ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ – 3) ~ પાકિસ્તાનના ઐતિહાસિક મંદિરો ~ પૂર્વી મોદી મલકાણ

આપણે ત્યાં અપૂજ મંદિરોની વિરાસત કેટલી? એમ જુઓ તો ઘણીબધી, પણ આ મંદિરો અપૂજ છે તેના કોઈક કારણો હશે, પણ જે તે દેશમાં માઈનોરિટી પ્રજાનાં જે ધર્મસ્થાનો છે તે કેટલા અપૂજ?

સાચું કહું તો અત્યાર સુધીમાં હું લગભગ ૩૨ દેશોમાં ફરી છું અને તે દરેક જગ્યાએ હિન્દુઓનું તે દરેક દેશમાં સ્થાન કેવું છે જાણવાની સહજ ઈચ્છાને કારણે ત્યાં રહેલાં હિન્દુ મંદિરોની મે મુલાકાત લીધેલી છે. જોવાની વાત છે કે; હિન્દુ મંદિર નાનું હોય, મોટું, કે ગૃહમંદિર_દરેક સ્થળ મને જીવંત જણાયું, એક પાકિસ્તાન છોડીને.

ચાલો આજે પાકમાં રહેલા એ હિન્દુ મંદિરોની ટૂર કરીએ જેનો ઇતિહાસ આપણને ઘણુંબધું કહેવા માંગે છે.

સૈદપુરનાં મંદિરો

મારું હંમેશા માનવું રહ્યું છે કે જે તે દેશની સાંસ્કૃતિક વિરાસતનાં થોડાઘણાં અંશો જે તે દેશમાં રહેલ ધાર્મિક ઇમારતોમાં પણ છે. આ ઇમારતો આપણને જે તે દેશમાં રહેલ પ્રજાની સંસ્કૃતિની ઝાંખી આપે છે. અત્યાર સુધી હું જેટલાં પણ દેશોમાં ફરી તે બધાં જ દેશોમાં રહેલ ધાર્મિક ઇમારતોની મે મુલાકાત લીધેલી છે, તો પાકિસ્તાન કેમ બાકાત રહી જાય? તેથી જ્યારે એક સમયનું માનપુર ગામ અને આજનાં સૈદપુરની ગામની જ્યારે મે મુલાકાત લીધી ત્યારે મારું મન વિક્ષુબ્ધાથી ભરાઈ ગયું.

સૈદપુર -ઇસ્લામાબાદમાં આવેલ મરગલ્લાની પહાડીઓની તળેટીમાં ૧૫ મી સદીમાં અકબર રત્ન રાજા માનસિંહ આવેલાં તેમણે અહીં સૂર્ય મંદિર, શિવમંદિર, હનુમાન મંદિર, વિષ્ણુ મંદિરની સ્થાપના કરી. રાજા માનસિંહ સાથે આવેલાં હિન્દુઓએ મરગલ્લાની પહાડીમાં રહેલ પથ્થરોનો ઉપયોગ કરી અહીં પોતાની હવેલીઓ વસાવી.

સમયાંતરે અહીં પંજાબી અને જૈન લોકોનો પણ વસવાટ થયો જેથી કરી જૈન દેરાસર, ગુરુદ્વારા, નાનક કુંડ અને કબીરા કુંડ પણ બન્યાં. ૧૮-૧૯ મી સદીમાં પંજાબનાં શેઠ લાલા હેમચંદે અહીં ધર્મશાળા બનાવી હતી.

લાલા હેમચંદની ધર્મશાળા

વિભાજન પછી અહીં રહેતા હિન્દુઓમાંથી કોઈ હિંદુસ્તાન પાછા ફર્યા તો કોઈને ભગાવી દેવામાં આવ્યાં. હિન્દુઓની હવેલીઓ અને રહેઠાણોને આજે રેસ્ટોરન્ટમાં ફેરવી દેવામાં આવી છે, જ્યારે હિન્દુ મંદિરોમાંથી અમુક સચવાયાં તો અમુક ન સચવાયાં, જ્યારે અમુક મંદિરોની ઇમારતો હિન્દુઓનાં નામ પર રાખી મૂકવામાં આવી પણ આ ઇમારતોનું સંચાલન હિન્દુઓને આપ્યું જ નહીં, જ્યારે કૂંડો ઉપર પ્લાસ્ટર મૂકી તેને બંધ કરાવી દેવામાં આવ્યાં. જ્યારે લાલા હેમચંદની ધર્મશાળાનું સંચાલન લાલા હેમચંદનાં વારસદારો ૧૯૭૫ સુધી કરતાં રહ્યાં, પણ પછીથી આ જગ્યાને પાક સરકારે પોતાને હસ્તક લઈ લીધી.

વિભાજન પછી મોહમ્મદ અલી ઝીણાએ પાકમાં રહેલ બધાં જ હિન્દુઓને અને તેમની ઈમારતોને સમાનતાનો હક્ક આપતો કાયદો દાખલ કરેલ પણ આજે આ કાયદાનું કોઈ મૂલ્ય રખાયું નથી તેથી, પશ્ચિમનાં દેશોમાં વસતાં હિન્દુઓ-મુસ્લિમોને ને જેટલી ફ્રીડમ આપવામાં આવી છે તેટલી ફ્રીડમ પાકમાં વસતાં હિન્દુઓને આજે ય મળી નથી.

મેં જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે આ વિષે ગાઈડને પૂછતાં જવાબ મળ્યો કે; આ મંદિરો હિન્દુઓનાં હાથમાં જતાં તેમનું જોર વધુ થઈ જશે તેવા ભયને કારણે પાક સરકારે આ મંદિરો ખાલી રાખ્યાં છે. ટૂંકમાં કહીએ તો પશ્ચિમનાં દેશોમાં વસતાં હિન્દુઓને જેટલી સ્વતંતત્ર્યતા -ફ્રીડમ આપવામાં આવી છે તેટલી ફ્રીડમ પાકનાં આ હિન્દુઓને આજે ય મળી નથી.

અગર આ સૈદપુરનાં મંદિરોને બાદ પણ કરીએ તો પણ મે રાવલપિંડીથી પેશાવર સુધી હિન્દુ મંદિરોની જે દુર્દશા જોઈને ખ્યાલ આવે છે કે; પાકિસ્તાનમાં અપૂજ મંદિરોની વિરાસત તો છે, પણ આ વિરાસતનાં હોઠ જે રીતે સદાય માટે બંધ કરી દેવામાં આવ્યાં છે તે જોઈ એક અનુમાન લગાવી શકાય કે કદાચ પાકિસ્તાનની સરકાર અને લોકો એમ જ માને છે કે; તેમના દેશમાં રહેતાં કોઈપણ હિન્દુએ પોતાનો ધર્મ પાળવો જ ન જોઈએ.

© ૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..