ટોકનની ગન ~ કટાર: બિલોરી (૧૬) ~ ભાવેશ ભટ્ટ
આમ તો મુખ્યત્વે ‘ટોકન’ શબ્દ જમીન, મકાન, ઓફિસ કે અન્ય પ્રોપર્ટીના ડીલિંગમાં વપરાતો શબ્દ છે.. કે બીજી કોઈ નાની મોટી બાબતોમાં ક્યાંક ક્યાંક વપરાતો હશે.
પણ છેલ્લા કેટલાક વરસોથી આ ‘ટોકને’ કળાની દુનિયામાં એક બીમારીની જેમ પોતાનો પગપેસારો કર્યો છે. કવિ, લેખક, ગાયકો અને કલાકારોની આ દુનિયામાં ‘ટોકન’ શબ્દ કેન્સરના પર્યાય સમો થઈને રહી ગયો છે.
કેન્સર શરીરના કોઈ એક અંગને પોતાનો મુખ્ય શિકાર બનાવે છે. બાકીના અંગો ઉપર મોડી ને ઓછી અસર જોવા મળે છે. એ રીતે આ કેન્સરે કળાના શરીરમાં રહેલા ‘કવિ’ નામના અંગને પોતાનો મુખ્ય શિકાર બનાવ્યો છે. એટલે કેન્સરથી આ ‘કવિ’ નામનું અંગ બિચારું સૌથી વધુ પીડા પામનારું કહી શકાય.
આપણે ત્યાં નવરાત્રી, નાટક, ગીત સંગીતના કે અન્ય કાર્યક્રમોમાં જવા માટે ‘ફ્રી પાસ’ની જે વૈજ્ઞાનિકોએ શોધ કરી હશે એવા જ કોઈ લોકો આ ‘ટોકન’ને કવિસંમેલન સુધી ઢસડી લાવ્યા છે.
જેની કવિતાઓ સમયનું દર્પણ કહેવામાં આવે છે એ કવિઓને જ સમયની માંગ મુજબ કાર્યક્રમનું યોગ્ય વળતર ન મળે એ અયોગ્યતા આજની હકીકત છે.
અન્ય કલાના કાર્યક્રમોના કલાકારોની સરખામણીમાં કવિઓનો પુરસ્કાર ઓછો હોય છે. આજે પણ મોટાભાગના કવિઓ મુશાયરાના પુરસ્કાર બાબતે આયોજકો સાથે સહજ રીતે કે ખૂલીને નથી બોલી શકતા. ક્યાંક મનમાં પુરસ્કાર નહીં પણ ઉધાર પૈસા લેવાની વાતમાં હોય એવો સંકોચ ભાવ રહે છે.
કૈંક લોકો કે આયોજકો મુશયરાના તારીખ, સમય, સ્થળની વાત કરીને ફોન મૂકી દેતા હોય છે. જો કવિ વચ્ચે કાપીને સામેથી પુરસ્કાર પૂછે તો એક હળવો અણગમો પચાવીને ‘બજેટ નથી, કૈંક ટોકન આપી દઈશું’ની જંગી સહાય જાહેર કરે છે.
આ લોકોની ટોકનની વ્યાખ્યા ઉપર તો ડૉક્ટર્સને રિસર્ચ કરી શકવાની શક્યતાઓ રહેલી છે. કેમ કે એમના ટોકન હંમેશા આંચકાજનક અને હાર્ટ એટેકને નિમંત્રણ આપનાર હોય છે. નોર્મલી ટોકન એટલે 501 કે 151 કે છેવટે 101 જેવુ કૈંક હોવાની માન્યતા રાખતાં હો તો આ લોકો તમને સદંતર ખોટા પાડી શકવાની ક્ષમતા ધરાવે છે. કેમ કે કળાપ્રેમીનો વેશ ધરતા આવા આયોજકો ટોકનની બાબતમાં ક્યારેક કરન્સીલેસ પણ થઈ જતા હોય છે. આ લોકો તો નોટપેડ, કંપાસ, વોટરબેગ, કિચૅઇન, પેપરવેઈટને પણ ટોકનની નજરથી જોતા હોય છે.
ક્યાંક વધારે ઉદાર થઈ ને લંચ અને ડીનરને પણ ટોકનમાં ગણી લે છે. કૈંક તો એવા જાજરમાન આયોજનો હોય કે જેમના ડ્રાઈવર કે નોકરની કુલ આવક આમંત્રિત કવિની કુલ આવક કરતા વધારે હોય, અને એ જ નિમંત્રક પુરસ્કારમાં ટોકન સ્વરૂપે બુકે ને શાલથી કામ પતાવી દેતા હોય છે.
લોહી બાળીને લખાયેલી કવિતાઓને પુરસ્કારરૂપે સન્માનવામાં જીવ કેમ બાળવામાં આવે છે તે સમજાતું નથી! શું એ રીતે એની ભરપાઈ કરવા માગે છે?
કોઈ તો નિખાલસતાથી ક્યારેક કવિને એમ કહેતા હોય છે કે ‘કોઈ કાર્યક્રમ નથી પણ અમારા ઘરે 30-40 મિત્રો ભેગા થવાના છીએ, તો તમે પણ આવી અને કાવ્યપઠન કરજો, ત્યાં તમને ભાવકો પણ મળશે, પછી સાથે જમીને છુટા પડીશું.
ક્યાંક તો પાછા સ્વરચિત અને સ્વમાનિત કવિતા સંભળાવવા માટે કોઈ પ્રસિદ્ધ કવિની હાજરીનો ભોગ લેવામાં આવતો હોય છે. જેમાં પોતાને પણ ભેગી ભેગી સ્વીકૃતિ મળી જાય એવા પેંતરાંઓ રચવામાં આવતા હોય છે. ત્યારે બિચારા કવિને બે બાજુનો મૂઢમાર પડતો હોય છે. એક તો મફત કવિતા વાંચવાનો અને પેલા સ્વઘોષિત કવિને સાંભળવાનો.
એક કવિને એના કાવ્યપઠનના પુરસ્કારને બદલે આજે પણ ભાવક અને ભોજનની લાલચ આપતા આ લોકો ખચકાતા નથી. એટલે આ ‘પાસ કલ્ચર’ના સંસ્થાપકો કે એમના વારસદારો કવિઓને આ રીતે આડે હાથે લેતા હોય છે.
આ વિષયમાં થોડી તપાસ કરતા એવી ખબર પડી છે કે તમામ ઇવેન્ટ્સ માટે પાસ એરેન્જ કરતા આ લોકોએ એક જગ્યા બાકી રાખી છે જ્યાં તેઓ કોઈ પાસ કે ટોકનની પેરવી નથી કરતા હોતા. એ છે મલ્ટીપ્લેક્સ સિનેમા હાઉસ.
અહીંયા ટીકીટ સિવાય અંદર જવાની આમની કોઈ તજવીજ હજી સુધી કારગત નથી નીવડી. એ દિશામાં હજી પ્રયત્નો ચાલુ છે કે એમણે હથિયાર હેઠા મૂકી દીધા છે એ પણ જાણવા નથી મળ્યું. એટલે આ લોકોના અથાગ પરિશ્રમ અને કિસ્મત માટે તમામ કવિઓ વતી એક શેર અર્પણ કરું છું કે,
મળે છે સેંકડો જન્મોની ગોઝારી તપસ્યાથી
કવિઓને મફત બોલાવવામાં જે ચરમ સુખ છે
આ લોકોના ચરમ સુખની ઘોર ઇર્ષ્યા બાદ એક વાતનું આશ્વાસન છે કે હજી આવા આયોજકોની ભીડમાં ક્યાંક ને ક્યાંક દિલદાર શબ્દ પણ જેનાથી શરમાઈ જાય એવા સાચા અને સારા વ્યક્તિત્વ આયોજક, ભાવક અને મિત્ર સ્વરૂપે મળતા રહે છે.
એ લોકો તો કવિઓએ કવિતા લખીને જાણે એમના ઉપર ઉપકાર કર્યો હોય એમ કવિઓને દિલથી નમે છે. આવા લોકો મળે ત્યારે આ બધી ફરિયાદો, અભાવો, અસંતોષ ભુલાઈ જાય છે અને ઈશ્વરને નહીં દેખ્યાનો રંજ પણ ઓગળી જાય છે. એમના લીધે ‘કવિતાનું ભવિષ્ય પણ છે ખરું’ એવી મનમાં હાશ થાય છે.
તો આ ટોકનબાજોની દુનિયામાં ગર્વ છે કે હજુ થોડાક એવા લોકો મળે છે જે જીવવા અને કવિતા લખવા માટે મજબૂર કરે છે.. એમને આ લેખ દ્વારા સલામ…
***
એક વાતનું આશ્વાસન છે કે હજી આવા આયોજકોની ભીડમાં ક્યાંક ને ક્યાંક દિલદાર શબ્દ પણ જેનાથી શરમાઈ જાય એવા સાચા અને સારા વ્યક્તિત્વ આયોજક, ભાવક અને મિત્ર સ્વરૂપે મળતા રહે છે.✅
ટોકન જ ત્રણ મીંડા વાળુ કરી દો ને પછી જ હાજરી આપવાની ને કાર્યક્રમ પહેલા પુરસ્કાર લેવાની સીસ્ટમ બનાવી દો . ફ્રી સંદતર બંધ જ
સત્યવચન! શરમથી માથું ઝૂકી જાય એવી આ વરવી હકીકત!🙏🙏🙏