તો કંઈક અલગ જ ઈચ્છી રહી છે. એક સમય એવો આવે છે કે, પરિતા જ સ્વરને છોડીને દૂર ચાલી જાય છે, ત્યારે સ્વરનાં દિલનો પણ આ જ અવાજ એટલે, ‘મારે તમને મળવું છે.’
*’ મારે તમને મળવું છે ‘* આ દ્વિઅંકી નાટક છે, જેમાં બે યુવા હૈયાની કશ્મકશભરી અજીબ પ્રેમગાથા લખાયેલ છે. મૂળભૂત રીતે ‘મી ટૂ’ વાર્તા પરથી રચાયેલું આ નાટક, દરેક સંવેદનશીલ ભાવકને સ્પર્શી જાય છે. એચ. આઈ. વી. – એઈડ્સ જેવાં ગંભીર રોગ પર રચાયેલું આ નાટક, સમાજમાં પ્રવર્તમાન ગંભીર મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડી જાય છે. આ પુસ્તક અને નાટકનાં લેખિકા શ્રીમતી યામિની વ્યાસ છે. જે પોતે એક સારાં લેખિકા, કવયિત્રી અને નાટ્યધર્મી છે. એમની યશસ્વી નાટ્યયાત્રામાં તેમણે અનેક નાટકોનું લેખન અને મંચન પણ કર્યું છે. જેને પ્રતિષ્ઠિત નાટ્યકારોએ વખાણ્યું અને વધાવ્યું છે. શ્રીમતી યામિની વ્યાસે લખેલાં વિવિધ બાળનાટકો, ફુલલેન્થ નાટકો, હાસ્યનાટિકાઓ, લઘુનાટકો અને એકોક્તિઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનાં વિવિધ પારિતોષિકો પણ પ્રાપ્ત થયાં છે. પોતાનાં આ નાટક વિશે લેખિકા લખે છે, ‘ ‘મારે તમને મળવું છે’ મારું નાટ્ય પુસ્તક છે. અગાઉનાં ત્રણ પુસ્તકોને આપ વાચકોનો ઉષ્માસભર આવકાર અને લાગણીસભર પ્રતિસાદ સાંપડયો છે. એ ચાલકબળ અને પ્રેરક બની રહે છે. વર્ષ ૨૦૧૭માં ગુજરાત રાજ્ય નાટ્ય સંગીત અકાદમી તરફથી મળતી સહાયથી રાષ્ટ્રીય કલા કેન્દ્રએ એક ફુલલેન્થ નાટક ભજવવાનું હતું. આ નાટક મારી ટૂંકી વાર્તા ‘ મી ટૂ ‘ પર આધારિત હતું અને તેમાં ખૂબ સંવેદનશીલ વિષય હતો. નાટ્યદિગ્દર્શક મેહુલ શર્મા સાથે આ બાબતે વિશદ ચર્ચા કરી અને નાટક લખવાનું શરૂ કર્યું. હું હોસ્પિટલમાં લેબોરેટરીમાં કામ કરતી હોવાથી મને એઇડ્સ વિષય પર નાટક લખવામાં તકલીફ પડે તેમ ન હતું. આ નાટકનાં પાત્રોએ અનુભવેલી વેદના આછેરી સંવેદના બનીને જો આપનાં અંતરમાં ડોકીયું કરીને નીતરશે તો મારું સર્જન સાર્થક થશે.’
પદ્મશ્રી યઝદી કરંજિયા પોતાનો અહોભાવ વ્યક્ત કરતાં લખે છે, ‘ યામિનીબેન વ્યાસનું નાટક ‘ મારે તમને મળવું છે ‘ પુસ્તક આકારે પ્રગટ થાય છે તેનો મને ખૂબ આનંદ થાય છે. આ નાટક રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા વિવિધ શહેરોમાં રજૂ થયું હતું. મેં સુરતમાં આનો પ્રયોગ માણ્યો છે. પણ જેમણે એ જોયું નથી, તેઓ આ પુસ્તક વાંચશે ત્યારે તેમનાં મનમાં ભજવાશે. એનો પણ એક આનંદ હોય છે. નાટક જીવંત કલા છે. આમ તો નાટક ભજવાય અને પુરું થાય. થોડો સમય યાદ રહે પછી ભૂલી જવાય એટલે જ કદાચ એને ‘ ના- ટક’ કહેતાં હશે; જે ટકે નહીં તે ના-ટક. પણ નાટક પુસ્તક આકારે રજૂ થાય તેનો ફાયદો એ કે તે ટકી જાય છે. તેને ફરી ફરી વાંચી શકાય છે અને નવી નવી મંડળીઓ તેને ભજવી શકે છે. યામિનીબહેનનું નાટકનું આ ચોથું પુસ્તક છે. તેઓ મજાનાં કવયિત્રી તો છે જ, જેને કારણે સંવાદો પણ ખૂબ સહજ, સરસ લખી શકે છે. મને લાગે છે કે આ નાટક માટે પ્રેક્ષકો જ કહેતાં હશે કે ‘ મારે તમને મળવું છે ‘ એટલાં માટે જ આ નાટક પુસ્તક રૂપે વાચકોને મળવાં જઈ રહ્યું છે.’
નાટ્યમર્મી શ્રી પ્રવીણ સરાધીઆ અને શ્રી વસંત ઘાસવાલા ઉપરાંત દિગ્ગજ નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લએ પણ આ પુસ્તકને તેમની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રાયોગિક અને સામાજિક જાગૃતિનાં અભિયાનને વેગ આપતું આવું સંવેદનશીલ પુસ્તક દરેક નાટ્યરસિકે વાંચવું જ રહ્યું.
*નાટકનો એક સંવાદ*
” પત્રનો અનુભવ અનોખો જ હોય. લખનારના અક્ષરમાં ટેરવાનો સ્પર્શ અનુભવાય. લીટીએ લીટીએ ભાવની અનુભૂતિ થાય. જે વારેવારે વાંચી શકાય અને ગડી વાળીને પોતાની પાસે રાખી શકાય, આખી જિંદગી એમ જ.”
*પુસ્તક પ્રકાશક: વિજયા ગ્રાફિક્સ* *એન્ડ પબ્લિકેશન,* *સુરત* .
*મોબાઈલ: 98250 29577*
*કિંમત: ₹ ૧૪૫/-*
(પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: 9601659655)