ચૂંટેલા શેર ~ રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’ ~ શિક્ષક (ભાવનગર) ~ ગઝલસંગ્રહઃ એક પ્યાલી ઝાકળ

હું સાંજ થાતા ઘર તરફ પાછો ફર્યો હતો
ને તેં મને સૂરજ ફરી બીજો ધર્યો હતો
*
હાથમાં લીધા અઢી અક્ષર અમે
ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે
*
કોણ આવ્યું? ગયું, એ હિસાબો
દ્વારનું બારસાખ રાખે છે
*
સત્યને સૌ લોક ઘેરી નીકળે
જો ફરીથી મધર મેરી નીકળે
*
થડ મહીં વાંચો તમે ‘વૉન્ટેડ’ છે
એક ચકલી ઝાડથી ભાગી હતી
*
અચાનક પાળિયાઓ સ્વપ્નમાં આવી અને બોલ્યા:
અમે ઊભા રહી થાક્યાં હવે તલવાર આપી દે
*
સ્તબ્ધ છે રંગમંચ પર પાત્રો
એકલો સૂત્રધાર ઊભો છે
*
સ્હેજ અડતા કોઈ, અંદરથી જ પ્રત્યંચા ચડાવે
આ નગરનાં દ્વાર પર છે આગળો ધૃતરાષ્ટ્ર જેવો
*
શ્વાસોમાં ગઝલો મૂકીને પૂરક કુંભક રેચક કરીએ
ઊના ઊના ઉચ્છવાસોમાં ઈશ્વર નામે ઠંડક કરીએ
*
સાવ હતા પાસે ઈશ્વરની
લોકો કાશી જઈને આવ્યા
*
વર્ષ થાશે સોળ આની શબ્દનું
મોરનું વાહન, મઘા નક્ષત્ર છે
*
ઘૂઘવું છું હું સતત એથી
મેં નદીઓને પીધેલી છે
*
હે ભગીરથ! મેંય પણ યત્નો કર્યા છે
શબ્દગંગા પૃષ્ઠ પર ઉતારવામાં
*
માત્ર મેં જોવા જ દીધી’તી તને
લાવ, પાછી લાવ મારી વેદના
*
તબીબોય જાણી ગયા રોગ મારો
દવામાં લખી દીધી ઝાકળની પ્યાલી
*
તમે ઘરનાં ખૂણે નદી ચીતરી
મને ત્યાં જ ડૂબી જવાનું મળ્યું
*
એમ ક્યાંથી સંભવે ગિરનાર આ
એક મોટી વેદના થીજી હશે
*
આંખમાં જોઈ ચમક પૂછે છે કેમ છે?
મેં કહ્યું કે આ અજંપો એમનેમ છે
*
જાત પણ મેવાડવત્ થઈ જાય છે ‘રાજીવ’
એક પીંછાને મળું તેને અહં વન્દે!

~ ગઝલસંગ્રહઃ એક પ્યાલી ઝાકળ (2009)
~ રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’
M) +91 94082 87341

આપનો પ્રતિભાવ આપો..

12 Comments

  1. Dear Rajiv, khub j saras..hriday ma thi waah ane aah nikdi jaay..Evi heartouching… heartly congratulations and best wishes.

  2. ખૂબ જ સરસ શેર..
    અચાનક પાળિયાઓ..
    ઊભા રહી થાક્યા..
    વાહ, કવિ!

  3. મને અહીં પ્રસ્તુત કરી અને પ્રોત્સાહન આપવા બદલ ખુબ જ આભાર…

  4. ‘એક પ્યાલી ઝાકળ”ના ચૂંટેલા શેર ગમ્યા, સરસ છે. એ વાતથી સવિશેષ આનંદ કે કવિ પોતે શિક્ષક છે. વંદન.