‘સન્નાટા’: હિંદી વાર્તાઃ માલતી જોષી ~ “સન્નાટો”: ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

ઉત્તરા અરીસામાં પોતાનું રૂપ જોઈને મુગ્ધ થઈ ગઈ. જરા અમસ્તા મેકઅપના ટચથી તો જાણે એ સાવ બદલાઈ ગઈ. જોઈને કોઈ તો કહે કે એ પચાસની ઉંમરે પહોંચી હશે! હા, આગળ એકાદ બે સફેદ વાળ દેખાય છે, પણ એનાથી તો વળી સૌંદર્યમાં ગરિમા ઉમેરાઈ છે.

હમણાંથી એના દિવસો ઘર અને કામની વ્યસ્તતામાં જ પૂરા થઈ જતા. કલાકો સુધી આઈનામાં ચહેરો જોવાવાળી ઉત્તરાને પોતાની ઝલક જોવાનોય માંડ સમય મળતો. એનાં રૂપની તો કૉલેજમાં ચર્ચાઓ ચાલતી. આ રૂપથી તો ગિરીશ આકર્ષાયો હતો અને એ દાન-દહેજ વગર આવા મોટા ખાનદાનમાં આવી ગઈ હતી.

મોટા ખાનદાન શબ્દથી જાણે દાંત નીચે કોઈ કડવી ચીજ આવી ગઈ હોય એવું લાગ્યું. આ વીતી ગયેલા સમયની સ્મૃતિની યાદ જરાય મીઠ્ઠી તો હતી નહીં  એટલે આ ક્ષણે એ ભૂતકાળ યાદ કરીને મન ખાટું થવા ન દેવું હોય એમ એ ત્યાંથી ઊભી થઈને કપડાંના કબાટ સામે ઊભી રહી.

દરેક સમય કે પ્રસંગને અનુરૂપ સાડીઓની પસંદગી પણ ક્યાં સરળ હતી? ઉત્તરાને નિશિ યાદ આવી ગઈ. નિશિ એટલે એની મોટી દીકરી. નિશિ ખૂબ ઉત્સાહી અને ચીવટવાળી હતી. અત્યારે નિશિ હોત તો સાડીથી માંડીને એને મેચિંગ એક્સેસરી પણ એણે તૈયાર કરી રાખી હોત.

ઉફ્ફ.. આ છોકરીઓ, પરણે એટલે પીયરની માયા આટલી જલદી કેમ સમેટી લેતી હશે? હવે તો નિશિને એનું ઘર અને એનાં બે બાળકો..બસ, એમાં જ એની દુનિયા પૂરી થઈ જતી.

ઉત્તરાએ પી.એચ.ડી કર્યું ત્યારે નિશિ સોળ વર્ષની હતી પણ એ બધું જ સાચવી લેતી. એમ તો ઘરમાં આશુ છે, પણ એ તો એના પપ્પાની જ આસપાસ.

અત્યારે ઉત્તરાએ ફંકશનમાં જવા તૈયાર થવા આશુને બોલાવી પણ પપ્પાને તાવ છે એવા બહાને આશુએ ફંકશનમાં જવાની ઘસીને ના પાડી દીધી. અને ગિરીશની તો હવે એણે અપેક્ષા જ છોડી દીધી હતી. ક્યાંય પણ જવાનું હોય, કશું પણ કરવાનું હોય એટલે તાવ ચઢી જતો. અને કંઈ ના થયું હોય તો છેવટે પીઠમાં દુઃખાવો થયો જ હોય. નિશિના લગ્ન સમયે તો એ હોસ્પિટલમાં જ દાખલ થઈ ગયો હતો. નિશિએ ગિરીશની બરાબર નાડ પારખી લીધી હતી. એ કોઈ પણ જાતની જવાબદારી લઈ શકે એમ નહોતો કે પછી લેવા માંગતો જ નહોતો.

ગિરીશની માને પાંચ દીકરીઓ થઈ એ પછી આ એક માત્ર દીકરો હતો.  ગિરીશને એની માએ એટલા તો લાડ લડાવ્યા હતા કે એનામાં વાસ્તવિકતા સામે ટકવાની શક્તિ કેળવાઈ જ નહોતી.

ગિરીશને કંઈ થાય તો મા આખા ઘરને માથે લઈ લેતી. માના અવસાન પછી જાણે ગિરીશ નિરાશ્રિત બની ગયો. મા જેવી કાળજીની એણે ઉત્તરા પાસેથી અપેક્ષા રાખી હતી પણ ઉત્તરા કેટલું સંભાળે? એ જાણી ગઈ હતી કે વાડીવજીફા, ઘરની બહાર મૂકેલી ગિરીશના નામની વકીલાતની તખ્તી દેખાડા પૂરતી હતી. ઉત્તરા તો વર સંભાળે કે ઘર? અને એટલે જ તો નોકરી એનો શોખ નહીં આવશ્યકતા બની ગઈ હતી. ઉત્તરા તરફથી પોતાની સેવા બાબતે નિરાશા સાંપડતા ગિરીશે નાની દીકરી આશુનો પાલવ પકડી લીધો. આશુ હતી તો દીકરી, પણ હવે જાણે ગિરીશની મા બની રહી.

આ ક્ષણે ઉત્તરાનું મન અનેક વિચારોથી ઘેરાઈ ગયું.

પણ હવે વધુ વિચારવાનો સમય રહ્યો નહોતો. ફંકશનમાં જવા સતીશ એને લેવા આવી ગયો હતો. સતીશ મઝાનો યુવક હતો. એને આશુ ગમતી હતી પણ આશુને તો એના પપ્પા સિવાય કોઈની ગણતરી જ નહોતી. આશુના મનમાં એના પપ્પાની એકલતાના ભયે એટલી હદે ભરડો લઈ લીધો હતો કે એ પોતાના વિશે વધુ વિચારતી શકતી જ નહોતી.

ગિરીશ અને આશુના વિચારોમાં કૉલેજ આવી ગઈ. પોર્ચમાં એના સ્વાગત માટે સૌને ઊભેલાં જોયાં. ઉત્તરાની જ કૉલેજમાં એ આજે મહેમાન હતી. એનું સન્માન થઈ રહ્યું હતું. ઉત્તરાનું ગૌરવ સૌનું ગૌરવ બની ગયું હતું.

વર્ષોના અનુભવ પછી ઉત્તરાએ એક પુસ્તક લખ્યું હતું. ‘ભારતીય નારીની સામાજિક ચેતનાઃ ઉદય અને વિકાસ’. ઉત્તરાએ એ પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારાય એથી વધુ અપેક્ષા સેવી પણ નહોતી અને એનાં પુસ્તકને અકાદમી અવૉર્ડ મળ્યો. રાજ્યકક્ષાએ પુસ્કારનો સમારંભ આવતા મહિને હતો પણ કૉલેજમાં તો એ પહેલાં જ સન્માનનો કાર્યક્રમ ગોઠવાયો.

ફૂલોથી સજાવેલા હૉલમાં ઉત્તરા પ્રવેશી ત્યાં આચાર્યે ઊઠીને એનું સન્માન કર્યું. એ જરા સંકોચાઈ ગઈ. અને પછી તો સ્તુતિ, ફૂલહાર, પ્રસંશા, વીણાપાણિની મૂર્તિથી સન્માન…

એ વિચારતી રહી કે આશુ કે એના પપ્પા અહીં હોત તો એમને ખબર પડત કે ઘરની બહાર એનું કેટલું સન્માન થઈ રહ્યું છે! જે દિવસે એને કૉલેજના ફંકશન માટે આમંત્રણ આપવા આવ્યા ત્યારે પણ ગિરીશ કેવા દયામણા અવાજે બોલ્યો હતો!

“હા ભાઈ, અમે તો ઉત્તરાને પૂરેપૂરી સ્વતંત્રતા આપી દીધી છે. કહ્યું છે કે ઘરનું અમે સંભાળી લઈશું. ઘરની અને અમારી ચિંતા કર્યા વગર તું તારા વિષય પર ધ્યાન આપ. અમે વિદ્વાન તો નથી પણ આવી રીતે એનાં કાર્યના સહયોગી બનવા પ્રયત્ન કરી શકીશું ખરા..”

ત્યારે તો ઉત્તરાને થયું કે બધાની હાજરીમાં જ ગિરીશનો દંભભર્યો એ નકાબ ચીરી નાખે, પણ એણે પોતાની ચીઢ મનમાં જ દબાવી દીધી. ગૃહસ્થીનું નાટક પણ સંભાળી લેવું પડે છે.

આ ક્ષણે એ પ્રસંગની યાદથી એ અતિ વિહ્વળ બની ગઈ. એના સન્માનનો આનંદ અને ઉત્સાહ ઓસરી ગયો અને જ્યારે એના વક્તવ્યનો સમય આવ્યો ત્યારે આગલી રાત્રે તૈયાર કરેલી સ્પીચના શબ્દો પણ એને યાદ ન આવ્યા. પહેલી વાર એને કાગળની જરૂર પડી. સમારંભમાં એને સાંભળવા ઉત્સુક સૌને લાગ્યું કે એ અતિ ભાવવિભોર બની ગઈ છે, બાકી એ તો સાક્ષાત સરસ્વતી છે. એને વળી શબ્દોની શી ખોટ?

ફંકશનના સમાપન પછી અડધા ડઝન જેટલા લોકો એને ઘર સુધી મૂકવા આવ્યા હતા. ઉત્તરાને અર્પણ થયેલા ફૂલહાર, ભેટ સામગ્રી એમની પાસે હતી.

ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો બંધ હતો.

નીકળી ત્યારે કોઈ એને વિદાય આપવા ઊભું નહોતુ કે નહોતું અત્યારે કોઈ એને આવકારવા હાજર.

“ફરી અભિનંદન, મેડમ. હવે અમે જઈએ.” સાથે આવેલા ટોળામાંથી કોઈ બોલ્યું.

બંધ બારણેથી જ ચાલ્યા જશે આ લોકો? જાણે વિખૂટા પડી જવાનો, એકલાં પડી જવાનો ભય એને ઘેરી વળ્યો. “અરે! આવી આનંદની ક્ષણો પછી હવે ફરી એ સાવ એકલી?”

આ એકલતાના ઓથારથી બચવા એણે સૌને રોકવા પ્રયાસ કર્યો.

“અરે, એક એક કપ કૉફી તો પીતા જાવ.”

અને એણે એટલા જોરથી દરવાજાની ઘંટડી દબાવી, જાણે કે ઘર અને એનાં મનની અંદરનો સન્નાટો ચીરી ના નાખવો હોય?

~ ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

આપનો પ્રતિભાવ આપો..

One Comment