આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૧૮ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૧૮
પ્રિય દેવી,
તેં કહ્યું તેમ મારા લખવામાં અંગ્રેજી શબ્દો વધારે આવે છે એનું કારણ એ છે કે હું અહીં ઈન્ટરપ્રીટરનો જોબ કરતી હોવાથી જે શબ્દો રોજિંદી વાતચીતમાં વપરાતા હોય તે વાપરવાથી, આપણી વાતો દરેક ઉંમરની વ્યક્તિ સુધી પહોંચી શકે એવો મારો પ્રયત્ન રહે છે.
તેં મારી ‘કેડી ઝંખે ચરણ’ નવલકથા વાંચી છે અને જો તેં નોંધ્યું હોય તો તેમાં ગુજરાતી શબ્દો વધારે વાપર્યા છે અને ત્યારે અમુક વાચકોનો પ્રતિભાવ એવો હતો કે પરદેશમાં રહેતાં ભારતીયો માટે બને ત્યાં સુધી અમુક શબ્દો અંગ્રેજી વાપરો તો સારું.
આ વાત કરતાં કરતાં આદરણીય રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ યાદ આવી ગઈ, યાર! ચાલ ત્યારે હવે એમનો એક પ્રચલિત સંવાદ લખ્યા વગર કેમ રહેવાય?
બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’
ટિકિટ માસ્તર પારસી હતો, તેણે કહ્યું, ‘શું બકેચ? આય તો તીકીત ઓફીસ છે.’
ભદ્રંભદ્રે ઉત્તર દીધો,’ યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’
ટિકિટ ઑફીસમાં એક હિંદુ હતો તેણે કહ્યું, ‘સોરાબજી, એને ગ્રાંટરોડની બે ટિકિટ આપો. ’ટિકિટ આપતાં સોરાબજી બોલ્યો કે, ‘સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ, કે એ સું બકેચ.’
જોયું? આવું ‘ભદ્રંભદ્રીય’ શુદ્ધ ગુજરાતી વાંચીને હસી જ લીધું હશે અને આપણો કોલેજકાળ યાદ આવ્યો હશે એ પણ નક્કી…
તારી યુ.એસ.ની કેળવણીની પધ્ધતિ અને તેનાથી એશિયનોને (અથવા પર-દેશીઓને) મળતા લાભ સાથે ૧૦૦% સહમત થાઉં છું. પરંતુ એને હું ફ્રી નથી કહેતી કારણ આપણે ભરતાં કરવેરા (ટેક્ષ)માંથી જ એ સુવિધાઓ ઉપલબ્ધ થતી હોય છે. હા, એનો લાભ બધાંને સરખો મળે છે પછી એ ટેક્ષ ભરતાં હોય કે નહીં પરંતુ બાળકો કેળવણીથી વંચિત રહેતાં નથી એ અગત્યનું છે. જ્યારે ભારતમાં ‘ડોનેશન’ને નામે ખુલ્લમખુલ્લા થતો ભ્રષ્ટાચાર, ‘સરકારી સ્કૂલોમાં માત્ર ગરીબ લોકો જ જાય’- એ માનસિકતા, કીન્ડરગાર્ટનથી ટ્યુશન આપતાં શિક્ષકો અને અપાવનારા માતા-પિતાઓએ ભણતરને બોજ બનાવી નાખ્યું છે.
જ્યારે અહીંની પધ્ધતિ બીજા છેડાની છે. બાળકને પ્રાયમરી સ્કૂલના ૪થા સ્ટાન્ડર્ડ સુધી હોમવર્ક જેવું ખાસ હોતું જ નથી. બાળકને બાળપણ માણવાનો સમય મળે છે. અને સાથે સાથે તેં કહ્યું તેમ માનસિક વિકાસ, દરેકની અંદર રહેલી કુશળતાને મળતી તકો અને પ્રોત્સાહન મળવાથી બાળક કોળી ઉઠે છે. અને એ બધી જ વ્યવસ્થા સમાન સ્તરે મળે છે.
માત્ર અહીં ઈંગ્લેંડમાં ફેર એ છે કે, ‘પબ્લિક સ્કૂલ’ એટલે ‘પ્રાયવેટ સ્કૂલ’ જેમાં ફી આપીને જવાનું હોય અને સ્ટેઈટ સ્કુલ-જેને પબ્લિક સ્કુલ કહેવામાં આવે છે – તેમાં ફી આપવાની હોતી નથી. (આમ તો ટૅક્ષમાં એનો સમાવેશ કરી જ લેવામાં આવે છે). ‘
તને આશ્ચર્ય થશે કે મોટા ભાગની આ પ્રાયવેટ સ્કૂલોમાં જવાવાળાં બાળકો ધનાઢ્ય પરિવારમાંથી જ આવે છે અને તેમાં ૬૦થી ૭૦% એશિયનોનાં બાળકો હોય છે. એની એન્યુઅલ ફી ૧૦,૦૦૦ પાઉંડથી શરૂ કરી ૧૪,૦૦૦ પાઉંડ સેકંડરી સ્કૂલની ફી હોય છે.
તું હવે સ્કૂલમાં કામ કરે છે એટલે તારું વલણ અત્યારે વધારે સ્કૂલ તરફનું, જ્યારે મેં સામાજિક કાર્યકર તરીકે, યુથ વર્કર તરીકે અને મેડિકલ ફિલ્ડમાં – ખાસ કરીને કાર્ડિયાક રીહેબોલિટેશન અને ડાયાબિટિસના અવેરનેસ એજ્યુકેટર તરીકે કામ કર્યું હોવાથી આપણને વાતો કરવાનાં વિષયોની કમી ક્યારેય આવશે નહીં.
તું ગેસ-લીકિંગને કારણે થતી આગની મોટી હોનારતમાંથી બચી ગઈ એ અગત્યની વાત અને એને માટે ઈશ્વરનો આભાર માની લઉં.
હા, સવલતો ખૂબ જ સહેલાઈથી અને ખૂબ ઝડપથી મળે છે એ નક્કી. એના કારણોમાં મને એમ લાગે છે કે હાયર ટૅક્ષ સિસ્ટમ, પ્રમાણમાં ઓછી થતી ટૅક્ષચોરીઓ, કામની સિસ્ટમેટિક વહેંચણી અને લીધેલી જવાબદારી પ્રત્યેની પ્રામાણિકતા મહદ્ અંશે ભાગ ભજવે છે. પરંતુ એ પણ ભૂલવું જોઈએ નહી કે આખી સમાજ રચના જ ભિન્ન છે.
સામાજિક અને વ્યવહારિક રીત-રિવાજો, ન-કામના ખર્ચ વિગેરેને પહોંચી વળવા માટે યેન-કેન પ્રકારે ઊભી કરવી પડતી આર્થિક ગોઠવણ અને એને લીધે લાંચ-રુશ્વત લેવાની શરૂઆત… આમ વધતી જતી એક તૂટે નહી એવી સાંકળ છે. જોકે હવે ભારતમાં ખાસ કરીને નવી પેઢીમાં દેખાતાં સર્જનાત્મક ફેરફાર અશાસ્પદ છે.
હવે કવિ શ્રી સુરેશભાઈ દલાલની એક મૈત્રી વિશેની કવિતા લખી વિરમું ને?
તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
તું મૈત્રી છે.
તું થાક્યાનો વિસામો છે,
રઝળપાટનો આનંદ છે,
તું પ્રવાસ છે, સહવાસ છે:
તું મૈત્રી છે.
તું એકની એક વાત છે,
દિવસ ને રાત છે,
કાયમી સંગાથ છે:
તું મૈત્રી છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છે,
મિલનમાં છત્ર છે,
બસ,તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.
તું બુદ્ધનું સ્મિત છે,
તું મીરાંનું ગીત છે,
તું પુરાતન તોયે નૂતન
અને નિત છે:
તું મૈત્રી છે.
તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
તું મૈત્રી છે.
વધુ આવતા પત્રમાં..
નીનાની સ્નેહયાદ.