ટેકનોલૉજી અને સર્વોદય વિચારનું ભવિષ્ય ~ ટેકનોલૉજીના તાણાવાણા (૮) ~ લે. સંજય ચૌધરી
ટેકનોલૉજી અને સર્વોદય વિચારનું ભવિષ્ય
(અનેક પાસાઓને આવરતો એક વિસ્તૃત લેખ)
ટેકનોલૉજી એટલે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે કે લોકોની સેવા માટે જરૂરી કામને પૂરું કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સાધન, પ્રક્રિયા, કૌશલ્ય, કે રીત.
વર્ષ 1924માં રામચન્દ્રે ગાંધીજીને પૂછ્યું હતું કે, “આપ યંત્રમાત્રની વિરુદ્ધ છો શું?”
ત્યારે ગાંધીજીએ સ્મિત કરતાં જણાવ્યું હતું કે, ”હું કેમ હોઈ શકું ? જ્યારે હું જાણું છું કે આ શરીર પણ એક અતિશય નાજુક યંત્ર જ છે. ખુદ રેંટિયો પણ યંત્ર જ છે; નાની દાંત-ખોતરણી પણ યંત્ર છે. મારો વાંધો યંત્રો સામે નહીં, પણ યંત્રોની ઘેલછા સામે છે. આજે તો જેને શ્રમનો બચાવ કરનારાં યંત્રો કહેવામાં આવે છે તેની લોકોને ઘેલછા લાગી છે. શ્રમનો બચાવ થાય છે ખરો, પણ લાખો લોકો કામ વિનાના થઈ ભૂખે મરતા રસ્તા ઉપર ભટકે છે.”
ગાંધીજીના મતે યંત્રોનો ઉપયોગ કરીને થોડા ગણ્યાગાંઠ્યા લોકો પાસે સંપત્તિનો સંચય થાય કે ઘનના લોભથી થાય તે અયોગ્ય છે.
તેઓ અમુક વર્ગ માટે રવિશંકર મહારાજને અંબર ચરખા અંગે કોઈએ પૂછ્યું કે, “શું આ યંત્ર નથી?” તો તેના જવાબમાં મહારાજે કહ્યું હતું કે, “હા, તે યંત્ર છે પણ એના પર માણસનો કાબૂ છે.” આ વિધાન ઘણું જ અર્થસભર છે.
રસ્કિને તેમના પુસ્તક ‘અનટુ ધીસ લાસ્ટ’માં અંત્યોદયની વાત કરી અને ગાંધીજીએ અંત્યોદયથી સર્વોદય અંગેની વાત મૂકી.
આપણે જાણીએ છીએ તેમ ગાંધીજીએ ચાર મુદ્દા પર ભાર મૂક્યો – અહિંસા, બ્રહ્મચર્ય, સત્યાગ્રહ અને સર્વોદય. તેઓ જાણતા હતા કે રેંટિયો કે હાથશાળના ઉપયોગમાં સૂઝસમજ છે. તે વર્ષોમાં રેશમ અને મલમલ ભારતમાં વણાતું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અહીંનું કાપડ ઇંગ્લેન્ડ મોકલી પોલીશ કરીને મોંઘું બનાવ્યું હતું.
આજે ટેકનોલૉજી તમામ ક્ષેત્રે પ્રવર્તમાન છે. વહેલી સવારે ઉઠાડવાનું કામ ઘરનાં વડીલો કરતાં તે જ કામ આજે મોબાઈલ ફોન પર ઉપલબ્ધ એલાર્મ બહુ જ સરળતાથી કરી શકે છે. વ્યક્તિ પોતાનું કેલેન્ડર ઑન લાઇન રાખી શકે છે તેમ જ મોટા ભાગની માહિતી બલ્કે જ્ઞાન પણ અત્યંત સરળતાથી ઇન્ટરનેટની મદદથી મેળવી શકે છે.
કોવીડ મહામારી વખતે જ્યારે શાળા – કૉલેજો બંધ રહ્યાં ત્યારે તેમ જ કર્મચારીઓ પોતાની ઑફિસે ના જઈ શક્યા તે તમામ વિદ્યાર્થીઓ ડિજિટલ ટેકનોલૉજીની મદદથી પોતાનો અભ્યાસ ચાલુ રાખી શક્યા તેમ જ કર્મચારીઓ જરૂરી કામ પણ કરી શક્યા. આમ, ટેકનોલૉજી માણસના જીવનમાં સંપૂર્ણપણે વણાઈ ગઈ છે અને માણસના જીવનને ટેકનોલૉજી વિના કલ્પવી શક્ય નથી લાગતી.
વિવિધ પ્રકારની ટેકનોલૉજી અને તેનો વધતો જતો પ્રભાવ
વિવિધ પ્રકારની ટેકનોલૉજીનો અકલ્પ્ય ગતિએ વિકાસ થઈ રહ્યો છે અને આ દુનિયાના તમામ ઘટકો પર તેની વ્યાપક સકારાત્મક અસરો થઈ રહી છે તે જાણવું જરૂરી છે, જે ટૂંકમાં નીચે દર્શાવેલું છે.
રોબોટિક્સ
દુનિયામાં ઘણાં બધાં કામ એવાં છે કે જે કંટાળાજનક તેમ જ સતત પુનરાવર્તન પામતા હોય છે, જેમ કે પેઇન્ટીંગ, વેલ્ડીંગ, ઑટોમોબાઇલ મૅન્યુફેરચરીંગ તેમ જ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ ભાગોને ભેગા – સંકલન કરવાની કામગીરી, મોટા ગોડાઉનમાં માલસામાન તેમ જ ભાગોની ચકાસણી વગેરે.
કેટલાંક કામ માનવ માટે ભયજનક હોય છે જેમ કે અવકાશમાં કે સમુદ્રમાં તથા પાતાળમાં ઊંડાણમાં થતા પ્રયોગો, કેમિકલ તથા ન્યૂક્લીયર કિરણો ઉત્પન્ન થતાં હોય તેવાં સ્થળો પરની કામગીરી, યુદ્ધ દરમ્યાન તથા સરહદ બૉમ્બ કે સુરંગોને શોધી કાઢવા, ઘરતીકંપ અથવા પૂર જેવી કુદરતી આપત્તિ પછીના દૂરના સ્થળે દવા તેમ જ જીવનજરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવી વગેરે.
જ્યારે કેટલાંક કામ વધુ ચોકસાઈવાળાં હોય છે જેમ કે માનવશરીરનાં મહત્ત્વનાં અંગો પર થતી સર્જરી, ઇલેકટ્રોનિક ટેસ્ટીંગ, પ્રિસીશન મશીનીંગ વગેરે. માણસોની ઉત્પાદનક્ષમતા વધે તથા વધુ ઝડપથી ગુણવત્તાવાળાં કામો કરી શકે તે માટે યંત્રોની મદદ લેવાય છે.
ઉપર દર્શાવેલાં કામો માટે રોબોટ અત્યંત ઉપયોગી છે. રોબોટ એ એવું યંત્ર છે, જેનું પ્રૉગ્રામીંગ કરી શકાય છે એટલે કે તે સમજી શકે તેવા આદેશો આપી શકાય છે. તેની પાસે જે પ્રકારનું કામ કરાવવાનું હોય તેને અનુરૂપ પ્રોગ્રામ અગાઉથી દાખલ કરેલા હોય છે અને તેવા વિવિધ પ્રકારના કાર્યો કરી શકે છે.
રોબોટિક્સ અંગે આપણું આંગણુંમાં ત્રણ લેખ પ્રકાશિત થયેલા અને વાચકો નીચેની લિન્ક પર તે લેખો વિગતે વાંચી શકશે :
https://aapnuaangnu.com/2022/09/07/technology-na-tanavana-sanjay-chaudhary/
https://aapnuaangnu.com/2022/09/28/technology-na-tanavana-sanjay-chaudhary-2/
https://aapnuaangnu.com/2022/10/12/technology-na-tanavana-3-sanjay-chaudhary/
કૉમ્યુનિકેશન
ઑપ્ટીકલ ફાયબર કેબલ (OFC)ની મદદથી ઝડપી ટેલિકૉમ સંચારણ માટે મૂળભૂત માળખાગત સવલતો પૂરી પાડવામાં આવે છે. આપણા દેશમાં ટેલિકૉમ કંપનીઓએ ગ્રામ્ય વિસ્તારોમાં ફાયબર કેબલની મદદથી પોતપોતાનું નેટવર્ક ઊભું કર્યું છે.
બે સ્થળ વચ્ચે લગભગ ફાયબર કેબલ જેટલું ઝડપી સંચારણ, ફાયબર કેબલ વિના ઓછા ખર્ચે બ્રોડબૅન્ડ વાયરલેસ સંચારણ કેવી રીતે થઈ શકે તે માટે સંશોધનનું કાર્ય ચાલી રહ્યું છે, જેને ફ્રી સ્પેસ ઑપ્ટીક્સ (FSO) કહેવામાં આવે છે.
આના માટે સ્પેક્ટ્રલ લાયસન્સની જરૂર નહીં રહે તેમ માનવામાં આવે છે. અહીં ઊંચા મકાનના ધાબા પર યંત્રો ગોઠવવામાં આવે છે અને એક મકાનથી લગભગ બે કિ.મી. દૂર આવેલા મકાનને વાયરલેસ સંચારણમાં જોડી શકાય છે.
આવનારાં વર્ષોમાં ઑપ્ટીકલ ફાયબર કેબલ, ફિકસ્ડ લાઇન તથા વાયરલેસ સંચારણનું સંકલન કરીને વિવિધ પ્રકારનાં તેમ જ એકબીજાથી અલગ એવાં નેટવર્કને જોડીને વિશ્વની તમામ ડિવાઇસને એકબીજા સાથે જોડી શકાશે. ઇન્ટરનેટ ઑફ થીંગ્સ (IoT) પાછળનો મુખ્ય ઉદ્દેશ પણ આ જ છે.
આ ખ્યાલના આધારે ઔદ્યોગિક એકમોમાં આવેલા ભારે યંત્રો કે મશીનો પણ એકબીજા સાથે ડેટાનું સંચારણ કરી શકશે, જેને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ કહેવામાં આવે છે.
આવનારાં વર્ષોમાં વધુ ને વધુ નાના કદનાં તેમ જ ઓછાને ઓછા ખર્ચે તૈયાર થતાં ઇલેક્ટ્રોનીક એકમો બજારમાં આવતાં જશે તેમ જ ઝડપી ટેલિકૉમ સંચારણ તથા ઇન્ટરનેટ ઑફ થીંગ્સના ખ્યાલના આધારે અત્યારે કાલ્પનિક લાગતાં એવા વિવિધ વિનિયોગો પ્રચલિત થતાં જશે.
તાપમાન, ભેજ, આગ, ધુમાડા, પ્રદૂષણ વગેરેને માપવાનાં સેન્સર, સ્માર્ટ ફોન, ટ્રાફિક સિગ્નલ, પાર્કિંગની જગ્યામાં મૂકેલા કન્ટ્રોલર, લાઇટ, મકાનમાં ગરમી-વેન્ટીલેશન-એર કન્ડીશનર માટેનાં એકમો વગેરેને ઇન્ટરનેટ દ્વારા સાંકળી શકાશે. આની મદદથી વ્યક્તિ ઘર, ઑફિસ, ખેતર, કે ફેકટરીમાં ન હોય તો પણ લાઇટ, ફ્રીજ, ઓવન, એર કન્ડીશનર વગેરેનું નિયંત્રણ પોતાની મોબાઇલ ડિવાઇસ દ્વારા કરી શકશે.
કૃત્રિમ બુદ્ધિમતા (આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ – AI)
વાયરલેસ સંચારણ તથા નેટવર્કમાં કૃત્રિમ બુદ્ધિમતા દાખલ કરીને સંશોધકો કોગ્નેટીવ રેડિયોના ખ્યાલને સંવર્ધિત કરી રહ્યા છે, જેની મદદથી વાયરલેસ નેટવર્ક ઓછામાં ઓછા માનવીય હસ્તક્ષેપથી કાર્યરત રહી શકે તેમ જ નેટવર્કને વધુ કાર્યક્ષમ બનાવી શકે, દા.ત. વાયરલેસ નેટવર્કમાં કન્જેશન અથવા જામ થઈ ગયું હોય તો આપમેળે જ વૈકલ્પિક માર્ગ શોધીને તેના દ્વારા નેટવર્ક ટ્રાફિકને વાળી દેવો, સંચારણ માટે જરૂરી સ્પેકટ્રમ ઓળખી તેનો ઉપયોગ કરવો, વાયરલેસ નેટવર્કમાં ઉપયોગમાં લેવાતાં એકમોની બેટરીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો વગેરે. ભવિષ્યમાં આ તમામ આવિષ્કારોનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે વધતો જવાનો જ છે.
નાનાં કદનાં ખેતરો અને અલ્પ મૂડીરોકાણની ક્ષમતા ધરાવતા ખેડૂતો માટે પણ અનેક શક્યતાઓ રહેલી છે. જેમ કે દૂરના સ્થળે બેસીને ખેતરમાં ગયા વગર સિંચાઈનું નિયંત્રણ કરી શકાશે અથવા ડ્રોનની મદદથી ખેતરમાં જીવાત નિયંત્રણ માટે દવા છાંટી શકશે, બજારમાં ગયા વિના જ પોતાનો પાક વેચી શકશે, નજીકના દિવસોમાં આવનાર વરસાદ કે વાવાઝાડાની સચોટ માહિતી મેળવી શકશે.
નાના ફલક પર અને લેબમાં સફળ થયેલા આવા અખતરાઓને મોટા પાયે ગામડાં અને ખેતરોમાં અમલમાં મૂકવા માટે સંશોધકો, કંપનીઓ, સરકાર અને ખેડૂતોએ સાથે મળીને સંગઠિત તેમ જ મક્કમ સ્વરૂપે કામ કરવું પડશે.
બ્લોકચેઇન ટેકનોલૉજી
બ્લોકચેઇન ટેકનોલૉજીના ઉપયોગમાં ઇસ્ટોનીયા સૌથી આગળ પડતો દેશ ગણાય છે અને તેને વિશ્વનો સૌથી આધુનિક ડિજીટલ સમાજ પણ કહેવામાં આવે છે.
તેણે તેના તમામ નાગરિકોને ડિજીટલ આઈડી કાર્ડ આપ્યું છે જેની કાર્યપદ્ધતિ બલોકચેઇન આધારિત છે. આ કાર્ડની મદદથી તેના નાગરિકો દેશની 99 ટકા જાહેર સેવાઓ જેવી કે આરોગ્યનો વીમો, બેંકના એકાઉન્ટમાં લોગીન કરવામાં, મતદાન વગેરેનો ઉપયોગ ઇ-સેવા તરીકે કરે છે.
દુબઈની સરકારે 2016માં તેની બ્લોકચેઇન અંગેની સ્ટ્રેટેજી જાહેર કરી છે. વર્ષ 2020 સુધીમાં દુબઈમાં વિઝા અરજીઓ, બિલની ચુકવણીઓ, ડ્રાઈવીંગ લાઈસન્સ રીન્યુઅલ વગેરે ડિજીટલી ઉપલબ્ધ હશે અને તેનું સંચાલન બ્લોકચેઇન આધારિત હશે.
ભારતમાં નીતિ આયોગ એપોલો હોસ્પિટલ તથા ઓરેકલ કંપની સાથે મળીને બનાવટી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પાડવા માટે બ્લોકચેઇન આધારિત પદ્ધતિ તૈયાર કરી રહ્યું છે. તે ભવિષ્યમાં જમીનના દસ્તાવેજો, આરોગ્ય અંગેના રેકોર્ડ, ખાતર પરની સબસીડી વિતરણ વગેરે માટે બ્લોકચેઇનનો ઉપયોગ કરશે.
1976માં અર્થશાસ્ત્રનું નૉબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર મિલ્ટન ફ્રીડમેને પ્રત્યેક સરકારના ત્રણ મુખ્ય કાર્યો જણાવ્યા છે:
- કાયદો અને વ્યવસ્થા
- સંરક્ષણ
- કરાર અમલીકરણ
અનેક કારણોસર ભારતમાં કરાર અમલીકરણને યોગ્ય મહત્ત્વ આપવામાં નથી આવ્યું. તેના કારણે, વર્લ્ડ બૅન્કના વ્યવસાય કે ધંધો કરવાની સરળતામાં ભારત 77મા ક્રમે છે અને કરાર અમલીકરણની બાબતમાં 190 દેશમાંથી ભારતનો ક્રમ 163મો છે!
અત્યારે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)નું લક્ષ ધંધો કરવાની સરળતામાં ભારતનો ક્રમ પહેલા 50માં લાવવાનો છે.
ધંધાકીય સોદા માટે સરકાર સહિત કંપનીઓ એકબીજા સાથે કરાર કરતી હોય છે. કરારના દસ્તાવેજમાં કિંમત, જથ્થો, ગુણવત્તા, ડિસ્કાઉન્ટ, ડિલીવરીનો સમય વગેરે અંગેની શરતો તેમ જ કલમો નોંધવામાં આવતી હોય છે, જેથી તેનું અમલીકરણ સરળ બને અને કોઈ વિવાદ ન થાય. કરારનું પાલન કરવું બધા માટે અનિવાર્ય હોય છે. એકબીજા સાથે ખરીદ વેચાણ કરતી વખતે એક કંપની કરારની કોઈ પણ શરત કે કલમનું પાલન ન કરે તો બીજી કંપની તેની વિરુદ્ધ કોમર્શિયલ કોર્ટ કે હાઈકોર્ટના કોમર્શિયલ ડિવિઝનમાં અરજી કરી શકે છે.
કાયદાકીય પદ્ધતિની ગૂંચ તથા તેમાં થતા વિલંબને કારણે એક અનુમાન મુજબ ભારતમાં કરાર અમલીકરણ માટેનો કાયદાકીય કેસ ઉકેલ માટે સરેરાશ રીતે ચારેક વર્ષનો સમય લે છે જેથી વર્ષ 2017માં હાઈકોર્ટમાં પાંત્રીસ લાખથી વધારે કેસ અટવાઈ ગયેલા હતા. આની અવળી અસર ઉત્પાદન ખર્ચ, વિશાળ કદના પ્રોજેક્ટના ખર્ચ અને સરવાળે અર્થતંત્ર પર પડે છે.
આર્થિક વ્યવહારો તથા અર્થતંત્રને વેગ આપવા માટે બે કે તેથી વધુ સરકારી કે ધંધાદારી એકમો વચ્ચે થયેલા કરારનું અમલીકરણ અનિવાર્ય છે.
ફ્રીડમેને જણાવ્યું છે કે નિયમન અને કાયદાકીય આધારની મદદથી સરકાર કરારના અમલીકરણની જવાબદારી નિભાવે છે અને માટે સરકાર સૌથી મોટી વચગાળાની સંસ્થા છે. અહીં માણસો દ્વારા સંચાલિત કાર્યવાહી માટે સરકારે અનેક સાધનોનું રોકાણ કરવું પડે છે.
અહીં સહજ પ્રશ્ન થાય છે કે એવી કોઈ ટેકનોલૉજી છે જે માનવીય શ્રમનો ઉપયોગ કર્યા વિના જ સ્માર્ટ કૉન્ટ્રાક્ટ ખ્યાલના આધારે કરાર અમલીકરણ ઝડપી બનાવે?
વિકિપીડિયાની વ્યાખ્યા મુજબ બ્લોકચેઇન એ વિકેન્દ્રીત, વહેંચાયેલ, જાહેર ડિજીટલ લેજર છે જેમાં લેવડદેવડના વ્યવહારોને ટ્રાન્ઝેકશનના સ્વરૂપે વિવિધ કૉમ્પ્યુટરો પર રેકોર્ડ સ્વરૂપે એવી રીતે સંગ્રહવામાં આવે છે કે તેમની પર સર્વસંમતિ વિના ફેરફાર કરી શકાતા જ નથી. અહીં બ્લોકચેઇનના ભાગરૂપ તમામ સહભાગી ટ્રાન્ઝેકશનની ખરાઈ કરી શકે છે તથા તપાસણી કરી શકે છે. બ્લોકચેઇન ડેટાબેઝનું સંચાલન સ્વાયત્ત રીતે થાય છે અને તેના તમામ રેકોર્ડમાં તેની રચના કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હોય ત્યારના સમયની નોંધ હોય છે.
2018ના ડિસેમ્બર મહિનામાં દિવિત નામના બાળકને પશ્ચિમ બંગાળના ન્યૂ ટાઉન કૉલકત્તા ડેવલપમેન્ટ ઑથોરીટી દ્વારા બ્લોકચેઇનની મદદથી તૈયાર કરેલું જન્મ નોંધણીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
આ પ્રકારે તૈયાર થયેલા સર્ટિફિકેટના ડેટામાં અયોગ્ય ફેરફાર નહીં કરી શકાય. ભારતમાં નાગરિકો માટે બ્લોકચેઇનની એપ્લિકેશનનો આ એક નોંધપાત્ર દાખલો કહી શકાય. આ જ પ્રકારે દેશના નાગરિકોના વિવિધ પ્રકારના સર્ટિફિકેટ તેમ જ દસ્તાવેજને આ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવે તો ભવિષ્યમાં સામાન્ય નાગરિક સાથે કોઈ પણ પ્રકારની છેતરપીંડી નહીં થઈ શકે.
કોવિડ 19 મહામારી તથા વેકસીનની શોધ
વર્ષ 2020 તથા 21 દરમ્યાન કોવિડની જૈવિક મહામારીએ આખી દુનિયાનો ભરડો લઈ લીધો. માત્ર આર્થિક જ નહીં પણ અનેક પ્રકારના સામાજિક, માનસિક તેમ જ રાજકીય પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે. હજી આવનારાં વર્ષોમાં પણ તેની આડઅસરો જોવા મળશે.
જૈવિક મહામારી કે રોગના નિરાકરણ માટે વેકસીન અનિવાર્ય છે. અગાઉ કોઈ પણ વેકસીનની શોધ, તેની લેબથી શરૂ કરી માણસો પરના તબીબી પરીક્ષણો, ઉત્પાદન, વિતરણ, સરકારી કે ખાનગી હોસ્પિટલની મદદથી વેકસીન આપવાની પ્રક્રિયા, તે માટે જરૂરી સપ્લાય ચેઇન તથા માળખાગત સુવિધા વગેરે માટે ઉપર દર્શાવેલ ટેકનોલૉજીનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થયો છે.
ટેકનોલૉજીનો માનવીય ઉપયોગ
સર્વોદય એટલે ભેદભાવ વિના સર્વનો વિકાસ. ગાંધીજીએ પોતે ટેકનોલૉજીની બાદબાકી નહોતી કરી. તેમણે અનાસક્ત ભાવે કાર્યરત રહેવાની વાત કરી અને આચરણ કર્યું. ટેકનોલૉજીનો ઉપયોગ નૈતિક હોવો જોઈએ અને બીજાના ભોગે કે પૈસાના ગોટાળા કરીને વ્યક્તિના અંગત સ્વાર્થ માટે ન થવો જોઈએ.
ગાંધીજીએ માનવ અર્થશાસ્ત્રની વાત કરી, જે આજે ખરા અર્થમાં પ્રસ્તુત લાગે છે. ટેકનોલૉજીનો માનવીય દૃષ્ટિકોણથી જ ઉપયોગ થવો જોઈએ નહીં કે માત્ર ઉત્પાદન વધારવા માટે.
ટેકનોલૉજી ભવિષ્ય વધુ ને વધુ સસ્તી બનતી જશે પણ આપણે તે પણ સુનિશ્ચિત કરવાનું છે કે છેવાડાના માણસ સુધી ટેકનોલૉજી પહોંચે.
એક એ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ટેકનોલૉજી માનવીય સંવેદના કેવી રીતે વ્યક્ત કરી શકશે? માનવ જે રીતે લાગણી કે ભાવ વ્યક્ત કરે છે તે રીતે રોબોટ જેવી ટેકનોલૉજી ભાવ વ્યક્ત કરી શકશે ખરી?
અત્યારની પરિસ્થિતિને જોતાં એમ પણ લાગે છે કે, આજે શ્રમ માટે તમામ સ્તરે વધતો જતો તિરસ્કાર, જીવનની સાચી સમજ વિનાની કેળવણી મેળવીને બેઠાડુ જીવનશૈલીને અનુસરતી નવી પેઢી તથા સમાજ માટે જરૂરી મૂળભૂત જવાબદારી તેમ જ કાર્યોની થતી ઉપેક્ષા જોતાં એમ જરૂર થાય કે આવનારો સમાજ કેવી રીતે સ્વસ્થ બની શકશે?
આ સંદર્ભમાં એ કહેવું જરૂરી છે કે ધસમસતા પ્રવાહની જેમ વિકસતી જતી ટેકનોલૉજીના ઉપયોગનો માનવીય અભિગમ કેળવવા માટે તેમ જ તેની સમાજ પરની સકારાત્મક અસરો માટે પ્રત્યેક દેશ કે સમાજે નીતિ ઘડવી અનિવાર્ય છે.
*
ઇમેઇલ : srchaudhary@gmail.com