હવે તો બુદ્ધ એ જ કલ્યાણ….! ~ લલિત નિબંધ ~ ભાગ્યેશ જહા
સાયરનોથી ચિરાઈ જતું કીવનું આકાશ આમ તો યુક્રેનનું પાટનગર છે. પણ યુદ્ધના આ કોલાહલને પારકો કે દૂરનો ગણી કાન મીંચી બેસી રહીએ એવા આ દિવસો નથી. આ દિવસો વિશ્વગ્રામના છે. એક માળા જેવી ભૂરચના પર રહેતી માનવવસાહતની ઉત્ક્રાંતિના આ દિવસો છે. કોણ જીતશે કે કોણ હારશે એ પ્રશ્ન નથી. પ્રશ્ન છે માનવતાનું શું થશે?
આટલા બધા દુઃખો અને વિશ્વયુદ્ધની વિભીષિકાઓ જોયા પછી પણ આધિપત્ય જમાવવાના ખુન્નસનો જાણે કે કોઈ ઉપાય નથી. માણસજાતને હજી પણ યુદ્ધનો થાક નથી લાગ્યો એની ચર્ચા અને ચિંતા નિરંતર થવી જોઈએ. ભારત અને ભારતમાં જન્મેલા ધર્મોનું ચિંતન માનવતા ક્યારે સમજી શકશે એ આજનો સતત સળગતો મુદ્દો છે.
આમ વિષાદ ઘેરી વળે છે. હજી ગઈકાલે તો આપણે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં માનવના ચૈતન્યનું શું થશે એ ચર્ચતા હતા. જો બધું કામ રોબોટ કરી આપે તો મનુષ્ય ચેતના અને બુદ્ધિશક્તિ કશાક નવા ચમત્કારો સર્જશે એવી ચર્ચા હતી અને છે.
ઈલૉન મસ્કની બારીમાંથી દેખાતા મંગળ ગ્રહ પર લાલપીળા સપનાઓ લઈને જે વસાહત વસાવવી છે એના માટીના કાચાપાકા રંગોની રંગોળી વિજ્ઞાનવાર્તાઓમાં વાંચીને રોમાંચ અનુભવતા હતા. ત્યારે આજે યુક્રેનની એક ખંડેર બનેલી હોસ્પિટલમાં દટાઈ ગયેલા બાળકોની તસવીર જોવા મળી. કદાચ પૂરી ભાષા પણ નહીં શીખ્યા હોય આ ભૂલકાંઓ, ઓચિંતા જ કાન ચીરી નાખે એવા ધડાકા સાથે દટાઈ ગયા હશે. છેલ્લા કણસતા શ્વાસો લેતી વખતે કદાચ એમણે દુર્વાસાથી પણ કઠોર વાણીમાં શાપ આપ્યો હશે! કોઇ જાતની લાગણી લાવ્યા વિના જ ઉપર ધસી આવતી છતને સ્વીકારીને દટાઈ જવું કેટલું કારમું હશે, એની કલ્પના પણ આવી શકતી નથી.
આકાશનો અર્થ ન સમજનારને આવી રીતે ધરતી નીચે ધરબાઈ જવું પડે તે વેદના કેવી હશે? શું આકાશમાંથી અગનવર્ષા કરનારા લડાકુ વિમાનો ચલાવનારા અને નાંખનારાને બાળકો નહીં હોય? એમણે લિયો ટોલસ્ટૉયનું નામ પણ નહીં સાંભળ્યું હોય કે દોસ્તોએવેસ્કીની કોઇ કથાની નાયિકાનો સંઘર્ષ નહીં સાંભળ્યો હોય! કેટલાય મકાનોને ગેસ-સપ્લાય કરનારી પાઈપો તોડી પાડી તો એવો વિચારયે નહીં આવ્યો હોય કે આવી ઠંડીમાં ત્યાંના અબાલવૃદ્ધોનું શું થશે? હજી હમણાં જ ઠંડીમાં થીજી ગયેલા આપણા ચાર સ્વજનોનો શોક પૂરો થયો નથી ત્યારે આ હીટીંગ વગરના ઘરોમાં કોઇ વૃદ્ધ દંપતિએ એમ જ છેલ્લા શ્વાસ લીધાં હશે…!
કોઇ બાળકને માટે ખાવાનું લેવા જનાર માતા અપંગ થઈને રસ્તા પર કણસતી હશે, એની દરકાર કોણ કરશે? પેલા બાળકની પ્રતીક્ષા તીવ્ર હશે કે ભૂખ? પેલા તૂટી પડેલા મકાનમાં લટકતા લગ્નના ફોટાઓ કે બાળકોના ચિત્રો નાશ નહીં પામીને કોઇ પદાર્થપાઠ શીખવશે..?
હોસ્પિટલમાં કણસતા દર્દીની સેવા કરતી નર્સનું લોબીમાં જ ઢળી પડવું, આખી તૂટી જઈ રહેલી દિવાલોને શું કહેતી હશે..? એક એમ્બ્યુલન્સમાં મરણોન્મુખ યુવાનને લઈને આવનાર ડ્રાઈવરે જ્યારે હોસ્પિટલ તરફ લઈ જતા બ્રીજને ઉડાવી દીધેલો જોયો હશે ત્યારે એણે પોતાની ભાષામાં ગાળ દીધી હશે કે પછી એનું મન કરૂણાથી ભરાઈ આવ્યું હશે? જોકે આવી ગાળો, તાત્કાલિક આવા સમય પૂરતો મંત્રનો દરજ્જો પામી લે છે! અનેક તીવ્ર વેદનાનીઓ આકાશને ચીરીને ક્યાંક વિલય પામશે, સંતાઇ જશે, એ કોને અને ક્યારે ખબર પડશે…!
બોરિસ પાસ્તરનાકના ડૉક્ટર ઝિવાગોની જેમ શબ્દો અને લાગણીઓને શું કોઈએ ક્યાંક કંડારી હશે! અને, આ વણલખાયેલી વેદનાઓના હસ્તાક્ષર તો એમ જ હવા બની ગયા હશે, ત્યારે, માનવતાએ નવેસરથી શાંતિના શબ્દને પ્રાણપ્રતિષ્ઠિત કરવો પડશે.
કોઇએ સાચું જ કહ્યું છે, યુદ્ધને કારણે માનવજાત ચાર વિભાગમાં વ્હેંચાઈ જાય છે (ચાતુર્વર્ણ), વિજેતાઓ, પરાજિતો, અસરગ્રસ્તો અને દૂર બેઠેલા અસહાય, સંવેદનશીલ અથવા મીંઢા-મૌન દર્શકો. આ બધાંમાં ક્યારેક વિચાર આવે છે કે સર્જકો કઈ વેદના અનુભવતા હશે? જગતના સંવેદનશીલ વ્યક્તિઓએ અને સર્જકોએ તો કો’ક સોલ્જેનિત્શીનની પ્રતીક્ષા કરવી રહી!
ભારતના એક શબ્દના વિદ્યાર્થી તરીકે મને આ બધી સંવેદનાઓની ચિંતા છે કારણ કે બધાં સંઘર્ષો ભય, ભૂખ અને ભોગને કારણે થતા હોય છે. આપણી ગળથૂથીમાં ‘સત્યં, શિવં, સુંદરમ્’ ની ઉપાસના કરવાની રંગસૂત્રી-રંગોળી છે. આ ડીએનએની ડિઝાઈન છે. કોઇ ફૂલ જોઈને આનંદ અને કરૂણા ઉપજે છે. એ મારું નથી, હું ઈશ્વરને ચઢાવી દઉં અથવા દેવદૂત જેવા કોઇ મહાત્માને અર્પણ કરું. આ લાગણીનો થથરાટ જ માનવતાનો પમરાટ છે, ને આ સંવેદના જ શિલાની મૂર્તિને પૂજ્ય બનાવે છે.
સૂક્ષ્મ શ્રદ્ધાનો વહેતો પ્રવાહ માનવ અસ્તિત્વને સુવાસિત બનાવે છે. આવા સમયમાં જ્યારે હજી તો કોરોનાના ડાઘા ભૂંસાયા નથી ત્યારે આ મૃતદેહોની આવી લાઈનો જોઈને વિચાર આવે છે કે આ સ્થિતિનું સમાધાન ક્યાં ને જેવી રીતે શોધીશું?
આજે હરીશ મીનાશ્રુની “બનારસ ડાયરી” લઈને બેઠો છું. આજની સ્થિતિની એક પંક્તિ ગણગણું છું, “બીજી પળે મેં જોયું કે હું કબીરની દીર્ઘ –‘ઈ’ / વગરની – ‘કબર’માં સૂતો છું….” ટીવી ઓલવીને આપણી ભાષાના આ કવિની પંક્તિ પહેરીને બાલ્કનીમાં સૂર્ય સામે મનને ધરું છું. અજાણ્યો અર્ધ્ય આપવાની ઈચ્છા થઈ આવે છે.
સામે યુદ્ધથી સાવ અજાણ્યા એવા એક ફૂલ પર, એટલાં જ અજાણ્યા બે પતંગિયા કશુંક ગાઈ રહ્યા છે. હું કાન માંડીને સાંભળું છું. એ ગાઈ રહ્યાં હતાં….. “હવે તો બુદ્ધ એ જ કલ્યાણ…”
~ ભાગ્યેશ જહા
Speechless
રોજ ટીવીમાં સમાચાર સાંભળીને દ્રવી ઊઠતું હ્રદય, આ લલિત નિબંધ વાંચીને છુટ્ટા મોઢે રડી પડ્યું!