ડિયર પ્રીમિયર ~ કટાર: બિલોરી (૧૦) ~ ભાવેશ ભટ્ટ

આમ તો આપણે ત્યાં ‘ફિલ્મ’ શબ્દ વાંચવા કે સાંભળવાથી જ એક ખાસ પ્રકારની મનોરંજક લાગણીનો અનુભવ થાય છે.

એમાં પણ ‘ફિલ્મ પ્રીમિયર’ શબ્દ તો સાંભળતા જ આંખો સામે એક ગ્લેમર વર્લ્ડ ઊભું કરી દેતો હોય છે. ખાસ કરીને એક કોમન મેનની ફિલ્મ પ્રીમિયરની સમજ, ફિલ્મ એના પરિચિતો અને મિત્રોથી પહેલા જોવી, મફત જોવી, ફિલ્મના કલાકારોને અને બીજી મોટી ‘પેજ થ્રી’ હસ્તીઓને એ જગ્યાએ જોવી અથવા ઓટોગ્રાફ/સેલ્ફી લેવા, અને ફ્રીમાં રિફ્રેશમેન્ટ ફૂડ ખાવું એવી જ કૈંક હોય છે. એના માટે ફિલ્મ પ્રીમિયરના પાસ અને સ્વર્ગના પાસમાં કોઈ ખાસ ફરક નથી હોતો.

Bachchan Pandey Review - Bollymoviereviewz

ક્યાંકથી વાયા વાયા પાસની વ્યવસ્થા થઈ જતા થોડા કલાકો સળગતા પ્રશ્નો ભૂલાઈ જતા હોય છે અને ટીન્ચર દારૂના નશા જેવો કામચલાઉ ઉત્સાહ ઉછાળો મારે છે. એ નશામાં શક્ય એટલો એની રીતે સારો તૈયાર થઈને એ પ્રીમિયરવાળા થિયેટરના ગેટ પર પહોંચે છે. તોય ત્યાંના ગેટ પર ઊભેલા ટિકિટ ચેકરની નજર એની અસલિયત ઓળખી જઈને એને અંદર પ્રવેશ આપતા પહેલા સ્હેજ ઝીણી અને તીણી થઈ જ જાય છે. પણ પેલા પાસે ‘પાસ’ હોવાથી લાચાર ચેકરની મનની મનમાં જ રહી જાય છે.

Movies Theater Interior Cinema Hall Worker Stock Vector (Royalty Free) 1305055732 | Shutterstock

એ ચેકરની નજરની પરવા કર્યા વગર ઊંધું ઘાલી જેવો ઓડિટોરિયમની બહારના કોરિડોરમાં પહોંચે છે. ત્યાંનું દ્રશ્ય જોઈને એ અંજાઈ જાય છે. કોઈ અજવાળાની ડોલો ભરી ભરીને ઢોળતું હોય એમ બધી સિલિંગોમાંથી અજવાળું રેલાતું હોય એવું લાગે.

How multiplex chains are looking at newer sources of revenue - BusinessToday

એમાં દરેકની વેશભૂષા આ કોમનમેનની સરખામણીમાં વિશિષ્ટ હોય છે. અહીં સૌ પોતાના જીવનમાં બીજા કરતા કેટલા વધારે ખુશ છે એ સાબિત કરવાની કોઈ હરિફાઈમાં ભાગ લીધો હોય એમ હરખાયેલા ચહેરે આવી આવીને જોડાય છે.

અહીં હાથ મિલાવવા અને ભેટવાની સંખ્યા માણસો કરતા વધારે હોય છે. અમનના ફરિશ્તાઓ પણ અહીં આવે તો લઘુતાગ્રંથિ અનુભવે એવો ભાઈચારો વ્યાપેલો હોય છે. થોડા સમય માટે તો નિરાશા, ભૂખમરો, અને ગરીબી વગેરે શબ્દો આ દુનિયાને ખોટી રીતે બદનામ કરવા માટે કોઈ અસંતોષીઓએ બનાવ્યા હોય એવું લાગે છે.

Poverty linked to childhood depression | Deccan Herald

પેલો બિચારો દુનિયામાં આટલા ખુશહાલ ચહેરા પણ હોઈ શકે છે એ જોઈને પોતે પણ એમની નકલ કરવાનો પ્રયત્ન કરે છે. એટલામાં જે સંપર્કના પણ સંપર્ક થકી ‘પાસ’ મળ્યો હોય છે એ ‘સંપર્ક’નો’ ચહેરો એક ગ્રુપમાં મોક્ષ પામી ગયાનો હરખ વ્યક્ત કરતો જોવા મળે છે. એટલે આ તરત ત્યાં એમને મળવા જાય છે, કેમ કે એના સિવાય બીજું તો કોઈ અહીં ઓળખીતું નહીં જ મળે એની ખાતરી હોય છે.

પેલો ચહેરો આને સામે જોતા જ થોડો ઢીલો પડે છે અને સ્હેજ બાજુમાં ખસીને ‘આવી ગયા! તો બસ હવે જલસા કરો, ઓકે!’ કહીને ‘અંગૂઠો’ બતાવીને એટલામાં જ ક્યાંક ખોવાઈ જાય છે.

આ બિચારો આંખોમાં આવકાર અને ચહેરા પર એક ફિક્કું સ્મિત રાખીને એટલામાં થોડો થોડો આઘોપાછો થતો રહે છે. કોઈ સામે એકદમ નજર મળી જાય તો તરત સળવળે છે પણ ત્યાં સુધી તો પેલો બુલેટ ટ્રેન માફક આગળ નીકળી જાય છે.

અહીં જે તે ફિલ્મના કલાકાર કસબીઓ અને ફિલ્મી દુનિયાની અન્ય હસ્તીઓ સાથે મીડિયા અને એમના સગાવ્હાલા તથા મિત્રોની મહેફિલ જામી હોય છે. અહીં કૂવાઓ ભરાય એટલું ખડખડાટ હાસ્ય વહેતું જોવા મળે છે.

25 laughing guests indian wedding - ShaadiGrapher

આવા મેળાવડાઓમાં મોટાભાગના અભિનેતા/કવિ/લેખક/ગાયક કે અન્ય કલાકારોને પોતાના આ સંસાર બહારનું એટલે કે એમની ફિલ્મ/નાટક કે બીજા કાર્યક્રમોના ઓડિયન્સમાં બેસીને તાળીઓ પાડનારું અને એમને પસંદ કરનારું કોઈ સામે મળી જાય તો ઓછું ગમતું હોય છે.

એ બધા સિનેમા કે રંગમંચના હોલની ખુરશીમાં ઓડિયન્સ બનીને બેઠેલા હોય ત્યાં સુધી એમને વધારે વહાલા લાગતા હોય છે. આવા વાતાવરણમાં પેલા કોમન મેનને બહાર કરતા અહીં થોડું જુદું જુદું લાગે છે પણ એ સમજી શકતો નથી કે આ જુદું જુદું એ એની ગભરામણ છે.

અહીંનું કલ્ચર અને એટ્મોસ્ફીયર માફક નથી આવ્યા એની એને  ખુદને જાણ થતી જ નથી. એટલે એક અસમંજસમાં રાચતા રાચતા એ કેન્ટીનની આજુબાજુ પહોંચે છે. ત્યાં કેન્ટીનની અંદર ઊભેલા સ્ટાફને જોઈ તેને થોડુંક પોતીકું ફીલ થાય છે, કે આપણાવાળા છે, આપણા ક્લાસવાળા છે.

You could soon carry your own food items to multiplexes and watch a movie!

એ જઈને કૈંક વસ્તુનો ભાવ પૂછે છે અને ભાવ સાંભળીને ઝંખવાણો પડી જાય છે. ત્યાં જ એને જે આપણાવાળા લાગ્યા હતા, પોતાના ક્લાસવાળા લાગ્યા હતા એ સ્ટાફ જ આનો ભાવ સાંભળીને બદલાયેલો ચહેરો જોઈ, એને પોતાનાથી નીચેના ક્લાસનો માનીને મનમાં હસી લે છે.

એટલામાં ફિલ્મ શરૂ થવાનો (પાસ પર લખેલો નહીં, પણ સાચો) સમય આવે છે. સૌ ઓડિટોરિયમમાં ગોઠવાય છે. ફિલ્મ શરૂ થતાં લાગતા વળગતાઓની સીટીઓ અને ચિચિયારીઓ સાંભળી આ પણ થોડો ગેલમાં આવી જાય છે.

TN cinemas: Dwindling in audience & revenue

આને માટે આ ફિલ્મ પાસ મળતાં જ સારી બની ગઈ હતી. એટલે આખી ફિલ્મ એ સારી ફિલ્મ જોવાના ભાવથી જ જુએ છે. ઈન્ટરવલમાં આવેલા પોપકોર્ન અને કોલ્ડડ્રિન્કસ એ ફિલ્મના સારાપણામાં ચાર ચાંદ લગાવે છે.

છેલ્લે ફિલ્મ પતી જતા બહાર નીકળતા જે ગુસપુસ શરૂ થતી હોય છે એમાં જોડાવાનું આને મન તો ઘણું હોય છે પણ કોઈ એને મોકો આપતું નથી. ફિલ્મના રિવ્યુ લેતા મીડિયા સામે આ પણ કોઈ રિવ્યુ આપનારની પાછળ પોતાનો વારો આવવાની રાહ જોતા ગોઠવાય છે. ત્યાંય નિરાશા જ મળે છે.

છેવટે ઘરે જઈને ઘરના સામે પોતે જે તે ફિલ્મ અને જે તે કલાકારોને પર્સનલી જોઈ મળીને આવ્યો છે એની વાતો પોતાની ખોટું બોલવાની ક્ષમતા મુજબ કરીને સંતોષ મેળવે છે.

Lower middle class couple happily talkin... | Stock Video | Pond5

એમાંય થોડી ઘણી કચાશ રહી ગઈ લાગે તો પેલો પાસ બેત્રણ દિવસ શર્ટના ખિસ્સામાં રાખીને ઘણી જગ્યાએ અગાઉથી નક્કી કરેલી ભૂલના ભાગ રૂપે કોઈ સામે કાઢીને પ્રીમિયર જોયાની ઘરમાં કહેલી કથાનું પુનરાવર્તન કરી લે છે.

આ અનુભવ પછી પણ એની ભવિષ્યમાં થનારા બીજા ફિલ્મ પ્રીમિયરમાં જવાની ખ્વાહિશને ઊની આંચ પણ નથી આવતી.

***

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, સમાજ સેવક) says:

    સુંદર ભાવ