આપણે બધાં જ નદીમાં વહાવી દીધેલા પુષ્પદીપો છીએ (પ્રકરણ : 38) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 38

મમ્મી કહેતી આચાર્ય કુટુંબને પગે ભમરો છે. એ ભમરો ગુનગુન કરતો અમને ડંખતો ત્યારે પપ્પા પ્રવાસનું આયોજન કરતા. ચાલીસ-પચાસના દાયકામાં ઓનલાઇન બુકિંગ વળી કેવું! હોટેલ બુકિંગ તો સપનામાંય નહીં. ટ્રેન રિઝર્વેશનની ઘણી માથાકૂટ હતી.

પપ્પા કોઈ સ્થાપત્યનું, તીર્થધામ કે નદીપહાડનું સ્થળ પસંદ કરે પછી રિઝર્વેશનની કવાયત. સ્ટેશને ધક્કા ખાવાના, રિટર્ન ટિકિટ માટે તાર મૂકવા પડતા. આ બધા કાગળો પ્રવાસમાં સાચવવાના, જાણે પાસપોર્ટ.

આમ અમે શૈશવમાં દ્વારકા, સોમનાથ, ડાકોર, ચાંણોદકરનાળી, આબુ-અંબાજી, પાવાગઢ, જૂનાગઢ-ગિરનાર ઘણું ફરેલાં અને રહેલાં પણ ખરાં. આબુ, ગિરનાર અને પાવાગઢ પર તો ઉપર ટૂંક પર ડેરો જમાવી રહ્યાં હતાં, સાથે અમારો નોકર, ફૅમિલી મેમ્બર સખારામ તો હોય જ પણ મહારાજ સાથે. ખાઓ, પીઓ મસ્ત ફરો.

બા પ્રવાસ મૅનેજમૅન્ટમાં ઍક્સપર્ટ. એણે એક મોટો ટ્રંક વસાવેલો. લીલા રંગની મજબૂત મોટી પેટી. એમાં થોડાં વાસણો, મસાલા, સ્ટવ વગેરે હોય. પાણીનો માટીનો કૂંજો સિંદરી વીંટાળેલો તે એક બાલદીમાં. ત્યારે ટ્રેનમાં ઓઢવા-પાથરવાની સગવડ ન હતી એટલે બિસ્તરો પણ જોડે હોય. એક હેન્ડબૅગમાં બૅટરી, નહાવાધોવાના સાબુ, નેપકીન, દવાઓ વગેરે રહેતું. (એ ઉપરથી કલ્પી શકશો કેટલી ઓછી સુવિધાઓ હતી!)

આમ અમારું હાલારહુલર રંગેચંગે નીકળે. ધર્મશાળાઓમાં મોટે ભાગે રહેવાનું હોય જે સ્વચ્છ અને સગવડવાળી રહેતી. ઘણી જગ્યાએ ગોર ભાડે ઘર આપે. પણ ત્યારે અગવડો સગવડો ન લાગતી. એ જ જીવનરીતિ હતી.

ત્યારે પરદેશનાં દ્વાર હજી ખૂલ્યા નહોતા. લોકો જતા પણ એની નવાઈ અને કુતૂહલ રહેતું, અમારી વિજય એસ્ટેટ કૉલોનોમાંથી એક વિદ્યાર્થી, ભણવા ગયો ત્યારે સહુને કુતૂહલ રહેતું, સ્ટીમર પ્રવાસ કેવો હશે! અમેરિકા કેવું હશે! ખાવાપીવાનું શું?

અમે જ્યાં જઈએ ત્યાં નદી હોય તો નૌકાવિહાર કરવાનો જ, મંદિર તીર્થધામ હોય તો એનો ઇતિહાસ પપ્પા રસભરી રીતે કહે, મ્યુઝિયમ હોય તો ત્યાં લઈ જાય અને મૂર્તિ, ચિત્રો વિષે વાત કરે, આસપાસનાં લોક પણ ભેગાં થઈ જાય. પપ્પાને કયો રાજ્યકાળ, તારીખો, રાજાઓનાં નામ, એ શહેરનો ઇતિહાસ બધું મોઢે જ હોય. મંદિરો અને એની પૂજાઅર્ચનાનો એમને મોહ નહીં.

અમે થોડાં મોટાં થયાં અને કૉલેજમાં હતાં પછી તો પપ્પામમ્મી બે જ અલ્હાબાદ, બનારસ ત્યારે કઠિન ગણાતી ચારધામ યાત્રા એકલાએ જ કરેલી.

મારી નાની પુત્રી શિવાનીને ય વારસામાં મળેલો ભમરો પગે ડંખ મારતો હશે એટલે ઇન્ટરનેશનલ ઍરલાઇન કૅથેપૅસિફીકનાં બધા ઇન્ટરવ્યૂઝમાંથી પાસ થઈ અને ઍરહૉસ્ટેસ બની અને હોંગકોંગ બેઝ એટલે ત્યાં સ્થાયી થઈ. એંસી – નેવુંના દાયકામાં પરદેશની મુસાફરીઓ પ્રવાસીઓને આકર્ષવા લાગી હતી.

શિવાની પાસે હોંગકોંગ તો ઘણીવાર જવાનું રહેવાનું બન્યું. પહેલી વાર એ મને એની ફ્લાઇટમાં લંડન લઈ ગઈ ત્યારે મારી ખાસ ફરમાઈશ, વેક્સ મ્યુઝિયમમાં આગાથા ક્રિસ્ટી સાથે ફોટો ક્લિક કરવો છે અને શેરલોક હોમ્સને ઘરે બેકર સ્ટ્રીટ જવું છે. હોમ્સને આજે પણ અસંખ્ય લોકો પોતાનો કેસ સોલ્વ કરવા પત્રો લખે છે. ઘણીવાર પાત્ર કથાની બહાર નીકળી વાચકની સાથે સંબંધ જોડતું હોય છે.

લંડન વેક્સ મ્યુઝિયમમાં રહસ્યની રાણી આગાથા સાથે
લંડન ટ્રફલગર સ્કેવેર
શેરલોક હોમ્સનું ઘર-મ્યુઝિયમ

એ સમયે વિયેટનામ વૉર પર એક નાટક ચાલી રહ્યું હતું જેના સતત શો થતા હતા. શિવાનીએ અગાઉથી ટિકિટો બુક કરી હતી, અમે હોટેલથી ટ્રેનમાં થિયેટર ગયા. ભવ્ય થિયેટર અને માતબર પ્રોડક્શન, અમે નાટકમાં તલ્લીન હતા,

છેલ્લા દૃશ્યમાં પ્લેન સ્ટેજ પર ઊતરવાનું હતું, એ દૃશ્ય માટે બધાં ઉત્સુક હતાં એવો સન્નાટો. મારું ધ્યાન ઘડિયાળ તરફ. છેલ્લાં દૃશ્યો છોડી અમે તો નીકળી ગયાં. ટ્યૂબમાં જવા સ્ટેશન પહોંચ્યાં ત્યારે રાત ઘેરાતી હતી, સ્ટેશન ભૂતિયું લાગે એવું બિકાળવું અને રડ્યાખડ્યા લોકો. લંડન અને અમેરિકા મગીંગ માટે કુખ્યાત. ટ્રેનમાં છૂટાછવાયા પુરુષ મુસાફરો જ દેખાતા હતા. ઊચક જીવે અમે હોટલ પહોંચ્યાં ત્યારે મને હાશ થઈ.
* * *
મહેન્દ્રનાં જીવનનાં અંતિમ વર્ષો ઘર અને હૉસ્પિટલ વચ્ચે વહેંચાઈ ગયાં હતાં. એટલે મારે બહારગામ જવાનું બંધ કર્યું હતું.

મહેન્દ્ર સાથે કોડાઇકેનાલ

એણે મને આઇસીયુમાંથી કહ્યું હતું કે મેં તને બાંધી છે, મારે તને મુક્ત કરવી છે, બહાર જાઉં તો મારો જીવ ઘરે જ રહેતો.

એક વખત હૉસ્પિટલમાંથી ઘરે આવ્યાં અને અચાનક ચોથા નોરતે ઉપર હાથ કર્યો, સામે માતાજીની છબી મુકાવી અને અચાનક મોટેથી બૂમ પાડી. મા હું આવું છું અને ચિરપ્રવાસે ચાલી ગયા. જાણે ઇચ્છામૃત્યુ.

શિવાની મને મનફેર કરવા હોંગકોંગ લઈ ગઈ. શિવાની શ્રીલંકા, જાકાર્તા એની ફ્લાઇટમાં મને સાથે લઈ ગઈ.

શ્રીલંકા: હાથીઓના ઓર્ફનેજમાં

ત્યારે શ્રીલંકામાં વૉરનો માહોલ. ઍરલાઇનની ક્રૂની બસમાં ખૂબ ફર્યા. એક મંદિરમાં અમે ગયાં, એ સખત ચોકીપહેરા નીચે હતું, (કદાચ ત્યાં ભગવાન બુદ્ધનો દાંત સચવાયો હતો)

મંદિરની દીવાલ પર સરસ્વતીનું સુંદર ચિત્ર હતું. મેં વંદન કર્યા ત્યારે એક બૌદ્ધ ભિખ્ખુએ મને પૂછ્યું, હુ ઇઝ ધીસ ગૉડેસ? એને સરસ્વતી વિષે કશી જાણ ન હતી જાણી મને નવાઈ લાગી.

ઇન્ડોનેશિયા, જાકાર્તામાં શહેરની વચ્ચોવચ્ચ મહાભારતનાં યુદ્ધ સમયનું, કૃષ્ણ રથમાં છે અને અર્જુન વિષાદયુક્ત કૃષ્ણચરણમાં છે. એ અતિપ્રસિદ્ધ દૃશ્યનું અતિ ભવ્ય સુંદર શિલ્પ હતું. અત્યંત મનોહર ઍમ્બેસીના દ્વારે આપણા વિઘ્નહર્તા ગણેશજીની મોટી અલંકૃત મૂર્તિ હતી.

બૅંગકોકમાં પણ અસંખ્ય મંદિરો છે, ઠેર ઠેર રામાયણની ભીંત ચિત્રાવલિ અને હનુમાનજી બિરાજમાન. આપણાં ધર્મગુરુઓ, વ્યાપારીઓ, પ્રવાસીઓ દૂર સુદૂર સુધી આપણી સંસ્કૃતિ અને ધર્મને લઈ ગયા.

બૅંગકોક

હજી ચાઈનાનાં દ્વાર ખૂલ્યા નહોતા. પ્રવાસીઓ જતા ખરા પણ ચાઈના પ્રવાસન ઉદ્યોગ હજી ખીલ્યો ન હતો. શિવાની તો ડ્યૂટી પર અનેક વાર ગઈ હતી પણ એની બે ફ્લાઇટ વચ્ચેનાં સમયમાં અમે માદીકરી ચાઈના રખડવા ઊપડ્યાં.

ત્યારે ભાષા અને ભોજન બન્નેની સખત સમસ્યા હતી. અમે પ્રશ્નોની ચિઠ્ઠીઓ બનાવી અને ચાઈનીઝ મિત્ર પાસે મેન્ડેરીનમાં એ પ્રશ્નો લખાવી લીધા હતા. ખભે બૅગપેક, થોડાં ફ્રૂટ અને આ ચિઠ્ઠીઓની નાની ડાયરી લઈ અમે અનેક નવી નવી જગ્યાઓએ રખડ્યાં.

શિવાની સાથે બિજીંગ,ચાઇના

ઍરપૉર્ટ બહાર નીકળતાં જ વિશાળ રસ્તો અને બન્ને તરફ લાલ રંગના હાંડીઝુમ્મર જેવા ફાનસ લાઇનબંધ ઝૂલતાં એવું સુંદર દૃશ્ય ખડું કરે.

અત્યંત મુલાયમ શ્વેત ક્વિલ્ટની વિશાળ દુકાનો. એમાં સુંદર ભરતકામ અને જાતભાતનાં મોટીફ. તમારે કયા ઉદ્દેશ્યથી પલંગની ચાદર-ક્વિલ્ટ-ખરીદવી છે તે કહેવાનું, શાંતિ માટે સેક્સ, સુખપૂર્ણ નિદ્રા, હેપ્પીનેસ એ પ્રમાણેનાં મોટીફ ભરેલી ખરીદવાની. આજના ચાઈનીઝ માલ જેવી તકલાદી નહીં, અમે વર્ષો સુધી એ વાપરતા હતા.

એક મજાની વાત. ટૅક્સીમાં ફરીએ ત્યારે હસવું આવતું. ટૅક્સી ડ્રાઇવર એની સીટ પર પાંજરામાં બેઠો હોય, રીતસર પ્રાણીને પૂરીએ એવું પાંજરું. કેટલા દિવસથી નહાયો ય ન હોય એવા દિદાર. ઉડઝૂડિયા વાળ. ઘણીવાર તો ખાલી શૉર્ટ્સ જ પહેરી હોય. અંગ્રેજી બે અક્ષર પણ ન આવડે. આમાં ભાડું કેમ નક્કી કરવું! એટલે શરૂ થાય કૅલ્ક્યુલેટર યુદ્ધ. એ ભાવ લખે, આપણે બાર્ગેન કરીએ એટલે શરૂ થાય એનું નાટક, દાંતિયા કરે, વાળ ખેંચે, એક વાર તો રસ્તા પર ગુલાંટ મારી. લાંબી ખેંચતાણ પછી એક ભાવ નક્કી થાય. (એ સમયે આ ગ્રેટ સર્કસ હતું, અત્યારે શું હશે!)

ગ્રેટ વૉલ ઑફ ચાઈના પર ચાલવાનો અનુભવ, ત્યાંનાં અનેક મનોરંજક દૃશ્યો અને ત્યાં પાડેલી તસ્વીરો, એક આહ્લાદક અવિસ્મરણીય અનુભવ.

ગ્રેટ વોલ ઓફ ચાઇના

ચાઈના ટ્રીપમાં ઘણીવાર ટોમેટો સૉસ અને ભાત ખાધા છે. પ્રવાસ એટલે અગવડોની બાદશાહી.

મુંબઈમાં એક દિવસ મારા કરિયાણાવાળાની દુકાને કશુંક લેવા ગઈ. મોદી મને સારી રીતે ઓળખે. મારો વાચક. મને જોતાં જ કહે, બહેન થૅંક્યુ. થૅંક્યુ. શેને માટે ભાઈ? મને કહે,

બહેન, તમે ચાઈના પ્રવાસની લેખમાળા લખી હતી એ મૅગેઝિન હું નિયમિત વાંચતો. વાંચીને એવું મન થઈ ગયું કે વાઇફને લઈને ઊપડ્યો ચાઈના. તમે લખેલું જાતે જોઈ આવ્યો. બહુ મજા-આનંદ આવ્યો હોં બહેન!

હું પણ ખુશ થઈ. રોજ દાળચોખા તોળતો, દસ ચોપડી ભણેલો. કચ્છના નાના ગામનો માણસ મારી પ્રવાસમાળા વાંચી, છેક ચીન ફરી આવ્યો. ગલ્લામાંથી ચાઈના વૉલ ચડ્યાનું સર્ટિફિકેટ કાઢીને મને બતાવ્યું.

ભોળાભાઈ પટેલે પ્રવાસનિબંધોને નામ આપ્યું છે ભ્રમણવૃત્ત. પ્રવાસ નહીં ભ્રમણ. નિજાનંદે જોવું, ફરવું, સ્થળનાં આખા માહોલને આત્મસાત કરવો.

ડ્રૉઇંગરૂમમાં કાઉચપોટેટો બેઠેલાને સહયાત્રી બનાવી, રઝળપાટનો સ્વાદ ચખાડી, ઘરમાંથી પથ પર નીકળી પડવા વ્યાકુળ કરી મૂકે એ જ છે સાચું ભ્રમણવૃત્ત. મારો ભમરો મોદીને ય ડંખ્યો એ તો આનંદની જ વાત ને!
* * *
`હિમાલયનો પ્રવાસ’ કૉલેજમાં મારું પ્રિય પાઠ્યપુસ્તક.

કાકાસાહેબનું આ પુસ્તક ભ્રમણવૃત્તની જેમ મને ક્લાસરૂમની બારીએથી સીધું પાંખે બેસાડી હિમાચ્છાદિત હિમાલય લઈ જતું.

વધુ રાહ ન જોવી પડી. પ્રથમ હિમાલયદર્શન પપ્પાએ કરાવ્યું. અમ બન્ને બહેનોની કૉલેજની અંતિમ પરીક્ષા પછી પપ્પામમ્મી કહે, હવે કોઈ વૅકેશનનું બંધન નહીં અને અમે ઉત્તરાખંડમાં ખૂબ ફર્યાં હતાં. ક્યાંય બુકિંગ નહીં, જ્યાં ગમે ત્યાં અડેહી દ્વારકા. હરદ્વાર ગંગાકાંઠે તો ઘર ભાડે લઈને લાંબો સમય રહી આસપાસ ફર્યાં હતાં. પ્રવાસ એટલે શું તે વણકથી રીતે એમની પાસેથી હું પામી, ગો બિયોન્ડ યોર જર્ની.

હરદ્વાર

ત્યારે પ્રવાસમાં બહુ સગવડો નહીં, થોડીઘણી હશે તે પરવડે તેમ નહીં. પણ પ્રવાસનો આનંદ અને એની માણપની કિંમત ક્યાં ચૂકવવાની હતી!

પછીનાં વર્ષોમાં બન્ને પુત્રીઓએ મને દેશવિદેશનાં પ્રવાસ કરાવ્યા પણ વર્ષો પહેલાં દેવપ્રયાગમાં અમે અંધારી રાતે ખોવાયેલાં પર્વતરસ્તે ઊભાં હતાં અને ગોર અમને એમનાં નદીસંગમને ઓરડે લઈ ગયા હતા, એ શરદપૂનમનો અદ્ભુત અનુભવ, સંગમની સ્વર્ગસેતુ જેવી ઊંચે ઊડેલી છોળનાં જલબિંદુ આજે પણ મારા ભીતરને ભીંજવી જાય છે.

મહેન્દ્રના મિત્રવૃંદ સાથે અમે ફરી હરદ્વાર, શિમલા, મંડી, ધરમશાલા ફર્યાં. રહ્યાં કુલુ-મનાલીમાં પહાડની ટોચે, બરાબર ખીણની ધારે લૉગહટ્સ, લાકડાની કાચથી મઢેલી કૅબિનમાં રહેવાનો રોમાંચ માણ્યો. તો દક્ષિણ ભારતમાં કાર લઈ વાહનમાર્ગે કન્યાકુમારી સુધી ઘૂમી વળ્યાં હતાં.

એમ લાગ્યા કરે, હિમાલય જવું છે પણ ત્યાં ન જ જવાયું.

પછી વર્ષોનું છેટું પડી ગયું, મહેન્દ્ર સાથે દક્ષિણેશ્વર અવારનવાર જવાયું, એની સ્મૃતિમાં પણ ત્યાં જઈ આવી પણ હિમાલય તો જવાનું રહ્યું. પછી તો એકલી પડી.

એક સવારે અખબાર વાંચતા નજર પડી, કેદારનાથના દ્વાર અમુક તારીખે ખૂલે છે ત્યારે મન ફરી ઉપરતળે થઈ ગયું. ટ્રાવેલ એજન્સીની ટૂરમાં તો જવું જ નહોતું. બેત્રણ મિત્રો જતા હોય, મનમાં થયું એમની સાથે જવા મળે તો કેટલું સારું! મોડી સવારે કશાક કામે બહાર નીકળી. સામે જ મળ્યાં નયનાબહેન. પ્રકાશક એન. એમ. ઠક્કરનાં પુત્રી મારા મિત્ર અને મારા ઘરની સામે જ રહે. હું હજી સહજભાવે પૂછું કેમ છો? ત્યાં એમણે સામેથી કહ્યું, હિમાલય જાઉં છું.

તત્ક્ષણ મેં કહ્યું, કાઉન્ટ મી ઇન. જ્યાં જાઓ, જ્યારે જાઓ, હું સાથે છું.

આપણાં તેત્રીસ કરોડ દેવતાઓની પાક્કી યાદી તો નથી પણ એમાં પ્રવાસના દેવતા તો હશે જ જેણે આકાશવિહાર કરતાં મને તથાસ્તુ કહી દીધું.

પંચ ત્યાં પરમેશ્વર. અમે પાંચ પ્રવાસીઓ હતા. નયનાબહેન, હું, નયનાબહેનનાં ભાઈભાભી અને બહેન. યુવાદંપતિ. હાશ. ઝાઝાની ઝંઝટ ન હતી. અમે નક્કી કરેલું, ક્યાંય રિઝર્વેશન નહીં. માત્ર આવવાજવાની ટ્રેન ટિકિટ અને પૂરો એક મહિનો સિલકમાં. સાથે નકશો, સૂકો મેવો અને ઓછામાં ઓછો સામાન. નિજાનંદે રખડવું.

જન્મોત્રીનાં ગંગાજળ
બદ્રીકેદારની ટોચ પર વ્યાસ ભગવાનના મહાભારતની કુદરતી વ્યાસપોથી
બદ્રીકેદારમાં દેશનું અંતિમ ગામ: માના

ચલો બુલાવા આયા હૈ ગાતાં પહેલાં વૈષ્ણોદેવી, ત્યાંથી જીપ ભાડે કરી એમાં જ એક મહિનો રહ્યા. રોડ ટ્રાવેલનો જે કેફ ચડતો!

લહેરાતાં ખેતરો, લીચી, સફરજન, સ્ટ્રોબેરીની વાડીઓ, વૃક્ષોની ડાળીએ ડાળીએ ઝૂલતાં ક્રિકેટબૅટનાં કવર, માનસરોવર જેવા અજાણ્યા શાંત સરોવરમાં ખીલેલાં કમળો, હિમાચ્છાદિત પહાડો. કાશ્મીરનાં અનેક નાનાં ગામડાંઓમાં ફર્યાં,

કેટલાંક ગામ તો હિંસાત્મક હુમલાઓમાં ખંડેર, એને ઓટલે બેસી મુસ્લિમ બિરાદરે પીવડાવેલા કાવાની લિજ્જત. એવાં ગામોમાં મેલાંઘેલાં વસ્ત્રોમાં ટોળે વળી ઊભેલા યુવાનો, નહીં શિક્ષણ, નહીં નોકરી અને અઢળક રૂપ, લીલીભૂરી આંખોનાં ઓવારણાં લેવાનું મન થાય.

માતાઓ સામેથી નાના, ચાંદના ટુકડા જેવા બાળકોને લઈને જીપ પાસે દોડતી. આવે. અમે પિપરમેન્ટ અને બિસ્કિટનાં ઘણાં પૅકેટ્સ સાથે રાખેલા. દેવનાં ચક્કર જેવાં બાળકો તેડી લઈએ એને ઉતારવાનું મન જ ન થાય.

વેનિસ, સ્વીટ્ઝરલેન્ડનો આનંદ આપતો હાઉસબોટમાં રહેવાનો સ્વર્ગીય આનંદની તુલના કોની સાથે કરવી!

અહીં સુધી આવ્યા તો ચાલો, અમરનાથ, ભોલેબાબાનાં દર્શને, પણ અમારી પાસે મેડિકલ સર્ટિફિકેટ ન હતા. મોગલ ગાર્ડનમાં ફરતાં ખબર પડી. અમરનાથની પાછલી બાજુથી, બાલતાલને રસ્તે ચડો તો એક જ દિવસમાં દર્શન કરી તળેટીમાં પરત. સર્ટિફિકેટની જરૂર નથી. તમારા જોખમે જવાનું. જ્યારે પ્રચલિત મુખ્ય રસ્તે ઓછામાં ઓછા પાંચથી છ દિવસની મુસાફરી.

મોગલ ગાર્ડનમાં (કાશ્મીર)

તરત નિર્ણય. સામાન હાઉસબોટમાં મૂકી અમે બાલતાલ તળેટીમાં પહોંચી ગયાં. સામે જ, પ્રત્યક્ષ મહાદેવ સરીખો હિમાલય એનાં ચરણોમાં બેસીને જે ભીતર સુધી સ્પંદન થાય છે એ અનુભવ તો બાવનબાહરો.

તળેટીમાં તંબુ, ગરમ પાણી, અશ્વો, તેની પર મુસાફરી બધું જ મુસ્લિમ બિરાદરોની મૉનોપૉલી. ખૂબ પ્રેમ અને કાળજીથી સાવ સાંકડી પગથી પરથી આપણને લઈ જાય અને બાજુમાં જ તોફાની, ધસમસતો ગંગાનો વિપુલ જળપ્રવાહ. પર્વતની ધારે ધારે મારા દેશનો સૈનિક ભરી બંદૂકે તૈનાત.

હું સૌંદર્યસમાધિમાં હિમાલયને જોઈ રહી છું. બર્ફાનીબાબાનું કૈલાસધામ. સહુને ડારતો, આહ્‌વાન આપતો. દેશનો પ્રહરી સૂર્યનાં અંતિમ કિરણોનો રત્નમુગઢ નગાધિરાજને શિખરે ઝળહળી રહ્યો છે. આખું જ દૃશ્ય અલૌકિક, અપાર્થિવ, શરીર જડ, મારું સમગ્ર ચેતન મારી આંખોમાં. અંધકારની જવનિકા ધીમે ધીમે દૃશ્ય પર પડે છે, અને હું સાંભળું છું સાદ સ્વયંસેવકોનો, ગરમાગરમ જલેબી તૈયાર હૈ, આપ સૌ પધારીએ. (વિનામૂલ્ય અમૂલ્ય સેવા).

મારા આ વિશિષ્ટ અનુભવો અને અનુભૂતિની કથા મેં લખી છે, `શિવોહમ્’.

પ્રવાસ કરીએ ત્યારે ભીતર પણ એક પ્રવાસ થતો રહે છે ને! માઈલોનાં માઈલો આપણી અંદર!
* * *
ક્યારેક તૃપ્તિ ફરી પ્યાસ જગાવે છે. મન ધરાયું નથી, ચારધામ જવું છે એવો મનમાં સંકલ્પ અને એન. એમ. ઠક્કરમાંથી હેમંતભાઈનો ફોન, ઠક્કર પરિવાર ચારધામ જઈ રહ્યો છે, તમે પણ પરિવારનાં સભ્ય. આવો છો ને! લો, ફીર બુલાવા આ ગયા. આ વખતે ચારધામ યાત્રા અને ઉત્તરકાશીમાં ભાગીરથીને કાંઠે ચિન્મયાનંદજીનાં તપોવન આશ્રમમાં થોડા દિવસ રહેવાનું હતું, કેવો સરસ સુયોગ! એક જ પરિવારનાં અમે પંદર-સોળ લોકો!

ઉત્તરાખંડની આ યાત્રાનું અનુભવો અને અનુભૂતિનું ભ્રમણવૃત્ત લખ્યું છે `શરણાગત’. જાણું છું આ પ્રવાસવર્ણનનું પુસ્તક નથી. બે અંગત અનુભવોની વાત કરવા લલચાઉં છું.

બસમાં કેદારનાથ જતા હતા, બસ હેલિકૉપ્ટર સેન્ટર પર ઊભી રહી, એક આર્મીમેને પૂછ્યું, હેલિકૉપ્ટરમાં બે જગ્યા છે, કોઈને આવવું છે? બર્ફીલા પર્વતોની ટોચ પર ઊડતું હેલિકૉપ્ટર સીધું કેદારનાથની ટોચ પર ઉતારે. ઉડાન 20 મિનિટ. ભાડુ રૂ. 5000/-. આમ તો કલાકોની ચડાઈ ડોળી કે ઘોડા પર.

હું અને નયનાબહેન તરત ઊતરી પડ્યાં અને હેલિકૉપ્ટરમાં બેઠક લીધી. સીધું ઉંચકાઈને ભૂરા આકાશમાં પહોંચી ગયા. ચોતરફ કાચ મઢેલા એટલે હું જ જાણે પાંખ ફેલાવી ઊડી રહી છું. હિમાચ્છાદિત ગિરિમાળાઓ, એના લીલાંછમ ઢોળાવો પર કોતરેલા ખેતરો, ઠેરઠેર જળપ્રપાતો, નાનાં ગામ જે અત્યાર સુધી અલગ દૃશ્યોમાં ખંડ સ્વરૂપે જોતી હતી તે અખંડ સ્વરૂપે જોઈ રહી હતી. હું પણ એમાંની એક! એક ક્ષણ માટે જાણે આઉટ ઑફ બૉડી ઍક્સપીરિયન્સ.

કોઈ વાર નાની મુસાફરી પણ ચેતોવિસ્તારની યાત્રા બની જાય છે!

ઋષિકેશમાં ગંગાઆરતીનાં દર્શન કરી, સહુથી છૂટાં પડી લક્ષ્મણ ઝૂલા પર ઊભી હતી, નીચે ધસમસતી જાહ્નવી! અહીં માતાપિતા, મહેન્દ્ર સાથે વિતાવેલો સમય યાદ આવે છે. એ સહુનાં વિદાયની એક પીડાની ગઠરી અંદર કશેક હજી પડેલી છે.

લક્ષ્મણ ઝૂલા

હું સંધ્યાઆરતીનાં ઘંટારવ સાથે પ્રાર્થના કરું છું, હે પુણ્યસલીલા, તારી જીવનધારા સઘળા અવરોધો પાર કરી સતત વહેતી રહે છે. મને એ દીક્ષા આપ. આપણે બધાં જ નદીમાં વહાવી દીધેલા પુષ્પદીપો છીએ. જરા વાર ઝળહળી નદીમાં વિલય પામવાની સહુની અફર નિયતિ.

આ ક્ષણ તીવ્રપણે અનુભવી હું એ પીડાની ગઠરી વહાવી દઉં છું. એ ધસમસતા પ્રવાહમાં જીવનનાં અંતિમ ચરણમાં આ ભાર ઉતારી દઉં તો હળવી બની ભવાટવિની પગદંડીને છેડે સુધી ચાલી શકું. કેટલું ચાલવાનું છે એની કોને જાણ થાય છે! કાળની કેડીએ આપણો તો ઘડીક સંગ.

કાકાસાહેબ કહે છે તેમ હિમાલયનો વૈભવ વિશ્વસમસ્તનાં વૈભવ કરતાં અદકેરો છે. એ વૈભવની નાનીશી હિરાકણી મારા પાલવમાં લઈ હું ઊભી છું. અંધારું ઊતરી રહ્યું છે, અસંખ્ય પુષ્પદીપો વહી રહ્યા છે, ડૂબી રહ્યા છે. નવા દીપો આવતાં રહે છે. પ્રકાશપથની શૃંખલા રચાતી રહે છે.

સાથીઓ સાદ પાડે છે. હું પાછી ફરું છું, વરસી ગયેલા વાદળ જેવી હળવાશ અનુભવું છું.

`કૃતાર્થોહમ્ કૃતાર્થોહમ્ કૃતાર્થોહમ્ સંશયઃ
* * *
એક દિવસ અચાનક શિવાની હોંગકોંગથી આવી, ચાલો મા, આપણે ઇજિપ્ત જઈએ, ટ્રાવેલિંગ એજન્સી સાથે બધું નક્કી કરવા જ આવી છું.

અરે! માતાજી બુલાવા મોકલે, ભોલેનાથ પણ ડમરું વગાડી હિમાલય બોલાવે પણ ઇજિપ્તનાં મમીઓ પણ બુલાવા ભેજે!

શિવાની તો વર્ષોથી ઍરલાઇનમાં કામ કરે. એ સ્વયં ગુગલસ્વરૂપા. ટૂર કંપનીએ અમારું ચૌદ જણનું ગ્રુપ બનાવ્યું અને સ્પેશ્યલ પ્રોગ્રામ તૈયાર કરેલો.

અમે ઊપડ્યાં. ઇજિપ્ત પાંચ હજાર વર્ષની વિશ્વસંસ્કૃતિની તવારીખનું ઉદ્ગાતા અને સાક્ષી પણ. જેને વિષે ખૂબ વાંચ્યું હતું, ફિલ્મ જોઈ હતી એ બધું ધખધખતા પ્રખર તાપમાં (અલબત્ત છત્રી ઓઢીને!) ખૂબ ફરીને જોયું, માણ્યું, બધે સાઇટ્સ સુધી જવા લક્ઝરી બસ હોય તો ય ખૂબ ચાલવું પડે. ઘણાં પ્રવાસીઓ જોયા, મહિલા ગાઇડો ઘણી દેખાતી હતી ટૂરિઝમ અને ગાઇડની ડિગ્રી સાથે.

ઇજિપ્શ્યનો આપણી હિંદી ફિલ્મોનાં દિવાના. બજારની કૉફીશૉપમાં હું કૉફી પીવા, થાક ઉતારવા બેઠી કે વૅઇટરે જે છલાંગ મારી અને મારા પગ પર આવી પડ્યો અને મચી પડ્યો. જલાલ આગાની સ્ટાઇલમાં શોલેનું મહેબુબા ગીત ગાવા. ત્યાં એક વાત સારી, પોલીસો ચાબુક લઈ ફર્યા કરતી હોય, ફેરિયાઓ વગેરે કોઈ હેરાન કરે કે જમીન પર સટાક ચાબુક પછાડે, પાછળ દોડે, એવી ગમ્મત લાગે!

મારું `શુક્રન ઇજિપ્ત’ પ્રવાસવર્ણનનું પુસ્તક છે, જેની આવૃત્તિઓ પણ થઈ છે.

એક જ મજેદાર અનુભવ. અમારી ટૂરમાં નાઇલ પર ક્રૂઝ પણ સામેલ હતી. જાતભાતની અનેક નેશનાલીટીનાં પ્રવાસીઓ હતાં. રાત્રે ડેક પર ચાંદનીમાં અનંત જળવિસ્તાર પર વરસતી ચાંદની જોવાનો અનુભવ રોમાંચક હતો.

ભોજન સમયે ડાઇનિંગ હૉલમાં ગોંગ વાગે કે આખી શીપનાં પૅસેન્જરો જનમ જનમનાં ભૂખ્યાં હોય એમ દોડે. બારણાં ખૂલે કે અંદર રીતસર હલ્લો. (અને આપણે અગાઉનાં સમયમાં જ્ઞાતિભોજન સમયનાં ધસારાની રમૂજ અનુભવીએ!) ડાઇનિંગ હૉલના કાઉન્ટર પર એક બાજુ વેજ, બીજી બાજુ નૉનવેજ. પહેલે દિવસે હલ્લામાં પાછળ રહી ગયેલું અમારું ગ્રુપ અંદર ગયું ત્યાં ચાઇનીઝ પ્રવાસીઓ હડપ કરી અમારી રોટલીની થપ્પી ઊંચકી ગયા!

મને થયું આ તો રોજનું થશે. હું કિચનમાં ગઈ, ફરિયાદ કરી. નસીબથી બે ડગલાં હું આગળ. શેફ દુબળોપાતળો, સૌમ્ય પ્રકૃતિનો પોરબંદરનો બ્રાહ્મણ યુવાન! જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે ગુજરાતી.

આપણો દેશબંધુ હું ગુજરાતી છું જાણી ખુશ થઈ ગયો. મને કહે, જુઓ મારી કમાલ. શીપનાં બધા પ્રવાસીઓમાં અમે ચાર જ ગુજરાતી અને શાકાહારી. એ રોજ સરસ ગુજરાતી વાનગીઓ બનાવે, ગોંગના પહેલાં ઢાંકીને અમારા નિશ્ચિત ટેબલ પર મૂકી દે. પછી ગોંગ વાગતા ચાઇનીઝો અમારા કાઉન્ટર તરફ ધસ્યા ત્યારે ભાતના મોટા બાઉલ. અમારી પર જે ગિન્નાયેલા!

વ્યક્તિની સાચી પરખ પ્રવાસમાં જ થતી હોય છે એ કેટલું સાચું છે!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. ફરવાની મઝા અમને પણ આવી…અંગત અનુભૂતિ પણ સભર કરી દે..

  2. સાક્ષીભાવે થતું વર્ષાબેનનું જીવન દર્શન

    1. મેં હૂં તમારી “પગલું માંડું હું અવકાશમાં” આત્મા કથા ખુબ જ સુંદર છે તથા જ્યારે વાંચી એ ત્યારે તે શબ્દ દ્વારા ચિત્ર તાદ્રશ થાય . તમારા પ્રસંગો , એ મીઠી વાતો ખૂબ જ સુંદર છે