શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૩ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન

પ્રકરણ: ૩

વિમાન હવે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યું હતું. શમા બારી ઉપર કપાળ ટેકવીને બાળક જેવા કુતુહલથી સામે દેખાતા ઢળતા સૂરજને જોઈ રહી હતી.

કેટલો મોટો અને કેટલો નજીક લાગતો હતો! આ રહ્યો સામે જ! બાકી સૂરજને તો એણે કાયમ આસમાન ઉપર રાજ કરતો જ જોયો હતો, એની પહોંચની બહાર.

એના નાના ઘરની આંગણાની જમીન ઉપર ઊભા રહીને એ સૂરજ હમેશા દૂર દૂર જ લાગતો હતો. આજે પહેલી વાર એ એની આંખ સાથે આંખ મિલાવી શકતી હતી. શું આ શાદી પછી એની જિંદગી એટલી ઉપર આવી જશે કે એ સૂરજ સાથે વાતો કરી શકે? પોતાના જીવનને એ પોતાની ઈચ્છા પ્રમાણે ચમકાવી શકશે?

વિચારોના જાળામાં ફસાયેલી, સૂર્ય સામે તાકી રહેલી શમાની આંખો બંધ થવા માંડી ત્યારે એને ખ્યાલ આવ્યો કે વધારે પડતી ચમક પણ આંખ માટે સારી નથી. આંખો અંજાઈ જાય તો નજર સામેની વસ્તુઓ પણ દેખાતી બંધ થઇ જાય છે.

એણે થોડો સમય આંખો બંધ કરી દીધી અને ઊંડા શ્વાસ લેતી રહી. ઇન્શાલ્લાહ, બધું સારું જ થશે. જે પ્રશ્નોના જવાબ એની પાસે ન હતા અને હમણાં મળવાના પણ ન હતા એમના વિષે વધારે વિચારવાનું છોડીને શમા સંધ્યા સમયના આકાશના સૌન્દર્યને માણી રહી.

દિવસભરની આકાશની સફર કરીને થાકેલા આફતાબના શરીરમાંથી નીકળતા પરસેવાના રેલા જેવા સોનેરી, કેસરી પટ્ટા નીચે જમીન સુધી પહોંચતા હતા. શમાની આંખો પણ એ કેસરી આભની લપસણી ઉપરથી લપસીને નીચે પહોંચી.

એ હવે નીચે દેખાતા મસ્કત શહેરને જોઈ રહી. અમદાવાદ પણ એણે ઉપરથી જોયું હતું. પણ એ વખતે એનું ચિત્ત એના પાછળ છૂટી ગયેલા ઘરમાં વધારે હતું. તો પણ શહેરની વચ્ચેથી વહેતી નદી, પુલો અને અસંખ્ય હાથવાળા  રાવણના ફેલાયેલા શરીર ઉપરથી કેટલાય માથા ઊંચા થઈને જોતા હોય એવા બહુમાળી મકાનો જોવા તો ગમ્યા જ હતા.

ક્યાંક વળી એ મકાનો હાથ હલાવીને શમાને ‘આવજો’ કહેતાં હોય એટલાં ઊંચા પણ હતાં. ઉપરથી એનું “અંદાવાદ’ સુંદર તો લાગ્યું જ હતું. પણ આ મસ્કત તો ઉપરથી જાણે કોઈ ચિત્રકારે ત્રણ ડાયમેન્શનમાં ચિત્ર દોર્યું હોય એવું સુંદર લાગતું હતું.

ફૂટપટ્ટી લઈને દોર્યા હોય એવા સીધા, પહોળા રસ્તાઓ લાઈટોથી ઝગમગતા હતાં. ભૌમિતિક ડીઝાઈનોની રંગોળીઓની વચ્ચે અસંખ્ય દીવા મુક્યા હોય એવી રીતે વચ્ચે આવેલા મકાનોની લાઈટો શોભતી હતી.

શમાને હતું કે મસ્કત તો અરબસ્તાનના રણ પ્રદેશનો એક ભાગ એટલે વૃક્ષો તો અહીં હશે જ નહીં. પણ એની ધારણાથી ઊલટું, વિમાન થોડું વધારે નીચે ઊતર્યું એટલે એને વૃક્ષો પણ દેખાવા માંડ્યા. શમા પલક પણ માર્યા વિના આ નવા દેશનું વિહંગાવલોકન કરી રહી હતી.

એનું પ્લેન જેમ જેમ જમીનની નજીક જતું હતું એમ એમ એનું સૌન્દર્ય વધારે ઊઘડતું જતું હતું. હવે તો શમાને રસ્તાઓ ઉપર સરકતી ગાડીઓ પણ દેખાવા માંડી હતી. ‘અહીં ખાલી ગાડીઓ જ હશે? સ્કુટર કે બાઈક જેવા વાહનો તો દેખાતાં જ નથી! સાઈકલ, હાથલારીઓ, રીક્ષા, કશું જ નહીં! રસ્તા ઉપર છેકથી છેક સુધી ગાડીઓ છે પણ કેવી સીધી લાઈનમાં ચાલે છે! અદ્ભુત! અહીં રહેવાની તો મજા જ આવશે.’ શમા પહેલી જ નજરે આ નવા દેશના પ્રેમમાં પડી ગઈ હતી.

વિમાન લગભગ જમીનની પાસે જ આવી ગયું અને શમાના રંગમાં ભંગ પડ્યો. એને હવે સામે “મસ્કત ઇન્ટર- નેશનલ એરપોર્ટ” લખેલું એરપોર્ટનું વિશાળ મકાન દેખાતું હતું. મેદાનમાં થોડા માણસો પણ હતા. એક ‘ઠપ’ અવાજ, વિમાનના પૈંડા મસ્કતની જમીનને સ્પર્શ્યા અને એ સાથે શમા પણ જમીન ઉપર આવી ગઈ.

આખરે એ એક નવા અજાણ્યા દેશમાં પહોંચી ગઈ હતી, જેને એણે જાણીતો કરવાનો હતો; એક અજાણ્યા માણસ સાથે રહેવાનું હતું જે હવે આ સાથે વિતાવેલા ત્રણ કલાક પછી થોડો થોડો પરિચિત લાગવા માંડ્યો હતો. શમાએ ફટાફટ હાથમાં પકડી રાખેલો હિજાબ પહેરી લીધો.

ખાલીદે ઊભા થઈને ઉપરથી એની નાની હેન્ડબેગ ઊતારી. શમાએ પણ પોતાની બેગ અને પર્સ લઇ લીધાં અને ખાલીદની પાછળ એ પણ સીટમાંથી બહાર નીકળીને વચ્ચેના પેસેજમાં ઊભી રહી ગઈ.

હિજાબ પહેર્યા પછી એને થોડું વિચિત્ર લાગતું હતું. ‘આમાં હૂં કેવી લાગતી હોઈશ?’ ખાલીદે એના કપાળ ઉપર આવી ગયેલી વાળની લટોને જોઈ અને બોલ્યો, ‘બાલ નહીં દિખને ચાહિયે.’

પછી પોતાના હાથથી જ સરખી કરીને એ લટો શમાના હિજાબમાં ખોસી દીધી. શમાને એના કાયનેટીક ચલાવતી વખતે માથા ઉપરથી નીચે સરકી જતો દુપટ્ટો અને પછી હવામાં ઉડતા ખુલ્લા વાળ યાદ આવી ગયા. આ બધાથી ન ટેવાયેલી એ છોકરીને લાગ્યું કે લટોની સાથે એણે ઉપરથી માણેલા સૌન્દર્યનો આનંદ પણ જાણે હિજાબમાં કેદ થઇ ગયો! અત્યારે તો એણે હિજાબ નહીં, પણ ટેન્શન પહેરી લીધું હોય એવું લાગતું હતું.

બારણું ખુલ્યું, રેશમી સાડી પહેરેલી એરહોસ્ટેસ ‘નમસ્તે’ની મુદ્રા કરીને ત્યાં ઊભી રહી ગઈ અને ખાલીદની પાછળ પાછળ શમા પણ નીચે ઊતરી.

નીચે એમને માટે બસ તૈયાર હતી. ફર્સ્ટ ક્લાસના થોડાંક ગણ્યા ગાંઠ્યા મુસાફરો એ બસમાં ગોઠવાયા અને બસ એમને એરપોર્ટના મકાન પાસે લઇ ગઈ. સરકતા કાચવાળા દરવાજામાંથી અંદર પ્રવેશીને શમા આભી જ બની ગઈ. એણે એમના ઘરના નાના ટી.વી. ઉપર ફિલ્મો તો ઘણી જોઈ હતી. કોઈ બહેનપણી ક્યારેક પાર્ટી આપીને થીયેટરમાં લઇ જાય ત્યારે એ મોટા પડદા ઉપર પણ ફિલ્મો જોઈ હતી. ફિલ્મોમાં દેખાડતા એરપોર્ટ પણ જોયા હતાં. પણ આવું તો એણે ક્યારેય ન હતું જોયું.

ફર્શ ઉપર પગ મૂકતાં જ એને લાગ્યું કે આ તો કાચની બનેલી હતી કે શું! આટલી ચોખ્ખી, લીસ્સી અને આટલી બધી ચમકતી! ઉપરની બધી વસ્તુઓ એમાં પ્રતિબિમ્બિત થતી હતી! એને થયું કે આવી બહુ ચમકતી વસ્તુઓમાં જે હોય એના કરતાં બધું ઊંધું દેખાય અને લપસી પડવાનો ડર વધારે રહે. શું ખાલીદ પણ—?

મનમાં સળગતી ફિકરના અંગારામાં એક મોટા ભડકાની જેમ ઊઠેલા આ વિચારને માથું હલાવીને શમાએ ખંખેરી નાખવાનો પ્રયત્ન કર્યો અને બને એટલી ઝડપથી ચાલીને આગળ ગયેલા ખાલીદની પાસે જઈને ઈમીગ્રેશનની લાઈનમાં ઊભી રહી ગઈ.

ઘણા બધા કાઉન્ટર હતા પણ આ ઓમાન દેશના નાગરિકો માટે જુદું જ કાઉન્ટર હતું. બાજુની એક લાઈનમાં ભારતના ઘણા બધા માણસોને ઊભેલા જોઇને શમાને ઘણો જ આનંદ થયો.

એક યુગલ ગુજરાતીમાં વાતો કરતું કરતું ત્યાંથી પસાર થયું. શમાને એમના શબ્દોમાંથી અત્તરની સુગંધ આવી. ‘હૂં જ્યાં રહેતી હોઈશ ત્યાં કોઈ ગુજરાતી હશે?’ હૃદયમાં એક આશાનો આગિયો ચમકીને એને આનંદનું થોડું તેજ આપી ગયો.

એને હૈદ્રાબાદથી એકવાર એમને ઘેર આવેલા એક મહેમાનના શબ્દો યાદ આવી ગયાં. એમને બધાને જોઇને, મળીને એમણે અમ્મીને કહ્યું હતું, “પરવીન, તેરે બચ્ચે તો પૂરે ગુજરાતી હો ગયે હૈ. લગતા હૈ થોડે વક્તકે બાદ હમારી જબાન ભી ભૂલ જાયેંગે. દેખો, આપસમેં તો ગુજરાતીમેં હી બાત કરતે હૈ. ઔર લડકિયાં તો ઠીકસે સર ઢંકના ભી નહીં જાનતી હૈ. ઇતની ભી છૂટ દેના ઠીક નહીં હૈ.”

ત્યારે અમ્મીએ સરસ જવાબ આપ્યો હતો, ‘બચ્ચે તો દેખો પૈદા હી યહાં હુએ હૈ, ઇસી માહોલકો દેખા હૈ તો વો તો ઐસે હોંગે હી. યહાં રહતે હૈ તો યહાંકી જબાન તો સીખ હી લેંગે ને! મૈં ભી તો ગુજરાતી બોલ લેતી હૂં. યહાં રહતે રહતે મૈં ભી યહાંકે લોગ જૈસી હી હોને લાગી હૂં. અબ તો મુજે ભી હૈદરાબાદમેં રહના અચ્છા નહીં લગેગા.’

અમ્મીની મીઠી યાદ આવવાથી શમાના ચહેરા ઉપર એક સ્મિત વીજળીની જેમ આવ્યું અને અદ્રશ્ય પણ થઇ ગયું. એણે વિચાર્યું કે ગુજરાતી નહીં તો કંઈ નહીં, અરે અહીં તો કોઈ ભારતીયનો પડોસ મળશે તો પણ ચાલશે.

ખાલીદનો વારો આવી ગયો હતો. સફેદ કંદોરો અને માથા ઉપર ભરત ભરેલી સફેદ નાની પાઘડી જેવું પહેરીને બેઠેલા યુવાને ખાલીદ સાથે હાથ મેળવ્યો અને હસીને બોલ્યો, ‘સલામ આલેકુમ’.

‘વા આલેકુમ સલામ.’ ખાલીદે પણ હસીને ઉત્તર આપ્યો અને બન્નેના પાસપોર્ટ કાઉન્ટર ઉપર મુક્યા. પેલાએ એમને ખોલીને સ્ટેમ્પ માર્યો અને પાસપોર્ટ પાછા આપતા આંખ મારીને પૂછ્યું, ‘હબીબી?’[પ્રિયા?]

‘આઇવા’ [હા]

પેલો શમા સામે જોઇને બોલ્યો,’ઇન્તી જમીલા.’ [તમે સુંદર છો.]

‘શુકરન’. [આભાર]ખાલીદ પાસપોર્ટ ઊઠાવતાં બોલ્યો અને એણે ઝડપથી ચાલવા માંડ્યું.

શમા પાછળ રીતસરની ધસડાઇ. એણે ખાલીદની નજીક જઈને પૂછ્યું, ‘વો ક્યા કહ રહ થા?’

‘કુછ નહીં.’

પેલાએ જે કહ્યું એ ખાલીદને ગમ્યું ન હતું એ એના ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

શમા એને પૂછવા માંગતી હતી કે પેલાએ આંખ કેમ મારી? પણ પૂછી ન શકી. એણે વિચાર્યું કે અહીં જ રહેવાનું છે તો જલ્દીમાં જલ્દી અરેબીક ભાષા શીખી જવી પડશે.

હવે એ લોકો સામાન લેવાના બેલ્ટ પાસે ઊભા હતા. ટ્રોલી ઉપર હાથ ટેકવીને ખાલીદ શાંતિથી એમનો સામાન આવવાની રાહ જોતો હતો. શમાએ છત તરફ નજર નાખી. આકાશની નીચે જાણે બીજું આકાશ ઊગ્યું હોય એટલી બધી લાઈટો ઉપર ઝગારા મારતી હતી. ઉપરની સીલીંગ પારદર્શક હોય એવી લાગતી હતી અને એમાંથી આછા ભૂરા રંગનો પ્રકાશ આવી રહ્યો હતો.

એરપોર્ટના મકાનની અંદર પણ ખજૂરીના વૃક્ષો હતાં. સાચા હશે કે કૃત્રિમ?  શમાને એમની નજીક જઈને અડીને જોવાનું મન થયું પણ એ કંઇક સીજાઈ ગઈ હોય એમ એની જગ્યાએ જ ઊભી રહી.

ખાલીદ કશું જ બોલતો ન હતો. હજુ તો એણે એના ઘરમાં કોણ કોણ છે એ શમાના પ્રશ્નનો જવાબ પણ આપ્યો ન હતો. હવે તો છેક ઘેર જવાનો સમય આવી ગયો. શમાને કશું સમજાતું ન હતું. ક્યારેક ખાલીદ એનું એટલું ધ્યાન રાખતો, એની સામે એવી રીતે જોતો કે સીધો હૃદયમાં બેસી જશે એવું લાગે અને ક્યારેક આટલો નજીક ઊભો હોવા છતાં માઈલો દૂર લાગતો.

શમા આત્મવિશ્વાસથી ભરેલી છોકરી હતી, પણ અત્યારે તો એનું હૈયું પારેવાની જેમ ફફડતું હતું, પાનખરમાં વૃક્ષથી છૂટા પડી ગયેલા પાંદડાની જેમ મન શંકા-કુશંકા વચ્ચે ઊડાઊડ કરતુ હતું.

સામાન આવી ગયો. એને ટ્રોલીમાં ગોઠવીને ખાલીદ ક્યારે ચાલવા માંડ્યો એ તરફ શમાનું ધ્યાન ન હતું. એ બાજુમાં ઊભેલી બે ગોરી છોકરીઓ તરફ જોઈ રહી હતી. એ બન્નેએ સ્લીવલેસ ટોપ અને નીચે શોર્ટ્સ પહેરી હતી.

શમાને નવાઈ લાગતી હતી. એને તો હતું કે આ મુસ્લિમ દેશ છે માટે આવું નહીં પહેરી શકાતું હોય. પણ આ છોકરીઓએ તો એમના પોતાના દેશમાં પહેરે એવા જ કપડાં પહેર્યા હતા. તો પછી મારે કેમ ફરજીયાત હિજાબ પહેરવાનો?

ખાલીદ કહેતો હતો કે ક્યારેક બુરખો પણ પહેરવો પડશે. અહીંની સ્ત્રીઓ જે પહેરે એ, હૂં તો ભારતીય છું, મારા ગુજરાતમાં તો મુસ્લિમ સ્ત્રીઓ એવી રીતે ફરી શકે કે ડ્રેસ પરથી તો ખબર જ ન પડે કે એ લોકો મુસ્લિમ છે. બાકી તડકાને લીધે માથું –મોઢું તો બધી જ ઢાંકતી હોય. એણે તો ક્યારેય એની અમ્મીને બુરખો પહેરેલી જોઈ જ ન હતી.

ઘણા બધા પ્રશ્નોના વહાણો શમાના મગજના દરિયામાં ઊછળતા હતાં અને અને ખાલીદ જ એમને  કિનારો બતાવી શકે એમ હતો. પણ ખાલીદ પોતે જ અત્યારે તો કંઇક અજબ મૌનની સબમરીનમાં ભરાઈ ગયો હતો.

અચાનક શમાનું ધ્યાન ગયું કે ખાલીદ ત્યાં ન હતો. ક્યાં ગયો? શમાએ  આજુબાજુ નજર ફેરવી. ખાલીદ કેમ દેખાતો ન હતો? એક પળમાં તો હૃદયના ધબકારે ધબકારે ભય વ્યાપી ગયો. ત્યાં તો દૂરથી ખાલીદનો અવાજ સંભળાયો ‘ઇગ્રી!’ [જલ્દી કર]

શમા એ શબ્દને તો ન સમજી પણ એ અવાજમાં રહેલી તાકીદને જરુર સમજી અને ચલાય એટલું ઝડપથી ચાલીને એક કાઉન્ટર પાસે ઊભેલા ખાલીદ પાસે આવી ગઈ. એક તો આ લીસી લીસી ફર્શ અને ઉપરથી આ નવાં ઊંચી એડીના સેન્ડલ. એણે તો એ લેવાની ના જ પડી હતી, ‘અમ્મી, મૈં  જીતની લંબી હૂં વો કાફી હૈ. ઇસસે જ્યાદા હવામેં ઉડનેકા મુજે કોઈ શૌક નહીં હૈ.’ પણ અમ્મીએ જીદ કરીને લેવડાવ્યા હતા. – ‘પરદેસ જા રહી હો, ફેશન તો કરની પડેગી. અબ તુઝે સબ કુછ વો હી કરના હૈ જો તેરે ખાલીદ મિયાંકો પસંદ આયે.’

અત્યારે અમ્મીને ખબર છે કે આ સેન્ડલને લીધે હૂં પાછળ પડી જઉં છું એ જ મારા મિયાંને નથી ગમતું? વારંવાર પાછળ રહી જવાને લીધે શમાનું મોં થોડું છોભીલું પડી ગયું હતું.

ઈમિગ્રેશનમાં ઘણાની બેગ ખોલાવીને જોવામાં આવતી હતી. જો કે એ લોકોને કોઈએ બેગ ખોલવાનું કહ્યું નહીં, બહાર જવાનો મોટો કાચનો દરવાજો એમના નજીક જવાથી બાજુમાં સરક્યો અને ટ્રોલીને ધકેલતા ખાલીદની પાછળ શમાએ એક અજાણી, નવી દુનિયામાં પગ મુક્યો. હવે?

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

  1. જોરદાર નવી દુનિયાનો ઉઘાડ દેખાડતુ પ્રકરણ, લેખકે મસ્કત નું વર્ણન અને મુસલમાની ભાષા બરાબર રજૂ કરી. શમા દ્વારા દેખાતી દુનિયા જોવાની મજા આવી દરેક પ્રકરણે હવે શું થશે એવી જિજ્ઞાસા ચોક્કસ રહે છે.

  2. દિવસભરની આકાશની સફર કરીને થાકેલા આફતાબના શરીરમાંથી નીકળતા પરસેવાના રેલા જેવા સોનેરી, કેસરી પટ્ટા નીચે જમીન સુધી પહોંચતા હતા. શમાની આંખો પણ એ કેસરી આભની લપસણી ઉપરથી લપસીને નીચે પહોંચી.
    વાહ! શું સુંદર કલ્પના…
    આજનાં પ્રકરણમાં શમાના ભાવ, મનોવ્યાપાર ખૂબ સરસ શબ્દોથી સજાવ્યા છે.

  3. રસપ્રદ આલેખન ગિરીમાબેન. દશ્યો નજર સામે આવે છે.

  4. સરસ રીતે વારતા આગળ વધે છે.ભાવિ મુશ્કેલીઓના સંકેતો પણ મળે છે.