ક્યાં છે ગવાયું..? (ગઝલ) ~ તાજા કલામને સલામ (૧૪) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: મનીષા શાહ ‘મોસમ’ ~ આસ્વાદઃ સપના વિજાપુરા

ગઝલઃ  ક્યાં છે ગવાયું…?

તમારી સમીપે ન આવી શકાયું,
છતાં દૂર પણ ના જરાયે જવાયું.

મને સાવ ભૂલી, રહો છો મજામાં,
તમારા સમું ના લગીરે થવાયું.

ઝડપથી આ જીવન તો રહ્યું છે,
નિરાંતે કદી બે ઘડી ના જીવાયું.

નજરને કહું તું રહે સાવ કોરી,
હજુ દુઃખ બિચારું થયું ના સવાયું.

દિવસ રોજ આવી નવો રાગ છેડે,
મને જે ગમે ગીત ક્યાં છે ગવાયું?

~ મનીષા શાહ ‘મૌસમ’
~ આસ્વાદ: સપના વિજાપુરા

નાઇરોબી, કેનિયાના રહેવાસી મનીષા શાહનું મૂળ વતન મુંબઈ મહારાષ્ટ્ર છે. એમને બચપણથી જ વાંચવાનો ખૂબ જ શોખ એમને એમના મમ્મી પપ્પાના વારસા રૂપે મળ્યો. છેલ્લા ત્રણ વર્ષથી એમણે લખવાનું ચાલું કર્યું છે અને છંદ પણ શીખ્યાં છે. કવયિત્રી મનીષા શાહ ‘મૌસમ’ની ગઝલ હું હંમેશા ફેસબુક પર વાંચતી હોઉં છું. ગઝલમાં વ્યથા અને વિરહ જોવા મળે છે આ ગઝલ મને વાંચતાં જ ગમી ગઈ.

તમારી સમીપે ન આવી શકાયું,
છતાં દૂર પણ ના જરાયે જવાયું.

શારીરિક રીતે આપણે કોઈનાથી દૂર જઈએ છીએ પણ ખરેખર એનાથી દૂર થઇ શકીએ છીએ? ફક્ત બે જ પંક્તિમાં કવયિત્રી દર્શાવે છે કે તારી નજીક તો હું ના આવી શકી પણ તારાથી દૂર પણ ના જઈ શકી. ઘણીવાર એવું પણ બને કે જેનાથી દૂર હોઈએ એજ દિલથી સૌથી નજીક હોય છે અને એક પથારીમાં સૂતેલા બે શરીર જોજન દૂર હોય છે.

મને સાવ ભૂલી, રહો છો મજામાં,
તમારા સમું ના લગીરે થવાયું.

બીજી પંક્તિમાં થોડી રીસ બતાવવામાં આવી છે. મને સાવ ભૂલીને તમે મજામાં રહો છો? પણ હું તમારા જેવી જરાપણ ના બની શકી. કોઈ પ્રિય પાત્ર જેને તમે ચાહતા હો એ જો તમને ભૂલી જાય તો તમને કેટલું ઓછું આવે . બસ આજ ભાવના કવયિત્રી દર્શાવે છે. જગજીતસિંહ ની એક પંક્તિ યાદ આવે છે,’ મૂજસે બિછડકે ખુશ રહેતે હો ! મેરી તરાહ તુમ ભી જૂઠે હો ! તમે જૂઠું બોલો છો. મને ભૂલીને તમે શી રીતે મજામાં હોય શકો! હા હું તમારા જેવી નથી!

ઝડપથી આ જીવન તો રહ્યું છે,
નિરાંતે કદી બે ઘડી ના જીવાયું.

જિંદગીની સફરમાં એવી દોડધામ રહે છે કે જીવન પૂરું થઇ જાય છે. અને ખબર પણ નથી પડતી. પણ જ્યારે જીવન પૂરું થઇ જાય ત્યારે લાગે છે કે નિરાંતે બે ઘડી જીવાયું પણ નહિ. કિશોરાવસ્થા ભણવા ગણવામાં અને ક્યારેક કોઈના ઈન્તેજારમાં નીકળી જાય છે. યુવાની સંસારમાં એડજેસ્ટ થવામાં અને પછી બાળકોમાં સમય પસાર થઇ જાય છે. અને જ્યારે બધા બાળકો પંખી બની ફૂરરર કરી ઊડી જાય છે ત્યારે એકલતા ભરડો લે છે. આમ બેઘડી પણ નિરાંતે જીવાતું નથી.

નજરને કહું તું રહે સાવ કોરી,
હજુ દુઃખ બિચારું થયું ના સવાયું.

નજરને કહું તું રહે સાવ કોરી, આંખને ભલામણ કરવામાં આવી રહી છે કે તું કોરી રહેજે. હજુ દુઃખ સવાયું થયું નથી. અહીં મારી પોતાની જ પંક્તિ મને યાદ આવી ગઈ.”

एक और गम, एक और गम दो हमे
जख्मोको सीना अच्छा लगता है

દુઃખોની પરંપરા બાકી છે હજુ એક ગમની તમન્ના છે એટલે આંખોને કહ્યું છે કે કોરી રહેજે.હજુ ઘણાં ઘા સહેવાના બાકી છે.

દિવસ રોજ આવી નવો રાગ છેડે,
મને જે ગમે ગીત ક્યાં છે ગવાયું?

સંગીત અને મધુર રાગથી જીવન ભરપૂર છે.દિવસ આવીને રોજ નવો રાગ છે છેડે છે પણ જે ગીત મને ગમે છે જે ગીત મારા રોમ રોમને પુલકિત કરે છે એ ગીત ક્યાં મારાથી ગવાયું છે. જે ગીતની આગળ બધા ગીત ફીકા પડે છે. જે ગીત ક્યાંક ભૂતકાળના પડળમાં દટાઈ ગયું છે. અને હવે એ ગીત હું ક્યાં ગાઈ શકું છું. ક્યારેક એવું લાગે કે ‘એક તું ના મિલા સારી દુનિયા મિલ ભી જાયે તો ક્યાં હૈ”

મનીષાબેન શાહનું તખ્ખલ્લુસ ‘મૌસમ’ છે અને એમની ગઝલમાંથી મૌસમ જેવી ખુશ્બુ આવે છે.

***

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    ખુશ્બુ છે મૌસમની એકાદ છાંટ આવે તો પીઉં,
    લહેર છે જીવનની સાથ મળે તો જીઉં.