જીવનનાં રંગમંચ પર પણ દૃશ્યો બદલાય છે ~ (પ્રકરણ : 18) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

 

સંપાદકીયઃ

આજે આ આમંત્રણ પત્ર બ્લોગ પર મૂકતાં “આપણું આંગણું”ની સમસ્ત ટીમ ખૂબ જ ગૌરવ અનુભવે છે. આપણા સહુના અત્યંત માનીતા, લાડીલા લેખિકા, ગુજરાતીઓના ગૌરવ એવા આદરણીય શ્રી વર્ષાબેન અડાલજાની આત્મકથા “પગલું માંડું હું અવકાશમાં” આજે એક સોહામણા પુસ્તક તરીકે સાકાર થઈ રહી છે, જેના લોકાર્પણનો સમારંભ ભારતના રવિવાર, તા. એપ્રિલ ૧૭, ૨૦૨૨ને રોજ સવારે દસ વાગે ભવન્સ કલ્ચરલ સેન્ટર , અંધેરી તરફથી યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમની વિશેષ માહિતી આ આમંત્રણ પત્રિકામાં જણાવેલી છે. બ્લોગના સહુ વાચકોને  આ સમારંભમાં હાજરી આપવાની ભાવભરી વિનંતી કરું છું.

ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી સાહિત્યકારોની પ્રામાણિકતા સભર આત્મકથાનું ખેડાણ નહીવત્ રહ્યું છે. ત્યારે વર્ષાબેનની આત્મકથા ગુજરાતી ભાષાનો એક શણગાર બની રહે છે.  મને આજે પણ યાદ છે કે “આપણું આંગણું” તરફથી અમે જ્યારે વર્ષાબેન પાસે એમની આત્મકથાને અમારા બ્લોગમાં પબ્લીશ કરવા માટે વિનંતી કરી અને જ્યારે વર્ષાબેને એની સ્વીકૃતિ આપી, એ દિવસ અમારા બધાં માટે ‘ગૌરવદિન’ બની ગયો હતો. વર્ષાબેનની આ આત્મકથાના પ્રકરણોની દર શુક્રવારે વિશ્વભરનાં ગુજરાતીઓ આતુરતાથી રાહ જુએ છે, એવું કહીશ તો જરા પણ અતિશયોક્તિ નહીં થાય. માનો કે ન માનો, પણ કદાચ પાંચેય ખંડમાં, at any given time વર્ષાબેનની આત્મક્થા ત્યાં વસતાં ગુજરાતીઓ દ્વારા વંચાતી હોય છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિજી, આફ્રિકાના નાઈજીરિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશો, સિંગાપોર, ચાઈના, રશિયા, યુરોપ, કેનેડા – ક્યાં ક્યાંથી અમને આ વાચકો મળ્યાં છે કે જેઓ આતુરતાથી આવનારા પ્રકરણની રાહ જોતાં હોય! વર્ષાબેન, આજે જાહેરમાં આપનું આ ૠણ “આપણું આંગણું”ની પૂરી ટીમ તરફથી સંપૂર્ણ વિનમ્રતાથી સ્વીકારતાં હું આનંદ અનુભવું છું કે આપે આ આત્મકથા અમારા બ્લોગમાં આપીને અમને જ માત્ર ગૌરાવાન્વિત નથી કર્યાં પણ દુનિયાના ખૂણે ખૂણે વસતાં સહુ ગુજરાતીઓને, એકસાથે સ્પર્શીને, ફરીથી સાહિત્ય વાંચતાં કર્યાં છે. આપનું આ પ્રદાન આવનારાં અનેક વર્ષો સુધી યાદ રહેશે.

હું આદરણીય શ્રી દીપકભાઈ મહેતાની ખૂબ આભારી છું કે એમણે મને આ “લેન્ડમાર્ક ઈવેન્ટ”માં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું.  આવવાની ખૂબ ઈચ્છા હોવા છતાં, ૧૦,૦૦ માઈલની દૂરી અંતે, આમાં આડે આવી .  વર્ષાબેન, આ પુસ્તકના પ્રકાશન નિમિત્તે હું ત્યાં વ્યક્તિગત રીતે હાજર નથી રહી શકી એનો રંજ મને કાયમ રહેશે. આપને મારા પ્રણામ વર્ષાબેન અને આપની આત્મકથા, “પગલું માંડું હું અવકાશમાં”ના પ્રકાશન પર્વ નિમિત્તે “આપણું આંગણું” ટીમ તરફથી અને સર્વ વાચકો તરફથી ઢગલેઢગલા શુભેચ્છાઓ પાઠવું છું. ખોબે ખોબે અભિનંદન વર્ષાબેન.

  • જયશ્રી વિનુ મરચંટ અને ‘આપણું આંગણું” ની સમસ્ત ટીમ

પ્રકરણ : 18

રેડિયો એનાઉન્સરનું કામ મને ખૂબ ગમતું. સાચું કહું તો એની ગ્લૅમર અને અન્ય પ્રવૃત્તિઓ માટે મળી જતો સમય.

દરેક ઘરમાં રેડિયોને રાજતિલક કર્યું હોય એવું સિંહાસન મળે. ઘણાં ગુજરાતી પ્રોગ્રામ અને ઊલટથી શ્રોતાઓ સાંભળતા, ઢગલો એક કાગળો લખતા, ટ્રાન્ઝીસ્ટર આવ્યા ત્યાં તો સ્વરક્રાન્તિ થઈ! નાનકડો રેડિયો સાઇકલ અને ગાડામાં પણ સવારી કરી અમારો અવાજ ખૂણેખાંચરે પહોંચાડતો થયો. ઑફિસો સ્ટાફથી ભરચક્ક! સતત બદલીઓથી જુદા જુદા પ્રદેશોમાંથી આવતા, જુદી જુદી ભાષા લઈને આવતા લોકોને મળવાનું બનતું.

હરિપ્રસાદ ચૌરસિયા, તલત અઝીઝ, જગજીતસિંહ… એ સમયે ઊભરતા અનેક કલાકારોની લાઇવ પર્ફોર્મન્સની ડ્યૂટી મળે તો હું ખુશ થતી.

26 જાન્યુ. 1963. મારી નાઇટ ડ્યૂટી. દિલ્હીનાં નેશનલ સ્ટેડિયમ પરથી લાઇવ – સીધું પ્રસારણ એટલે અમે બધાં એનાઉન્સરો સ્ટાફરૂમમાં સ્ટેન્ડબાય ડ્યૂટી પર. રાષ્ટ્રપતિ અને નેહરુ પણ પ્રજાસત્તાક દિનને લીધે ત્યાં હતા. ઍનાઉન્સમૅન્ટ થયું, લતા મંગેશકરનાં ગીતનું.

હશે. અમારે તો રોજનું થયું. અમે વાતો કરતાં હતાં ત્યાં શરૂ થયું

અય મેરે વતન કે લોગો
જરા આંખમેં ભર લો પાની

સ્ટાફરૂમમાં ગીત ગુંજી ઊઠતાં શું સંમોહન થયું અમે મૌન અને સ્તબ્ધ. જેમ જેમ ગીત આગળ વધતું ગયું એમ આસપાસનાં લોકો, લીફ્ટમૅન સુધ્ધાં ત્યાં ખેંચાઈ આવ્યા. આપોઆપ અમે ઊભાં થઈ ગયાં. હજી થોડો સમય પહેલાં જ ઇન્ડો-ચાઇના વૉરના તાજા ઘા હતા. ગીત પૂરું થયું, સહુની આંખો ભીની. પછી નેહરુને પૂછવું પડ્યું હતું કે કોનું લખેલું છે? જવાબ મળ્યો, કવિ પ્રદીપજી.

રેડિયો સ્ટાફમાં હું સહુને કહેતી, પ્રદીપજી તો મારા પપ્પાના ગાઢ મિત્ર છે, કહેતા કૉલર ચડાવતી.

એવો રેડિયાનો એક યાદગાર અનુભવ. રાત્રે દરિયાપારના દેશો માટે સમાચાર વાંચી રહી હતી, સ્ટુડિયોમાં લાલ લાઇટ હતી એટલે ટ્રાન્સમિશન ચાલુ છે. પ્રવેશબંધી. પણ અચાનક ધીમેથી બારણું ખૂલ્યું, સ્ટુડિયો એન્જિનિયર અય્યરે મારી સામે કાગળ મૂક્યો અને સરકી ગયો. સમાચાર વાંચતા વાંચતા મેં જોઈ લીધું, મોસ્ટ અર્જન્ટ ન્યૂઝ.

સમાચાર અંગ્રેજીમાં. આ સમાચાર કહું ત્યારે મારું ગુજરાતી સમાચાર વાંચન અટકવું ન જોઈએ. હજી રેડિયોમાં છ એક મહિના થયા હશે, લાઇવ બ્રોડકાસ્ટની ઇમર્જન્સીની કોઈ ટ્રેનિંગ, સૂચના કંઈ નહીં. બે વાક્ય વચ્ચે વિરામ લઈ વાંચતી જાઉં.

અરે આ તો અમેરિકન પ્રમુખ કૅનેડીનું એસેસીનેશન! મારે તરત સમાચાર આપવા જોઈએ. જરા ચૂક તો એ સમયે શ્રોતાઓ પત્રો લખવામાં પાવરધા. મિટિંગમાં મને મેમો સાથે પાણીચું પકડાવે. મુંબઈ રેડિયો સ્ટેશન અને મારું નામ બંને બદનામ.

ધીમે ધીમે અનુવાદ કરી વાંચતી ગઈ ત્યાં અય્યર ફરી પ્રગટ. ફરી બીજો કાગળ. હત્યારા ઓસવાલ્ડની ધરપકડ. હું કસોટીમાંથી પાર ઊતરી અને બીજે દિવસે સ્ટેશન ડિરેક્ટરે મને બોલાવી અભિનંદન આપ્યા. મેં ડ્યૂટીરૂમમાં બધાને સમોસાપાર્ટી આપી.

રેડિયોનું કામ ગમે પણ એક હાઉ મને સતાવે. હું રેડિયોસ્ટેશનથી ત્રણ જ મકાન દૂર એનું સુખ અને દુઃખ. મુંબઈનાં સાંબેલાધાર વરસાદમાં દૂરથી કોઈ ન આવ્યું હોય, નાટકમાં પાત્ર ખૂટે એટલે સ્ટેશન ડિરેક્ટર શાસ્ત્રીની ચિઠ્ઠી લઈ પ્યૂન હાજર, સાબ અર્જન્ટ ડ્યૂટી પર બુલાતે હૈ. આતા જ ચલા. જવું પડતું. ઍકસ્ટ્રા ડ્યૂટીનો ઍકસ્ટ્રા રૂપિયો પણ નહીં, વિવિધભારતીની ડ્યૂટી આવી પડે એ કામનો મને કંટાળો. એકદમ સાવધાન રહેવાનું. એક પછી એક રૅકોર્ડ ફએઇડ આઉટ, ફેઇડ ઇન વચ્ચે ઍનાઉન્સમૅન્ટ. સાથે રૅકોર્ડની વિગતોની લૉગબુક લખતા જવાની.

એક વાર છેલ્લે ‘અનારકલી’ ફિલ્મનું ગીત વગાડવાનું, એમાં અલવિદા છેલ્લે ગવાય છે.

સ્ટુડિયો ઘડિયાળ કહેતી હતી, સમય થઈ ગયો છે એટલે અલવિદા પર જ ફેઇડઆઉટ કર્યું. જે ડર હતો તે સાચો પડ્યો. અલવિદા માટે કોથળો ભરીને કાગળ અને મને ઠપકા સાથે મેમો. રેડિયોને અલવિદા કહેતાં બચી ગઈ.

પણ મેં અલવિદા કરી જ દીધું રેડિયોને. ચારપાંચ વર્ષની એકધારી કૉન્ટ્રેક્ટ નોકરી, ઓછો પગાર અને કામ પર કામ. મેં રાજીનામું આપી દીધું, મને ખૂબ સમજાવી, એકાદ વર્ષમાં ચિત્ર બદલાઈ જશે, પણ કામ છોડી દીધું, પણ સાચ્ચે જ પરિસ્થિતિ બદલાઈ, તરત જ. ઇલેક્શનમાં ઇંદિરા ગાંધી બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર બન્યાં અને તરત જ પગારવધારો. બ્રાહ્મણબાઈનું નસીબ બે નહીં ચાર ડગલાં આગળ જ!
* * *
મારી સૂરયાત્રા સાથે નાટ્યયાત્રા તો વણથંભી હતી. મારી ‘રંગભૂમિ’ સંસ્થાનાં જૂનાજોગી દંપતિ ચંદ્રિકાબહેન-લાલુભાઈની હવે પોતાની સંસ્થા હતી. છુટ્ટા થયા છતાં સંબંધોમાં શાલીનતા એટલી જ!

ગુજરાતી રંગભૂમિનું ચિત્ર ધીરેધીરે બદલાઈ રહ્યું હતું. નાના કવરો મળતા થયા હતા, પ્રેક્ષકો થિયેટરમાં આવતા થયા હતા, નવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી રહી હતી, સ્ત્રી કલાકારોનો પણ તખ્તાપ્રવેશ મોકળો હતો.

તો પણ લાલુભાઈ અમારી સંસ્થાની જૂની પદ્ધતિ પ્રમાણે એક દિવસ ઘરે આવ્યા.

ગુરુજી, મુનશીજીની, 75મી જન્મજયંતિ નિમિત્તે ‘કાકાની શશી’ કરવું છે, વર્ષાને મોકલો.

પપ્પામમ્મીએ વળી ક્યારે ના પાડી હતી! પણ મને બેવડો હરખ થયો. ‘ગુજરાતનો નાથ’ની આખી શ્રેણી વારંવાર વાંચી હતી. એ સમયે કઈ યુવતીનો સ્વપ્નપુરુષ કાક નહોતો! મુનશીજીનાં નાટકોય વાંચ્યાં હતાં. ‘લોપામુદ્રા’ ગમતું નાટક. ચાલો, એ નહીં તો ‘કાકાની શશી’. મુનશીજી સામે જ બિરાજમાન. ઉત્સવનું વાતાવરણ અને હું એમની સામે તખ્તા પર.

હું શશી, મધુકર રાંદેરિયા કાકા. દિગ્દર્શક, મલ્ટીટેલેન્ટેડ અદી મર્ઝબાન. મારા નાટ્યસાથીઓ કાન્તિ મડિયા, નામદેવ લહૂટે, વનલત્તા મહેતા, ચંદ્રિકાબહેન, ઉષા મલજી… વ્હોટ અ ટીમ!

રિહર્સલ શરૂ થયા. રિહર્સલ્સ પણ જાણે સેલિબ્રેશન.

‘કાકાની શશી’ના રીહર્સલમાં

ભવનમાં શો. ઓહો શું ઝાકઝમાળ! કેટકેટલી સેલિબ્રિટિઝ! પડદામાંથી તીરછી નજરે મુનશીજીને પહેલી જ વાર જોયા. કેવું તેજોવલય! જાણે ગુજરાતનો નાથ જ! મુગ્ધ વયનો આ જાદુ.

પડદો ઊપડ્યો. આગળની બેઠકમાં જ મુનશીજી, લીલાવતી મુનશી, અનેક પ્રધાનો, મુંબઈ અને ગુજરાતના અનેક જાણીતા લોકો. હેન્ડસમ સિક્યોરિટિઝ ઑફિસર્સ. અમે સહુ ફૂલ ફૉર્મમાં. શશીની બર્થ ડે પાર્ટીનું દૃશ્ય. એ દૃશ્યને સ્પેશ્યલ કરવા અદીનું સૂચન, ચાલુ નાટકે હું નીચે ઊતરી પ્રેક્ષકોમાંથી જ્યોતીન્દ્ર દવે અને નવીન ખાંડવાલા (મુનશીજીના જામાતા અને પ્રદીપ ખાંડવાલાના પિતા) બંનેને સ્ટેજ પર લઈ આવી.

‘કાકાની શશી’માં નવીન ખાંડવાલા સાથે

આ અણધારી ઘટનાને પ્રેક્ષકોએ તાળીના ગડગડાટથી વધાવી લીધી.

નાટક સરસ ભજવાયું. અંતમાં કાકા પોતે જ પુત્રીવત ઊછરેલી શશીને પરણવાનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે મુનશી દંપતિની હાજરીમાં અનેક પ્રેક્ષકોએ નારાજીનો સૂર મોટેથી પ્રગટ કર્યો હતો એવું સ્મરણ છે. હું મુનશીજીને મળવા આતુર હતી, પણ એમણે સામે ચાલીને પૂછ્યું, મારી શશી ક્યાં છે? એમની સામે મને કોઈ લઈ ગયું. હું નમસ્તે કરી ઊભી રહી, પણ શું વાત કરું એની સૂઝ ન પડતાં બોલી પડી, હું ગુણવંતરાય આચાર્યની દીકરી. એમણે સસ્મિત મારે ખભે હાથ મૂક્યો. હું તો ઉડનખટોલામાં સાતમે આસમાને!

મુનશીજી સાથે

પછી તો એના શો કર્યા, અમદાવાદમાં શો વખતે રાજવી ઠાઠથી ગવર્નર હાઉસમાં રહ્યા હતા.

એ સમયે નાટકમાં એક જ વાર ફોટોગ્રાફર આવતો, મોટેભાગે મહારાષ્ટ્રીયન ફોટોગ્રાફર રાજદત્ત. એની મેળે ફોટા પાડે. આલ્બમ તૈયાર કરે. એમાંથી જેને જે જોઈએ તે કોપી માગે. પાંચ રૂપિયામાં તમારે એ ફોટો ખરીદી લેવાનો. આલ્બમ સંસ્થા પાસે રહે. એ સમયે સમજ ન હતી કે ધીસ ઇઝ અ પાર્ટ ઑફ હિસ્ટ્રી. ઘરે બતાવવા એકબે ફોટા ખરીદી લઈએ. તો કોઈ વાર ફરતું ફરતું આલ્બમ હાથમાં ન આવે, ભૂલી પણ જવાય.

જયંતિ પટેલ `રંગલો’, ભટ્ટસાહેબ, પ્રવીણ-અરવિંદ જોષી, એવી જ બંધુ બેલડી ઉપેન્દ્ર-અરવિંદ ત્રિવેદી સાથે મારા ફોટા નથી. હા, ‘કાકાની શશી’નું આખું જ આલ્બમ મારી જ પાસે રહી ગયું. ‘ઝેર તો પીધાં…’ના ફોટા માટે ઉપેન્દ્રભાઈને ઘણા વર્ષો ફોન કરેલા, ત્યારે એ ગાંધીનગર બીમાર હતા.

‘રંગભૂમિ’ના ગોડાઉનમાં ખજાનો હતો, સ્ક્રીપ્ટ, ફોટા આલ્બમો, પેટીપટારાઓ, સેટ્સ, બધું આગમાં ભસ્મીભૂત થઈ ગયું. સંસ્થામાંથી ધીમે ધીમે બધાએ વિદાય લીધી, જે કોમળતંતુ આદર્શથી સૌ બંધાયેલા હતા તે તૂટ્યો. સઘળું કાળદેવતાને અર્પણ થઈ ગયું, ઇતિહાસનો એક અંશ લુપ્ત થઈ ગયો.

આજે પણ ત્યાંથી પસાર થાઉં છું, એ માહોલ એ ક્લાસિક નાટકનાં દૃશ્ય મનમાં તાદૃશ્ય થઈ જાય છે. રહેવાયું નહીં, એક બપોરે જઈ ચડી દેવધર હૉલમાં. મ્યુઝિક ક્લાસ ચાલતા હતા. એક બાજુ ઊભી રહી. હવે અહીં શું છે? શું કામ આવી હતી અહીં! કોઈએ પૂછ્યું, ક્લાસ મેં દાખિલ હોના હૈ? મેં ડોકું ધુણાવ્યું. તો? ક્યા ચાહિયે?

શું જોઈતું હતું મને! અહીં શું હતું હવે! કે કદાચ અનેક મધુર સ્મરણોની આ દિવાલો પરની અદૃશ્ય ફિંગરપ્રિન્ટ્સ! પપ્પા, વિષ્ણુભાઈ, પ્રતાપ ઓઝા, લીલાબહેન, ઉપેન્દ્ર, અમર ઝરીવાલા, સુમંત વ્યાસ, ચંદ્રિકા-લાલુ શાહ, બીજા અનેકની વિદાય… મારું હૈયું ભરાઈ આવ્યું. એ વ્યક્તિ હજી મને આશ્ચર્યથી જોઈ રહી હતી.

એક અબૂધ તેરચૌદ વર્ષની કિશોરી એક વાર પિતાની આંગળીએ અહીં આવી હતી, આ નાનકડા ખંડની બારીમાંથી કલાની અદ્ભુત દુનિયાનું પ્રથમ દર્શન કર્યું હતું. અનેક સપના અહીં સાકાર થયા હતા અને હજી બીજા આંખમાં સંગોપાયા હતા.

નાટકમાં દૃશ્યો બદલાય છે, એમ જીવનનાં રંગમંચ પર પણ દૃશ્યો બદલાય છે અને નાટક પૂરું થતાં પડદો પડે છે.

નાટક પૂરું થયું હતું, પડદો પડતાં સહુ ચાલી ગયા હતા. એક યુગ પૂરો થયો હતો. પેલી વ્યક્તિને થૅંક્સ કહી હું બહાર નીકળી, પગથિયાં ચડી રસ્તા પર આવી. સંગીતવર્ગનાં મધુર સ્વરો થોડા સમય સંભળાયા અને ધીમે ધીમે વીરમી ગયા. જરા ઊભા રહી સ્વસ્થ થઈ અતીતનો એક અંશ મારામાં લઈ મેં વર્તમાનમાં ચાલવા માંડ્યું.
* * *
વીતી ગયેલા સમયની કડીઓ વેરવિખેર હોય છે. રાખમાં ઢબૂરાયેલા અંગારાની જેમ એકાદ તણખો ઝબૂકી ઊઠે અને એ સમયનાં કાળખંડનાં ટુકડાને પ્રકાશિત કરે છે.

સ્મૃતિઓ ભૂંસાતી જાય તેનો અફસોસ નથી. આપણે જીવન જીવીએ છીએ, જીવનનાં રોજમેળની ડાયરી તો લખતા નથી, કે ગમે ત્યારે ચોપડો ખોલી ખાતાવહી તપાસીએ. રોબર્ટ ફ્રોસ્ટ કહે છે, હું માત્ર ત્રણ જ શબ્દોમાં જીવન વિષે જાણું છું, it goes on.

‘મૃચ્છકટિક’ નાટક મને બરાબર યાદ રહી ગયું છે, જે સંજોગોમાં ભજવ્યું, ભજવવું પડ્યું.

‘રંગભૂમિ’એ ગુજરાતીમાં ભજવ્યું હતું, રંગઉપવનની આંતરરાજ્ય નાટ્યસ્પર્ધા માટે. ત્યારે મારી પરીક્ષાને લીધે મેં જોયું પણ નહોતું. તરલા મહેતા વસંતસેના, પ્રતાપ ઓઝા શકાર અને વિષ્ણુભાઈ ચારુદત્ત. હવે કોઈ ફૅસ્ટિવલમાં એ ફરી ભજવવાનું હતું હિંદીમાં, પણ તરલાબહેન પરદેશ હતાં.

અમરભાઈ જાડી સ્ક્રીપ્ટ લઈ ઘરે આવ્યા. તું અમારી સંકટ સમયની સાંકળ, ના પાડવાનો સવાલ નથી, વસંતસેનામાં સંવાદો યાદ કરી રિહર્સલ શરૂ કરી દે. હું ગભરાઈ ગઈ. હિંદીમાં ‘મૃચ્છકટિક’ના સંવાદો! સમયઅવધિ, થોડા જ દિવસો. અનેક દૃશ્યોમાં વહેંચાયેલાં ત્રણ અંકો, ભારેખમ વેશભૂષા, અજંતાઇલોરાનો કેશકલાપ અને લાઇવ સોંગ્સ તેય વિષ્ણુભાઈ જેવા મહારથી સાથે ડ્યુએટ! આવી બન્યું ને મારું! એક સરસ ગીતની બે લીટી આજેય યાદ છે,

`સખી, શ્યામ ગગન મેં રજતચંદ્ર
નિરખત નિરખત ઉભરત આનંદ.

પણ આનંદ કેવો! ખૂબ દમ મારીને રિહર્સલ્સ કર્યા. સિમ્બોલિક સેટ્સ ચોકથી દોરેલ! જરાક પગ આમતેમ પડે તો મહેલમાંથી હું શેરીમાં! પ્રતાપભાઈ અને વિષ્ણુભાઈ બે ઉત્કૃષ્ટ કલાકારોની વચ્ચે હું! ગીતોય ગાયાં, નાટક કર્યું, પણ કેવું ભજવ્યું, શું થયું યાદ નથી. એટલું યાદ છે, પપ્પા આખા શો દરમ્યાન બેકસ્ટેજમાં જ હતા. પડદો પડ્યો કે મને બાથમાં લઈ લીધી. બસ એટલું યાદ છે, મેં અમરભાઈને કહી દીધું, આજથી સંકટ સમયની સાંકળ નીચે બૉર્ડ મૂકી દઉં છું, આઉટ ઑફ ઑર્ડર.
* * *
તોય સંકટ સમયની સાંકળ ફરી એકવાર ખેંચાઈ તો ખરી.

‘કાકાની શશી’ સાથે ભવનનાં બીજાં બે નાટકો લઈ અમદાવાદ ગયાં હતાં. મારો શો થઈ ગયો. બીજે દિવસે શો હતો, કદાચ ‘એક સોનેરી સવારે’ હું નાટક જોવા ઑડિટોરિયમમાં હતી કે મને સ્ટેજ પરથી તેડું આવ્યું.

ઉપેન્દ્ર ત્રિવેદીની મુખ્ય ભૂમિકા. કોઈ બહેનની નાની એક એન્ટ્રીની જ ભૂમિકા. એ મુંબઈથી આવવાના. એ આવ્યા નહીં, સંદેશોય નહીં. છેલ્લી ઘડીએ મને ઉપેન્દ્રએ સીન સમજાવી દીધો, પણ મેં ફ્રૉક પહેરેલું. જેમતેમ મેળ બેસાડ્યો, ઉપર શાલ લપેટી લીધી. મારું પાત્ર હતું દુઃખી માતાનું. હું રોતી જાઉં, કંઈ પણ સંવાદ બોલતી જાઉં. (રડવાનું વધારે) અને ઉપેન્દ્ર જોરદાર સંવાદોથી મારો બડબડાટ દબાવે. ગાડું ગબડાવ્યું. અમે કરુણ રસની જમાવટ કરી અને પડદો પડતાં ખડખડાટ હસી પડ્યાં.
* * *
પ્રવીણ જોષીએ સફળતાની સીડીએ પગ મૂક્યો હતો ત્યારે પપ્પા પાસે અવારનવાર ઘરે આવતા. બેત્રણ મિત્રો સાથે મળી ‘રંગરેખા’ અને ‘છૂક છૂક ગાડી’ મૅગેઝિન્સ ચલાવતા હતા. પપ્પા પાસે લૅખ માટે, સલાહસૂચન માટે આવતા. પપ્પાની બેઠક રાતની નિદ્રા બધું ભોંય પર. જાડી રગ અને બે કઠણ તકિયા. પ્રવીણ જોષી પણ પલોંઠી મારી ભોંયે જમાવે. ચા સાથે વાતોનો રંગ જામે. પપ્પાની સાથે બાપુનાં ડાયરાની, ઇતિહાસની વાતોમાં એમને ખૂબ રસ પડતો.

પ્રવીણ જોષી

આમ તો હું એમને ભવનની લોકપ્રિય આંતરકૉલેજ નાટ્યસ્પર્ધાથી ઓળખું. હું સ્કૂલમાં હતી ત્યારે ઈલા સાથે પ્રવીણ જોષીએ સ્પર્ધામાં નાટક કરેલું, મડિયાનું દિગ્દર્શન.

એક દિવસ એમણે પપ્પાને કહ્યું, `હું આઇએનટીમાં ટાગોરનું નાટક કરું છું, ‘ચિરકુમાર સભા’ પરથી ‘કૌમારઅસંભવમ્’. વર્ષાને મોકલો.’

પપ્પા ક્યારે ના પાડે! ટાગોરનું નાટક એટલે હું ખુશખુશ. નસીબ મારી પર તૃષ્ટમાન! કેવા જુદા જુદા દિગ્ગજ સર્જકોનાં, અલગ અલગ જેનરનાં નાટકો સામે ચાલીને મળતાં હતાં! અમારા રિહર્સલ્સ, બાબુલનાથ મંદિરમાં આઇએનટીનાં હૉલમાં થતા હતા. તરલા જોષી સિવાય અમારી યંગ ટીમ. અરવિંદ જોષી સાથે પહેલાંય કામ કરેલું.

રિહર્સલ્સ સાંજે હોય. જયહિંદ કૉલેજમાં શો. દરિયો તો ઢુકડો. એક વખત અનરાધાર વરસાદ ત્રાટક્યો અને અમે ઊપડ્યાં મરીનડ્રાઇવ. ધસી આવતાં મોજાં ઝીલી ભીંજાયાં. મને ચડ્યો સખત તાવ અને કૌમારનો શો. મમ્મી વિંગમાં શાલ લઈ ઊભી રહે. હું ધ્રૂજતી બંગાળી સાડીમાં શો કરું, એક્ઝીટ થાય કે મમ્મી શાલ ઓઢાડી ગ્રીનરૂમમાં સુવડાવી દે.

કૌમાર ફૂલ બ્લોન કૉમેડી. અમે બધાં ધમાલ મચાવતાં. બધી રીતે યાદ રહી ગયું. ટાગોરનું નાટક અને જોષી બંધુબેલડી સાથેનું એકમેવ. એમની સાથે ફોટો ન હોવાનો અફસોસ રહી ગયો.

પણ યોગાનુયોગ કે આ લખું છું ત્યાં નાટકના વૉટ્સઍપ ગ્રુપ પર ફોટો મૂક્યો કોઈએ, કેટલાં વર્ષો પહેલાંનો હશે! કયો પ્રસંગ છે તે ખબર નથી પણ કોઈ થિયેટરની પહેલી હરોળમાં નવીન ખાંડવાલા, બચુભાઈ સંપટ (સ્વરૂપ સંપટના પિતા), ઉપેન્દ્ર ત્રિવેદી, હું, તારકભાઈ અને છેલ્લે પ્રવીણ જોષી. અમારા ખોળામાં પેડપેન છે, કોઈ નાટ્યસ્પર્ધામાં અમે સહુ નિર્ણાયક હોઈશું. એક રેર, કોઈના પ્રાઇવેટ આલ્બમનો આ ફોટો. વ્હોટ અ લક!

પછી તો પ્રવીણ જોષીએ એક એકથી ચડિયાતાં નાટકો આપી ગુજરાતી રંગભૂમિને રળિયાત કરી. હું અને મહેન્દ્ર એમનાં બધાં નાટકો જોતાં.

અચાનક એક દિવસ મધ્યાહ્‌ને સૂર્યાસ્ત થઈ ગયો. અમે ઘરે પહોંચ્યા ત્યારે ઉત્સાહથી ભર્યા ભર્યા પ્રવીણના દેહને નિશ્ચલ જોવું નજરથી ખમી શકાય એવું ન હતું.

એક યુગ આથમી ગયો.
* * *
મારી સ્મૃતિમંજૂષાનું એક કિરણ એવું ઝગમગતું મને આંજી રહ્યું છે કે એની વાત કર્યા વિના મારાથી ન રહેવાય.

વિષ્ણુભાઈ અને ઉપેન્દ્ર ત્રિવેદી એક બપોરે ઘરે આવ્યા. ઉપેન્દ્ર વિષ્ણુભાઈ પાસે કૉલેજમાં ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ટેક્સબુક ભણેલાં. એમણે દર્શકની નવલકથાને નાટ્યદેહ આપેલો. હવે ગુરુશિષ્યની જોડી ‘રંગભૂમિ’ સંસ્થામાંથી આ નાટક ભજવવાની હતી.

1962માં પણ ભૂમિકાનું આમંત્રણ આપવાની પરંપરા જાળવી વિષ્ણુભાઈ, ઉપેન્દ્ર ઘરે આવ્યા હતા. મારે રોહિણીનું પાત્ર કરવાનું હતું. એક વાત કહેવી જોઈએ કે બી.એ. ગુજરાતી સાથે થઈ હતી, ખાસ અભ્યાસુ બન્યા વિના. મને આ નવલકથા અને દર્શક વિષે ઝાઝી ખબર નહોતી. ભગાના ભાની જેમ મારાથી પુછાઈ ગયું, મારે કયો રોલ કરવાનો છે?

વિષ્ણુભાઈ હસી પડ્યા, મણિનો. મને એમ કે એ જ મુખ્ય રોલ હશે. ચાલો, એક નવું નાટક કરવા મળશે. એમના ગયા પછી પપ્પા કહે, તું રિહર્સલ્સ કરીશ એટલે આપોઆપ સમજાશે. દેવધરહૉલમાં રિહર્સલ્સ શરૂ થયા. જેમ જેમ સ્ક્રીપ્ટ રીડિંગ થતું ગયું એમ રોહિણીની ભૂમિકાના શેડ્ઝ ઉજાગર થતા ગયા. તોય હજી દર્શક અને આ નવલકથાનાં સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન વિષે ખાસ જાણું નહીં. ઈલા તો ગુજરાતીની પ્રોફેસર. એણે મને નવલકથાને રસદર્શનની જેમ સમજાવી.

જેમ જેમ મૂવમૅન્ટ સેટ થઈ દૃશ્યોનાં રિહર્સલ થતાં ગયાં તેમ નાટકનો જાદુ મારી પર છવાઈ રહ્યો. વિષ્ણુભાઈ ગોપાળબાપા, ઉપેન્દ્ર હેમંત, સુરેન્દ્ર શાહ સત્યકામ. બૅરિસ્ટર પ્રદ્યુમ્ન બધેકા, લીલાબહેન શેઠાણી. બાકીનાં પાત્રો અમારાં જૂનાં સાથીદારો.

ઉપેન્દ્રએ કરેલું નાટ્યરૂપ અફલાતુન હતું. દરેક દૃશ્ય લાગણીસભર. રિહર્સલમાં ઉપેન્દ્ર (એનો આગ્રહ મારે એને ‘તું’ કહેવાનું, એ મને ‘તમે’ કહે) મને ટોકે, વર્ષાબહેન, માત્ર સંવાદ અને મૂવમૅન્ટ પર જ ધ્યાન આપો. ઇમોશન્સ નહીં, નીચોવાઈ જશો. પણ હું તો દરેક દૃશ્યમાં ઓતપ્રોત!

દર્શક

દર્શક રિહર્સલમાં આવ્યા, ત્યારે પહેલીવાર જોયા અને મનોમન નિરાશ થઈ ગઈ. કેવા દેશી ગામડિયા લેખક! ધોતિયું, કરચલીવાળો ઝબ્બો. ઊડઝૂડિયા વાળ. બધા માન પણ કેટલું આપે છે! ઠીક છે મારા ભાઈ.

રોહિણીની ભૂમિકા મારે માટે એક પડકાર હતો. ‘પૂર્ણિમા’ની તવાયફ, ‘ડોલ્સહાઉસ’ની નારીવાદી નોરા, ‘કવિ દયારામ’ની એક ગોપી, ‘અલ્લાબેલી’ની વાઘેર કન્યા, ‘મૃચ્છકટિક’ પિરિયડ પ્લે અને સામાજિક હાસ્યપ્રધાન નાટકો પણ રોહિણી એક અલગ જ પાત્ર હતું.

પડદો ઊપડે અને અંતમાં પડદો પડે ત્યાં સુધીનાં બધાં જ દૃશ્યોમાં રોહિણી. અઢી કલાકમાં એક આખો ભવ જીવી જવાનો. રમતિયાળ કિશોરી, પ્રગલ્ભ પ્રેમિકા, સર્વ સમર્પિત પત્ની અને અંતમાં વૈધવ્યસ્વરૂપ નારીનાં કેટકેટલાં રૂપ અને લાગણીઓનો આલેખ! દરેક શોમાં શો પૂરો થાય ત્યારે મને બોલવાનાય હોશ ન હોય.

સહુએ સાગમટે આ નાટકમાં જીવ રેડી દીધો. હજી તો રિહર્સલ્સ થતા હતા અને મુંબઈમાં શોની હવા બંધાઈ ગઈ. હવે પ્રેક્ષકો પૈસા ખર્ચી થિયેટર હાઉસફૂલ કરી દેતા હતા. બીજી સંસ્થાનાં નાટકો પણ સરસ ચાલી રહ્યાં હતાં. અભિનેતા હવે નાટકિયો નહીં, પણ કલાકાર હતો.

તા. 20/10/1962. પ્રથમ શો સૂરતમાં.

‘રંગભૂમિ’નાં બધાં નાટકો અમે સૂરત લઈ જતાં. રંગઉપવનનાં ઑપનએર થિયેટરમાં અમે ‘ઝેર તો પીધાં જાણી જાણી’નો શો ખૂબ ઉત્સાહથી ભજવ્યો. શો હાઉસફૂલ! દર્શકનું નામ અને ખ્યાતિપ્રાપ્ત નવલકથાનું નાટ્યરૂપ! પત્રકારો અને સૂરતની જાણીતી હસ્તીઓની હાજરી. અમે તો દર અંકે પડદો પડે ત્યારે ગગન ગાજતી તાળીઓની અપેક્ષા રાખતા હતા. અમે તો ઇતિહાસ રચીએ છીએ એવી અમારી દૃઢ માન્યતા.

પણ પ્રેક્ષકોનો મોળો પ્રતિસાદ મળતાં મારો જમીનથી અધ્ધર રથ ધડામ્ નીચે પડદો પડ્યો અને અમે આઘાતથી એકમેકને જોઈ રહ્યા. અંતિમ દૃશ્યમાં અંધ બૌદ્ધ સાધુ થયેલો સત્યકામ રોહિણીને વર્ષો પછી મળે છે. રોહિણી એને ખૂબ વિનવે છે અને તોય એ છોડીને ચાલી જાય છે, એ દૃશ્યમાં હું રડી પડતી. હજી હું આંસુથી ભીંજાયેલી હતી અને શોનો આ રિસ્પોન્સ જોઈ ફરી આંસુ ઊભરાઈ ચાલ્યા.

ક્યાં શું ચૂક થઈ કે ક્યાં ઊણા ઊતર્યા હતા! અત્યંત લોકપ્રિય નવલકથાનું સુંદર નાટ્યરૂપ, સહુનો ઉત્કૃષ્ટ અભિનય, અમારો સખત પરિશ્રમ અને નાટક નિષ્ફળ જાય! વ્હાય? હાઉ?

એમ તો ઘણાએ અભિનંદન આપ્યા, સ્ટેજ પર મળવા આવ્યા, પણ અમે જાણતાં હતાં ક્યાંક કશુંક ખૂટતું હતું.

અમે ભગ્નહૃદયે મુંબઈ પાછાં ફર્યાં.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. કોઈ એક ભાવપૂર્ણ ચલચિત્રનાં પ્રવાહમાં તરબોળ થઈએ એમ દરેક પ્રકરણ વાંચતાં રસતરબોળ…..

  2. વર્ષાબેનની આ જીવનકથા એક અમૂલ્ય દસ્તાવેજ છે-જીવન દર્શન,બદલાતા વિચાર પ્રવાહો અને સ્નેહપૂર્ણ સંવેદનાઓનો આ દસ્તાવેજ હ્રદયસ્થ કરવા જેવો છે.