શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૮ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન

પ્રકરણ:

‘મરિયમ, મને બહુ ફિકર થઇ રહી છે. તારા સા’બ ક્યારેય ના આવ્યા હોય એવું નથી બન્યું. ફોન પણ નથી કર્યો. હું સવારે ફુવારા પાસે ઊભી હતી ત્યારે મારા હાથમાંથી ફોન પાણીમાં પડી ગયો. ચાલતો પણ નથી. એટલે મારાથી પણ ફોન થઇ નથી શકતો. આમ તો કોણ જાણે કેમ પણ એમણે મને સામેથી ફોન કરવાની ના જ પાડી છે, પણ આજે તો હું કરી જ લેત. શું થયું હશે મરિયમ? પેલા ડ્રાઈવરે…’

એવું કંઈ ના હોય દીદી. કંઈ કામ આવી ગયું હશે. તમે ચા-નાસ્તો કરી લો,’ થોડી વાર થોભીને મરિયમ બોલી, ‘હવે તમારે ભૂખ્યું ના રહેવું જોઈએ મેડમ.’

શમાના બહુ વાર કહેવા છતાં મરિયમના મોઢે જલ્દી ‘દીદી’ ચઢતું જ ન હતું. થોડી ઘણી સાબ નારાજ થવાની બીક પણ હતી.

શમાએ મરિયમની સામે જોયું. ‘મરિયમ, સહુથી પહેલાં જેને જણાવવું હતું એ જ આજે ન આવ્યા! એમના વિના મને અત્યારે મને મારો શ્વાસ પણ મારો નથી લાગતો, તો ભૂખ તો ક્યાંથી મારી રહી જ હોય?’

મરિયમને લાગ્યું કે શમાના મોંમાંથી શબ્દો નહીં, જાણે વેદનામાં ઝબોળાયેલા આંસુના ટીપાં નીકળતા હતાં. એ શમાનું દુઃખ સમજી શકતી હતી. નાદુરસ્ત શરીર અને જેની એને અત્યારે સહુથી વધુ જરૂર હતી એ એના પતિની ગેરહાજરી.

એક મોટી બેનની જેમ એણે શમાને સમજાવી અને થોડું ખાવાનું એની સામે રાખી દીધું. શરીર ઉપર ઉપકાર કરતી હોય એવી રીતે શમાએ ચુપચાપ થોડું ખાઈ લીધું અને પછી બારી પાસે જઈને ઊભી રહી ગઈ.

શમાની વેદનાની ફાંસને વધારે ઊંડી નાખતો સૂરજ ધીરે ધીરે પોતાનો અજવાળાનો સરસામાન સમેટવા માંડ્યો. શમાએ અત્યાર સુધી પકડી રાખેલા રહ્યાસહ્યા આશાના ઉજાસને અંધારાએ ગ્રસી લીધો. એને સમજાતું ન હતું કે હવે શું કરવું? ક્યાં જવું? કોને પૂછવું?

આમ તો ખાલીદ જ રોજ એને ફોન કરતો, તો પછી આજે શું થયું? મોડું થવાનું હોય તો ફોન કરીને જણાવી શકે ને? ગમે તેટલું કામ હોય એવું યાદ ના આવે કે મારા ઘેર મારી બીબી મારા રસ્તા પર પલકો બિછાવીને બેસી રહી હશે? શું કરું? હારુનને કહું કે એના સાહેબને ફોન કરી જુએ? પણ અત્યાર સુધીમાં તો હારુન પણ એની રૂમ પર પહોંચી ગયો હશે.

શમાએ મરિયમ પાસેથી એનો ફોન લઈને હારુનને ફોન જોડ્યો.

‘હલો! બોલ મરિયમ, શું થયું?’

‘હારુન મૈં, તુમ્હારી શમા મેડમ બોલ રહી હૂં. તુમ અભી ઇધર આ સકતે હો?’

‘આયા મેડમ.’ આજ્ઞાંકિત નોકરે એક પણ પ્રશ્ન ન પૂછ્યો.

પોતાને ત્યાં કામ કરતાં બધા માણસોને રહેવા માટે ખાલીદે એના વિલાથી થોડેક જ દૂર થોડી રૂમો રાખી હતી જેમાં એક રૂમમાં ત્રણ-ચાર જણ, એવી રીતે બધા રહેતા હતાં.

દસ જ મિનિટમાં હારુન શમા પાસે હાજર હતો. ખૂબ ઝડપથી ચાલવાને કારણે એનો શ્વાસ ફૂલી ગયો હતો.

‘હાં મેડમ! શું કામ હતું?’ હારુનના અવાજમાં ફિકર હતી.

‘હારુન, તારા ફોનથી મસ્કત વાત થઇ શકે છે?’

‘હાં મેડમ. કેમ? શું થયું?’ શમાનો આવો ઊતરેલો ચહેરો જોઇને હારુનને ચિંતા થઇ.

‘એ તો આજે સાબ આવ્યા નહીં એટલે મેડમને ફિકર થાય છે.’ શમાની પહેલા મરિયમે જ જવાબ આપી દીધો.

હારુન બોલી ઊઠ્યો, ‘પણ સાહેબ તો આજે આવવાના જ….’ બોલતે બોલતે એની નજર મરિયમના  ઈશારા તરફ ગઈ અને એણે વાક્ય પૂરું કર્યું… આવવાના જ હતા.’

‘એટલે જ. ફોન લગાવ સાબને અને પૂછી જો કે આજે કેમ આવ્યા નહીં?’

‘મેડમ, તમે વાત કરશો ને?’

‘ના’.

શમાની ફિકર હવે ભૂખ સાથે મળીને ગુસ્સામાં ફેરવાઈ ગઈ હતી.

હારૂન અને મરિયમની આંખોએ કંઇક વાત કરી લીધી. પછી એણે ફોન જોડીને અરેબીકમાં વાત કરી અને શમાને જણાવ્યું કે ખાલીદને એકદમ ઓચિંતું કામ આવી પડવાથી એ આવી શક્યો ન હતો અને ફોન પણ ન કરી શક્યો.

હજુ પણ શમાનું ફૂંગરાયેલું મોં જોઇને એણે ઊમેર્યું, ‘સાબ કહેતા હતા કે મેડમને ‘સોરી ‘કહેજે અને આવતા ગુરુવારે સાબ જરુર આવી જશે.’

પછીનું આખું અઠવાડિયું શમા પથારીમાં જ રહી. ઊલટીઓ ખુબ થતી હતી અને ખાવાનું કંઈ પણ પેટમાં ટકતું ન હતું. જે કંઈ પણ ખાય એ બધું નીકળી જતું હતું. મરિયમે એને ડોક્ટર પાસે લઇ જવાનું કહ્યું પણ એણે ના પાડી દીધી, ‘ના મરિયમ, ડોક્ટર પાસે તો હું તારા સાબની સાથે જ જઈશ. ચાર દિવસનો તો સવાલ છે.’

પછીના અઠવાડિયે ગુરુવારે બપોર પછી ખાલીદ આવ્યો. સતત ઊલટીઓ થવાને કારણે શમાનું મોં એકદમ મુરઝાઈ ગયું હતું. તો પણ ખાલીદ એને બેડરૂમ તરફ લઇ જવા માંડ્યો. શમામાં તો ઊભા થવાની પણ શક્તિ ન હતી. ખાલિદનું મોં ચડી ગયું.

શમાએ એના તરફથી જે ઉત્સાહની આશા રાખી હતી એવો કોઈ જ ઉત્સાહ ખાલીદ તરફથી જોવા ન મળ્યો. એ શમાને ડોક્ટર પાસે લઇ ગયો, પણ જાણે મન વિનાનો.

ડોકટરે દવાઓ લખી આપી. એ લઇ આવીને ખાલીદ તરત પાછો ફરી ગયો. જતી વખતે શમાને કહેતો ગયો, ’દેખો શમા, મુઝે લડકા હી ચાહીએ ઔર અગલી બાર મૈં આઉં તબ વો પહેલેવાલી અચ્છી સુરત લેકે બૈઠના. મુઝે તુમ્હારી ઐસી સુરત દેખની અચ્છી નહીં લગતી.’

એ વખતે તો ખાલીદના શબ્દો ઉપર વધારે વિચાર કરીને દુ:ખી થવા જેટલી તાકાત પણ શમામાં હતી નહીં.

દવાઓથી શમાને થોડી રાહત લાગતી હતી, પણ પૂરેપૂરો સુધારો તો ન હતો થયો. તો પણ પછીના ગુરુવારે એ સવારે વહેલી ઊઠી ગઈ અને મરિયમ પાસે વાળ ધોવડાવીને, સરસ તૈયાર થઈને ખાલીદની રાહ જોતી બેઠી.

એણે ખાલીદને ગમતા ગુલાબી રંગના કપડાં પહેર્યાં, શણગાર સજ્યાં અને બહાર ગેટ પાસે જઈને ઊભી રહી. તડકો વધારે લાગવા માંડ્યો એટલે ઘરમાં આવીને બારી પાસે ગોઠવાઈ.

સૂરજે આખા આકાશની સફર પૂરી કરી પણ ખાલીદની મસ્કતથી સોહાર સુધીની સફર ન થઇ. સૂરજ સાથે લડાઈ કરતું કરતું અંધારું આકાશમાંથી ઊતરી આવ્યું. મરિયમ પાસે પણ કંઈ જ ફરિયાદ કર્યા વિના શમા એની નવી સહેલી-એની પથારીમાં જઈને ગોઠવાઈ ગઈ. એના આંસુ એના હૈયાની વેદનાની વાત ઓશિકાને કહેતાં રહ્યાં.

બે-ત્રણ અઠવાડિયા પછી શમાએ ખાલીદની રાહ જોવાનું બંધ કરી દીધું. હારુને એને સમજાવ્યું હતું કે આ મહિનાઓમાં ખાલીદને મસ્કતમાં કામ ઘણું રહેતું હતું અને દર વર્ષે એ આવી જ રીતે સોહાર આવવાનું બંધ કરી દેતો હતો.

શમાના મનનું સમાધાન ન હતું થયું પણ શું કરે? ખાલીદ એના ફોન પણ ઉપાડતો ન હતો, ક્યારેક ઉપાડી લે તો પણ એકદમ બેરુખીથી વાત કરીને મૂકી દેતો હતો.

એક દિવસ ખાલીદનો જ ફોન આવ્યો,

‘કૈસી હો? ઠીક તો હો ના?’

હાં, લેકિન આપ કબ આ રહો હો? હમેં યહાં આપ કે બીના બિલકુલ અચ્છા નહીં લગતા હૈ.’ શમાના શબ્દો આંસુથી ભીંજાઈ ગયા હતા.

‘દેખો, દેખો, રોના મત. મૈં અભી તો સોહાર નહીં આ સકતા. અપને બિઝનેસ કે કામ કે લિયે શાયદ બેહરીન જાના પડેગા. વહાં આકર તુમકો સબ બતાઉંગા.’

‘લેકિન યહાં આપકે બીના મુઝે બિલકુલ અચ્છા નહીં લગતા હૈ. આપ કમ સે કમ ફોન તો…’ શમાને ખાલીદને કહેવું હતું કે એ એની સાથે વાતો કરે ત્યારે એને ખુદા સાથે વાત કરતી હોય એવું લાગે છે, એનો અવાજ સાંભળીને એ પવનની લહેર સાથે ઊડવા માંડે છે, એ આવે ત્યારે એની હથેળીમાં આસમાનનો ટુકડો આવી જાય છે. પણ એના હૃદયના શબ્દો જીભ સુધી આવે એ પહેલાં તો ફોન મૂકાઈ ગયો હતો.

શમા પોતાના બાળક માટે ખુશ રહેવાનો પ્રયત્ન કરતી હતી. એની તબિયત હવે સુધરવા માંડી હતી અને આવનારા માતૃત્વની સુરખી એના ચહેરા ઉપર દેખાવા માંડી હતી.

એણે પાછું સાંજના ભાગમાં એમની વાડીમાં જવાનું ચાલુ કરી દીધું. ખજૂરનો ફાલ હવે લગભગ તૈયાર થઇ રહ્યો હતો. મોટા ભાગની કેસરી ખજૂરે હવે લાલ રંગ પકડવા માંડ્યો હતો અને એમના ઉપર પડેલી કરચલીઓ નીચેથી પણ દેખાવા માંડી હતી.

એણે નાળીયેરીના વૃક્ષો ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતા માણસો વિષે સાંભળ્યું હતું પણ ખજૂરીમાં પણ એવું કરવાનું હોય એવો એને બિલકુલ ખ્યાલ ન હતો. તાલીમ પામેલા માણસો કમર ઉપર દોરડું બાંધીને ખજૂરીના થોડા ખરબચડા થડ ઉપર ફટાફટ ચડી જતા અને ખજૂરના લટકતા ઝૂમખાની આજુબાજુ સફેદ જાળી જેવું કપડું બાંધી દેતા.

‘હારૂન, આવી જાળી કેમ બાંધવાની હોય છે?’

‘ખજૂર હવે લગભગ તૈયાર છે અને અત્યારે એની ઉપર નાની જીવાત બેસી જાય તો આખો પાક ખરાબ થઇ જાય, મેડમ. બધી મીઠી વસ્તુઓને જીવડાઓથી તો બચાવવી પડે ને?’ હારુન શમાની આંખોમાં જોઇને બોલ્યો હતો.

‘હમમમ’. શમા ખજૂરીના પવનથી હાલતા પાંદડાઓના નીચે જમીન ઉપર પડતા પડછાયા સામે જોઈ રહી અને વિચારી રહી… એનું જીવન પણ આવું તડકો છાંયડો જ હતું ને! ખાલીદ આવે ત્યારે સવારના તડકાની હૂંફ, એની ગેરહાજરીમાં હિમનો દરિયો. પછી એના મને બીજી રીતે વિચાર્યું… ના, ખાલીદ હોય ત્યારે છાંયાની ઠંડક અને ન હોય ત્યારે ધગધગતી ધૂપ.

‘શું વિચારો છો મેડમ?’

‘ના, કંઈ નહીં હારુન. બસ, આ મોટા મોટા પાંદડાઓ જમીન સાથે કેવી ધૂપ-છાંવની રમત રમે છે એ જોતી હતી.’

શમા બોલીને આડું જોઈ લે તો પણ હારુન એના મનની અંદર ઝાંકી શકતો હતો.

દિવસો ઊગતા હતા, શાહુડીના પહોળા થયેલા પીંછાની જેમ શમાના અંતરમાં ભોંકાતા હતા અને કાંટા થઈને આથમી જતા હતા. રાત કટાર, તલવારો અને ભાલા લઈને આવતી. શમાના હૃદયમાં એમની તીક્ષ્ણ ધાર ભોંકાયા કરતી, એની ઊંઘને લોહીલુહાણ કરી નાખતી અને શમાને વેદનાની ચાદરથી ઢાંકીને ચાલી જતી.

ખજૂર ઉપર જાળી બંધાઈ ગયા પછી થોડા દિવસ સુધી કંઈ કરવાનું ન હતું. ક્યારેક શમા અમસ્તી જ હારુન પાસે પહોંચી જતી. મરિયમ એના કામમાં, આ મહેલ જેવા મોટા વિલાની સાફ -સફાઈ કરવામાં જ ખાસી વ્યસ્ત રહેતી.

હારૂન એની સાથે વાતો કરતો અને શમાનું મન બહેલાવવા પ્રયત્ન કરતો. શમાને યાદ હતું કે ખાલીદે એને ખજૂરી વિષે બધું જાણી લેવા માટે કહ્યું હતું. એટલે હારૂન પાસેથી એણે ખજૂરી કેવી રીતે વવાય એ જાણી લીધું. ખાલીદ આવશે અને પોતે એને પોતાના આ નવા જ્ઞાન વિષે જણાવશે ત્યારે એ કેટલો બધો ખુશ થશે?

શમાનો રસ જોઇને હારૂને પણ એને વિસ્તારથી સમજાવ્યું, ‘મેડમ, ખજૂરીનું ઝાડ રેતીમાં કે માટીમાં પણ ઊગી શકે. એ આમ તો ઓછા પાણીનું ઝાડ છે પણ ફળ આવતાં પહેલાં તો એને સારું એવું પાણી આપવું જ પડે.

પાનખર અને વસંતની વચ્ચે, એટલે કે ગરમી ચાલુ થાય એ પહેલાં એને વાવી દેવું પડે. એને વાવવા માટે જમીનમાં ઘણો ઊંડો અને પહોળો ખાડો ખોદવો પડે કારણકે એના મૂળ જમીનમાં બહુ ફેલાતાં હોય છે. ખજૂરીને કુંડામાં કે નાની જગ્યાએ ઉગાડીને પછી ખૂબ કાળજીથી બીજી જગ્યાએ લઇ જઈ શકાય જ્યાં એને ઊગવા માટે પૂરતી જગ્યા મળી રહે. મેડમ, તમને ખબર છે આ ઝાડ ૧૨૦ ફૂટ જેટલું ઊંચું પણ થઇ શકે.’

‘ખરેખર?’

‘હા. ખજૂરી આમ તો ૪થી ૮ વર્ષ પછી ફળ આપવા માંડે છે, પણ અહીં તો એનું પાણીનું એટલું બધું ધ્યાન રખાય છે… ક્યારે કેટલું આપવાનું અને ક્યારે બંધ કરી દેવાનું, અને પાછું સારામાં સારું ખાતર અપાય છે. એટલે તમે જુઓ છો એમ નાની નાની ખજૂરીઓ ઉપર પણ ફળ બેસી જાય છે.’

શમાએ પોતાના પેટ ઉપર હાથ ફેરવ્યો.

હારૂન જ્ઞાની શિક્ષકની જેમ પોતાનું ખજૂરના પાક અંગેનું જ્ઞાન ઠાલવતો જતો હતો અને શમા ઉત્સાહી વિધાર્થીની જેમ બધું ધ્યાનથી મગજમાં ઊતારતી જતી હતી.

ખજૂરના ઠળિયાને કેવી રીતે ભેજમાં રાખીને ફણગાવવાના, કેવી રીતે અને ક્યારે જમીનમાં નાખવાના, બીજમાંથી વૃક્ષ થવાના ચાર-પાંચ વર્ષ સુધી એને કેટલું પાણી આપવાનું, શું શું ધ્યાન રાખવાનું – એવા ખજૂરના પાકને લગતા જરૂરી બધા જ પ્રશ્નો શમા પૂછતી રહી, બધું જ જાણતી રહી.

માત્ર ખાલીદે કહ્યું હતું માટે જ નહીં, હવે એને પણ આ ખજૂરીઓ માટે પ્રેમ થઇ ગયો હતો માટે. એ એમને વિષે બધું જ જાણવા માંગતી હતી.

વર્ગમાં બેઠેલી જિજ્ઞાસુ વિદ્યાર્થીનીની જેમ એ હારુનને પ્રશ્નો પૂછતી રહેતી. એણે હારુનને એ પણ પૂછ્યું કે ભારતમાં રમઝાન મહિનામાં ઇફતારી કરતી વખતે એ લોકો ઓમાનની કાળી ખજૂર ખાતા હતા. તો શું એમની વાડીની ખજૂર પણ પરદેશ મોકલાતી હતી?

હારુનને એની આ માલકિનના બધા જ સવાલો ગમતા હતા, એ બધાના જવાબો આપવા પણ ગમતા હતા. શમાના ઉદાસીના ધુમ્મસથી ઘેરાયેલા રહેતા ચહેરા ઉપર એ સ્મિતનું એક નાનકડું મેઘધનુષ લાવી શકે તો એને આનંદ આનંદ થઇ જતો હતો.

ક્યારેક શમા બહુ ઉદાસ થઇ જતી હતી. અમ્મી પાસે જવાનું મન થઇ જતું હતું. ખાલીદ આવે ત્યારે એ કહેશે કે પોતે ડીલીવરી માટે ઇન્ડિયા જવા માંગતી હતી.

ખાલીદ પાસેથી અબ્બુ પૈસા તો લે જ નહીં, તો પછી પોતાનું બચ્ચું એ નાના ઘરમાં, સસ્તી હોસ્પિટલમાં જન્મે એ એને નહીં ગમે તો! પણ ખાલીદને પોતે સમજાવશે કે એને અમ્મીની જરુર પડશે જ. અમ્મીને અહીં પણ બોલાવી શકાય પણ એ અબ્બાને મૂકીને આવે જ નહીં.

રઝીયા હજુ એટલી મોટી ન હતી કે આખું ઘર સંભાળી શકે. પણ ખાલીદ આવે ત્યારે બધી વાત થાય ને? ખાલીદ ગમે ત્યાં પરદેશ ગયો હોય, એ ત્યાંથી ફોન તો કરી શકે ને? અચાનક એને શું થઇ ગયું હતું? જતાં પહેલાં વાત કરી એ પણ બહુ બેરુખીથી કરી હતી! શું કરવું?

શમાને ઘણી વાર વિચાર આવતો કે એના અબ્બા માનતા હતા એમ એમની રાજકુમારી કોઈ મહેલમાં ન હતી રહેતી પણ એક બંધ કરી દીધેલા કિલ્લામાં રહેતી હતી. એ અહીં કેટલી મજબૂર હતી?

ક્યાં ગઈ એ શમા જેણે એ દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે પોતાની મશ્કરી કરવા બદલ ક્લાસના એક છોકરાને ચંપલે ચંપલે ધોઈ નાખ્યો હતો? એનો એ ગુસ્સો ક્યાં જતો રહ્યો હતો?

એનો ગુસ્સો, એની ખુદ્દારી, કઈ મજબૂરીની પેટીમાં બંદી બની ગયા હતાં? એ કંઈ ખાલીદના પૈસાની ગુલામ ન હતી થઇ ગઈ, કે એ આ મોજશોખની સાંકળોમાં પણ ન હતી બંધાઈ ગઈ. એ તો પ્રેમ નામના એક રેશમી, મુલાયમ આવરણમાં કેદ થઇ ગઈ હતી, કમળમાં પૂરાયેલી ભમરીની જેમ.

એટલે જ એ અસહાય હતી, બિલકુલ એકલી અને અસહાય. ખાલીદની રાહ જોયા સિવાય એ બીજું કંઈ જ કરી શકે એમ ન હતી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..