“ભમ્મરિયા કૂવાને કાંઠડે” શું છે? (સ્મરણ: સુરેન ઠાકર મેહુલ) ~ ૧૪ લોકગીતોની લિંક સાથેનો લેખ ~ કટાર: અલકનંદા (દર શનિવારે) ~ અનિલ ચાવડા
પિંડને પરમ પદારથ જડ્યો
સુરતાના સોગઠડે રમતાં
અનહદમાં જઈ ચડ્યો
આ કવિતાના રચનાર કવિને પરમ પદારથ જડી ગયો અને તે સુરતાના સોગઠે રમતાં રમતાં હદમાંથી ‘અનહદમાં જઈ ચડ્યા’. કવિ તો પોતાના સર્જનમાં શબ્દોના સોગઠાં ગોઠવતા રહ્યા. કવિતાના પ્રાસ અનુપ્રાસની રમતમાં શ્વાસ પરોવાતા ગયા.
આખરે આ શ્વાસની રમત પણ એક દિવસ પતવાની છે. જિંદગીની હદમાંથી દરેકે બહાર આવવાનું છે. જીવન એ તો હદ છે, તમે શરીરથી બંધાયેલા છો. સ્વજનોના તંતુ તમારી સાથે જોડાયેલાં છે. સંબંધના અનેક તાણાવાણા તમને પકડી રાખે છે. તમારા નામકામનો મોહ તમને ખેંચ્યા કરે છે. તમને સતત કંઈક ને કંઈક કામના રહે છે. તમે એષણાના અદૃશ્ય દોરા વડે બંધાયેલા રહો છો. કારણ કે તમે દેહના પિંડમાં બંધાયેલા છો. તમને પરમ પદારથ જડશે કે તરત પિંડથી મુક્ત થશો.
આધ્યત્મના અમિઝરણા જેવું ગીત આપનાર કવિ સુરેન ઠાકર મેહુલ આપણી વચ્ચે નથી.
સુરેશ દલાલે તેમને મેઘાણી, મકરન્દ અને વેણીભાઈનું મિશ્રણ કહ્યા હતા. તેમની વાણીમાં લોકબોલીનો લહેકો હતો. તેમના સર્જનમાં વેણીભાઈ પુરોહિત જેવી કાવ્યબાની હતી અને વિચારમાં મકરન્દ દેવી જેવી આધ્યાત્મિકતા. સુરેશ દલાલે ખૂબ નાણી-પ્રમાણીને વાત કરી છે.
સુરેન ઠાકરનું તો નામ જ ઉપનામ જેટલું સુંદર છે. ઘણા કવિઓ પોતાનું ઉપનામ એટલા માટે રાખતા હોય કે જેના દ્વારા તે ઉપનામ થકી મનોભાવો સારી રીતે વ્યક્ત કરી શકે. તેમને વ્યક્ત થવા માટે એક વિશેષ નામનો આધાર મળે. ઘણા એટલા માટે રાખતા હોય કે તેમનું મૂળ કવિ જેવું લાગતું જ નથી હોતું. નામ વાંચીને જ લોકોને કવિતા વાંચવાની ઇચ્છા ન થાય. જ્યારે આ કવિનું મૂળ નામ અને ઉપનામ બંને સાંભળવા-વાંચવા ગમે એવાં છે.
સુરેનનો અર્થ થાય ઇન્દ્ર. ઇન્દ્ર તો સ્વર્ગનો રાજા. એ તમામ દેવોને હુકમ આપી શકે. વાયુ, અગ્નિ, મેઘ બધાને. વળી સુરેન ઠાકરે તો તખલ્લુસ પણ મેહુલ રાખ્યું. એક તો ઈન્દ્ર અને વળી એમાં મેહુલ. એ કવિતામાં હકપૂર્વક ન વરસે તો જ નવાઈ!
લોકસાહિત્યના અભ્યાસુ અને ઉત્તમ રજૂકર્તા સુરેન ઠાકર મેહુલે ‘ભમ્મરિયા કૂવાને કાંઠડે’ નામનું સુંદર સંપાદન કર્યું છે.
આ પુસ્તકનું નામ જૂની રંગભૂમિના નાટકના ગીતની એક પંક્તિ પરથી રાખવાનું આવ્યું છે. વર્ષોથી લોકજીભે ગવાતાં, ગૂંજતાં ગીતોનો આ સંગ્રહ ખરેખર નોખો અનોખો છો. એમાં સુરેન ઠાકરની ગીતપસંદગી અને લોકસાહિત્યનો અભ્યાસ દેખાઈ આવે છે.
દરેક સંસ્કૃતિને પોતાનું લોકસાહિત્ય હોય છે. પોતાની લોકવાણી હોય છે. એનો સર્જક કોઈ એક માણસ નથી હોતો. એ તો લોકો દ્વારા સર્જાયેલું હોય છે. વર્ષોથી રચાતું આવ્યું હોય છે. નદીનું ખળખળ વહેણ વહે એમ આ અવિરત લોકસાહિત્ય વહેતું આવ્યું છે.
જેમ નદીના કાંઠે પડેલો પથ્થર, તેની પર સતત પાણી પસાર થવાથી એકદમ લિસ્સો થઈ જાય, તેવું આ લોકસાહિત્યનું છે. વર્ષોનું જળ તેની પર એટલી બધી વાર પસાર થયું હોય છે કે વાણીના વહેણમાં એકદમ લિસ્સું થઈ ગયું હોય છે. કોઈ પણ ગાઈ શકે એટલું સરળ અને અર્થમાં ઊંડું.
કોઈ ભાષાના લોકસાહિત્યમાં જે તે સંસ્કૃતિના સૂર પરોવાયેલા હોય છે. લોકોને સમજવા હોય, તેમની ભાતીગળ જિંદગીને જાણવી હોય તો લોકગીતો સાંભળો, તેનો અભ્યાસ કરો. તમને તે સંસ્કૃતિના અનેક રંગો અનુભવાશે.
લોકસાહિત્ય એટલે વટ, વચન, વ્યવહાર, ટેક, ટૂંક, ખમીર, ખુમાર અને ખાનદાની આ આઠ તત્ત્વોની ઇબાદત. સુરેન ઠાકરે પોતાના આ સંપાદનમાં આ આઠે તત્ત્વોને સરસ રીતે ઝીલ્યાં છે. પુસ્તક વિશે એમણે પોતે પ્રસ્તાવનામાં લખ્યું છે,
“જેમ સાગર વલોવાયો અને અનેક રત્નો નીકળ્યાં, તેવી જ રીતે લોકોના જીવનરસથી તરબતર હૈયાં વલોવાયાં અને લોકગીતો નીપજ્યાં. બળુકી અને સાચુકલી ઊર્મિઓ વલોણારૂપે ઘૂમવા લાગી અને એ હૈયાવલોણામાંથી જે રત્નો નીપજ્યાં તેનો રસઝરતો થાળ તે લોકગીત.”
આ સંગ્રહમાં કેટકેટલાં અદ્ભુત ગીતો સંગ્રહાયા છે. લોકહૈયામાં ઉદ્ભવેલા ભાવોનો સમુદ્ર જાણે આ સંપાદનમાં સમાઈ ગયો છે. આ ‘ભમ્મરિયા કૂવાને કાંઠડે’ શું છે? કેવાં કેવાં લોકગીતો આ કૂવામાંથી આપણા હૃદયની મટુકીમાં ભરી શકાય તેમ છે એ તો જુઓઃ
નીચે ટાંકેલા લોકગીત સાથે YouTube Linkપણ આપી છે. એટલે આપ આ આખા ગીતો જોઈ/સાંભળી શકશો. – સંપાદક
“તમે કિયા તે ગામનાં ગોરી રાજ, અચકો મચકો, કાં રે અલી.”
https://www.youtube.com/watch?v=lgt5OCw03fw
“આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
ઝીણા ઝરમર વરસે મેહ, ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે.”
https://www.youtube.com/watch?v=tdTtdmXyL5c
“આલા લીલા વાંસળિયા રે વઢાવો.”
https://www.youtube.com/watch?v=JvazsRttkzc
“એક વણઝારી ઝીલણ ઝીલતી’તી”
https://www.youtube.com/watch?v=4bJ5g70R2DM
“ઓ રંગરસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો.”
https://www.youtube.com/watch?v=41scUOyRRnY
“ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી ક્યાં રે વગાડી?”
https://www.youtube.com/watch?v=43PL—Vx2s
“ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં.”
https://www.youtube.com/watch?v=RmwmR06xODs
“નટવર નાનો રે, કાનો રમે છે મારી કેડ્યમાં.”
https://www.youtube.com/watch?v=g5mphspRWx4
“પાણી ગ્યાં’તાં રે બેની અમે તળાવનાં રે”
https://www.youtube.com/watch?v=y4gXGsS4jyU
“પહેલા પહેલા જુગમાં રાણી, તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામના.”
https://www.youtube.com/watch?v=QY_WGi-TJ7s
“મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે,”
https://www.youtube.com/watch?v=EXGiZ08tuBo
“મારે મહિસાગરને આરે ઢોલ વાગે છે.”
https://www.youtube.com/watch?v=FbszFM327mk
“હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ.”
https://www.youtube.com/watch?v=Ae5VyiBECH8
“હું તો કાગળિયાં લખીલખી થાકી કાનુડા તારા મનમાં નથી.”
https://www.youtube.com/watch?v=2EiaH8iuw28
આવાં અનેક લોકપ્રિય લોકગીતોથી આ સંપાદન શોભી ઊઠ્યું છે. લોકસાહિત્યમાં રસ ધરાવતા લોકોએ ખાસ વાંચવા-વસાવવા જેવું છે.
પુસ્તકનાં પાનાં ફેરવતાં ફેરવતાં થશે, અરે! આ ગીત તો મારી બા ગાતી હતી. અરે આ ગીત તો મેં ફલાણી જગ્યાએ લગનમાં સાંભળ્યું હતું. અરે, આ ગીત તો મેં કો’ક ડાયરામાં સાંભળ્યું હતું. અથવા તો જૂની કેસેટમાં કોઈના મુખે સાંભળેલું હોય તેવું યાદ આવે છે.
અનેક વિસરાયેલાં ગીતો તમારી સન્મુખ થઈ જશે અને તમારી સામે બેસીને જાણે તમને કોઈ સંભળાવતાં હોય તેવી અનુભૂતિ થાય તોય નવાઈ નહીં. શરત માત્ર એટલી જ છે કે ગુજરાતની એ ભાતીગળ જિંદગી, જે આ લોકગીતોમાં વ્યક્ત થઈ છે, તે તમે ક્યારેક અનુભવેલી હોવી જોઈએ. તમારા શ્વાસમાં લોકસંસ્કૃતિનો લય થોડોઘણો ભળેલો હોય.
દરેક ગુજરાતીમાં એ હોવાનો જ. વિદેશમાં વસેલા ગુજરાતીઓ તો આ વધારે મિસ કરે. સુરેન ઠાકરનું આ સંપાદન એ દૃષ્ટિએ સાચવવા જેવું છે.
સુરેન ઠાકરનાં પોતાનાં મૌલિક ગીત ગઝલ પણ સાંભળવા જેવાં છે. આજે સુરેન ઠાકર મેહુલ આપણી વચ્ચે નથી, ત્યારે જે પંક્તિઓથી લેખની શરૂઆત કરી હતી, તેનાથી જ વીરમીએ.
(સ્વરકાર, ગાયક : સુરેશ જોશી)
પિંડને પરમ પદારથ જડ્યો
સુરતાના સોગઠડે રમતાં
અનહદમાં જઈ ચડ્યો
અણુઅણુની આવનજાવન,
તનની તાલાવેલી
લહરલહરનો સ્પંદ,
શ્વાસનો રાખણહારો બેલી
અગનજાળમાં આથડતાં એ
અગમનિગમને અડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો
રણઝણ રેલમછેલ પ્રહરમાં,
ભવનું એ અવગુંઠન
ઝંખા જાજરમાન અસરમાં
અજબગજબનું ગુંજન
રમત રચી રળિયાત
અદીઠો વિસ્તરવામાં પડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો
~ સુરેન ઠાકર મેહુલ
***
સુરેન ઠાકરને શબ્દે મઢી શબ્દાંજલિ… એમની ખૂબ સુંદર રચનાઓ વિશે જાણકારી મળી. મારા હૈયે વસી જાય, એવી એક એકથી ચડિયાતી રચનાઓ માણવાનો અવસર સાંપડ્યો. હું એમને કયા શબ્દોથી નવાજુ? મારું મન મનાવીને શત શત પ્રણામ…
– પરથીભાઈ ચૌધરી,”રાજ”