શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૧૨ (અંતિમ પ્રકરણ) ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન

પ્રકરણ: ૧૨ (અંતિમ પ્રકરણ)

સોહાર પહોંચીને શમાએ થોડું સૂવાનો પ્રયત્ન કર્યો. પણ આંખમાંના આંસુ ઠાલવીને એણે પાંપણો ઉપર પથ્થર મૂકી દીધા હતા અને એ પથ્થરનો ભાર એની પાંપણને બંધ થવા દેતો ન હતો.

જે પરિસ્થિતિ આવી પડી હતી એનાથી ભાગવું તો ન હતું. એકવારના શમણાં તૂટી ગયા તો શું થયું? આંખ ખૂલી ગઈ હતી. હવે ખુલ્લી આંખે જે સપનાં જોવાશે એ વધારે વાસ્તવિક હશે. એ સૂકાઈ ગયેલું વૃક્ષ નહીં બને, એના જીવનને કંઇક નવા જળના છંટકાવથી લીલુંછમ રાખશે.

સાંજ થવા આવી એટલે શમા એમના ફાર્મ ઉપર ગઈ. થોડે દૂર કંઇક કામ કરતો હારુન એને જોઇને નજીક આવ્યો.

શમા નેટમાં બાંધેલા ખજૂરના ઝુમખાઓ તરફ જોઈ રહી હતી.

‘શું જુઓ છો મેડમ?’

‘આ ખજૂર તો હવે પાકી ગઈ લાગે છે, હવે શું કરવાનું?’

એના મેડમ પાછા બરાબર થઇ ગયા છે એવું જોઇને હારુન ખુશ થયો. એણે ઉત્સાહથી બધું સમજાવવા માંડ્યું –‘હવે બસ આવતા સપ્તાહે ત્યાં ઉપર માંચડા જેવું બાંધવાનું. માણસો ઉપર ચડી, એ માંચડા ઉપર ઊભા રહીને આ ખજૂરના ઝૂમખાં જોરજોરથી હલાવીને ખંખેરશે. એટલે ખજૂર નેટમાં આવી જશે. નાના ઝૂમખાં હોય તો સીધા જ કાપીને નેટના થેલામાં મૂકી દેવાના. ઘણી જગ્યાએ ઝાડ બહુ ઊંચા થઇ ગયા હોય તો નાની ક્રેન મંગાવીને આ કામ કરવું પડે.’

‘પાકી ગયેલી ખજૂર ખંખેરવાથી જ ખરી પડે? વાહ! પછી?’ શમા પણ એટલાં જ રસથી સાંભળી રહી હતી.

‘પછી એ થેલા નીચે લાવીને થોડી કાચી રહી ગયેલી, બરાબર પાકેલી, બહુ પાકી ગયેલી, એવી રીતે ખજૂરને અલગ કરીને જુદા જુદા પ્લાસ્ટિક ક્રેટમાં ભરીને મસ્કત મોકલી આપવાની. ત્યાં એને વેચવાનું કામ ત્યાંના માણસો કરે.’

‘હમમમ.’ શમાના મગજમાં કંઇક વિચારો ચાલી રહ્યાં હતાં એ એની મોટી મોટી તપખીરી આંખોમાં દેખાતું હતું.

‘હારુન, બહુ પાકી ગયેલી ખજૂરને શું કરો?’

‘એવી તો વેચવામાં કામ ના લાગે. માર્કેટ જતા સુધીમાં તો એ ખરાબ થઇ જાય. એટલે ફેંકી દેવી પડે.’

શમા કંઈ બોલ્યા વિના હવામાં તાકતી બેસી રહી. પછી એની શુક્ર્તારા જેવી ચમકતી આંખોને એણે હારુન તરફ ફેરવી અને પૂછ્યું, ‘હારૂન, તારા સા’બને આ ખજૂર બહુ ગમે છે, નહીં?’

‘હા મેડમ. એટલે ગમે તેટલા કામમાં હોય કે ગમે ત્યાં ગયા હોય, આવતા સપ્તાહે અરબાબ અહીં આવશે જ.’

‘મને પણ આ ખજૂર હવે બહુ ગમે છે,’ શમા હસીને બોલી અને એકદમ ઊભી થઈને એના વિલા તરફ ચાલવા લાગી. એની ચાલમાં એક નવી જ સ્ફૂર્તિ હતી. હારૂનને આજની મેડમ કંઈ અલગ જ લાગી. એમના હાસ્ય પાછળ શું રહસ્ય હતું? કંઇક તો એમના મનમાં ચાલી રહ્યું હતું.

વિલા પાસે આવીને શમાએ જોયું કે પેલું સૂકાઈ ગયેલું વૃક્ષ ત્યાંથી ઊઠાવાઈ ગયું હતું. થોડા સમય પહેલાં આકાશમાં દેખાતા સોનેરી અને નારંગી રંગના પટ્ટાઓ અદ્રશ્ય થઇ ગયા હતા. ખુરશીદ [સૂર્ય] એની પ્રિયતમા ધરતીની સોડમાં લપાઈ ગયો હતો અને અંધારું વિજય હાસ્ય કરી રહ્યું હતું.

શમા ઘરમાં દાખલ થઇ. રૂમની ખુલ્લી બારીમાંથી પ્રવેશી ગયેલા અંધકારે ઘરમાં પણ એનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું.

શમા થોડી વાર બારીમાં ઊભી રહીને અંધારામાં ક્યાંક ક્યાંક ચમકતા આગિયાઓની પકડાપકડીની રમતને જોતી રહી. કોઈ અંધારું સંપૂર્ણ કાળું ન હોઈ શકે. એણે આકાશ તરફ જોયું. મેહતાબ [ચંદ્ર] સુંદર સ્મિત કરી રહ્યો હતો અને એની બરાબર મધ્યમાં, થોડેક ઉપર, એક નાનો તારો પણ ચમક ચમક થતો હતો. આકાશના એટલા ભાગને તો એમણે અજવાળી દીધો હતો.

અલ્લાહ એને શું કહેવા માંગતા હતા? આ તો સાચ્ચે શગુન થઇ રહ્યાં હતા. શમાએ અંધકારને કહ્યું, ‘તારું હસવાનું બંધ કર. થોડાક સમય પછી ધીરે ધીરે અહીં આ મેહતાબનું સામ્રાજ્ય આવી જવાનું છે. પછી આસમાન અને જમીન, બધે જ ઉજાલા ઉજાલા.’

એ અંધારા સામે થૂંકી, બારી બંધ કરી અને રૂમમાં લટકતા સાત બલ્બવાળા ઝુમ્મરની લાઈટો ચાલુ કરી. આખો રૂમ ઝળહળ થઇ ઊઠ્યો.

શમાને ખાત્રી હતી કે જો હારુન એમ કહેતો હોય કે હવે સાહેબ આવશે જ તો એનો અર્થ એ કે ખાલીદ અત્યારે મસ્કતમાં જ હશે.

બીજે દિવસે સવારે શમાએ ખાલીદને જેમ પહેલાં કરતી હતી એવી જ રીતે ફોન કર્યો, ‘જાનુ, આપકી ખજૂર એકદમ પક ગઈ હૈ ઔર આપકા ઇન્તઝાર કર રહી હૈ’. એના અવાજમાં પાકેલી ખજૂરની મીઠાશ ભળેલી હતી.

સામે છેડેથી ખાલીદ થોડી પળો સુધી કંઈ બોલી ન શક્યો. એને લાગ્યું કે શમાને દુબઈ મોકલવાનો એનો નિર્ણય બરાબર જ હતો.

આમ તો એના ગર્ભપાત પછી આટલું જલ્દી બધી ઠીક થઇ જશે એવી એની ધારણા ન હતી. હકીકતમાં એને શમા ગર્ભવતી હોવાના સમાચારથી ખાસ ખુશી ન હતી થઇ એવી જ રીતે એના ગર્ભપાતથી એને કંઈ દુઃખ ન હતું થયું.

શમા પણ જો બાળકમાં લાગી જાય તો એ એને ખાસ જે કામ માટે લાવ્યો હતો એ તો ના જ થઇ શકે. બાળકો તો એને એની ઓમાની બીબીથી મળવાનાં જ હતાં. શમાએ તો સોહારમાં રહીને ખજૂરનું કામ જોવાનું હતું અને એ સોહાર જાય ત્યારે એનું મન બહેલાવવાનું હતું. તો પણ એણે કહેવા ખાતર કહ્યું, ‘આપકી ખાલા કૈસી હૈ? તુમ ઠીક હો ના? અપના ખયાલ રખના. બચ્ચા તો ઇન્શાલ્લાહ, ખુદા દૂસરા દે દેગા.’

‘મા લીશ હબીબી મા લીશ.’ [કંઈ વાંધો નહી મારા પ્રિયતમ] શમા જાણતી હતી કે પોતે અરેબીક ભાષા જલ્દી શીખી જાય એવી ખાલીદની ઈચ્છા હતી અને એણે આટલા વખતમાં બહાર બગીચામાં કામ કરતાં થોડા ઓમાની માણસોને સાંભળીને થોડા રોજબરોજની ભાષાના શબ્દો પકડી લીધા હતા.

‘બસ, આપ મુઝે યે બતાઈયે કિ આપ યહાં કબ આ રહે હૈ, હમ બિલકુલ તૈયાર હૈ’. વાક્ય પૂરું કર્યાં પછી એણે પાયલના ઝંકાર જેવું એક હાસ્ય ફોનમાં ફેંક્યું. ખાલીદની નબળી નસ એણે પકડી લીધી હતી.

ખાલીદને ઈચ્છા થઇ ગઈ કે એ એ જ વખતે ઊડીને સોહાર પહોંચી જાય. પણ ત્યારે એ શક્ય ન હતું.

‘માશાલ્લાહ, તુમ્હારી આવાઝ સુનકે મેં તો અભી સે મગનુંન [દીવાનો] હો ગયા હૂં. આતા હૂં, બસ દો દિનમેં.’

‘યલ્લા હબીબી’ [આવી જાઓ વહાલા] કહીને શમાએ ફોન મૂકી દીધો અને હારુનને ફોન કરીને મળવા બોલાવ્યો.  હારૂન દસ મિનિટ પછી ત્યાં હાજર હતો.

હારૂન, મને માલૂમ છે કે હું જયારે બીમાર હતી ત્યારે તું રોજ મને જોવા આવતો હતો. જયારે હું હસતી હોઉં ત્યારે પણ મારી અંદર છૂપાયેલા દુઃખને મેં તારી આંખોમાં વાંચ્યું છે.

મને અહીંથી ભાગીને  અમદાવાદ ચાલી જવાનો વિચાર આવ્યો હતો. પણ તેં મને કહ્યું કે તું મને જોખમ લઈને નહીં જવા દે. જો કે મારે જવું હોય તો હું ગમે તેટલું જોખમ લઈને પણ જતી જ રહું હારુન, પણ હું એવું નહીં કરું. તને મારી દરકાર છે અને મને તારી એ દરકારની દરકાર છે.’

શમા શું કહેવા માંગે છે એ હારુનની સમજમાં આવતું ન હતું. પણ આટલી નાની, માસુમ લાગતી છોકરી અત્યારે કેટલી મોટી વાતો કરી રહી છે એની એને નવાઈ લાગતી હતી.

‘અમદાવાદ પાછા જઈને મારે મારા પરિવારને કોઈ તકલીફમાં નથી મૂકવો. એટલે મારે પાછા નથી જઉં. એકવાર તો મરી જવાનો પણ વિચાર આવ્યો હતો. પણ પછી મેં મારી જાતને યાદ કરાવ્યું કે હું  શમા છું. હું રોશની પણ આપી શકું અને બધું જલાવી પણ શકું.’ અત્યારે શમાની આંખોમાં સળગતી શમાની રોશની હતી.

હારૂન શમાના આ સ્વરૂપને પહેલી વાર જોઈ રહ્યો હતો. પણ આ બધું કહીને મેડમ કરવા શું માંગતા હતા?

એણે બહુ વાર રાહ ના જોવી પડી. આટલી પૂર્વભૂમિકા પછી શમાએ સીધું જ કહ્યું,

‘હારુન, જો, મારે મારા ઘેર જે સહારો છે એમનો સહારો બનવાનું છે. હું એમના દુ:ખની વજહ બનવા નથી માગતી. મારા તૂટેલા દિલવાળા અબ્બાને મારે કંઈ જણાવવું નથી. મારા અબ્બા માને છે કે એમણે  એમની આ રાજકુમારીને એક મહેલમાં રહેવા મોકલી છે. એમના એ વિચારને હું ખંડેર નહીં થવા દઉં. પણ એને માટે મને તારી જરૂર છે. હવે તો મારે અહીં તું જ સહારો છે. હું તારો વિશ્વાસ કરી શકું?’

હારુનની આંખોમાં એનો જવાબ હતો.

‘હારૂન, તારા અરબાબે એમના પૈસાના જોરે મને છેતરી છે, મને અહીં એવી મજબૂર બનાવી દીધી છે જેવી હું ક્યારેય ન હતી. પણ હું આવી મજબૂર રહીશ નહીં. મારી અમ્મી હૈદરાબાદથી આવી હતી, એની ઉપર નાનપણથી બહુ બંધનો હતાં. એટલે પહેલાં પહેલાં ક્યારેક એ અબ્બાને કહેતી કે “તુમ્હારી લડકિયોંકો ઇતના સર પે મત ચઢાઓ.”

ત્યારે અબ્બા એને સમજાવતા કે “તને ખબર છે સ્ત્રીઓને જાહેર નમાજનો હક સહુથી પહેલાં અમદાવાદની મસ્જીદમાં મળ્યો હતો? આ વાતની સાક્ષી મસ્જીદમાં આવેલ મુલક્ખાનું પૂરે છે. મુગલ સમ્રાટ જહાંગીરે અમદાવાદમાં ટંકશાળ શરુ કરી હતી એની મુખ્ય અધિકારી નૂરજહાં હતી. એણે પોતાના નામના સિક્કા છપાવ્યા હતા. કોઈ સ્ત્રીના નામના પહેલીવારના સિક્કા અમદાવાદમાં છપાયા હતા. અમદાવાદે, ગુજરાતે, આપણી મજહબની સ્ત્રીઓને ઈજ્જત આપી છે. મારી છોકરીઓ અહીંની છે પરવીન.”

હારૂન મટકું ય માર્યા વિના શમાની વાતો સાંભળી રહ્યો હતો. પણ એના મેડમને શું કરવું છે એ હજુ એને સમજાતું ન હતું.

‘મારે તારા અરબાબ પાસેથી એમની ગમતી ખજૂર છીનવી લેવી છે. તું મને મદદ કરીશ?’

‘મેડમ!’

‘હા હારૂન, મને અહીંના કાયદા કાનૂન સમજાવીશ? પછી જે કરવાનું છે એ હું કરી લઈશ. એ મરદ છે તો હું એને બતાવીશ કે ઔરત શું હોય છે.’

હારુન શમાથી જાણે સંમોહિત થઇ ગયો હતો. એણે ધીમા પણ મક્કમ અવાજમાં કહ્યું, ‘મેડમ, એમ કરીને મને જે રોટી આપે છે એની પીઠમાં ઘા મારીને હું અલ્લાહનો ગુનેહગાર થઈશ. શાયદ હું આવું ના કરત, પણ કાલે જ મને ખબર મળ્યા છે કે સા’બની ઓમાની બીબી તો હવે એના નાના શાહજાદામાં ગુલતાન થઇ ગઈ છે. એટલે હવે એ એક ઔર શાદી કરવા પાકિસ્તાન જવાના છે. જે ઔરતનો ગુનેહગાર છે એ અલ્લાહનો ગુનેહગાર છે.’

એણે ત્યાંના પાવર ઓફ એટર્નીના, ત્યાંની કોર્ટના, શરિયતના, કાયદા શમાને સમજાવ્યા.

બે દિવસ પછી ખાલીદ આવ્યો ત્યારે શમા સોળે શણગાર સજીને બેઠી હતી. પેલે દિવસે નીચે ફેંકી દીધેલો હાર એણે ખાસ યાદ કરીને પહેર્યો હતો. એ આવ્યો ને તરત જ ભીનું વાદળ જેમ ઊંચા વૃક્ષને આલીંગે એમ એ ખાલીદને વળગી પડી.

ગાજવીજ સાથે તડામાર વરસતા પહેલા અષાઢી વરસાદની જેમ એ દિવસે એ ખાલીદ ઉપર વરસી. ખાલીદ આખેઆખો તરબોળ થઇ ગયો.

એ પછીની મોરપીંછ જેવી સુંવાળી સુંવાળી પળોમાં શમા ખાલીદના કાન પાસે પોતાના હોઠ લઇ જઈને બોલી, ‘આપ ઇતને દિનોં તક યહાં નહીં આતે મુઝે બિલકુલ અચ્છા નહીં લગતા. આપ જલ્દી જલ્દી આયા કીજીયે. આપ યહીં પે નહીં રહ સકતે?’

ખાલીદ અડધો બેઠો થઇ ગયો. એ તો કેવી રીતે બને? પેલી પાકિસ્તાની કળીનો ફોટો જોયો ત્યારથી એ એને મસ્કત લઇ આવવા બેચેન હતો.

‘’નહીં, જાનેમન, તુમ સમજા કરો. વહાં હમારા બહોત બડા કામકાજ હૈ.’

શમા હવે ઊભી થઈને એક પ્લેટમાં ખજૂર લઈને આવી. એક ખજૂર એણે ખાલીદના મોંમાં મૂકી અને એની સામે જોઈ રહી.

‘અરે, યે તો બહોત અચ્છી હૈ! અંદર બાદામ રખી હૈ?’

‘હાં, ઔર ઇસમેં અખરોટ. અચ્છી હૈ ના! મુઝે ભી યહાં ખજૂરકા કામકાજ બઢાના હૈ. હમ ઐસી ખજૂર છોટે પેકેટમાં બેચ સકતે હૈ. પરદેશ ભી ભેજ સકતે હૈ. ’

શમાએ ખાલીદને એ પણ સમજાવ્યું કે વધારે પાકી ગયેલી ખજૂર ફેંકી દેવાને બદલે એ લોકો એનો પલ્પ બનાવીને બોટલમાં પેક કરીને વેચી શકે. એને ખબર હતી કે ભારતના લોકો ખજૂરનો ચટણી બનાવવામાં બહુ ઉપયોગ કરતા હતા અને આ દેશમાં તો કેટલા બધા ઇન્ડિયન હતાં!’

‘બહોત ઇજાફા [નફો] હોગા.’

ખાલીદ આ હિન્દુસ્તાની છોકરીની બુદ્ધિ ઉપર આફરીન થઇ ગયો. એની પસંદગી કરવા માટે એણે પોતાની જાતને પણ ‘મબરૂક’ કહ્યું.

‘અરે મેરી મહેઝ્બીન, તુમ કરો, યે સબ કરો. તુમકો જો કરના હૈ વો કરો.’ ખાલીદે શમાના ચહેરા ઉપર ચુંબનો ચોડતા કહ્યું.

‘હાં, મુઝે ભી મેરે ખાવિન્દકા બીઝનેસ બઢાના હૈ લેકિન ઇસમેં એક રુકાવટ હૈ.’ શમા થોડું દૂર ખસીને મોં ફુલાવીને બોલી.

ખાલીદે ધાર્યું હતું કે એ ફરીથી પોતાને ત્યાં રોકાઈ જવા માટે કહેશે. એને બદલે શમાએ તો એક બીઝનેસ કરતી સ્ત્રીની જેમ બીજી જ સમસ્યાની વાત કરી.

આપ ઇતને દિનોંકે બાદ આતે હૈ તો યહાં આદમીઓંકા વેતન ટાઈમસે નહીં હોતા, ફિર ઉનકો ઇતના જ્યાદા કામ કરનેકા કૈસે કહેં?’

ખાલીદ કંઈ બોલ્યો નહીં એટલે એની દાઢી ઉપર પોતાની મુલાયમ આંગળીઓ ફેરવતાં ફેરવતાં શમાએ જ એને સુઝાડ્યું કે એ જો એને ત્યાંનોપાવર ઓફ એટર્ની અને પૈસાનો બધો વહીવટ સોંપી દે તો શમા એનો કારોબાર ખૂબ વધારી શકે. પછી ખાલીદ અહીં ગમે તેટલા સમય પછી આવે તો પણ વાંધો નહીં.

ખાલીદની આંખો સામે પેલી પાકિસ્તાની નાઝનીનનો ફોટો રમતો હતો. અહીં આવે ત્યારે શમા તો છે જ ને?

આ ગરીબાઈમાં ઊછરેલી છોકરીને તો બે ચાર ગહના લાવી આપશે એટલે એ ખુશ! હવે એ અમીરીની જંજીરોમાં બંધાઈ ગઈ, ભારત પાછી ન જ જાય. એને જવું જ હોત તો એણે ડ્રાઈવર પાસેથી એનો પાસપોર્ટ લેવાનો પ્રયત્ન તો કર્યો હોત ને? એણે ડ્રાઈવરને આડકતરી રીતે એ અંગે પૂછી લીધું હતું. એટલે હવે આની ઉપર અવિશ્વાસ કરવાનું કોઈ જ કારણ ન હતું.

શમાની વાત પાકેલી ખજૂરની જેમ ખાલીદના ગળે ઊતરી ગઈ.

આઠ દિવસ પછી એક સાંજે એનો ડ્રાઈવર આવીને શમાને કોર્ટના બધા કાગળિયાં આપી ગયો. શમા હવે એની સોહારની મિલકતની માલકિન હતી – અરબાબ.

ખાલીદને બહુ પ્રિય એ ખજૂરનું ફાર્મ હવે એનું હતું. હવે એ ખરેખરી રાણી થઈને ત્યાં રાજ કરશે. એને કોઈ ક્યારેય કશા માટે મજબૂર નહીં કરી શકે. એનો શૌહર એની પાસે પૈસા માગશે.

ખાલીદ સાથે એના નિકાહ થયા હતા, એ એનો બીઝનેસ વધારશે, એને પ્રેમ કરશે, એને વફાદાર રહેશે, પણ એની ગુલામ થઈને નહીં, માલકિન થઈને. ખાલીદ એનો શૌહર અને એ ખાલીદની સરતાજ. એની જિંદગીની માલકિન પણ એ પોતે જ રહેશે.

ડ્રાઈવર ગયો પછી શમાએ હારુનને ફોન કર્યો, ‘હારુન, કામ થઇ ગયું છે. મરિયમ સેવૈયા બનાવી રહી છે. આવી જા. ઉજવણી કરીશું.’

ફોન નીચે મુકીને શમાએ ખુદાની રહેમ માટે એની બંદગી કરી. બહાર મગરીબની નમાજ માટે આઝાન થઇ અને દુપટ્ટો માથા ઉપર ઓઢીને શમાએ નમાજ પઢવાની ચાલુ કરી.
******
વાતને થોડાક વર્ષો વીતી ગયાં છે.

પોતાની આવડત, કુદરતી કુનેહ અને હારુનના માર્ગદર્શનથી શમાનો ખજૂરનો કારોબાર કરોડોની કમાણી કરી રહ્યો છે. એક નવી ઉદ્યોગસાહસિક તરીકે શમાનું નામ ચોતરફ ગાજતું થઇ ગયું છે.

શરૂઆતમાં ખાલીદને એની પાસે હાથ લાંબો કરવો ગમતો ન હતો, પણ એના ધંધાનો જે રીતે વિકાસ થયો એ જોઇને એણે પણ આ ભારતીય પત્નીની સામે માનસિક શરણાગતિ સ્વીકારી લીધી છે.

ખજૂરનો કારોબાર સંભાળવા ઉપરાંત શમાનું એક બીજું કામ પણ છે. એણે ચાલુ કરેલી shamaforroshani.com નામની વેબસાઈટ દુનિયાભરની લગ્નમાં પતિ કે સાસરિયા ધ્વારા છેતરાયેલી સ્ત્રીઓને માર્ગદર્શન આપે છે, જરૂર હોય તો આર્થિક સહાય કરીને પોતાના પગભર થવામાં મદદ કરે છે.

શમાને સમજાઈ ગયું છે કે આવી છેતરપીંડી માત્ર કોઈ એક દેશની કે એક ધર્મની સ્ત્રીઓ સાથે જ થાય છે એવું નથી. આ સમસ્યા વિશ્વવ્યાપી છે અને કોઈ પણ ધર્મની, ભણેલી કે અભણ, કોઈ પણ દેશની સ્ત્રી સાથે થઇ શકે છે. શમાની વેબસાઇટ અંધારામાં અટવાયેલી સ્ત્રીઓને રોશની બતાવવાનું ઉમદા કાર્ય કરી રહી છે.

(લઘુનવલ સંપૂર્ણ)       

સર્જકીય કેફિયત 

‘મૃગજળમાંથી મોતી શોધતી ‘શમા’ની કથાની કથા

ઈ.સ. ૨૦૧૮ના ડીસેમ્બર મહિનામાં ‘સ્મિતા પારેખ’ સ્પર્ધામાં મને મળેલું પારિતોષિક સ્વીકારવા માટે હું સુરત ગઈ હતી. એ કાર્યક્રમ દરમ્યાન જ ત્યાં લઘુનવલ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાં હાજર અમુક મિત્રોએ મને આગ્રહપૂર્વક એ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી. ઘણું બધું નવું શીખવા માટે ‘ઘટમાં ઘોડા થનગનતા’ તો હતા જ અને પ્રોત્સાહનની પાંખો વીંઝાઇ, એટલે મેં એ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કરી લીધું.

‘શમા’નો વિષય કેવી રીતે મળ્યો એ જણાવવું ગમશે. મસ્કત ખાતે જિંદગીના ત્રીસ વર્ષ વિતાવ્યા હતા. એ દરમ્યાન ત્યાંના ઘણા લોકલ માણસોના પરિચયમાં આવવાનું બન્યું હતું. આપણી હિન્દી સીરીયલો ત્યાં ‘ડીશ’ના માધ્યમથી ઘણી લોકપ્રિય બનેલી.

આમ પણ ત્યાં દુકાનોમાં, ઓફિસોમાં, ભારતીયોનું આધિપત્ય, એટલે ત્યાંના માણસોને હિન્દી તો આવડે જ અને એમની સાથે વાતચીત કરવામાં ભાષાનું વિઘ્ન ન નડે. એટલે ત્યાંની પરિચિત લોકલ વ્યક્તિઓ પાસેથી એમના રીવાજો, પરિવાર, વગેરે વિષે ઘણું જાણવાનું મળ્યું હતું.

એક પ્રસંગ ખાસ યાદ આવે છે – મારી પુત્રીના જન્મ વખતે હું હોસ્પિટલમાં હતી ત્યારે બાજુના જ પલંગ ઉપર એક ઓમાની સ્ત્રી હતી. એની સાથે એક કિશોરી એની તહેનાતમાં રહેતી.

મેં એને પૂછ્યું, ‘યે આપકી માં હૈ ના?’ એણે મને જે જવાબ આપ્યો એ હું ક્યારેય ભૂલી શકી નથી. એણે કહ્યું, ‘નહીં, મેરે અબ્બાકી બીબી હૈ.’

મારા મોં ઉપર આવી ગયેલા આશ્ચર્યના ભાવ જોઇને જ કદાચ એણે આગળ પણ જણાવ્યું, ‘મેરે અબ્બાકી હર એક બીબી તો મેરી માં નહીં હોતી હૈ ના?’

એ વખતે એના અવાજમાં છૂપાયેલું દર્દ મને સ્પર્શી ગયું હતું. પછી તો હોસ્પિટલના એ પાંચ દિવસ દરમ્યાન એણે મારા જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ કરી હતી. અમુક [બધા નહીં જ] આરબ પુરુષોના બહુપત્નીત્વ અંગેના વિચારોના બીજ એ વખતે જ મગજમાં નંખાઈ ગયા હતા.

એ ઉપરાંત ત્યાંની બેંકમાં કામ કરતી એક સ્ત્રી મારી પાસે અંગ્રેજી શીખવા આવતી હતી. સમય જતાં એને એટલી આત્મીયતા થઇ ગઈ હતી કે એ એના ઘરની, વરની, પરિવારની અંતરગ વાતો પણ મને કરતી.

એની વાતો ઉપરથી અમુક આરબ પુરુષોની માનસિકતા વિષે ઘણું બધું જાણવા મળ્યું હતું. રજાના દિવસે ફરવા નીકળેલા એક પુરુષની પાછળ ચાલતી ત્રણ ચાર બુરખાધારી સ્ત્રીઓના દ્રશ્યો તો સામાન્ય હતાં.

એ જોઇને મને હંમેશા એ સ્ત્રીઓની માનસિક હાલત વિષે વિચારો આવતાં અને અનુકંપા પણ જાગતી. એ ઉપરાંત મારા પતિ હાર્દિક ત્યાં બેંકમાં હતા એટલે ઘણા ભારતીય મજૂરોના ખાતા ત્યાં હોય. એ લોકો પણ બેંકમાં આવે ત્યારે એમના અરબાબ [ઓમાની કે ભારતીય શેઠ] દ્વારા થતા શોષણ માટે હૈયું ઠાલવતા હોય. એ તો ત્યાં ૩૬ વર્ષ રહ્યા અને એટલા વર્ષો તો કોઈ ચોક્કસ સમાજને જાણવા, સમજવા માટે પૂરતાં થઇ રહે.

આવું બધું raw material મગજમાં ઘણું એકઠું થયેલું હતું. એ બધાનો ઉપયોગ કરીને લઘુનવલ લખવાનું નક્કી કર્યું કારણ કે કંઇક નવા વિષય ઉપર લખવું હતું.

પૂર્વતૈયારી પછી જે થોડો સમય મારી પાસે હતો એનો ઉપયોગ કરીને ‘શમા’ લખીને મોકલી આપી. પરિણામ જાહેર થયું એમાં વિજેતા તો ન થવાયું પણ ‘આશ્વાસન’ ઇનામનું આશ્વાસન મળ્યું.

હું એ પરિણામ ભૂલી જ જાત, પણ ત્યાં તો જાણવા મળ્યું કે નિર્ણાયક શ્રી રવીન્દ્રભાઈ પારેખને વિષય વસ્તુની દ્રષ્ટિ એ એ લઘુનવલ ગમી હતી. મેં શીખવાના ઉદ્દેશથી, ‘શમા’ ને કઈ રીતે સુધારી, મઠારી શકાય એ જાણવા માટે એમને ફોન કર્યો.

એમણે ખૂબ સરસ રીતે સમજાવતાં મને કહ્યું કે લઘુનવલ થોડી વધારે ‘લઘુ’ હતી. એમાં થોડી વિગતો ઉમેરવાની, મઠારવાની, જરૂર હતી.

એ પછી ‘શમા’ ને મેં બે વર્ષ સુધી એમ જ રહેવા દીધી, એને પરિપક્વ થવા દીધી. ખજૂરના પાક વિષે ઘણી બધી માહિતી એકત્ર કરીને એનો વિવિધ પરિમાણોમાં, અલગ અલગ રૂપકો દ્વારા ઉપયોગ કર્યો.

મસ્કતમાં અને દુબઈમાં રહેતા મુસ્લિમ મિત્રો સાથે વાત કરીને થોડી વધારે સામગ્રી એકત્ર કરી અને એને યોગ્ય રીતે આ લઘુનવલના પ્રકરણોમાં ગોઠવી. એને ભાવકો સામે મૂકતાં પહેલાં ‘શમા’નો પ્રવાહ અને ગતિ- બંને એની નાયિકા શમા જેટલા જ અને જેવા જ સહજ અને સુંદર રહે એ રીતની મહેનત કરીને એને યોગ્ય રીતે સજાવવાનો પ્રયત્ન કર્યો છે.

અંત માટે હું ખાસી અવઢવમાં હતી. નાયિકા શમા જે પરિસ્થિતિમાં છે એમાંથી એ વિવિધ કારણોસર નીકળી શકે એમ નથી. પણ એમાં જ રહીને, પરિસ્થિતિનો સ્વીકાર કરીને એમાંથી જે સહુથી સારું થઇ શકે એ એણે વિચાર્યું છે.

મારે કોઈ ચમત્કાર કરવો ન હતો કે પછી આવી પરિસ્થિતિમાં મૂકાયેલી સ્ત્રી સહજ ન લાગે એવી કોઈ બહાદુરી શમાના પાત્ર દ્વારા કરાવવી ન હતી.

બીજું, શમાનો પોતાનો તો પતિ માટેનો પ્રેમ અકબંધ છે. એ સ્નેહબંધનને સ્વીકારીને જ એણે જે થઈ શકે એ કરવાનું છે.

મેં વિચાર્યું કે નદીના પાણીને દરિયા તરફ જતું તો અટકાવી ન શકાય પણ એ સાગર સુધી પહોંચે એ પહેલાં એમાંથી નહેરો કાઢીને એના મીઠા પાણીને ઉપયોગમાં લઇ શકાય-એના જેવું કંઇક.

પતિ જે પૈસાના પાવરથી એને પરણી લાવ્યો છે એ પાવર પોતાના હાથમાં લઈને એ જિંદગી સાથે સમાધાન કરી લે છે. અંતમાં પતિની સહુથી પ્રિય, પ્રથમ પત્ની જેવી ખજૂરનો વહીવટ એ પોતાને હસ્તક કરી લે છે એ વાત ઘણું બધું કહી જાય છે.

મૃગજળમાં ફસાઈ જવાયું છે એ હકીકત છે. એમાંથી બહાર નીકળી શકાય એમ નથી એટલે એમાંથી જે કંઈ પણ મોતી મળી શકે એને શમા શોધી લે છે અને એ મોતીનો ઉપયોગ બીજી ઘવાયેલી સ્ત્રીઓના જીવનને શણગારવામાં કરે છે એટલી એની સફળતા.’ મારું જે થયું એ, પણ બીજાના જીવન હું સુધારીશ’ એમ માનતી શમાનું વ્યક્તિત્વ કોઈ સંતના જીવનકાર્યની નજીક પહોંચી જતું લાગે ને?

‘શમા’ ‘આપણું આંગણું’ના ભાવકો સુધી ન પહોંચી શકી હોત જો મારા ખૂબ આદરણીય જયશ્રીબેન મરચન્ટે એને અહીં ન લઇ આવ્યા હોત. એમણે અને શ્રી હિતેન આનંદપરાએ મારી ‘શમા’ને દેશ વિદેશના વાચકો સુધી પહોંચાડી છે. એ બંનેની ઋણી છું.

દરેક શનિવારે અને પછીના દિવસોમાં ઘણા બધા વાચકોના મારા વોટ્સએપ ઉપર સુંદર પ્રતિભાવ મળતા હતા. એ લોકો હમેશા પછીના પ્રકરણમાં “હવે શું?” એની ઉત્કંઠાથી રાહ જુએ છે એમ જણાવતા.

એક પ્રકરણ કદાચ અમુક વાચકો સુધી પહોંચ્યું ન હતું ત્યારે એ અજાણી વ્યક્તિઓએ મને ફોન કરીને એ પ્રકરણની માંગણી કરી હતી. એ બધા જ ઉત્સાહી ભાવકો અને એમના પ્રતિભાવે આપેલું પ્રોત્સાહન મને એક નવી, કોઈ અલગ જ વિષયની, નવલકથા લખવા પ્રેરશે એવી ખાતરી છે. એ સ્નેહ માટે સહુનો આભાર.

મારા પ્રશ્નોથી કંટાળ્યા વિના મને દરેક જરૂરી માહિતી પૂરી પાડનાર મારા મસ્કતના અને દુબઈના સહુ મિત્રોનું હૃદયથી અભિવાદન કરું છું.

ટૂંક સમયમાં ગુર્જર પ્રકાશન દ્વારા આ લઘુનવલને પુસ્તક સ્વરૂપ મળવાનું છે એનો આનંદ વ્યક્ત કરું છું.

~ ગિરિમા ઘારેખાન (અમદાવાદ)
~ ફોન: +91 89802 05909

આપનો પ્રતિભાવ આપો..

18 Comments

 1. ભાષાકીય અને પ્લોટની રીતે બહુજ સુંદર વાત.. શીર્ષકને સ્ સાબિત કરતો હકારાત્મક છતાં બહુ વાસ્તવિક અંત. ઘણા ઘણા ધન્યવાદ.

 2. આફરીન આફરીન ગીરીમાબેન…એક બેઠકે આ લઘુ નવલ પૂરી કરી . નવો પરિપ્રેક્ષ્ય, વિષય અને આલેખન ની તાજગી, research based facts, વચ્ચે વચ્ચે અરેબિક સંવાદો થી આવતી authenticity.. ક્યા કહેને.. પ્રભુ તમારી કલમ ને આવી ને આવી સમર્થ રાખે🙏

 3. ગિરિમાબહેન,
  અભિનંદન!!! તમારી લઘુનવલકથાની ‘શમા’ છેલ્લા પ્રક્રરણ સુધી મનમાં છવાયેલી રહી. મારી કુતૂહલતા સાથે તાલ મેળવતી રહી. શમાના નિર્ણયાત્મક વ્યક્તિત્વને તમે સહજ અને સરસ રીતે પાંગર્યું. શમાની ત્વરિત પ્રગતિની જેમ જ લઘુનવલિકા એકદમ પૂરી થઇ ગયી. માત્રા મજમુંદાર

  1. આભાર માત્રા બેન. તમને ‘ શમા’ ગમી એનો આનંદ છે.

  1. ખૂબ આભારી છું, રાજુલ બેન. તમે હમેશા નવી ઊર્જા આપો છો.

 4. ગિરિમાબેન આપની લઘુનવલ ખુબજ રસપર્દ રહી. બીજી ક્યારે મળશે ઐની આતુરતા રહેશે. ભાસ્કર દેસાઇ.

 5. સરસ લઘુનવલ.સર્જકની કેફિયત પણ રસપ્રદ છે. ગિરિમાબેનની સાહિત્ય યાત્રા માટે અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ.

 6. સરસ લઘુ નવલ. ઝડપથી પૂરી થઈ ગઈ એવું લાગ્યું. કેમ બની એ પ્રક્રિયા વાંચવાની મજા આવી. ફરી વાર, નવું લઇ આવશો તેવી લાગણી.

  1. આભાર દિનેશભાઈ. આપની શુભકામનાઓ સાથે જરૂર અલગ, નવું , લખાશે. દરેક પ્રકરણ પછી આવતી આપની comments વાંચવી ગમતી હતી.