મેં તેર ભાગમાં ઘણી સિરિયલો લખી (પ્રકરણ : 24) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

મને પહેલી જ વાર મળેલા ઇનામનો એ નાનકડો પત્ર. મારે માટે મારી આઇડેન્ટિટીનો ડૉક્યુમૅન્ટ!

અત્યાર સુધી અભિનય માટે ઇનામો મળ્યા હતા. ત્રણેક નવલકથાઓ, એક ફિલ્મ અને નાટક મારા જમા ખાતે. પણ આ ઇનામે મને લેખિકા તરીકે મહોર મારી. આ પત્રના પ્રકાશની પગદંડીએ ચાલતી ચાલતી, હું ટનલમાંથી બહાર નીકળી અને મુક્ત હવામાં મેં શ્વાસ લીધો.

મહેન્દ્રનો આગ્રહ, મારે પરિષદનાં જ્ઞાનસત્રમાં જઈને ઇનામનો સ્વીકાર કરવો. જ્ઞાનસત્ર હતું ગુજરાતના નાના ગામ આજોલમાં. હરખ કરવા હું પત્ર લઈને મારા પ્રકાશકને ત્યાં ગઈ, મૅનેજર ધીરુભાઈને પત્ર બતાવ્યો. શ્રીમોટા એમના ગુરુ અને મારું ઇનામ શ્રીમોટા પ્રેરિત હતું. એમણે મને શ્રીમોટાનો સંદેશો કહ્યો, એ બહેનને લઈ આવજો. મુંબઈમાં કોઈને ત્યાં શ્રીમોટા હતા, ત્યાં હું અને ધીરુભાઈ ગયાં.

ખંડમાં ઘણા લોકો હતા, હું સંકોચસહ એક તરફ ઊભી રહી. કોઈએ ધ્યાન દોર્યું અને એમણે મને બોલાવી. ભીડમાંથી નજીક જઈ મેં વંદન કર્યા. એમણે સ્મિતસહ, વાત્સલ્યથી કહ્યું : `બહેન જેવું લખે છે એવું સારું જીવજે. એમાં બાંધછોડ કરીશ નહીં.’

પૂજ્ય મોટા

આ તો પૂજ્ય મોટાનાં આશીર્વચન(અને જીવનની શીખ પણ!)થી જાણે મારી સાહિત્યસફરનો આરંભ!

અમે બે બહેનો અમારા ટાબરિયાનાં હાલરહુલરને લઈ અમદાવાદ ભાઈને ત્યાં ધામા નાખ્યાં. બા પણ રાજકોટથી આવી. વહેલી સવારે અમદાવાદ એસ.ટી. બસસ્ટૅન્ડ પર પહોંચી. કડકડતી ઠંડી. જરા ફાંફાં મારતા એક બસ મળી ગઈ. એ જ બસમાં લાભશંકર, ચીનુ મોદી, સિતાંશુ હતા, પણ એકમેકને ક્યાંથી ઓળખીએ!

આજોલ ઊતરી, હાથમાં પરિષદનો ઇનામનો પત્ર. જગ્યા શોધતી જ્ઞાનસત્રના સ્થળે પહોંચી. થોડે દૂર મૂંઝવણમાં ઊભી રહી. દરવાજે કોઈ ઊભું હતું. ગરવી વ્યક્તિ, સાદા સફેદ વસ્ત્રો, પાતળી દેહકાઠી. કોણ હશે! લાગે છે તો કોઈ જાણીતું. અરે આ તો ઉમાશંકર! જેમની કવિતાઓ ભણી હતી. ફોટો જોયેલો. તરત જ નજીક જઈ મેં વંદન કર્યાં અને તરત ઇનામનો કાગળ ધરી દીધો. કાગળ વાંચતા જ કવિએ સ્મિત કર્યું.

મે ફરી નમન કરતાં કહ્યું : `હું ગુણવંતરાય આચાર્યની દીકરી વર્ષા.’ વહાલથી ખભે હાથ મૂક્યોઃ `આચાર્યની દીકરી તો પરિષદને આંગણે જ શોભે ને!’ હજી એમની વહાલભરી નજર મારી પર ઠરી હતી.

ઉમાશંકર જોશી

ઋષિવર કવિની આર્ષવાણી દૂરના ભવિષ્યમાં કેવી સાચી પડવાની હતી!

એમના આશીર્વાદથી મારા હૃદયમાં તો હર્ષની ભરતીનો જુવાળ! હું હૉલના અંદરને દરવાજે પહોંચી અવઢવમાં ઊભી રહી. હૉલ ભરેલો હતો.

હીરાબહેન પાઠક

સ્ટેજ પર હીરાબહેન પાઠક એમને મળેલા પારિતોષિક (પરલોકે પત્રો) માટે વક્તવ્ય આપી રહ્યાં હતાં. મને દ્વિધામાં જોઈ આગલી હરોળમાં બેઠેલી એક વ્યક્તિ ઊભી થઈ, પાસે આવી. પૂરી ઊંચાઈ, શાંત ગંભીર ચહેરો. મેં તરત કાગળ ધર્યો. (જાણે આધારકાર્ડ!)

ચાલો કહેતાં હૉલને બહારને દરવાજેથી મને સ્ટેજ સુધી લઈ ગયાં. અમે વીંગમાં ઊભાં હતાં અને હીરામાસીએ વક્તવ્યનાં સમાપનમાં કહ્યું : મારું ઇનામ હું પરિષદને આપું છું, ભેટ રૂપે. સહુએ તાળીઓથી વધાવ્યા.

મારી સાથેના ભાઈએ મને સ્ટેજ પર મોકલી ત્યારે હું અજબ લાગણી અનુભવી રહી હતી. સભાક્ષોભ તો ક્યારેય ન હતો. આજ સુધી સ્ટેજ પર અનેકવાર પ્રવેશ કર્યો હતો, પરંતુ કોઈની ભૂમિકામાં. કોઈ પાત્રનાં ખોળિયામાં પ્રવેશ કરીને, અભિનય માટે.

ત્યારે હું અભિનેત્રી હતી, આજે હું પહેલી જ વાર વર્ષા તરીકે, હું મારી અસ્સલની ભૂમિકામાં પ્રવેશ કરી રહી હતી, થોડા કલાક માટે નહીં. હું હું હતી એક લેખિકા. માઇક સામે ઊભાં રહી સભાગૃહમાં જોયું તો પ્રથમ હરોળમાં ઋષિવર જેવા શોભતા શ્વેતકેશી કાકાસાહેબ કાલેલકર!

કાકાસાહેબ કાલેલકર

અન્ય લેખકો પણ હશે, મને કોઈનો પરિચય નહીં.

થોડી મિનિટ હું કશુંક બોલી અને છેલ્લે મેં કહ્યું, આ ઇનામ મારું છે. હીરામાસીએ પરિષદને પાછું ભેટ આપી દીધું, પણ હું આપવાની નથી. ખડખડાટ હાસ્ય સાથે તાળીઓ મળી. હું વિંગમાં પાછી ફરી ત્યારે એ ભાઈ ત્યાં જ ઊભા હતા. હવે મને પાછા ફરવાની ચિંતા હતી. મેં એમને કહ્યું : `મારે અમદાવાદ જવું છે, બસ મળશે?’

એમના સ્વરમાં પણ ચિંતા હતીઃ `ના, રાત પડવા આવી છે, બસમાં ન જવાય. હું તમને વ્યવસ્થા કરી આપું છું.’ થોડીવારે પાછા આવીને કહ્યું : `ચાલો.’ કાકાસાહેબ અને એમના પુત્ર સતીશભાઈ કારમાં અમદાવાદ જતા હતા. એમની સાથે મારે જવાનું હતું. આટલા લોકોમાં આ એક વ્યક્તિએ મારી ચિંતા કરી હતી, ઉત્સાહમાં નામ જ પૂછ્યું નહોતું! મેં હીરામાસીને ધીમેથી પૂછ્યું : `આ ભાઈ કોણ?’ એમણે કહ્યું : `રઘુવીર ચૌધરી. લેખક છે. પરિષદ સાથે જોડાયેલા છે.’

1972માં રઘુવીર અને પરિષદ સાથેનો આ પ્રથમ પરિચય. પછી એ આજીવન રહ્યો.

રઘુવીર ચૌધરી સાથે

નાની કારમાં સતીશભાઈ ડ્રાઇવર સાથે આગળ, હું અને કાકાસાહેબ પાછળ. હું તો જાણે હિમાલયનાં શિખર પર! કાકાસાહેબ પાસે મોટું ભૂંગળ જેવું ‘બ્યુગલ’ હતું. સાંભળવાની તકલીફ હશે. પિતા-પુત્ર સતત વાતો કરે. કાકાસાહેબ જરા મોં ફેરવે કે ‘બ્યુગલ’ મારે ગાલે ધડ દઈ ભટકાય. મારું નસીબ કેવું સરસ! કવિવર્યે સ્વાગત કર્યું, રઘુવીરે મદદ કરી અને ઋષિવરનું આ પ્રહારપ્રદાન! આ પણ એક ઇનામ જ ને! એ કેટલાનાં પ્રારબ્ધમાં હોય! પછી મેં સાડીનાં પાલવનું રક્ષાકવચ ધારણ કર્યું હતું.

હું તો મૂક પ્રવાસિની. હિમાલય પ્રવાસી સાથે હું કારપ્રવાસમાં એનો રોમાંચ. અચાનક એમણે પૂછ્યું : `તું ક્યાં રહે છે?’

`જી, મુંબઈ.’

`મારું એક કામ કર.’

`જી, જરૂર.’

એમણે એક પારકર પેન આપી.

`આ પેન નથી ચાલતી, રીપરે કરાવી મને પહોંચાડજે.’

મેં તો પેન લઈ લીધી, ક્યાં પહોંચાડવી એની કોઈ સૂચના નહીં. મને અમદાવાદ ઘરે ઉતારી. મેં એમના (ચચરી ઊઠેલા ગાલ સાથે) ચરણસ્પર્શ કર્યા. મારી આંખ ભીની થઈ ગઈ. બેત્રણ પુસ્તકો લખેલાં એવી નવીસવી મુગ્ધ યુવતી આજે ઇનામ સાથે પાલવમાં કેવા કેવા લોકોનાં આશીર્વાદ પણ લઈને આવી હતી! આજે મને લેખિકાની મહોર લાગી. હવે શી ફિકર! ડુંગરામાં ભમવાનો મને ભોમિયાઓનો સંગાથ મળ્યો હતો.

કાકાસાહેબની પેન તૂટેલી હતી. અમને હતું રીપેર નહીં થાય તોય મહેન્દ્રે કેટલી જગ્યાએ બતાવી, પણ પાછી જ મળી. કાકાસાહેબને પેન પહોંચાડવા મેં અમદાવાદ કોઈને આપ્યાનું યાદ છે, પણ ફરતી ફરતી ફરી મારી પાસે જ આવી. મારા પેન કલેક્શનમાં એક સ્મૃતિચિહ્‌ન!

‘મારે પણ એક ઘર હોય’નું મારા જીવનમાં આ રીતે વિશિષ્ટ સ્થાન છે.

દરેક છીપમાં મોતી નથી પાકતું, પણ ક્યારેક અચાનક જીવનમાં એક ક્ષણ એવી આવે છે કે એ નિર્ણાયક બની રહે છે, જાણે ભાગ્યવિધાતા. નદીમાં ફંગોળેલી નાની શી કાંકરી પણ કેવા જળવલયો સર્જે છે!

નવલકથા અને મેં, અમે એકમેકનું સર્જન કર્યું.

મેં નવલકથા લખી, નવલકથાએ મારું સર્જક તરીકે સર્જન કર્યું અને મને અલગ કેડીએ દોરી ગઈ, પોતાની પણ ઓળખ બનાવી.

1972માં મુંબઈ દૂરદર્શન શરૂ થયું, બ્લૅક ઍન્ડ વ્હાઇટ. સાંજે બે ચૅનલ, ગુજરાતી અને મરાઠી કાર્યક્રમોની. પણ નવા નવા માધ્યમને કાર્યક્રમ તો જોઈએ ને! દૂરદર્શન નિર્માત્રી જ્યોતિ વ્યાસે બંને બહેનોને બોલાવી, ટી.વી. પ્લૅઝની તાતી જરૂર છે, લખી આપો.

જ્યોતિ વ્યાસ (દૂરદર્શન)

જરૂર લખીએ પણ લખાય કેમ? અમે ક્યારે ટી.વી. પ્લૅઝ કે કોઈ કાર્યક્રમ જોયા હોય! એણે એક હિંદી નાટક બતાવ્યું. તરત સમજાઈ ગયું.

વિજય દત્ત

મારી નવલિકા ‘મુક્ત કારાગાર’ પરથી મેં નાટક લખી આપ્યું, વિજય દત્તની મુખ્ય ભૂમિકામાં સરસ ભજવાયું.

સાંજે છથી દૂરદર્શન સમાચારથી શરૂ થતું. હજી ભાંખોડિયા ભરતું હતું. એક જ સ્ટુડિયો. એક બાજુ સમાચારવાંચન થાય (સ્મિતા પાટીલ અને ભક્તિ બર્વે), સમાચાર પૂરા થાય કે કૅમેરા બીજી તરફ ફરે ત્યાં નાટક કે કાર્યક્રમનો સેટ હોય જ્યાં કલાકારો ચૂપચાપ બેઠા હોય અને લાઇવ ટેલિકાસ્ટ થાય. રૅકોર્ડિંગ ઓછા અને સ્ક્રિપ્ટમાં વધુ સેટ્સ નહીં તો આઉટ ડોર શૂટિંગ તો દૂરની વાત.

‘મુક્ત કારાગાર’ની સ્ક્રિપ્ટ જ્યોતિ વ્યાસને આપતાં હરખભેર મેં કહ્યું, મને નવલકથા માટે ઇનામ મળ્યું. એણે વાંચવા માગી. બે દિવસમાં માગણી કરી, આની સિરિયલ લખી આપ.

વળી મૂંઝવતો પ્રશ્ન, સિરિયલ એટલે શું? એ કેમ લખાય?

`તેં જેમ ટી.વી. પ્લૅ લખ્યું એમ પાંચ ભાગમાં આ નવલકથા લખ. જેમ તમે નવલકથા અખબારમાં છપાય ત્યારે ક્રમશઃ લખાય છે તેમ રોજ રાત્રે દસ વાગ્યે સમાચાર પછી એક એક હપ્તો મૂકીશું. જોઈએ કેવો રિસ્પોન્સ મળે છે.’

એ સમયે આશ્ચર્ય થયું હતું, રાત્રે દસ વાગ્યે કોણ ટી.વી. જોવાનું હતું?

બટ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.

‘મારે પણ એક ઘર હોય’ પરથી પાંચ ભાગમાં સિરિયલ લખી. ખૂબ લોકપ્રિય થઈ. સિનેમાના છેલ્લા શો સિવાય રાતનું કોઈ મનોરંજન નહોતું, જ્યારે તમારા ઘરે આવી તમને જાતજાતનું મનોરંજન પીરસનાર ટી.વી.નું તો લોકોને રીતસર ઘેલું લાગ્યું.

સ્ટેશન ડિરેક્ટર અરૂણ શ્રોફ નિર્માતા અને સર્જકોને મોકળાશ આપતા. મુંબઈ ચૅનલ પરથી સરસ વિવિધ કાર્યક્રમો થતાં. એનું સ્તર પણ જળવાતું. ગુજરાતી ભાષાની અનેક ક્લાસિક કૃતિઓ દર્શકો સુધી પહોંચતી હતી. અનેક લેખકોને માટે સર્જકતાની નવી દિશા ખૂલી ગઈ.

દૂરદર્શન ફૂલ્યુંફાલ્યું. ત્યાર પછી મેં તેર ભાગમાં ઘણી સિરિયલો લખી, ટેલિપ્લૅઝ, ડૉક્યુમેન્ટરીઝ, ઇન્ટરવ્યૂઝ લીધા. કાર્યક્રમોની રજૂઆત કરી.

મારી ‘રેતપંખી’ નવલકથા પરથી બેઅંકી નાટક રજૂ થયું. પપ્પાની ‘દરિદ્રનારાયણ’ પરથી તેર ભાગમાં સિરિયલ લખાવી. પન્નાલાલની ‘વળામણાં’નું ટેલિપ્લે, કુંદનિકાબહેનની નવલિકાઓ પરથી ટેલિ પ્લે લખ્યા. ગિરેશ દેસાઈએ સરિતાબહેન સાથે કરવા માટે બે પાત્રી નાટકો લખાવ્યાં, કાન્તિ મડિયા માટે પણ લખ્યા.

પચાસ-પંચોતેર રૂપિયાના ચૅક મળતા. ચૅકનાં નાનકડા કાગળનુંયે વજન લાગતું. લાઇવ પ્રોગ્રામ કરતી હોઉં તો રાત્રે મેઇકઅપ ઉતારી ઝટપટ વર્લીથી ઘરનો રસ્તો ખૂબ લાંબો લાગતો. એ સમયે એરિયા લગભગ સૂમસામ. ઝટ ટૅક્સી મળે નહીં, ઘણીવાર બસની માળા જપતી. દીકરીઓ સાવ નાની, હું રસ્તામાં હોઉં મન દોડીને ઘરે પહોંચી જતું.

રેડિયો અને દૂરદર્શન માટે ઘણાં નાટકો અને અન્ય કાર્યક્રમો લખ્યાં, ભજવ્યા, પણ સ્ક્રિપ્ટસ મારી પાસે નથી. આઠ-દસ પુસ્તક જેટલું તો મેટર હશે પણ કાળદેવતાને અર્પણ. ત્યારે ઝેરોક્સ ન હતું. લખ્યું કે તરત આપવા જવું પડતું.

મુંબઈ દૂરદર્શનનાં ખજાનામાં ઘણાં ઝરઝવેરાત આર્કાઇવ્ઝમાં હોવા જોઈએ. દિલ્હી દૂરદર્શને લોકડાઉનમાં રેટ્રો ચૅનલ શરૂ કરી છે અને એ સમયનાં અત્યંત લોકપ્રિય કાર્યક્રમો ફરી રજૂ કરે છે. મુંબઈની ચૅનલો અદૃશ્ય થઈ ગઈ છે અને અન્ય ચૅનલો ચોવીસે કલાક ચાલુ છે.

હા, મુંબઈ આકાશવાણી તેમનાં ખજાનામાંથી નાટકો શોધી શોધીને હવે યુટ્યૂબ પર મૂકી રહ્યું છે. મને યાદ પણ નથી એવા મારા બેચાર નાટકો સાંભળીને મને જ નવાઈ લાગી. એક જૂની ફાઇલ હાથ લાગી એમાં ટાઇપ થયેલા નાટકોનાં થોડાં પાનાં હાથ લાગ્યા, કોઈ હાથે લખેલા, કોઈ ફાટેલા. એનો જીર્ણોદ્ધાર કરી બેત્રણ એકાંકીસંગ્રહ પ્રગટ કર્યાં. જેટલું બચ્યું તે ખરું. ગયું તેનો અફસોસ શો!
* * *
‘મારે પણ એક ઘર હોય’ની વણથંભી સફર ચાલુ હતી.

મુંબઈ દૂરદર્શનનાં આરંભના દિવસોમાં એ રજૂ થઈ. અમદાવાદના એક પ્રૉડ્યુસરે ત્યાંનાં દૂરદર્શન કેન્દ્ર માટે મારી પાસે તેર ભાગમાં સિરિયલ લખાવી જેમાં અત્યારની જાણીતી નિર્માત્રી-અભિનેત્રી આરતી પટેલે લીનાનું કૉમ્પ્લેક્ષ પાત્ર ભજવ્યું હતું.

વર્ષ 1999. આરતીએ નવલકથા પરથી ‘મોતીનાં ચોક રે સપનામાં દીઠાં’ ગુજરાતી ફિલ્મ બનાવી.

આ ફિલ્મ ગુજરાત સરકારની ચલચિત્ર સમિતિનાં સાત ઍવૉર્ડ્ઝ જીતી લાવી અને મારે માટે શ્રેષ્ઠ મૌલિક કથાનકનું પ્રથમ ઇનામ.

આંતરકૉલેજ સ્પર્ધાઓમાં પણ નવલકથાએ એકાંકીસ્વરૂપે પોતાનું ઇનામ પોતે અંકે કર્યું. ગુજરાતમાં બિલ્ડર્સનાં હૉર્ડિંગ પર પણ નવલકથા ચડી ગઈ, ‘મારે પણ એક ઘર હોય’. આકાશવાણી મુંબઈ પરથી સિરિયલ રૂપે નવું ક્લેવર ધારણ કર્યું તો ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘મારે… હોય’ અને ‘ખરી પડેલો ટહુકો’નો અંગ્રેજી અનુવાદ પ્રગટ કર્યો.

આ લખું છું ત્યારે, 2020માં ભારતીય વિદ્યાભવનની ડિજિટલ નાટ્યસ્પર્ધામાં પણ એકોક્તિરૂપે રજૂ થઈ જ્યારે ડૉ. મંજરી મઝમુદાર વર્ષોથી અવારનવાર એકોક્તિના પ્રયોગો કરતા રહ્યા છે. (હવે તો યુટ્યૂબ ચૅનલ પર).

ધીરુબહેને હસ્તપ્રતમાંથી પસંદ કરેલું આ સાદું સરળ વાક્ય માત્ર લીનાનું નહીં પણ હર મનુષ્યમાત્રનું સપનું! માટીચૂનાનું ઘર નહીં પણ ઘર એક સ્વજન, જે પોતાપણાંની હૂંફ આપે, બહારથી આવી ઘરમાં પગ મૂકતાં મીઠો આવકાર આપે તે ઘર.

આ નિમિત્તે મને પણ ધીરુબહેનની હૂંફ મળી. એમનો મઢૂલી સરખો મુંબઈમાં બંગલો. વર્ષો સુધી અનેક માટે એક લીલુંછમ્મ ઘટાદાર વૃક્ષ જેમાં અનેક લોકો શીળી છાંય પામ્યા.
* * *
મારાં મનનાં સઘળાં દ્વંદ્વ હવે શમી ગયાં હતાં.

હું ઇનામ લઈ પાછી ફરી અને રોજિંદા જીવનમાં પરોવાઈ. એક પલ્લામાં ઘરસંસાર અને બીજા પલ્લામાં લેખન બે પલ્લાં સમાન રહે એ માટે દાંડી પકડી ઊભા રહેવું એક ગૃહિણી માટે તપશ્ચર્યાથી કમ નથી. ઘણીવાર સમયને સરભર કરવા ભૂખઊંઘ પણ બાજુએ રહી જાય.

પોતાનાં રોજબરોજનાં જીવનથી ‘વધુ’ જેને જોઈતું હોય તે સ્ત્રી હોય કે પુરુષ તેને વધુ પરિશ્રમ, વધુ નિષ્ઠાની જરૂર પડે છે, પણ સંસાર સ્ત્રીને વધુ બાંધે છે. એટલે સ્ત્રીને ભાગે આ ‘વધુ’ વધારે આવે છે.

ઘણીવાર ઓલ ઇન્ડિયા વીમેન્સ રાઇટર્સ કૉન્ફરન્સમાં જવાનું બન્યું છે, જેમાં જુદા જુદા પ્રદેશમાંથી આવતી, અલગ ધર્મ, ભાષા, ઉછેર, અભ્યાસ, અલગ સામાજિક સ્તરમાંથી આવતી લેખિકાઓ સાથે રહેવાનું બન્યું છે, તેમનાં વક્તવ્યો અને વાતોમાંથી, રાત્રિગોષ્ઠીઓમાંથી ઘણી લેખિકા બહેનોનો એ પ્રધાનસૂર રહેતો કે લેખન અમારે માટે હર્ડલ રેસ છે, અવરોધ કુદાવતાં દોડતાં રહેવાનું.

સ્ત્રીલેખન પર દૃશ્યઅદૃશ્ય કેટલી સેન્સરશીપ! હૈદ્રાબાદમાં આવી એક કૉન્ફરન્સમાં અમે દોઢસોએક બહેનો હતી. કૉન્ફરન્સમાં મુખ્ય અતિથિ હતા બંગાળનાં પ્રસિદ્ધ અને લોકપ્રિય લેખિકા નબનીતા દેબસેન.

નબનીતા દેબસેન

એ કવયિત્રી, વિવેચક, નવલકથા અને ટૂંકીવાર્તાના લેખિકા, તુલનાત્મક અભ્યાસનાં વિદ્વાન પ્રાધ્યાપિકા અને બીજી અનેક કલગીઓ છોગામાં.

એમનાં વક્તવ્યમાં એમણે કહ્યું હતું : `એમનાં માતા પણ પ્રખ્યાત લેખિકા, ટાગોર ઍવૉર્ડ અને અનેક ઇનામો એમને મળેલા. ઘણીવાર સલાહસૂચનો કરતા. એમની કૂખે જન્મ એ ‘વન્ડરફૂલ બ્લેસિંગ એટ ધ સેઇમ ટાઇમ હેઝ બીન અ કર્સ ટુ. આઇ એમ સૉરી ટુ સે ધીસ. એ મારા લેખનની સેન્સરિંગ ઑફિસર હતી.’

એ કૉન્ફરન્સમાં કેટલીયે બહેનોએ એમનાં વક્તવ્યોમાં એમના આવા અનુભવો કહ્યા છે તેનું પુસ્તક પણ પછી પ્રગટ થયું હતું. આ કૉન્ફરન્સમાં સોનલ શુક્લ અને સરૂપ ધ્રૂવ પણ સાથે હતાં.

હું ભાગ્યશાળી હતી, મને પિતા અને પતિ બંને તરફથી મોકળાશ મળી હતી, પણ સંસારની જવાબદારી થોડી મારા પક્ષે વધુ હતી. સંસાર તરફ મહેન્દ્રનો ઝુકાવ ઓછો, ગિરનાર અને દક્ષિણેશ્વરનું તેમને અદમ્ય ખેંચાણ. એ સમયે મોબાઇલ તો હતા ક્યાં! એટલે એ ત્યાં જાય ત્યારે બંને પક્ષે ચિંતા રહે. ઘરકામનો એમને સૂઝકો નહીં. પણ મારા સાહિત્યિક કાર્યક્રમોમાં કે લેખન માટે કોઈવાર આંધળા પ્રવાસે નીકળી પડું એની ટિકિટો એ જ લઈ આવે, તું ખુશીથી જા. અહીંની ચિંતા ન કરતી.

પણ એ જ તો ચિંતા! પાછી ફરું ત્યારે મારા ઓલિયા સ્વામીનાથ વાંચનમાં ગળાબૂડ, ઘર વેરણછેરણ, દીકરીઓ રાજી કારણ કે લેસનમાંથી છુટ્ટી અને સિનેમાહોટલોમાં આંટાફેરા કર્યા હોય. પાછી ઘરની ધૂરા હું હાથમાં લઈ લઉં. મારા કોઈ જ પ્રોજેક્ટમાં એમની દખલગીરી નહીં. એ મારું સહુથી મોટું સુખ.
* * *
મને લખવાનો ખૂબ ઉત્સાહ રહેતો. આ વયે પણ એટલો જ.

પણ મુંબઈની તેજતર્રાર, ભડકીને ભાગતા ઘોડાઓ જેવી અત્યંત ગતિશીલ જિંદગી. જવાબદારીઓ તો કોને નથી હોતી! સમય અને મુંબઈમાં સ્થળની પણ ખેંચતાણ.

ક્યારે લખવું? ક્યાં લખવું?

આ પ્રાણપ્રશ્ન. એનોય ઉકેલ શોધી કાઢ્યો. અડધી રાત્રે સાડાત્રણે ઊઠીને, રસોડામાં ગૅસનાં ચૂલાને ટેબલ બનાવીને પ્લૅટફૉર્મ પર બેસી જવાનું. સહુ સૂતા હોય એટલે બેડરૂમ તો બંધ! ક્યારેક દીકરીઓ રાત્રે જગાડે તોય મારા સાડાત્રણ એટલે સાડાત્રણ! પ્રભાતનો ઉજાસ થાય એટલે કૂદકો મારી નીચે. સવારનો ક્રમ શરૂ. પછીથી બાળકોને સ્કૂલ થઈ. હોમવર્ક, સ્કૂલબસની દોડાદોડી. હોમવર્કમાં મહેન્દ્ર મદદ કરે.

પછી તો આ ક્રમ કોઠે પડી ગયો અને વર્ષો સુધી મારું રાઇટિંગ ટેબલ ગૅસ. પછી દીકરીઓ સ્કૂલેથી મોડી આવતી એટલે ડાઇનિંગ ટેબલ મળ્યું અને સાડાત્રણનાં પાંચ થયા. સવારે આંખ ખૂલે એટલે પહેલો વિચાર એ આવે, આજે શું લખવું છે?

સૂફી એને કહે છે, ‘લતીફ ખલિશ’, એટલે એક મજેદાર ચટકો. ચટકોથી પીડા થાય પણ કેટલી મીઠી પીડા! મકરંદ દવેના એક લેખમાં સંત મૂળદાસનું એક કાવ્ય હતું, એની એક પંક્તિ યાદ રહી ગઈ છેઃ

`નિગમ વેદનો નાદ સાંભળી
મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે!

કેટલો વિશિષ્ટ શબ્દ ચટકો! મને પણ એ ચટકો લાગ્યો અને મીઠી વેદના ગમતી હતી. મનમાં કેટલી ઊથલપાથલ તોય થાય કે બધા ઉધામા શમી ગયા છે. કેવો વિરોધાભાસ! આ વિરોધાભાસ જ જીવનમાં કેવા વિવિધતાના રંગો પૂરે છે!

એક નવલકથા પૂરી થાય કે બીજી કૃતિ બારણે ટકોરા મારતી આવીને સ્વયં ઊભી રહે છે. ભારતીય વિદ્યાભવનનું સરસ સાહિત્યનું મૅગેઝિન ‘સમર્પણ’. એનાં તંત્રી ઘનશ્યામ દેસાઈનો સંદેશો, મળવા આવો વર્ષાબહેન. તમારું કામ છે. ઉત્સાહભેર ઑફિસમાં પહોંચી ગઈ.

ઘનશ્યામ દેસાઈ

ઘનશ્યામભાઈએ આમંત્રણ આપ્યું, ‘સમર્પણ’ માટે નવલકથા ક્યારે આપો છો?

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. NEVER STOP TRYING , TRYING IS ALWAYS SUCESS. THIS IS EXMPALE SROM VARSHABEN LEKH “PAGLA MANDU AVKASH MA” TRYING TRYING IS SUCCESS IS BEHIND YOU..

  2. એક પ્રકરણ વાંચીએ કે બીજાનો ઈંતજાર શરૂ… વણથંભી 24 માં પ્રકરણ પછી 25 મું ક્યારે આવશે… બસ… આ જ તમારૂ ઈનામ અમારા જેવા વાંચકો તરફથી.. તમે અમને બધાને નવાજતા જાઓ.. એવી અંતર ઈચ્છા..

    કિરીટ શાહ અંધેરી મુંબઈ

  3. સફળતા,પ્રતિબદ્ધતા અને વ્યસ્તતાના રંગ ભરેલ આ પ્રકરણ માટે આદરયુક્ત નમસ્કાર