એક ટીપું ઝાકળનું ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:૧ (ત્રણમાંથી) ~ લે: વર્ષા અડાલજા

એક ટીપું ઝાકળનું
દીર્ઘ નવલિકા
ભાગ : ૧

અનસૂયાએ વોર્ડરોબ ખોલ્યો. જાતજાતના ફૅબ્રિકની વિવિધરંગી સાડીઓ, બંગડીઓ અને ઝરીના ચાંદલાઓ, કેટલીયે કિંમતી હૅન્ડબૅગથી કબાટ ભરચક્ક હતો.

સાડી અને શૃંગારનો શોખ તો પહેલેથી જ. વીરેન્દ્ર પણ સાડી ખરીદી લાવે અને એની પસંદગી સરસ જ હોય. એ મન ભરીને કબાટ જોઈ રહી. એક સમય હતો એ પતિને કહેતી, ‘બસ કરો, આટલું બધું કોને માટે?’

બાપુજીએ હસીને કહેતા, તારા માટે. મારી સોના જેવી વહુ માટે. મારે તો દીકરી કે વહુ ગણું તું જ છે.

તૃપ્તિનો એક ઊંડો શ્વાસ છાતીમાં ભરી એ ફરી સાડીઓ જોવા લાગી. કઈ લઉં? ના, સાદાં કપડાં જ લેવાનાં હતાં, ત્યાં કિંમતી સાડી ન શોભે. એણે સાદી સુતરાઉ સાડી બૅગમાં ગોઠવી. થોડાં વધારે કપડાં લેવાનું મન થયું. બે દિવસ રોકાઈ જવાનું મન હતું. હંમેશાં તો જલદી જઈને તરત પાછાં વળવું પડતું, પણ આ વખતે થોડું રોકાઈને જઈએ તો?

ઇચ્છાથી મન સળવળી ઊઠ્યું હતું, પણ વધુ રોકાવાનું તો કેમ બને! રીનાને નહીં ગમે. મોં ફુલાવીને જાણે હનુમાનજી! એ પ્રશ્નો પૂછશે. અણીદાર અને ધારદાર. અદબ વાળી સામે જમાદારની જેમ ઊભી રહેશે. એ પ્રશ્નો પૂછશે પણ એની પાસે જવાબ નહીં હોય.

ના, જવાબ તો છે પણ ન આપી શકાય. જેમ રીનાની ઉંમર વધતી જતી હતી એમ પ્રશ્નો અને જીદ વધતા જતા હતા. આજ દિવસ સુધી તો હસીને જવાબો ટાળી દેતી હતી, મજાકના મિજાજમાં હળવી ફૂંકથી પીંછાની જેમ હવાની લહેરમાં એ વહી જતા હતા.

ત્યારે તો સાસુ હતા, બા પણ એમાં સૂર પુરાવતા. ખરું પૂછો તો હિંમત બાએ જ તો બંધાવી હતી. નહીં તો એને એવું સૂઝ્યું હોત શું?

`અનુ, આમ બૅગ ખોલીને સૂનમૂન કેમ બેઠી છો બેટા! ચાલ, પૅકિંગ કરી લે. આ લે, આ બે પુસ્તકો પણ બૅગમાં મૂકવાના છે. કેમ આમ મને જોઈ રહી છે? હમણાં વીરેન્દ્ર મારતે ઘોડો આવ્યો સમજ. તને ખબર છે ને, છેલ્લી ઘડીએ એની દોડાદોડ.’

બાપુજી અટકી ગયા. પૂત્રવધૂને માથે હાથ મૂક્યો,

‘શી વાત છે અનુ! કેમ મૂંઝાયેલી લાગે છે?’

અનસૂયા ઢીલી પડી ગઈ, `બાપુજી, આમ ક્યાં સુધી ચાલશે? કેટલાં વર્ષ થઈ ગયાં? રીનાને કહેવું જોઈએ ને?’

બાપુજી પણ ઝંખવાયા, `વાત તો ખરી. હું તો પહેલેથી જ વાત છુપાવવામાં નહોતો માનતો તું જાણે છે અનુ, પણ વીરેન્દ્ર ન માન્યો, શી ઉતાવળ છે! પછી કહીશું અને જો હવે એને જ રીનાની બીક લાગે છે.’

અનુનો અવાજ ભીનો થઈ ગયો, `એ વખતે મારી ઇચ્છા તો બીજી જ હતી, મેં બાને કહેલું પણ ખરું. હવે શું કરવું?’

બાપુજીએ પાણિયારે દીવો કર્યો. એના શાંત શીળા અજવાસથી સંધ્યાનો ઘરમાં ફેલાયેલો આછો અંધકાર થોડો ઉજમાળો થયો. એમણે બત્તી કરી. અનસૂયા હજી ગભરાયેલી હતી.

`બાપુજી, મને.. મને ડર લાગે છે. આ વખતે અમારું જવાનું સહેલું નહીં હોય. નાની હતી ત્યારે તો અમારા જવા ટાણે રીનાને મારા ભાઈને ત્યાં મોકલી દેતી, પણ હવે…’

`જો અનુ, આમાં ડરવાનું શું? આપણે કાંઈ ખોટું કર્યું છે! જેવો વખત, જેવા સંજોગો. સમજશે એ તો.’

`પણ હમણાંથી એ કેટલી જીદ્દી થઈ ગઈ છો, એ પણ ખોટું છે ને!’

`એ હું ન જાણું! વીરેન્દ્રેય એવો જ હતો, બાપ એવી દીકરી. એકના એક સંતાનોની આ જ સમસ્યા. ચાલ, પૅકિંગ તો કર.’

`હા બાપુજી, જવું તો પડશે પણ મને થાય છે હવે એને કહી જ દઈએ તો!’

`બાપુજી… અનુ.. ક્યાં છો?’

બાઈકની કીની ચાવી ઉછાળતો વીરેન્દ્ર રસોડામાં આવ્યો.

`અરે સસરોવહુ રસોડામાં ડાઇનિંગ ટૅબલ પર બેસી ગપ્પાં મારો છો!’

અનસૂયા બાપુજીને કહેવા ગઈ. વીરેન્દ્રને કહો તો પણ વીરેન્દ્ર બૅડરૂમમાં ગયો.

`લો, બૅગ ખુલ્લી! પૅકિંગના ઠેકાણા નથી. કમઓન. આ લે થોડું શૉપિંગ છે. થેલી જ મૂકી દે ને બૅગમાં. ઑલ સેટ! જલદી થોડું જમી લઈએ, પછી સ્ટેશને જતાં ટ્રાફિક નડશે.’

અનસૂયાનો ગંભીર ચહેરો જોઈ બાપુજીએ હસતાં હસતાં કહ્યું, `શું તુંયે વીરેન્દ્ર! અનુને ટ્રેન-ટાઇમની ખબર નથી? તમે કંઈ પહેલીવાર જાઓ છો? અનુ બૅગ જલદી બંધ કર, પાછી રીના જોશે તો ઉપાધિ.’

અનુએ સાડીઓ બહાર કાઢી, નીચે થોડાં કપડાં વીરેન્દ્રએ કરેલું શૉપિંગ ગોઠવી ઉપર સાડી-બ્લાઉઝ મૂકી દીધા. દવાઓ, ટૂથબ્રશ વગેરે પરચૂરણ વસ્તુઓ મૂકી બાપુજીએ વીરેન્દ્રને આખરે કહી જ દીધું.

`વીરુ, મનેય અનુની જેમ લાગે છે કે આપણે રીનાને પહેલેથી જ કહી દીધું હોત તો સારું થાત, નહીં?’

`સમજું છું બાપુજી, મારી ક્યાં ના હતી! પણ તમને ખબર તો છે સંજોગો જ કેવા બદલાઈ ગયા, અને આપણને તો સાઈકિયાટ્રિસ્ટે સલાહ આપી પણ હતી કે હમણાં આ બધું ઉખેળો નહીં. વાતનું ફીંડલું વાળી દો. શું કરું તમે જ કહો.’

અનસૂયાએ સામાન વ્યવસ્થિત કરી બૅગ બંધ કરી. કેટકેટલી લાગણીઓ પણ પટારામાં બંધ હતી! ક્યારેક જો કાચના ગોળાની જેમ એ ફૂટી જશે ત્યારે એની ઝીણી તીક્ષ્ણ કરચો કેવી વીંધશે!

અનસૂયાએ કબાટમાંથી બૉક્સ કાઢ્યું,

`જુઓ, આ સોનાનો બ્રેસલેટ લીધો એને માટે, જન્મદિવસ છે ને એનો!’

`અરે વાહ! સરસ સૂઝી આવ્યું તને. અને બીજો?’

`જ્વેલર્સ પાસે આ એક જ હતો. આ જ ડિઝાઇનનો આવો બીજો બ્રેસલેટ કરવાનું કહી દીધું છે. ચાર-પાંચ દિવસમાં મળી જશે.’ બાપુજીએ બ્રેસલેટના દુઃખણાં લીધાં.

`આજે શોભના હોત તો દુખણાં જરૂર લેત, એના ઠાકોરજીને ધરત તો એના બદલે હું, તમને બન્નેને એક પ્રશ્ન પૂછું?’

`ઝટપટ પૂછો, તોફાન આવ્યું સમજો.’

`પુરુષો દુખણાં ન લઈ શકે? શું એની પર સ્ત્રીઓની મોનોપોલી હશે?’

અનુ હસી પડી.

`શું તમે પણ બાપુજી! તમે હમણાં જ લીધાને દુખણાં! સાચું કહું તો આ બ્રેસલેટનો મૂળ વિચાર બાનો હતો. કે’તા કે આજકાલની છોકરીઓને બંગડી ન ગમે, બ્રેસલેટ શોભે એને.’

`ડિઝાઇન તો સરસ અને નાજુક છે. શોભશે પણ ભેટ આપવાનું તો નિયમોની વિરુદ્ધ છે, એનું શું! તેમાંય સોનું?’

`બાપુજી, હું એમને સમજાવીશ, બસ આ એકવાર.’

ઉપરાઉપર ડોરબેલ અને દોડતી રીના ધસી આવી, ધબ્બ પલંગ પર બેસી પડી.

`રણજીત! ઠંડું પાણી આપ તો! ચીલ્ડ વૉટર, પ્લીઝ.’

`લો, બૅગ પૅક થઈ ગઈ! પપ્પા-મમ્મી તમે બેઉ કમાલ છો. વર્ષમાં કેટલીવાર શ્રીનાથજી જવાનું! ક્યા બાત હૈ! વર્ષો થઈ ગયાં દર્શન કરતાં, હજી તમે ધરાયા નથી.’

વીરેન્દ્ર અનસૂયાની નજર મળી, કંઈ બોલે એ પહેલાં બાપુજીએ તરત કહ્યું, `લે, તુંય ખરી છો રીના, તારો ફેવરીટ હીરો હોય તો એની ફિલ્મ જોતાં તું થાકે છે?’

`રાઇટ દાદાજી, જાણું છું બાબા કિશનજી તમારા લોકોનાં ફેવરીટ હીરો છે. મને પણ ગમે છે, પણ આમ વર્ષમાં બે-ચાર વાર જવાનું!’

`જવા દેને બેટા! આપણે બે મજા કરશું, દાદા અને દીકરી. તારી ફેવરીટ રેસ્ટોરન્ટ કઈ છે? કાલે ત્યાં જઈશું.’

`તે હું તમને થોડી છોડવાની છું, પણ મમ્મા પરમ દિવસે મારો બર્થ ડે. તમે આવી જશો ને! તો તમને અને તમારા કિસનજીને નહીં છોડું, આઇ વિલ બી સ્વીટ સિક્સટીન.’

બાપુજીએ રીનાને ગાલે વહાલથી બચી ભરી, `મારી પ્રિન્સેસ, તારો જન્મદિવસ તે ભુલાય! તને કિસનજી પાસેથી માગીમાગીને લીધી છે, ખબર છે તને!’

રીના નિરાંતે પલંગ પર અઢેલીને બેઠી, `ના રે મને કંઈ તમારા કિસનજીએ નથી આપી. હું મારી મેળે તમને બધાને પસંદ કરીને અહીં પધારી તમારી વન ઍન્ડ ઓન્લી ડૉટર રીના. તમને તો હું ગમું છું પણ હું મને પણ બહુ ગમું છું.’

`હા ભાઈ હા, તું અમારી એકની એક લાડકી પ્રિન્સેસ. કેટલીવાર ગાઈવગાડીને તને કહેવાનું! હવે રાજગાદીએથી ઊતરો તો જમી લઈએ.’

રીના કૂદકો મારી ઊતરી અને અદાથી ઊભી રહી.

`તો આજે એક પ્રશ્નનો જવાબ આપો, હું તમારી લાડકી છું, તો તમારા કિસનજીને કેમ આટલો પ્રેમ કરો છો? મારા પ્રેમમાં કોઈ પણ ભાગ પડાવે એ મને નથી ગમતું, તમને બધાને ખબર છે ને!’

અનસૂયા રીનાની વાત સાંભળતા એને જોતી રહી હતી. અજ્ઞાત ભયથી એનું હૃદય ધ્રૂજી ઊઠી ગયું. એમણે મોટેથી કહ્યું, `ચાલો બધાં, વાતોનાં વડાં બહુ થયા, હવે ખાવાનાં વડાં નથી ખાવા?’

રીના એનો મોબાઇલ લેવા પલંગ તરફ ગઈ અને એની નજર બ્રેસલેટના બૉક્સ પર ગઈ. અરે વાહ! યે ક્યા હૈ? બોલતાં બૉક્સ લઈ લીધું.

રીના મૂકી દે બોલતાં પહેલાં અનસૂયાએ પોતાના મોં પર હાથ દાબી દીધો. અરે રામ! વાતોમાં બૉક્સ તો બૅગમાં મૂકવાનું ભુલાઈ જ ગયું! રીનાએ ઉતાવળે બૉક્સ ખોલ્યું, સુંદર ડિઝાઇનનો સોનાનો બ્રેસલેટ ઝગમગતો રીના સામે મલકી ઊઠ્યો.

એ આનંદથી ઝૂમી ઊઠી, `કેટલો મસ્ત છે બ્રેસલેટ! મારી બર્થ ડે ગિફ્ટ. તમે લોકો સરપ્રાઇઝ આપો એ પહેલાં મને મળી ગઈ.’

બૉક્સ હાથમાં લઈ એ ફુદરડી ફરતાં અનસૂયાને વળગી પડી, `કેટલીવાર મેં કહ્યું હતું, મને ચેઇન આપો, બ્રેસલેટ આપો, પણ તમારી નાની ના. તું નાની છે. સોનુંરૂપું ના પહેરાય. આજકાલ સેઇફ્ટી નથી, હું થઈ ગઈને હવે મોટી!’

એ ખુરશી પર ચડી ગઈ.

`સોળ વરસ અગિયાર મહિના અઠ્યાવીસ દિવસ. હું બાકાયદા સત્તરની એટલે કે બ્રેસલેટની હકદાર, રાઇટ?’

એ કૂદકો મારી બ્રેસલેટ બૉક્સમાંથી લેવા જાય છે કે અનસૂયાએ તરત કહ્યું, `રીના રહેવા દે. ના પહેરતી.’

`કમઓન મમ્મી, પહેરવા દે ને! કેટલા વખતથી મને ઇચ્છા હતી. આમ પણ હું ટેન્થમાં પાસ થઈ અને બર્થ ડે એટલે તમારે મને ડબ્બલ ગિફ્ટ આપવી જોઈએ ને? હું પરમ દિવસે પહેરું કે આજે શું ફરક પડે છે!’

બાપુજીએ અનસૂયા વીરેન્દ્રને ધરપતનો ઇશારો કર્યો. એમનો સ્વર શાંત અને સ્વસ્થ હતો. હવે એ સમય આવી ગયો હતો, `બેટા, તારો બ્રેસલેટ પરમ દિવસે આવશે, ઑર્ડર આપ્યો છે. આ બૉક્સ અનુને આપી દે.’

રીના નવાઈથી સહુને જોતી રહી, `તો આ કોને માટે છે? નો આન્સર? કોઈક તો બોલો. આ કોઈ મિસ્ટરી મૂવી છે?’

અનસૂયાએ લાચાર નજરે બાપુજી સામે જોયું. જે ક્ષણનો ડર હતો એ અચાનક ભેખડ પરના તોતિંગ પથ્થરની જેમ તોળાઈ રહી. રીનાએ બૉક્સ પલંગ પર ફેંક્યું.

`મા, આ લે તારું બૉક્સ. અથાણું કરજો બધાં એનું, પણ એટલું તો ફૅમિલી મેમ્બર તરીકે મને જાણવાનો હક્ક છે ને કે આવી કિંમતી ગિફ્ટ મારી પણ પહેલાં કોને આપવાની છે? મારાથી શું છુપાવો હવે? ચહેરા તો જુઓ બધાના! અરે હજી ચૂપ? આ બ્રેસલેટ કોને માટે છે? મને જવાબ જોઈએ. હમણાં જ.’

`તો જવાબ આપીશ.’

અનસૂયા કરગરી પડી, `બાપુજી, પ્લીઝ…’

`ના અનુ, કહેવાનું તો હતું જ ને!’

`હા ગ્રાન્ડપા, કહો. હું સાંભળવા માગું છું.’

`ભલે, તો સાંભળ રીના બેટા, આ બ્રેસલેટ તારી બહેન માટે છે.’

તાકીને કોઈએ ગોફણનો ઘા કર્યો હોય એમ રીનાને તમ્મર આવી ગયા. ઘાનું કપાળે ઢીમણું થઈ આવ્યું.

`મારી બહેન! વ્હૉટ યુ આર ટૉકિંગ?’

એણે ઝપ દઈને બૉક્સ ઊંચકી લીધું અને જોરથી ઘા કર્યો, એ સાથે જ આંસુ ધસી આવ્યા અને રોષનો ઉછાળ. નથી કશું જાણવું, પૂછવું. ચીસ પાડતી એ ઓરડાની બહાર જવા દોડી એ સાથે જ વીરેન્દ્રએ એને પકડી દીધી, `રીના, શાંત થા. ચૂપ બેટા.’

એ વીરેન્દ્રના હાથમાંથી છૂટવા મથી રહી. અનસૂયા ગભરાઈ ગઈ. એક દિવસ આવું બનશે, આમ જ બનશે એવા દૃશ્યની એમને કલ્પના હતી અને એમ જ બની રહ્યું હતું, એટલે તો સહુ આ વાતને ઠેલતા રહ્યા હતા.

એ સમજતી હતી કે વાત કરતાં વાતને છુપાવવાનો આઘાત રીનાને ઊંડો જખમ કરી જશે. પતિને એણે બહુ કહી જોયું હતું પણ પછીથી કહીશું કહેતાં વર્ષો વીતી ગયાં હતાં અને આખી ઘટના ઠાંસોઠાંસ ભરેલા બારુદની જેમ અંદર ધરબાઈ ગઈ હતી.

અને હવે આ વિસ્ફોટ અણધાર્યો તો કેમ કહી શકાય! રીના મોટી થતી જતી હતી એટલે પ્રત્યાઘાત પણ એવો જ તીવ્ર.

આજે એ અણધારી ક્ષણ આવી ગઈ હતી અને રીનાની જેમ જીદથી ત્યાં જ થંભી ગઈ. વીરેન્દ્રની પક્કડમાં એ ફુંફાડો મારતી છૂટવા ઝઝૂમી રહી.

બાપુજી એના માથે હાથ ફેરવવા ગયા કે એણે ડંખીલા અવાજે કહ્યું,

`ડૉન્ટ યુ ડેર ટચ મી.’

બાપુજી બે ડગલાં પાછાં હટી ગયા. અનસૂયાએ તીવ્ર સ્વરે કહ્યું, `રીના! બાપુજી સાથે આમ વાત કરવાની?’

રીનાએ વળતો ઘા મારતી હોય એમ તરત કહ્યું, `ઓહો, તો મારી સાથે પણ એમ બોલાય?’

વીરેન્દ્રએ ધમપછાડા કરતી રીનાને માંડ પોતાની તરફ ફેરવી.

`જો બેટા! તું મોટી થઈ ગઈ છે, જરા વાતને સમજવાની કોશિશ કર.’

પિતાને ધક્કો મારતી એમની પક્કડમાંથી છુટ્ટી થઈ એ દૂર ખસીને ઊભી રહી. અદબ વાળી નિર્મમ દૃષ્ટિથી આરપાર વીંધતી હોય એમ શીતળ દાહકતાથી બોલી,

`હા, મોટી તો થઈ ગઈ છું. સમજદારીથી વાત કરું? ઓ.કે. એઝ યુ પ્લીઝ. તમે લોકોએ મને કહ્યું, બ્રેસલેટ મારી બહેન માટે છે. સાચો કિંમતી છે એટલે બહેન પણ સાચી અને તમને બધાને ખૂબ વહાલી હશે. મામાને બે દીકરા છે, એક માસી છે એ ઓસ્ટ્રેલિયા રહે છે, હા એને એક દીકરી છે પણ એટલે દૂર. તમે આજને આજ તો ગિફ્ટ મોકલો નહીં, બરાબર?’

એણે ત્રણેય સ્તબ્ધ ચહેરા સામે જોયું.

`લૉજિકલી મારી વાત બરાબર છે ને! એટલે આ કિંમતી ભેટ મારાથી છુપાવીને મારી સાચ્ચી બહેન, માય બાયૉલૉજિકલ સિસ્ટરને આપવાના હતા તો પૂજ્ય પપ્પા આ મારી બીજી, મારી બહેન અચાનક તો નહીં ફૂટી નીકળી હોયને પપ્પા?’

વીરેન્દ્રને સીધા જ પૂછેલા પ્રશ્નનો ગર્ભિત ઇશારો સમજતાં વીરેન્દ્ર સમસમી ગયો. બા અને અનસૂયાનું માની ત્યારે જ કહી દીધું હોત તો!

`લો, તમે કહ્યું એમ વાત સમજવા તમને પૂછું છું તો તમે જવાબ નથી આપતા. મમ્મી! તને મારી રીયલ સિસ્ટર વિષે ક્યારે ખબર પડી? પપ્પાએ તો નહીં જ કહ્યું હોય, બાપુજી પાસે સંકોચ થતો હોય તો તને પપ્પાના આ પરાક્રમ… સૉરી આ વાતની ક્યારે ખબર પડી, પછી કે આગળપાછળ શું થયું? અરે કોઈ તો જવાબ આપો.’

ત્રણેય એકમેકને જોઈ રહ્યા. કોણ જવાબ આપશે? ગુંચવાયેલા દડા જેવી આખી ઘટના એને ઉકેલવા આ તાણાવાણા કઈ રીતે ખોલવા?

રીના બૅગ પાસે ગઈ અને ઊંધી કરી દીધી. બૅગમાં નીચે મૂકેલા જિન્સ, ટી-શર્ટ હેર-ક્લિપ નીકળી પડ્યાં.

`વન્ડરફૂલ. મારી બહેન માટે શૉપિંગ કર્યું છે! અરે આ હેરક્લિપ તો અદ્દલ મારા જેવી. ક્યા બાત હૈ! અને તેં મારા માટે ટોપ ખરીદ્યું હતું, એવું જ બીજું! વન્ડરફૂલ.’

રીનાએ હેરક્લિપનો ઘા કર્યો જ, ટોપનો ડૂચો વાળી દીધો. વીરેન્દ્ર અવાચક જોતો રહી ગયો. આખી વાત આ રીતે આવા સંજોગોમાં કહેવી પડશે, એ ગુનેગારના કઠેડામાં ઊભા રહેશે એવી કલ્પના પણ ક્યાંથી હોય? વાત અચાનક જોખમી વળાંક પર આવીને ઊભી રહી ગઈ હતી.

રીના પલંગમાં ઢગલો થઈ ગઈ. એનું શરીર રુદનના આવેગથી ધ્રૂજતું હતું. કેવું ધારદાર સત્ય એને કરવતની જેમ બન્ને બાજુ વહેરી રહ્યું હતું! માતાપિતા, બાપુજી, એની નાનકડી દુનિયાનાં દેવીદેવતા! એ દુનિયા આખી ધરતીકંપમાં હોમાઈ ગઈ હતી અને માતાપિતા-બાપુજીની સુંદર મૂર્તિઓ માટીની હતી, એ ભાંગીને ભુક્કો થઈ હતી.

આંસુભર્યો ચહેરો ઊંચો કરી એણે બાપુજી સામે જોયું, `તમે તો ઘરના વડીલ. હું તમારી પ્રિન્સેસ-શ્રીનાથજી પાસેથી માગીને લીધેલી બરાબર! અને આટલાં વર્ષોથી તમે લોકો શ્રીનાથજીને બહાને તમારી બીજી લાડકી દીકરીને મળવા જતા હતા. આવી છેતરપિંડી દાદાજી! અને આ તરકટ તમે ચાલવા દીધું? વ્હાય? વ્હૉટ ફોર?’

`ના ના રીના, તને છેતરવાનો ઇરાદો થોડો હોય? જો તું…’

`પપ્પા, આ બૅગ જ સાક્ષી છે ને! આટલાં વર્ષોમાં કેટલી ટ્રીપ મારી? તમારું મેથ્સ સોલિડ છે પપ્પા. તમને તો યાદ જ હશે. અરેરે! વહાલી દીકરીને મળવા તમે સહુ તલપાપડ હતા અને મેં વચ્ચે ફાચર મારી. સો સૉરી.’

અનસૂયાથી ન રહેવાયું.

`રીના, તને અમે કહેવાનાં જ હતા, સૉરી કે અમે…’

રીના ભભૂકી ઊઠી, `તું તો બોલતી જ નહીં, તું પપ્પા સાથે જાય છે, કાવતરામાં સામેલ છે એટલે તને ખબર છે કે પપ્પાને બીજી દીકરી છે, એ તો નક્કી પણ કોયડો એ છે કે પપ્પાના અફેર કે કોઈ મિસ્ટ્રેસની આ દીકરી છે જે તેં હોંશેહોંશે અપનાવી લીધી છે કે… પછી…’

`રીના!’

`રિલેક્સ મૉમ, હું સમજવા માગું છું કે તમારા બેમાંથી કોઈના પહેલાં લગ્ન થયા હોય અને… સૉરી પણ શક્યતાઓ ઘણી છે.’

અનસૂયા ચીસ પાડી ઊઠી, `રીના ક્યારની જેમ ફાવે તેમ બોલે છે? નાનામોટાની કોઈ મર્યાદા નહીં. આવા ગંદા આક્ષેપો!’

આંસુભરી આંખે રીના હસી પડી, `મર્યાદાની તમે લોકો મને શિખામણ આપો છો? આક્ષેપ ગંદો નથી, બીજી દીકરી, એટલે લગ્ન બહારની, એનો અર્થ ન સમજું એટલી તો હું હવે નાની નથી. તમારે કંઈ કહેવું નથી દાદાજી? વેરી સ્ટ્રેઇન્જ.’

`તારું દુઃખ, રોષ મને સમજાય છે દીકરા. જો વાત એમ છે…’

`ના દાદા. તમે સમજી નથી રહ્યા એ વાત વધુ ખૂંચે છે મને. મને હંમેશ તમે લોકોએ કહ્યું, તું અમારી એકની એક, દેવની દીધેલી. મમ્મી કદીક કહે છે એમ, મોંએ ચડાવેલી. બસ છું, મોંએ ચડેલી છું અને રહેવાની જ છું અને હવે તમે કહો છો કે બીજી પણ એવી જ લાડકી મારા જેવી જ તમારા જીવનમાં છે?’

બેટા, તું આખી વાત સાંભળીશ તો તને સમજાશે. એનું નામ રીવા.’

રીનાએ ચીસો પાડતાં પગ પછાડ્યા, `એટલે નામ પણ મારા જેવું? જોડકી છે? ટ્વિન સિસ્ટર? માય ગૉડ!’

અનસૂયા રીનાને માથે હાથ ફેરવવા ગઈ, એણે તરછોડી નાખ્યો, `શું બન્યું, તે જાણ્યા વિના કેટલી ઉશ્કેરાઈ ગઈ?’

`સૉરી મમ્મી મારે નથી જાણવું. તમારા લોકોનો હવે શો ભરોસો કે તમે સાચું જ બોલશો અને નથિંગ બટ ધ ટ્રૂથ! તમે તો કોઈ પણ વાર્તા બનાવી કાઢશો એટલો આ રહસ્યકથામાં શું કેમ, કોણે ક્યાં એ પ્રશ્નોના જવાબ મારે નથી જોઈતા. નો ઍન્ડ નેવર. પણ મારે પક્ષે એક વાત સાંભળી લો.’

રીનાએ ટટ્ટાર થઈ બધાની સામે જોયું. એમના ચહેરા પરના કોઈ ભાવ એને સ્પર્શી ન શક્યા. દાદાજી ઘણીવાર મુઠ્ઠી વાળીને કહેતા, તું સોળની થઈ એટલે અમારી દોસ્ત. આપણે હવે એક છીએ. લો, મુઠ્ઠી ખૂલી ગઈ અને આંગળીઓ છુટ્ટી પડી ગઈ. હવેથી એનો નિર્ણય એ પોતે જ લેશે.

`મારે તમને એટલું જ કહેવાનું છે કે મારે માટે એ છોકરી આપણા ફૅમિલીની બહારની છે. હું એનો કદી સ્વીકાર નહીં કરું અને તમને કોઈ સાથે શેર પણ નહીં કરું. મારા કુટુંબમાં, જીવનમાં કોઈ ભાગ પડાવે એ મને મંજૂર નથી ઇઝ ઇટ ક્લિયર?’

એ દરેક શબ્દ પર વજન દેતી બોલી, `આજ પછી મને કે ભગવાનને છેતરશો નહીં પ્લીઝ. દાદાજી, તમે તો આખો દિવસ કૌટુંબિક સંસ્કારની ધજા ફરકાવો છો તો તમે જ લોકો મને ખોટું બોલવાના સંસ્કાર આપી રહ્યા છો, એમ માનું ને? અને હા, આજ પછી આમ બૅગ ભરીને સામાન લઈને જવાનું નથી. આજથી એ ચેપ્ટર પૂરું.’

વીરેન્દ્રના સ્વરમાં અસહાયતા અને લાચારી હતી.

`પણ બેન, જવું તો પડશે જ. રીવા અમારી રાહ જોતી હશે.’

રીનાએ દાંત ભીંસ્યા, આ લોકોને સમજાતું નથી હું શું કહી રહી છું!

`ના ના ના. ‘ના’નો અર્થ સમજાય છે પપ્પા? તમને લોકોને મારી પર જરા પણ પ્રેમ હોય, જોકે આઇ ડાઉટ, તો આજથી એ છોકરી સાથે કોઈ જ સંબંધ નહીં, નામ સુધાં લેવાનું નહીં, નહીં તો…’

વાક્ય અધૂરું છોડી એ બેડરૂમમાં ચાલી ગઈ, બારણું જોરથી બંધ કર્યું. નહીં તો… પછીનું અડધું વાક્ય પંખાની સાથે ઓરડામાં જોરથી ઘૂમરાતું રહ્યું. એ છોડી દીધેલા વાક્યમાં કેટકેટલા સૂચિતાર્થો હતા!

એ ગર્ભિત ઇશારાની કલ્પના માત્રથી અનસૂયા કંપી ઊઠી. સાવ સામે છેડે જઈને ઊભી રહી દીકરી! અનસૂયાનાં આંસુ ઉભરાઈ આવ્યા. બાપુજી પણ સ્વસ્થ થવા મથતા હતા.

`બધું ઠીક થઈ જશે. તમે બેય સમતા રાખજો. ઊભરતું લોહી છે એટલે ઉશ્કેરાઈ જાય બાકી સમય મોટો જાદુગર છે.’

`સૉરી બાપુજી, મને નથી લાગતું બધું ઠીક થઈ જશે. તમે જાણો છો રીના જીદ્દી છે ને આપણેય ભૂલ તો કરી જ છે ને! રીવાનું શું? એને અધવચ્ચે છોડી દઈશું?’

`ના અનુ, રીવા આપણી જ છે, કેમ છોડી દેવાય! આપણે તો બેય બાજુથી ભીંસમાં.’

`બાપુજી, આજે રીવા આપણી રાહ જોતી હશે. શું કરીશું? અને આ રીના તો લક્ષ્મણરેખાની જેમ આણ દઈને ગઈ, આવી સ્થિતિમાં જવુંય કેમ!’

ઘડિયાળ સામે જોતાં અનુએ ફંગોળી દીધેલો બ્રેસલેટ બૉક્સમાં ગોઠવ્યો.

`વીરેન્દ્ર, એક કામ કર. તારી ઑફિસના પ્રવીણને ફોન કર જલદી સ્ટેશને પહોંચે. તું સ્ટેશને જઈને બૅગ આપી આવ, સંદેશોય મોકલજે કે કામ હતું એટલે તમે લોકો નથી જઈ શક્યા. જલદી ફોન કર પ્રવીણને.’

`પણ આજના એક દિવસની વાત થોડી છે? કોઈ રસ્તો તો કાઢવો પડશે ને!’

`થશે બધું. પહેલાં આજનો દિવસ તો સાચવી લે. રીનાનો ઊભરો શમી જશે, શાંત થશે એટલે હું સમજાવીશ.’

`બાપુજી તમારા ભરોસે અમે તો પગલું ભર્યું હતું.’

`હવે ભગવાન પર ભરોસો રાખ. શ્રીનાથજીએ પણ આમાં ભાગ ભજવ્યો છે એટલે એમણે પણ બચાવપક્ષના વકીલ થવું પડશે. વીરેન્દ્ર! જલદી પ્રવીણને ફોન કર!’

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. વાર્તાની શરૂઆત ખૂબ સરસ આગળ આગળ વાંચવાની મજા પડશે

  2. બીજા ભાગ માટેની ઉત્કંઠા જાગી છે વર્ષાબહેન.

  3. વાહ..પ્રથમ ભાગ રસપ્રદ! વર્ષાબહેનની પ્રવાહી શૈલી વાચકને જકડી રાખે.