ભીતર છલકાતી નર્મદા ~ (લલિત નિબંધ) ~ રાકેશ પટેલ
આજ સવારથી વરસાદ વરસી રહ્યો છે. અત્યારે થોડો ઉઘાડ નીકળ્યો છે. વૃક્ષો પર ચામાચીડિયાંની જેમ ઊંધા માથે ટિંગાયેલાં વરસાદની બૂંદો હજી પણ ટપકી રહી છે. દૂર લીમડાની ડાળ પર બેઠેલું કોઇ પંખી પાંખો ફફડાવી રહ્યું છે. એની પાંખોમાંથી જાણે કાળાં ડિબાંગ વાદળાં વરસી રહ્યાં છે! એ વાદળાં અંધારું થઇ એની બે આંખોમાં ચમકી રહ્યાં છે જાણે! મેં મારી હથેળીમાં વરસાદની બૂંદો અકબંઘ સાચવી રાખી છે. એક એક બૂંદની ભીતરમાં એક આખો જીવાઇ ગયેલો મારો ભૂતકાળ આંખો સામે આવી ઊભે છે. મનપંખી પાંખો પ્રસારી ઊંચે ઊંચે ઊડવા મથામણ કરે છે !
આખી રાત વરસાદ વરસ્યા પછી નદીકાંઠે રેતી સાવ ચોખ્ખી થઇ ગઇ હતી. પવન નૃત્ય કરતો વૃક્ષો પાછળથી હળવે હળવે પર્ણોને સ્પર્શતો વાઇ રહ્યો હતો. એના સ્પર્શનું સુખ પામતાં, પંખીઓના કંઠે ગીત ફૂટી નીકળ્યાં હતાં. ટહુકાથી નદીકાંઠો છલકાઇ ઊઠ્યો હતો! કાંઠે ભીની રેતીમાં પંખીઓના પગલાં પડેલાં હતાં. એ પગલાં તળે પંખીઓનું આખું ભાવ વિશ્વ જે કદી ખૂલી શ્ક્યું નથી એ પણ ખૂલવાની મથામણ કરી રહ્યું હતું.
પાછલી રાત આખી વરસાદ વરસ્યો હતો. તેથી એકેય હોડી ધસમસતાં પાણીના વહેણમાં સાહસ કરવા તૈયાર નહોતી. બધી જ હોડીઓ એક તરફ ઢગલો થઇ પડી છે. એમાં કૂતરાં લપાઇને બેઠાં છે. કોઇ પંખીનો ફફડાટ એના કાનમાં પડે કે છલાંગ મારી એની પાછળ દોડે છે ને પંખી તો આંખના પલકારામાં જ વાદળ ઓઢી નાળિયેરીના વૃક્ષોને બાથ ભરી લપાઇ જાય છે!
આકાશમાં થતી મેઘઘર્જના ને વીજળીના ચમકારા વચ્ચે વૃક્ષો પરથી પંખીઓ પાંખો ફફડાવતાં ટોળાંમાં ઊડી નદીનાં જળમાં, પાંખોમાં ઘટ્ટ થયેલું અંધારું ઠાલવી રહે છે. કિનારે ઊગેલું ઘાસ અંધારાંને પોતાની ટોચ પર ઝીલી લઇ પંખીઓને તેના ભારમાંથી મુક્ત કરે છે. અને ઘાસ અંધારું પીને પોઢી જાય છે નવા દિવસની પ્રતિક્ષામાં!
પંખીઓનો કલરવ અને નદીના વેગીલા પ્રવાહનો અવાજ એક્મેક્માં ભળી ગયો હતો. આંખે અંધારું આંજીને સૂતેલાં ઘાસની ટોચ પર ક્યાંક ક્યાંક હજી પણ વરસાદની બૂંદો જામેલી હતી. નદીનાં જળનો રણકાર ધીરે ધીરે કાનમાં સ્પષ્ટ સંભળાવા લાગ્યો હતો.
દૂર દૂર ઝાડીઓમાંથી એક અલગ જ પ્રકારની સુગંધ ફૂટી રહી હતી. એ સુગંધમાં કોઇ અલભ્ય જડીબુટ્ટીઓનો સ્પર્શ હતો કદાચ ! અને આરણ્યક ઋષિઓનું સ્મિત પણ આશિર્વાદ રૂપે જ્યાં ત્યાં કાંઠે-કિનારાઓ પર લહેરાતું હતું. પવિત્ર પરિક્રમા દરમિયાન રેતીમાં પડેલાં ઋષિઓ – મુનિઓના પગલાઓમાંથી પણ એક અલગ જ સુગંધ, રોમાંચની અનુભૂતિથી હું છલકાઇ રહ્યો હતો!
આકાશ સ્વસ્છ હતું. બીજનો ચન્દ્ર ધીમે ધેમે પ્રકાશી રહ્યો હતો. આકાશરુપી નદીમાં કોઇ કાંઠો શોધતો ચન્દ્ર હાલક ડોલક થતી નાવ જેવો ભાસતો હતો. તારા મંડળથી આકાશ શોભી રહ્યું હતું, દીપી રહ્યું હતું. આખુ આકાશ નર્મદાનાં જળમાં પોતાનું પ્રતિબિંબ શોધી રહ્યું હતું.
રાતના જ્યારે નીરવ શાંતિ પ્રસરી જશે ત્યારે ચન્દ્ર ધરતી પર નીચે આવી નર્મદામાં ડૂબકી લગાવશે……..અને પોતાના પર લાગેલા ડાઘ–ગ્રહણને ધોવાની કોશિષ કરશે! અને જ્યારે જ્યારે ગ્રહણ હોય છે ત્યારે ત્યારે નર્મદાનાં પવિત્ર જળથી સ્નાન કરી એની અસરોમાંથી મુક્ત થવાની માન્યતા છે, પરંપરા છે! અને આમેય આપણી સંસ્કૃતિમાં સ્નાનનો વિશેષ મહિમા છે. સર્જક ભગવતીકુમાર શર્મા “નદી વિચ્છેદ” નામે નિબંધમાં યોગ્ય જ લખે છે, ‘સ્નાનને ભારતીય હિન્દુ-સંસ્કૃતિનો પર્યાય ગણી શકાય ! જોકે હવે આપણે શાવર-બાથ, સ્ટીમ-બાથ, ફ્રેંચ-બાથ અને સૉના-બાથ સુધી આવી પહોંચ્યા છીએ!’
નર્મદા આપણા જીવનને એના આશિષથી ચેતનવંતુ બનાવે છે, ધબક્તું બનાવે છે ! ચન્દ્રના દુધિયા પ્રકાશથી જીવન ભરી દે છે, તારા-નક્ષત્રોના તેજથી જીવનને છલકાવી દે છે ! કાંઠા પર જેમ જેમ અંધારું ધેરાય છે તેમ તેમ બીજનો ચન્દ્ર ખીલી ઊઠે છે. બીજના દિવસે ચન્દ્રની પુજાનો મહિમા ખરો ! ચન્દ્રનો મહિમા અનેરો… ભારતીય સંસ્કૃતિમાં આ એક જ દેવ એવા છે જેમની પૂજા–દુઆ હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકો કરે છે!
શીતળ પવનની લ્હેરખીઓ ઊઠી રહી હતી. પવન નર્મદાના જળને હિલોળે ચઢાવી રહ્યો હતો. કિનારાઓ સુધી જળ અથડાઇ પાછું ધકેલાતું હતું. પવન સૂસવાટા મારતો નર્મદા પરથી પસાર થઇ રહ્યો હતો. વૃક્ષોની બખોલોમાં સંતાયેલાં પક્ષીઓ પવનની સિસોટીઓથી ભયભીત થઇ રહ્યાં હતાં. ચારેકોર અંધારાની પીંછી ફરી વળી હતી.
વરસાદ અંધારામાં ઓગળી ગયો છે પણ વીજળીના ચમકારા જોર પકડી રહ્યાં હતાં. કાંઠા પાસે પડેલી એક મોટી શિલા પર વીજળી ચમકતી હતી. વરસાદમાં ધોવાઇ શિલાનો ચહેરો ચમકતો હતો. આ શિલાની ભીતર કઇ ઇતિહાસ ધરબાયેલા પડ્યા હશે….! પણ હવે આ અહલ્યારુપી શિલાને કોઇ રામ આવી સ્પર્શે તો ઇતિહાસે સદીઓથી ઓઢી રાખેલું મૌન તૂટે. અને કઇ કેટલાય ચહેરાને વાચા મળે ! પણ આ સદીએ એ આશા જ રાખવી વ્યર્થ છે કે કોઇ રામ આવે……! કેમકે આ સંસ્કૃતિએ તો ભગવાન રામના જન્મના પુરાવા માગ્યા હતાં! રામને એક કલ્પના–મીથ ગણાવી હતી.
અને આ નર્મદાનાં નીર પણ એટલાં જ શાશ્વત છે! કઇ યુગોથી એનાં નિર્મળ જળ અવિરત વહી રહ્યાં છે. કલકલ કરતી નર્મદા એટલે જ નર્મદા મૈયા તરીકે પુજાય છે, ઓળખાય છે! પણ એના કાંઠે રહેતાં લોકોને હવે એનું ઝાઝું મહત્વ રહ્યું નથી લાગતું. એમનું મન ભરાઇ ગયું છે. વિસ્મય અને અહોભાવની ભાવના સમય સાથે પરિવર્તન પામી રહી છે. ક્યારેક સમય હોય ત્યારે કાંઠે લટાર મારે, ટહેલવા નીકળે……બસ ! એટલા પૂરતો જ હવે નર્મદા સાથેનો નાતો જાણે!
આજે પણ મારી આંખોના ખૂણામાં નર્મદા નદી છલકાઇ રહી છે. હાથ લંબાવી જો એને સ્પર્શી શકાતી હોત…! બહારથી ભલે મારા ચહેરા પર રણ ઊગ્યું હોય, પણ ભીતર તો નર્મદા જ છલકાઇ મને તરબોળ કરી રહી છે.
આજે પણ એનું સંગીત અહીં દૂર બેઠા મારા કાનમાં કોઇ મંત્રની જેમ મને તલ્લીન કરી દે છે, મારી અંદર મને એકાકાર કરી દે છે. અને જ્યારે પણ આંખો બંધ કરું છું ત્યારે મા નર્મદા કલકલ કરતાં વહી રહેલા ભાળું છું મારી ભીતર!
~ રાકેશ પટેલ
માનવતાની અસમર્થતા પગલે પગલે છલકાય છે, એક નિર્જીવ આત્માની જેમ આપણે આ બધું એક સાક્ષીભાવે જોયા કરીએ છીએ.
ખુબજ સરસ વિચારો જાણે પ્રત્યક્ષ હાજર છીએ એવી અનુભૂતિ
Wahh …..Khub j saras varsad nu varnan Karel che !!
ખૂબ સરસ વર્ણન, અદભૂત