વિવેકાનંદે શિકાગોમાં જ્યાં ભાષણ આપ્યું હતું, તે જગ્યાની મુલાકાત ~ કટાર: અલકનંદા (દર શનિવારે) ~ અનિલ ચાવડા
મારાં પગલાં એ પવિત્રતાના પંથ પર આગળ વધવા લાગ્યા
~ અનિલ ચાવડા
જય, વસાવડા, વિનેશભાઈ, તેમનાં બે સ્વજનો અને હું, શિકાગો ડાઉનટાઉન ફરવા જવાનું નક્કી થયું. અશરફભાઈ અને મધુબહેન હોય એટલે વ્યવસ્થામાં કશું પૂછવાનું હોય જ નહીં, અમેરિકાની ભૂમિ પર મહેમાનોની આટલી ખાતરદારી કરી શકે તેવું આ એક જ કપલ છે.
અમે આર્ટ મ્યૂઝિયમમાં ગયા. જોકે અગાઉ ગુજરાતનાં બે સુપ્રસિદ્ધ કવયિત્રીઓ મધુમતી મહેતા અને ઉષા ઉપાધ્યાય સાથે અહીં આવી ચૂક્યો હતો. ભારતની અનેક પૌરાણિક મૂર્તિઓ, વિવિધ દેશની ધાર્મિક પ્રતીમાઓ, મીસરની મમી, તુતેનખાનનું શબ, તેની સાથે જોડાયેલી માન્યતાઓ, અમુક વસ્તુઓ જેવી અનેક બાબતો જોઈ હતી. જે એ જ દિવસે લખી નાખ્યું હોત તો વધારે સારી રીતે લખી શકાત.
આ વખતે એ જ જગ્યાએ જવાનું હતું, એટલે એ જગા મારાથી વધારે અજાણી નહોતી. મને થયું કે સારું થયું ચાલો ગઈ વખતે અમુક વસ્તુઓ જોવાની રહી ગઈ હતી, તે જોવાશે. રોમ, ગ્રીસના શિલ્પો, સ્થાપત્યો અને યુરોપની અનેક આર્ટના નમૂના જોવા મળશે.
અમે સૌથી પહેલાં જ્યાં સ્વામી વિવેકાનંદે વ્યાખ્યાન આપ્યું હતું તે જગ્યાએ જવાનું નક્કી કર્યું. એ હોલ જોવા માટે ખાસ લોકો આવતા નહોતા, પણ અમારી ખાસ ઇચ્છા હતી એટલે વિનેશભાઈ વિનંતી કરીને હોલ ખોલાવડાવ્યો.
અમે ગેટ પાસે પહોંચ્યા, ત્યાં વિવેકાનંદની એક પ્રતિમા સાથે લખાણ હતું—
“Sisters and brothers of America. September 11, 1893.
On this site between September 11 and 17 1893. swami Vivekananda (1863-1902) the first Hindu monk to speech Vedanta in America. Address of the world parliament of religion held in conversation with the world’s Columbian Exposition. It’s understood success opened the way for the dialogue between Eastern and Western religions.”
અમે અંદર પ્રવેશ્યા. ઘણા કાર્યક્રમો કવિતાના કર્યા હતા એટલે હોલ શું હોય તે મારાથી અજાણ્યું નહોતું, પણ ન જાણે કેમ આ હોલમાં આવતા એક અલગ લાગણી થઈ રહી હતી.
મારી સામે એક મંચ હતો. તેની પર પોડિયમ હતું અને માઇક પણ બોલવા માટે રેડી. થયું કે હમણા વિવેકાનંદનો સ્વર ગૂંજી ઊઠશે. Dear Sisters & Brothers અને આખો હોલ તાળીઓથી છલકાઈ જશે. જોકે મનોમન મને તો તાળીઓ સંભળાવા જ લાગી હતી.

અમેરિકન ફોટોગ્રાફરો મંચ પર રહેલા વિવેકાનંદને એ જૂનવાણી કેમેરાથી ક્લિક કરી રહ્યા હતા. આ કાલ્પનિક દૃશ્ય પણ ગજબનું હતું, હું જાણે એ જ માહોલમાં ઊભો હતો. વિવેકાનંદની સ્પીચ સાંભળતો હતો તેવો ભાસ થયો.
“જાવ જાવ, મંચ પર જાવ. કંઈક બોલો, મજા આવશે.” વિનેશભાઈએ આગ્રહ કર્યો. જય વસાવડા આગળ વધ્યા અને મારો રોમાંચ મુઠ્ઠી ઊંચેરો થયો. એ ત્યાં ગયા અને મારા હાથમાં કેમેરો આવ્યો. આ ક્ષણે મને એવું થયું કે સામે જય વસાવડામાં કોઈ વિવેકાનંદ બેઠો છે, અને હું કોઈ અમેરિકન ફોટોગ્રાફર છું. એ જુદી જુદી મુદ્રામાં પોઝ આપવા લાગ્યા. હું તેમના ફોટા લેવા માંડ્યો.
“અનિલ, હવે તમે આવી જાવ.” જયભાઈએ કહ્યું. મારામાં ઉદ્ભવેલા રોમાંચના મોજાં આકાશ આંબે તેમ ઉછળવા લાગ્યાં. કોઈને ખબર ન પડે તેવું ત્સુનામી સર્જાઈ ગયું મારી અંદર. મારાં પગલાં એ પવિત્રતાના પંથ પર આગળ વધવા લાગ્યા. વિવેકાનંદનું વહાલ જાણે મને બોલાવી ન રહ્યું હોય!

મંચ પર રહેલા પોડિયમ પાસે જઈને મારે ઊભા રહીને ફોટા પડાવવાના હતા. હું ગયો, માઇક સરખું કર્યું. અને મંચ પર ચડ્યા પછી મારામાં કવિતા ઉછાળા મારવા લાગી. રમેશ પારેખની પંક્તિ હોઠે આવી ચડી.

ર.પા. જેવા અદ્ભુત કવિની પંક્તિ હોઠે હોય અને વિવેકાનંદ જ્યાંથી બોલ્યા હોય તે મંચ હોય પછી મન ઝાલ્યું રહે? મારી જીભ જોરમાં આવી, હૈયાએ હામ ભરી, આંખોમાં ચમકી, હોઠ હરખાયા ને બોલી પડ્યા,
છે વાત એમ કે પગને જવું’તું કાશીએ
પણ એને ચાલવા દીધા નહીં કપાસીએ
છે એ જકાત જે દરિયો હંમેશ માંગે છે
હાથ ચૂકવવા પડે છે અહીં પ્રવાસીએ
હા, કાલે ઊંઘમાં પલળી ગયા’તા સપનાંઓ
જુઓને, સુકવ્યાં છે આજ અહીં અગાસીએ
તેં ગુલમહોરની જે વારતા પૂરી ન કરી
આ એનો અંત મને કહી દીધો ઉદાસીએ
“અરે વાહ, વાહ વાહ…” જય વસાવડાએ પરસાવ્યો. “થવા દ્યો થવા દ્યો. મજા આવે છે…. આ જગ્યાએ કવિતા ક્યાંથી…”
“બોલો, બોલો હું વીડિયો લઈ લઉં. વિનેશભાઈએ વળી શેર લોહી ચડાવ્યું તો મારા રુંવાડાં વધુ રમમાણ થયાં કવિતામાં.
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી,
માથે ધરું ધૂળ વસુંધરાની…
“ઓહોહો, ગુજરાતી ભાષાના વિશ્વકવિની કવિતા, આ મંચ પર તો રંગ રાખે… વાહ વાહ, ખરા ટાણે યાદ કર્યા.” જયભાઈ પીઠ થાબડતા હતા.
30-6-1932ના રોજ વીસાપુરની જેલમાં લખાયેલી ગુજરાતી ભાષાના યુગસમા કવિ ઉમાશંકર જોશીની કવિતા અહીં ક્યાંથી? કેમ? મને પોતાનેય ન સમજાયું.
વિવેકાનંદ જેવો વિશ્વમાનવી, કે જેણે શિકાગોમાં આપેલા અદ્ભુત વ્યાખ્યાનથી ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડ્યો. એક ધર્મજ્ઞાનમાં વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે એવી પ્રતિભા અને બીજી પ્રતિભા વિશ્વકવિતામાં ગુજરાતી ભાષાને ઊજળી કરે તેવી.

મારા અવાજ પર જાણે પવિત્રતાનાં પુષ્પો ઢોળાઈ રહ્યાં હોય તેવી અનુભૂતિ થઈ. એક તો આ ઐતિહાસિક જગ્યા, વિવેકાનંદની વાણીથી સમૃદ્ધ થયેલી ભૂમિ, એમાંય રમેશ પારેખ અને ઉમાશંકરની કવિતાનું અમૃત ભળ્યું. સોનામાં સુગંધ ભળ્યું કે સુગંધમાં સોનું ઉમેરાયું કહેવું મુશ્કેલ થઈ ગયું.
“તમારું કંઈક સંભળાવો તમારું…” જય વસાવડાએ હાથમાં રહેલા ફોનને સહેજ નીચો કરીને કહ્યું.
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ
કાન તો કાપી લીધા તા ભીંતના
તો પછી આ વાત ક્યાંથી લીક થઈ
“થાવા દ્યો કવિરાજ થાવા દ્યો…” અમેરિકામાં રહીને પોતાના અસ્સલ કાઠિયાવાડી મિજાજને જાળવી રાખનાર મિત્ર વિનેશભાઈએ તેમના લહેકા સાથે કહ્યું.
મને ભ્રાંતિ થઈ જાણે હોલમાં બેઠા બેઠા વિવેકાનંદ પોતે કવિતા સાંભળી રહ્યા છે, મંદ મંદ સ્મિત આપી રહ્યા છે, અને મને કહી રહ્યા છે કે, “હું અહીં વેદ વિશે બોલ્યો હતો. વેદની રુચાઓ પણ કવિતાઓ જ હતી. આ જગ્યાએ કવિતાપાઠ થાય એનાથી રૂડું શું?”
અધીરો છે તને ઈશ્વર
બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે
દરિયો માગવા માટે?
**
શ્વાસ નામની સિમેન્ટ લઈને
જીવન ચણવા બેઠા,
અમે રાતનું સૂપડું લઈ
અંધાર ઊપણવા બેઠા.
આટલો પણ વિશ્વાસ ન’તો
શું તમને મારી ઉપર,
હાથ મિલાવ્યા બાદ તમે
આંગળીઓ ગણવા બેઠાં.
“વાહ ભૈ વાહ…” વિનેશભાઈએ હોંકારો આપ્યો.
“જયભાઈ તમે કંઈક બોલો, તમે તો વિશ્વપ્રવાસી છો, આ જગ્યાએ બોલવાનો રોમાંચ જ કંઈક અલગ છે.” આટલું કહીને હું મંચ પરથની નીચે ઊતર્યો અને જગતભરમાં ગુજરાતી નાદ ગજવતા જય વસાવડાએ મંચ પર સ્થાન લીધું.
વર્ષો પહેલાં યોજાયેલી ધર્મસભા અત્યારે અમારા માટે મર્મ સભા બની રહી હતી. એનો મર્મ તો માત્ર કદાચ અમે જ જાણતા હતા. એનો આનંદ અમારી આંખોમાં ઉલ્લાસનું આંજણ આંજી રહ્યો હતો.

“આ એ પવિત્ર ભૂમિ છે, જ્યાં 1893માં વિવેકાનંદે ભાષણ આપ્યું હતું. મૂળ બંગાળી, 1863માં જન્મીને 1902માં તો વિદાય લઈ લીધી. રામકૃષ્ણ પરમહંસના નરેન્દ્રનાથ દત્ત નામના આ શિષ્યએ વિવેકાનંદ થઈને જગતભરમાં ભારતીય ધર્મ અને વેદાંતની વાણીનો ડંકો વગાડ્યો.

ઓછા સમયમાં વધુ જીવી ગયા. તમે જુઓ તો ખરા, આ સભામાં આવવા માટે અમુક પાસની જરૂર પડતી હતી, અને વિવેકાનંદ પાસે એ નહોતો, આ તો સારું થયું કે હાવર્ડ કૉલેજના એક પ્રોફેસર મળ્યા અને તેમણે સંસદને પત્ર લખ્યો કે, “આપણા તમામ વિદ્વાન પ્રોફેસરો ભેગા થાય તો પણ જેને આંબી ન આંબી ન શકે એવો એક વિદ્વાન માણસ અહીં છે” અને તેમના લીધે જ વિવેકાનંદને ધર્મસંસદમાં જવાની તક મળી. પછીનો ઇતિહાસ તૌ સૌ કોઈ જાણે છે…”
જય વસાવડાની આવી વાણીનો પ્રવાહ સતત વહેતો રહ્યો. અમે રસ તરબોળ થતા રહ્યા. જ્યાં ઇતિહાસ રચાયો હતો, ત્યાં તે જ ઇતિહાસની કથા સાંભળી રહ્યા હતા, એ પણ ગુજરાતના લોકપ્રિય વક્તાના મુખે!
આ વક્તા – જય વસાવડા એવું વ્યક્તિત્વ છે કે તમે તેને ગમે તે જગાએ ગમે તે વિષય પર બોલવા ઊભા કરી દો, એક વાર તે બોલવાનું શરૂ કરે પછી શ્રોતા હલવાનું નામ ન લે. એનામાં જ્ઞાનની અદ્ભુત ભૂખ છે અને જેટલું મેળવે છે એટલું જ રસપૂર્વક વહેંચે પણ છે.
વિવેકાનંદ વિશે આ મંચ પર તે આવી સહજતાથી બોલે તેમાં કશી નવાઈ હોય જ નહીં. તે તો અધિકારપૂર્વક બોલી શકે. વાણી જ તો એનું મુખ્ય સાધન છે. મારી સામે તો સદીઓ પહેલાની એ ધર્મસભા ફરી જીવંત થઈ ગઈ.
બહાર નીકળતી વખતે 1893માં વિવેકાનંદે પોતાના વ્યાખ્યાનમાં ભગવદગીતાનો જે શ્લોક ટાંક્યો હતો, તેનો અર્થ રમવા લાગ્યો,
“જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગું થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!”
***
સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં આપેલું વ્યક્તવ્ય યુગો સુધી અમર ગાથા બનીને રહેશે. આ યુગ પુરૂષને આવનારી પેઢીઓ કદાપિ ભૂલી શકશે નહિ. આ પ્રતિભાવાન વિભૂતિને શત શત પ્રણામ.
– પરથીભાઈ ચૌધરી,”રાજ”
WONDERFUL
‘આપણું આંગણું’ તો આપણું જ. જે આપણને આવો અનેરો લાભ આપે તો એને આપણાં અભિનંદન આપીએ નહીં તો નગુણાં ગણાઈએ. અનેરો અવસર આંગણે વહેતો કરવા બદલ ભર્યા દિલે અનેકોનેક આભાર