મેં ત્રણ અશ્વો પલાણ્યા હતા (પ્રકરણ : 26) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 26

1974ની આસપાસ થોડાં વર્ષો મેં ‘જન્મભૂમિ’ ગ્રુપનાં ‘સુધા’ના તંત્રી તરીકે કામ કર્યું હતું.

લેખન, પત્રકારત્વમાં ધીરુબહેને બહેનોને ખૂબ પ્રોત્સાહિત કરીને લખતી કરી હતી. બહેનોને પ્લૅટફૉર્મ મળે એટલે મેં ‘સુધા’માં જાહેરખબર આપી હતી, અનુભવની જરૂર નથી. તમારે કામ કરવું છે? તો મળવા આવો. એ સમયે અખબારની કચેરીમાં બહુ ઓછી મહિલાઓ દેખાતી.

કોઈ ને કોઈ મહિલા મળવા આવતી. કામ પ્રત્યે એમનાં ઉત્સાહભર્યા કમિટમૅન્ટની પરીક્ષા લેવા હું તેમને દૂરનાં એક અનાથાશ્રમ પર લેખ લખવાનું ઍસાઇન્મૅન્ટ સોંપતી. અમારા ફોટોગ્રાફરને લઈને જાતે જવું, અનાથ મહિલા-બાળકોની આપવીતી અને ઑર્ફનેડ વિષેની માહિતી વગેરેનો સરસ ફોટોફીચર લેખ લખવાનું એમને કહેતી. આ કામ પ્રયોગ લેખે પાંચછ મહિલાઓને સોંપી જોયું હતું, પણ એ લેખ મને કદી મળ્યો જ નહીં.

એ સમયે કૂકિંગક્લાસ અને કૂકબુક્સનો ખૂબ મહિમા. તરલા દલાલનું નામ જાણીતું થઈ રહ્યું હતું. તેઓ ઘરે કૂકિંગ ક્લાસ ચલાવતા અને લાંબું વેઇટિંગ લિસ્ટ હતું. તેમનાં વાનગીનાં પુસ્તકોનો બહોળો ફેલાવો હતો.

તરલા દલાલ

મેં તેમને ‘સુધા’ માટે વાનગીઓ આપવાનું આમંત્રણ આપ્યું, સાથે શરત. મેટર તમારે જાતે આપવા આવવું અને આપણે સાથે કૉફી પીશું.

વાનગીવિભાગને ખૂબ આવકાર મળ્યો. ઘરે નવી નવી વાનગીઓ બનાવવી, બૅકિંગ કરવું એ હજી પ્રચલિત ન હતું. મોટે ભાગે પરંપરાગત વાનગીઓનું રસોડામાં સામ્રાજ્ય. મેં વાનગીવિશેષાંક પ્રગટ કર્યો, ઘણી બહેનોએ વાનગીઓ મોકલી, સંપાદન તરલાબહેનનું. પ્રગટ થતાં જ ખલાસ. ઉપરાઉપર અંક પ્રગટ કરવો પડ્યો. મેં પણ મૅગેઝિનમાં અવનવા પ્રયોગો કર્યા.

તારક મહેતા કૉલેજકાળથી મિત્ર, પણ હવે એ પ્રસિદ્ધ નાટ્યકાર અને લોકપ્રિય હાસ્યલેખક. તેમણે મારા આગ્રહથી પત્ની ઇન્દુના નામથી સરસ હાસ્યશ્રેણી લખી.

તારક મહેતા

સંસાર, લેખન અને પત્રકારત્વની નોકરી, તે પણ સાપ્તાહિક. મેં ત્રણ અશ્વો પલાણ્યા હતા અને ગબડી ન પડાય એટલે સતત બૅલેન્સ જાળવવું પડતું હતું. બાળકોને શાળામાં રજાઓ અને વૅકેશન અને પત્રકારત્વ ત્રણસો પાંસઠ દિવસ! અનુભવે હવે સમજાવવા લાગ્યું હતું કે બંનેનું સમીકરણ સરખું બેસતું ન હતું. ટાંકણે જ મને પેટનું અર્જંટ ઑપરેશન અને પછી સંપૂર્ણ આરામ.

પરિણીત વર્કિંગ વુમનની સમસ્યાઓ વિશે લેખો લખ્યા હતા, પણ હું એ જ સાંકડી નેળમાંથી પસાર થઈ રહી હતી જેની મને અગાઉથી કલ્પના ન હતી, પણ હું નસીબદાર કે મને મહેન્દ્રનો ટેકો અને ‘જન્મભૂમિ’ મારા ઘરેથી સાવ જ પાસે એટલે મુંબઈગરાનો ટ્રાવેલિંગ નાઇટમેર ન હતો.

જન્મભૂમિ ભવન, ફોર્ટ

મારું વહાલું ઘર. એણે પણ મને સ્વજનની જેમ કેટકેટલી સવલતો આપી! ઘરને કોણ નિર્જીવ કહે!
* * *
એક બપોરે તંત્રીલેખ લખી રહી હતી ત્યાં એક પ્રૌઢ વ્યક્તિ મારી કૅબિનમાં પ્રવેશી. મેલખાઈ ટોપી, ટૂંકું બાંડિયું, બંડી અને ધોતિયું, ધૂળિયા પગરખાં સાથે વિચિત્ર મુખમુદ્રાનો સાતઆઠ વર્ષનો બાળક.

ઓળખાણ પૂછતાં એમણે લાંબી વાત માંડી. મુદ્દાની વાત એ કે, નામ ચુનીલાલ. સમાજસેવા કરતાં મળેલું ઉપનામ મહારાજ. મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ સરહદે ઝાબુઆ જિલ્લો. એમાં મુઠ્ઠી જેટલું આદિવાસી ગામ કઠિવાડા. ત્યાં આદિવાસી બાળકોને વિદ્યા અને સંસ્કાર આપે, આશ્રમ સ્થાપ્યો હતો. રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુના નામથી રાજેન્દ્ર આશ્રમ.

અને આ બાળક?

નવજાત શિશુને વરુઓ ઊપાડી ગયેલા અને ઉછેરતા હતા, એ છોડાવી હવે ‘માણસ’ બનાવવા મથું છું. પેલા બાળકના મોંમાંથી સતત લાળ પડતી હતી અને ચહેરો બિલકુલ ભાવવિહોણો. ‘ધર્મયુગ’માં એની ફોટોસ્ટોરી કરવાના હતા એટલે મહારાજ મુંબઈ આવ્યા હતા. સુમતિ મોરારજી આશ્રમને મદદ કરતા એટલે એમનેય મળવાનું હતું. હરીન્દ્ર દવે એમના દૂરના મામા.

હરીન્દ્ર દવે

એમને મળવા આવ્યા ત્યાં ખબર પડી કે આચાર્યની દીકરી અહીં છે એટલે સહજ મળવા આવ્યા હતા.

મને એમની વાતમાં રસ પડ્યો. કાન સરવા થયા. એમને બેત્રણ અનુભવોની વાત કરવાનું કહ્યું. એ તો વાત બરાબર માંડીને મને જે અનુભવો કહ્યા હું રસપૂર્વક સાંભળતી જ રહી. એ સમયે મને સાંભરી આવ્યું, એક પ્રભાતે માઈલાઈમાં પોતાનાં સંતાનોનાં લોહિયાળ ઢગલામાં કૂદી પડેલી માતાઓનું હૈયાફાટ આક્રંદ.

એમણે મને કહ્યું હતું વિયેટનામના આ ભયાનક હત્યાકાંડની કથા તું દુનિયાને નહીં કહે!

અત્યારે પણ એક કથા મને આંસુભરી આંખે કહી રહી હતી, સમાજના સૌથી નીચલા થરમાં ભીંસાઈને ગૂંગળાતા આદિવાસીઓનાં શોષણ અને ભ્રષ્ટાચાર, અજ્ઞાન અને અંધશ્રદ્ધાની વાત તું સમાજને નહીં કહે! યુ મસ્ટ. હું તારી સામે જ ઊભી છું. એ જ ક્ષણે મારો નિર્ણય.

મહારાજ જવા ઊભા થયા. મેં તરત જ કહ્યું, તમારા જીવનની સંઘર્ષ અને અનુભવોની હું નવલકથા લખીશ. આપણે ફરી મળીશું.

એ દરવાજે અટક્યા, ના બહેન. હરકિશન મહેતા ‘ચિત્રલેખા’માં નવલકથા લખવાનાં છે. મારા થોડા અનુભવો ટેપ કરી લીધા છે. મારે કાલે જ વાત થઈ છે.

હરકિશન મહેતા

એ રાત્રે જ મેં હરકિશનભાઈને ફોન કર્યો. કહ્યું : તમે ક્યારેય વિચાર બદલો, મહારાજ પર નવલકથા ન લખવાના હો તો મને તક આપજો. પહેલો હક્ક તમારો.

એ ખડખડાટ હસી પડ્યા, તરત જ જવાબ, આજથી એ કથા તમારી. તમે લખશો, મને રાજીપો રહેશે એનો. મારી કોઈ દલીલ સાંભળવા તૈયાર ન હતા, નો આર્ગ્યુમૅન્ટ્સ કહી પૂર્ણવિરામ મૂકી દીધું. હું આભાર માનું ત્યાં દરિયાદિલીથી કહ્યું, બસ વર્ષાબહેન, તમે લખો જ લખો કહેતાં ફોન જ મૂકી દીધો.

‘આતશ’ની જેમ ફરી એક કથા મારે બારણે ટકોરા મારતી ઊભી રહી. મારા મનમાં વલોણું શરૂ થઈ ગયું હતું, ભયંકર દારિદ્રય, આ કપરો જીવનસંઘર્ષ, શોષણખોર લોકોની સ્વાર્થવૃત્તિ અને એ સઘળાંની સામે એક વ્યક્તિનો પ્રચંડ પ્રેરક પુરુષાર્થઆ બધું નવલકથારૂપે મૂકી સમાજને આંગળીચિંધામણ કર્યું હોય તો!
* * *
મેં મહેન્દ્રને કહ્યું, સાંભળેલી વાતો પરથી નવલકથામાં જીવંતતા નહીં આવે, મારે મધ્યપ્રદેશ જવું છે, ત્યાં રહેવું છે, એ જીવન જાતે જોવું છે. એણે મને ક્યારે ના પાડી હતી! મેં બિંદુબહેનને રાજકોટથી બોલાવી લીધા. એના પાલવમાં નાખી દીધો મારો સંસાર. મોટીબહેનની મને હંમેશાં મોટી ઓથ.

નાની શિવાનીને સાથે લીધી. કદાચ મારા વિના લાંબો સમય એને ન સોરવે અને જીવનની આ બીજી બાજુ પણ જુએ. અઠેગઠે સરનામું. અમે મા-દીકરી નીકળી પડ્યાં. મેં મહારાજને પત્ર લખેલો. એમણે કહેલું હતું મુંબઈથી વડોદરા, વડોદરા બસસ્ટેશનથી બસમાં, અલીરાજપુરનાં બસસ્ટોપ પર ઊતરી પડવાનું, પછી ત્યાંથી કઠિવાડા ગામ જંગલરસ્તે જવાય. હું તેડવા આવીશ.

અમે તો બરોડા ઊતર્યાં, રિક્ષામાં બસસ્ટેશન અને માંડ કેટલીવારે બસ મળી. ઉનાળાની ધગધગતી બપોર અને બસમાં ઠાંસોઠાંસ ભરેલા ગ્રામજનો. હડદોલા ખાતાં અલીરાજપુર પહોંચ્યાં.

બસમાંથી ઊતરતા હું ડઘાઈ ગઈ. ચોતરફ નિર્જન, નિર્જળા વિસ્તાર પટ. ખરો બપોર. બાળકોને વૅકેશન હોય એટલે ઉનાળું વૅકેશનમાં હું નીકળેલી. ક્યાંય વાહન ન દેખાય. મારે શી ચિંતા! હમણાં મહારાજ આવશે આવશે કરતા સમય તો હડી કાઢતો દોડે. કોઈ છાંયો નહીં. પૂરૂંપાધરૂં પથ્થરનું એક જ મકાન. કઠિવાડા જવાની બસ છેક સાંજે મળે.

ખાણમાંથી પથ્થરો ભરી ભરીને અહીંથી પસાર થતા ટ્રકડ્રાઇવરો-મજૂરોની આ વીશી. અમે તો ઓટલે બેસી રહ્યાં. મહારાજનાં દર્શન દુર્લભ. અમે ભૂખ્યાં તરસ્યાં ભડભડીએ. ટ્રેનમાં પાણી ખાવાનું ખલાસ! હજી મિનરલ વૉટરે સામ્રાજ્ય જમાવ્યું નહોતું. અમેય મજૂરો ભેગા જમવા બેસી ગયા. તીખા દાળભાતનો એક કોળિયો, બે ઘૂંટડા પાણી.

હવે? કઠિવાડા ક્યાં આવ્યું અને કેમ જવું? લોજનાં લોકો જોયા કરે આ સ્ત્રી, નાની છોકરીને લઈને અહીંયાં ક્યાંથી? પૂછતાછ કરતાં ડ્રાઇવરે કહ્યું : `મૈં લે જાઉં કઠિવાડા. એક સવારી પાંચ રૂપિયા.’ મેં દસ રૂપિયા આપ્યા અને અમે ટ્રક ડ્રાઇવરની આગલી સીટમાં ગોઠવાયા.

સીંદરીથી બારણું અડધું ખુલ્લું રાખી બાંધેલું. ધમધમાટ ખટારો ઊપડ્યો. ખટારામાં મથોમથ પથ્થરો અને એની પર મજૂરો. એ લોકોને કેવી રોજની અગ્નિપરીક્ષા! ખટારો હાલકડોલક થાય, અમારું બારણું ફટાફટ ભટકાયા કરે. મારો જીવ ચપટીમાં સીંદરી જો તૂટી તો અમે મા-દીકરી ફંગોળાઈ જવાના. શિવાનીએ આંખો બંધ કરી મારા ખોળામાં માથું સંતાડેલું. હૂહૂકાર કરતો ગરમ પવન અંદર ધસી આવી શરીરે ધગધગતા ડામ ચાંપે.

ખટારો જંગલમાં દોડ્યે જતો હતો. ક્યાંક ઊબડખાબડ રસ્તો, ક્યાંક સીધો રસ્તો. રસ્તામાં ઊથલી પડેલા ખટારાના અકસ્માત જોયા. સુકાયેલા લોહીના રેલા પરથી ખટારો એકશ્વાસે જતો હતો. મેં હિંમતને બે હાથે મજબૂત પકડી રાખી હતી.

ત્યાં હિંમત પાણીનાં પોટલા પેઠે છૂટું છૂટું થઈ રહી. સામે જ મગરના ફાટેલા વિકરાળ મોઢા જેવી નદીનો ભાઠો. ઊંડો સુક્કો કાંકરાભરેલો પટ. અમારો ખટારો નીચે મોંએ એમાં ઊતરવા લાગ્યો. મેં આંખો બંધ કરી. જો અમને અહીં કંઈ થયું તો મહેન્દ્રને શી રીતે ખબર પડશે, કે પત્નીનાં પરાક્રમ અવળા પડ્યા છે?

ભાઠાની વચ્ચે ગંદા પાણીનું ખાબોચિયું. ડ્રાઇવરે ત્યાં ટ્રક ઊભી રાખી. ખોબા ભરી પાણી રેડે. ટ્રકની ગરમી ઠારી.

હવે ભાઠામાંથી સામી બાજુ ઉપર ચડવાનું હતું. એ દિવસે એવરેસ્ટ આરોહણ જેવી ફિલિંગ થઈ આવી. એ ઊંધે માથે પડ્યા કે પડશું! ડ્રાઇવર ખૂબ કુશળ હતો. એને તો રોજ આ મોતના કૂવામાં ઊતરવાનું.

અંતે મિશન ઇમ્પોસિબલ પૂરું થયું. ટ્રક રસ્તા પર ચડી ગઈ હતી. હાશકારો અનુભવું ત્યાં એણે ટ્રક ઊભી રાખી દીધી. ઊતર જાઓ.

હેં! પણ આ તો જંગલ છે. કઠિવાડા કીધર હૈ?

સામને સીધે રસ્તે ચલે જાઓ. મેરા રાસ્તા અલગ હૈ.

હું અને શિવાની થેલો લઈ ઊતરી ગયાં. ટ્રક બીજે રસ્તે જોતજોતામાં અદૃશ્ય થઈ ગઈ. હવે પહેલી વાર ફડક પેઠી. સામને ચલે જાઓ એટલે શું? સિત્તેરનાં દાયકામાં હજી જંગલો ઘેઘૂર હતાં. જંગલ મેં વળી ક્યારે જોયું હોય અને જંગલનાં જાતભાતનાં અવાજો સાંભળ્યા હોય! જાણે પૃથ્વી પરથી મનુષ્યજાતિ જ ગાયબ! અમે મા-દીકરીએ ફફડતા જીવે પગ ઉપાડ્યા. શિવાની રડું રડું થતી હતી. આ રસ્તો સાચો હશે કે પછી…

મેં મનોમન પ્રાર્થના કરી. આમ પણ પહાડો અને ઘન જંગલોમાં અંધકાર વહેલો ઊતરી આવતો હોય છે. હલકો અંધકાર ફેલાવા લાગ્યો હતો. આ રસ્તો ખોટો હશે તો? આશ્રમ નહીં જડે અને રાત પડી ગઈ તો? મારી પ્રાર્થના ચાલુ હતી, શરણ્યે ત્ર્‌યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે…

મારી પ્રાર્થનામાં એક ઘેરો ધીરગંભીર સ્વર ભળી ગયો. મારી નજર સામે એ દૃશ્ય તાદૃશ થઈ ગયું, દેવપ્રયાગમાં નિર્જન ઘનઘોર રાત્રિએ ખડક પર ધ્યાનમુદ્રામાં સ્થિત પપ્પા અંતરની આરતથી પ્રાર્થના કરી રહ્યા છે, દૂરથી ફાનસ લઈ એક બ્રાહ્મણ અમને શોધતો આવી ચડે છે…

પગમાં પ્રાણ પૂરી અમે સીધે રસ્તે ચાલતાં રહ્યાં. મને મનમાં ઊગી ગયું. આશ્રમ પાસે જ છે. જરૂર કોઈ સામે આવશે જ. પપ્પાનો અવાજ મનમાં ગુંજતો હતો, નારાયણી નમોસ્તુતે… થોડું ચાલ્યાં કે સામે દેખાયું ખુલ્લું ચોગાન અને ટમટમતો પ્રકાશ.

મેં જગતજનનીને પ્રણામ કર્યા. અમને દૂરથી જોઈ એક યુવાન દોડતો આવ્યો, થાકેલી રડું રડું શિવાનીને જોતાં તેડી લીધી. મેં પૂછ્યું : `યે મહારાજ કા રાજેન્દ્રઆશ્રમ?’

`જી હાં, આપ બમ્બઈસે વર્ષાદેવી?’

એણે ખાટલો ઢાળ્યો, હું તો ઢગલો જ થઈ ગઈ. શિવાનીને ખાટલે મૂકી એણે કુલડીમાં ઠંડું પાણી આપ્યું, ઠંડા પાણીથી અમારા પગ ધોયા. એવો હાશકારો થયો! બીજાએ ચૂલે ખીચડી ચડાવી.

મહારાજ કલકત્તા ગયા હતા અને બીજે દિવસે આવી જવાના હતા. રજાઈમાં ઢબુરાઈને તારાખચિત આકાશ નીચે, પ્રકૃતિના ખોળામાં માથું મૂકી એવા જંપી ગયા કે મોડી પડે સવાર.

સવારે જોયો માનાર્થે આશ્રમ. એક જ પાકું નાનું મકાન, ગારમાટીનાં ઝૂંપડાં અને લાગણીની ઓળીઓનું લીંપણ. આંબા, આસોપાલવ, કેળ અને લીંબુ, આશ્રમથી થોડે દૂર હાઉકલો કરી દોડી જતું નાના શિશુ જેવું રમતિયાળ ઝરણું.

બપોર થતાં મહારાજ આવી ગયા. રોજ સવારે સાડીનો કછોટો મારું, શિવાની કોઈને ખભે. કાળુસિંગને લઈ હું જંગલ ખૂંદતી આદિવાસીઓનાં ઝૂંપડામાં જાઉં. મૂર્તિમંત દરિદ્રતા જોઈ હું ડઘાઈ જાઉં. ઝૂંપડું સ્વચ્છ, ઝગારા મારે પણ સાવ, સાવ જ ખાલીખમ્મ! ઉપર એક આડો વાંસ ભરાવ્યો હોય. જો વધારાની જોડ કપડાં ક્યાંકથી મળે તો ટીંગાડવા થાય. ખૂણામાં તીરકામઠું ઢોલ. લાકડાનાં બે પાટિયાં. ડોળીનું બી ભીંસી તેલ કાઢે, સાબુનાં કારખાના માટે. ઘરનો આ અસબાબ!

હું અંધારજરી ગામમાં ગઈ. એક ઝૂંપડામાં જોયું, ચૂલા પર માટીનું વાસણ.

`શું રાંધ્યું છે?’

`ભાજી.’ મંજલિ બોલી.

ઢાંકણ ખોલ્યું તો પાણીમાં આંબલીનાં પાંદડાં બફાતાં હતાં, મીઠું નાંખી ખાઈ લેવાનું. માટીની કોઠીમાં માટી ભરેલી, ઉપર મહુડાનાં સુકાયેલાં ફૂલ. બાળકને ઘસીને પાઈ દેવાના. જ્યારે ધાન ન હોય ત્યારે બાળક ઘેનમાં પડ્યું રહે, જાગે તો કંઈ ખાવા માગે ને!

મહારાજે વર્ષોનાં અનુભવોની નોંધપોથીઓ લખેલી. મેડીએથી પેટીઓ ઊતરાવી. મહારાજ સાથે વાતો કરું એમાંથી જરૂરી નોંધ લખું.

હંમેશની જેમ આ બધો પથારો રસોડામાં પાથરું. સાચા પ્રસંગો અને પાત્રોને વાર્તારૂપે ગૂંથી કલ્પનાના રસાયણથી નવલકથા લખવાની હતી, ડૉક્યુમૅન્ટરી નહીં.

હરીન્દ્રભાઈને જાણ હતી કે હું આ નવલકથા લખી રહી છું. એમણે ‘જન્મભૂમિ પ્રવાસી’ માટે માગી લીધી. આખું જ મેટર આપી દીધું, `ગાંઠ છૂટ્યાની વેળા’ કાવ્યસંગ્રહમાંથી મળેલું શીર્ષક.

એ પત્રયુગ હતો. ‘પ્રવાસી’માં પ્રગટ થતાં વાચકોનાં પત્રો, ટેલિફોન. ત્યારે લીધેલા પરિશ્રમની સાર્થકતા લાગતી. જંગલમાં એકલા અને ભૂલાસરખા પડી ગયાની વાત બહુ વખત પછી મહેન્દ્રને કરી. થોડો સમય નારાજી પછી આઇસક્રીમ અને પછી સમુંસુતરું હંમેશની જેમ.

ચુનીલાલ મહારાજ

* * *
આ નવલકથાએ પણ પોતાની રીતે કાઠું કાઢ્યું.

નવલકથાને ફરી દૂરદર્શને પસંદ કરી અને અમુક અંશનાં નાટ્યરૂપે દૃશ્યો કમલેશ દરૂએ મહારાજની ભૂમિકામાં ભજવ્યા. મારો ઇન્ટરવ્યૂ લેવાયો. 1980માં પુસ્તક પ્રગટ થયું અને હરીન્દ્ર દવેએ તેની હૃદયસ્પર્શી પ્રસ્તાવના લખી હતી.

…સત્યઘટનાઓ, વાસ્તવિક વાતાવરણ અને જીવાયેલા સંઘર્ષોનો મુકાબલો કરવો નવલકથાકાર માટે ઘણો મોટો પડકાર છે અને વર્ષાબહેને આ પડકાર સર્જકને શોભે એ રીતે ઝીલ્યો છે. ‘ગાંઠ છૂટ્યાની વેળા’ એક નિતાંત નવલકથા છે, દસ્તાવેજી અહેવાલ નથી. વર્ષાબહેને રણની વેરાનીનો ચિતાર આપ્યો છે અને વીરડાની મીઠાશ પણ…’

અમરેલીમાં સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ તરફથી તેને શ્રેષ્ઠ સાહિત્યકૃતિ તરીકે સન્માનવામાં આવી અને યશવંત શુક્લને હસ્તે પારિતોષિક મળ્યું.

પણ એ પહેલાં રમેશ પારેખનું પોસ્ટકાર્ડ મળ્યું.

રમેશ પારેખ

અમરેલી આવીને ખબરદાર બીજે ઊતર્યા છો તો! મારે ત્યાં જ રહેવાનું છે. આ પત્ર સૂંઘશો તો 007 જેમ્સ બૉન્ડની ધમકીની ગંધ આવશે. ટિપિકલ રમેશશાહી પત્ર.

ઍવૉર્ડ ફંક્શન પછી કારમાં બા પાસે રાજકોટ પાછાં ફરતાં હું ખૂબ આનંદમાં હતી ઍવૉર્ડ કે પારિતોષિકનો આનંદ કોને ન હોય! એ માઇલસ્ટોન છે, જે દર્શાવે છે તમે સાચે રસ્તે છો અને કેટલે દૂર સુધી આવ્યા છો!

આશ્ચર્ય અને આનંદની બીજી ઘટના. સાહિત્ય પરિષદના હૈદ્રાબાદના અધિવેશનમાં પ્રમુખપદેથી, ભરચક્ક સભામંડપમાં શ્રોતાઓ સામે પ્રવચનમાં દર્શકે કહ્યું, ‘ગાંઠ છૂટ્યાની વેળા’એ ગુજરાતી સાહિત્યમાં નવી દિશાની બારી ખોલી છે. હું સામે જ બેઠી સાંભળતી હતી ત્યારે બધો જ પરિશ્રમ (કેટકેટલા ડ્રાફ્ટ!) સાર્થક લાગ્યો હતો. પછી આ નવલકથા માટે મને લાંબો સરસ પત્ર પણ લખ્યો હતો.

ચિ. બહેન વર્ષા,

`ગાંઠ છૂટ્યાની વેળા’ પૂરું વાંચી ગયો. તેં એક નવું બારણું ખોલી આપ્યું છે. વાંચવાની મઝા આવી.

ક્યાંક ક્યાંક કવિતાની દૃષ્ટિએ ગદ્ય પહોંચ્યું છે… જો કે આવા લેખનમાં વાર્તાને બદલે દસ્તાવેજીપણું પણ આવી જાય છે. તારી કૃતિમાં આવું નથી બન્યું તેમ હું સમજું છું.

તારો વિકાસ જોઈ હું અવશ્ય રાજી થાઉં છું કારણ તેં રોહિણીને અવતરિત કરી મને પ્રસન્ન કર્યો હતો.

તું તો હજુ ઘણું લખવાની, કલાની નવી નવી પાંખડીઓ ખીલવવાની.

તમે બધાં મજામાં હશો.

મનુભાઈના આશિષ.

દર્શકનો પત્ર

એ દિવસે ફરી બીજો ઍવૉર્ડ મળ્યો. અત્યારે પણ એની સતત આવૃત્તિઓ થતી રહે છે.
* * *
1977 માર્ચ. ભારત માટે બીજો સ્વાતંત્ર્યદિન.

ઇન્દિરા ગાંધીએ લાદેલી ઇમર્જન્સી પાછી ખેંચાઈ અને સહુએ મુક્ત હવામાં શ્વાસ લીધો. સેન્સરશીપ ઊઠી ગઈ અને કાંટાળા થોર જેવી અનેક જેલની ભયંકર કમકમાટીભરી કથાઓ પ્રગટ થવા લાગી.

જેલમાં થતાં પાશવી અત્યાચારો, કસ્ટોડિયલ ડેથ, ભ્રષ્ટાચાર, સ્વયં ગુનેગારીએ બાનમાં લીધેલી જેલસિસ્ટમ. ખાઈબદેલો જેલસ્ટાફ. સ્ત્રીકેદીઓની અત્યંત દયનીય સ્થિતિ… આ બધું બેઠી ભોંય ખોદાય એમ આગલીપાછલી પણ પ્રકાશમાં આવતી ગઈ.

જ્યાં સુધી મારું સીમિત જ્ઞાન કહેતું હતું, જે જેલજીવનની આવી સત્યઘટનાત્મક નવલકથા બીજી કોઈ ભાષામાં લખાઈ નથી. બંગાળી ભાષાની જાણીતી નવલકથાનો ગુજરાતી અનુવાદ ‘ઊજળા પડછાયા કાળી ભોંય’ ખૂબ ગમતી નવલકથા હતી.

‘બંદિની’ પણ મારી પ્રિય ફિલ્મ. પણ એ મુખ્યત્વે પ્રેમકથા હતી. શંકર લિખિત એ નવલકથાનો પ્રધાન સૂર પૉઝિટિવ હતો અને આમ પણ એમાં વર્ષો પહેલાંનું ચિત્ર હતું.

મને થયું, આજની, આ સમયની કથા કહેવાનો આ સમય છે. જેલજીવનની કથા લખવા હું તત્પર થઈ ઊઠી.

મેં મારી ટેવ પ્રમાણે એક ફાઇલ પર લખ્યું ‘જેલ’ અને શરૂ થયું મારું જેલ અભિયાન. જેલ વિષે કંઈ વાંચું, સમાચાર ઘટના કે કટિંગ ફાઇલમાં મૂકું. મને શ્રદ્ધા હતી, હું લખવાનું શરૂ કરીશ કે સામેથી જ મને મેટર મળતું જશે. અચૂક.
* * *
એ દરમ્યાન રેડિયો, દૂરદર્શન માટે અને કૉલમ વગેરે લખતી રહેતી.

એક દિવસ મેરીલીન મનરોની આત્મકથા હાથમાં આવી ગઈ. મારકણી અદાઓની હોલિવુડની સામ્રાજ્ઞી. થોડાં પાનાં વાંચતા જ મને થયું વ્હોટ અ મિઝરેબલ લાઇફ! મેરીલીન એટલે સેક્સબૉંબ, પુરુષભૂખી, કેટલા અફેર્સ… પણ હું તો આ બીજી મેરીલીનની કથા વાંચી રહી હતી!

ઝાકઝમાળ ફિલ્મનો શો પૂરો થાય, ફિલ્મનું ફીંડલું સમેટાઈ જાય, થિયેટર ખાલી થઈ જાય અને રહે ઘેરો અંધકાર. મેરીલીનનાં જીવનમાં કેટકેટલી પીડાનો ઓથાર હતો! માત્ર ચાર વર્ષની વયે એની સીઝોફ્રેનિક માને મૅન્ટલ ઍસાઇલમમાં લઈ ગયાં. એકાકી બાળાનું કોઈ નથી. પછી ફોસ્ટર હોમની હારમાળા.

અંતમાં પ્રસિદ્ધિ અને પૈસા છતાં યુવાન વયે આત્મહત્યા. આજ સુધી એ રહસ્ય પડીકે વીંટાળેલું રહ્યું છે. હૃષિકેશ મુખરજીની ‘ગુડ્ડી’ અને ગુરુદત્તની ‘કાગઝ કે ફૂલ’નું સ્મરણ થઈ આવે, વક્તને કીયા ક્યા હસીં સિતમ…

સુપ્રસિદ્ધ દિગ્દર્શક અને ફિલ્મસર્જક ઇંગમાર બર્ગમેનની એટલી જ ખ્યાતિવંત અભિનેત્રી પત્ની લીવ ઉલમાનને એક પત્રકારે પૂછ્યું : `આટલાં બધાં ઇનામો અને સન્માનો મેળવીને તમને કેવી લાગણી થાય છે? (ટી.વી. પત્રકારોનો ફેવરીટ પ્રશ્ન).’

Liv Ullmann

લીવનો જવાબઃ `કમનસીબે હું ઇનામો સાથે વાત નથી કરી શકતી.’

પ્રસિદ્ધિનાં શિખરે કેટલી એકલતા હોય છે! છેલ્લાં થોડાં વર્ષોમાં તો સેલિબ્રિટીઝની આત્મહત્યાની હારમાળા આઘાતજનક છે.

મેં મેરીલીનમાંથી થોડો પિંડ લઈ રાણીનું પાત્ર ઘડ્યું જે સતત સુખની મૃગયા ખેલે છે. બધું ગુમાવી હારણ થાય છે ત્યારે સમજાય છે, જે એ બહાર શોધતી હતી, તે તો એની અંદર વહે છે, નવલકથાનું નામ ‘આનંદધારા’. મારી ગમતી કૃતિ.

હું નવલકથા લખી રહી હતી ત્યારે મારી નાટકની એક મિત્ર મળી ગઈ, એ કોઈ પ્રોડક્શન હાઉસ જઈ રહી હતી, મનેય ખેંચી ગઈ. બહુ સિનિયર પ્રોડ્યુસર. એકદમ સ્વચ્છ ઇમેજ. મેં નામ સાંભળેલું, એમની ફિલ્મ જોયેલી. મારી મિત્રે વાતવાતમાં એમને કહ્યું, આ ગુજરાતીની સરસ લેખિકા છે. ઊઠું ઊઠું થતી મને પરાણે બેસાડી. એમણે પૂછ્યું, હમણાં શું લખો છો? થયું, હું તો ઉત્સાહથી ‘આનંદધારા’ની વાર્તા બોલી ગઈ.

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે! જો જાનકીનાથને જ ખબર ન હોય તો આ બિચારી લેખિકાને ક્યાંથી ખબર હોય!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. પ્રચંડ પુરુષાર્થ,ભરપૂર ઉત્સાહ,ગાઢ નિસ્બત અને સતત વહેતી સંવેદના…ઉપરાંત ઘણું બધું એટલે વર્ષાબહેન…

  2. અત્યંત મુશ્કેલ સંજોગ હોય પણ હારે નહીં તે વર્ષાબેન. નવલકથા “ગાંઠ છૂટયાની વેળા ” મેં વાંચેલ છે. આંસુ આવી જાય તેવી સંવેદનાઓ છે.