ગમ-એ-રૂસ્તમ ~ કટાર: બિલોરી (૧૫) ~ ભાવેશ ભટ્ટ
આમ તો વાતમાં વજન લાવવા મુહાવરાઓનો ઉપયોગ થતો હોય છે. જેની જેવી જાણકારી અને યાદશક્તિ, એવી એ મુહાવરાબાજી કરી શકતા હોય છે. કોઈ અંગત કે જાહેર વાતોમાં વપરાતા મુહાવરાઓ પાછળની વારતા મોટેભાગે માન્યતાઓ પર નિર્ભર હોય છે. એની પાછળનું ઓથેન્ટિક કારણ ભાગ્યે જ ખબર હોય છે.
આ ભૂમિકા એટલા માટે બાંધી કે આજે એક એવા મુહાવરાની વાત કરવી છે જે હમણાં જ વાતચીત દરમિયાન એકદમ ધ્યાનમાં આવ્યો, રસપ્રદ લાગ્યો, તો એના વિશે જાણવાનું વાત કરવાનું મન થયું. એ મુહાવરો છે ‘છુપો રૂસ્તમ’. કેટલીયે વાર આનો ઉપયોગ આપણેય કરીએ છીએ અને લોકોના મોઢેય સાંભળીએ છીએ.
આની હિસ્ટ્રી પ્રમાણે ટૂંકમાં જોઈએ તો મહાકવિ ફિરદૌસી એ લખેલા પર્શિયન મહાકાવ્ય શાહનામાનું મુખ્ય પાત્ર છે રૂસ્તમ. ઝાલનો પુત્ર અને સોહરાબનો પિતા એવો રૂસ્તમ પર્શિયન પ્રજાનું માનીતું પાત્ર છે. જે દેખાવે એકદમ સામાન્ય દેખાતો માણસ હતો પણ એનામાં અસીમ આંતરિક શક્તિઓ હતી. જે વીર પુરુષ હતો અથવા વીરતાનું પ્રતીક હતો.
એટલે જેને જોઈને એની કોઈ તાકાતનો અંદાજ ના લગાવી શકાય અને એ કોઈ પરચો બતાવી દે ત્યારે કહેવાય છે કે ‘આ તો છૂપો રૂસ્તમ નીકળ્યો’.
આપણે પણ કોઈના વિશે કૈં સરપ્રાઈઝ મળે ત્યારે હરખથી અથવા ઈર્ષાથી આવા શબ્દો બોલતા હોઈએ છીએ. જે એ બે સંબંધ વચ્ચેના અંતરનું સૂચક પણ હોય છે. જે સૌથી વધારે તાકાતવર પહેલવાન હોય એને એની જીત પર એટલે જ ‘રૂસ્તમ-એ-હિંદ’નું બિરુદ અપાય છે.
આ મુહાવરા સિવાય જોવા જોઈએ તો એક આઘાતજનક વાત એ છે કે આ ‘રૂસ્તમ’ (પારસી) નામના પાત્રને બોલિવૂડમાં સક્રિય ખાસ એક રાઈટર્સ લોબીએ કેટલાયે વરસોથી એક મજાકનું પાત્ર બનાવી દીધેલું છે. જે પરદા ઉપર આવતા જ એની ઉપર હસવું આવે એવી રીતે એને રજૂ કરાતો હોય છે. જે વીરતાના પ્રતીક સમો હતો એ નામનું પાત્ર ડરપોક જ બતાવવામાં આવે છે.
ફક્ત પારસી જ નહીં, એના સિવાય ગુજરાતી, પંજાબી, અને મદ્રાસી પાત્રો પણ હિન્દી ફિલ્મોમાં મોટેભાગે મૂર્ખ, ગમાર અને ડરપોક જ બતાવવામાં આવે છે. એની સામે એ બધી કોમ્યુનિટીનું સ્ટેટસ કે રિયાલિટી સમાજમાં જુદા જ જોવા મળે છે.
હોંશિયારી, ભણતર અને હિંમત બાબતે જે લોકો હંમેશા આગળ પડતા રહ્યા છે એમનું કૉમેડીની આડમાં વિપરીત ચિત્રણ કેટલું યોગ્ય છે? આ ચોક્કસ રાઈટર્સ લોબી પાછી કોઈ એક ગાળામાં નહીં પણ પેઢી દર પેઢી આવતી જાય છે એ વાત પણ અચરજ જન્માવે છે. એટલે મૂળ જે પરાક્રમી રૂસ્તમ માટે જે કારણથી આ મુહાવરો બન્યો હતો એ તો તમે એની અત્યારની બનાવી દીધેલી ઇમેજ માટે વાપરી જ ન શકો એવી પરિસ્થિતિ લાવીને મૂકી દેવાઈ છે.
આવું થતું આવ્યું છે અને થતું જ રહેશે. એમનો આવું કરવા પાછળ શું આશય છે? શું પ્રાપ્તિ છે? અથવા કોણ એમની પાછળ સંતાઈને એમનો ખભો વાપરે છે. એ વિષયમાં વિચારો તો પણ કૈં જ સમજાતું નથી ને પાછું આ તાકાતો સામે લડી શકાય એવું અત્યારે તો લાગતું પણ નથી.
હવે આપણે પણ આનો મૂળ અર્થ ભૂલીને બદલાયેલા અર્થ સાથે આ મુહાવરાના દૂરબીનથી નજર ફેરવીએ તો સમાજમાં દરેક જગ્યાએ આવા ઘણા ‘છુપા રૂસ્તમો’ બેઠા હોય છે. જેમાં સૌથી જોખમી હોય તો એવા લોકો છે જે પોતે આમ તો તમામ જ્ઞાતિ, સમાજ, પક્ષ, ભાષા અને વિચારધારાનું સન્માન કરતા હોય છે, સૌની સાથે વ્યવહાર રાખતા હોય છે, પણ અંદરખાને તેઓ અલગ મત ધરાવનારા હોય છે.
તેમનો આ મત તેમને કોઈ કટ્ટર કે જાતિવાદી/પ્રાંતવાદી કે વેરઝેર કે ભેદભાવવાળા તરીકે દર્શાવી ન દે અથવા ઉઘાડા પાડી ન દે એટલે તેઓ બહારથી મુખ્ય સામાન્ય પ્રવાહમાં વહેવાનું નાટક કરતા રહે છે. એમને બધી બાજુઓ સાચવી લેવી હોય છે.
મલ્ટીપલ રોલ કરવામાં તો એ ‘નયા દિન નઈ રાત’ ફિલ્મના સંજીવ કુમારને પણ શરમાવી દે એવું પોતાનું હુનર બતાવતા હોય છે. એટલે એમની સામે જે લોકો ઝનૂની લાગતા હોય છે.
ખુલ્લેઆમ છાતી ઠોકીને પોતાનો સ્વાર્થ, કટ્ટરવાદ, ભેદભાવ, જાતિવાદ/પ્રાંતવાદ, માન્યતાઓ જાહેરમાં કબૂલ કરતા હોય છે એ પેલા ‘છુપે રુસ્તમો’ કરતા ઓછા ડેંજર હોય છે. જો કે આમ તો સાચા અર્થનો અસલ ‘છૂપો રૂસ્તમ’ તો એ છે કે જે ઉપર બેઠો બેઠો યુગો યુગોથી એની સલ્તનત ચલાવે છે. એની રચેલી આખી આ કુદરત, આ પ્રકૃતિય ‘છુપી રૂસ્તમ’જ છે. જે હંમેશા આપણને અચંબિત કરતી જ રહે છે. જેનો આ વિરાટ ‘Soul industry’નો કારોભર યુગોયુગોથી નિરંતર ચાલતો આવ્યો છે.
બસ ક્યારેક કયારેક સંજોગોની અડફેટમાં ચડતા મનના ચકરાવામાં એવા વિચાર આવી જાય છે કે બે ટકાની પણ જેની ઓકાત નથી એવી માનવજાતના સંચાલનમાં એ એનો ટાઈમ કેમ બગાડે છે. માનવજાતના કર્મોના હિસાબો, લેખાજોખા કરવા એ ‘રૂસ્તમ’ની ડિગ્નીટીમાં, સ્ટેટસમાં નથી આવતા.
ટૂંકમાં આ ઈન્ડસ્ટ્રી એની શાખને દાગદાર કરી રહી છે. એણે એના સ્તરને, એના સમાજને, એના વર્તુળને શોભે એવા કામો કરીને એનો રૂતબો જાળવવો જોઈએ. બાકી આ દુનિયા ચલાવવાની બાબતે તો શક્ય છે કે એને એના લાગતા વળગતાઓ ‘આડી લાઈને ચડી ગયો છે’ એવું કહીને આમાંથી બહાર લાવવા ટેનશનમાં પણ રહેતા હોય! ખૈર વાત ક્યાંથી નીકળીને ક્યાં ક્યાં ગઈ.
છેલ્લે 1973માં આવેલી દેવ આનંદની ફિલ્મ ‘છુપા રૂસ્તમ’માં ગોપાલદાસ નીરજે લખેલી આ ગીતની પંક્તિઓથી વિરમીએ.
पूछो तो यारो हम
कौन है कौन है
हुम छुपे रुस्तम है
क़यामत की नजर रखते हैं
ज़मीन तो क्या है
आसमान की खबर रखते है
***
વાસ્તવિક હકિકત ઉજાગર કરતો લેખ..
અસલ ‘છૂપો રૂસ્તમ’ તો એ છે કે જે ઉપર બેઠો બેઠો યુગો યુગોથી એની સલ્તનત ચલાવે છે✅🙏.