ચૂંટેલા શેર ~ અશરફ ડબાવાલા (શિકાગો) ~ જન્મદિન 13 જુલાઈ

લાગણીનું જળ કદી એ સાવ સમતલ રાખશે
ને કદી આંખોમાં ખળખળતીયે સતલજ રાખશે
*
તું ભલે હો વિશ્વવ્યાપક ને બહુભાષી છતાં
મારી પાસે ગુર્જરી બારાખડીમાં આવજે
*
પૂર્ણતાથી અંત પર આવીને ઊભો છું હવે
તું ઉગારી લે મને કોઈ નવો આરંભ દઈ
*
તું પાનાં સૌ ઇતિહાસનાં ફેરવીને જો
રાજા છવાયા છે ને પ્રજા આવતી નથી
*
હું ક્ષણજીવી છું એનો વલોપાત ના કરો
જીવું છું મારી પળમાં સદા, ટાવરે નહીં
*
તારાથી મુગ્ધ તારા છકેલા એ અંશને
અંદર જે બેઠો છે એ પ્રવક્તાથી જપ્ત કર
*
રોમાંચ પહોંચવાનો એથી શમી ગયો
જ્યાં હું ગયો હતો ત્યાં તો અન્ય પણ ગયું
*
શબ્દકોશોમાંથી અંજળ લઈને આવ્યો કાફિયો
કોઈને ફાવ્યો નહીં ને કોઈને બેસી ગયો
*
આદિ ને અંત વિશે તું બોલતો રહે પણ
વચ્ચે જે છે તે મારું રજવાડું બાદ ના કર
*
પ્રકટ થાઉં ગઝલમાં તો એ કહેશે મૌન રહેવાનું
અને હું મૌનવ્રત લઉં તો વિમોચન આપશે જોજે
*
મધ્યવર્તી મેં વિચારો કેટલા કર્યા સતત
તોય અશરફ! જિંદગીનો સાર ઝિલાતો નથી
*
સજળ આંખમાં રાતભર ભીનું સપનું
સવારે કરું છું હું ઝાકળને વંદન
*
નવયુગને પોંખશું પણ એ તો જરા કહોને
મુઠ્ઠીમાં સાચવેલી પળનો વિકલ્પ શું છે?
*
પથ, ચરણ, મંજિલ વિશેનું તથ્ય છે બસ એટલું
ભાસની સીમા સુધી દોડી શકાતું હોય છે
*
હવે દીવાનગી લઈ જાશે ક્યાં કહો અશરફ!
નબી ને અજનબી બન્ને સમાન લાગે છે
*
ભલે અક્સીર દવાવાળા તરીકે નામ છે મારું
મને એ પૂછશો ના કે ઇલાજો ક્યાંથી આવે છે?
*
માળાના સ્મરણ સાથે આકાશે ઊડું છું ને
આકાશને હું લઈને માળામાં પ્રવેશું છું
*
ચહેરા પરથી ઓખખાયા ના નગરના માણસો
હાવભાવો એમના ગણવેશ પર નિર્ભર હતા
*
કંઈ પણ હું ના હતો તો કોઈને ક્યાં પડી’તી
હું શ્રી થયો કે તરત જ સૌને સવા થવું’તું
*
શું મહાભિનિષ્ક્રમણ? ને શું વળી આ બુદ્ધતા?
સઘળું છોડી ઘર તરફ પાછા વળો તો બહુ થયું

~ અશરફ ડબાવાલા (શિકાગો)

આપનો પ્રતિભાવ આપો..