ગાંધાર કલા ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: ૧૩) ~ પૂર્વી મોદી મલકાણ

પેશાવરની બજાર પછી અમારો બીજો સ્ટોપ હતો જૂના પેશાવરમાં આવેલ ગાંધારકલાનાં મ્યુઝિયમમાં. આમ તો આ મ્યુઝિયમમાં જવાનું મારું એક જ બહાનું હતું, કે થોડા ગાંધારકલાનાં અવશેષો જોવા મળી જાય, પણ સાથે એય ધ્યાન રાખવાનું હતું કે અમારે અહીં વધારે સમય વ્યતીત કરવાનો ન હતો કારણ કે હજુ તો જૂના પેશાવરની અનેક ગલીઓમાં અમારે રખડવાનું હતું.

ગાંધાર કલા

યુનાની, અફઘાની અને ગ્રીકથી જેનો જન્મ થયો છે તેવી આ ગાંધાર કલાનો સૌથી વધુ ઉલ્લેખ વૈદિક સમય પછી થયો હોઈ તેનો સફરકાળ પણ ઘણો જ લાંબો છે. જો શૈલીની દૃષ્ટિએ જોઈએ તો આ શૈલીનો સમય પહેલી સદીથી ચોથી સદીની મધ્યનો કહી શકાય. ત્રણ સંસ્કૃતિમાંથી જન્મેલી આ કલાનું પ્રમુખ સ્થાન જલાલાબાદ, હડ્ડા, સ્વાત અને પેશાવરમાં માનવામાં આવ્યું છે. આ કલા અને શૈલીમાં જે સૌથી પહેલી આકાર પામી તે ભગવાન બુદ્ધની પ્રતિમા હતી જે કાળા અને સફેદ પથ્થરોમાંથી બનાવવામાં આવી છે.

હિન્દુસંસ્કૃતિમાં પ્રવેશ્યાં પછી બનેલી મૂરત
મૂળ ગાંધાર કલા

ગાંધાર કલા એ નામ ગાંધારદેશ પરથી આવ્યું છે, પણ તેની શરૂઆતની રેખાઓ ગ્રીક યુનાનથી ગાંધાર એટલે કે આજના કંદહાર સુધી ખેંચાયેલ હતી. આ સ્થળે આવીને આ કલા થોડો સમય માટે સ્થિર થઈને બેસી ત્યારબાદ ફરી તેણે પોતાની રેખાઓને તે સમયના અંખંડ હિંદુસ્તાન તરફ ખેંચી. જ્યારથી આ કલાની શરૂઆત થઈ ત્યારથી તો નહીં, પણ હાલની મારી પેશાવરની ટૂર દરમ્યાન આ કલાને નજીકથી ચોક્કસ જોવા મળી.

પેશાવર મ્યુઝિયમ (1)
પેશાવર મ્યુઝિયમ (2)

અફઘાનિસ્તાનથી પેશાવર અને પંજાબ પ્રાંતમાં આવીને વસેલી ગાંધાર કલાને તે સમયના સુલતાન અને રાજાઓ તરફથી ઉત્તેજન મળતા તેનો સારો એવો વિકાસ થયો. જેને કારણે આ કલા સિંધના સીમાડા પાર કરી હિંદુસ્તાનના ઉત્તર ભાગમાં રહેલ કાશ્મીર (તે સમયે કૌશલ) અને મથુરાની ભૂમિમાં આવીને વસી ગઈ.

આ જૂના પેશાવરની માર્કેટમાં ફરતાં અમને માટીથી લઈ બ્રાસ અને અન્ય ધાતુની બનેલ ગાંધાર કલામૂર્તિને દર્શાવતાં ઘણાં નાના નાના મ્યુઝિયમ કમ સ્ટોર જોવા મળ્યાં. જેઓ ગાંધાર કલાકૃતિઓને પ્રસ્તુત પણ કરતાં હોય અને ઓર્ડર મુજબ વેચાણ પણ કરતાં હોય.

આ મ્યુઝિયમમાંથી જાણવાં મળ્યું કે આ કલાની શરૂઆત થઈ ત્યારે તે સ્વાત પ્રદેશમાંથી આવતી કાળી માટીમાંથી બનતી હતી. સમયાંતરે માટી પછી કાળા અને સફેદ સ્લેટ પથ્થરમાંથી બનવા લાગી અને અંતે ધાતુની શોધ પછી બ્રાસ અને અન્ય ધાતુની કલાકૃતિઓ બનવા લાગી. આ કલાને બહુ નજીકથી નિહાળતા અમને ઘણીવાર લાગ્યું કે આ સુરેખસ્વરૂપો હમણાં કશુંક બોલી ઉઠશે કારણ કે શારીરિક રૂપરેખા અને અંકન ઉપર એટલું ધ્યાન અપાયું હતું કે માંસપેશી સહીત નાડીઓ પણ દેખાય.

આ કલામાં અમને નૃત્યાંગના ભાવવાળી નારી અને બુધ્ધાની મૂરત વધુ દેખાઈ. જેમાં ભગવાન બુદ્ધની મૂરત સૌ પ્રથમ બનેલી ત્યાર પછી સુરેખનારીનાં મુખારવિંદની શરૂઆત થઈ. આ બંને સ્વરૂપમાંથી કેવળ નારી મૂરતની વાત કરવામાં આવે તો શરૂઆતમાં સોળે શૃંગારિત થયેલી માતા મહામાયા (ભગવાન બુદ્ધની જન્મદાત્રી) જોવા મળતી.

સમય અનુસાર મહામાયાનું સ્થાન એ સમયની અન્ય નારીઓએ લીધું જે નૃત્ય કરી રહી છે અથવા નૃત્યની ભંગિમા દર્શાવી રહી છે. શરૂઆતની આ નૃત્યભંગિમાને બીજા અર્થમાં આનંદયુક્ત કે પ્રસન્નતાનો ભાવ કહી શકાય. બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે, આભૂષણ ધારણ કરેલ કે શૃંગારીત થયેલ કોઈ સ્ત્રી માતા, પ્રેમિકા, અભિસારિકાના વાત્સલ્ય, કરુણા, સ્નેહ, પ્રેમ, કલા, આકર્ષણમાં આકર્ષિત કરતી નારી … એમ વિવિધ ભાવને દર્શાવતી આ મૂરતો હતી.

સમય અને સામાજિક પરિસ્થિતિ બદલાતાં નારીઓની આ મૂરત પણ બદલાઈ અને તે નારીઓનું સ્થાન અપ્સરાઓએ લીધું પણ તે તે સમયનાં રાજાઓનાં મતે હતું.

અગર કેવળ જો મુખની સુરેખતાનું અનુપ્રમાણ કરવામાં આવે તો જ્યારથી શરૂ થઈ હતી ત્યારથી નારીની મુદ્રામાં ૫૦૦૦ વર્ષ સુધી કોઈ ફર્ક પડ્યો ન હતો, (કેવળ તે નારીઓની ઓળખ બદલાઈ હતી. કોઈને મતે તે માતા હતી તો કોઈને મતે તે અભિસારિકા હતી તે મુજબ) પણ સિંધનાં સીમાડા ઓળંગીને જેવી આ કલાએ ભારતીય સીમામાં પગ મૂક્યો ત્યારથી આ કલાની નારીઓ બદલાઈ અને તીખા નાકવાળી, કમળની પાંદડીઓવાળી આંખોવાળી, મધુર દંતપંક્તિઓવાળી, વિવિધ આભૂષણો પહેરેલી, વિવિધ ફૂલોની વેણીથી બાંધેલ અંબોડાવાળી, લાંબા કેશવાળી બની.

યુગોયુગોથી ચાલતી આ કલાને જોઈ મને અજંતા-ઇલોરાની અપ્સરાઓ યાદ આવી ગઈ, જેઓ આ ક્ષણે મારા મનનાં દરવાજે આ ક્ષણે જોર જોરથી ટકોરા મારી રહી હતી. આ નૃત્યાંગનાં સમી નારીઓ અને ભગવાન બુદ્ધની આ કલાકૃતિઓને આજે ગાંધાર કલાનું હૃદય કહી શકાય, પણ મારી જ વાત કરું તો આ ગાંધારકલામાં જેણે મારું મન સૌથી વધુ મોહી લીધું તે હતાં ભગવાન બુદ્ધ.

આપણે ત્યાં જેમ રાજા રવિવર્માએ પુરાણો અને ગ્રંથોમાં સમાયેલ દેવી-દેવતાઓને વિવિધ રંગો દ્વારા જેમ પ્રગટ કર્યા હતાં તેમ આ કલામાં બોધિતત્ત્વને પામી ચૂકેલાં બુદ્ધની મૂરત પ્રથમવાર ચિત્રાંકન કરવામાં આવી.

આજે જે આપણે જેને સંન્યાસી બુદ્ધા જેણે માથાના વધેલાં વાળનો જૂડો બાંધેલો છે, યોગી બુદ્ધા જેઓ ધ્યાનમગ્ન છે, કરુણાભર્યા નેત્રથી નિહાળી રહેલાં બુદ્ધા, કમળનું પુષ્પ ધારણ કરેલ અથવા કમળપુષ્પની જેમ મુદ્રા રાખનારા બુદ્ધા, જેના પર દેવતાઓ પર પ્રતિનિધિત્ત્વ કરી રહેલાં છે તે બુદ્ધા, સૂતેલા બંધ આંખવાળા બુદ્ધા, આર્શીવાદ આપતાં બુદ્ધા, માતા મહામાયાની કૂખેથી પ્રગટ થતાં બાલસિધ્ધાર્થની આ મૂરતો વગેરે જોઈએ છીએ તેનું અસ્તિત્ત્વ ઇ.સ. ૧૦૦ મી સદી પૂર્વે હતું જ નહીં.

જ્યારે ગાંધારા કલા દ્વારા ભગવાન બુદ્ધના વિવિધ સ્વરૂપોવાળી આ મૂરતે પોતાનો વિશ્વ પ્રવાસ શરૂ કર્યો ત્યારથી લઈ આજ સુધી ભગવાન બુદ્ધના નાક -નકશા અને મૂરતમાં કોઈ ફેરફાર આવ્યો નથી.

આ કલા અને મૂરતનો ઇતિહાસ કહે છે કે; ભલે મેડિટેશન હંમેશાથી ભારતીય સંસ્કૃતિનો ભાગ હતું અને ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મનો જન્મ ભલે ભારત-નેપાળની સીમામાં થયો હોય પણ કાળના સંક્રમણમાં બધાં સપડાય છે તેમ બૌદ્ધ ધર્મ પણ સપડાયો અને આદી શંકરાચાર્યના વૈદિક ધર્મને કારણે બૌદ્ધ ધર્મને દેશવટો મળ્યો જેને કારણે ભગવાન બુધ્ધના સિધ્ધાંતોનું મહત્વ ભારતમાંથી નહિવત્ થઈ ગયું.

મધ્યકાલીન યુગ ભક્તિકાલ તરીકે ઓળખાયો. આ સમયમાં થયેલાં આચાર્યોએ ધ્યાનની પ્રક્રિયા પર ખૂબ મહત્વ આપ્યું ત્યારે બૌદ્ધ ધર્મના સૂરજના કિરણો ફરી ભારતની ભૂમિ પર રેલાયાં.

અહીં બીજી વાત એ પણ જાણવા મળી કે; મહાયાનબુદ્ધધર્મએ આ કલાને ઘણું પ્રોત્સાહન આપ્યું જેને કારણે આ કલાનો વિકાસ થયો એટલું ન નહીં પણ આ સમયે (મહાયાનના સમયે) આ કલામાં ગ્રીક, યુનાની અને ભારતીય કલાનો ત્રિવેણી સમન્વયયે જોવા મળ્યો.

કનિષ્ક કાલ અને મહાયાનના સમય બાદ ગુપ્ત અને મૌર્ય યુગમાં પણ ભારત સિવાય શ્રીલંકા, ઇન્ડોનેશિયા, બાલી, જાપાન, ચીન, તિબેટ વગેરે દેશોમાં પણ આ કલાનો વિકાસ અત્યાધિક થયો. જેના સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણે ત્યાં મધ્યપ્રદેશમાં ભીમબેટકા પાસે રહેલ સાંચી સ્તૂપા જોઈ શકીએ છીએ. સાથે સાથે જોવાનું એ કે આ સામ્રાજ્યોના શાસકોએ ભગવાન બુદ્ધના કેવળ મુખને જ નહીં પણ આપણા સિધ્ધાંતોને, શિક્ષણને, સ્તૂપો દ્વારા સ્થાપત્યકલાને અને શરણાગતિના ભાવ રૂપે બુદ્ધ ચરણને સૌથી વધુ મહત્વ આપ્યું.

દેવતાઓથી ઘેરાયેલા બુદ્ધા 
હિંદુસ્તાનમાં પ્રવેશતી વેળાએ આવેલો ફેરફાર

હૃદય સમાન ધડકતી આ ગાંધાર કલાની શરૂઆત ઇ.સ પૂર્વેની સોમી સદી પછી થઇ હોય પણ ઇસુની પહેલી સદીથી ત્રીજી સદી સુધીમાં બુદ્ધા આ કલા દ્વારા ઈરાનથી જાપાન સુધી ફેલાઈ ગયાં. આજે સમય અલગ છે તેથી સાંસ્કૃતિક, રાજકીય અને વ્યાપારિક સંબંધોના લીધે અને લોકોના સતત વ્યાવહારિક આદાનપ્રદાનથી આ ધર્મ અને ગ્રીક, સિરિયન, પર્શિયન અને હિન્દુ સ્થાપત્યની અસર સાથેનો આ કલાનો ફેલાવો દૂરસુદૂર સુધી જોવા મળે છે. આ કલાને એજ સમજી શકે છે જેઓને આ કલામાં રસ છે. (ઈતિહાસકારો, આર્ટ રસિકો, પુરાતત્ત્વવાદીઓ વગેરે)

© પૂર્વી મોદી મલકાણ (યુએસએ)
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..