આંતરરાષ્ટ્રીય સાહિત્યના કાર્યક્રમમાં બોલવાનો એ પહેલો અનુભવ (પ્રકરણ : 40) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 40

સાહિત્યની ખેવના રાખતી ભારતની સર્વોચ્ચ સાહિત્ય અકાદમી, નેશનલ એકૅડમી ઑફ લેટર્સ ભારતની ભાષાઓનું જતન, સંવર્ધન કરતી દિલ્હી સ્થિત કેન્દ્રીય સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સીલમાં દેશની ચોવીસ ભાષાઓનાં લેખકોનું પ્રતિનિધિત્વ હોય છે. સરકારની ભૂમિકા કર્ટન રેઝરની, ભાષાનાં પ્રતિનિધિઓ કાર્યભાર સંભાળે.

દરેક ભાષાનું એક ઍડવાઇઝરી બોર્ડ મળેલી સૂચી અનુસાર પોતાની ભાષાનાં સાહિત્યિક કાર્યક્રમોનું સતત આયોજન અને સંવર્ધન કરે. 1954ની 12મી માર્ચે વિધિવત્ ઉદ્ઘાટન અને ત્યારથી સતત કાર્યરત.

ભોળાભાઈ પટેલ અકાદમીની જનરલ કાઉન્સીલમાં હતા ત્યારે ગુજરાતી ભાષાની ઍડવાઇઝરી કમિટીમાં અન્ય સભ્યો સાથે મારી પણ નિયુક્તિ કરી. પાંચ વર્ષ સુધી ગુજરાતનાં નાનાંમોટાં શહેરોમાં અનેક કાર્યક્રમોનાં આયોજનમાં સહભાગી બની શકી એનો ખૂબ ઉત્સાહ અને આનંદ. અનેક વિષયો વિષે જાણવા મળ્યું, લોકોને મળવાનું, પ્રવાસથી 2007નાં એ દિવસો ભરપૂર વીત્યા.

મને કલ્પના પણ નહોતી અને ભાગ્ય આંગળી પકડી મને એક પગથિયું ઉપર લઈ ગયું.

2008થી 2012 ફરી બીજાં પાંચ વર્ષ પણ હવે દેશની સર્વોચ્ચ સાહિત્ય સંસ્થા, કેન્દ્ર સાહિત્ય અકાદમીમાં દેશની ગુજરાતી અને પશ્ચિમી ક્ષેત્રની ભાષાઓનાં પ્રતિનિધિ તરીકે કવિ વિનોદ જોષી, વિવેચક રમણ સોની સાથે મારી નિયુક્તિ થઈ. ગુજરાતી ઍડ્‌વાઇઝરી કમિટી પર પણ અમે સાથે. મારો બાયોડેટા માંગવામાં આવ્યો ત્યારે મને જાણ થઈ (અને આટલા વર્ષોમાં પહેલી જ વાર બાયોડેટા લખ્યો.)

2008થી ફરી એક નવી સફરનો આરંભ.

પહેલી મિટિંગ દિલ્હી રવીન્દ્રભવનમાં. ભારતનાં ચોવીસ ભાષાનાં દોઢસોએક જેટલા સર્જકોથી ભરચક્ક બોર્ડરૂમમાં પગ મૂકતાં મને પપ્પા, મમ્મી, મહેન્દ્રનું તીવ્ર સ્મરણ થઈ આવ્યું. સુનિલ ગંગોપાધ્યાય પ્રમુખ હતા.

પછીનાં પાંચ વર્ષનો કાર્યકાળ ખૂબ વ્યસ્ત અને સભર. દેશનાં અનેક નાનામોટાં શહેરોમાં મિટિંગ કે જુદા જુદા કાર્યક્રમો હોય, રીજનલ કમિટીના કાર્યક્રમો માટે ગુજરાતમાં પણ ફરવાનું, જુદી ભાષાનાં લોકોને મળવાનું તો બને જ. અકાદમીનો એ જ તો ઉદ્દેશ્ય કે ભાષાની સરહદો ઓળંગી સર્જકો એકમેકને મળે, સાથે પ્રવાસ કરે, જુદાં જુદાં સ્થળોએ ફરી અનુભવ સમૃદ્ધ બને, એમની સર્જકતાને પુષ્ટ કરે, એમની ક્ષિતિજો વિસ્તરતી રહે.

સાહિત્ય અકાદમી ઓલ ઇન્ડિયા વીમેન રાઇટર્સનાં સંમેલનો પણ યોજે, એથી પણ ટ્રાવેલિંગ થતું રહ્યું. મહિલાદિન નિમિત્તે પણ અકાદમીનાં લેખિકાઓનાં સંમેલન, પરિસંવાદમાં જવાનું બનતું. વીમેન્સ રાઇટર્સ કૉન્ફરન્સમાં પણ રવિન્દ્રભવનમાં ચેરપર્સન બનવાનું એકાધિક વખત બન્યું છે, જ્યૂરી પેનલ પર પણ કામ કરવાનું બનતું રહે છે.

વિનોદ જોષીની ફરીથી જનરલ કાઉન્સીલમાં નિયુક્તિ થઈ, ફરી ગુજરાતી ઍડ્‌વાઇઝરી કમિટી પર સર્જકમિત્રો સાથે, હમણાં તો ડિજિટલ પ્લૅટફૉર્મ પર, 2008થી 2022 સુધી.

સો ધ સાગા કન્ટીન્યૂઝ.
* * *
સાહિત્યયાત્રામાં અવનવા અનુભવો થતા રહે, દરેકને જીવનમાં કોઈક અનુભવ તો એવો થાય જો વિશિષ્ટ બની રહે.

સાહિત્ય અકાદમીએ આસામ, ગૌહતીમાં વીમેન રાઇટર્સ સેમિનારનું આયોજન કરેલું. અમે વીસપચ્ચીસ લેખિકાઓ પહાડની ઊંચાઈ પરની એક હોટલમાં હતાં. જુદી જુદી ભાષાની લેખિકાઓ સાથે રૂમ શેર કરવાની, ચર્ચા અને મસ્તીમજાક અને કૃતિવાંચનનાં કાર્યક્રમો કર્યા.

આસામમાં હોઈએ અને કામાખ્યા દેવીનાં મંદિરે ન જઈએ! દસમી સદીમાં નિલાંચલ ગિરિમાળા પર બંધાયેલું મંદિર એકાવન શક્તિપીઠમાંનું એક.

અત્યંત પ્રસિદ્ધ અને લોકોની આસ્થાનું થાનક. મંદિર તેની શિલ્પકળા માટે પણ પ્રખ્યાત. તીર્થસ્થાન પાછળ લોકકથાઓ તો કિંવદંતીઓ તો હોય. કામાખ્યાદેવીને વર્ષમાં એકવાર ઋતુસ્રાવ થાય ત્યારે ત્રણ દિવસ મંદિર બંધ રહે છે.

અમે ગયા ત્યારે માતાના કોઈ ઉત્સવનો દિવસ હતો, ભીડ હતી. ગિરિમાળાની છેક ટોચ પર મંદિરનાં પ્રાંગણ સુધી રિક્ષા જાય. અમે થોડી બહેનો ઊપડી. હું અને અર્ચના, જમ્મુની લેખિકા અમે બેએ સાથે રિક્ષા કરી હતી. ટોચ પરથી નગર એટલું મનોહર લાગતું હતું! પહેલાં દર્શન કરી પછી મંદિર અને પ્રાંગણમાં ફરીશું માનીને ફૂલટોકરી લઈ અમે બન્ને લાંબી કતારમાં ઊભાં રહ્યાં. લાલકિનારની સાડી પહેરી ઘણી સ્ત્રીઓ કતારમાં હતી.

ગુફામાં ગર્ભગૃહ છે, ભીડથી ગૂંગળામણ થતી હતી, દર્શન કરી તરત જ બહાર નીકળી આવ્યાં. મંદિરનાં આંગણામાં ફરતાં જોયું તો બધા પૂજારીઓ લાલભડક વસ્ત્રોમાં કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત, બકરીઓનું બેંબેં સંભળાતું હતું.

કુતૂહલથી એક પૂજારીને પૂછ્યું તો એ મંદિરના નીચાણવાળા એક ભાગમાં અમને લઈ ગયો, ત્યાં પંદર-વીસ બકરીઓ બાંધી હતી અને ચારેબાજુ લોહીથી રગદોળાયેલી ચીકણી સખત દુર્ગંધ મારતી જગ્યા. પૂજારી કહે, લોકો બાધામાનતામાં બકરાં બલિદાન માટે અહીં મૂકી જાય. રોજ સવારે અહીં પશુબલિ અપાય છે. તો પૂજારીઓમાં રક્તરંગી વસ્ત્રોનું આ રહસ્ય.

લોહીનાં ખાબોચિયામાં નિર્દોષ પશુઓને જગતજનનીનાં ચરણમાં મૃત્યુદ્વારે ભયભરેલાં જોઈ અમારાં બન્નેનું મન ક્ષુબ્ધ બની ગયું અને દૂરની જગ્યાએ બેસી પડ્યા, પણ એનો બેં બેંનો કરુણ અસહાય સ્વર અમારી પાછળ ઘસડાતો આવ્યો. હું કમકમી ઊઠી.

જ્ઞાનપીઠ પુરસ્કાર પુરસ્કૃત પ્રસિદ્ધ આસામીઝ લેખિકા ઇન્દિરા ગોસ્વામી તેમની આત્મકથામાં લખે છે, દીકરીને યોગ્ય મુરતિયો મળે માટે માએ, ખરાબ ગ્રહોની અસર દૂર કરવા કામાખ્યા મંદિરે બલિ ચડાવવાનું નક્કી કર્યું. સ્વજનોનું ટોળું લઈ મા કામાખ્યા આવે છે, ઇન્દિરા બકરાના દુર્ભાગ્ય પર રડી રહી હતી, પૂજારી ખડગથી બકરાનો વધ કરી, એનાં મસ્તક પર ગરમ લોહીનો લેપ કરતાં ઇન્દિરા બેભાન થઈ ગઈ હતી. પછીથી એમણે બલિપૂજા વિરુદ્ધ તારસ્વરે સતત વિરોધ નોંધાવ્યો ત્યારે એમની ટીકાનો સખત વિરોધ થયો હતો.

એ સાંજે અમે બ્રહ્મપુત્ર નદીને કિનારે સૂર્યાસ્ત જોતાં ઊભાં હતાં. આ નદીને `લાઉ હિવ્યા’ (લાલ નદી) ઉપનામ મળ્યું છે. કોઈએ કહ્યું, તેના કાંઠે આવેલાં અસંખ્ય મંદિરોમાંના વધસ્થળેથી પશુબલિનું લોહી સતત એમાં ભળે છે. નદી લોહીના આંસુએ રડી રહી છે.

Brahmaputra River - Wikipedia

ઉત્તરાખંડ ચારધામ હું જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે બસ ઊભી રાખી એક સ્થળે અમને વિશાળ શિલા બતાવી હતી. વર્ષો પહેલાં આ શિલા પર મનુષ્યબલિ અપાતો હતો. પછી મૃતદેહને ઊંડી ખીણમાં ફંગોળી દેવાતો. બ્રાહ્મણો અને લોકોનાં પ્રચંડ વિરોધ વચ્ચે પણ શંકરાચાર્યે મનુષ્યબલિની પ્રથા બંધ કરાવી હતી.

મંદિરનું શિલ્પસ્થાપત્ય જોયા વિના જ હું અને અર્ચના અમે રિક્ષામાં નીચે ઊતરી ગયાં.
* * *
સાહિત્ય અકાદમીની મિટિંગ ઇન્દોર હતી. મેં જવાની તૈયારી કરી. ફ્લાઇટની ટિકિટ બુક કરી અને બૅગ તૈયાર કરી. ત્યાં સંદેશો આવ્યો, અકાદમીના પ્રમુખ સુનિલ ગંગોપાધ્યાયની નાદુરસ્ત તબિયતને લીધે હવે મિટિંગ કલકત્તામાં છે.

હું કલકત્તા ઍરપૉર્ટ પર ઊતરી તો આખા ઍરપૉર્ટ પર ઉદાસીનો ઓથાર! સ્ટાફ ગુમસૂમ. શું થયું પૂછતાં, ઍરપૉર્ટ કર્મચારી સુનિલદાનું અવસાન બોલતાં એ રડી પડ્યો.

Bengali writer Sunil Gangopadhyay passes away
સુનિલ ગંગોપાધ્યાય

ટૅક્સીમાં હોટલ જતાં મેં જોયું શહેર આખું શોકમાં ગરકાવ! તેમના મૃતદેહને અંતિમ દર્શનાર્થે જે હૉલમાં રાખ્યો હતો, એ રસ્તેથી મારી ટૅક્સી જઈ રહી હતી.

પોતાનાં પ્રિય સર્જકનાં દર્શન અને પુષ્પાંજલિ માટે લોકો ભરતડકે લાંબી કતારમાં ઊભા હતા. મેં દૂરથી મનોમન વંદન કર્યા, હોટલ પહોંચી મેં અંગ્રેજી અખબારો મંગાવ્યા. બધા અખબારોનાં, બધાં જ પાનાંઓ પર સુનિલદા.

Bengali writer Sunil Gangopadhyay cremated in Kolkata

આખું શહેર પોતાના પ્રિય સર્જક માટે શોકાતુર એ કેવું ધન્ય દૃશ્ય!
* * *
2009ની ફેબ્રુઆરી. એક ઢળતી સાંજે દિલ્હી સાહિત્ય અકાદમીની ઑફિસમાંથી ફોન આવ્યો, એપ્રિલમાં લંડનમાં ઇન્ટરનેશનલ બુકફેરના ડેલિગેશનમાં સહભાગી થવાનું તમને આમંત્રણ છે. પાસપોર્ટ તૈયાર રાખજો, પેપર્સ મોકલશું.

હું ખુશ તો થઈ, થોડી મૂંઝાઈ પણ ખરી. દેશપરદેશનાં પ્રબુદ્ધ સાહિત્યકારો, પત્રકારો, પ્રકાશકોની ઉપસ્થિતિમાં એક ગુજરાતી લેખિકાને ભાગે વળી શું કહેવાનું આવે? આંતરરાષ્ટ્રીય સાહિત્યના કાર્યક્રમમાં બોલવાનો એ પહેલો અનુભવ.

પછી તો કલકત્તાની બ્રિટિશ કાઉન્સિલમાંથી નિવેદિતા ઘોષનાં રોજ ઇ-મેઇલ. ઇવેન્ટ માટે કેટલી યોજનાબદ્ધ પૂર્વ તૈયારી! એ પણ પહેલો જ અનુભવ. ઇ-મેઇલમાં બીજા ડેલિગેટ્સનાં નામ, લંડનનું હવામાન, ફાઇવ સ્ટાર હોટલની વિગતો, નકશાઓ, કરન્સી, ટ્રાન્સપોર્ટની જાણકારી ત્યાં સુધી કે તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે તમને કેવા પ્લગ, ચાર્જર જોઈશે તેની પણ માહિતી ચિત્રો સાથે.

આ બુકફેરમાં પુસ્તકો વેચાણ માટે નથી હોતા. વિશ્વનાં અનેક દેશોનાં પ્રકાશકો, અનુવાદકો, લિટરરી એજન્ટ્સ માટે ગ્લોબલ રાઇટ્સ ડીલનું આ અત્યંત મહત્ત્વનું પ્લૅટફૉર્મ હતું.

સુનિલદા, વિક્રમ શેઠ અને યુ એન કૃષ્ણમૂર્તિ સાથે – લંડન

મને ઇમેઇલ, તમારી નવલકથાઓનાં અનુવાદની બબ્બે કૉપી મોકલી આપો. પણ આપણે ત્યાં ખાટલે મોટી ખોડ, અનુવાદની સ્તો! આપણી પ્રાદેશિક ભાષાઓમાં વિશ્વકક્ષાનું સાહિત્ય રચાય છે પણ અનુવાદ વિના ભાષાઓનાં સીમાડા કેમ ઓળંગાય!

થોડાં વર્ષો પહેલાં ગુજરાત સાહિત્ય અકામીની અનુવાદ યોજના નીચે મારી બે નવલકથાઓ, `મારે પણ એક ઘર હોય’ અને `ખરી પડેલો ટહુકો’નો અનુવાદ અમીના અમીન અને ગીતા ચૌધરીએ કરી હસ્તપ્રતો આપેલી. પણ પછી એનાં કોઈ સગડ જ નહીં! કેટલા પત્રો લખ્યા, તપાસ કરી પણ હસ્તપ્રતો સંતાકૂકડી રમે. સમય વીતતો ગયો. જવાના થોડા દિવસો પહેલાં મને શું સૂઝ્યું કે આ સંજોગો વર્ણવતો એક પત્ર લખ્યો.

ચમત્કાર આજે પણ બને છે. જવાને જ દિવસે બન્ને હસ્તપ્રતોનું એક જ પુસ્તક, એની પાંચ કૉપીનું પાર્સલ મને મળ્યું. સરસ રૂપકડું પ્રકાશન. જોયું તો પ્રકાશક, અકાદમીનાં મહામાત્ર કિરીટ દુધાત. હવે તો પુસ્તકો આપવાની તારીખ ચાલી ગઈ હતી છતાં બે કૉપી મેં સાથે રાખી.

મુંબઈ ઍરપૉર્ટ પર સાહિત્ય અકાદમીના ડેલિગેટ્સ ભેગા થયા. ભારતભરમાંથી પિસ્તાલીસ ડેલિગેટ્સને આમંત્રણ હતું, કેવા કેવા નામ! નૉબલ લોરેટ અમ્યર્ત સેનથી લઈ, નંદન નિલકેની, ગિરીશ કર્નાડ, `ચૌરંગી’ના લેખક શંકર, જ્ઞાનપીઠ પુરસ્કૃત કન્નડ લેખક અનંતમૂર્તિ (મને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ એમનાં હાથે મળેલો) ભારતના પ્રબુદ્ધ સર્જકો, એમાં અમે અકાદમીનાં દસ ડેલિગેટ્સ. યુ.કે.ના જાણીતા અંગ્રેજી ભારતીય લેખકો મોડરેટર.

ગિરીશ કર્નાડ

જુદા જુદા પિસ્તાલીસ જેટલા સેમિનાર. દરેક લેખક જુદી જુદી ડિસ્કશન પેનલ પર. મારું નામ પાંચ સેમિનારની પેનલ પર. વિષયોમાં અપાર વૈવિધ્ય!

રુચિર શિવકુમાર જોષી, સુકેતુ મહેતા

કડકડતી ઠંડી. ફાઇવ સ્ટાર હોટલમાં અમારા સહુનો સ્વતંત્ર રૂમ. આઠ દિવસ સહુએ સાથે રહેવાનું હતું. સવારે બસ સહુને બ્રેકફાસ્ટ પછી ઍક્ઝિબિશન સેન્ટર લઈ જાય, ત્યાં લેખકો માટે ખાસ રેસ્ટરૂમ. પોતપોતાના ઇવેન્ટની દોડાદોડીમાંથી અહીં સહુની આવનજાવન.

શબાના આઝમી

ઍક્ઝિબિશન સેન્ટરમાં પગ મૂકતાં હું રોમાંચિત થઈ ગઈ. એટલો ભવ્ય અને વિશાળ! ખોવાઈ જવાય. વિશ્વભરનાં પ્રકાશકોનાં સ્ટોલ્સ. આ ગ્લોબલ પ્લૅટફૉર્મનો હું એક સાવ નાનકડો હિસ્સો હતી એનો આનંદ. (જુદી જુદી સાડીઓ પહેરવાનો પણ આનંદ).

સેન્ટરમાં અનેક જગ્યાએ એક સાથે અનેક ઇવેન્ટ ચાલે. થેમ્સ રૂમમાં ભરચક્ક શ્રોતાઓ વચ્ચે મારો સેમિનાર હતો, ઇમેજનિંગ ઇન્ડિયાસ્ટેટ ઑફ ફિક્શન ટુડે. મારી સાથે પેનલ પર સુનિલદા, વિક્રમ શેઠ, અનંતમૂર્તિ, હું અને બીજા બે સર્જકો. મોડરેટર ઇયાને પહેલો પ્રશ્ન વિક્રમ શેઠને પૂછ્યો, એમણે હું પ્રોઝ અને પ્રોયેટ્રી લખું છું એવો ટૂંકો જવાબ આપ્યો.

બીજો પ્રશ્ન મને. હું સમજતી હતી એક જ કલાકની અવધિમાં બીજો પ્રશ્ન મને કદાચ નહીં મળે. મેં પહેલેથી નક્કી કર્યું હતું હું મારા પિતા, બહેન કે મારા લેખન વિષે નહીં બોલું પણ પ્રાદેશિક ભાષાઓ વિષે જ કહીશ.

મેં ભારપૂર્વક કહ્યું, દુનિયામાં શ્રેષ્ઠ સાહિત્યનું સર્જન પોતાની માતૃભાષામાં થયું છે, તો શા માટે અમને પ્રાદેશિક ભાષાનાં લેખકોને હાંસિયામાં મૂકવામાં આવે છે? અંગ્રેજી પ્રકાશનગૃહો અમારા અંગ્રેજી અનુવાદો કેમ પ્રગટ નથી કરતા? જે ભારતીયો અંગ્રેજીમાં લખે છે તેમની તો બોલબાલા છે. પબ્લિસિટી, પ્રમોશન અને પૈસા બધું જ એમને ફાળે? વ્હાય? એ બધાં પુસ્તકો બૅસ્ટસેલર? હાઉ? જ્યારે માતૃભાષાને માનસન્માન મળશે ત્યારે સાહિત્યની જરૂર કાયાપલટ થશે.

ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો, મેં કહ્યું આ તાળીઓ બધાની માતૃભાષાને મળી રહી છે, મને નહીં. કાર્યક્રમ પૂરો થતાં જાવેદ અખ્તરે મને કહ્યું, યે હી રોના હમેં ઉર્દૂ કે લિયે હૈ.

જાવેદ અખ્તર

મારી અંગ્રેજીમાં અનુદિત બે નવલકથાઓ કોઈ લઈ ગયું, એ પુસ્તકોનાં વિશાળ લહેરાતા મહીસાગરમાં ડૂબી ગઈ હશે.

યુ.કે.ની જુદી જુદી જગ્યાએ અકાદમીએ અમારા દસ ડેલિગેટનાં નામ મોકલ્યા હતા, આમાંથી કોઈ લેખકને તમે વક્તવ્ય માટે આમંત્રણ આપી શકો છો. માન્ચેસ્ટર લાઇબ્રેરીમાંથી મને આમંત્રણ મળ્યું. બ્રિટિશ કાઉન્સીલનાં મિ. સેન મને માન્ચેસ્ટર લઈ ગયા. ટ્રેનમાં સાથે અનંતમૂર્તિ પણ હતા. મજેથી વાતો કરી. એમને કોઈ બીજી લાઇબ્રેરીમાં જવાનું હતું.

માન્ચેસ્ટરની લાઇબ્રેરીમાં અમારી ટૅક્સી પહોંચી ત્યારે પગથિયે લાઇબ્રેરી ડાયરેક્ટર, એક બ્રિટિશ મહિલાએ ફૂલોથી સ્વાગત કર્યું, એક યુવાન મને લાઇબ્રેરીનાં મુખ્ય ખંડમાં લઈ ગયો. આનંદ અને આશ્ચર્ય એ કે એ મુંબઈનો જ ગુજરાતી યુવાન હતો! ત્યાંની લાઇબ્રેરીમાં મારી ઘણી નવલકથાઓ હતી જે તેણે સ્ટૅન્ડ પર ગોઠવી હતી.

માન્ચેસ્ટર લાઇબ્રેરીમાં મારાં પુસ્તકો

મારા ફોટાઓ, પેપરમાંથી કાપેલા લેખોનું સરસ કોલાજ પણ બનાવ્યું હતું. થોડા ગુજરાતી શ્રોતાઓ હતા, મેં મારી બે વાર્તાઓનું પઠન કર્યું. (મહિના પછી એક વધુ આશ્ચર્ય! નવલિકાપઠનનો રૂ. દસ હજારનો ચેક મને મળ્યો.)

આઠ દિવસ જોતજોતામાં વીતી ગયા. ઇન્ડિયન હાઈકમિશનરે ઇન્ડિયા હાઉસમાં બધા ડેલિગેટ્સ અને યુ.કે.ના જાણીતા પત્રકારો, ગુજરાતીઓ, સેલિબ્રિટીઝને ડિનર ઇન્વિટેશન આપ્યું હતું.

એક ભવ્ય દબદબાભર્યો સમારંભ. મારા કૉલેજકાળમાં મિત્ર મેઘનાદ દેસાઈ અને તેમનાં પત્ની કિશ્વર દેસાઈ પણ સાથે હતાં. (આવો ભવ્ય સમારંભ તે પણ ઇન્ડિયા હાઉસમાં! એક ગુજરાતી લેખિકા માટે તો પ્રથમ અને અંતિમ પણ).

બૅન્કવેટ હૉલમાંથી હું સરકી ગઈ અને ઇન્ડિયા હાઉસની વિશાળ ઇમારતમાં હું ફરતી રહી. અદ્ભુત પૅઇન્ટિંગ્સ, અનેક કલાકૃતિઓ, ઝળહળતા ઝુમ્મરો, કિંમતી ગાલીચાઓ. હું જાણતી હતી આ આપણા ભારતીય ક્રાન્તિવીર શ્યામજી કૃષ્ણવર્માવાળું ઇન્ડિયા હાઉસ નથી જ્યાં સ્વાતંત્ર્યસંગ્રામની એક પવિત્ર ચિનગારી અખંડ દીપની જેમ સતત પ્રજળતી રહેલી. એક તીર્થધામ.

Shyamji krishna varma.jpg
શ્યામજી કૃષ્ણ વર્મા

એ ઇન્ડિયા હાઉસમાં તો હવે કોઈ રહે છે, શ્યામજી કૃષ્ણવર્માનાં નામની તકતી એ ઇમારત પર હજી પણ અકબંધ સાચવીને.

આ બીજા ઇન્ડિયા હાઉસના લાલ જાજમ પાથરેલા દાદરને પગથિયે હું બેસી પડી. ફરી એ વિચાર ઝબકી ગયો, મારા દેશના ક્રાન્તિકારીઓ વિષે, સંક્રાન્તિકાળ વિષે એક બૃહદ નવલકથા લખવાનું મેં મને વચન આપ્યું હતું એ વિચાર હું કેમ ઠેલતી રહું છું!

ક્રાન્તિનું તીર્થધામ, એ ઇન્ડિયા હાઉસ જવાનું બહુ મન હતું પણ હું ભૂગોળમાં કાચી અને પરદેશમાં અજાણી જગ્યા એકલા શોધવાનું કામ મારું નહીં.

મારી સ્મૃતિમંજૂષામાં અનેક ઝગમગતાં કિરણો લઈ હું લંડનથી પાછી ફરી.
* * *
ક્યારેક એવું લાગે કે આમંત્રણોની મોસમ ખીલી ઊઠી છે. એકની પાછળ બીજું પ્રતિક્ષા કરતું હોય છે.

2010 ઑગસ્ટ. અમેરિકાથી રામ ગઢવીનો ફોન, ટાગોરની 150મી જન્મજયંતિ નિમિત્તે ફ્લોરિડામાં અમારું સાતમું ત્રિદિવસીય સાહિત્ય સંમેલન છે. તમને અતિથિવિશેષ તરીકે આવવાનું ભાવભર્યું આમંત્રણ છે, તારીખો સપ્ટેમ્બર 17, 18, 19.

ગુજરાતી લિટરરી એકૅડમી ઑફ નોર્થ અમેરિકાના પ્રમુખ રામભાઈ વિષે બીજા લેખકો પાસેથી જાણ્યું હતું પણ અમને પરસ્પરનો પરિચય નહીં, છતાં રામભાઈ-ભાનુબહેને આત્મીયતાથી એમને ત્યાં જ રહેવાનો મને આગ્રહ કર્યો.

મેં સંકોચસહ પૂછ્યું, માધવીને સાથે લાવી શકું? અમને એકમેકનો સાથ અને યજમાન પર કશો ભાર નહીં, અલબત્ત માધવીનો ખર્ચ હું કરીશ. રામભાઈએ રાજી થઈ તરત જ હા પાડી.

નાસામાં હું અને માધવી

મારી સાથે હતા ભોળાભાઈ અને નિરંજન ભગત. સાથે પ્રવાસ, કાર્યક્રમો, ફ્લોરિડામાં સહુ સાથે રહેવાનું.

ટેમ્પામાં ભગતસાહેબ, ભોળાભાઇ, ભીખુદાન ગઢવી અને ભારતી વ્યાસ
અમેરિકામાં અશોક ઝવેરચંદ મેઘાણી સાથે

આ આમંત્રણ મારે માટે તો એક શુભ અવસર.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    ‘ જીવ્યા કરતાં જોયું ભલું ‘આ કહેવતને નાતે આપે નસીબજોગે જોયું, જાણ્યું, અનુભવ્યું અને આપણા ક્રાંતિવીરોનાં દર્શન કરીને શ્રધ્ધા વ્યક્ત કરી. ઉપરાંત આપણી માતૃભાષા તરફ કોઈનું ડોકિયું ન હોવાનો બળાપો પણ ઠાલવ્યો. કેટલાક ધાર્મિક સ્થળનાં દર્શન કર્યા બાદ એ પણ જોવા મળ્યું કે આપણા સનાતન ધર્મમાં હજુ પણ કેટલી અંધશ્રદ્ધા ભરેલી પડી છે!? એનો ભારોભાર ખેદ પણ વ્યક્ત કર્યો. એમાંથી કંઇક કરવાની દિશા અને પ્રેરણા પણ મળી. આંતરરાષ્ટ્રીય લેખકોને મળવાનો અનાયાસે મોકો સાંપડ્યો.ધન્યવાદ.
    અત્રે ઉલ્લેખનીય છે કે આપનો લેખ વાંચી મેં પણ પરોક્ષ અનુભવ કરી સાકાર થયાનો અહેસાસ થયો. આભાર.