हमारे मुल्क में आपका स्वागत है जनाब ! ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 30) ~ પૂર્વી મોદી મલકાણ
સીમાને પેલે પાર રહેલી સીમા જોવાને માટે મારું હૃદય થનગનતું હતું. આમ જોઈએ તો સીમા નામના આ બે અક્ષરો આપણાં જીવનમાં કેટલે હદે કામ કરતાં હોય છે તેની આપણને જ જાણ નથી હોતી.
વાત-વાર્તાલાપ-વર્તાવ અને વ્યવહાર વચ્ચે એક સીમા હોય છે, ખાનપાનની અને જીવન જીવવાની નાની મોટી દરેક પ્રક્રિયામાં સીમા રહેલી હોય છે તો મિત્રતામાં ને સંબંધોમાં સીમા કેમ ન હોય?
મારો અને ગૂલ રશીદજીનો સંબંધેય કંઈક એવો જ છે. તેમણે મને લાહોર ફેરવવાનું પ્રોમિસ આપ્યું, અને એમની પાસેથી કશુંક શીખવા સમજવા મળશે તેવા મારા પ્રયાસને લઈને હું પણ તૈયાર થઈ ગઈ.
ઇસ્લામાબાદથી લાહોર વચ્ચેનાં માર્ગમાં મને લાહોર વિષે અઢળક ખજાનો જાણવા મળ્યો જે લઈને અમે લાહોરમાં પ્રવેશ્યાં ત્યારે અમને ઉતાવળ લાગેલી વાઘા બોર્ડર જોવાની, દેશપ્રેમી સિપાહીઓને મળવાની, દેશપ્રેમનાં ઝૂનૂનમાં પાગલ થવાની. પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલ આ બોર્ડર પર બંને સાઈડથી હુંકાર ભરતાં રહેતાં વાઘોને જોવા માટે અમારી જેટલી તત્પરતા હતી તેટલી જ તત્પરતા હોટેલવાળાને અમારી જાસૂસી કરવા માટેની હતી, તેથી અમારા ઉત્સાહ ઉપર પાણી ફેરવવા તેઓ તૈયાર જ બેઠા હતાં.
થયું હતું એવું કે ગૂલ રશીદજીની સાથે અમે લાહોરમાં તો પ્રવેશ્યાં, પણ પ્રવેશ કરતાં સાથે જ તેમને સમાચાર મળ્યાં કે; તેમનાં નજીકનાં કોઈ સંબંધી બીમાર છે હોસ્પિટલાઈઝ છે આથી તેઓ તરત અમારી રજા લઈ ચાલી નીકળ્યાં અને સાથે અમારી સાથે જોઇન્ટ થયો માઝ્દ પરિવાર.
મી. માઝ્દ મી. મલકાણ સાથે કામ કરે. અગાઉ અમે અમુક ટૂર તેમની સાથે કરી હોવાને કારણે તેમને અમારા પ્રોગ્રામ વિષે થોડીઘણી માહિતી હતી. આથી એક તરફ જ્યાં ગૂલ રશીદજી છૂટા પડ્યાં, ત્યાં માઝ્દ પરિવાર લાહોરમાં જ હાજર હોઈ તેઓ અમારી સાથે જોઇન્ટ થઈ ગયાં. એમાં પણ આ પ્રથમ દિવસે મિસીસ માઝ્દ અમારી સાથે જોઇન્ટ થયેલાં ન હતાં. તેથી અમે બંનેએ અને મી. માઝદે નક્કી કર્યું કે આજે વાઘા બોર્ડર પર જઈએ અને આવતી કાલે પરિવાર સાથે જૂના લાહોરનું ચક્કર લગાવીશું.
આમ વિચાર તો કર્યો, પણ સામાન લઈને કેમ ફરવું? તેથી અમે પહેલાં હોટેલ પર જઈ સામાન છોડી, ફ્રેશ થઈ નીકળવાનું નક્કી કર્યું. આ બધાં માટે હોટેલમાં એન્ટ્રી લેવી જરૂરી હતી. આથી અમે અમારી બૂક કરાવેલી હોટેલમાં ગયાં.
હોટેલમાં એન્ટ્રી વખતે વિદેશી મહેમાન તરીકેની પ્રોસિજર કરતી વખતે તેમણે અમારો પાસપોર્ટ માગ્યો, જે અમે આપ્યો. આ પાસપોર્ટનાં ફોટો કોપી થયાં પછી અમારા કાગળો તેમણે રિટર્ન કરવાના હતા. પણ હોટેલ મેનેજર તે ઓફિશીયલ કાગળો સહિત અમારા પાસપોર્ટનો કબ્જો જમાવી બેસી ગયો.
અમે કહ્યું, કે તમારે જે ફોટોકોપી કરવી હોય તે કરી લો, પણ અમારા ડોક્યુમેન્ટ્સ પાછા આપો. અમારી વાતને અવગણી તેણે પોતાનું ધ્યાન બીજે કેન્દ્રિત કર્યું. જ્યારે અમારા તારાથી ફોર્સ વધવા લાગ્યો ત્યારે તેણે કહ્યું કે; આપકો લાહોર બોર્ડર જાના હૈ, સો જા કે આઇએ. ઉસ કે બાદ હમ આપ કો આપ કી ચીઝે વાપસ કરેંગે.
અમે માન્યાં નહીં. અમારા અતિઆગ્રહને કારણે તેણે કોઈ અન્ય જગ્યાએ ડાયલ કરવાનું શરૂ કર્યું. તે દરમ્યાન અમારું સતત પ્રેશર તેમનાં પર રહ્યું, અમારી વસ્તુઓ રિટર્ન કરવા માટે. મેનેજરનાં સતત ડાયલ, ધીમી વાતચીત, જોવાની રીતભાત વગેરે અમારા મનમાં ચાર્લ્સ અને વિનાયકજીની યાદને અને તેમને થયેલાં અનુભવોને સાજા કરી રહ્યાં હતાં.
મેનેજરની દરેક નવી હરકત અમારા મનમાં એક નવી શંકાનો ઉદ્ભવ કરતી હતી. તેથી અંતે કડક શબ્દોમાં અમે મેનેજરને કહી દીધું કે; અમારા ઓફિશીયલ કાગળિયા અને પાસપોર્ટ રિટર્ન કરો, નહીં તો ઇસ્લામાબાદની અમેરિકાની કોસ્યુલેટમાં અમે તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીએ છીએ.
તેના જવાબમાં કટાણા મોંએ એણે અમારા કાગળિયા અને પાસપોર્ટ રિટર્ન કર્યા. આ અનુભવ પછી અમે નક્કી કર્યું કે; અમારા કાગળિયા, પાસપોર્ટ અને અમારું લેપટોપ સાથે લઈને નીકળવું જેથી કરી કોઈ ભય ન રહે.
થોડી મિનિટોનો હોલ્ટ લઈ, ફ્રેશઅપ થઈ અમે નીકળવાની તૈયારી જ કરી જ રહ્યાં હતાં ત્યાં મારા પગમાં સખત દુઃખાવો ઉપડ્યો.
મારા આ પગની દાસ્તાનેય અનોખી જ હતી. પાકિસ્તાન નીકળવાનાં બે દિવસ પહેલાં જ પગમાં કશોક પ્રોબ્લેમ આવી ગયો જેથી ડોકટરે ઓર્થોપેડિક શૂઝ પકડાવી દીધું. આમ ઓર્થોપેડિક શૂઝ સાથેની મારી શરૂઆતની યાત્રા, મારે માટે મૂંઝવણ ભરેલી હતી. પણ યાત્રામાં હોય ત્યારે દરેક નાની-મોટી વસ્તુઓની પોતાની વાર્તા ન હોય તે કેમ બને? આ જ વાતને કારણે ક્યારેક મારો તે શૂઝ નીકળતો રહ્યો અને ક્યારેક સજતો ગયો.
અત્યાર સુધી મોટાભાગે થયેલી ટૂરમાં આ શૂઝની કોઈ ખાસ વાર્તા જેવું રહ્યું ન હતું. પણ આજનો દિવસ અલગ હતો. આજે મારો આ શૂઝ એક નવી યાદને મારી સાથે જોડવાનો હશે તેથી અચાનક થયેલા દુઃખાવાને કારણે તે મારા પગને પકડીને બેસી ગયો અને તે સાથે શૂઝની યાત્રા શરૂ થઈ ગઈ, સીમાને પેલે પાર રહેલી સીમાને જોવા માટે.
મારા ઓર્થોપેડિક શૂઝ અને મી. માઝદ સાથે સીમાને પેલે પાર રહેલી સીમા પર નીકળ્યાં ત્યારે સીમા સાઈડનાં લાહોરનાં પણ અમને દર્શન થયાં.
આ શહેરની વચ્ચોવચ્ચથી પસાર થતી એક કેનાલ જેનાં પાણીનો ઉપયોગ ખેતીના કામમાં થતો હશે કે કેમ તે નથી જાણતી, પણ અન્ય રીતે તો આ કેનાલનો ઉપયોગ થતો ચોક્કસ જોયો.
લગભગ આખા શહેરના મુખ્ય રસ્તાઓને સાંકળતી આ કેનાલનું પાણી ખાસ ચોખ્ખું ન હોવા છતાં ગરમીનાં દિવસો હોઈ ઝૂંપડપટ્ટીનાં બાળકોને અહીં સ્નાન કરવાનો આનંદ લેતા જોયા, તો ક્યાંક કપડા ધોવાતા જોવા મળ્યા, તો વળી ક્યાંક કોઈક બીબીને ઘડામાં પાણી ભરતી જોઈ.
આ કેનાલથી ૩૨ કિલોમીટરની દૂરી પરથી ભારતની સીમા રેખા શરૂ થાય છે. આ સીમા રેખા પાસે ભારતનું શહેર અટારી-અમૃતસર અને પાકિસ્તાનનું વાઘા ગામ જોવા મળતું હોવાથી આ સીમાનું નામ વાઘા-અટારી બોર્ડર છે.
આ વાઘા શબ્દ પંજાબી ભાષાનો છે. પંજાબી ભાષામાં વાઘા શબ્દનો અર્થ “રસ્તો” થાય છે.
વિભાજન વખતે વાઘા ગામને બે ભાગમાં વહેંચવામાં આવ્યું. જેમાં પાકિસ્તાનમાં પડતા ભાગને વાઘા તરીકે અને ભારતમાં છે એ ભાગને અટારી નામે ઓળખવામાં આવ્યા. એટલે આ સરહદનું નામ વાઘા-અટારી સરહદ પડ્યું.
શ્રી વાજપેયીજીએ શરૂ કરાવેલી દિલ્હી-લાહોર બસ પણ આ જ રસ્તેથી પસાર થાય છે.
અહીંથી રોજ સંખ્યાબંધ માલસામાનની હેરફેર થાય છે. મધ્ય એશિયાને ભારત સાથે જોડતો આ રસ્તો ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઇતિહાસમાં ઉલ્લેખાયેલો છે. (ગંગાથી રાવી – ભાગ ૬.)
વાઘા ગામ આમ તો નાનું, પણ અહીંથી ચેકપોસ્ટ શરૂ થતી હોવાથી અહીં કડક ચેકિંગ ચાલતું હતું. અમે જ્યારે સાંજે ત્યાં પહોંચ્યા ત્યારે સાંજનો પ્રોગ્રામ શરૂ થવાનો હોઈ ઘણી જ ભીડ હતી, પરંતુ મારા મનમાં બંને દેશો વચ્ચેની બોર્ડર લાઇન અને સૈનિકો જોવાનો અતિઉત્સાહ હતો.
આ તમામ સૈનિકોને જોતાં જોતાં મને ખ્યાલ આવતો હતો કે; સૈનિકો કોઈપણ દેશના હોય પણ પોતપોતાના મુલ્ક માટે લડતા, પોતાના પરિવારથી દૂર રહીને આપણને અને આપણા દેશને સુરક્ષિત રાખી પોતે જાગતા આ સૈનિકોને આટલા નજીકથી જોવાનો આજે મારે માટે એક સુનહેરો અવસર હતો.
જ્યારે અમે પાર્કિંગ સ્ટેશને પહોંચ્યાં ત્યારે ત્યાં એક સ્કવોડ્રન સોલ્જર ઉભેલો હતો. અમારા ડ્રાઇવરે તેને પૂછ્યું કે, સાહેબ, યહ બેગમ સાહેબા કો પૈર કા મસ્લા હૈ ક્યા? મૈં આગે ઉનકો ઉતાર કર કાર કો વાપસ મૌડ લું ઐસે ચલેગા?
આ સાંભળી એ કહે, નહીં નહીં ઐસા નહીં ચલતા આપકો યહાં કાર છોડની હોગી. તે સ્કોવોડ્રન લીડરની અંદરનો સૈનિક બોલી ઉઠ્યો.
આથી ડ્રાઈવરને અમે કહ્યું કે કંઇ વાંધો નહીં અમે અહીં જ ઉતરીશું. તેણે ત્યાં જ કાર ઊભી રાખી અને મે કારમાંથી ઉતરવા પહેલો પગ મૂક્યો. પગ મૂક્તા જ તે સોલ્જરની નજર મારા પગ પર ગઈ; તે સાથે સૈનિકના મ્હોરા પાછળનો ઇન્સાન પણ જાગી ગયો અને તે બોલી ઉઠ્યો, નહીં નહીં બેગમ સાહેબા કો કાર મેં હી આગે લે જાઓ.
ડ્રાઈવર કહે કે, સાબ મૈં ને ઇસી લિયે તો કહા થા. સોલ્જર કહે, મેનુ કી પતા કી બેગમસાહેબા કા એક પાંવ ઐસા હોગા? તેણે તેનાં જુનિયર સાથીને સૂચના આપીને કહ્યું, यह महेंमा को आगे ले जाइए। જેના જવાબમાં તેના સાથીએ અમને કારમાં આગળ જવાની સૂચના આપી.
આગળની પોસ્ટ પર જતાં ફરી અમને રોકવામાં આવ્યાં, પણ મારા શૂઝની વાત જાણી તેઓ આગળનો ગેટ ખોલી નાખતાં. આ રીતે અમે ચાર ગેટ પાસ કર્યા. પાંચમા ગેઇટ પર રોકતાં ડ્રાઈવર કહે; સાબ પીછેવાલે સરજી ને હાં બોલા ક્યું કી યે બેગમસાહેબા કો પાંવ કા મસ્લા હૈ ના ઇસી લિયે…
તેનું તે વાક્ય અધૂરું રહ્યું અને તેણે બાઅદબ કરી પોતાના સાથીઓને ઓર્ડર છોડી ગેટ ખોલાવ્યો. તેના આદેશ સાથે ગેટ ખૂલ્યો અને અમારી કાર અંદર પ્રવેશી ગઈ અને તે સાથે મન બેકાબૂ થઈ ગયું, હૃદયના ધબકારાની સ્પીડ વધી ગઈ અને મારા કાન સરવા થઈ ગયા, અને દૂરથી આવતાં ગીતનાં શબ્દો મારા કાનમાં સમાઈ ગયાં… મેરે દેશ કી ધરતી સોના ઉગલે… ઉગલે હીરે મોતી..
અમારા ડ્રાઇવરે એકદમ આગળ જઈ કાર પાર્ક કરી અને અમારા મિત્ર જઈને ટિકિટ લાવ્યા અને આગળ જઈ આગળના સોલ્જરને પૂછ્યું કે, સાહેબજી યહ બેગમસાહેબા હમારે સાથ આઈ હૈ. વોહ અપને મિયાં કે સાથ જા શક્તી હૈ? તે સોલ્જર કહે, નહીં નહીં જનાની અલગ જાયેગી ઔર મિયાં અલગ સે બૈઠૈગેં.
તેમનો ઉત્તર સાંભળી અમારા મિત્ર અમારી પાસે આવીને કહે, સોરી યહાં અલગ બૈઠના હોગા આપ કો. મે કહ્યું, કશો વાંધો નહીં મારી ટિકિટ આપો. હું ધીરે ધીરે ચાલતી ચાલતી જઈશ, પણ જ્યાં સુધી તેમની સાથે જવાશે ત્યાં સુધી તેમની સાથે જઈશ.
હું જ્યારે મી. મલકાણ સાથે ધીરે ધીરે ચાલી રહી હતી ત્યારે અમને જોઈ એક કેપ્ટન મેજર પાસે આવ્યો. તેણે મલકાણ સાથે હેન્ડશેક કર્યા અને આવકાર આપતા કહ્યું કે; आप कैसे है ? हमारे मुल्क में आपका स्वागत है जनाब, आपकी टूर तो अच्छी जा रही है ना? મી. મલકાણે હા કહી હાસ્ય આપ્યું. જેના જવાબમાં તેણે आप बीबीजी के साथ आगे जाइए એમ કહી પોતાના સાથીને કહ્યું કે, આપ આમને એકદમ આગળ લઈ જાઓ.
સાથી સૈનિક અમને અંદર લઈ ગયો. અમે તે પાક સૈનિકની સાથે ચાલતાં ચાલતાં અમે જ્યારે પાક સીમાનાં મુખ્ય ગેટ પર પહોંચ્યા ત્યારે તે સૈનિક અમને પ્રથમ લાઇન પર અમને બેસાડી જતો રહ્યો. આ પ્રથમ લાઇન એ હતી, જ્યાં પાકિસ્તાનનાં વીવીઆઈપી સદસ્ય બેસી રહેલા હતાં.
અમે જ્યારે પૂરી રીતે અમારી સીટમાં ગોઠવાઈ ગયાં ત્યારે પાકનું રાષ્ટ્રીય ગીત હમ ઝિંદા કોમ હૈ, પાઇંદા કોમ હૈ, હમ સબ કી હૈ પહેચાન, પાકિસ્તાન પાકિસ્તાન પાકિસ્તાન… વાગી રહ્યું હતું અને તે શબ્દોની અંદર ભારતીય ગીતનાં શબ્દો પોતાનાં આછા આછા પડઘા પાડી રહ્યાં હતાં.
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com
પ્રવાસનું વર્ણન વાંચી સુમાહિતગાર થયા… આવું પીરસતાં રહેજો. ધન્યવાદ.