|

કેટલાક મનહર શેર ~ મનહરલાલ ચોક્સી

(૨૯.૯.૧૯૨૯ના રોજ જન્મેલા પ્રસિદ્ધ શાયર સ્વ. મનહરલાલ ચોક્સીનો જન્મદિન સાહિત્ય સંગમ અને ચોક્સી પરિવારના ઉપક્રમે સુરતમાં ગઈકાલે ઉજવવામાં આવ્યો. આપણું આંગણું પરિવાર તેમની શેરિયતને વંદન કરી કેટલાક ‘મનહર’ શેર વાચકો સમક્ષ પ્રસ્તુત કરે છે.)

નયનનાં પૃષ્ઠ છે પ્રસ્તાવના, નજર તો કર
હવે તો વાંચ, જીવનની કિતાબ ખોલું છું
*
તું રોમરોમમાં છે, ગતિમાં છે, શ્વાસમાં
જન્માંતરોથી તોય છું, તારી તલાશમાં
*
આ સૂર્ય જેવો સૂર્ય પણ કેવો ગરીબ છે
દરરોજ સાંજે ડૂબી જવાનું નસીબ છે
*
ઉત્સવોની રાહ હું જોતો નથી
તું મળે છે એટલે તહેવાર છે
*
કદી આંસુ, કદી સ્મિતો, કદી હારો, કદી જીતો
જીવનમાં આવ-જા કરતી રહી આ ચારની મોસમ
*
પ્રેમની દીવાનગી એ પ્રેમનો આધાર છે
જિંદગી આખી જીવે છે, કોઈ તો તસવીર પર
*
સંભવના એક ગીતનું શીર્ષક બનાવજો
કંપિત અધરમાં વાંચ્યું હતું મેં કે ‘આવજો’
*
આપનો પગરવ તો પરખાઈ શકે
આપનું હૈયું જ ક્યાં પરખાય છે?
*
સાત જન્મોથી એ વાગોળી હતી
વાત જે એણે કદી પૂછી હતી
*
જરાય સ્પષ્ટ નથી પણ જવાબ વાંચું છું
મને એ ટેવ છે, અક્ષર ખરાબ વાંચું છું
*
શબ્દો જ માત્ર મારા અધિકારના હતા
ગીતોય કોઈનાં છે અને દર્દ કોઈનું
*
કોઈના ઉચ્ચારના આકાશમાં
એક મારા નામની જગ્યા નથી
*
વાતો નદીની કેવી રીતે સાંભળી શકે?
વર્ષોથી જોઉં છું કે આ સાગર બધિર છે
*
આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ
*
દશે દિશામાં મને તો પ્રભુ નજર આવે
તને હું એક દિશાનો જવાબ શું આપું?
*
માટે જ એને માટે મને પક્ષપાત છે
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે
*
ફૂલોય કમનસીબ છે અર્પણ નહીં થયાં
કંપી રહ્યો છે થાળ ને ચંદન ઉદાસ છે
*
કોઈનું મૃત્યુ બને છે કોઈનો અવસર અહીં
ડૂબતા સૂરજને જોવા લોક ભેગા થાય છે
*
સતત તો સાથમાં રહેવાનો કોઈ પડછાયો
નજીક હોવું નિકટતા ગણી શકાય નહીં
*
દુનિયાએ સાથે સ્મિત નહિ કરવા દીધું કદી
આખર ઘડી છે આવ કે ભેટીને રોઈએ

~ મનહરલાલ ચોક્સી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 Comments

  1. -જન્મદિનની સ્મરણાંજલી

    આ મનહરજીના શેરનુ સરસ સંકલન

    માણવાની મઝા આવી