જન્મતા પહેલાં પસંદગી આપવામાં આવતી હોત તો? ~ કટાર: અલકનંદા (દર શનિવારે) ~ અનિલ ચાવડા
અનિલ ચાવડા કવિ અને કટારલેખક છે. યુવા વયે અનેક પારિતોષિક તેમણે એનાયત કરવામાં આવ્યા છે. 2010માં ઇન્ડિયન નેશનલ થિયેટર- મુંબઈએ તેમને શયદા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય એકેડેમીએ યુવા ગૌરવ પુરસ્કાર આપ્યો. તેમના ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તખ્તસિંહ પરમાર ઇનામ 2012 – 2013 અને સાહિત્ય એકેડેમી દિલ્હી દ્વારા યુવા પુરષ્કાર -2014 આપવામાં આવ્યા છે. ગુજરાત સમાચાર અને સમન્વય દ્વારા 2016માં રાવજી પટેલ એવોર્ડ તેમને એનાયત થયો હતો. ગુજરાત સમાચારમાં તેમની કાવ્યાસ્વાદની કટાર ‘અંતરનેટની કવિતા’ પ્રગટ થાય છે.
આજથી દર શનિવારે અનિલની ‘અલકનંદા’ કટાર બ્લોગમાં પ્રગટ થશે. આશા છે કવિના મર્મસભર ગદ્યને વાચકો વધાવી લેશે.
જન્મતા પહેલાં પસંદગી આપવામાં આવતી હોત તો?
~ અનિલ ચાવડા
પૃથ્વી પર માનવજીવનનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કેમ કે માણસ અન્ય પ્રાણીઓ કરતાં વધારે બુદ્ધિશાળી છે. માણસ બુદ્ધિના જોરે જંગલી મટીને ઘરમાં વસતો થયો, વસ્ત્રો પહેરતો થયો, સમાજ રચાયો, ધર્મો બન્યા, પૈસા સર્જાયા. શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને આવું બધું વિકસતું ગયું.
માણસ દિવસે દિવસે વધુ સમૃદ્ધ થયો. આ સમૃદ્ધિને ટકાવવા માટે કાયદા, વ્યવસ્થા અને અધિકારો પણ બનાવવામાં આવ્યા.
આ બધું માનવની ઉત્પત્તિ પછી તેની બુદ્ધિ અને બળના જોરે થયું. જન્મ પહેલાં અને પછીની આપણને કશી જ ખબર નથી. જે વાતો થાય છે તે પણ માત્ર કાલ્પનિક છે. પણ કલ્પનાઓ ક્યારેક હકીકત સમજવામાં મદદરૂપ થતી હોય છે.
આપણે એવી જ કલ્પના કરીએ. ધારો કે માણસને પોતે ઇચ્છે ત્યાં જન્મ લેવાનો અધિકાર મળ્યો હોત તો? દા. ત., તમને તમારા જન્મના અમુક સમય કે અમુક દિવસો પહેલાં જણાવી દેવામાં આવે કે તમારે આ દિવસે, આ સમયે જન્મવાનું છે. તમારા માતા-પિતા, ભાઈ-બહેન, સગાંસંબંધીઓ, પ્રદેશ, સ્થળ વગેરે વેબસાઇટ પર જોઈ લો. ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ ફલાણી ફલાણી છે. ત્યાં સુધીમાં સબમિટ ન કર્યું તો ગયા કામથી, ચોર્યાસી લાખ વર્ષો પછી!
તો તમે શું કરશો?
પહેલાં તો તાત્કાલિક તમારું લેપટોપ ખોલશો અને ઈશ્વરના દેશમાં, આપણે ત્યાં ગુગલ છે એવું જે સર્ચ એન્જિન હશે, એમાં જશો. Janm.com કે એવી કોઈ જન્મની વિગતોવાળી વેબસાઇટ ખોલશો. તમને આપવામાં આવેલી તારીખે અને સમયે સમગ્ર બ્રહ્માંડમાં ક્યાં ક્યાં જન્મની સંભાવનાઓ છે, કયા કયા ગ્રહ પ૨ નવો જન્મ લઈ શકાય તેમ છે એની તમે ચકાસણી કરશો.

વેબસાઈટમાં જોશો કે તમને આપવામાં આવેલી તારીખે અને સમયે બ્રહ્માંડમાં આટલા ગ્રહો પર, આટલી જગ્યાએ, આવા વાતાવરણમાં, આ પરિવારમાં, આવી રીતે જન્મ થવાની શક્યતા છે.
ફલાણી જગ્યાએ જન્મ લઈશ તો મારા માતાપિતા આ બે જણા થશે. એક બાળકે એ જગ્યાએ જન્મ લઈ લીધો છે એટલે મારે એક મોટો ભાઈ કે બહેન પણ હશે. મારા કાકા-કાકી, મામા-મામી, માસા-માસી, દાદા-દાદી વગેરે આ વ્યક્તિઓ બનશે. આ વ્યક્તિના ખાતામાં ઈશ્વરે આટલાં બાળકો મૂક્યાં છે, એમાં એક જગ્યા તો ઓલરેડી ભરાઈ ગઈ છે. હું અહીં જન્મ લઈશ તો મારો નંબર બીજો રહેશે.
ટૂંકમાં આવી બધી જ વિગતો એ ત્યાંની janm.com અથવા એવી કોઈ વેબસાઇટ પર ગર્ભધારણ કરનાર તમામ સ્ત્રીના ફોટોગ્રાફ, પરિવાર, હાઇટ બોડી, પ્રદેશ, ભાષા બધું જ સ્ક્રીન પર દેખાઈ જાય. નામ, સરનામું, જાતિ, ઉંમર, જન્મ તારીખ, સગાંસબંધીઓનાં, અત્યાર સુધી જીવાયેલા જીવનની માહિતી. (ભવિષ્યનું નહીં, કારણ કે એ તો જન્મ લીધા પછી જે તે માણસને જોવાનું જ છે…)
માણસ પોતે જ્યાં જન્મવા માગતો હોય ત્યાં બરોબર ચેક કરી લે કે આ સમયે અહીંયાં જન્મ લઈશ તો આવો ચહેરો મળવાની સંભાવના છે.
ઘણા એવું વિચારતા હશે કે તો તો અંબાણી કે બિલ ગેટ્સને ત્યાં જ ના જન્મ લઈ લઈએ? પણ કરોડો ગ્રહો પર અબજો જીવન પાંગરતાં હશે, એનો ખર્વોગણો ડેટા ઈશ્વરની એ વેબસાઇટ પર ઉપલબ્ધ હશે.
સેકન્ડોમાં ખર્વોગણો ડેટા ભરાતો હશે, તમારા ભાગ્યમાં કયું સ્થળ આવે છે એ તમે કેટલી વારમાં કઈ જગ્યા સિલેક્ટ કરો છો, કોનો ગર્ભ સિલેક્ટ કરો છો તેની પર નિર્ભર રહે.
જો ખરેખર જન્મતા પહેલાં આવી કોઈ વ્યવસ્થા હોય તો? તમે બે દીવાલ વચ્ચે ઊભા છો, એક દીવાલ કે જેનું નામ જન્મ છે, એનું બારણું ખૂલતાં જ તમે આ જગતમાં પ્રવેશ્યા પ્રવેશતાની સાથે જ તમારી અગાઉની તમામ બાબતો તમારા મન, શરીર કે જીવમાંથી સંપૂર્ણપણે ડિલિટ કરી નાખવામાં આવી. તમે જ્યાં જન્મ લીધો ત્યાંના જ થઈ ગયા.
તમારા માતાપિતા તમને લાડકોડથી ઉછેરે છે. તમને સ્વપ્નેય ખ્યાલ નથી કે તમારા જન્મદાતાઓને, તમારા દાદા-દાદીઓને તમે પહેલેથી નક્કી કરીને આવ્યા છો. (પત્ની અને બાળકો સિવાય, કેમ કે એ તમારે અહીં આવીને કરવાનું છે, ઈશ્વરે તમને જન્મ લેવાનો અધિકાર આપ્યો છે.)
તમારું નામકરણ થાય, ચાલતા અને બોલતા શીખો, પ્રવાસો કરો, મિત્રો બનાવો, ભણવા જાવ, નોકરી કરો, બદલી થાય, વાતાવરણને અનુકૂળ થાવ અને વાતાવરણને અનુકૂળ કરો, લગ્ન થાય, બાળકો થાય, ઝઘડા થાય. આમ ને આમ સમયની ઘંટી ફરતી જાય.
ધીમે ધીમે શરીર કામ કરવાનું ઓછું કરે, થાક લાગે, હાંફ ચડે, કરચલીઓ પડે, બુઢાપો બારણું ખખડાવે અને આમ ને આમ જ તમે મરણ નામની બીજી દીવાલ સુધી પહોંચો. દીવાલનું બારણું ખૂલી જાય અને તમે જીવનની રમતમાંથી બહાર નીકળો.
જેવા દીવાલની આ બાજુ આવો કે તરત અનેક માણસો કીકિયારીઓ કરતા હોય. જેમ સ્ટેડિયમમાં હજારો-લાખો પ્રેક્ષકો ખુરશીમાં ગોઠવાઈને બેઠા હોય તેમ.
જો તમે સારું કામ કર્યું હોય તો બધા વધાવી લે, ખભા પર બેસાડીને નાચે. ઠેર ઠેર તમારાં પોસ્ટર લાગી જાય. તમારા નામનો ડંકો વાગી જાય. પણ જો તમે જીવનમાં ખરાબ રમ્યા હોવ તો અનેક લોકો તમારી પર ગાળો વરસાવે, ન કરે નારાયણને માર પણ ખાવો પડે. જે લોકો તમારા જીવનની મેચ પોતાના ઘરે બેસીને ટીવીમાં જોતા હોય એ ચીડાઈને પોતાનું ટીવી તોડી નાખે. તમારાં પોસ્ટરોની હોળી કરે.
જો ખરેખર આવું હોય તો તમે શું કરો? અત્યારે તમારા જીવનની રમત ચાલી રહી છે એમાં તમે કેવી પોઝિશનમાં છો, જીતની કે હારની? આ જન્મ તમે તમારી મરજીથી જ પસંદ નથી કરેલોને?
જો આ વાત સાચી હોય તો અત્યારે તમારે કેવાં પગલાં લેવા જોઈએ?
~ અનિલ ચાવડા
રમત રમતમાં બહુ મોટી વાત કહી દીધી. બે દીવાલ વચ્ચે જીવાતું જીવન; કલ્પના ગમી. લોકોને હવે ભગવાનનો ડર નથી લાગતો પણ લોકો શું કહેશે એનો વધારે ડર લાગે છે અને ચિંતા હોય છે; એ હકીકતનો સરસ ઉપયોગ કર્યો.
બહુજ ઉત્તમ વિચાર
Janm swabhvik
Maapab ઉપર
Adharit prakriya છે
બહુ da grand parentaal
Ni prakriya ઉપર pan
Adhar કહી શકો.
Lekh aa નજર thi
Joi શક્યા હો આનંદ અવે.
અનિલભાઇ, જન્મતા પહેલાં… કટાર વાંચી … સ્મિત સાથે સંદેશ છે. વાહ વાહ…