विनायकी विझा वहाँ नहीं चल पाया ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 27) ~ પૂર્વી મોદી મલકાણ
અગાઉનાં અંકમાં જણાવ્યું કે; અમેરિકાની ઓફિસમાંથી વિલિયમ, ફ્રેડ, ચાર્લ્સ, સ્મિથ, પોલ, કેન અને અમે બંને એમ અમારું ૮ જણાંનું ગ્રૂપ પાકિસ્તાન જવા નીકળેલું હતું. જ્યારે ઈન્ડિયાની ઓફિસમાંથી નીકળેલ સુનંદ, વિનાયક અને અસિતજી એમ ૩ લોકોનું ગ્રૂપ અમારી સાથે હતું.
ઈન્ડિયાથી આવેલ અસિતજી, જેઓ સેલ્સ ડિપાર્ટમેંટનાં હતાં તેઓ પોતાનું કામ પૂરું કરી લગભગ ૩-૪ દિવસમાં જ નીકળી ગયાં અને સુનંદજી પણ. જેઓ પાકિસ્તાનથી યુ.એસ તરફ નીકળવાનાં હતાં.
હવે રહ્યાં વિનાયકજી. આ વિનાયકજી સાથે મારી સુંદર મિત્રતા થઈ ગઈ. ઓફિસેથી આવ્યાં પછી તેઓ મારા રૂમ પર આવતાં અને કહેતાં “पूर्वीजी चलिये नीचे चाय पीने चलते है।“ ચા પીવા અમે બ્રેકફાસ્ટ રૂમમાં જતાં અને પાકિસ્તાનનાં ઇતિહાસ અને પાકિસ્તાન – ભારત વચ્ચેનાં ફર્ક ઉપર વાતો કરતાં.
એક દિવસ તેઓ બહુ ઉત્સાહપૂર્વક મારા રૂમ પર આવ્યાં અને ચાનો ઓર્ડર રૂમ પરથી આપી દીધો અને મને કહે; पूर्वीजी मेरा इंडिया वापस लौटने का वक्त करीब आ रहा है, आपको पता है ना? જેનાં જવાબમાં મેં કેવળ મૂક હા કહી અને તેમનું પળભર પણ રોકાયા વગરનું બોલવાનું ચાલુ રહ્યું,પણ વિક્ષેપ ત્યારે પડ્યો, જ્યારે તેમની એક વાતથી મને આશ્ચર્ય થયું. એ વાત જ એવી હતી.
તેઓ મને કહે; पूर्वीजी मैं वाघा बॉर्डर से इंडिया जा रहा हूँ। બસ એમનો મમરો મૂકાયો અને મેં ફટફટ પૂછવાનું ચાલુ કર્યું. વાઘા? વાઘા શા માટે?
તેઓ કહે કે; બસ યુંહી, હઁ…યુંહી ક્યું યુહી? આપકો જાને દેંગે ક્યા? हाँ हाँ क्यूँ नहीं जाने देंगे? वैसे भी बाहर ही तो नीकल रहा हूँ,और वोह चाहे एयरपोर्ट से निकलूँ या वाघा बॉर्डर से क्या फर्क है?
તેમનાં એ જવાબ પછીયે મારી કેટલીયે પૂછપરછ ચાલુ રહી પણ તેમનાં અતિઉત્સાહ પાસે મારી વાણી મૂક બની ગઈ. તેઓ રૂમમાંથી નીકળ્યાં ત્યારે ઉત્સાહથી થનગનતા જતાં તેમનાં કદમને હું જોઈ રહી.
વિનાયકજીને ઈન્ડિયા પાછા ફર્યે હવે ઘણાં દિવસ થઈ ગયાં હતાં, અમારી લાહોર ટૂર ચાલુ હતી. લાહોરનાં કડવા અનુભવો અને મીઠી યાદોનો દોર અમારે માટે ચાલુ થઈ ગયો હતો, તેવામાં એક દિવસ અચાનક કોઈક ખોવાયેલ સ્મૃતિમાં અચાનક વિનાયકજી ઝળકી ગયાં. આથી ઇસ્લામાબાદ જઈ તેમની સાથે વાત કરવાનું નક્કી કર્યું.
ઇસ્લામાબાદ પરત ફર્યા પછી એમનો મેં તરત કોંટેક્ટ કર્યો અને પૂછયું કે જે પ્રમાણે નક્કી કર્યું હતું તે જ મુજબ આપ વાઘા બોર્ડરથી ગયાં હતાં?
તેઓ કહે; कहाँ पूर्वी… मैं तो जैसे गया था वैसे ही वापस आया, विनायकी विझा वहाँ नहीं चल पाया।
તેમની એક વાત સાંભળી મને લાગ્યું કે; તેમણે પોતાનો પ્રોગ્રામ ફેરવી નાખી જે મુજબ આવ્યા હતા તે જ રીતે જવાનું નક્કી કર્યું હશે. એમની વાત સાંભળી મને શાંતિ થઈ, પણ બીજું વાક્ય મને સમજાયું નહીં તેથી હું ચૂપ રહી.
અચાનક મારી ચુપકીદીને તોડતા તેઓ બોલી ઊઠ્યાં: पूर्वीजी उन्हो ने नौ घंटे तक मुझे वाघा बॉर्डर में बिठा के रखा था, क्यूंकी उनको लग रहा था मैं इंडिया की और से आया हुआ एक स्पाय हूँ और इंडियन आर्मी के लिये काम करता हूँ।
તેમની વાત સાંભળી હું અવાચક અને સ્તબ્ધ બની ગઈ. કારણ કે એકબાજુ લાહોરમાં અમેય કંઈક આવો જ અનુભવ થયો હતો. કદાચ જેટલાં પ્રવાસીઓ પાકિસ્તાન ફરવા આવે તેમને સ્પાય માની લેવા તે જ પાકિસ્તાન પોલીસનું કામ હતું, જેમાં એક અમેરિકન શું કે એક ભારતીય શું!
पूर्वीजी मैने तो ….અમારી વાતચીત ચાલુ રહી, પણ ફોન મૂક્યાં પછી તેમની સાથેના વાતોનાં પડઘા ક્યાંય સુધી પડતાં રહ્યા. વિનાયકજીના કહેવા મુજબ તેઓ વાઘા બોર્ડર ગયા હતા. વાઘા બોર્ડર ઉપરથી પસાર થાય છે ગ્રાન્ટ ટ્રંક રોડ. (આ ગ્રાન્ટ ટ્રંક રોડ વિષે આપણે આ સીરિઝનાં ભાગ ૬માં જોયું હતું.)
ગ્રાન્ટ ટ્રંક રોડથી ભારત – પાક વચ્ચે વ્યાપારિક અને પ્રવાસ હેતુ શ્રી અટલબિહારી વાજપેયીજીનાં પ્રયાસોથી ફ્રેન્ડશીપ બસ શરૂ કરાઈ હતી.
આ જ બસની ટિકિટ વિનાયકજીએ લાહોરથી લીધી અને તે બસથી તેમણે ભારત તરફ પ્રવાસ શરૂ કર્યો. પણ, ચેકિંગ વખતે પાકિસ્તાન સાઈડની બોર્ડર પોલીસે કહ્યું કે તમે જો આ માર્ગેથી પાકિસ્તાન આવ્યાં હોય તો જ આ માર્ગેથી ભારત જઈ શકો અન્યથા નહીં.
વિનાયકજી કહે હું પ્રવાસી છું અને હું તમારો દેશ છોડી રહ્યો છું આનાથી વિશેષ વાત કોઈ હોઇ જ ન શકે. પણ બોર્ડર પોલીસ માની નહીં, તેથી તેમને વાઘા બોર્ડર ક્રોસ કરાવ્યાં વગર ત્યાં સામાન સાથે ઉતાર્યા અને પોતાની સાથે ઓફિસમાં લઈ ગયાં.
ઓફિસમાં ગયાં પછી અચાનક ન જાણે કેમ તે બોર્ડર પોલીસનાં મનમાં એવો ડાઉટ ગયો કે; આ કદાચ ઇંડિયન આર્મી માટે કામ કરે છે માટે જ રોડ વાટે જવા માટે આગ્રહ કરે છે. હવે જો તેમને બોર્ડર ક્રોસ કરાવી દઇશું તો ખબર કેમ પડશે? બસ આજ ડાઉટ સાથે તેમણે વિનાયકજીનો Interrogation કરવાનું ચાલુ કર્યું.
આ દરમ્યાન ઇસ્લામાબાદમાં રહેલી ભારતીય કોન્સ્યુલેટનો પણ કોંટેક્ટ કરવામાં આવ્યો, ભારતીય કોન્સ્યુલેટ તરફથી એક કોલ ઇસ્લામાબાદ ઓફિસમાં ગયો અને પછી એ જ ચક્કર ચાલુ થયા, જે ચાર્લ્સ માટે કરવામાં આવ્યાં હતાં.
અમેરિકાની ઓફિસ, ઈન્ડિયાની ઓફિસ અને ભારતીય કોન્સ્યુલેટ તરફથી કરાયેલાં ફોર્સને પરિણામે વિનાયકજીને નવેક કલાકમાં છોડવામાં આવ્યાં અને ત્યારપછી બે દિવસ માટે તેમને ઇસ્લામાબાદ મોકલવામાં આવ્યા અને મેરીએટ હોટેલમાં જ નજરબંદ કર્યા. ત્રીજા દિવસે તેમને ફ્લાઇટ દ્વારા ઈન્ડિયા પાછા મોકલવામાં આવ્યાં.
વિનાયકજી અને ચાર્લ્સનાં આ બંને પ્રસંગોની એવી ઊંડી અસર અમારી ઓફિસનાં લોકો પર પડી કે તેઓ પાકિસ્તાન ટૂરનું નામ આવતાં મો ફેરવી જતાં. બીજી બાજુ રહેલાં અમને એવો કોઈ જ પ્રોબ્લેમ થયેલો નહીં કે જેમાં અમેરિકન ઓફિસને મધ્યસ્થી બનવું પડે. આ કારણે જ્યારે પણ પાકિસ્તાન ઓફિસનું કાર્ય આવતું તેમાં મી. મલકાણને મોકલવામાં આવતાં અને હું તેમની સાથે જોઇન્ટ થઈ જતી.
આમ વિનાયકજી અને ચાર્લ્સનાં પ્રસંગ બાદ અમે બીજી બે વખત પાકિસ્તાન ગયાં. જેમાં મી. મલકાણની ચાર ટૂર થઈ અને મારી ત્રણ. રહી ચાર્લ્સ અને વિનાયકજીની વાત તો તેઓ બંનેનું નામ આજેય પાકિસ્તાનને ચોપડે શકમંદ સ્પાય તરીકે નોંધાયેલું હોઈ તેમને પાકિસ્તાન તરફથી બીજી વારનાં વિઝા ક્યારેય મળ્યાં નહીં.
© પૂર્વી મોદી મલકાણ ( યુ.એસ.એ )
purvimalkan@yahoo.com
shakmand ko sab shak hi nazar ata he.
ખૂબ સુંદર વર્ણન. આંખોને ઉઘાડી દે એવી માહિતી… પરંતું એક વાતનો ખેદ છે કે આપણે ગુજરાતીઓ ભાષાને ઉજાગર કરવા માટે પ્રયાસો કરીએ છીએ, તો એમાં અંગ્રેજી શબ્દોનો આગ્રહ રાખી શકાય નહિ… હા… એક વાત ચોક્કસ માનીશ કે ગુજરાતી ભાષા સાથે હિન્દી ભાષાનો તાલમેલ કરવામાં વાંધો ના હોઈ શકે.
– પરથીભાઈ ચૌધરી,”રાજ”
માનનીય શ્રી પરથીભાઈ;
સાદર પ્રણામ. આપના દરેક એપિસોડમાં મળતા પ્રતિભાવોને કારણે મને દરેક વખતે આપને મળ્યાંની ખુશી મહેસૂસ થાય છે. પરથીભાઈ આપની ટકોરને હું આવકારું છું. જેમ આપે આજે કહ્યું તેમ આ લેખ લખતી વખતે હું પણ એમ જ વિચારતી હતી. પણ આ અંગ્રેજી શબ્દનો મને કોઈ યોગ્ય ગુજરાતી શબ્દ ન મળ્યો. તેથી વિનાયકજીએ જે શબ્દ ઉચ્ચારેલો તે જ શબ્દ એમ જ મૂકી દેવો યોગ્ય લાગ્યો.