સંબંધ વહેંચાઈ ગયા એટલે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
બે જણ અંગત વાતોનો આગાઝ કરી રહ્યા હોય ત્યારે જ ડોરબેલ વાગે એટલે ખનકમાં ખલેલ પડે. સ્વજનની મોટી માંદગી આવી જાય એટલે પરદેશની બિઝનેસ ટૂર કૅન્સલ કરવી પડે. ડગલે ને પગલે અવરોધો વેશપલટો કરીને આવતા જ રહે છે.
અચાનક વણનોતર્યા અતિથિ આવી ચડે એટલે આપણું શેડ્યુલ ખોરવાઈ જાય. બે જણ અંગત વાતોનો આગાઝ કરી રહ્યા હોય ત્યારે જ ડોરબેલ વાગે એટલે ખનકમાં ખલેલ પડે. સ્વજનની મોટી માંદગી આવી જાય એટલે પરદેશની બિઝનેસ ટૂર કૅન્સલ કરવી પડે. ડગલે ને પગલે અવરોધો વેશપલટો કરીને આવતા જ રહે છે. બી. કે. રાઠોડ બાબુ કારણ તપાસે છે…
મને વેદના એટલે સાંપડી છે
થયો જેમનો, એમને ક્યાં પડી છે?
નથી જૂઠ ત્યાં કોઈનું ચાલવાનું
હૃદયની કચેરી બધાથી વડી છે
હૃદય તરફથી આપણને અવારનવાર સંકેતો મળતા હોય છે. કોઈ સમસ્યા હોય ત્યારે આજુબાજુના કોલાહલોને હડસેલી અંતરની વાત સાંભળવાનો પ્રયાસ કરીએ તો શક્ય છે કે સમાધાન સાંપડે. ભીતરના અવાજ પાસે લાઉડસ્પીકર નથી હોતું એટલે કાન સરવા રાખવા પડે. બેચેન કરી નાખે એવા સંજોગોમાં પણ ચેન શોધતાં શીખી લેવું પડે. ઉર્વીશ વસાવડા સમસ્યા દર્શાવે છે…
હું હવે વ્યક્તિ મટીને
ભીડ છું ને તે છતાં
ચાંપતી કોઈ નજર
બેચેન રાખે છે મને
એટલે ઊંઘી શક્યો ના
હું કદાપિ મોજથી
કાલ ઊઠવાની ફિકર
બેચેન રાખે છે મને
સવારે ઊઠીને રોજિંદું રમખાણ પરેશાન કર્યા કરે. વધેલા ભાવને કારણે અછતના આસામીએ દૂધની થેલીને ટગર-ટગર જોયા કરવું પડે. વધારો ભલે માત્ર બે રૂપિયાનો હોય પણ નાના વધારા મોટા ઘસરકા પાડવા સક્ષમ હોય છે. ચીજવસ્તુઓની મોંઘવારી સંપીને વધતી જાય ત્યારે ટૂંકી આવકનું તળિયું આખર તારીખના એકાદ અઠવાડિયા પહેલાં જ આવી જાય. છતાં દુનિયા સામે તો મોઢું હસતું રાખીને જીવવું પડે. પ્રફુલ્લ નાણાવટી આ પીડાને છુપાવવાની તરકીબ બતાવે છે…
અમારા હાથમાંથી કાંકરી
છૂટી ગઈ એમ જ
અમે હાથે કરીને મટકી
કૈં ફોડી નથી હોતી
અમારી પાસ તો ભૈ નામનાયે
ક્યાં હતા તાંદુલ?
અમે ગઠરી અમારી એટલે
છોડી નથી હોતી
આપણી ગઠરીમાં મૂડી હોય તો સાથે મનને મૂંઝવતા પ્રશ્નો પણ હોય. મૂડી છેલ્લી અવસ્થા ટકાવી રાખવા જરૂરી છે અને પ્રશ્નોનું સર્જન આપણા હાથમાં નથી હોતું. અરે એના જવાબો પણ ક્યાં આપણા હાથમાં હોય છે. ઘણી વાર નિદાન ખબર હોય છતાં પરેજી પાળવી અઘરી બને એટલે રોગ વકરતો જાય. કેટલીક વાર નિષ્ફળતાના ડંખ સતાવ્યા કરે તો કેટલીક વાર અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ ટોળે વળી કૉલર ઝાલે. શ્યામ સાધુ અલગારી ક્ષણોને આલેખે છે…
હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે
એની તમામ ગંધમાં મૂકી ગયો તને
મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને
ભૂલી જવા જેવી અનેક વસ્તુઓ યાદ રાખવાની આપણને ફાવટ છે. એના કારણે મન ઉપર અતિરિક્ત બોજો પડે. વેઇટલિફ્ટિંગમાં પંચાવન કિલો શ્રેણીનો ખેલાડી હિંમત કરીને ૬૧ કિલો શ્રેણીમાં ભાગ લઈ શકે, પણ ૯૬ કિલો શ્રેણીમાં ભાગ લેવા જાય તો એ ઘાતક નીવડી શકે. ભાર વહન કરવાની મનની પણ એક મર્યાદા હોય છે એટલે દરેકે પોતાની ક્ષમતા વિશે સમજી લેવું પડે. અન્યથા તૂટી જવાની પારાવાર શક્યતા રહે. ગૌરાંગ ઠાકર આવી જ કોઈ વેદના વ્યક્ત કરે છે…
સાંજ ડૂબી એકલી તારા વગર
એટલે છે આંખ મારી તરબતર
લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે
એકલો માણસ અને ભરચક નગર
ભરચક નગરમાં અવાચક થઈને જોયા કરવું પોસાય નહીં. આપણું જીવન ટકાવવાની જવાબદારી આપણે જ નિભાવવાની છે. હિમલ પંડ્યા એક આલંબન શોધી લે છે…
બધીયે વાતમાં બસ
એટલે ફાવ્યા કરું છું હું
બરાબર લક્ષ્ય સાધીને
પછી વીંધ્યા કરું છું હું
અધૂરી હોય ઇચ્છા ત્યાં સુધી
ક્યાં દેહ છૂટે છે?
તને ઝંખ્યા કરું છું
એટલે જીવ્યા કરું છું હું
લાસ્ટ લાઇન
મારા હાથમાંથી હાથ ગયા નીકળી
ને પગમાંથી પગલાં ફંટાઈ ગયાં એટલે
બાકી પ્રવાસ બન્યો નિરર્થક સાવ
બધાં સપનાં ખર્ચાઈ ગયાં એટલે
એવું લાગે છે કૈંક ખોટું બન્યું છે
સતત ખોટ્ટાંને પાડી છે ‘હા’
સાચું કરવામાં કોઈ સાથમાં ન્હોતું
ને પછી હિંમત પણ પાડતી’તી ‘ના’
સંજોગોમાંથી બધાં નીકળી ગ્યાં જોગ
બધા સંબંધ વહેંચાઈ ગયા એટલે
તોડફોડ આટલી મોટી નીકળશે
એનો સપને પણ ન્હોતો કોઈ ખ્યાલ
પ્હેરી શકાય એવાં વસ્ત્રો લૂંટાઈ ગયાં
લૂંટાયા અઘરા સવાલ
નીકળી ગ્યાં એમાંથી સઘળા જવાબ
અહીં પ્રશ્નો અંટાઈ ગયા એટલે
~ પ્રફુલ્લ પંડ્યા
~ “લયનાં ઝાંઝર વાગે”
(સમગ્ર કવિતા)
આહલાદક
Khub saras lekh hitenbhai
સુંદર શેરો સાથે સામાન્ય માણસના મનોજગતનું કાબિલે તારીફ દર્શન કરાવ્યું.
ખૂબ સરસ