ઠોકર એ તો રસ્તાનો શણગાર છે ~ કટાર: અલકનંદા (14) ~ અનિલ ચાવડા
પહેલાં પગથિયે ઠેસ આવે, ગડથોલિયું ખાઈ જાવ, પડો, છોલાવ કે હાથપગ ભંગાય તેનો મતલબ એ નથી કે તમે ચડવા માટે લાયક નથી.
આજે જેમના નામ વિના ઉર્દૂનો મુશાયરો પૂરો નથી થતો તેવા ભારતના જ નહીં, વિશ્વના મહાન શાયર ગાલિબ પહેલા મુશાયરામાં સદતંર નિષ્ફળ ગયેલા. તેમને બહાદુરશાહ જફર તરફથી રાજદરબારના મુશાયરામાં તેડું આવ્યું.

મુશાયરામાં જે કવિએ કવિતા વાંચવાની હોય તેની સામે શમ્મા મુકવામાં આવતી. ગાલિબની સામે શમ્મા મુકાઈ, તેમણે ગઝલ શરૂ કરી.
नक़्श फ़रियादी है किस की
शोख़ी-ए-तहरीर का
काग़ज़ी है पैरहन हर
पैकर-ए-तस्वीर का
ગઝલ બોલાય ત્યારે સાથેના શાયરો તેને દાદ દઈને ગઝલને ઉઠાવે, પણ ગાલિબના પઠન બાદ એવું કશું જ થયું નહીં. તે થોડા નિરાશ પણ થયા. તેમણે બીજો શેર શરૂ કર્યો.
काव काव-ए-सख़्त-जानी हाए-तन्हाई न पूछ
પહેલી પંક્તિ બોલ્યા પછી કોઈ જ રિસ્પોન્સ ન આવ્યો. ઊલટાના ઓડિયન્સમાં એક પ્રકારનો અણગમો આવી ગયો. ગાલિબે કહ્યું, “મિસરા ઉઠાઈએ હઝરાત.”
ત્યાં બેઠેલામાંથી એકે કહ્યું, “હમ સે તો ઊઠતા નહીં. બહોત ભારી હૈ, તો કુલી બુલા લીજિયે.” સભામાં બધા દબાયેલા મોઢે હસી પડ્યા.
ગાલિબે કહ્યું, “મક્તા પેશ કરતા હૂં.” શહેનશાહે કહ્યું, “આપને ગઝલ પૂરી નહીં કી મિર્ઝા.” ગાલિબે કહ્યું, “હુજૂર કુલી નહીં મિલે.”
બાજુમાં બેઠેલા મુફ્તીસાહેબે પૂછ્યું, “ક્યા ગઝલ મેં દો હી શેર થે? મત્લા અને મક્તા?” ગાલિબે કહ્યું, “ગઝલો તો પૂરી થી, પર પહેલા મિસરા હી ઇતના ભારી થા કિ ઉઠાના મુશ્કિલ હો ગયા. બાકી અશઆર સુના દેતા તો શાયર, હઝરાત કા ઊઠના હી મુશ્કિલ હો જાતા.” ગાલિબ ત્યાંથી અડધો મુશાયરો છોડીને જતા રહ્યા.
પહેલા પગથિયે ઠેશ ખાધેલા શાયર આજે વિશ્વના મહાન શાયરોમાં પહેલા પગથિયે બિરાજે છે. ગુજરાતીના ગાલિબ ગણાતા મરીઝે તો પહેલાં નહીં, અનેક પગથિયે ઠેસ ખાધેલી. તેમની રજૂઆત સાવ નબળી. ઘાયલસાહેબે લખ્યું છે,
એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર
રજૂઆત વગર સારી ગઝલ પણ રંગ બતાવી શકતી નથી. મરીઝના કેસમાં પણ એ જ થતું. એક મુશાયરામાં તો હદ થઈ ગયેલી.
મુંબઈના કાંદિવલીમાં મુશાયરો. ગુજરાતી ભાષાના ધુરંધર શાયરો મંચ પર. સંચાલન સંભાળતા હતા સૈફ પાલનપુરી. એ મુશાયરામાં જલન માતરીએ તરખાટ મચાવી દીધો.

એકથી એક ગઝલ એવી ઉત્તમ રીતે રજૂ કરી કે શ્રોતાઓએ તેમને ચારથી પાંચ વખત બોલવા ઊભા કર્યા. જલનસાહેબની આવી તોફાની રજૂઆત પછી મરીઝને રજૂ કરવામાં આવ્યા. મરીઝ માઇક પર આવ્યા.

એક શેર બોલ્યા, ત્યાં તો મુશાયરો સાવ તળિયે બેસી ગયો. બીજો બોલ્યા ત્યાં ઓડિયન્સમાં કંટાળો ફરી વળ્યો. ત્રીજામાં તો બગાસાં ખાવા લાગ્યા. ચોથો શેર બોલતા તો ઓડિયન્સમાંથી એક માણસ બોલી ઊઠ્યો, “બેસી જાવ, બેસી જાવ… બહુ થયું.”
મરીઝે જવાબ આપ્યો, “તમે બેસી જવાની વાત કરો છો, મને તો ઊંઘ આવે છે.” પેલો માણસ કહે, “તો પછી અહીં કેમ આવ્યા?” મરીઝ કહે, ”પુરસ્કાર લેવા.”
આ દરમિયાન જલનસાહેબ ઊભા થયા. માઇક પકડ્યું, ત્યાં તો તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. જલનસાહેબ ફરી બોલવા ઊભા થયા એનાથી ઓડિયન્સમાં ઉત્સાહ આવી ગયો. તેમણે મરીઝને પ્રેમથી બેસાડ્યા અને કહ્યું, મરીઝસાહેબ, મને એકાદ મિનિટ બોલવા દો.
મરીઝ બાજુમાં ખસી ગયા. જલનસાહેબે એક મુક્તક રજૂ કર્યું. ત્યાં તો ઓડિયન્સ ગેલમાં આવી ગયું. તાળીઓથી હોલ છલકાઈ ગયો. બીજું મુક્તક રજૂ કર્યું. ઓડિયન્સમાં વાહ વાહ ને દોબારા દોબારા થઈ ગયું. આખી મહેફિલમાં ધૂમ મચી ગઈ. ત્યાં તો જલનસાહેબ અટકી ગયા.
ઓડિયન્સને થયું આટલી મજા આવી છે ત્યાં ક્યાં અટક્યા. જલનસાહેબે કહ્યું, “તમે હમણાં જેમનું અપમાન કરીને બેસાડી દીધા, એ જ શાયરેઆલમના આ બધા શેર છે. મારું કશું નથી. એમને પાછા માનભેર બોલાવો અને શાંતિથી સાંભળો. એ આપણી ભાષાના મહાન શાયર છે.”
મરીઝસાહેબ ફરી માઇક પર આવ્યા અને પોતાની ગઝલો રજૂ કરી. ઓડિયન્સ હવે એક નવા જ વિશ્વમાં પ્રવેશી ચૂક્યું હતું. મંચ પરની રજૂઆતમાં નિષ્ફળ ગયેલો આ શાયર આજે ગુજરાતી ભાષાનો પ્રથમ નંબરનો ગઝલકાર છે.
અમિતાભ બચ્ચન જ્યારે તેમની કારકિર્દીનાં પગથિયાં ચડી રહ્યા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ આકાશવાણીમાં કામ માગવા ગયા ત્યારે તેમને એમ કહેવામાં આવ્યું કે તમારો અવાજ બહુ જાડો છે, રેડિયો પર ન ચાલે.
આજે આખી દુનિયા તેમના અવાજની દિવાની છે. ફિલ્મોમાં કામ માગવા ગયા ત્યારે હિરોઈન સાથે મેચ ન થતા, તેમની ઊંચાઈ જોઈને ડાયરેક્ટર મુંઝાઈ જતા. રાજકુમાર તો તેમનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે નામ લીધા વિના એમ કહેતા, કહીં તુમ ઉસકી તો બાત નહીં કર રહે, જિસકે પાંવ ગરદન સે શુરૂ હોતે હૈ!
આજે અમિતાભ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક છે. જિંદગીમાં કારકિર્દીના કે સંબંધનાં, અભ્યાસના કે સંશોધનના, નોકરીના કે બિઝનેસના પગથિયે તમારું પગલું મૂકો ત્યારે ઠોકરથી ન ગભરાતા. ઠોકર તો વાગશે જ. હા, તેનાથી સચેત જરૂર રહેતો. અને જો કોઈ ઠોકર આવે જ નહીં, તો વધારે સચેત રહેજો. હર્ષ બ્રહ્મભટ્ટનો એક શેર છે ને-
એ ગમે ત્યારે ગબડવાનો જ છે
એના રસ્તામાં કોઈ ઠોકર નથી
ઠોકર એ તો રસ્તાનો શણગાર છે. તેના વિના મંઝિલનો આનંદ સાવ ફિક્કો છે.
***