ઉસને બોલા કેમ છે, કેમ છે, કેમ છે ? ~ કટાર: બિલોરી (૧૪) ~ ભાવેશ ભટ્ટ
આ ‘કેમ છો’ પ્રશ્ન આપણી સંસ્કૃતિનું એક અંગ છે. રોજિંદા જીવન વ્યવહાર સાથે સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ અને મહિમા થતો હોય છે. સૌ પોતપોતાની રીતે બધા પ્રકારમાં એને મૂલવવાનો પ્રયાસ કરતા રહે છે.પણ દરેક જગ્યાએ ‘કેમ છો’ની વિભાવના વાંચીને એના વિશે કૈંક વધારે ને વધારે જાણવાની ઈચ્છા જાગતી રહી, તૃપ્ત ન થવાયું. એટલે આજે એમ થયું કે બધા સ્વરૂપમાંથી બહાર કાઢી વાતચીત માફક ‘કેમ છો’ની કૈંક વાત કરીએ.
આમ તો એકબીજાના હાલહવાલ પૂછવા માટેનો આ સંવેદનાભર્યો પ્રશ્ન છે.જે આજે કેવળ હાય, હેલો અને ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ જેવા ફિક્કા ઉદ્બોધન સુધી મર્યાદિત થઈને રહી ગયો છે. તો એવો વિચાર આવે કે પહેલા આ ‘કેમ છો’નું મૂલ્ય કેટલું હશે? તો આનો કોઈ ઇતિહાસ તો લખાયેલો નથી કે એની બાયોગ્રાફી વિશે જાણી શકાય, પણ એટલું ચોક્કસ કહી શકાય કે અત્યાર કરતા તો પહેલા એની અર્થપૂર્ણતા વધારે જ હશે.
કેમ કે ‘સ્ટોક એક્સચેન્જ’ની ભાષામાં કહીએ તો અત્યારે તો એણે ‘લાઈફની લો’ તોડી છે, મતલબ આજ સુધીમાં કયારેય આટલો તળિયે નહોતો ગયો.એટલે અત્યારે એણે જે કૃત્રિમતા ધારણ કરી છે એના કરતા તો એનું સ્થાન ઊંચું જ હશે એ નક્કી છે.
આપણી પરંપરામાં આમ તો ‘નમસ્તે’ કે ‘નમસ્કાર’ પછી આ ‘કેમ છો’ બોલાતું હતું જે આજે બહુ જ ઓછું જોવા મળે છે. વ્યસ્ત જમાનામાં મોટેભાગે નમસ્તે ને નમસ્કારનો છેદ ઉડાડીને સીધું ‘કેમ છો’ આવી જાય છે.
દરેક સંબંધમાં એનું સ્થાન જુદા જુદા રંગરૂપ ધરાવે છે. ક્યાંક લાગણીથી, ક્યાંક ઔપચારિકતા માટે, ક્યાંક કટાક્ષ કરવા વગેરે.. જો એનાલિસિસ કરવામાં આવે તો મોટાભાગના ‘કેમ છો’ સામેવાળા પાસે ‘સારું છે’ સાંભળવા જ બોલાય છે. એ સામેવાળાની સ્થિતિ સારી છે જાણીને ખુશ થવા નહીં પણ એ સ્થિતિ સારી ન હોય તો પોતે નાછૂટકે બે આંખની શરમ રાખવા મદદગાર બનવું પડે એનો ડર હોય છે.જ્યારે સામેવાળો ‘સારું છે’ બોલી કાઢે એવી તરત એમને એક ‘છટકબારી’ મળી જાય છે અને એ આગળ વધી જાય છે.
આમ તો છટકબારી વિશે એક આખો આર્ટિકલ થઈ શકે એવો છે પણ અત્યારે આ ક્ષણે યાદ આવી રહ્યું છે કે થોડા વરસો પહેલા પરેશ રાવલની ‘ઓ માય ગોડ’ ફિલ્મ આવી હતી.
તેમાં મંદિરમાં પૈસા દાનમાં ન આપી ને કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ એવું બતાવ્યું હતું.ત્યારે એટલા બધા એવા લોકોએ આ વાતને ખૂબ સપોર્ટ કર્યો હતો જેમણે ક્યારેય કોઈ મંદિરની દાનપેટી તરફ નજર સુધ્ધાં નહોતી કરી.એટલે છટકબારી શોધવી આપણા સ્વભાવમાં રહેલી બાબત છે જે આમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
એક મિત્ર કાયમ લાગણીશીલ આંખો કરીને એવું પૂછતાં રહેતા કે ‘કેમ છે?’
એક વાર મેં સાચું કહી દીધું કે ‘નથી કૈં બરાબર’, તો તરત સ્હેજ હસીને એમણે કીધું કે ‘ભઈ બરાબર તો મુકેશ અંબાણીને પણ નથી હોતું, એમાં આવું શું બોલવાનું ?
‘કોઈનું ‘કેમ છો’ તો આપણે પૃથ્વી ઉપર કેમ છીએ એની પ્રતીતિ કરાવતું હોય એમ પૂછાતું હોય છે. તો કોઈ, સંબંધ સાવ તૂટ્યો નથી એની ટાપશી પુરાવવાની જેમ એક નાજુક તાંતણા સમું ‘કેમ છો’ પૂછી ને આઘા ખસી જાય છે.
કેટલાક તો તમને એડ્સ કે કોરોના થયો હોય ને તમને એ પાસે આવતા રોકતા હોય, એમ સલામત અંતરથી હાથનો પંજો બતાવીને દૂરથી ચૂંથાયેલા સ્મિત સાથે ‘કેમ છો’ બબડવાની જેમ બોલે છે.
જ્યાં સુધી તમારા લાગતા વળગતાઓને પૂછવાની વાત હોય છે તો લગભગ તો બધાને બધાની સ્થિતિ ખબર જ હોય છે. આપણા લોવર મિડલ ક્લાસમાં એંસી ટકા ઉપર દરેક ઘરમાં આર્થિક પ્રશ્ન રોજ સૂર્યની જેમ ઉગતો હોય છે. જો સાચી ચિંતા જ હોય તો એને પૂછ્યા વગર જ એની આર્થિક મદદ કરી દેવી જોઈએ. એને પૂછીને એની ન બોલી શકવાની શરમનો કોળિયો બનાવી પોતાની ફરજ બજાવી દીધાનો ઓડકાર ન ખાવો જોઈએ.
સદાય પૂછે ‘કશું કામ હોય તો કહેજે’
ને પાછી હોય ખબર કે શું કામ છે એને!
એટલે આમ તો આવા ‘કેમ છો’ના સિક્કા સામે જીતવું બિલ્કુલ સહેલું નથી હોતું. આ સિક્કો બેમાંથી કોઈ પણ બાજુ પડે, પૂછવાવાળો જ જીતે છે. કેમ કે મોટેભાગે આ શબ્દો નિર્જીવ અને દાંભિક જોવા મળે છે, અને એને પાછું માણસાઈની ઓળખ ગણવામાં આવે છે.
એટલે પ્રેમના ઢાઈ અક્ષરની જેમ ‘કેમ છો’ના ત્રણ અક્ષરોએ પણ દરેક હૃદયમાં પોતાનું શંકાશીલ અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. દુનિયાની કોઈ પણ ભાષામાં બોલાતો આ પ્રશ્ન એક સમાન સ્વરૂપ, સ્વભાવ, અને ઈરાદા ધરાવે છે.
હવે આના બનાવટીપણાના કારણ વિશે જો વિચારીએ તો એમ લાગે છે કે જે પ્રશ્ન પોતાની જાતને જો પ્રામાણિકતા ને સહજતાથી ન પૂછી શકતા હોઈએ તો બીજાને પૂછવામાં નિખાલસતા ક્યાંથી આવવાની?
જેમ ચિનું મોદીએ લખ્યું છે,
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ જ પૂછવાનું કામ મારું છે
કેમ છો ? સારું છે ?
જો દર્પણની સામે આંખમાં આંખ મિલાવી તમે ચિંતા ને લાગણીથી પૂછી શકતા હોવ તો જ તમે બીજા કોઈને એવી શુદ્ધતાથી પૂછી શકશો. બાકી તો ‘કેમ છો’નો આ તમાશો જ્યાં સુધી આ તમશાખોર દુનિયા છે ત્યાં સુધી ચાલવાનો જ છે. બસ એટલો ડર કાયમ રહે છે કે આ બધા દંભ અને ઘોંઘાટમાં કોઈ સાચા દિલથી નીકળેલા ‘કેમ છો’ને ઓળખી નહીં શકવાનું પાપ કોઈનાથી ન થઈ જાય!
***
“આપણી પરંપરામાં આમ તો ‘નમસ્તે’ કે ‘નમસ્કાર’ પછી આ ‘કેમ છો’ બોલાતું હતું જે આજે બહુ જ ઓછું જોવા મળે છે. વ્યસ્ત જમાનામાં મોટેભાગે નમસ્તે ને નમસ્કારનો છેદ ઉડાડીને સીધું ‘કેમ છો’ આવી જાય છે.”✅