અંકુર ફૂટવાના એ દિવસો હતા (પ્રકરણ : 16) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 16

વિજય ઍસ્ટેટ અમે છોડ્યું પણ એની સ્મૃતિઓ અમારી સાથે જ રહી.

જે ઘર જોતાં જ એની પર અમને ભાવ નહોતો થયો એ ઘરે અમને વહાલથી પાંખમાં લીધા. અમારા ઉઝરડાયેલા મન પર શીતલ લેપ કર્યો. આ જ ઘરમાં અમે ભણ્યાંગણ્યાં, અનેક પ્રવૃત્તિઓ કરી. પરિશ્રમનો મહિમા ગાંઠે બંધાવ્યો. સંજોગો સામે બાથ ભરવાની અમારી લડાયક ચેતનાને ઢંઢોળી.

એ ઘરમાં કવિ પ્રદીપજી, પંડિત ઇન્દરરાજ આનંદ, ગુજરાતી ફિલ્મોના એ સમયના માંધાતાઓ પણ અમારા દૂરનાં ઘર સુધી ચાલીને આવતા અને નિરાંતે વાતો કરતા. એક વખત રાત્રે એક અજાણ્યો માણસ આવ્યો. સાબજી, મૅડમ આપકો મિલને કો આયા હૈ. મૅડમ વળી કોણ?

મીનાકુમારી

કુતૂહલથી પપ્પા બહારનાં રસ્તા પર આવ્યા તો મીનાકુમારી! બસ, આપકી સાગરકથાઓ કે બારે મેં બહોત સૂના થા, તો આપકો મિલને કો મન કરતા થા. પપ્પા સાથે થોડી વાતો કરી ચાલી ગઈ.

એક વખત એક મહિલા ઢગલો ગુલાબનાં ફૂલો લઈને આવી હતી, હોમી વાડિયા મૂવી ટોન ફૅમિલીના કોઈ મહિલા. પપ્પાની દરિયાઈકથાઓની ચાહક. પપ્પા પાસે ફૂલોનો ઢગલો કરી દીધો.

એક ઍસ્ટેટ એજન્ટ પપ્પાનાં પુસ્તકોનો જબરો પ્રેમી. એણે પપ્પાને બહુ આગ્રહ કર્યો, તમારી આ કોલોની પછી જે લાંબો નિર્જન પટ છે, એ જમીન તમને માત્ર ચાર આને વાર અપાવું. ભવિષ્યમાં તમે, તમારા સંતાનોને ઘણો ફાયદો થશે, મને યાદ કરજો. પપ્પા કહે, ભાઈ, હું બ્રાહ્મણ, એક લેખક. મને ધંધો આવડે નહીં અને અરધે પણ નહીં. બસ, હું અને મારી કલમ.

થોડા જ વર્ષોમાં મુંબઈ વિસ્તરતું ગયું અને એ જમીનો કરોડોનાં દામે વેચાતી થઈ. પણ પપ્પા-મમ્મીને આવી કોઈ વાતોનો અફસોસ તો નહીં, એને સંભારે પણ નહીં. અગવડોનો બાદશાહી વૈભવ ભોગવી અમે ત્યાંથી નીકળ્યા ત્યારે બદલાતા સમયનો પદસંચાર દૂરથી આવી રહ્યો હતો. એમાં એના એંધાણ મળતા હતા.

નવા ઘરની ચાવીથી અમારા નવા જીવનનાં દ્વાર ખૂલ્યા.

ઘરમાં અને આસપાસ ઘણી સુવિધાઓ હતી એથી જીવન આસાન થઈ ગયું. સ્ટેશનથી ઘરની પદયાત્રાઓ છૂટી, લોકલ ટ્રેનની હાડમારી અને અમારા અઢળક સમયનો વ્યય બચી ગયો. નિરાંતનો સમય પરિવાર સાથે મળ્યો. કહેવાતું નિર્જીવ ઘર પરિવારને કેટકેટલું આપી શકે છે! હૂંફ, સાંત્વના, વહાલ. વિશ્વમાં હર સર્જન જીવંત અને ચેતનમય છે. ગૃહપ્રવેશ કરતાં ઘરે અમને વહાલથી બાથમાં લઈ લીધા.

અમારા ઘરની બંને બાજુ લોકલનાં છેલ્લા સ્ટેશનો ચર્ચગેટ અને સીએસટી. દસ જ મિનિટને અંતરે ઘરની નીચે બસસ્ટૅન્ડ અને ઘોડાગાડીનું સ્ટૅન્ડ. મુંબઈની ભાષામાં વિક્ટોરિયા. ખરા અર્થમાં રાજવી બેઠકની સવારી. ઘરની આગળ પાછળ અફલાતુન થિયેટર્સ. થોડા આગળ બીજા પણ થિયેટર્સ. નાટ્યગૃહો પણ નજીક. મુંબઈનાં પ્રમુખ અખબારોમાં ચાલતા જ જઈ શકાય. કોર્ટકચેરીઓ, સરકારી ઑફિસો, પોસ્ટ ઑફિસ, અનેક બૅંક… કોઈ પણ કામનું ટૅન્શન નહીં. પ્રખ્યાત શૉપિંગ ઍરિયા પણ બાજુમાં.

અમારા ઘરના આ તરફને છેડે બૉમ્બે પોર્ટ એટલે અંગ્રેજોએ આ બાજુને વિકસાવી સુવિધાઓ ઊભી કરી, અનેક સુંદર ઇમારતો બનાવી. પછી જેમ વસ્તી વધતી ગઈ એમ મુંબઈ પાઘડીપટ્ટે લંબાતું ગયું, પરાંઓ અસ્તિત્વમાં આવતાં ગયાં.

આકાશવાણી, ચર્ચગેટ

જે રેડિયોસ્ટેશન જતાં અમે કલાકો મુસાફરી કરીને થાકી જતાં તે મારા ઘરની પાછળ જ. મારા માટે સૌથી સુખદ આંચકો એ કે ઘર પાસેનો પુલ ઓળંગું કે મરીન ડ્રાઇવ, નરીમાન પૉઇન્ટ પર લહેરાતો અરબી સમુદ્ર! હવે તો વર્ષોથી મારો અઝીઝ દોસ્ત. અને હા, નાટકનાં રિહર્સલ્સ માટે ઑપેરાહાઉસના દેવધર હૉલ જવાઆવવા મેં જે હાડમારી વેઠી હતી તે દેવધર હૉલ બસ કે ટૅક્સીમાં દસેક મિનિટને અંતરે. પપ્પાને ધક્કા ખાવાના બચી ગયા એ મોટી હરખની વાત. પાછળ કબ્રસ્તાનની શાંતિમાં લહેરાતાં વૃક્ષો.

સાચા અર્થમાં ધરતીનો છેડો ઘર.

પહેલે માળે અમારું ઘર. બીજે માળ સોપાન લાભુબહેન મહેતા લેખક દંપતી. ઉપર જાણીતા નાટ્યકાર તેરસિંહ ઉદ્દેશી.

મધુરી કોટક

પછીથી ‘ચિત્રલેખા’નાં મધુરી કોટક બાજુમાં રહેવા આવ્યાં. મારી સામે મલકાની પરિવાર. જાણે અમે એક જ કુટુંબ.

‘ગુલબહાર’ અંદર અને બહાર મને ખૂબ વહાલું. ખૂબ જૂનું થયું છે, પણ વડલાને વર્ષો થાય એમ ઘટાદાર બને, વડવાઈઓ ફૂટે અને શીતળ છાયા આપે. મારું ઘર મારું વટવૃક્ષ.
* * *
સોનેરી સૂર્યકિરણો એવાં ઝગમગી રહ્યાં છે અને અનેક સ્મૃતિઓ ઉજાગર કરે છે. સમય નદીની ધારાની જેમ વહેતો રહે છે, પણ સાથે ઘાટ તો વહી જતા નથી. નિત્યનૂતન જલાભિષેક સાથે ઘાટ રહે છે સ્થિર. અવિચળ. એનાં આરસનાં પગથિયે બેસી સમયની સતત વહેતી નદીને જોતી રહું છું. એનાં શીતળ જળબિંદુઓથી મધુર કંપ અનુભવું છું.

1958માં અહીં રહેવા આવ્યા પછી જોઉં છું સમાજમાં, રહેણીકરણીમાં, લોકોનાં વિચારોમાં આવતું પરિવર્તન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમે ગાંધીયુગની જોયેલી સાદાઈ, સરળતા વિદાય લઈ રહી છે.

સમયે સમયે કાળ પણ પડખું ફરી રહ્યો છે. અમારી થોડીઘણી ઘરવખરી ગોઠવાઈ ગઈ હતી, જૂના પલંગોથી હવે બેડરૂમ બન્યા છે. ડામાચિયાને વિદાય અને એક કબાટમાં ગાદલાં રજાઈઓ આદર પામી ગોઠવાઈ છે. ખૂણામાં ઊભી રહેતી ચટ્ટાઈને અમે ભાવભરી વિદાય આપી હતી. મહેમાનોને નીચે બેસાડવાની પરંપરા જાણે ગઈ સદીની વાત.

વિજય ઍસ્ટેટમાં કોઈને પણ ઘરે સોફા નહોતા. અમે બે બહેનોએ અમારી કૉલેજની સમૃદ્ધ ઘરની ફ્રૅન્ડ્ઝને ત્યાં જોયા હતા. ઈલાએ એની ફૅલૉશીપમાંથી રેકઝિનનાં સોફા ખરીદ્યા રૂપિયા 350ની અધધ કિંમતે! અધધસ્તો! ત્યારે હજી સોનું 150 રૂપિયાની આસપાસ હતું. સોફાનાં ગૃહપ્રવેશને અમે બહેનોએ હરખભેર વધાવ્યો.

અમારી ‘રંગભૂમિ’નાં અવ્વલ સેટડિઝાઇનર નારાયણ મિસ્ત્રી પપ્પાને એક વાર ઘરે મળવા આવ્યા. ઘર જોતાં જ કહે, ગુરુજી! હવે તો બધાં ડાઇનિંગ ટેબલ પર જમે છે. એમણે રસોડુંય જોયું, તો પ્લૅટફૉર્મ નહીં અને મોટી પથ્થરની અભેરાઈઓ. સ્ટૅન્ડિંગ કિચન પણ નવા જમાનાની દેન. નારાયણભાઈએ અનેક ખાનાવાળી કિચન કેબિનેટ, ડાઇનિંગ ટેબલ, ખુરશીઓ બનાવી. ડાઇનિંગ પર નવું નવું પ્રચલિત થયેલું લેમિનેશન! આવી સુંદર લીસી સપાટી પર હાથ ફેરવતાં નવાઈ લાગતી.

જોકે પપ્પાને ભલી એમની આરામખુરશી. ગોઠણ વાળી. એની પર પેડ રાખી સડસડાટ પેન ચાલે, ચાલતી રહે.

હજી ગૅસ સાથે સગડીની જુગલબંધી ચાલુ હતી. એક જ સિલિન્ડર મળતું અને પૂરું થયા પછી બીજું ઝટ મળતું નહીં. એટલે પ્રાઇમસ અને સગડી હજી પ્રાઇડ ઑફ પ્લૅસ ઇન કિચન. કૉલેજ જતાં અમે બહેનો સામે નીચે બેસીએ અને મમ્મી સગડીમાંથી ગરમ ફૂલકાં સીધાં થાળીમાં પીરસે. ઓળાનાં રીંગણાં સગડીએ શેકાવાની મીઠી સુગંધ ઘરમાં ફેલાતી. શું સ્વાદ અને સુગંધ!

ઘરની સાવ પાસે જ બબ્બે થિયેટર. ભવ્ય અને નકશીકમાનવાળા સુંદર. રૅડ કાર્પેટ અને એ.સી. અનેક લોકપ્રિય, પ્રખ્યાત ફિલ્મ્સનાં ત્યાં ભપકાદાર પ્રિમિયર થતાં. મનુ સુબેદાર લિબર્ટીની ફિલ્મનાં પાસ મોકલતા.

લિબર્ટી સિનેમા (૧૯૪૯ની એક તસવીર)

મમ્મી અને અમે તો આમ પણ રસનાં ઘોયા. બનીઠનીને ઊપડતાં. મમ્મી સગડી પર ખીચડી મૂકતી. એકદમ માપસર કોલસા. અમે શો પછી ઘરે આવીએ ત્યારે ખીચડી સરસ સીઝી ગઈ હોય તોય પપ્પા લખતાં લખતાં ઊઠી રસોડામાં ડોકિયું કરી લે. અમે જ્યારે પણ બહારથી આવીએ ત્યારે ભાઈ કે પપ્પાએ ઘરનાં કોઈ નાનાં કામ બાકી હોય તે કરી લીધા હોય. અમે તૈયાર થઈને ક્યાંય પણ બહાર જઈએ એટલે પપ્પા ખુશ થતાં.

મને યાદ છે, સત્યજીત રેની ફિલ્મ્સ જોવા હું અને ઈલા ઘાટકોપરથી દૂર દૂરનાં થિયેટરમાં જતાં. ઘરે આવતાં મોડું થઈ જતું, પણ પપ્પા પહેલાં પૂછે, કેવી હતી ફિલ્મ! વિજય ઍસ્ટેટથી અમારું છોકરીઓનું ટોળું નીકળતું, કૂર્લા જેવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પહોંચી જતું, સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં ક્લાસિકલ ડાન્સ જોવા માટે. પણ એવી કોઈ વાતની એમને નારાજી નહીં.

પપ્પા દિવસભર લખે, સાંજે સવારનું ખાઈ લે, થોડી વાર સૂઈ જાય. (જમીન પર, જાડી શેતંરજી પર. બે કઠણ તકિયા.) પછી પુસ્તક લઈ પ્રિન્સેસ સ્ટ્રીટ જવા નીકળે.

પ્રિન્સેસ સ્ટ્રીટ

ત્યાં ગુજરાતી પ્રકાશકોની દુકાનો. આમ તો ઘરની નજીક પણ ભરચક્ક મુંબઈની ગિરદી સાંજની અને ચારપાંચ ક્રૉસિંગ હોય. એ નિરાંતે પુસ્તક વાંચતાં વાંચતાં જ પ્રીન્સેસ સ્ટ્રીટ જાય. આર. આર. શેઠના પ્રકાશક ભગતભાઈ. એમના ટેબલ પર બેસી ડાયરો જમાવે. વિઠ્ઠલ પંડ્યા, સારંગ બારોટ પણ પહોંચી જાય, આજુબાજુની દુકાનના વેપારીઓ કે વાચકોય હાજર.

રાત્રે પાછા ફરે. વાંચવામાં રસ પડી જાય અને સ્ટ્રીટ લૅમ્પ નીચે ઊભા રહી જાય. આજુબાજુની કશી ખબર ન હોય, જાણે વહાણનાં મોરો વંઢાર પર દરિયા પર એક નજર માંડી ઊભેલા નાખુદા. મમ્મી અમને શોધવા મોકલે ત્યારે અમે પિતાપુત્રી ઘરે પાછાં ફરીએ.
* * *
કૉલેજમાં મારા ઇન્ટરનાં વર્ષ પછી મુંબઈ આવ્યા હતા, પણ પછીનાં બી.એ.નાં બે વર્ષ માટે કૉલેજ ન બદલવી એટલે મેં અને ઈલાએ હજી લોકલ સફર ચાલુ રાખી હતી અને માટુંગા જતા. બી.એ.માં મેં ઇકોનોમિક્સ લીધું હતું. પછી એ છોડી ગુજરાતી-સંસ્કૃતને શરણે ગઈ. ઈલાની નોટ્સનાં તરાપાથી ડિગ્રીનો દરિયો તરી ગઈ. આમ જુઓ તો પીંજરામાં પોપટ અને પોપટમાં રાજકુંવરીનો જીવ એમ મારો જીવ નાટકમાં ભરાયો હતો. બી.એ.નો ઇડરિયો ગઢ જીતી ગઈ. આનંદ ભયો.

B.A 1960

કેરિયર શબ્દ હજી પ્રચલિત ન હતો. પાર વિનાની ડિગ્રીઓ અને અભ્યાસક્રમોનાં ઝાઝાં ઑપ્શન્સ પણ ક્યાં હતાં! કેટલીક ડિગ્રીઓ તો હજી અસ્તિત્વમાં જ નહોતી! બી.એ.નાં મારા ગુજરાતીનાં ક્લાસમાં અડધા જેટલા તો યુવાનો હતા. આજે એવી કલ્પના પણ ન આવે. મુંબઈની કૉલેજમાંથી ગુજરાતી જ હવે નીકળી ગયું છે. બી.એ. પછી મોટા ભાગની વિદ્યાર્થિનીઓ સાડીધારી અને ઘણાં સંસારમાં વ્યસ્ત. છોકરાંછૈયા સાથે.

મારે માટે પ્રશ્ન હતો હવે? નાટક ફૂલ ટાઇમ પ્રૉફેશન તો હતું નહીં.

‘બાંધી મૂઠી લાખની’નું એક દ્રશ્ય

ભણવાનું તો ખરું, પણ શું? ભાઈબહેનોની વિદ્યાયાત્રા ચાલુ હતી. મારી રૂઇયાની બે બહેનપણી ગીતા વસંત સાથે નક્કી કર્યું, ચાલો કંઈ નવું ભણીએ. અમે એમ.એ.માં સોશિયૉલૉજીમાં ઍડમિશન લીધું. યુનિવર્સિટી મારા ઘરની પાસે જ હતી ત્યારે.

વિષય તો એમ જ લઈ લીધો, પણ પછી પહેલી વાર ભણતાં ભણતાં વિષયમાં રસ પડ્યો. પ્રોફેસર હતા અક્ષુભાઈ. પ્રખ્યાત લેખક ર. વ. દેસાઈના પુત્ર. ‘પૂર્ણિમા’ના રિહર્સલ્સમાં અક્ષુભાઈ, નીરાબહેન ક્યારેક આવતાં, શોમાં પણ આવેલાં. એટલે એ જુદો સંબંધ પણ હતો. ક્લાસમાંથી અમને પ્રૅક્ટિકલ નૉલેજ માટે વિમેન રેસ્ક્યુ હોમ્સ, શેલ્ટર્સ, બાળ-કિશોર સુધારગૃહોમાં લઈ જતાં. મને યાદ છે.

અમે આવા એક સુધારગૃહમાં ગયેલા ત્યારે દીવાલો પર લોખંડની સાંકળ લટકતી હતી. હા, એ જૂની જેલ હતી, પણ બાળકોને માટે કેવો ભયંકર ઍક્સપીરીયન્સ હશે! વીમેન રેસ્ક્યુ હોમમાં એવી મહિલાઓને મળી, કે રાત્રે મને ઊંઘ ન આવે. એવાં પ્રસંગો સાંભળ્યા, એવું વાતાવરણ જોયું કે હૈયું દ્રવી ગયું. કદાચ ત્યારે જ મનમાં ઊંડે ઊંડે આ અનુભવો બીજ બની ધરબાઈ ગયા હશે!

પહેલીવાર જ સમાજનાં ચહેરા અને મહોરાં, બંનેનો પરિચય થયો. ભણવાનું હવે ગમતું હતું. અજાણતાં મારી ક્ષિતિજો વિસ્તરી રહી હતી. જુદી જુદી ભાષા, ધર્મ અને જાતિનાં વિદ્યાર્થીઓ અહીં હતા. બે કેનેડિયન ભારતની હિસ્ટ્રી પર પીએચ.ડી. કરતા હતા. ઘરે પપ્પા પાસે આવતા, પપ્પા સાથે ઇતિહાસની ચર્ચા કરતાં. મેથીનાં થેપલાં ઝાપટતાં. અહીં પણ ઇન્ટરકૉલેજીયટ યુનિ. ડ્રામેટિક કૉમ્પીટીશનમાં અંગ્રેજી, હિન્દી એકાંકીઓ ભજવ્યાં.
* * *
મમ્મીના શબ્દોમાં હજી ઘરની ખીચડી ખાઈ નાટકો કરતી હતી, પણ રિહર્સલ કે શોની લાંબી આવનજાવનમાંથી હવે મુક્તિ હતી.

રેડિયો પ્રૉગ્રામમાં અમને 15 રૂપિયાનો ચૅક મળતો, કલાકનું નાટક હોય તો જ વધુ મળે. કમાણી અમારી, વાપરવાની પણ અમારે. પપ્પાએ કમાતા શીખવ્યું અને બૅંકિંગ પણ.

અત્યાર સુધી કલાકારો પોતાની નાટ્યસંસ્થામાં કામ કરતા હતા. પ્રૉફેશનાલીઝમ હવે સમય સાથે ધીરે ધીરે આવી રહ્યું હતું. સ્પર્ધામાંથી અનેક નાટ્યકર્મીઓ ઘડાઈને બહાર આવી રહ્યા હતા. એક નાનું કવર શો પછી મળતું થયું હતું. નવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવતી જતી હતી. નાટકનો ચહેરો બદલાતો જતો હતો.

‘રંગભૂમિ’નાં કલાકારો પણ બહાર ક્યાંક કામ મળે તો હવે સ્વીકારતા હતા. મેં પણ ચંદ્રવદન ભટ્ટ, જગદીશ શાહ, ભારતીય વિદ્યા ભવનનું કલાકેન્દ્ર, આઈ.એન.ટી. સાથે (અલબત્ત ‘રંગભૂમિ’ની પરવાનગીથી) નાટકો કર્યાં. ગુજરાતનાં નાનાંમોટાં ગામોની મુસાફરી તો અવિરત! બસ, આનંદ હી આનંદ.
* * *
અમે પહેલીવાર મમ્મી માટે સુંદર હેન્ડલુમ સાડી ખરીદી હતી, મમ્મી ખૂબ ખુશ થઈ ગઈ હતી. ઈલાને લેકચરરશીપનો પગાર મળતો. અમને બંનેને સાડીનો શોખ. (આજે પણ) કૉલેજમાં પહેરવાની એને માટે સરસ સાડીઓ ખરીદવા અનેક બજારો ખૂંદી વળતા. ત્યારે કલકત્તી સાડી પહેરવાની ફૅશન. કડક કાંજી ઇસ્ત્રીદાર.

અમારા ઘર પાસે જ ત્રણ બંગાળી ભાઈઓએ કલકત્તી સાડીઓની દુકાન શરૂ કરી હતી. મુંબઈની ટૅક્સટાઇલ મિલોનીય સાડીઓનો શું દોરદમામ! પચ્ચીસ-ત્રીસ રૂપિયામાં સરસ સાડી મળતી. મફતલાલ મિલનું પ્રખ્યાત ફૂલવોયલ રેશમ જેવું, પાંત્રીસ રૂપિયામાં! હજી નાટકોમાં મોટે ભાગે પોતાનાં જ કપડાં અમે પહેરતાં, એટલે નાની એવી કમાણી થાય ત્યારે બુટ્ટી-બંગડીઓ-માળા એવું બધું ખરીદીને રાખવું પડતું.

હું એમ.એ.માં હતી. મુંબઈ યુનિવર્સિટીમાં પણ અમારી રૂઇયાની નાટ્યટીમ હતી. છૂટીછવાઈ નાટિકાઓ કે કોઈ સ્પર્ધામાં અમે ટીમ તરીકે ભાગ લેતાં, પણ અમે બધાં જીવનમાં હજી એવાં સેટલ થયાં ન હતાં કે અમારા પોતાના સ્વતંત્ર પ્રોડક્શનનો ખર્ચો ઉઠાવી શકીએ. એ સમયે આજના જેવી જાતજાતની સ્પર્ધાઓ અને ધરખમ ઇનામો ન હતા.

‘ઢીંગલીઘર’ને ભવનની એકાંકીસ્પર્ધામાં ભલે ટ્રૉફી ન મળી હોય, પણ અમારા સહુનું પ્રિય. એ વિષે ચર્ચાઓ થઈ હતી, અમારા શાનદાર પર્ફોર્મન્સ પછી દર્શકોમાં નાટક જાણીતું થયું હતું. ‘ગ્લાસમેનેજરી’ પણ અદ્ભુત નાટક હતું, પણ ગંભીર હતું એટલે કદાચ પ્રૉફેશનલ શો કરીએ તો ગણ્યાગાંઠ્યા આવતાં દર્શકોય ભાગી જાય. તો શું કરવું?

યુનિવર્સિટીની લોનમાં અમે ભેગાં થયાં. ચાલો ‘ઢીંગલીઘર’ ત્રિઅંકી ભજવીએ. આટલાં વર્ષો, શક્તિ, સમય અને થોડું ધન પણ સરસ નાટકો કરવા પાછળ ખર્ચ્યું. તો એક નારી સ્વાતંત્ર્‌યનાં ક્રાંતિકારી વિચારને કૉલેજ સિવાયનાં દર્શકો સુધી લઈ જવાનું, એક નેક કામ કરી લઈએ! થોડા સમયમાં કૉલેજનો ઉંબરો ઓળંગીને છુટ્ટા પડવાનાં હતાં. પણ ત્રિઅંકી ‘ઢીંગલીઘર’ કરતાં અમારી જાત ખર્ચાઈ ગઈ. (લોર્ડ) મેઘનાદ દેસાઈ, નવીન પારેખ, પન્ના મોદી, હરીશ ‘નર્મદ’ ત્રિવેદી… અને સહુએ નાટ્યવેદીમાં ઇંધણ હોમ્યા, પણ બીજા શો ન થઈ શક્યા.

ઢીંગલીઘર-રીયુનિયન

પણ છેલ્લું કશુંક ધમાકેદાર કરવાની ઇચ્છા તો રહી જ. સાથે ટ્રૉફીનું સપનું પણ. ત્યાં ભરતમુનિએ કૃપાદૃષ્ટિ કરી હોય એમ આઇ.એન.ટી.એ ત્રિઅંકી નાટકની સ્પર્ધા જાહેર કરી. હજી અમે હાર્યાં નહોતાં. લાસ્ટ ચાન્સ! આપણી વર્ષોની મૈત્રીની પાર્ટિંગ ગિફ્ટ! ચાલો, એક છેલ્લું નાટક કરીએ.

મેઘનાદ અને નવીને ‘ડાયલ એમ ફોર મર્ડર’ પર પસંદગીનો કળશ ઢોળ્યો. મેઘનાદ અમારો સ્ક્રીપ્ટગુરુ. એણે ફરી એક બ્રિલિયન્ટ સ્ક્રીપ્ટ લખી.

‘ડાયલ એમ ફોર મર્ડર’ અમેરિકન મર્ડર મિસ્ટરી ફિલ્મ હતી, માસ્ટર સ્ટોરી ટેલર આલ્ફ્રેડ હિચકોકે ડાયરેક્ટ કરેલી, જેના સ્ક્રીનપ્લે-ડાયલોગ્સ બ્રિટિશ નાટ્યલેખક ફ્રૅડરિક નૉટે લખ્યા હતા. અદ્ભુત ફિલ્મ. અમે બધાએ જોયેલી. (પછીથી હિંદીમાં પણ બની હતી.) અમે બધાં જ ચાર્જ્ડ અપ થઈ ગયાં. ડુ ઔર ડાઈ. ટ્રૉફી લેવી જ છે.

મેઘનાદે સ્ક્રીપ્ટને સરસ ભારતીય રૂપ આપ્યું, નામ ‘પાંચમે પગથિયે’. ઘરની એક ચાવીની આસપાસ આખા નાટકનું રહસ્ય છુપાયેલું. એ ચાવી ઘરને પાંચમે પગથિયે છુપાવેલી. તારક મહેતા હવે ફિલ્મ્સ ડિવિઝનમાં હતા. એમને સમય નહોતો, બીજા દિગ્દર્શકે મદદ કરી અને અમે બધાં પણ મેચ્યોર થયાં હતાં, ઘડાયાં હતાં. અમે અફલાતુન નાટક તૈયાર કર્યું અને સ્પર્ધાને દિવસે અમારી તમામ શક્તિઓ કામે લગાડી. માત્ર સ્પર્ધાનાં સ્પિરિટ માટે નહીં, પણ અમારી નિસ્વાર્થ મૈત્રી અને ટીમ સ્પિરિટને આ છેલ્લી સલામ હતી.

શોને દિવસે પહેલી જ હરોળમાં તારકભાઈ અને નાટ્યજગતના જાણીતા ચહેરા અને અમારા મિત્રો હતા. શો અત્યંત સફળતાપૂર્વક ભજવાયો. જેને સ્પાઇન ચિલિંગ સસ્પેન્સ કહીએ એવી બખૂબીથી ભજવાયું અને ઑડિટોરિયમમાં સન્નાટો! રૂંવાડાં ખડાં કરી દેતી ખૂન વખતની મારી ચીસ.

આજ સુધી જુદી જુદી ભૂમિકાઓ ભજવી હતી, પણ હોલિવૂડની જાજરમાન અભિનેત્રી ગ્રેસ કેલીનું પાત્ર ભજવવા મળ્યું એથી આ નાટક મારે માટે જાણે એક અવસર! ખૂની સાથેની મારી ઝપાઝપીનાં દૃશ્યોની અમે ખૂબ પ્રૅક્ટિસ કરી હતી. એ દૃશ્ય ખૂબ વખણાયું અને લો, અમે ટ્રૉફી જીતી જ લીધી! અમારી પાસે જે રિસોર્સિસ હતા બધા નાટકમાં જ કામે લગાડ્યા હતા. અમારો પોતાનો ફોટોગ્રાફર નહોતો બોલાવી શક્યા, પણ સંસ્થા પાસેથી અમારો ગ્રુપ ફોટો અને મારા હાથમાં ટ્રૉફી મળ્યો હતો એ મારો પ્રિય ફોટો છે.

‘ડાયલ એમ ફોર મર્ડર’નો ટ્રોફી સાથે ફોટો

ભારે હૈયે અમે છુટ્ટાં પડ્યાં. નવીન પારેખ કેનેડા સેટલ થયા અને કેનેડા-ભારતનાં સંબંધો વિષે રાજકીય જવાબદારીઓ સાથે નાટ્ય પ્રવૃત્તિઓ તો ખરી. મેઘનાદ, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. એ લંડનમાં સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર અને લૉર્ડ બન્યા. હરીશ ત્રિવેદી અમેરિકામાં ઇન્ડિયા ફાઉન્ડેશનમાં અનેકવિધ પ્રવૃત્તિ સાથે ‘નર્મદ’ નાટક અહીં સરસ ભજવ્યું. પન્નાબહેન પણ અમેરિકા.

વર્ષો પછી અમે ‘ઢીંગલીઘર’ રીયુનિયન કર્યું, મારે ઘરે. ખાસ પરદેશથી બધા આવ્યા. ‘ઢીંગલીઘર’નાં દિવસો માત્ર નાટકનાં નહીં, પણ અમારે માટે પરિશ્રમ અને નિષ્ઠાને સમજવાના, શીખવાના પણ દિવસો હતા. અંકુર ફૂટવાના, મહોરવાના પણ દિવસો હતા.

1962માં એમ.એ. પૂરું કર્યું. બસ, અબ ઔર નહીં. હવે નવા અધ્યાયનો આરંભ. ભણતરનાં અભેદ્ય કોઠામાંથી હું હવે બહાર નીકળી ગઈ.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. વર્ષાબેન ધીરે ધીરે જીવનકિતાબ ખોલતાં જાય છે અને આપણે કોઈ કલાસીક મૂવી જોઇ રહ્યા હોય તેમ મંત્ર મુગ્ધ ભાવે તેમાં ખોવાઈ જઇએ છીએ.