તરસ (ગઝલ) ~ તાજા કલામને સલામ (૨૫) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: શિલ્પા શેઠ ‘શિલ્પ’ ~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ
છંદવિધાનઃ રજઝ – ગાગાલગા ગાગાલગા ગાગાલગા (૨૧ માત્રા)
તારા વગર તો કોણ છીપાવી શકે?
મારી તરસ તો તું જ સંતોષી શકે!
ડૂમો ગળે બાજેલો છે કેવો છતાં,
શબ્દો જ કેવળ ખુદને ભરમાવી શકે.
એ કેટલી હદથી નડે કોને ખબર?
શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!
ગુંગળાયેલી એ ક્યાં સુધી જીવી શકે?
તરફડતી ઈચ્છાઓ મરણ પામી શકે!
કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,
મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?
ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત,
પણ દેહ આખો થોડો એ બાળી શકે?
લાગે જે સહેલું એટલું અઘરું છે એ,
ક્યાં પ્રેમમાં સર્વસ્વ સૌ ત્યાગી શકે?
છે મીણ ઓગળવા હવે જ્યોતિ નીચે,
છે પ્રશ્ન અગ્નિ કોણ ત્યાં ચાપી શકે?
પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે?
~ શિલ્પા શેઠ ‘શિલ્પ’ મુંબઈ
~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ
મુંબઈના વતની અને લેખન વાંચનના શોખીન શિલ્પા શેઠ સાહિત્યના દરેક સ્વરૂપમાં રસ ધરાવે છે.

વિવિધ સહિયારા સર્જનોમાં તેમની લેખિની પ્રગટ થતી રહી છે. પ્રસ્તુત ગઝલ ‘તરસ’ દ્વારા તેમની કલમની ઝલક મળે છે.
મત્લાથી શરૂ થયેલ પ્રશ્નોની શ્રુંખલા મક્તા સુધી આ ગઝલમાં વિસ્તરી છે. તરસ છીપાવવાનો સવાલ કોઈક અધૂરી ઝંખનાને આરે જઈ ઊભો રહે છે. પ્રિયજનની રાહ જોવાય છે પણ અહીં રોમાંસ નથી. કશોક ગમ છે, ગળે ડૂમો બાઝ્યો છે ને તે પણ શબ્દોથી જ શમી શકે તેમ છે. અહીં કડવા મીઠા કે પછી સમજણના શબ્દો જ સ્વયંને શાંત કરી શકે તેમ છે.
એકબીજાનો વિરહ ક્યારેક મિલન થતાં પ્રેમમાં ઉમેરો કરે તો વળી બહુ લાંબી દૂરતા અંતરાય પણ લાવી શકે. અહીં મોઘમ વાત કરી છે કે,
એ કેટલી હદથી નડે કોને ખબર?
શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!
પરિસ્થિતિનો તાગ પામવાનું વાચક પર છોડી દીધું છે. ‘એ’ના એકાક્ષરી શબ્દોમાં કવયિત્રી શેની વાત કરે છે? પ્રિયપાત્રની દૂરતાની, મિલનની ઇચ્છાની કે શબ્દોની? પછીના શેરમાં વળી વાત થોડી છતી થાય છે કે, ઇચ્છાઓનો તરફડાટ એવો હોય છે કે કદાચ એ ગૂંગળાઈને મરણ સુધી પહોંચે!
નિરાશા અને હતાશા માનવીને માટે કેવો વિનાશ નોંતરે છે તેના તો અસંખ્ય દાખલાઓ સમાજમાં જોવા મળતા જ રહેતા હોય છે. પાંચમાં શેરમાં વિષયને વધુ આકાર મળ્યો છે. કશુંક ખૂબ દુઃખદ બન્યું છે,કોઈ દૂર, સુદૂર ચાલ્યું ગયું છે. કદાચ અચાનક જ. કારણની પણ જાણ નથી. તેથી કાવ્યની નાયિકા કહે છે કે,
કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,
મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?
આ એક મોટો કોયડો છે. વિજ્ઞાને ખૂબ શોધ કરી છે પણ છેલ્લી પળ કોઈનાથી પકડાઈ નથી.
“આખરી પળ પણ એવી અકળ અહીં…પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.”
એ જેના પણ જીવનમાં જીરવવાની આવે છે તેનું આખુંયે અંતર બળે છે પણ એ ચિતાથી દેહ બળતો નથી. માત્ર જનારની પાછળ વ્યક્તિનું મન સતત બળ્યા કરે છે. છઠ્ઠા શેરમાં એ સવાલ ઘૂંટાય છેઃ
ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત,
પણ દેહ આખો થોડો એ બાળી શકે?
પ્રેમમાં સર્વસ્વ ત્યાગવાની વાતો તો સૌ કરે છે; પણ જ્યારે ખરો સમય આવે છે ત્યારે કોઈ કોઈની પાછળ કુદી પડતું નથી કે જનાર પણ એનો સમય આવે છે ત્યારે બસ, એમ જ, પાછળનાનો વિચાર કર્યા વગર જ વિદાય લે છે. ખરેખર તો પ્રશ્નોની આ પરંપરા પરમની સામે છે અને વિસ્મય તો એ વાતનું છે કે દરેક વ્યક્તિને આ અનુભવ થતો જ રહે છે. એટલે આમ જોઈએ તો આ ગઝલમાં એક સૂફી વિચાર સમાયેલો છે, જે કદાચ લખતી વખતે કવયિત્રીને અભિપ્રેત ન પણ હોઈ શકે! શબ્દોની અને અર્થોની આ જ તો ખૂબી છે કે એ વાચકના ભાવવિશ્વ મુજબ અર્થચ્છાયાઓ ઊભી કરે છે.
છેલ્લા બે શેર પણ મઝાના બન્યા છે. ઓગળવા માટે તૈયાર મીણ છે, જ્યોત છે, પણ ફરીથી પ્રશ્ન થાય છે કે, હવે કોણ ચાંપશે?! એકાકી મનની આ તે કેવી દર્દભરી દાસ્તાન? પથ્થરને કંડારાવું હશે, પૂજાવું હશે. પણ જે ખુદ શિલ્પ છે જ તેને તો કોણ કંડારે?
પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે?
અહીં મક્તાના આ શેરમાં બખૂબી તખલ્લુસ ભળી ગયું છે. આમ તરસ, વિરહ દૂરતા, મૃત્યુ અને વિષમતાના ભાવોને શિલ્પાબહેને યથોચિત ઉપસાવ્યા છે.
૨૧ માત્રાના રજઝ છંદમાં, ૯ શેરોમાં ગૂંથાયેલ આ નવી કલમને આવકાર સાથે વધુ સારી ગઝલોના સર્જન માટે શુભેચ્છા.
***