આશ્વાસનનાં ઇન્જેક્શનો ~ કટાર: અલકનંદા (દર શનિવારે) ~ અનિલ ચાવડા

પોઝિટિવિટી ઘણી વાર આશ્વાસનના ઇન્જેક્શન જેવી હોય છે. તેની અસર હોય ત્યાં સુધી સારું લાગે છે. જેવો નશો ઉતરે કે તરત હકીકત નામની કાંટાળી ભૂમિ પર પગ પડે છે, અને પાછો પગ લોહીલુહાણ થાય છે.

ઘણી વાર આવાં આશ્વાસનના ઇન્જેક્શનથી ઊલટાનાં રીએક્શન આવી જાય છે. ફલાણાએ આવું કર્યું, એટલે એ સફળ થયો, હું પણ એવું કરું. એમ માનીને આપણે કરીએ છીએ અને આપણી થોડી ઘણી સફળતા પણ ગુમાવી બેસીએ છીએ.

7 Positivity Strengths – DSbc

જે લોકો પોઝિટિવિટીની વાતો કરે છે, તે તેમની જગ્યાએ સાચા હશે, પણ આપણી પોઝિટિવિટી એ આપણે જ નિપજાવવાની છે, કેમ કે આપણી પરિસ્થિતિને આપણાથી વધારે સારી રીતે કોઈ જ સમજી શકતું નથી.

પોઝિટિવિટીનાં લાખો પુસ્તકો લખાયાં, વ્યાખ્યાનો અપાયાં, તેનાથી લાભ કોને થાય છે? એ પુસ્તકો લખનાર લેખકને અને વેચનાર પ્રકાશકને, કેમ કે એમાંથી એ બંને કમાય છે. ખરીદનાર તો માત્ર એ લોકોના ઇન્જેક્શન ખાઈને પોતાના મનમાં કાણાં પાડે છે.

15 Positive Thinking Books You Need for a Happy Life - Lifehack

પોઝિટિવિટીનો દરેકનો રસ્તો અલગ હોય છે. તમે ગુલાબની સુગંધને મોગરાની સુગંધ સાથે સરખાવી ન શકો. કેરીની મીઠાશ એ કેરીની છે અને સફરજનની એ સફરજનની. બંને મીઠાં છે, બંને ખાવાથી આનંદ થાય છે, પણ બંને ભીન્ન છે. દરેક માણસની સમસ્યાઓનું પણ આવું જ હોય છે.

ઘણી વાર અન્ય લોકોના જીવનમાંથી પ્રેરણા ચોક્કસ મળે છે, પણ એમણે કર્યું એવું જ આપણે કરીશું તો આપણે પણ સફળ થઈશું જ એની કોઈ ગેરેન્ટી નથી હોતી. એમણે એવું એટલા માટે કર્યું કે એમની મુશ્કેલી દૂર કરવા માટે તેમને એ વધારે યોગ્ય લાગ્યું હતું. આપણી મુશ્કેલી આપણી છે, તેને આપણાથી વધારે સારી રીતે કોઈ ઓળખી શકતું નથી. એટલે એનો ઇલાજ આપણે પોતે જ, આપણામાંથી જ ગોતવાનો રહે છે.

પોઝિટિવ થિંકિંગના પુસ્તકોમાંથી અમુક મિનિટો કે સેકન્ડો પૂરતો જુસ્સો ચોક્કસ મળી રહેશે, પણ એ ક્યાં સુધી ટકી શકશે? વહેલા ઊઠી જાવ, આમ કરો, તેમ કરો, સારાં પુસ્તકો વાંચો, આવી બધી જ સલાહ પોઝિટિવ થિંકિંગના વ્યાખ્યાનો આપતાં માણસો આપશે, પણ તેમાં પ્રેક્ટિકલ થઈ શકે એવું કેટલું છે? વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનમાં ઊતારી શકાય અને સો ટકા લાભ થઈ શકે એવું કંઈ છે ખરું? જો ન હોય તો એનો કોઈ અર્થ નથી. પણ ડૉ. અશરફ ડબાવાલાએ વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનમાં ઉતારી શકાય તેવી વાતોની રસપ્રદ શ્રેણી કરી હતી, તેમાંથી ઘણું શીખવા જેવું હતું,

May be an image of 1 person
ડૉ. અશરફ ડબાવાલા

આવું ઘણું અપવાદરૂપ હોય છે, જે જીવનમાં ઉપયોગી થઈ શકે. બાકી જે પોતે લાખો રૂપિયા ઊઘરાવીને લોકોને પોઝિટિવી લાવવા મથી રહ્યા છે, એ ખરેખરે તો પોતાના જીવનમાં જ પોઝિટિવિટી લાવતા હોય છે, એમના લીધે લોકોમાં પોઝિટિવિટી આવતી હોય તો લોકોના નસીબ. જે જે પૈસેટકે માનમોભે બધી રીતે સુખી હોય એ વધારે સારી રીતે અને જુસ્સાથી પોઝિટિવિટીની વાતો કરતા હોય છે, ભાવિન ગોપાણીનો પેલો શેર છેને-

‘મન અગર મક્કમ હશે,
પહોંચી શકાશે ક્યાંય પણ’

આ બધું બોલી શકો,
પહોંચી ગયાને એટલે.

સફળ થયા પછી પોતાની નાનકડી મુશ્કેલીને પણ મહાકાય બતાવીને પોતે એમાંથી બહાર કઈ રીતે આવ્યા તે કહેવાનું દરેકને ગમતું હોય છે. પણ જે ખરેખર મહામુશ્કેલીમાં છે અને તેમાંથી ક્યારેય બહાર જ નથી આવી શક્યા તેમની હાલત જોઈએ તો દયા ખાવા જેટલી હિંમત પણ આપણામાં નથી રહેતી.

ઘણી વાર ગમે તેટલી પોઝિટિવિટીના પુષ્પ સુંઘ્યા પછી પણ નેગેટિવિટીના નાગથી ચડેલું ઝેર ઉતરતું નથી. આ સાપ અને નોળિયાની એવી રમત છે કે જેમાં સાપ જીતી જાય છે. નોળિયાએ સુંઘેલી નોળવેલ કામ કરતી નથી. પણ એનો અર્થ એ પણ નથી કે નિરાશ થઈ જવું. પ્રયત્ન એ જ અંતિમ ઉપાય છે.

Change negativity to positivity - Newspaper - DAWN.COM

બે દેડકાને અલગ અલગ દહીંના માટલામાં નાખવામાં આવ્યા. બંને બહાર નીકળવા પ્રયત્ન કરવા લાગ્યા. જેમ પ્રયત્ન કરતા ગયા તેમ તેમ વધારે ને વધારે ફસાતા ગયા. એક દેડકો થોડી જ વારમાં થાકી ગયો. થયું કે હવે આમાંથી નીકળવાનો કોઈ જ રસ્તો નથી. મૃત્યુ એ આપણો અંતિમ મુકામ છે. તેણે પ્રયત્નો છોડી દીધા. પથારીમાં પડેલો માણસ થાકી હારીને જેમ મૃત્યુની રાહ જુએ એમ એ દેડકો પણ રાહ જોવા લાગ્યો. બીજો દેડકો હાર્યો નહીં. તે પણ વધારે ફસાતો જતો હતો, તે પણ થાકતો હતો, પણ પ્રયત્નો નહોતો છોડતો. થયું એવું કે તેણે એ દહીંને એટલું બધું વલોવ્યું કે તેમાંથી એક માખણનો પીંડ બંધાઈ ગયો. એક નાનકડો ચોસલા કે દડા જેવું થઈ ગયું, દેડકો તેની પરથી ચડીને બહાર નીકળી ગયો.

આપણે પણ નિરાશાની ખાઈમાં આવી જ રીતે પડ્યા હોઈએ છીએ. પ્રયત્નો કરવા છતાં વધારે ઊંડાં અંધકારમાં ધકેલાઈ જતા હોઈએ છીએ, ત્યારે બહારનો કોઈ જ પ્રકાશ આપણને રસ્તો નથી બતાવી શકતો, ઘણી વાર તો આવા અજાણ્યા પ્રકાશથી ઊલટાની આંખો અંજાઈ જતી હોય છે. થોડું ઘણું દેખાતું હોય એય બંધ થઈ જાય છે. ત્યારે માત્ર ને માત્ર આત્માના અજવાળે જ રસ્તો શોધવાનો હોય છે.

The golden light within our soul - QLU Project

ડૉક્ટર અમુક બીમારીમાં દવાનો આખો કોર્સ લખી આપતા હોય છે – અઠવાડિયા કે મહિનાનો. આપણે એકાદ બે દિવસ ગોળીઓ લઈએ કે તેની અસર થાય છે. સારું લાગવા માંડે છે. પછી માનીએ છીએ કે હવે દવા લેવાની જરૂર નથી, હું ઠીક છું. દવા લેવાની બંધ કરી દઈએ છીએ. થોડા દિવસો પછી પેલો રોગ ફરી ઊથલો મારે છે. બમણા વેગથી હુમલો કરે છે. ત્યારે ફરીથી દવાખાને દોડવું પડે છે.

નિરાશાનો નાગ ડંખે ત્યારે પણ આવું જ થતું હોય છે. ક્યાંકથી થોડો ઘણો પણ ટેકો મળી જાય તો એવું થવા લાગે કે બસ હવે ઝેર ઊતરી જશે. અને આપણે આપણા પ્રયત્નોનું ઔષધ બંધ કરી દઈએ છીએ. હકીકતમાં તો આવી સ્થિતિમાં જ વધારે ફોર્સથી આગળ વધવાનું હોય છે. દવામાં રહેલી કડવાશ જ રોગ મટાડતી હોય છે.

આપણા જીવનમાં વ્યાપેલી પીડાને મટાડવા કડવા સંઘર્ષના ઘૂંટ પીવા પડતા હોય છે, અને એ જ અંતિમ ઇલાજ હોય છે. કોઈ શોર્ટ કટ જેવું નથી હોતું. તમને એમ થતું હોય કે આપોઆપ કેન્સર મટી જશે, તો તમે ભ્રમમાં છો. નિરાશાનું કેન્સર આપોઆપ જતું નથી, તેની માટે આકરા પ્રયત્નોની કડવી દવા પીવી પડે છે અને વારંવાર પીવી પડે છે.

આ લેખ કંઈ તમને પોઝિટિવિટીના ઇન્જેક્શન કે સલાહ આપવા માટે નથી. હું જાણું છું કે આવા કોઈ જ લેખ આપણી મુશ્કેલીનો ઇલાજ કરી શકતા નથી. તેનો ઇલાજ માત્ર ને માત્ર આપણે જ કરવાનો હોય છે, જો કોઈ પુસ્તક કે લેખ આપણને મદદ કરે તો, એ તો જીવનના આકરા તાપમાં વચ્ચે એકાદ ઝાડ આવી ગયું, તેના છાંયડે થોડું બેઠા જેવું છે. બાકી વ્યથાના વરસાદમાં પલળાય નહીં એ માટે પોતાના પ્રયત્નોમાંથી છત્રી કઈ રીતે નીપજાવવી એ તો આપણે જ નક્કી કરવાનું છે.

સોહનલાલ દ્વિવેદી પણ કદાચ આ કવિતા દ્વારા એ જ કહેવા માગે છે.

Sohanlal-dwivedi-kavitakosh.jpg
सोहनलाल द्विवेदी

लहरों से डर कर नौका पार नहीं होती
कोशिश करने वालों की हार नहीं होती

नन्हीं चींटी जब दाना लेकर चलती है
चढ़ती दीवारों पर, सौ बार फिसलती है
मन का विश्वास रगों में साहस भरता है
चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है
आख़िर उसकी मेहनत बेकार नहीं होती
कोशिश करने वालों की हार नहीं होती

डुबकियां सिंधु में गोताखोर लगाता है
जा जाकर खाली हाथ लौटकर आता है
मिलते नहीं सहज ही मोती गहरे पानी में
बढ़ता दुगना उत्साह इसी हैरानी में
मुट्ठी उसकी खाली हर बार नहीं होती
कोशिश करने वालों की हार नहीं होती

असफलता एक चुनौती है, स्वीकार करो
क्या कमी रह गई, देखो और सुधार करो
जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम
संघर्ष का मैदान छोड़ मत भागो तुम
कुछ किये बिना ही जय जयकार नहीं होती
कोशिश करने वालों की हार नहीं होती

***

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. આપણી પોઝિટિવિટી એ આપણે જ નિપજાવવાની છે, કેમ કે આપણી પરિસ્થિતિને આપણાથી વધારે સારી રીતે કોઈ જ સમજી શકતું નથી✅.

  2. પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    પ્રયત્ન કરવાથી બધું જ શક્ય છે. પરિશ્રમ કરનારને સફળતા મળે છે.

    1. પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

      પ્રયત્ન કરવાથી બધું જ શક્ય છે. પરિશ્રમ કરનારને સફળતા મળે જ છે.