ચૂંટેલા શેર ~ અદી મિરઝાં

છે એટલો જ ફેર અમારા સ્વભાવમાં
હું એક જગાએ સ્થિર, ને એ આવજાવમાં
*
અમને હવે તો થોડા પ્રસંગો જ યાદ છે
એ આવશે તો આખી કથા યાદ આવશે
*
એક એને આપવો પડશે અદી
દિલના બે ટુકડા કરીને રાખજો
*
સરનામું હું તો મારું બધે પૂછતો હતો
છોડી ગયા છે લોક તારા દ્વાર પર મને
*
અંત વેળાએ જ યાદ આવ્યું નહીં
નહીં તો તારું નામ તો મોં પર હતું
*
બધા માટીથી, જન્મેલાઓ માટીમાં નથી મળતા
ઘણા તો જિંદગીની ભીડમાં ખોવાઈ જાએ છે
*
શું જાણે એ સવાલ હતો એની આંખમાં
આખું જીવન વિતાવી દીધું છે જવાબમાં
*
લઈ જવો છે તો મને લઈ જા, એ મોત!
રોજ કાં આપે છે કંટાળો મને!
*
આ મોતને શી ઉતાવળ છે આજકાલ, અદી
જુઓને એક પછી એક જાય છે મિત્રો!
*
હું તો શાયર છું, ઓ મારા દોસ્તો
જ્યારથી જન્મ્યો છું, સપના જોઉં છું
*
પછી જ ફૂલ ને કાંટાઓમાં તિરાડ પડી
સંબંધો સારા હતા બેઉના વસંત સુધી
*
આવો જરીક ઈશ્વરને પૂછીએ
એની હિફાજત કોણ કરે છે?
*
જો ખુદા, હું પણ હવે કોઈ ગુનાહ કરતો નથી
તું વિચારી લે હવે તારી દયાનું શું થશે?
*
એ જઈને ફરી આવવાના નથી
વડીલોની ખિદમત કરો દોસ્તો
*
સૂરજને ઊગવાની રજા આપજે પછી
માલિક, તું પહેલા જોજે મારી આંખ તર ન હો
*
જે માનવીથી દૂર જગતમાં બધા હશે
એ માનવીને શોધ, એ તારો ખુદા હશે

~ અદી મિરઝાં

આપનો પ્રતિભાવ આપો..